khatko books and stories free download online pdf in Gujarati

ખટકો

‘ખટકો’

દીપક રાવલ

દાદા ખુબ ધ્યાનથી જુદી જુદી શીશીઓમાંથી દવાઓ કાઢીને પડીકીઓ બનાવતા હતાં. મંજુ જોઈ રહી હતી. દુબળો પાતળો ગૌર દેહ. આંખે ચશ્મા. ઉઘાડા ડીલે માત્ર ધોતિયું પહેરીને દાદા બેઠાં હતા. એમને જોઇને પરાણે વંદન કરવાનું મન થાય. બારીમાંથી આવતું અજવાળું એમના ચહેરાને વધુ તેજસ્વી બનાવતું હતું. જો કે આજે દાદા વધારે ગંભીર લાગ્યા. નહીતર આખા ઘરની તબિયત પૂછે, કેટલીય સલાહો આપે. આજે કૈ બોલ્યા વગર ધીમે ધીમે ચીવટથી દાદાએ પડીકીઓ વાળી અને મંજુને આપી.

‘દિવસમાં ત્રણ વાર લેજે. હમણાં ખાટું નહિ ખાવાનું. ખીચડી ખાજે.’

‘પણ દાદા આખે શરીરે કળતર બવ રે સે ઈનું કૈક કરો’

‘કર્યું જ છે. તને ખબર પડે કે મને ? દોઢ ડાહી. ખાવા-પીવામાં ધ્યાન રાખવું નહિ, જે તે આહડવું પછી દોડવું દાદા પાસે. લે આ પડીકીઓ મધ સાથે લઇ લેજે સારું થઇ જશે. જા હવે.’

પડીકીઓ લઇ મંજુ નીકળવા જતી હતી ત્યાં દાદાએ રોકી.

‘અને હા, આ પડીકીઓ લેતી જા તારી બાને નીચે આપતી જજે. કેજે કે સતપ પાણી સાથે લઇ લે. આખી રાત ઠોં ઠો કરતી હતી.’

મંજુ સાડલામાં મોઢું સંતાડી હસતી હસતી મેડીએથી ઉતરી. એને ખબર છે કે દાદાનું તો આવું. ખિજાતા વાર નહિ. આજે વળી બહુ બોલ્યા નહિ નહીતર ઉધડો લઇ નાખે. આખું ગામ દાદાથી બીએ.

મંજુ દાદરો ઉતરી રસોડા તરફ ગઈ. સાકરમાએ તાવડીમાંથી ફૂલેલા દડા જેવો રોટલો ઉતાર્યો હતો અને એમાં કાણું પાડી ઘી રેડતાં હતાં.

મંજુ દવાની પડીકીઓ સાકરમાને આપતાં બોલી ‘લ્યો મા દાદાએ પડીકી દીધી સે. કે’તાતા કે આખી રાત ઠો ઠો કરે સે. એને દઈ દેજે ને કે’જે કે સતપ પાણી હારે લઇ લે’

‘આટલી ચિંતા છે તે જાતે નથી આવતું ?’ મંજુ સાંભળે નહિ એમ સાકરમા બબડ્યાં.

‘ત્યાં પેટી ઉપર મુક.’ સાકરમાએ ચુલા ઉપરથી તાવડી ઉતરતા કહ્યું.

‘આજ દાદાએ દવા જ દીધી, પરસાદ નો દીધો.’ મંજુએ હસતાં હસતાં કહ્યું.

‘ભાગ્યશાળી. નહીતર કોઈને ખખડાવે નહીંતો એમની દવા અસર ન કરે’ સાકરમા હસ્યાં.

‘પણ આજ કાંક ભારે લાયગા. કાઈ થ્યું સે ? કોઈને કાંઈ ધખ્યા સે કે?’

‘એમને ધખવાનું ક્યાં લેવા જવાનું છે ?’

‘કોને ધખ્યા ?’ મંજુએ પૂછ્યું

‘કોને ધખે ? મને ધખ્યા છે. કાલ સાંજના રિસાયા છે’

‘હાય હાય..શું કામ રિહાણા સે ?’

‘તારે બધી પંચાત. આડીઅવળી વાતો કરશે પણ એમ નહિ કે ડોશીને મદદ કરું.’

‘તે મેં ચ્યાં ના પાડી સે ? લાવો ઠામડા ઉટકી નાખું’

‘પેલા ફળિયું વળી નાખ. આજે કચરો વાળ્યો નથી. હવે મારાથી બધું થતું નથી.’

મંજુએ કાછડો વળ્યો અને સાવરણો લઈને ફળિયું વળવા માંડી.

આ આખા પંથકમાં જાણીતું બાલકૃષ્ણ વૈદનું ઘર. ત્રણ પેઢીથી વૈદક વારસામાં મળેલું. બાલકૃષ્ણ વૈદનો છોકરો ડોક્ટર, શહેરમાં એનું મોટું દવાખાનું. માં-બાપને દીકરો સાથે રહેવા બોલાવે પણ વૈદદાદા જાય નહિ. અહી મારા ગામના લોકોની સેવા કોણ કરે ? બધાંને મફત દવા આપે. દાદા કાયમ કહે કે દવાના પૈસા ના લેવાય નહીતર આ દિવ્ય વિદ્યા જતી રહે. મરતા બાપને વચન આપ્યું હતું કે ‘તમારો વારસો જાળવીશ અને જીવીશ ત્યાં સુધી ગામની સેવા કરીશ.’ જુનું બાપદાદાનું ઘર. મોટી ડેલી. અંદર જઈએ એટલે જમણી બાજુ મેડી ઉપર જવાનો દાદરો. મેડી ઉપર દાદાનું દવાખાનું. ફળિયામાં જમણી બાજુ ચોકડી. અગ્નિખૂણામાં રસોડું. ઇશાન ખૂણામાં પાણીની કોઠી. ઓસરી. પહેલાં તો પાણિયારે અને રસોડે કોઈ જઈ ના શકતું. હવે સમય સાથે દીકરાના આગ્રહથી ઘણું બદલાયું છે.

ઓસરી પછી મોટા બે ઓરડા. છાપરે પહેલાં દેશી નળિયા હતાં. પછી દીકરાએ વિલાયતી નખાવ્યા. દાદા અને સાકરમાનું સાદું જીવન. આખું ગામ કૈક થાયને દાદા પાસે દોડી આવે. દાદા હાથે તૈયાર કરેલા ઓસડીયા પીવડાવે. ગામલોકોને દાદામાં ભારે શ્રદ્ધા. સૌ માને કે દાદા ધૂળની ચપટી આપે તોય સાજા થઇ જવાય. જોકે દાદા કોઈની માંદગી ગંભીર લાગે તો તરત શહેરમાં દીકરા પાસે મોકલી આપે અને ચિઠ્ઠી લખે કે સારવારનો કોઈ પૈસો ના લેશો.

દાદા અને સાકરમાના લગ્નજીવનને નઈનઈ તોય પચાસ વર્ષ તો થયા હશે. દાદાનો સ્વભાવ આકરો અને સાકરમા પણ હઠીલા. એટલે વારે તહેવારે વાસણ ખખડે ને અબોલા થાય. પરંતુ બેયને એકબીજા વિના ઘડીકે ચાલે નહિ એટલે બે-ચાર દિવસમાં વળી પાછું બધું ગોઠવાઈ જાય. ગામના પણ બધા આ વાત જાણે. સાકરમાથી હવે બહુ કામ ના થાય એટલે ગામની બાયું એમની નવરાશે આવીને ઘરના નાના-મોટાં કામ કરી જાય. આજે મંજુનો વારો આવ્યો.

મંજુએ સાવરણો લઇ જપાટાબંધ ફળિયું વાળી નાખ્યું. પછી હાથ ધોઈને ઓસરીમાં બેઠી. સાકરમા પાણીનો લોટો લઇ આવ્યાં. મંજુએ ખોબો ધરી પાણી પીધું. પછી સાકરમા પણ બેઠાં.

‘રસોઈ થઇ ગઈ મા?’

‘હોવ. અમારે બે જણને કેટલું જોઈએ ? જો આજે તો અડદની દાળ, રીંગણાનું ભડથું અને રોટલો કર્યા છે. તારા દાદાને બહુ ભાવે. પહેલા બે મોટા રીંગણા ચૂલામાં શેકી નાખ્યાં, પછી છાલ ઉતારી ઝીણું સમારી નાખ્યાં. પછી એમાં જાતુંવળતું મીઠું, લીલું લસણ, લીલું મરચુંને લીલા ધાણા ઝીણાં કાપીને નાખ્યાં. હલાવી નાખ્યું. એમને વઘારેલું ભડથું નથી ભાવતું. રોટલામાં ઘી બહુ જોઈએ. લસણથી વઘારેલી અડદની દાળ પણ એમને બહુ ભાવે. આંગળા ચાટી ચાટીને ખાય.’ સાકરમાએ રસોઈની બધી વિગત કહી દીધી.

‘તે દાદાને શું વાંકું પડ્યું સે ?”

‘લે કે. હું રસોઈની વાત કરું છું ને તને દાદાની ચિંતા છે. અરે મુકને માથાઝીંક. આ કંઈ આજનું છે ? તું તો જાણે છે એમનો સ્વભાવ. ગઈ રાતનું ફટક્યું છે. કાલ સાંજનું નથી ખાધું.’ કહેતાં કહેતાં માની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

‘પણ કૈક તો હશે ને. મને નો કયો તોં મારા સમ’

‘અરે વાલામુઈ એમાં સમ શું ખાવાના ? તને બહુ સવાદ આવે છે નઈ......’ સાકરમા હસ્યા. સાકરમાને બધાં છોકરાં જેવા. કોઇથી કશું છાનું નહિ. મંજુડી તો નાનપણથી જ સાકરમાની લાડકી. માએ સાડલાનો છેડો માથે સરખો કર્યો. બજરની ડાબલી હાથમાં લીધી અને ચપટી ભરી બે સૈડકા નાકમાં લીધા. સાડલાના છેડાથી નાક લુછ્યું. પછી વાત માંડી.

‘કાલ અમે બેઠાં બેઠાં વાતો કરતાં હતાં અને બધું સંભારતા હતાં. અમારાં લગન ને પછી નીકુંજનો જનમ ને મારાં સાસુ-સસરા ને ઈ બધી વાતું.’

‘તમારાં લગન થ્યા ત્યારે તો કેવડાં હતાં ?’ મંજુએ પૂછ્યું.

‘હા, જોને ચૌદ પંદર વરસની હોઈશ. નવમાં ધોરણમાં ભણતી હતી.’

‘પેલા તો સાત-આઠ વરસે લગન થઇ જતા’તા....’

‘હા મારાં થોડાં મોડા થયાં હતાં. અરે ભારે ગમ્મત થઇ હતી’. સાકરમા હસતાં હસતાં અટકી ગયાં. આંખ થોડી ભીંજાઈ.

‘શું થયુ તુ મા ક્યોને....’

‘એમાં એવું થયેલું કે મારી માસીની દીકરીના લગન હતાં, તારા દાદાના મોટાભાઈ સાથે. પેલા તો આજના જેવું નહોતું. મા-બાપ અને સગા સંબંધી બધું નક્કી કરતાં. લગન વખતે બધા હળેમળે, કોના છોકરાં છોકરી કુંવારા છે એ જુએ અને સરખું બેસે તો ત્યાં માંડવામાં જ એક બે જણનું તો ગોઠવાઈ જાય’.

‘તમારે ય એવું થ્યું તું?’

‘અરે સાંભળ તો ખરી. થયું હતું તો એવું જ. એમના મોટાભાઈના લગનમાં તારા દાદા પણ આવેલા. ગોરા અને ભારે દેખાવડા. બધા વડીલો બેઠા હતા ને વાતમાંથી વાત નીકળી, મારા માસા કહે કે મારી સાળીની દીકરી છે. નવમું ભણે છે. કહેતા હો તો તમારા નાના દીકરા સાથે નક્કી કરીએ. તો મારા સાસુ-સસરા કહે કે જોઈએ. એમણે જોયું, ગમ્યું ને નક્કી થઇ ગયું. ઘડિયા લગન લેવાયા. એ જ માંડવામાં અમારાં પણ લગ્ન થઇ ગયાં. આવ્યાં હતાં એક દીકરાની જાન લઈને ને બે દીકરા પરણાવી ને બે વહુઓ લઈને જાન ગઈ.’

‘લે કે. આ તો ખરું થયું. તે તમે દાદાને જોયા હતા ?’

‘અલી કહ્યું તો ખરું કે અમારા સમયમાં જોવાનો રીવાજ જ નહોતો. એમણે મને નહોતી જોઈ અને મેં એમને નહોતા જોયાં. અમારે તો વડીલો જે નક્કી કરે એ જ ખરું. કોઈ હા-ના પૂછે ય નહિ. આપણાથી બોલાય પણ નહિ. ગોઠવાઈ ગયું ને જોને આ પચાસ વરસ નીકળી ગયાં.’

‘તે ખરું થયું નઈ મા?’ મંજુ હસી પડી. ‘પણ આ વાતમાં રીહાવાનું ચ્યાં આવ્યું?’

‘હવે મુકને માથાઝીક . એમનો સ્વભાવ જ એવો છે.’

‘ના હો સાવ કઈ એમ રીહાય એવા નથી. કાંક તો હશે. કો ને મા, હું તો તમારી દીકરી કેવઉં. મારાથી સું છાનું ?’ મંજુએ લાડમાં કહ્યું.

સાકરમા થોડીવાર મૌન રહ્યાં. નીચું જોઇને થોડીવાર બેસી રહ્યાં પછી બોલ્યાં ‘લગનની અને પછીની બધી વાત થતી હતી ને પછી વાતમાંથી વાત નીકળી ને મારાં સાસુ-સસરાને સંભાર્યા. તારા દાદા કે કે મારી બા કહેતાં હતાં કે મેં જે છોકરી જોઈ એ તો રૂપાળી હતી. તારી વહુ ઈ નથી. તારા સાસરિયાએ આપણને બીજી છોકરી વળગાડી દીધી છે, છેતર્યા છે.’

‘હાય હાય એવું તે હોય? અને ઈ ય આટલે વરહે ? તમારાં દીકરાને ઘરે ય દીકરા સે ને .... ખરા સે દાદા.’

‘એમની બાએ એમને ક્યારેક કહ્યું હશે ને એમણે યાદ રાખ્યું. બે-ત્રણ વાર પહેલાં પણ અમારી વચ્ચે આ વાત નીકળી હતી અને માથાકૂટ થઇ હતી. બીજી કોઈ વાતમાં નહિ ને આ વાતનો એમને ભારે ખટકો રહી ગયો છે. કાલે એમને શું યાદ આવ્યું ને ઈ પારાયણ લઈને બેઠાં. મેં કીધું એમાં હું શું કરું ? મારો કઈ વાંક ? એમાંથી ચડભડ થઇ ને ગુસ્સામાં ઉભા થઈને જતા રહ્યા મેડે.’

‘હાય હાય....આવું કર્યું? આવું તે કોઈ કરતુ હશે ? દાદા આ ઉમરે આવું કે તો ખોટું જ લાગેને ?’ મંજુ ગંભીર થઇ ગઈ. સાકરમાની આંખમાંથી આંસુ સારી રહ્યાં. મંજુ પણ ઢીલી પડી ગઈ.

‘હશે મા દાદા તો બોલે. ઈમના મનમાં કાઈ હોતું નથી. તમે રોશો નઈ.’

‘ના ના રોતી નથી. આ તો આંસુ નીકળી ગયાં. પણ કહે કે તારા મા-બાપે અમને છેતર્યા. એ વખતે તો લાંબી લાજ કાઢવાનો રિવાજ અને મર્યાદા પણ બહુ એટલે લગનની વિધિમાં મોઢું કોણ જુએ ? કદાચ મારી સાસુને શંકા ગઈ પણ હોય પણ એ સમયે કંઈ બોલાય નહિ. માંડવામાં મોટેરા બેઠાં હોય એમની મર્યાદા રાખવી પડે. એકવાર નક્કી થયું અને ફેરા ફરી ગયા પછી શું ? કોઈનું ન ચાલે.’

‘પણ જોવે તોય શું તમે કઈ ખોટું થોડું કર્યું હતું ? તમારાં સાસુમા એ એ વખતે વેમ પડ્યો’તો તો જરાક જોઈ લીધું હોત ખબર પડી જાતને.‘

‘એમાં મારો વાંક નહિ એ સાચું પણ એ વખતે ખોટું તો થયું જ હતું. એમાં એમનો પણ વાંક નથી.’

‘હા દાદા ગમે તે બોલે તોય તમને ઈમનો વાંક નઈ દેખાય’

‘ના બેટા ના. એમનો વાંક જ નથી. એમણે તો પરણીને લાવ્યા ત્યારથી આજસુધી આ બધું જાણવા છતાં મારા માટે અછોવાના કર્યા છે. જીવની જેમ સાચવી છે. પહેરવા-ઓઢવામાં, ખાવા-પીવામાં, હરવા-ફરવામાં કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. પાણી માગ્યું ને દૂધ આપ્યું છે. મારો પડ્યો બોલ ઝીલ્યો છે. હું તો બહુ ભાગ્યશાળી કે એમના જેવા ભરથાર મળ્યા. મારા જનમ જનમના પૂણ્ય જાગ્યા.’

‘તે તમેય ક્યાં ઓછું કર્યું છે ? દિવસ રાત જોય વના ઈમની સેવા કરી સે. આખું ગામ કે સે કે સાકરમા જેવી ચાકરી કોઈ કરી નો હકે. દાદાના આકરા સભાવને તો તમે જ જીરવી હકો, બીજા કોઈનું ગજું નથી. એમના ઓહડીયા વાટવા, ઘરના નાનામોટા કામ કરવાં, ઉભે પગે રેવું ને ઈ ય હસતે મોઢે. મા તમને ધન સે’. મંજુએ બે હાથ જોડ્યા.

‘ના ના મેં તો કઈ કર્યું નથી. આ મારું ઘર છે તે કામ હું ન કરું તો બીજું કોણ કરે? એ તો દેવતા પુરુષ છે. સેવા એમની રગ રગમાં છે. એમણે પોતાના દેહ સામે ય કદી જોયું નથી. કોઈ માંદુ આવે ને સાજુ થઇ જાય ત્યારે એમને બહુ રાજીપો થાય. સેવામાંને સેવામાં એમણે જાત ઘસી નાખી. રાતવરત વગડે ઓસડીયા લેવા જાય, મને બહુ ચિંતા થાય. તો મને સમજાવે કે અમુક ખાસ મુહુર્તમાં જ વનસ્પતિને ચૂંટાય અને તો જ ઔષધી અસર કરે. ખાસ મુહુર્તમાં વનસ્પતિની રજા લઇ ને જ ચુંટે. વનસ્પતિને પણ દુભાવી ના શકે એ માણસને તો કેવી રીતે દુભવે ? પણ આ વાત એમને બહુ ખટક્યા કરી છે.’

‘તમારી ઈ વાત તો સાચી. દાદાએ ગામની બહુ સેવા કરી. અરે આખા પંથકમાં દાદાની સેવાની સુવાસ છે. ગમે એવો રોગ હોય દાદા પાસે આવો એટલે સાવ સારું થઇ જાય. અરે હજી હમણાની જ વાત લ્યોને. ઓલ્યા જીવા ખાચર, દાકતરોએ હાથ ધોઈ નાખ્યા’તા. કે’કે એક બે મહિનાના મેમાન સે. પછી દાદા પાંહે આયવા ને દાદાએ બે મૈનાની દવામાં દોડતા કરી દીધા. ઈ જીવા ખાચર દાદાને ભગવાન માને સે. દાદાના હાથમાં અમી સે અમી.’

‘ત્રણ પેઢીની સેવા, તપ છે. એમણે ધાર્યું હોત તો લાખો કમાયા હોત. પણ ના. બાપને આપેલું વચન પાળ્યું.’

થોડીવાર મંજુ અને સાકરમા બંને ચુપ બેસી રહ્યા. સાકરમાની આંખમાંથી હજી આંસુ સરતાં હતાં. પછી માએ આંસુ લૂછ્યા. ગળું ખોંખાર્યું. પછી ધીમે સાદે બોલ્યા ‘તારા દાદાની વાત સાચી. મારા સાસુએ જે વાત કહી હતી એ પણ સાચી. મારા બદલે બીજી એક છોકરી, મારા મામાની દીકરી મારા સાસુને દેખાડી હતી. એ બહુ રૂપાળી હતી.’

‘હાય હાય તમારી ભલી થાય....શું વાત કરો સો મા.... સાચે?’

‘હા સુરજ માથે છે ને સાવ સાચી વાત કરું છું. હું જરાક શામળી હતી એટલે મારું ક્યાંય ગોઠવાતું નહોતું. મારા માવતરને મારી બહુ ચિંતા થતી હતી. તારા દાદાના મોટાભાઈના લગ્નમાં મારા માસી અને અને મારા માસાએ આ રમત કરી. જોકે હું આ વાતથી અજાણ હતી. બહુ સમજણી નહોતી એટલે કંઈ ખબર નહોતી પડતી. મને તો એ વાતનો આનંદ હતો કે મારા લગન થઇ રહ્યા છે.’

‘તે આવું કઈરું છે ઈ વાતની તમને ક્યારે ખબર પડી ?’

‘બહુ વરસો પછી. એકવાર માસીએ મારી બાને ગુસ્સામાં સંભળાવેલું ‘એ તો અમે હતાને તારી છોકરીનું ઘર મંડાણું નહીતર બેસી રહેત કુવારી’. ત્યારે મને ખબર પડી’

‘તે આમાં તમારો તો કોઈ વાંક જ નઈ’ મંજુએ માને સાંત્વના આપી.

‘મારો વાંક તો નહિ પણ મારાં માવતરે, માસી-માસાએ એમને છેતર્યા તો ખરાને. અને એમની મોટાઈ જો એ આ વાત જાણતા હતાં છતાં આટલા વરસ મને કેટલી સાચવી. મારા સાસુ એ વાતનો ઘણીવાર ટોણો મારતાં ખરાં પણ મરતી વખતે આ વાતનો ડંખ રાખ્યો નહોતો અને મને એમણે બહુ જ આશીર્વાદ આપ્યાં હતાં. એમના આશીર્વાદથી જ સુખી છીએ. સાસુ-સસરા વારસામાં જમીન મૂકી ગયા છે તે અમારે કોઈની ઓશિયાળ નથી. પણ આ તો કાલ વાત નીકળી ને એ ગુસ્સે થઇ ગયા. માણસને છેતરાયાનું દુખ તો થાય જ ને. કદાચ એમનો ગુસ્સો મારા પર નહોતો, મારાં માસા-માસી ઉપર હતો. પણ આ વાતનો એમને ખટકો રહી ગયો છે. ગમે તેટલું સમજુ માણસ હોય પણ એના મનમાં કોઈ વાતનો ખટકો રહી જાય તો કાઢવો ભારે કઠણ.’

‘હા ઈ સાચું. પણ જેનું જ્યાં લઈખું હોય ન્યા જ થાય. વિધિના લેખમાં કોઈ મીનમેખ કરી નો હકે. ‘તમે તો પૂજનીય સો. અમારામાં આવું થયું હોય તો કેદાડાની તગેડી મૂકી હોય ને ઢીંઢા ભાંગી નાખ્યા હોય’. મંજુએ માને સાંત્વના આપતાં કહ્યું ને પછી સાકરમાને જોઈ રહી. ઉભી થઇ. ‘લ્યો ત્યારે મા હું જાઉં ? હજી મારે ય રોટલા કરવાના સે છોકરાવ ભૂખ્યાં બોકાહા નાખતા હશે....’ માને પગે લાગી અને પગ દબાવવા લાગી. સાકરમાએ બેય હાથે મંજુના મીઠણા લીધાં અને આશીર્વાદ દીધા.

‘હાય હાય મરો તમે. મા તમને તો તાવ સે’ મંજુએ કહ્યું.

‘ના ના કંઈ નથી. ઈ તો મને થોડું થોડું કળતર રહે છે. ઉમર થઈને’ સાકરમાએ કહ્યું ‘ઉભી રહે. એક કામ કરતી જા. હું આ થાળી કાઢી આપું ઈ તારા દાદાને આપી આવ. કાલનું ખાધું નથી.’ સાકરમા ઉભા થયા.

સાકરમાએ થાળી તૈયાર કરી અને મંજુ સાંભળે નહિ તેમ પોતાની સાથે જ વાત કરતાં ધીમા અવાજે બોલ્યા ‘ભરેલાં મરચાં કરવાના રહી ગયાં’. થાળી ઉપર બીજી થાળી ઢાંકી અને મંજુને આપી.

‘દાદાને કવ્સુ કે માને એકલી ઉધરસ નથી એમને ઝીણો તાવ છે’ મંજુએ થાળી લેતાં કહ્યું.

‘ના ના જોજે એમને કહેતી નહિ. ખોટા ઉપાધી કરશે. જો કે’ તો તને મારા સમ છે’ સાકરમાએ એને વારતા કહ્યું.

‘ના કેવું તો પડે જ ને વળી ઈમાશું...એવાં સમબમ નો હાલે..’ કહીને મંજુ ચાલતી થઇ. મેડા ઉપર જઈ દાદા પાસે થાળી મૂકી ‘માને તાવ સે દાદા’ એમ કહીને નીચે ઉતરી.

‘અલી ડેલું વાંસતી જજે’ સાકરમાએ કહ્યું.

‘હા મા વાંસી દઉં સું ને વાહણ નો ઉટકતા, હું આવીને પસી ઉટકી જઈશ’

મંજુ ડેલી બંધ કરીને ગઈ.

પછી સાકરમા ધીરે ધીરે જઈ ખાટલામાં ચાદર ઓઢીને સુતાં. જાણતા હતાં કે એમને તાવ આવ્યો છે તે સાંભળીને એમનાથી રહેવાશે નહિ...જમવા પણ નહિ રહે....ને એ હમણાં નીચે આવશે....હમણાં દાદરા ઉપર એમનો ધીમો ધીમો પગરવ સંભળાશે......ચશ્મા સરખાં કરતા પાસે આવશે ..માથે હાથ મુકશે ...પૂછશે ‘સાંભળ્યું, તમને તાવ છે?....લાવો નાડી જોવાદો’....પછી હાથમાં હાથ લેશે ........નાડી જોશે ....ને બધું ભૂલી જશે....ખટકો ઓગળી જશે...ને .ઉપચાર કરવા લાગશે.

*

A-502, સત્ત્વ ફ્લેટ્સ, કુણાલ ચોકડી પાસે, ગોત્રી, વડોદરા-૩૯૦૦૨૧