જીવનનો અર્થ છે સતત શીખતા રહેવું in Gujarati Motivational Stories by Mohammed Saeed Shaikh books and stories Free | જીવનનો અર્થ છે સતત શીખતા રહેવું

જીવનનો અર્થ છે સતત શીખતા રહેવું

શીખવાનો અર્થ છે કંઇક જ્ઞાન પ્રાપ્ત કરવું, કોઈ કૌશલ્ય (સ્કીલ) વિકસાવવું કે માહિતી મેળવવી. આપણે અભ્યાસથી, ઉદાહરણોથી કે અનુભવથી શીખીએ છીએ. જીવન દરરોજ આપણને કંઇક નવું શીખવાડે છે. એ આપણા ઉપર છે કે આપણે એમાંથી કેટલું ગ્રહણ કરીએ છીએ, કેટલું શીખીએ છીએ. ખરા અર્થમાં તો સતત શીખતા રહેવું એનું નામ જ જીવન છે. આપણી બધી જ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ચામડી માહિતી મેળવવામાં ઉપયોગી થાય છે. આપણે બૌદ્ધિક રીતે ભલે સમાન ન હોઈએ પરંતુ દરેકમાં એટલી ક્ષમતા તો હોય જ છે કે નવી માહિતી, નવું જ્ઞાન, વિચારો મેળવીએ અને જીવનને બદલી શકીએ.

કંઇક જાણીને આપણે આસપાસના વાતાવરણને સમૃદ્ધ કરી શકીએ છીએ. માણસ કંઇક શીખે છે ત્યારે જાણે એક નવા જ વિશ્વમાં પ્રવેશ કરે છે. કાંઇ પણ શીખેલું ક્યારેય વ્યર્થ જતું નથી. આજે શીખેલું આવતીકાલે જરૂર કામમાં આવશે. કોઇ મહાપુરુષે યોગ્ય જ કહ્યું હતું,

અધૂરી કેળવણી ખતરનાક બાબત છે, પરંતુ શીખવાનો પ્રયત્ન જ ન કરવો એ લોકો માટે ભયંકર આફત બરાબર છે.”

સફળ થવા માટે કંઇકને કંઇક શીખવું આવશ્યક હોય છે. કોઈ પણ બાબતની સાચી સમજ આપણને હિમ્મત અને શક્તિ  આપે છે અને આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આપણે જે કાંઇ કરીએ એ માટે કેળવણી કે શિક્ષણની આવશ્યકતા પડે જ છે. લોકો એમ સમજે છે કે શાળા કોલેજનો અભ્યાસ કરી લીધો એટલે હવે નવું કંઇક શીખવાની કે અધ્યયન કરવાની આવશ્યક્તા નથી. વાસ્તવમાં શાળા-કોલેજના અભ્યાસનો અંત એ જીવનમાં કંઇક શીખવા માટેની ખરી શરૂઆત હોય છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ માણસ હોવાનો એક ભાગ છે અને એ ખૂબ આવશ્યક છે.

બાળક નાનું હોય ત્યારથી જ શીખવાની શરૂઆત થઈ જાય છે. આ પ્રક્રિયા જીવનભર અપનાવી રાખવી જોઈએ, કારણ કે આપણને જીવન એકવાર મળે છે. તેથી જેટલું વધારે શીખીએ એટલી આપણામાં છુપાયેલી શક્તિઓ અને ક્ષમતાઓને બહાર લાવી શકીએ. જે લોકો આ કરી શકે છે તેઓ સફળ થાય છે. શીખવા માટે જ્ઞાનેન્દ્રિયોને સતેજ રાખવી પડે છે. જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત એકશન અર્થાત્‌ કાર્ય કરવાથી વધુ શીખવા મળે છે અને અનુભવના આધારે શીખેલું જીવનભર યાદ રહે છે. એલ્વિન ટોફલર નામના ફ્યુટરોલોજિસ્ટે થોડા વર્ષો પહેલાં કહ્યું હતું કે

“ભવિષ્યમાં અભણ વ્યક્તિ એ નહીં ગણાય કે જેને વાંચતા લખતા નથી આવડતું, પરંતુ એ ગણાશે જેને કંઈ શીખતા જ નથી આવડતું.”

જીવન સમયથી બનેલું છે. અને સમય એક વહેતી નદી જેવું છે. એકવાર ગયા પછી પાછું આવતું નથી. એવી જ રીતે કંઈ પણ શીખવાની કે કામ કરવાની તક એક વખત ગયા પછી પાછી આવતી નથી. વોટ્‌સએપ ઉપર આવેલા એ ટુચકાને જરા જુદા સંદર્ભમાં આપણે જોઈએ તો સમજોશે કે આ ‘તક’ કેટલી કિંમતી હોય છે.

૧૦-૧૨ માણસનો કાફલો ખભે થેલા લટકાવી ચાલતાં ચાલતાં પોતાની મંઝિલે જઈ રહ્યો હોય છે. રસ્તામાં એક ટનલ જેવી જગ્યામાંથી પસાર થવાનો વારો આવ્યો. અંદર દાખલ થતાં જ ઘોર અંધકારમાં પગમાં કંઈક ખૂંચતું હોય એવું લાગ્યું. આપણને ચાલતાં આટલી તકલીફ પડે છે તો બીજોને આ તકલીફ ના પડે એ માટે જેટલા થઈ શકે એટલા આ અણીદાર પથ્થરોને રસ્તામાંથી ઉપાડી લેવા જોઈએ એવું વિચારનારા કેટલાક સજ્જનોએ એ પથ્થરોને શક્ય એટલા પોતાના થેલામાં ભરી લીધા. ટનલમાંથી બહાર નીકળી જ્યારે તેઓ પોતાની મંઝિલે પહોંચ્યા તો એમને એ પથ્થર યાદ આવ્યા. થેલામાંથી એ વજનને કાઢીને બહાર ફેંકી દેવા જોઈએ એમ વિચારી જ્યારે એમણે થેલા ખોલ્યા તો આંખો ફાટીને ફાટી જ રહી ગઈ! એ અણીદાર પથ્થરો વાસ્તવમાં હીરા હતા. જે લોકોએ જેટલા વધારે હીરા થેલામાં ભરી લીધા હતા તેઓ પોતાને એટલા વધુ ભાગ્યશાળી માનતા હતા, જેમણે ઓછા ભર્યા હતા એમને અફસોસ થતો હતો કે આપણે પણ વધારે ભરી લીધા હોત તો સારૂં થાત. અને જેમણે બિલકુલ લીધા જ ન હતા તેમને પોતાની જાત ઉપર તિરસ્કાર આવતો હતો અને પોતાના સ્વાર્થી વલણને લીધે તકથી હાથ ધોઈ નાખવાનો પસ્તાવો થતો હતો. આ નાનકડા ઉદાહરણથી સમજાય છે કે તક તો બધાની પાસે હોય છે પરંતુ જે એનો ઉપયોગ કરે છે એને જ લાભ મળે છે. દરેક દિવસ આપણને કંઇક શીખવાની તક આપે છે. દરેક દિવસે આપણે કોઇ માહિતી, કોઈ જ્ઞાન, કોઈ અનુભવ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો આવતી કાલે જ્યારે ‘અણીદાર પથ્થરો’, હિરાઓની જરૂરિયાત હશે ત્યારે એ તમારી પાસે નહીં હોય.

કેટલાક લોકો એવી દલીલ કરે છે કે હવે તો આપણી ઉમર થઈ ગઈ એટલે નવું કશુંક શીખી નહીં શકાય. એ લોકોએ જાણી લેવું જોઈએ કે ઈશ્વરે મગજની રચના એવી કરી છે કે માણસ જીવનભર શીખતો રહે તો એનું મગજ વધારે સક્રીય અને સતેજ થતું રહે છે. ન્યુરોસાયન્ટીસ્ટે શોધી કાઢ્યું છે કે આપણું મગજ સતત પરિવર્તન પામતું રહે છે અને કોષોને પોતાની મેળે જ રિપેર કરી લે છે. સતત માનસિક સ્ટીમ્યુલેશન દ્વારા મગજ નવા ટિસ્યુ બનાવતું રહે છે અને આપણી સ્મરણશક્તિ માં વધારો કરે છે જેથી આપણે ઝડપથી વિચારી શકીએ. જે લોકો નવું શીખતા રહે છે એમનું મગજ સક્રીય રહે છે અને અલ્ઝાઇમર (ભૂલી જવાની બિમારી) થતી નથી એવું પણ આ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે.

જે માણસ સતત શીખતો રહે છે એ માનસિક રીતે ઘરડો થતો નથી. માણસે નવી ભાષા શીખવી જોઈએ, નવા શોખ વિકસાવવા જોઈએ. આ વિશ્વમાં જ્ઞાનના ભંડારો એટલા બધા છે કે માણસ જીવનભર શીખતો રહે તો પણ એ બહુ ઓછું જ શીખી શકવાનો છે. કોઈ માણસ એ દાવો ના કરી શકે કે મેં બધું જ શીખી લીધું છે અને હવે શીખવાનું કંઇ બાકી રહેતું નથી. જે આવું કહે ત્યારે સમજી લેવું કે હવે એણે શીખવાનું બંધ કરી દીધું છે!

વિશ્વના સફળ માણસોના જીવન વિશે જાણશો તો જણાશે કે તેઓ સતત કંઈ નવું શીખતા રહેતા હતા. જે લોકો શીખવા માંગે છે એમના માટે કેટલાક મુદ્દા જરૂરી છેઃ

(૧) ઊંડી સમજ વિકસાવોઃ કોઈ પણ કાર્ય માટે એના વિશેની પૂરતી સમજ હોવી જરૂરી છે. ઊંડી સમજ વિકસાવવા માટે અધ્યયન અને વધારેમાં વધારે માહિતી એકઠી કરો. સારા પુસ્તકો વાંચો, ઓડિયો ટેપ્સ સાંભળો, ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરો. યુ ટ્યુબની મદદ લો, મહાપુરુષોની જીવન કથાઓ વાંચો કે જેઓ પોત-પોતાના ક્ષેત્રોમાં સફળ થયા હતા. ગુરૂને શોધી કાઢો જે તમને મદદ કરે. જેટલા સ્ત્રોતો વધારે હશે એટલું એ વિષયમાં તમે વધારેમાં વધારે શોધી અને સમજી શકશો.

(૨) નવા શોખ અને નવી કુશળતાઓ અપનાવો.

(૩) કાર્ય કરોઃ કાર્ય નાનું હોય તો સરળતાથી થાય છે. મોટા કાર્યથી ડરો નહીં. એને નાના નાના ભાગોમાં વહેંચી દો. પછી એ સરળતાથી થશે. આપણે કાર્યોથી શીખીએ છીએ અને આપણા જ્ઞાનના આધારે કાર્ય કરીએ છીએ. બંને એકબીજો વિના અધૂરાં છે.

(૪) વારંવાર પ્રેકટીસ કરોઃ કોઈપણ પ્રવિણતા કે કુશળતા મેળવવા માટે એ જ કાર્ય વારંવાર કરવું પડે છે. પ્રેકટીસ મેક્સ મેન (એન્ડ વિમેન) પર્ફેક્ટ.

(૫) તટસ્થતાથી અભ્યાસ કરોઃ કોઈ પણ પૂર્વગ્રહ વિના અભ્યાસ કે અધ્યયન કરવું જોઈએ. ખુલ્લા મગજ સાથે શીખવું અનિવાર્ય છે. બીજો લોકો શું કહે છે એ પણ સાંભળો. એનો અર્થ એ નથી કે એમણે કહેલું બધું જ સાચું છે. એમણે જે કાંઇ કહ્યું  એના ખરા-ખોટાની ચકાસણી કરો. પરંતુ એવું ન થાય કે પૂર્વગ્રહને લીધે તમે કંઇક નવું શીખવાથી વંચિત રહી જાવ.

Rate & Review

Shreya Patel

Shreya Patel 1 year ago

Mayur Bharvad

Mayur Bharvad 2 years ago

Shreya

Shreya 2 years ago

Paraliya Mitesh

Paraliya Mitesh 2 years ago

Lalit Sakhareliya