Modern gandharva books and stories free download online pdf in Gujarati

મોર્ડન ગાંધર્વ


સાંજના સાડા પાંચ નો સમય, શિયાળાની સાંજની શરુઆત થઇ ચૂકી છે. ભીડમા ફરતા અનેક ચેહરા પોતાની ચિંતાને છુપાવતા ઘર તરફ જઇ રહ્યા છે,  જાણે કે આખો દિવસ તકલીફો સાથે લડયા પછી રણમેદાન માં વિરામ પડયો હોય. તેવામાં  વસ્ત્રાપુરના ગાર્ડન નું એક દ્રશ્ય.  સૂરજ આથમી રહયો છે . બ્લુ કલરનુ ડેનીમ જીનસ અને ઓફશોલ્ડર  બ્લેક ટોપ મા સજજ  રિયા એકીટશે પોતાના આઇફોનમા કોઇકના કોલની રાહ જોઇ રહી છે, પણ સામેથી કોઇ કોલ રિસિવ ના થવાના લીધે તેના ચેહરા પરની વ્યાકુળતા અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા. તે ગાડૅનમા ચારે તરફ નજર દોડાવી રહી હતી, જાણે કોઈક માણસમાં તેનો જીવ અટકી ગયો હોય તેવા તેના હાવ-ભાવ હતા, સાથે સાથે એક ડર પણ તેના ચેહરા પર હતો અને તે બબડી,
“કયા રહી ગયો તુ?, હે ભગવાન, હું સાચુ કરું છુ કે ખોટુ, મને કશુ સમજાતુ નથી.”
 અને અચાનક  એક અવાજ આયો, 
 “સોરી રિયા, થોડુક લેટ થઇ ગયુ.!”
 રોનિલ એ પોતાના રેય બેન ના ગોગલ્સ ઉતારતા કહયુ.
“આજે પણ લેટ???” રિયા એ પૂછ્યું.
 બકા, ભાગવાની તૈયારી કરવામાં થોડોક તો સમય થાય જ ને,  બધો જ પ્લાન રેડી છે. હવે આપણા લવ મેરેજ ને તારા પપ્પા તો શું આ દુનિયાનો કોઈ પણ માણસ રોકી નહિ શકે. એટલું કહી રોનિલ એ રિયા નો હાથ પકડ્યો અને રિયાને ભાગવા માટેનો પ્લાન સમજાવા લાગ્યો.
“દેખ રિયા, તારે કોઇ ફે્ડની બથૅ ડે છે એમ કહી નીકળી જવાનુ, હું તને પિક કરી લઇશ અને પછી આપણે અમદાવાદ છોડી દઇશું, બીજા દિવસે સવારે કોટૅ મેરેજ અને પછી હનીમુન જ હનીમુન.” એમ કહી રોનિલ હસવા લાગયો.
રિયા હજી ગભરાયેલી હતી, “ રોનિલ , આપણે બરાબર કરીએ છીએ ને?”
“એક દમ બરાબર કરીએ છીએ, તુ ચિંતા ના કર.” રોનિલ એ કીધુ.
 પાછળ બેઠેલા 60 વર્ષના એક દાદા આ બધી જ વાતો સાંભળતા હતા. તેમણે પોતાની લાકડી હાથમાં લીધી અને ધીરે-ધીરે રોનીલ અને રિયા ની તરફ આગળ વધ્યા, અને બોલ્યા,
“અચ્છા દીકરાઓ, ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવો છો??” 
રોનીલ થોડો હેબતાયો એણે પૂછ્યું, તમે કોણ? અને તમારે આ બધામાં શું લેવાદેવા??
દાદાએ પોતાની સફેદ મુછને તાવ આપતાં આપતાં કહ્યું,
 “હું પ્રેમસિહ. ડોક્ટર પ્રેમસિહ સોલંકી,  હું જનરલ સર્જન છું અને છેલ્લા ૩૦ વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું, અને તમે ચિંતા ના કરશો, તમારે ભાગીને મેરેજ કરવા વાળી વાત તમારા ઘર સુધી નહિ પહોંચવા દઉં, તમારે ભાગીને પ્રેમલગ્ન કરવા હોય તો તમને છૂટ છે પણ મારા મોડૅન  ગાંધર્વો, મારા ફક્ત એક સવાલનો જવાબ આપો ,શું તમે એકબીજાને નિસ્વાર્થ પ્રેમ કરો છો??”
રોનીલ એ કીધુ,” હા કરીએ જ છીએ ને.!”
જેવો પ્રેમ મે મારી અનામિકાને કર્યો એવો પ્રેમ,?? દાદાએ સામો સવાલ કર્યો.
રિયા બોલી, મતલબ??
પ્રેમ સિંહે પોતાની વાત શરૂ કરી, આજથી ૩૦ વર્ષ પહેલાંની વાત જ્યારે હું અનામિકાને સૌથી પહેલીવાર હોસ્પિટલમાં મળ્યો હતો. આમ તો બધા પેશન્ટ ડૉકટર પાસે સારવાર લેવા આવે, પણ એ દિવસે મુજ ડૉકટરને કોઇક એ બિમાર બનાવી દીધો. એ ઓપીડી ની સવાર હું કદી ભૂલી નહિં શકુ. ભીડથી ભરપૂર ઓપીડીમાં તેનુ આગમન, આટલા અવાજો હોવા છતાં પણ તેને જોતાજ અચાનક મારા મનમાં શાંતિ પથરાઈ ગઇ. તેના પિતા મારા સિનિયરને બતાવવા જતા હતા પણ અજાણતા જ  મારી અને અનામિકાની  નજરો અથડાઇ અને મે ઇશારાથી તેમને મારી જોડે બોલાવી લીધા. આમતો કદી હું ધીરે બોલતો નથી, પણ તે દિવસે મે પહેલી વાર કોઇ પેશન્ટ સાથે આટલી શાંતિથી વાત કરી. જે તપાસ કરતા પાંચ મિનિટ થાય, તેમા મે અડધો કલાક લગાડી દીધો. ઓપીડીમાંથી જતી વખતે અનામિકા એ કહેલું એ થેનકયુ અને તેના પછી સિનિયર તરફથી મળેલો ઠપકો એ બધુજ મને યાદ છે. એપેન્ડિક્સના ઓપરેશન માટે વોડૅમા દાખલ તેના પિતાના લીધે હું અનામિકાને મળી શકતો. વોડૅમા બીજા પેશન્ટ ની તપાસ ચાલતી હોય તો પણ એકવાર તો મારી નજર ત્રાંસી થઇ જ જતી. તેના પિતાને સલાહ આપવાના બહાને હુ હંમેશા તેને મળવા જતો અને મારી લાંબી સલાહનો તે ફકત અમુક શબ્દો માંજ જવાબ આપતી. કયારેય હિંમત જ નતી થતી દિલની વાત કહેવા માટે અને સમય પણ અનુકૂળ ન હતો. કોઇ પોતાના પિતાનુ ઓપરેશન કરાવા આવ્યું હોય અને તમે તેને પ્રપોસ કરો તો એ કદાચ વાહિયાત જ લાગે. એટલે એ વિચાર મે મન માંજ અટકાવી દીધો. પણ હવે ઓપરેશન પૂરુ થઇ ગયુ હતુ અને રજા આપવાનો સમય આવી ગયો હતો એટલે હિંમત કરવી જરૂરી હતી.  અનામિકાની આંખો હંમેશા ઝુકેલી જ રહેતી, સુંદર અને સરળ સવભાવનુ અનોખુ મિલન એટલે અનામિકા. તેના પિતાના એપેન્ડિક્સના ઓપરેશન બાદ રજા આપતી વખતની એ ક્ષણ હજી પણ મને યાદ છે, જયારે નજર ઉઠાઈને તેણે મને પહેલી વાર જોયો હતો. તેના પિતાનું એપેન્ડિક્સનું ઑપરેશન તો મેં કર્યું પણ મારું ઓપરેશન તો તેની આંખોથી જ થઈ ગયું, હિંમત જ ના રહી મને કશુ બોલવાની, અને તેના નાજુક હોઠમાંથી શબ્દો મારા કાનમા પડયા.
“પ્રેમને આંખોથી સમજાય ,શબ્દોથી નહિ, ડૉકટર સાહેબ.”
બસ આટલુ જ સાંભળતા જાણે મારી જિંદગીનો બધો થાક ઉતરી ગયો, ધીરે ધીરે મુલાકાતો પણ વધી અને પ્રેમ પણ. 
પણ નડ્યો વચ્ચે સમાજનો જ્ઞાતિનો પ્રશ્ન, જ્ઞાતિના ઝઘડાઓ કદી પ્રેમને નહીં સમજે, અને આતો ૩૦ વર્ષ પહેલાંનો પ્રેમ. ઘણી તકરારો થઇ, પરંતુ આ બધાને અમારી આગળ ઝૂકવું જ પડ્યું. ગોળધાણા થઈ ગયા હતા, લગ્નને ફક્ત એક જ મહિનાની વાર હતી. પણ નસીબ આગળ કોનું ચાલ્યું છે? કદાચ અનામિકા મારા નસીબમાં જ નતી. અકારણસર થયેલા તેના એ બ્રેઇન ટ્યુમરે અનામિકાને મારી જોડેથી છીનવી લીધી. આજે પણ અનામિકાના છેલા શબ્દો મને સંભળાય છે કે,
“જેવા છો તેવા જ રહેજો, કયારેય પોતાને ના બદલતા.” અને તેની આંખો મિચાઇ ગઇ . 
પણ આ ૩૦ વર્ષમાં મેં ક્યારેય બીજી અનામિકા નથી શોધી. મને હંમેશાં એવું લાગે છે કે જાણે અનામિકા મારો હાથ પકડીને મારી બાજુમાં જ ઉભી છે,  તેના આ પ્રેમની તાકાત ના લીધે જ મેં આટલી મોટી હોસ્પિટલ તેના નામથી બનાવી. તો બોલો છોકરાઓ,
“શું તમને થયો છે આવો પ્રેમ??” રિયા અને રોનિલ પાસે આનો કોઈ જવાબ નહોતો.  તેઓ નતમસ્તક બની ને ડોક્ટર તેમની અનામિકા અને તેમના નિસ્વાર્થ પ્રેમને જોઈ રહ્યા. ડોક્ટર બોલ્યા,
“મને ઘણીવાર એવું થાય એ જાણે હમણાં અનામિકા આવશે અને મને ભેટી પડશે..” આટલો મોટો સજૅન હોવા છતાં અનામિકાને હું ના બચાવી શકયો એ વાતનું રંજ મને હંમેશા રેહશે.
રોનિલ અને રિયા ની આંખો માં આંસુ આવી ગયા અને અચાનક એક અવાજ આવ્યો,
“અલ્યા ડોસા, આજે કોનુ લોહી પીવા બેઠો છે?” રોનીલ નું ધ્યાન અવાજની દિશામાં ગયું, આસુંઓનાં લીધે એક ધુંધળુ દ્રશ્ય દેખાયું, એક ૫૮ વર્ષના બા તેમની તરફ દોડતા દોડતા આવી રહ્યા હતા, અને ડોક્ટર આજીજી કરવા લાગ્યા,
“બેટા આ ડોશી થી મને બચાવો, છેલ્લા કેટલાય વર્ષોથી આ ડોશી મને હેરાન કરે છે અને એ બા એકદમ નજીક આવી ગયા.
“કેમ બા?  કેમ તમે ડોક્ટર સાહેબને આટલું હેરાન કરો છો?” રોનીલ એ પૂછયુ.
“અલ્યા બેટા, આ કોઈ ડોક્ટર નથી. બાજુની અનામિકા હોસ્પિટલનો ચોકીદાર હતો, પણ હવે આ ડોસાનું મગજ એના કાબૂમાં નથી. એને સ્વભાવને લગતી કોઈ બીમારી થઇ છે જેનું નામ પણ મને વાંચતા નથી આવડતું. જો આ ડોક્ટરના કાગડિયામાં એ બીમારીનું નામ લખ્યું છે, રોનીલ એ બીમારીનું નામ વાંચ્યું, નામ હતું “ હિસ્ટ્રીઓનીક  પર્સનાલિટી ડિસઓર્ડર”.!
બાએ માંડીને વાત કરી, ડોક્ટર એવું કહે છે કે આ બીમારીમાં માણસને એવું લાગે છે કે બધા ફક્ત અને ફક્ત એની જ વાતો કરે, તેના જ ગુણગાન ગાય. એટલે જ આ ડોસો અલગ-અલગ પ્રકારની કાલ્પનિક વાતો બનાવે છે, પોતાની જાતને બહુ જ મોટો પ્રેમી અને બહુ જ મોટો સર્જન ગણે છે. પણ વાસ્તવિકતામાં તેમાંથી કશું જ નથી, હું એમની ઘરવાળી છું અને છેલ્લા ત્રીસ વર્ષથી એમની જોડે છું.
“ચાલો હવે તમારી તો થેરાપી લેવાનો સમય થઈ ગયો છે.” એમ કહી ને બા ડોસા નો હાથ પકડી ને આગળ ખેંચવા લાગ્યા. રોનીલ દાદા અને બાને જતાં જોઈને હસવા લાગ્યો અને બોલ્યો 
“આ દાદાએ તો આજે ખરું કરી નાખ્યું.” પણ રિયા સ્તબ્ધ હતી તે બોલી,
આ દાદા એ મને આજે વિચારવા માટે મજબૂર કરી દીધી છે. આવો નિઃસવાથૅ પે્મ જોતા જ મારી આંખોની સામે ફકત મારા પેરેન્ટસનો જ ચેહરો આવે છે. અને તેમને દુઃખી કરી ભાગી જવાનો નિણૅય મને વયાજબી નથી લાગતો.  “ભલે આ દાદાને પર્સનાલિટી ડિસઓર્ડર છે, પણ તેમની વાત એકદમ સાચી છે. આપણે એકબીજાને નિસ્વાર્થ પ્રેમ તો કરતાં જ નથી. 
સોરી રોનીલ, હું તારી સાથે મેરેજ નહીં કરી શકું. એમ કહી રિયા ચાલવા લાગી. રોનીલ એક બાજુ રિયાને જતાં જોઈ રહ્યો અને બીજી બાજુ પેલા ડોસા ને કે જે પોતાનું ધોતિયું ઊછાળતા ઊછાળતા આગળ જઈ રહ્યા હતા અને મનમાં બબડ્યો,
“ડોસાએ તો આખી રમત બદલી નાખી અને રિયાને મનાવવા દોડયો.........!!!”


ડૉ. હેરત ઉદાવત