Safarma madel humsafar - 31 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર ભાગ - 31

સફરમાં મળેલ હમસફર
ભાગ-31
સિહોરની જૂની બજારમાંથી પસાર થઈ રુદ્ર અને શુભમ જોડનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા.બંને પહોંચી તો ગયાં હતાં પણ ફરી એ જ સવાલ હતો.ટુકડો ક્યાં રાખવામાં આવ્યો હશે?
      મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ રુદ્રને ગજબ તાજગીનો અનુભવ થયો.પરસાળમાં પૂજારી પોતાનાં કામમાં વ્યસ્ત હતા.આ વખતે પણ શુભમે પહેલ કરી.
“જય ભોળાનાથ બાપુ”
“આવ આવ શુભમ,જય ભોળાનાથ”
“આ મારો મિત્ર છે,અમદાવાદથી આવ્યો છે.મેં વિચાર્યું મારા મિત્રને નવનાથના દર્શન કરાવું”શુભમે કહ્યું.
“સારી વાત કહેવાય, તારો વિચાર ઉમદા છે”
“અમે દર્શન કરી આવીએ બાપુ”શુભમે પ્રાથમિક ચર્ચા પુરી.બંને મંદિરના ઘુમ્મટ નીચે આવી ઉભા રહ્યા.ઘુમ્મટ નીચે બે ડંકા(ભગવાનને મળવાની ડૉર બેલ) લટકતા હતા.તેની નીચે નંદીની મૂર્તિ હતી.નંદીની મૂર્તિ આગળ એક કાચબાની મૂર્તિ.કાચબાની મૂર્તિ પછી એક દાનપેટી અને પછી શિવલિંગ.ભગવાનને મળવા આટલી પ્રોસેસમાંથી પસાર થવું જરૂરી છે.
“તો ભાઈ,હવે શું કરશું?”શુભમે બંને હાથની હથેળી ઘસી પૂછ્યું.
“કરવાનું શું હોય?તામ્રપત્ર શોધીશું”રુદ્રએ કહ્યું.
“હા પણ કેવી રીતે?,એ સામે ચાલીને તો નહીં આવેને?”શુભમે હસીને કહ્યું.
“આવશે આવશે..તું રાહ જો”રુદ્રએ કહ્યું.રુદ્ર શિવલિંગ પાસે ગયો,બાજુની દીવાલ પર મંદિરના નિર્માણનો ઇતિહાસ લખ્યો હતો.રુદ્રએ ધ્યાનથી એ લખાણ વાંચ્યું.
‘યસ….’રુદ્રને કંઇક સુજ્યું એટલે શિવલિંગ પર રહેલા નાના ઘૂમટને નીરખીને જોયો.તેમાં પૌરાણિક કલાકૃતિઓના ચિત્રો હતા.વચ્ચે એક તામ્રના ટુકડામાં અજીબોગરીબ આકૃતિઓ દોરેલી હતી.જેમાં વૃક્ષોની વચ્ચેથી એક માર્ગ પસાર થતો હતો.
“શુભમ…”રુદ્રએ બૂમ પાડી.શુભમ રુદ્ર પાસે આવ્યો.રુદ્રએ ઘુમટ તરફ આંગળી ચીંધી.
“આ રહી પહેલી કડી”રુદ્રએ એ આકૃતિ પર હાથ ફેરવી કહ્યું.
“તું કેવી રીતે નક્કી કરી શકે?”
“જો અહીં લખેલું છે.રાજાના સમયમાં મળેલા અવશેષો માંથી આ ઘુમટ બનાવવામાં આવ્યો છે. મતલબ જ્યારે અહીં અવશેષો મળ્યા ત્યારે આ ટુકડો પણ હતો.બીજીવાત આ આકૃતિને નીરખીને જોયા પછી માલુમ પડે છે કે બીજી બધી આકૃતિઓ કરતાં આ આકૃતિ જુદી છે.અને આ આકૃતિમાં કોઈ માર્ગ દેખાડ્યો છે.તો હું ચોક્કસ છું”
    શુભમે આકૃતિનું બીજીવાર નિરીક્ષણ કર્યું.
“વાત તો તારી સાચી છે પણ હવે આ કેવી રીતે કાઢીશું?”
“મોબાઈલ છે ને?,આપણે ફોટોઝ ક્લિક કરી લેશું.પછી કૉપી કાઢી લેવાની”રુદ્રએ હસીને કહ્યું.
“અરે વાહ…પહેલી કડી તો આસાનીથી મળી ગઈ”શુભમ ઉત્સાહિત અવાજે બોલ્યો.રુદ્રએ મોબાઈલ કાઢી જુદાં જુદાં એન્ગલથી આકૃતિના ફોટો ક્લિક કર્યા.
“હવે બીજી પહેલી વાંચીએ?”મંદિરની બહાર નીકળ્યા ત્યારે શુભમે કહ્યું.
“નેકી ઔર પૂછપૂછ?”શુભમે પોતાનાં મોબાઈલમાં રહેલાં ફોટોઝ ઓપન કરતાં કહ્યું.
“ભારતનો ઇતિહાસ જ્યાં રચાયો,
ત્યારે એક રાજા ફસાયો.
ઇતિહાસ રચ્યો તેણે આ પાવન કાર્ય કરીને,
પૂછો એને ત્યાં જઈને,બીજો ભાગ ક્યાં છુપાયો?”
“આ તો સહેલી પહેલી છે”શુભમે હસીને કહ્યું.
“ભારતના ઇતિહાસમાં કોઈ સિહોર આવ્યું હોય અને આપણી નજરમાં હોય એવું એક માત્ર વ્યક્તિ છે.નાના સાહેબ પેશ્વા.1857 ના સંગ્રામ સમયે તેઓ અહીં આવેલા.સિહોરના રાજાએ તેને પનાહ આપેલી.”શુભમ પાસે લોકવાયકામાં સંભળાતી વાતો હતી એ કહી.
“મને નથી લાગતું.સિહોરના રાજાએ તેઓને પનાહમાં રાખીને કોઈ મહાન કાર્ય તો નહોતું જ કર્યુને?નાના સાહેબ કદાચ બીજા પાસે પનાહ લેવા ગયા હોત તો એક ભારતના સ્વતંત્રતાનીને કોઈપણ પનાહ આપવા તૈયાર થઈ જાત.એ તો કોઈ અંગત સંબંધને કારણે અહીં આવ્યા હશે.કદાચ”રુદ્રએ આંખે ગોગલ્સ ચડાવ્યા.બાઇકને સ્ટેન્ડ પરથી હટાવી.
“અરે પણ અહીં તેની મૂર્તિ પણ છે.આપણે ત્યાં જઈને તાપસ કરીએ તો?”શુભમે બાઇક પર બેસતા કહ્યું.
“તું કહે તો તપાસ કરીએ.પણ પહેલીવારની જેમ તારો આ તર્ક પણ ખોટો જ પડવાનો છે”રુદ્રએ હસીને કહ્યું. શુભમે રુદ્રના પેટે ચીમટો ભર્યો.
    બંનેએ અડધી કલાક સુધી મૂર્તિને જુદા જુદા એન્ગલથી જોઈ.પણ મૂર્તિની આસપાસ કોઈ એવી વસ્તુ ના મળી જે નક્શા જેવી હોય.આખરે શુભમે કંટાળીને કહ્યું,
“તું સાચો હતો યાર,આ નાના સાહેબ તો રમાડી ગયાં”
“ના મળશે મળશે.તું હજી એકવાર કોશિશ કરી જો”રુદ્રએ કટાક્ષ ભર્યા અવાજે નકશો શોધવાનું નાટક કર્યું.
“મને ભૂખ લાગી છે”શુભમે વાત બદલવાના ઈરાદાથી કહ્યું.શુભમને જ્યારે પણ વાત બદલવી હોય ત્યારે એ ભૂખનું બહાનું કાઢતો.
“મને પણ ભૂખ લાગી છે”રુદ્રએ પેટ પર હાથ ફેરવ્યો, “ખજાનો તો પછી પણ શોધી શકાશે, પેલાં પેટ પૂજા.ચાલ આપણે હવેલી જઈએ”
“મારે હવેલીમાં નથી આવવું,એ લોકોથી મને નફરત છે”શુભમે દાંત ભીંસી મોઢું બગાડ્યું.
“એવું તો શું થયું હતું તારી સાથે કે તું એ લોકોને ધિક્કારવા લાગ્યો?”રુદ્રએ વિચારીને શબ્દો ગોઠવ્યા, “તારી ઈચ્છા હોય તો વાત શૅર કરી શકે છે”
“લાંબી કહાની છે યાર”શુભમે નિસાસો ખાધો.પછી પોતાની ગરદન નીચે જુકાવી દીધી.રુદ્ર સહેજ ગંભીર થયો.શુભમ પાસે આવી તેના ખભા પર હાથ રાખ્યો.
“માન્યું કે આ ખજાના પાછળ આપણે પાગલ છીએ પણ તું મારો દોસ્ત છે.તને મનમાં વાત છુપાવવાની આદત છે એ પણ હું જાણું છું.જો તું વાત કરીશ તો મન હળવું થઈ જશે.”
“મન હળવું કરીને શું કરવું દોસ્ત?,જેની લાઈફમાં મુસીબતો મહેમાન નહિ પણ સભ્ય બની ઘર કરી ગઈ હોય એ કંઈ દાસ્તાન કહે?,હું જેટલું કહીશ એટલો એકલો પડીશ”શુભમનો અવાજ ભીંનો હતો.વરસાદ વરસ્યા પછી છોડના પાંદડા પર ટીપાં બાજી ગયાં હોય તેટલો ભીંનો.
“જો તું મનમાં રાખીશ તો આમ પણ ઘૂંટાઈશ.એનાથી સારું કોઈને વાત કહીને ઘૂંટાઈશ તો વધુ સારું રહેશે.”રુદ્રએ શુભમનો ચહેરો ઉંચો કરી,તેની આંખોમાં આંખ પરોવી કહ્યું, “હું પણ તારા દુઃખમાં ભાગીદાર બનવા ઈચ્છું છું”
     રુદ્રના શબ્દો સાંભળી શુભમની આંખો ભરાઈ આવી.ના ઇચ્છવા છતાં શુભમ રુદ્રને ભેટીને રડી પડ્યો.
“શશશશ..”રુદ્રએ શુભમની પીઠ પંપાળી.શુભમ થોડીવાર રડ્યો.પછી આપોઆપ સ્વસ્થ થયો.બાજુમાં પાણીનો નળ હતો.શુભમે મોઢું ધોઈને આંસુ વહાવી દીધા.
“જમીને વાત કરવી છે કે અત્યારે જ?”રુદ્રએ પૂછ્યું.
“વાત ચાર વર્ષ પહેલાંની છે…હું બારમાં ધોરણમાં હતો…”શુભમે વાત શરૂ કરી
                    ***
“કેમ હાંફે છે તું?”સામતની કપરી હાલત જોઈ જનકે પૂછ્યું.સામતનું કમિઝ બાવળમાં ઘસાવવાને કારણે ફાટી ગયું હતું.જ્યાં કમિઝ ફાટી ગયું હતું ત્યાં ઉજરડા પડી ગયા હતા.
“બટુક..બટુક..”મહામહેનતે સામત બોલી શક્યો, “બટુક જમીનમાં દફન થઈ ગયો”
“શું બટુક ક્યાં ગયો?”જનકને સરખી વાત ન સંભળાઈ એટલે પૂછ્યું.
“બટુકને જમીનમાં દફન થઈ ગયો, આપોઆપ”સામતે એ જ વાત દોહરાવી.
“કેટલી કોથળી પીધી છે તે?શું બકે છે?”
“મેં ચાખ્યું પણ નથી જુઓ”સામતે પોતાનો ચહેરો જનક નજીક લીધો અને મોઢું ખોલ્યું, “હું બિલકુલ ભાનમાં છું,અમે લોકો તલશી પર નજર રાખીને પીવાના હતા પણ…”
     સામતે થોડીવાર પહેલાં જોયેલી ઘટના વર્ણવી.જનક વાત સાંભળીને ઉભો થઈ ગયો.
“તું સાચું બોલે છે ને?”જનકને હજી સામતની વાત પર વિશ્વાસ નહોતો આવતો.
“માં કસમ જનકભાઈ.મેં એનો હાથ પકડી બહાર કાઢવાની કોશિશ કરી પણ એ દફન થઈ ગયો.જુઓ તેનું કડું પણ મારા હાથમાં રહી ગયું”પોતાના હાથમાં રહેલા કડા તરફ નજર કરતાં સામતે કહ્યું.
“આપણે મહારાજને વાત કરવી જોઈએ”જનકે વિચારીને કહ્યું.સામતે સંમતિસૂચક ડોક ધુણાવી.જનકે પોતાનું બુલેટ કાઢ્યું.મહારાજ અત્યારે વાવ પાસે આવેલી દારૂની ભઠ્ઠીએ ગયો હતો.જનકે એ રસ્તાની વાટ પકડી.
     ધૂળિયા રસ્તા પર બુલેટ પોતાની મંજિલ તરફ આગળ વધતું હતું.સામત ટૂંટિયું વળીને,જનકને ખભે પકડીને બેઠો હતો.થોડીવારમાં બંને વાવ પાસે આવેલી ભઠ્ઠી પર પહોંચી ગયા.આ મહારાજનું બીજું મકાન હતું.અવાવરું મકાન. ખેતરમાં ઉપજતા પાકને સંઘરવા આ મકાન બનાવ્યું છે એવું બહાનું બતાવી મહારાજ પોતાની ભઠ્ઠી ચલાવતો.
    લાકડાનો ઝાંપો ખોલી બંને અંદર પ્રવેશ્યા.સો વારના આ મકાનમાં એક મોટો હોલ અને એક નાનો ઓરડો હતો.હોલના થોડાં ભાગમાં કપાસ રાખવામાં આવ્યો હતો.બાકીના ભાગમાં ખેતરમાં વપરાતાં જરૂરી સાધનો ટેકાવેલા હતા.નાનો ઓરડો હતો તેનાં તળિયે એક બારણું હતું.એ બારણું ખોલતાં નીચે રસ્તો પડતો.નીચે ત્રણ મોટાં બેરલ હતા.જેમાં દારૂ રાખવામાં આવતો.
    જનકે એ બારણું ખખડાવ્યું અને થોડીવાર ઉભો રહ્યો.જનકે બીજીવાર બારણું ખખડાવ્યું.મહારાજે કોઈ પ્રતિભાવ ન આપ્યો.જો કોઈ વ્યક્તિ અંદર હોય તો અંદરથી બારણું વાસેલું રહેતું.જો કોઈ વ્યક્તિ ના હોય તો બહારથી તાળું રહેતું.આ કિસ્સામાં કંઈક જુદું જ બન્યું હતું.જનકે બે વાર ટકોર કરી પણ સામેથી જવાબ ન મળતાં તેણે બારણાંને ધક્કો માર્યો.
‘કરરરર…’ના અવાજ સાથે એ લાકડાનું બારણું ખુલ્યું.
‘અજીબ વાત છે.મહારાજે કેમ બારણું બંધ નથી કર્યું?’પોતાને જ પ્રશ્ન પૂછતો જનક ઓરડામાં પ્રવેશ્યો. અંદર ભયંકર અંધારું હતું.ભયંકર શાંતિ પણ.જનકે ડાબી બાજુ દીવાલ પર હાથ ફેરવીને બોર્ડ શોધ્યું અને લાઈટની સ્વીચ ઓન કરી.પીળા પ્રકાશ સાથે સો વોલ્ટનો બલ્બ સળગી ઉઠ્યો.
     બલ્બ સળગતાની સાથે જનકે અને સામતે જે દ્રશ્ય જોયું એ ધ્રુજાવનારું હતું.પોચાં હૃદયના માણસની ધડકન થંભી જાય એટલું ભયાનક અને ભયંકર.જનકે એ દ્રશ્ય જોઈને બે ડગલાં પાછળ ખસી ગયો.તેના માલિક વીનો ઉર્ફે મહારાજ લાકડાનાં સુતરની કાથીવાળા ખાટલા પર ચત્તેપાટ પડ્યો હતો.તેના હૃદયના ભાગ ઉપર લાંબો મોટા હાથાવાળો છરો ખૂંપેલો હતો.ત્યાંથી લોહી નીકળીને કાથીને ભીંજવી નીચે ટપકતું હતું.
“હે ભગવાન”જનકના મોં માંથી ચીખ નીકળી ગઈ.
(ક્રમશઃ)
        કોણે મહારાજને માર્યો હશે?બધી ઘટનાઓ પરસ્પર સુસંગત હશે?શું ખજાનાના કારણે જ આ બધું થઈ રહ્યું છે કે તેની પાછળ બીજું કોઈ કારણ હશે?
      શુભમની કહાની શું હશે?આવતા ભાગમાં એક વ્યક્તિની કહાની જે લગભગ બધા જ વ્યક્તિના જીવનને થોડાઘણાં અંશે સ્પર્શતી હશે.તો વાંચવાનું ના ભૂલતાં. સફરમાં મળેલ હમસફર.
મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul