land or son books and stories free download online pdf in Gujarati

જમીન કે દિકરો

ચારેતરફ પક્ષીઓ ના કલરવ સિવાય નીરવ શાંતિ હતી. શિયાળો હવે ઉનાળામાં પ્રવેશ કરી ગરમીથી લોકોને દઝાડવાની તૈયારીમાં હતો. ખેતરના ઉતરભાગમાં આવેલા આંબા પર હમણા જ નવી કાચી કેરીઓ લાગી હતી. વરસો પુરાણા, ઘટાદાર ને વડવાઈઓ જેની જમીનમાં મૂળ નાખી ચુકી હતી એવા, ખેતરની નહેર પાસે આવેલા ઘટાદાર વડ ના ઝાડ હેઠે મગનકાકા હજુ હાલ પોરો ખાવા બેઠા હતા. પરોઢિયે  સાત વાગ્યે આવીને બળદોને પાપડી ખવડાવી, પાણી પીવડાવ્યું ને પછી લગભગ પોણા ભાગનુ ખેતર ખેડી નાખ્યું હતુ. 

ખેતરમા ખેતમજૂરી કરતા રવજીને ખાતર લેવા શહેર મોકલી દીધો હતો. મગનકાકા હવે એમના મોટા દિકરા અમરની ભાથુ લઈને આવવાની રાહ જોતા હતા. વડના છાંયડામાં આકરા બપોરની ધગધગતી ગરમીમાં પણ ઠંડક નો અનુભવ થતો હતો. મગનકાકાએ અમરના આવતા સુધી આરામ કરી લેવા વિચાર્યુ ને શંતોકબાએ જાતે પાટી ભરેલ ઢોયણી પાથરી લંબાવી દીધુ.

અચાનક "બાપુજી, બાપુજી" ની બુમો સંભળાતા કાકા સફાળા જાગી ગયા ને અવાજ તરફ નજર કરી તો જોયુ કે અમરની જગ્યાએ નાનકો દિપુ દોડતો એમની તરફ જ આવી રહયો હતો. જોતજોતામાં દિપુ આવી ગયો. મગનકાકાએ પુછયુ, "કેમ આમ દોટ નાખી છ? શુ થયુ ને આ અમરીયો કયાં રહી ગયો, હજુ સુધી આવ્યો નથી ભાથુ લઈને." દિપુએ હાંફતા હાંફતા જ જવાબ આપ્યો, "બાપુ, ભાથુ પછી કરજો, તમે ઝટ હાલો, અમરભાઈ અંહી આવા નીકળયા જ તા' ને સીમની બહાર કુવા પાસે અચાનક ચકકર ખાઈને ફસડાઈ પડયા, આ તો પુરૂષોત્તમ કાકા જોઈ ગયા તે વૈદના ત્યાં લઈ ગયા છે. ભાઈનુ શરીર દઝાડે એવા તાવથી ધકે છે ને શરીર પર બધે બળિયા પધાર્યા છે, મને તમને બોલાવવા જ મોકલ્યો છે, ઝટ હાલો" દિપુએ એકધારૂ બોલીને ઉંડો શ્ર્વાસ લીધો.

એ સમયમાં ટાઈફોઈડ અસાધ્ય રોગ ગણાતો. ભલભલા ડોકટર પણ દરદી ને સાજો કરી શકતા નહી ને કદાચ બળિયાદેવની દયાથી મટી પણ જાય તો આખા શરીર પર ચાઠા ને ખાડા રહી જાય. મગનકાકા પણ દિકરાની બિમારી વિશે સાંભળી ચિંતામાં પડયા. એમણે ફટાફટ એમની લાકડી ને શાલ લીધી ને દિપુ સાથે વૈદના ઘરે પંહોચ્યા.

વૈદના ઘરે ગામડાના લોકોનો ઠઠ જામ્યો હતો. લોકો અમરિયા માટે જીવ બાળતા હતા. કેટલાક દુનિયાભરના ઉપાયો સૂચવતા હતા તો કેટલાક ત્યાં પણ પંચાત કુટતા હતા. દિપુ ને મગનકાકા બધાને વટાવી અમરને સૂવાડયો હતો તે ખાટલા પાસે પહોંચ્યા. શંતોકબાએ રડીરડીને આંખો લાલ કરી હતી, વૈદકાકા અમર માટે કંઈક ઔષધિ વાટતા વાટતા બાને શાંત્વના આપતા હતા. મગનકાકા ને જોતા જ વૈદે કહયુ, "વડીલ, મે દવા પાઈ છે, એને રાહત પણ છે, પણ હમણાં આંખો ખોલીને ફરી પાછો બેભાન થઈ ગયો છે, અને તાવ બહુ વધી ગયો છે. આમ જ રહેશે તો છોકરો ખોઈ બેસશો, માટે મારી માનો તો શહેરમાં ડોકટર પાસે લઈ જાઓ."

વૈદની વાત સાંભળીને અને જુવાન દિકરાની અંદર ઉતરી ગયેલી આંખો ને જોઈને કાયમ કઠોર રહેતા મગનકાકા ની આંખોમાં આંસુ ઝળહળી ઉઠયા. શંતોકબાએ ફરી આક્રંદ શરૂ કર્યુ.

ડોકટર પાસે જવાની વાતથી જ મગનકાકા ના પગ નીચેથી જમીન ખસકી ગઈ. ડોકટરની ફી આપવાનુ ગજુ તેમનુ નહોતુ. હજુ હમણા જ શંતોકબાના સોનાના દાગીના મૂકીને જમીનમા વાવેતર કર્યુ હતુ. એમની જમીનનો અડધો ભાગ પાછો શેઠ પાસે ગિરવી હતો.

પણ ગામડાની અને ગામડાની લોકોની વાત જ અલગ હોય છે એ મગનકાકાને એ દિવસે સમજાયું. ગામના યુવાનનો જીવ બચાવવા
બધા જે કરી શકાય એ કરવા તૈયાર થયા ને મગનકાકા પાસે હજારેક રૂપિયા એ જમાનામાં ભેગા થઈ ગયા. પુરૂષોત્તમ કાકાએ ગાડુ જોડયુ. મગનકાકા, વૈદ ને દિપુ ગાડામાં અમર ને સૂવાડી એની પાસે બેઠાને ધુળની ડમરીઓ ઉડાવતુ ગાડુ
શહેર તરફ દોડવા લાગ્યું.

શહેરના ડોકટરે બરાબર તપાસ કરીને અમરને દવાનો એક ડોઝ ઈંજેકશન દ્વારા આપ્યો ને પાંચસો જેવા રૂપિયા લઈ લીધા. ડોકટર પછી મગનકાકા પાસે આવી બેઠા ને કહયુ કે,"ભાઈને તાવ બહુ વધારે છે અને ટાઈફોઈડ પણ વકરી ગયો છે. એને અંહી હોસ્પિટલમાં જ રાખવો પડશે. અને હા, તમારે દવાદારૂ અને હોસ્પિટલના રૂમના ત્રીસેક હજારની જલ્દી મા જલ્દી વ્યવસ્થા કરવી પડશે."

ત્રીસ હજાર ની વાત સાંભળતા જ મગનકાકા ઢીલા પડી ગયા. પુરૂષોતમકાકાને ત્યાં રોકીને દિપુ સાથે પૈસાની સગવડ કરવા મગનકાકા પરત ગામડે આવ્યા. આવીને એમણે સગા વહાલા , સંબંધી ને મિત્રો દરેક પાસે હાથ લંબાવી જોયો ,પણ બે ત્રણ સિવાય કોઈએ મદદ કરી નહી. ઘરનો ઘણોખરો સામાન વેચીને પણ દિવસના અંતે માત્ર ત્રણ હજાર ભેગા કરી શકયા. એ દિવસે ઘરમાં કોઈએ કંઇ ખાધુ નહી. મગનકાકા આખી રાત વિચાર કરતા બેસી રહયા.

પરોઢિયે કોઈ ને કંઈ કિધા વગર કાકા કંયાક ઉપડી ગયા ને છેક બપોરે ચાલીસેક હજાર રૂપિયા લઈ પાછા ફર્યા. બાએ પૈસા કયાં થી આવ્યા એ પૂછયુ તો નિરાશવદને જવાબ આપ્યો, "ભલે જીવથી વહાલી પણ દિકરાને બચાવવા આજે રહી સહી ધરતીનો પણ સોદો કરી આવ્યો, શંતોક". કાકા દિકરાના જીવ સાટું જમીન વેચી આવ્યા હતા. ઓરડામાં અંધકાર સમી નિરાશા વ્યાપી રહી.

બે પખવાડિયામાં અમર સાજો થઈ એ જ ગાડામાં કાકા સાથે ઘરે પાછો ફર્યો. લોકોએ અમરના ઓવારણા લીધા. મગનકાકાએ હવે શેઠના ત્યાં ખેતમજુર નુ કામ શરૂ કર્યુ હતુ. ઘરે પંહોચતા જ અમરે કહયુ, "હાલો બાપુ, જમીન પર જાવાનુ કયારનુ મન થયુ છે. તમે વાવણી પણ કરી હશેને, હવે તો." મગનકાકા પાસે હવે એવો કોઈ જવાબ નહોતો. તેમણે માત્ર એટલુ જ કહયુ કે, "હવે આપણી કોઈ જમીન નથી દિકરા, તને બચાવી લીધો એ બહુ છે અમારા માટે".

અમર દુ:ખ ભરી આંખે કાકા સામે જોઈ રહયો ને કંઈ કહે એ પહેલા મગનકાકાને કોઈ પોતાને ઢંઢોળતુ હોય એવુ લાગ્યું. આંખો ખોલી જોયુ તો નાનકડો બિટ્ટુ, અમરનો દિકરો એમને "દાદા, દાદા" કરી જગાડી રહયો હતો.
અમર સાથે ઘણીવાર ગામડે રહેવા જવાની વાત પર રકઝક થયા બાદ અમરે શહેરના એના મકાન પાસે જ નાનકડો પ્લોટ કાકાને અપાવ્યો હતો. કાકા એ પણ જાતજાતના ફુલો ને વનસ્પતિ ના છોડવા એમાં રોપ્યા હતા. આજે છોડ ને પાણી પાતા પાતા થાકી જઈને જમીન પર બેસેલા મગનકાકા ફરી વરસો પહેલા બનેલી ઘટનામાં પંહોચી ગયા હતા, ને બીટ્ટુ એ એમને પાછા બોલાવ્યા હતા.

એમણે નાનકડા બિટ્ટુ ને તેડયો ને વ્હાલ કરતા કરતા અમરે નવા બનાવેલા ઘરમાં ચાલ્યા.