Information Technology books and stories free download online pdf in Gujarati

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી

સંજના સાત વગાતા બારણાં પર ડોરબેલનો અવાજ સંભળાયો. સુમને રસોડામાથી હાથ લૂછતા લૂછતા આવી બારણું ખોલ્યું. આદિત્ય અંદર પ્રવેશ્યો. સુમને હસતાં ચહેરે તેના હાથમાથી બેગ લીધી. અને પાણી આપ્યું. થોડીજ વારમાં સુમન આદિત્ય માટે ચા બનાવી લાવી. આદિત્યએ બેઠકખંડના સોફા પર બેસી છાપું વાંચતાં વાંચતાં ચા પીધી. સુમન હંમેશા આદિત્ય સાંજે ઘરે આવે ત્યારે શાંત રહેતી. પતિ ઘરે આવે કે તરત જ તેના પર સમસ્યાઓ અને આપવીતીનો વરસાદ કરવો એ સુમનનો સ્વભાવ ન હતો. જ્યારે ઘરે આવી તરત જ ટી.વી.માં દેશ દુનિયઆના સમાચાર મેળવવા એ આદિત્યનો સ્વભાવ હતો.

નાનપણથી આદિત્ય ભણવામાં હોશિયાર. સી.એ. પૂરું કર્યું કે તરત જ શહેરની નામચીન કંપનીમાં નોકરી મળી ગઈ. લગ્ન પછી ખુબજ ઓછા સમયમાં શહેરના શ્રેષ્ઠ વિસ્તારમાં ઘરનું ઘર વસાવ્યું. ઘરમાં તમામ ઘરવકરી પણ વાસવી. જય અને રીંકું બંને બાળકો પણ સારી સ્કૂલમાં ભણતા હતા. બાળકો ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવે એટલે ઘરમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ વગેરે દરેક વસ્તુઓ આદિત્યએ વાસવી હતી.

પોતાની મહેનત અને કુશળતા વડે આદિત્યએ જે ઘરને ભૌતિક સગવડોથી ભર્યું હતું તેને સુમને પોતાના પ્રેમાળ સ્વભાવ અને કાર્ય કુશળતા વડે નિખાર્યુ હતું. સુમન હંમેશા ઇચ્છતી કે આખા દિવસની દોડધામ પછી રાતનો સમય માત્ર તેનો આદિત્યનો અને બાળકોનો હોય! ઘરની અગાસીમાં ધીમું સંગીત વાગતું હોય! આકાશમાં તારાઓ ટમટમતા હોય! અને ચંદ્ર વાદળોમાં સતાકૂકડી રમતો હોય! ચારે બાજુ સંપૂર્ણ શાંતિ છવાયેલી હોય! અને આ ક્ષણો માત્ર એકબીજાની હોય. તેમાં કોઈ અન્ય વ્યક્તિ કે અન્ય કામ વિક્ષેપ ન પાડે!

પણ સુમનનો આવો ખ્યાલ એ અત્યારે માત્ર એક સ્વપ્ન હતું. એ હકીકત હતી પણ લગ્નના શરૂઆતના વર્ષોમાં. એ સમયે સુમન અને આદિત્ય માત્ર એક રૂમ રસોડાના ભાડાના ફ્લેટમાં રહેતા હતા. ઘરમાં ટી.વી. હતું પણ મર્યાદિત ચેનલો હતી. મોબાઈલ અને કોમ્પ્યુટરની તો વાત જ ક્યાં કરવાની! લેન્ડ લાઇન ફોન પણ બાજુમાં હતો. એટલે ગામડે બા બાપુજી અને અંગત સગાઓને જ નંબર આપેલો હતો. વળી પડોશી નો નંબર હોવાથી રાત્રે દસ વાગ્યા પછી ફોન કરવો નહીં એવું આદિત્યએ કહી દીધેલું. તેથી આખો દિવસ એકબીજાથી દૂર રહેલા સુમન અને આદિત્ય સાંજ પછીનો સમય એકબીજાના સાનિધ્યમાં જ પસાર કરતાં હતા. તેમા કોઈના ફોન, ટી.વી. ના કાર્યક્રમ કે કોઈ પણ કામ વિક્ષેપ પડતાં ન હતા.

પણ સમય બદલાતો ગયો. આર્થિક સધ્ધરતાની સાથે સાથે ભૌતિક સગવડતાઓ પણ વધવા લાગી. અને ભૌતિક સગવડતાઓની સાથે સાથે જીવન વ્યસ્ત બનતું ગયું. અગાસીના ઠંડા પવનની લહેરો, હળવું સંગીત, ચારે તરફ શાંતિ, અને એકબીજાનો સહવાસ. તેનું સ્થાન હવે એર કંડિશનર રૂમ, વારંવાર મોબાઇલની રણકતી રિંગ, ટી.વી. ની વિવિધ ચેનલોના વિવિધ કાર્યક્રમો, ફેસબૂક અને ચેટિંગે લઈ લીધું.

ચાનો કપ નીચે મૂકતા મોબાઇલમાં રિંગ વાગી, “ હા બોલો બોલો સુરેશભાઇ કેમ છો? મજામાં? તમારો મેસેજ મળ્યો મને. તમે કહો છો એ પ્રમાણે કામ થઈ જશે. બસ બે દિવસ આપો. તમે એક કામ કરજોને હું તમને વોટ્સ એપ કરું એટલા ડોક્યુમેંટ્સ રેડી રખાજો......” સુમન થોડી વાર બેઠી પણ પછી લાગ્યું કે આદિત્યની મોબાઇલમાં વાત પૂરી નહીં થાય એટલે ફરી રસોડામાં જઈ રસોઈમાં વ્યસ્ત થઈ. લગભગ પંદર વીસ મિનિટ પછી આદિત્યની વાત પૂરી થઈ. આદિત્ય ફરી રિમોટ લઈ ટી.વી. ચાલુ કરી ન્યૂઝ જોવા લાગ્યો.

પ્રધાનમંત્રીની વિદેશયાત્રા, સંસદસભા ની ચર્ચાઓ ક્રીકેટમેચની હારજીત, મોસમની આગાહી વગેરે સમાચારોમાં આદિત્ય મશગુલ હતો ત્યાં ડોરબેલ વાગી. આદિત્યએ બારણું ખોલ્યું. કોઈ બે અજાણ્યા માણસો કોઈક નું ઘર શોધતા હતા. એમણે પુછ્યું, “સર, પ્લીઝ મને કહેશો અશોકભાઇ શાહનું ઘર ક્યાં છે?

“બ્લોક નંબર છે તમારી પાસે?” આદિત્યએ પ્રશ્ન કર્યો. “ના, એક્ચ્યુલી એમનો મોબાઈલ લાગતો નથી અને બ્લોક નંબર નથી. બસ એ ખબર છે કે તેઓ આ લાઇનમાં રહે છે.” પેલા માણસોએ કહ્યું.

“તો આઈ એમ સોરી, જરા આગળ પૂછી લેજોને!” કહી આદિત્ય ઘરમાં પાછો ફર્યો. એટલામાં તરત જ સુમન રસોડામથી બહાર આવી અને પેલા અજાણ્યા માણસોને ઊભા રાખ્યા, “ભાઈ, ઊભા રહો. આ લાઇનમાં ત્રીજું ઘર. તે જ અશોકભાઇ નું ઘર છે.” “થેન્ક યુ બહેન.” કહી પેલા માણસો તે તરફ ચાલ્યા. રસોડામાં પાછા ફરતા સુમન બોલી, “શું, તમે પણ! અમેરિકા ના પ્રમુખ કોણ છે એ ખબર છે પણ બાજુના ઘરમાં કોણ રહે છે એ નથી ખબર.”

“એ બધુ તારું કામ.” કહી આદિત્યએ ફરી પોતાનું ધ્યાન દેશ અને દુનિયાની ખબરોમાં કેન્દ્રિત કર્યું. જમવાનો સમય થયો એટલે જય, રીંકું, સુમન અને આદિત્ય સાથે જમવા બેઠા.જમતા જમતા જય અને રીંકું તોફાન મસ્તી કરતાં હતા. સુમન અને આદિત્ય પણ તેઓની સાથે હસતાં તો ક્યારેક તેઓને વારતા હતા. એટલામાં ફરી મોબાઇલની રિંગ વાગી. આદિત્યએ મોબાઇલની વાત સાથે જમવાનું ચાલુ રાખ્યું. એક બાજુ આદિત્ય નું જમવાનું પૂરું થયું. અને એક બાજુ તેની વાત પૂરી થઈ.

સુમન ક્યારની રાહ જોઈ રહી હતી કે આદિત્ય હમણાં પૂછશે પણ આદિત્યને કઈ યાદ ન હતું. એટલે સુમને જ સામેથી પુછ્યું, “સવારે બાપુજીનો ફોન હતો. એમના ઘૂંટણ ના દુખાવા માટે કોઈ સારા ડોક્ટર ની તપાસ કરવાનું કહ્યું હતું તમે તે તપાસ કરી?” “ અરે સાવ ભૂલી જ ગયો. આજે કામમાં એટલો વ્યસ્ત હતો કે યાદ જ ન આવ્યું. કાલે ચોક્કસ તપાસ કરી લાઈશ.” સુમનના ચહેરા પર ગુસ્સો અને દૂ:ખ ની લાગણી ફરી વળી. પણ માત્ર એટલું જ બોલી, “તમે દર વખત કાલે તપાસ કરી લઇશ એ જ જવાબ આપો છો.” “આ છેલ્લી વખત બસ, સુમન, હમણાં ઓફિસમાં કામ એટલું બધુ રહે છે કે સમય જ નથી મળતો. એટલે જ તો મે મારૂ પર્સનલ લેપટોપ લઈ લીધું. જેથી ઓફિસનું થોડું કામ રાત્રે ઘરે પણ કરી શકાય. બસ, જમીને એ જ કરવા બેસું છું.” આદિત્ય ની આ વાત સાંભળી સુમન બોલી, “આદિત્ય, તમને નથી લાગતું કે લેપટોપ આવ્યા પછી ઘર પણ હવે ઓફિસ જેવુ જ બની ગયું છે.

“કમ ઓન સુમન!” કહી આદિત્યએ સુમનનો પ્રશ્ન હસવામાં ઉડાવી દીધો. “આ જ તો ઉંમર છે મહેનત કરી લેવાની, પૈસા કમાઈ લેવાની.” “અને કોઈના દિલની લાગણી સમજાવાની? પત્નીની સાથે બે ઘડી વાતો કરવાની? બાળકો સાથે બાળક બનીને રમવાની? ઘરડા માં બાપ ની સંભાળ લેવાની ઉંમર કઈ હોય છે, આદિત્ય?” સુમનના મનમાં આ દરેક પ્રશ્નો ફરી વળ્યા પરંતુ તે આદિત્યના સ્વભાવને જાણતી હતી. થોડી વાર થઈ ત્યાં કોઈ દૂરના સંબંધી ઘરે બેસવા આવ્યા. સુમને પ્રેમથી આવકાર આપ્યો, “અરે, વિનોદભાઇ રીનાભાભી આવો આવો! ઘણા દિવસે આવ્યા. કેમ એકલા આવ્યા? બાળકોને ન લાવ્યા?”

“જુઓને બહેન, આ ટી.વી. અને મોબાઇલના સમયમાં બાળકોને ક્યાં કોઈને હળવા મળવામાં રસ છે?” વિનોદભાઈએ જવાબ આપ્યો.

“બાળકોને શું મોટાઓને પણ.” સુમન ફરી મનમાં જ બોલી. આવેલા મહેમાનોએ ઠંડુ પીધું. અને ઘણી વાર બેઠા. પણ મહેમાન અને મેજબાન બંનેનો મોટા ભાગનો સમય ટી.વી. માં આવતા પ્રોગ્રામોને નિહાળવામાં જ ગયો. અને પછી મહેમાને વિદાય લીધી. આદિત્ય લેપટોપ લઈ ઓફિસનું કામ કરવા બેઠો. જય અને રીંકું હોમવર્ક કરતાં હતા. સુમન બંને બાળકો ને શીખવતી હતી. જયે લખતા લખતા સુમનને એક સવાલ પૂછ્યો, “મમ્મી, આ ક્વેશ્ચનનો આંસર શું આવે,”What is meant by information technology?” and “What are the advantages and disadvantages of it?”

સુમનની નજર ઘરમાં પડેલા મોબાઈલ ટી.વી, ફોન, કોમ્પ્યુટર મેગેઝીન, સમાચાર પત્ર વગેરે પર પડી. એક ક્ષણ તે વિચારતી રહી પછી બોલી, “બેટા તારા પપ્પા તેના વિષે સારી રીતે સમજાવી શકશે. તું એમને પૂછને!”

જય નોટબૂક લઈ આદિત્ય પાસે ગયો. આદિત્યએ કહ્યું, “ અરે બેટા, આપણે ટી.વી. માં વિવિધ સમાચારો મેળવીએ છીએ, મનોરંજન મેળવીએ છીએ, મોબાઈલ દ્વારા દુનિયાના ખૂણે રહેતી વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ અને વળી કોમ્પુટર અને ઇન્ટરનેટ તો ઇન્ફર્મેશનનો અખૂટ ખજાનો. તમે ઘેર બેઠા દુનિયાની કોઈ પણ માહિતી ખુબજ ઓછા સમયમાં મેળવી શકો છો. આને કહેવાય ઇન્ફોરશન ટેક્નોલૉજી. જેના લીધે માત્ર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે રાજ્ય રાજ્ય વચ્ચે નહીં પણ દેશ દેશ વચ્ચેની આંતરક્રિયાઓ ખુબજ સરળ બની છે. એટલે જ તો કહેવાય છે કે ઇન્ટરનેટ ના કારણે દુનિયા નાની બની ગઈ છે. સમજાયું? બીજું પણ ઘણું બધુ છે પછી કહીશ ઓકે!”

“હા પપ્પા સમજાઈ ગયું. પણ આ તો વાત થઈ એડવાનટેજીઝ ની What’s about disadvantages? “અ....એક કામ કર બેટા, એ તારી મમ્મી પાસે લખાવી લે ને. મારે ઘણું કામ છે. ઓકે! ગુડ બોય.” જય નોટબુક લઈને સુમન પાસે ગયો, “મમ્મી, હવે disadvantages તું લખવાને. પપ્પાને કામ છે.”

સુમનના મનમાં સવારથી લઈને સાંજ સુધીની તમામ ઘટનાઓ બાપુજીનો ફોન આવવો, આદિત્યની મોબાઈલ પરની લાંબી લાંબી વાતો, અજાણ્યા માણસોનું અશોકભાઈનું એડ્રેસ પૂછવું, આદિત્યનો જવાબ, વિનોદભાઇ અને રીનાબેનનું ઘરે આવવું, આ બધાજ પ્રસંગો સુમનના સ્મૃતિપટ પર એક પછી એક પસાર થતાં ગયા. અને એ દરેકમાં આદિત્યની પ્રતિક્રિયા વિષે તે વિચારતી રહી.

“બેટા, ઇન્ફોર્મશન ટેકનૉલોજીથી દુનિયા તો નાની બની ગઈ પણ દિલથી દિલના અંતર વધી ગયા. લોકોની મોઢામોઢની આંતરક્રિયા તૂટી રહી છે. કામના કલાકો બદલાઈ રહ્યા છે. એકબીજાને મળવાનું અને ફુરસદના સમયની પ્રવૃતિનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જ્યાં એક બાજુ દુનિયાભરના લોકોનો ઇન્ટરનેટ દ્વારા સંપર્ક સરળ અને ઝડપી બન્યો છે. ત્યાં બીજી બાજુ સગા, પાડોશીઓ, મિત્રો અને સમુદાયના ઓળખીતાઓ સાથેની આંતરક્રિયાઓની ગુણવત્તા ઘટતી જાય છે.

જય શાંતિથી સુમનની વાત સાંભળતો હતો. સુમનની ઢળેલી આંખો હળવેથી ઊંચી ઉઠી અને આદિત્ય તરફ મંડાણી. આદિત્યની નજર હજુ પણ લેપટોપની સ્ક્રીન પર જ હતી અને આંગળીઓ કી બોર્ડ પર ફરતી હતી.

"યંત્ર બની ગયો છે માનવ"

યંત્ર બની ગયો છે માનવ

ટેક્નોલોજીના યુગમા, ડીજીટલના ચંગુલમા

બદલાઈ ગયો છે માનવ,

યંત્ર્ર બની ગયો છે માનવ.

આંબલી, પીપળી, સંતાકૂકડી અને ગીલીદંડો

વીડીયો ગેમની આડમા ભુલી ગયો છે બાળક.

યંત્ર બની ગયો છે માનવ.

સયુક્ત કુટુંબજીવન, ભેગા બેસીને ભોજન

ફાસ્ટ્ફુડના સ્વાદમા શહેરીકરણના પ્રવાહમા

પરિવારને ભુલી ગયો છે માનવ.

યંત્ર બની ગયો છે માનવ.

મુલ્ય હતુ સ્નેહનુ ધન કરતા વધારે

મુલ્ય હતુ મુલ્યોનુ સ્વાર્થ કરતા વધારે

પૈસા અને પ્રસિધ્ધીના ચક્રવ્યુહમા

અટવાઈ ગયો છે માનવ.

યંત્ર બની ગયો છે માનવ.

જુલી