Worlds top 50 best movies Part 2 books and stories free download online pdf in Gujarati

વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૨

સ્વાગતમ દોસ્તો ! હોલીવુડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોના લિસ્ટની સફરે આપ સૌનું ફરી સ્વાગત છે. આ શ્રેણી લખવાનું શરૂ કર્યા પછી આઈ.એમ.બી.ડી/IMBDના લિસ્ટમાં થોડા ફેરફાર થયેલ છે. જેમ,કે કોકો(2017) નામની હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ દર્શકોનો પ્રેમ મેળવીને સીધી જ આ લિસ્ટમાં સામેલ થઇ ગઈ છે અને તેના કારણે થોડા નંબર આગળ પાછળ થયા છે. જો કે આપણી સફર તો ચાલુ જ રહેશે. તો ચાલો શરૂ કરીએ...

40. રેઇડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક(Raiders of the Lost Ark)(1981) :

સ્ટીવન સ્પીલબર્ગની રેઇડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક "ઇન્ડિયાના જોન્સ" સિરીઝની પહેલી ફિલ્મ છે. ફિલ્મ "સ્ટાર વોર" વાળા જ્યોર્જ લુકાસે લખેલી વાર્તા પર આધારિત હતી. આ ફિલ્મનું નિર્માણ પણ જ્યોર્જ લુકાસે જ કર્યું હતું. ફિલ્મ એક એડવેન્ચર ફિલ્મ છે જેમાં આર્કિયોલોજીસ્ટ ઇન્ડિયાના જોન્સ અને નાઝીઓ એક પ્રાચીન પેટીની શોધમાં હોય છે, જેના દ્વારા હિટલર એક અજેય સેના ઉભી કરવા માંગતો હોય છે.

ફિલ્મ પહેલા દ્રશ્યથી જ તમને જકડી લે છે. ફિલ્મ તમને બે કલાક માટે એક જબરદસ્ત સાહસિક સફર પર લઇ જાય છે. ફિલ્મ તમને આર્કિયોલોજીના ક્લાસ રૂમ, સાઉથ આફ્રિકાના જંગલો, તિબેટના ઊંચા પ્રદેશો, ઇજિપ્તના રણ, સબમરીન છુપાવવાના ઠેકાણા, એક એકાંત ટાપુ અને બે ખોવાયેલી કબરોની સફર કરાવે છે. જો તમે સાહસકથાઓ વાંચવાના શોખીન હોય તો આ ફિલ્મ તમારે ફરજીયાત જોવી રહી.

આ ફિલ્મને તે વર્ષના આંઠ ઓસ્કર નોમિનેશન મળેલા. જેમાંથી તે ચાર ઓસ્કર એવોર્ડ પણ જીતી ગયેલી. આ ફિલ્મ એક સમયે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મ યુ ટ્યૂબ પર મળી રહેશે.

"તમારે ભગવાન સાથે વાતો કરવી છે? ચાલો, આપણે તેની પાસે સાથે જઈએ. મારી પાસે અત્યારે તેના સિવાય બીજું કોઈ કામ નથી." - ધ રેઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્કનો ડાયલોગ.

39. ધ પિયાનિસ્ટ(The Pianist)(2002) :

"ધ પિયાનિસ્ટ" રોમન પોલાન્સ્કીની બહેતરીન ફિલ્મોમાંથી એક છે. "ધ પિયાનિસ્ટ" એક પિયાનો વગાડનાર યહૂદી સંગીતકારના જીવિત રહેવા માટેના સંઘર્ષની દર્દભરી કથા છે. આ ફિલ્મ એક સત્યકથા છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વાલ્ડેસેવ નામના પોલેન્ડના યહૂદી સંગીતકારની આ સાચી આપવીતી છે.

"ધ પિયાનિસ્ટ" ફિલ્મનું જમા પાસું તેની પટકથા છે. પોલાન્સ્કી જેવા જીનિયસ ડાયરેક્ટરે સરસ માવજત સાથે આ ફિલ્મ બનાવી છે. પોલાન્સ્કીના નામે વિશ્વ સિનેમાની ઘણી સર્વશ્રેષ્ઠ ફિલ્મો બોલે છે.

આ ફિલ્મના અમુક દ્રશ્યો સાચે જ હચમચાવી દે તેવા છે. ત્રીજા માળેથી ફેંકવામાં આવતી અપંગ યહૂદી મહિલાનું અરેરાટી પૂર્ણ દ્રશ્ય હોય કે પછી યહૂદીઓને એક લાઈનમાં સુવડાવીને તેમના માથામાં ગોળી મારતો નાઝી ઓફિસર હોય, પોલાન્સ્કીએ આ બધા જ દ્રશ્યોનું વેધક ચિત્રણ કર્યું છે.

ફિલ્મના અંતે યુદ્ધના કારણે નાશ પામેલા ઘરના કાટમાળ વચ્ચે પિયાનો વગાડતા સંગીતકાર અને તેને સાંભળતા નાઝી ઓફિસરનું દ્રશ્ય અદ્વિતીય છે.

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર એડ્રીયન બ્રોડી અને પોલાન્સ્કીને અનુક્રમે બેસ્ટ એક્ટર અને બેસ્ટ ડાયરેક્ટરના ઓસ્કર આ ફિલ્મ માટે મળેલા. આ સિવાય બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે નો ઓસ્કર પણ આ ફિલ્મને મળેલો.

38. મોર્ડન ટાઈમ્સ(Morden Times)(1936) :

આ લિસ્ટ ચાર્લી ચેપ્લિનની ફિલ્મો વગર અધૂરું રહે. આપણે ત્યાં ચાર્લી ચેપ્લિન એ માત્ર હાસ્યનો પર્યાય છે પણ હકીકતમાં ચાર્લી ચેપ્લિને વિશ્વને અદભુત ફિલ્મોની ભેંટ આપી છે. મોર્ડન ટાઈમ્સ તેમાની એક છે. આ ચાર્લી ચેપ્લિનની છેલ્લી સાઇલેન્ટ ફિલ્મ હતી. આ ફિલ્મ બની ત્યારે બોલતી ફિલ્મોનો યુગ શરૂ થઇ ચુક્યો હતો પણ ચાર્લીએ આ ફિલ્મ સંવાદો વગર બનાવવાનું નક્કી કર્યું. જો કે તેણે ફિલ્મમાં બીજા અવાજોનો ઉપયોગ કર્યો છે.

આ ફિલ્મથી ચાર્લીએ ફરી વાર સાબિત કરેલું કે તે સમય કરતા કેટલો આગળ હતો. આ ફિલ્મ ઔદ્યોગિક ક્રાંતિના કારણે મશીન જેવા બની ગયેલા માનવીના જીવન પર કટાક્ષ કરે છે. કદાચ એટલે જ આ ફિલ્મ અત્યારે પણ આપણને જોવી ગમે તેમ છે. અહીં, ચાર્લી એક મુફલિસની ભૂમિકામાં છે કે જેને એક કારખાનામાં કામ મળે છે. ધીરે ધીરે તેનો પણ આ યાંત્રિક અર્થતંત્રમાં એક યંત્રની જેમ સમાવેશ થઇ જાય છે. મોર્ડન ટાઈમ્સ પણ યુ ટ્યૂબ પર મળી રહેશે.

37. ધ ઇનટચેબલ્સ.(The Intouchables)(2011) :

આ મૂળ એક ફ્રેન્ચ ફિલ્મ છે. આ ફિલ્મને અંગ્રેજીમાં ડબ કરીને રજુ કરવામાં આવી હતી. આ ફિલ્મ પ્રમાણમાં ઓછી જાણીતી ફિલ્મ છે. ફિલ્મની કથા એક શ્વેત અપંગ વ્યક્તિ અને તેની સંભાળ રાખવાવાળા અશ્વેત વચ્ચેની મિત્રતાની છે. ફિલ્મનું જમાપાસું બન્ને મુખ્ય પુરુષ અદાકારો વચ્ચેની કેમેસ્ટ્રી છે. ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. મનુષ્ય હંમેશા સાથ જંખતો હોય છે. મનુષ્ય સ્વભાવની આ ખાસિયત આ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ પણ નેટ પર મળી રહેશે. આ ફિલ્મ તમને ઋષિકેશ મુખર્જીની ફિલ્મોની યાદ અપાવશે.

36. સીટી લાઈટસ(City Lights)(1931) :

સીટી લાઈટસ ચાર્લી ચેપ્લિનની એક અમર મૂક ફિલ્મ છે. આ ફિલ્મ પણ લગભગ બધાએ જોઈ હશે. ફિલ્મને ચાર્લી ચેપ્લિને જ ડાયરેક્ટ કરેલી હતી. આ ફિલ્મની વાર્તા પણ તેણે જ લખેલી હતી. ફિલ્મની કથા છે એક રસ્તે રજળતા મુફલિસની જે એક ફૂલ વેચવાવાળી આંધળી છોકરીના પ્રેમમાં પડે છે. ફિલ્મ એક ટ્રેજિક કોમેડી છે. ફિલ્મનો હીરો એ છોકરીને મદદ કરવા તમામ પ્રયત્નો કરે છે. ફિલ્મનું છેલ્લું દ્રશ્ય હૃદયસ્પર્શી છે. આ ફિલ્મને કોઈ એવોર્ડની જરૂર નથી. આ ફિલ્મ વિશ્વ ઇતિહાસની શ્રેષ્ઠ ફિલ્મોના કોઈ પણ લિસ્ટમાં વટભેર સામેલ થઇ શકે તેમ છે.

ફિલ્મનો ફેમસ બોક્સિંગવાળો સીન વિશ્વ સિનેમાનો સૌથી કોમેડી સીન છે. ચેપ્લિનની ફિલ્મો વૈશ્વિક અપીલ ધરાવતી હોય છે. ચેપ્લિનને ક્યારેય દેશ કે ભાષાની દીવાલો નથી નડી. ચેપ્લિનના ફેમસ પાત્રનો ફોટો કોઈને પણ બતાવો તે તરત ઓળખી જશે. ચેપ્લિનને બોલતી ફિલ્મો નહોતી ગમતી. તેઓ માનતા કે ભાષા દેશો વચ્ચેનું અંતર વધારે છે. આ માન્યતાને કારણે જ બોલતી ફિલ્મોનો જમાનો શરૂ થઇ ગયો હોવા છતાં "સીટી લાઈટસ" અને "મોર્ડન ટાઈમ્સ" જેવી મૂક ફિલ્મો તેમણે બનાવી. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર હાજર છે.

"કોઈ પણ કોમેડીને નજીકથી નિહાળશો તો તમને તેમાં છુપાયેલી ટ્રેજેડી દેખાશે." - ચાર્લી ચેપ્લિન.

35. કાસાબ્લાન્કા(Casablanka)(1942) :

કાસાબ્લાન્કા પણ સીટી લાઈટસની જેમ વિશ્વ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોના કોઈ પણ લિસ્ટમાં સમાવેશ પામી શકે તેવી ફિલ્મ છે. કાસાબ્લાન્કાની પટકથા વિશ્વ સિનેમાના ઇતિહાસમાં લખાયેલી સર્વશ્રેષ્ઠ પટકથાઓમાં સ્થાન પામે છે.

કાસાબ્લાન્કા કથા છે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મોરક્કોના કાસાબ્લાન્કા શહેરમાં એક બાર ચલાવતા નાયકની જેને બન્ને તરફના લોકો(નાઝી અને મિત્રરાષ્ટ્રો)થી કોઈ જ મતલબ નથી. શહેર કોઈ પણ સમયે નાઝીઓના હાથમાં જઈ શકે તેમ છે. નાયક પોતે સ્વાર્થી છે. તેને પોતાની જાતને બચાવવા સિવાય બીજી કોઈ બાબતમાં રસ નથી. એક રાત્રે તેના બારમાં તેની ભુતપૂર્વ પ્રેમિકા આવે છે કે જે હવે એક ફ્રેન્ચ ક્રાંતિકારી સાથે છે. અને ત્રણેય પાત્રો વચ્ચે સર્જાય છે, પ્રેમ, ફરજ અને દોસ્તીની પરીક્ષા લઇ લેતી ઘટનાઓ.

ફિલ્મની હિરોઈન ઇન્ગ્રીડ બર્ગમેનને તમે હોલીવુડની મધુબાલા કહી શકો. તેને આ ફિલ્મમાં નિહાળવીએ સાચે જ એક લાહવો છે. ફરજ અને પ્રેમ વચ્ચે પસંદગી કરવા મથતા નાયક તરીકે હમ્ફ્રી બોગાર્ટ સાચે જ પોતાનું પાત્ર જીવી ગયો છે. આ ફિલ્મ પરથી પ્રેરણા લઈને ઘણી હિન્દી ફિલ્મો બની છે એટલે કદાચ આ ફિલ્મ તમને ખાસ ન પણ લાગે. ફિલ્મ યુ ટ્યૂબ પર મફત જોઈ શકશો.

"જયારે દોસ્તો અને દેશ વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે ભગવાન મને દોસ્તોને પસંદ કરવાની તાકત આપે." - કાસાબ્લાન્કા ફિલ્મનો સંવાદ.

34. સાયકો(Psycho)(1960) :

આ ફિલ્મ વિશે જેટલું લખાય તેટલું ઓછું છે. આ ફિલ્મ સસ્પેન્સના બાદશાહ આલ્ફ્રેડ હિચકોકની સર્વશ્રેષ્ઠ ફિલ્મો માંથી એક છે. આ ફિલ્મનું બાથરૂમમાં ખૂન વાળું પ્રખ્યાત દ્રશ્ય લગભગ બધાએ જોયું જ હશે. દ્રશ્ય એટલું અસરકારક રીતે ફિલ્માવવામાં આવેલું કે ફિલ્મની હિરોઈનને વર્ષો સુધી એવું લાગતું કે કોઈ સાચે જ તેને બાથરૂમમાં મારી નાખશે. ફિલ્મનું મુખ્ય પાત્ર ખુબ જ પ્રખ્યાત થયું હતું. ફિલ્મનો ઓરીજનલ સેટ હજું સાચવી રાખવામાં આવ્યો છે. આ ફિલ્મની પ્રસિદ્ધિને વટાવવા માટે ફિલ્મના બીજા ભાગો પણ હિચકોકનાં મૃત્યુ પછી બનાવવામાં આવ્યા હતા. જે કમનસીબે પેહલા ભાગ જેટલા સફળ નહોતા થયા.

ફિલ્મની કથા છે ચાલીસ હજાર ડોલરની ઉચાપત કરીને ભાગી જતી એક યુવતીની, જે રસ્તામાં એક મોટેલમાં રાતવાસો કરે છે. મોટેલનો માલિક નોર્મન બેટસ પોતાની માતાની સાથે રહેતો એક સીધોસાદો યુવાન છે. આ પછી અણધારી ઘટનાઓ બનવાની શરૂઆત થાય છે.

આ એક વિચિત્ર મર્ડર મિસ્ટ્રી જે ભલભલાને ધ્રુજાવી દેવા સક્ષમ છે. એન્થોની પર્કિન્સે નોર્મન બેટસ તરીકે જબરદસ્ત અભિનય કર્યો છે. ફિલ્મની ખાસિયત એ છે કે જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ તેના મુખ્ય પાત્રો બદલાતા જાય છે. ફિલ્મની વાર્તામાં આવતા અવનવા વળાંકોને કારણે ફિલ્મ પ્રેક્ષકોને જકડી રાખે છે. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર મળી રહેશે.

33. ધ ગ્રીન માઈલ(The Green Mile)(1999) :

આ ફિલ્મ પણ ઓછી જાણીતી છે. ફિલ્મ આધારિત છે હોરર કથાઓના બાદશાહ સ્ટીફન કિંગની નવલકથા પર. ફિલ્મની કથા છે એક મૃત્યુદંડની સજા પામેલા કેદીની જે જેલમાં તેની આસપાસના કેદીઓ અને અધિકારીઓના જીવન બદલી નાખે છે. વ્યક્તિના દેખાવ અને રંગના આધારે લોકો તેના વિશે ખોટી માન્યતાઓ બાંધી લેતા હોય છે. ફિલ્મમાં આ વાતનું સરસ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હેન્રી ડોરમોન્ટે ડાયરેક્ટ કરી છે. તેમના નામે આ લિસ્ટમાં બીજી પણ એક ફિલ્મ બોલે છે જે આપણે સમય આવ્યે જોઈશું. આ ફિલ્મ તે વર્ષે ઓસ્કર એવોર્ડ માટે ચાર કેટેગરીમાં નોમિનેટ થયેલી. આ ફિલ્મ તમને ટીવી અને ઇન્ટરનેટ પર ચોક્કસ મળી રહેશે.

"મૃત્યુ એ આપણા સૌની છેલ્લી મંજિલ છે પણ ક્યારેક ત્યાં સુધી પહોંચવા માટેનો માર્ગ ઘણો લાંબો હોય છે." - ગ્રીન માઈલ.

32. વન્સ અપોન અ ટાઈમ ઈન ધ વેસ્ટ(Once Upon a time in the west)(1968) :

આ પણ મૂળ એક ફ્રેન્ચ ફિલ્મ છે, જે હોલીવુડમાં રજુ થઇ હતી. આ એક વેસ્ટર્ન કાઉબોય ફિલ્મ છે. આવી ફિલ્મોની અસર આપણી બોલીવુડની સીતેર અને એંશીના દાયકાની ફિલ્મો પર ઘણી જોવા મળે છે. આ ફિલ્મને જોઈને તમને હોલીવુડની બીજી એક ક્લાસિક ફિલ્મ "ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી" ચોક્કસ યાદ આવી જશે. આ બન્ને ફિલ્મો સર્જીયો લિઓને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મને વિવેચકો કરતા પ્રેક્ષકોનો પ્રેમ વધારે મળ્યો હતો.

ફિલ્મની કથા છે એક વિધવાની જેનો જીવ, હત્યારાઓથી બચાવવા બે અપરાધીઓ અને એક માઉથ ઓર્ગન વગાડતો અજાણ્યો વ્યક્તિ સાથે મળીને પ્રયત્ન કરે છે. તમને આ કથા સાંભળેલી કે જોયેલી લાગશે કારણ,કે આ જ કથા પરથી સિત્તેરના દાયકામાં આપણે ત્યાં ઘણી ફિલ્મો બનેલી. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર મળી રહેશે.

31. ઇન્ટરસ્ટેલર(Interstellar)(2014) :

ક્રિસ્ટોફર નોલેનની બેસ્ટ સાયન્સ ફિક્સન ફિલ્મ એટલે ઇન્ટરસ્ટેલર. આ ફિલ્મ કદાચ બધાએ જોઈ હશે. મગજનું દહીં થઇ જાય તેવી પટકથા છતાં ય ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ફિલ્માંકન જબરદસ્ત છે. ફિલ્મ તમને વર્મહોલ, બ્લેકહોલ, ગેલેક્સીના છેડે આવેલા ગ્રહો સુધીની સફર કરાવે છે. આ ફિલ્મ માટે નોલાને ઘણા ભૌતિક વૈજ્ઞાનિકોને પણ સાથે લીધેલા.

ફિલ્મની કથા છે એક પાયલોટની જે એક વૈજ્ઞાનિકોની ટીમ સાથે મૃતપ્રાય પૃથ્વી પર જીવી રહેલી માનવજાત માટે, એક નવો વસવાટ કરવા લાયક ગ્રહ શોધવા નીકળે છે. ફિલ્મની કથા સાથે રિલેટીવિટી, બ્લેક હોલમાં રહેલી સિંગ્યુલારિટી અને પાંચમા પરિમાણ જેવા અઘરા વિષયોને વણી લેવામાં આવ્યા છે. ફિલ્મ માનવ સ્વભાવના સારા-ખરાબ પાસાઓને પણ દર્શાવવામાં સફળ રહી છે. આ ફિલ્મને તે વર્ષનો બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટનો ઓસ્કર મળેલો. સાયન્સ ફિક્સન ફિલ્મોના રસિયાઓ માટે એક ફરજીયાત જોવા જેવી ફિલ્મ.

"મનુષ્યજાતનો જન્મ પૃથ્વી પર થયો છે પણ તે અહીં અંત પામવા સર્જાઈ નથી." - ઇન્ટરસ્ટેલર.

આ હતી ચાલીસથી એકત્રીસ નંબર સુધીની ફિલ્મો. આશા છે કે તમે સૌ આ ફિલ્મો ચોક્કસ નિહાળશો.

- નરેન્દ્રસિંહ રાણા

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)