Premni vasant baremas - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 4

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છે
બસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છે

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર- 9824856247

સવારના સમયમાં શહેરમાં ચારેબાજુ ભાગદોડ જોવા મળી રહી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિને રૂબરૂ મળવા માટે સમય નથી અને તે પોતાના માટે પરિવાર માટે પૈસા કમાવા મહેનત કરી રહ્યા છે. સમયના અભાવે પાડોશીમાં રહેતા વ્યક્તિ સાથે પણ રૂબરૂ મુલાકાતના સંજોગો ભાગ્યે જ બને છે. આવા શહેરી વાતાવરણની અંદર શહેરના પોશ વિસ્તારમાં આવેલ શાળામાં શ્રીમંત પરિવારમાંથી આવતા નીરવ અને સામાન્ય પરિવારમાંથી આવતી જાગૃતિ વચ્ચે મિત્રતા થાય છે. શાળાના અભ્યાસ દરમ્યાન નિરવ અને જાગૃતિ એક ઉત્તમ મિત્ર તરીકે જોવા મળી રહ્યા છે. જાગૃતિ પાસે અભ્યાસ માટે જરૂરી પુસ્તકો લાવવા માટેના પણ પૂરતા પૈસા નથી. આવા સમયે નિરવ જાગૃતિ ને પુસ્તકો ખરીદવા માટે આર્થિક મદદ કરી રહ્યો છે પરંતુ નીરવ જાગૃતિ ને મદદ કરે છે એવી કોઈપણ વ્યક્તિને જાણ થવા દેવામાં આવતી નથી. નીરવ હંમેશા જાગૃતિની સંભાળ રાખે છે અને તેને ભણવા માટે જે પણ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા માટે સદાય સાથ આપે છે. તો બીજી બાજુ જાગૃતિ ભણવામાં હોશિયાર હોવાથી તે નીરવને અભ્યાસમાં મદદરૂપ થઈ રહી છે. મિત્ર હોવાના કારણે નિરવ અને જાગૃતિ સહજ રીતે એકબીજાના ઘરે જાય છે અને પરિવારના સભ્યોને પણ મળે છે. હા પરંતુ નિરવ અને જાગૃતિ વચ્ચે શાળામાં હંમેશા એકબીજાથી આગળ નીકળવાની તંદુરસ્ત સ્પર્ધા ચાલતી રહે છે. રમતોત્સવ હોય કે વકૃત્વ સ્પર્ધા નિરવ અને જાગૃતિ બંને સ્પર્ધાઓમાં ભાગ લે છે અને એકબીજાને જોરદાર ટક્કર આપે છે. તેમ છતાં પણ નીરવ કે જાગૃતિ બંનેમાંથી એક વિજેતા થાય અને બીજો પરાજિત થાય તો પણ બંને ખુશ થાય છે અને કહે છે કે આજે એકબીજાને તો ટક્કર બરાબર મળીને ! આ જ રીતે સાથે હસતા રમતા શાળાનો અભ્યાસ પૂર્ણ થાય છે અને શાળાની ખાટી મીઠી યાદો સાથે શહેરની જાણીતી કોલેજમાં નિરવ અને જાગૃતિ પ્રવેશ મેળવે છે. અત્યારસુધી જાગૃતિના પિતા શહેરથી દૂર એક નાનકડી હોટલ ચલાવી રહ્યા હતા અને પરિવારનું ગુજરાન પૂરું કરી રહ્યા હતા. પરંતુ જાગૃતિ હવે મોટી થવાથી લગ્ન પહેલા તેની સાથે પુરતો સમય વિતાવી શકાય તે માટે જાગૃતિના પિતા શહેરમાં  હોટલનો વ્યવસાય શરૂ કરે છે. થોડા મહિનાઓમાં જ બેન્કમાંથી લોન લઈને જાગૃતિના પિતા મોટી હોટલ શરૂ કરે છે અને અહિથી જાગૃતિના પરીવારના આર્થિક સારા દિવસોની શરૂઆત થાય છે અને જાગૃતિના પરિવારના સુખના દિવસોની શરૂઆત થવાથી પરીવારમાં ખુશી જોવા મળી રહી છે. પરિવાર હવે આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યો છે તો બીજી બાજુ કોલેજ શરૂ થાય એ પહેલાં થોડા દિવસોમાં નીરવના પિતાજીના અનાજ ભરેલા ગોડાઉનમાં અચાનક આગ લાગે છે અને અનાજ સહિત તમામ ચીજ વસ્તુઓ આગમાં ભસ્મીભૂત થઈ જાય છે. આ આગ એટલી ભયાનક હતી કે તેમાં નિરવ સહિત પરિવારના સભ્યોની તમામ આશાઓ પણ બળીને રાખ થઈ જાય છે. ગોડાઉનમાં ખેડુતો પાસેથી ખરીદીને ભરવામાં આવેલ તમામ અનાજ બળી જવાના કારણે નીરવના પરિવારની આર્થિક સ્થિતિ કથળવા લાગે છે અને મોટું નુકસાન જવાના કારણે નવો વ્યવસાય શરૂ કરી શકાય તેવી સ્થિતિમાં પણ નથી. ખેડુતો દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતા નિરવના પિતા દ્વારા પોતાની તમામ દુકાનો અને ફ્લેટ વેચીને ખેડુતોના પૈસા ચુકવવામાં આવે છે. હવે નિરવના પરીવાર પાસે એક મકાન અને બળી ગયેલ ગોડાઉન જ રહે છે અને બધા પૈસા ખતમ થઇ જાય છે. નીરવના પિતા દ્વારા કરિયાણાની દુકાન શરૂ કરવામાં આવે છે પરંતુ તેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જાય છે. શ્રીમંતાઈમાં અનેક લોકોને મદદ કરવા છતાં જ્યારે નીરવના પરિવારને આર્થિક મદદની જરૂર છે ત્યારે કોઈ વ્યક્તિ મદદ કરવા માટે તૈયાર થતું નથી અને તેમનાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. આવા સમયે નિરવ કોલેજનો અભ્યાસ ન કરવાનો નિશ્ચય કરે છે અને પિતાને મદદરૂપ બનીને આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે નોકરી કરવાનું મન બનાવી રહ્યો છે ત્યારે આ વાતની જાણ બાળપણની મિત્ર જાગૃતિને થતા તે નીરવ પાસે આવે છે અને આર્થિક મદદ કરવાનું કહે છે. આ સાંભળીને નીરવ તરત જ કહે છે પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઈએ છે બસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતું છે. નીરવના પ્રેમાળ શબ્દો સાંભળીને જાગૃતિ નિરવને કહે છે કે નીરવ જાગૃતિ આજીવન તારી જ છે અને તેને ભરપૂર પ્રેમ આપતી જ રહેશે. કોલેજનો અભ્યાસ શરૂ થાય છે અને જાગૃતિના આગ્રહના કારણે નીરવ કોલેજ આવવાનું શરૂ કરે છે. જાગૃતિ હંમેશા નીરવની સંભાળ રાખે છે અને નીરવની જરૂરથી જરૂરિયાતોનુ પણ ધ્યાન રાખે છે. નીરવ આર્થિક મદદ લેવાની ના પાડતો હોવાથી જાગૃતિ પોતેજ નીરવની પત્ની બનવાનો મનમાં નિશ્ચય કરે છે અને ઘરે પિતાજી સહિત પરિવારમાં નિરવ સાથેના પ્રેમની વાત કરે છે. જાગૃતિ આખી ઘટનાની વાત કરે છે ત્યારે નીરવના પિતાજી જાગૃતિ ને કહે છે કે નીરવ જેવો સ્વમાની યુવક જો તારો પતિ બનતો હોય તો અમને કંઈ જ વાંધો નથી. પિતા અને પરિવારનો સાથ મળતા જાગૃતિ થોડી ખુશ થાય છે અને નીરવ સાથે લગ્ન કરવા માટેની તૈયારીઓ શરૂ કરે છે. જાગૃતિ પોતાના પરિવારને લઈને નીરવના ઘરે જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. નીરવના પરિવારના સભ્યો નિરવને પૂછીને લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે. પરંતુ નિરવ કહે છે કે અત્યારે અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે હું જાગૃતિ ને પણ મુશ્કેલીમાં મુકવા માંગતો નથી. થોડા વર્ષોમાં જ અમે પગભર થઈએ પછી જાગૃતિ સાથે હું ખુશીથી લગ્ન કરીશ ત્યારે જાગૃતિ કહે છે કે મુશ્કેલીના સમયમાં જ પતિને સાથ આપે તેને પત્ની કહેવાય. પતિના સુખમાં સુખ અને પતિના દુઃખમાં દુઃખ એ જ પત્નીનો ધર્મ છે. આ શબ્દો સાંભળતાની સાથે જ નીરવના પરિવારના તમામ સભ્યોની આંખો ભીની થઈ જાય છે અને કહે છે કે નીરવ તું ભાગ્યશાળી છે કે તને જાગૃતિ જેવી સમજદાર પત્ની મળવા જઈ રહી છે. નિરવ અને જાગૃતિના સાદગીથી લગ્ન કરાવવામાં આવે છે. લગ્નના એકાદ અઠવાડિયા પછી જાગૃતિ નીરવને કહે છે કે ચાલો આપણે સાથે મળીને નવા વ્યવસાયની શરૂઆત કરીએ. બંને બળી ગયેલ ગોડાઉનની જગ્યા સાફ કરે છે અને બેન્કમાંથી લોન લઇ નાનકડી ગારમેન્ટ ફેક્ટરીની શરૂઆત કરે છે. થોડા જ મહિનાઓમાં ફેક્ટરીમાં સારી એવી આવક થવા લાગે છે. જાગૃતિ અને નિરવની મહેનત, પુરુષાર્થ અને ધીરજના કારણે ફરીથી નિરવનો પરિવાર પગભર બની રહ્યો છે અને પરિવારની જરૂરિયાત મુજબની આવક શરૂ થતાં પરિવારના સભ્યોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નીરવના પિતા કહે છે કે હવે આપણી ફેક્ટરી સારી ચાલી રહી છે તો આપણે આપણા જૂના કારીગરોને પણ નોકરી પર રાખીએ ત્યારે જાગૃતિ કહે છે કે પિતાજી આમાં તમારે પૂછવાનું ન હોય તમારે તો અમને ફક્ત જાણ કરવાની હોય, આ ફેક્ટરી તો તમારી જ છે. ગારમેન્ટ ફેક્ટરીમાં જૂના કારીગરોને નોકરી પર રાખવામાં આવે છે અને નીરવના પરિવારમાં ફરીથી ખુશીઓ છવાઈ જાય છે અને સાથે અનેક કારીગરોના પરીવારમાં પણ ખુશીઓ પરત આવે છે.