Putreshna books and stories free download online pdf in Gujarati

પુત્રેષ્ણા

રવિવારની સાંજ હોવાથી બગીચો બાળકોથી ઉભરાતો હતો. ચારેબાજુ વાતાવરણ કોલાહલયુક્ત હતું. બાળકો લસરપટ્ટી તથા હિંચકાઓ પર બેસવા પડાપડી કરી રહ્યા હતા. નાચતા,ગાતા,દોડતા,ભાગતા,પડતા બાળકો પરાણે વ્હાલા લાગી રહ્યા હતા. તેના માસુમ વદન પર નિર્દોષ સ્મિત વાતાવરણને આહલાદક બનાવી રહ્યું હતું.
શહેરના આ મ્યુનિસિપલ ગાર્ડનમાં સામાન્ય દિવસોમાં તો ભીડ રહેતીજ પણ આજે તો રાજાનો દિવસ રવિવાર હતો એટલે બાળકોનો દિવસ.

મોહન ત્રિવેદી રવિવારની સાંજે અચૂક અહીં આવતો. થોડીવાર બેસતો નાનકડા બાળકોની કિકિયારી અને તેમનું સ્મિત મોહનને પણ આનંદ આપતું. મોહનનો આ દર સપ્તાહનો અચૂક ક્રમ બની ગયો હતો.

રાત્રે જમી પરવારી સુવા માટે મોહન પથારીમાં આડો પડ્યો, ત્યારેજ તેની પત્ની શાંતિ બોલી- "સાંભળો આજે વહેલી સવારે મને એક સપનું આવ્યું કે, ઈશ્વરે આપણને પણ એક કાનુડા જેવો નટખટ દીકરો આપ્યો."
આટલા શબ્દોમાં શાંતિની આંખોમાં ખુશી છલકી ઉઠી.
"વહેલી સવારના સપનાઓ તો જરૂરથી સાચા પડેને?" વળી આટલું બોલી મોહન સામે ભોળાભાવે તાકી રહી.

"હા શાંતિ ભગવાન પાસે શીદની ખોટ છે? આપણને પણ ખોળાનો ખૂંદનાર આપશે."-મોહન શાંત ચિતે બોલ્યો.

આવુંતો લગભગ રોજ બનતું. શાંતિ રોજ એક આશા શેવતી કે પોતાને પણ એક બાળક હોય તેની કાલી કાલી વાણીથી આખું ઘર મહેકી ઉઠે. પણ દામ્પત્યજીવનના દસ-દસ વર્ષો વિતી ગયા છતાં તેઓના ઘરે પારણું બંધાયુ નહોતું. મોહનેતો ઈશ્વરનો ન્યાય સ્વીકારી લીધો હતો પણ શાંતિની મમતાને કોણ સમજાવે?
શાંતિ રોજ માં બનવાની ઝંખના શેવતી. તેને અસંખ્ય બાધાઓ, ઉપવાસ, આખડી રાખી છતાં પણ તેની ઈચ્છાઓ હજુ સુધી પરિતૃપ્ત થઇ નહોતી. તેમ છતાં તેને વિશ્વાસ હતો કે પોતે એક દિન માં જરૂર બનશે.

એક દિવસ ઓફિસ પર ખાસ કંઈ કામ ના હોવાથી મોહન વહેલો ઘરે જઈ રહ્યો હતો એ ખુશી સાથે કે તે શાંતિને બહાર ફરવા લઇ જશે, કોઈ સારી હોટેલમાં જમી થિયેટરમાં ફિલ્મ જોવા લઈ જશે.
તે ઝડપભેર ઘરે પહોંચ્યો.

"શાંતિ ચાલો બહાર ફરવા જઈએ."- ઘરમાં પ્રવેશતા જ મોહન બોલ્યો.

"સારું થયું તમે વહેલા આવી ગયા હું તમે ઓફિસ પર ફોન કરવાની જ હતી." - શાંતિ ઉત્સાહમાં બોલી.

કેમ?-મોહને પૂછ્યું.

"મારુ તપ ફર્યું મોહન આજે સવારથીજ મને ઉબકાઓ આવે છે અને પગ પણ ભારે લાગે છે. હું માં બનવાની છું મોહન માં બનાવની છું."-પોતાની ખુશી પર માંડ કાબુ રાખતા શાંતિ એકીશ્વાસે બોલી ગઈ.

શું? મોહનની આંખો પહોળી થઈ.

હા મોહન, સાચેજ.

"શાંતિ આ તારો વહેમ છે. આઠ વર્ષ પહેલા ડો.મીના દેસાઇ અને તેના જેવા ઘણા ડોક્ટરો કહી ચુક્યા છે કે તું કદી માં નહિ બની શકે, તો આટલા વર્ષો બાદ કઈ રીતે શક્ય છે?"- મોહન બોલ્યો.

"તમારી વાત સાચી હશે મોહન પણ આજે આ મારી શ્રદ્ધાની જીત છે. ચાલો હવે મોડું ના કરો કોઈ સારા ડોકટર પાસે તપાસ કરાવીએ."- શાંતિ આવેશમાં બોલી રહી હતી.

અને..અને શાંતિની વાત સાચી પડી ડોક્ટરના કહેવા મુજબ શાંતિને ત્રણ માસનો ગર્ભ હતો. મોહનને તો હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો.

મોહન અને શાંતિના જીવનમાં ખુશીઓનું આગમન થઇ પડ્યું. શાંતિએ બધીજ બાધાઓ,માનતાઓ પૂર્ણ કરી. મોહન પણ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મોડે મોડે પણ માંની મમતા સામે દયાદ્રષ્ટિ વરસાવી.

બંને પતિ પત્ની રોજ આવનાર મહેમાનના સ્વાગતમાં પરોવાઈ જતા. મોહને ઘરમાં રામકડાંઓનો ખડકલો કરી નાખ્યો હતો. તો શાંતિ એ તો સાતમા માસથી જ સુંદર ઘોડિયું પણ લઇ રાખ્યું હતું. સંતાનના આગમનની રાહમાં આ દંપતિ માટે એક- એક દિવસ એક-એક વર્ષ જેવો જતો હતો. બંને અધીરાઈથી આવનાર બાળકની રાહમાં હતા.

અને એ દિવસ પણ આવી પહોંચ્યો જયારે શાંતિને અસહ્ય પીડા ઉપડી. મોહને સારી હોસ્પિટલમાં શાંતિને એડમિટ કરાવી અને નજીકના સગાઓને પણ તેડાવી લીધા.

મોહન ડીલેવરી રૂમ બહાર નવા મહેમાનના સ્વાગતમાં અધીરો બની ઉભો હતો. રૂમમાંથી બહાર નીકળતી નર્સો સામે સારા સમાચારની રાહમાં લોલુપ નજરે તાંકી રહ્યો હતો.

બે કલાક બાદ ડોક્ટર બહાર આવી મોહન પાસે અટક્યા અને બોલ્યા- "મી.મોહન તમારી પત્નીના ગર્ભાશયમાં બાળક એવી સ્થિતિમાં છે કે તમારી પત્ની અથવા બાળક બંનેમાંથી કોઈ એક જ બચી શકે તેમ છે. વળી તમારી પત્ની હજુ બેશુદ્ધ હાલતમાં છે."- આટલું કહી ડોક્ટર મોહન સામે તાંકી રહ્યા.

મોહનના પગ તળેથી જમીન સરકી ગઈ. તેના માથા પર આભ તૂટી પડ્યું. બધા સપનાઓ,ઈચ્છાઓ લપસણી રેતીની માફક મુઠ્ઠીમાંથી સરકવા મંડ્યા. મોહનને લાગ્યું કે હમણાં જ તે ચક્કર ખાઈ ભોંય પર ફસડાઈ પડશે.

"મી.મોહન તમારી સ્થિતિ હું સમજુ છું પણ પ્લીઝ તમે જલ્દી નિર્ણય કરો આપણી પાસે સમય નથી." - ડોક્ટર બોલ્યા.

મોહન માંડ પોતાની જાત પર કાબુ રાખતા બોલ્યો-"ડોક્ટર સાહેબ મારી પત્નીને બચાવી લો."

---------------------------------------------------

શાંતિની આંખો ખુલી. તેનું આખું શરીર પીડાતું હતું પણ બાળક અવતર્યાની ખુશીમાં આ પીડાની કોઈજ વિસાત નહતી.
તેની સામે મોહન નતમસ્તક ઉભો હતો. તે શાંતિની આંખોમાં આંખો પણ મેળવી શક્યો નહિ.

શાંતિના ચહેરા પર ખુશી હતી.
"જુઓ મોહન મેં કહ્યું હતું ને હું જરૂરથી માં બનીશ."-શાંતિએ જાણે દુનિયા જીતી લીધી હોય એવા ગર્વ સાથે બોલી.

"મોહન આપણું બાળક ક્યાં છે? મારે મારા સંતાનનું મોં જોવું છે."-

મોહન માટે આ સંજોગ ખરા કસોટી રૂપ હતા. શાંતિને કઈ રીતે સમજાવવી કે આપણા બાળકે આ દુનિયામાં આવતા પહેલાજ આંખ મીંચી દીધી.

"મોહન તમે કેમ મૌન ઉભા છો? મારુ બાળક મને આપોને?" શાંતિ બેબાકાળ બની.

મોહન રડી પડ્યો તેના આંસુને ના રોકી શક્યો.

"મોહન તમે રડો છો શા માટે? શુ થયું બોલો?"-શાંતિ ચિંતિત ચહેરે મોહન સામે જોઈ રહી અને ફરી બોલી- "મારુ બાળક મને આપો, મારે મારા કલેજાના ટુકડાને છાતીએ ચાંપવો છે ત્યારેજ મને ચેન પડશે. અને તમે મને મારુ બાળક કેમ આપતા નથી?"- શાંતિ લગભગ ચીસો જ પાડવા માંડી.

શાંતિને શું કહેવું એ જ મોહનને સમજ નહોતી પડતી. હવે શાંતિની મમતાને કઈ રીતે આશ્વાસન આપવું?

ઘણીવાર પછી ખુબજ સાવચેતીથી મોહને સમગ્ર હકીકત જણાવી.
મોહનની વાત સાંભળતા જ શાંતિ પહેલા તો બેભાન જ થઇ ગઈ, કલાકો પછી તેના જીવમાં જીવ આવ્યા બાદ તે ખુબ રડી, આંખોમાં આંસુ ખતમ થયા ત્યાં સુધી રડી
રડતાં રડતાં તે ઈશ્વરને કોચતી રહી - "હે ભગવાન તારે આવી મેલી રમત રમવાની શી જરૂર પડી, તરસ્યાના મોંએથી પાણીનો પ્યાલો શીદને ઝુંટવ્યો?"

છ-એક મહિના સુધી ઘરમાં શોકનું વાતાવરણ ચાલ્યું.

શાંતિ ધીરે-ધીરે આઘાતમાંથી બહાર નીકળી ફરી પાછી સપનાઓની દુનિયામાં જઈ ચડી.

ફરી માનતાઓ,બાધાઓનો કાર્યક્રમ શરુ થયો. અને તે મોહનને રોજ કહેતી "જો જો આપણા ઘરે પણ કાનુડા જેવો દીકરો અવતરશે અને તેની કાલી વાણીથી મને ગાંડી ઘેલી કરી મુકશે." આવી આશાઓનો દૌર ફરી શરુ થયો.

મોહનને પણ હવે વિશ્વાસ હતો કે શાંતિની મમતાની જીત થશે અને એક દિવસ શાંતિની માં બનાવની આશા જરૂરથી પૂર્ણ થશે.
-સમાપ્ત