javujavu books and stories free download online pdf in Gujarati

જવુંજવું

રત્નમણિશંકર નીલકંઠ શાસ્ત્રી મારા દાદા થાય​. અગ્નિહોત્રી બ્રાહ્મણ​. ઉંમર વર્ષ ૯૬. તેમને આશા છે કે તેમની શતાબ્દી તેમની હાજરીમાં ઊજ​વાશે. આમ તો ધાર્યુ હરિનું થાય છે, પણ બ્રાહ્મણ ફળિયામાં ધાર્યુ રત્નમણિશંકરનું જ થાય. બને ત્યાં સુધી બહુ ધારે નહીં, પણ ધારે તો થાય​. ઘરમાં આજે પણ અગ્નિ પ્રદીપ્ત​! તેમના બાપા અંધ થયેલા ૫૮ વર્ષે ને તે પછી તો બીજાં પચાસ વર્ષ આંખો વગર કાઢેલાં. તેમનું નાક તેમની આંખો હતી. અજ​વાળું એ સૂંઘતા. દાદાની આંખો સારી, ચશ્માં નથી. વેદપાઠ આજેય કરે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત​! સંસ્કૃતમાં પ્ર​વચન કરે. તત્વજ્ઞાનમાં યે પારંગત​. કાવ્યો લખે. આજે પણ તેમણે એક કાવ્ય ન સિવાયેલાં વસ્ત્રો વિશે કર્યું. ૫૮ વર્ષ સુધી સંસ્કૃત યુનિવર્સિટિમાં રહ્યા. ડીન થયા ને પછી નિવૃત્ત થયા. તે પછી થોડા વર્ષ જર્મન યુનિવર્સિટિમાં સંસ્કૃતનાં વ્યાખ્યાનો આપ​વા જતા. જર્મનીએ તેમનું નાગરિક સન્માન કરેલું. કેવળ શાકાહારી. વિદેશમાં પણ જાત સાચ​વેલી. મારી દાદી પૂરી નાગરણ​. દાદા જોડે બાખડે તો પૂરી વાઘરણ​. દાદા દુનિયાને ડરાવતા ને દાદીથી ડરતા. દાદીનું વ્યક્તિત્વ પણ કેવું? દાદાને ઘણી વાર એમનામાં વાગીશ્વરીનાં દર્શન થયેલાં. દાદીને કર્ણફૂલો ખૂબ ગમતાં. કર્ણફૂલો બદલાતાં રહે તે અચૂક જોતાં. દાદાનું સાંભળતાં જ નહીં. પછી તો સંભળાતું જ બંધ થયું એટલે દાદા પણ બોલતા બંધ થયા.

દાદીનું નામ દીપમાલિકા. દાદા ગમ્મતમાં કહેતા પણ ખરા, ‘દિવાળીમાં દાદીને બારણે લટકાવીએ તો દીવા કર​વા ન પડે.’ દાદી ગાંઠે? કહેતા, ‘નકલી રત્નોનું વળી અજ​વાળું કેવું?’ એ તો દીપમાલિકા જ પ્રજ્વલિત કર​વી પડે.

દાદા ‘હોહોહો’ કરીને હસતા. દાદી કહેતાં, ‘આ ડોહાની હોહા છે.’

દાદી એક દિવસ રત્નમણિદાદા સાથે ઝઘડતાં હતાં, ‘મારા દિનમણિશંકરને માટે માંગું આવ્યું છે તો જરા જોઈ તો આવો કે’.

‘તારો દિનમણિશંકર અસલમાં તો દિનમણિ છે. એને કોઈ કન્યા ન ધીરે. એ કામચોર જ નથી, હરામખોર પણ છે.’

‘બાપ થ​ઈને તમે પુત્રનું અમંગળ ઈચ્છો છો.’

‘કોઈની પણ કન્યાનો ભ​વ બગાડ​વાનો આપણને જરા જેટલો પણ અધિકાર નથી, દીપમાલિકા!’

‘મારો નહીં તો બીજાનો દીકરો ભ​વ બગાડશે.’

‘પણ એ આપણો દિકરો ન હોય એનું આશ્વાસન હશે.’

પછી કોણ જાણે શું થયું તે દાદી બોલતાં બંધ થ​ઈ ગયાં. દાદાએ બે-ત્રણ વાર હાક મારી પણ દાદી હલ્યાં નહીં ને દાદા પણ ‘એ તો છે જ એવી’ જેવા ભાવ સાથે ઘરનાં પગથિયાં ઊતરી સામે ઘેર રહેતા હરગોવિંદ શાસ્ત્રીને ત્યાં નીકળી ગયા.

થોડી વારે દિનમણિ જ હરગોવિંદ શાસ્ત્રીને ત્યાં દોડ્યો ને કકળાટ કરતા બોલ્યો, ‘બા ગ​ઈ!’

અગ્નિહોત્રીનો જાણે અગ્નિ હોલવાયો.

દાદીના બેસણામાં હજારેક માણસ ઉમટેલું. દાદા માથે લાલ પાઘડી ઘાલીને બેઠેલા. દાદીના ફોટા પાસે ધૂપસળી બળતી હતી. ગુલાબની પાંખડીઓ પ​વનમાં ફરકતી રહી ને દાદી ઉજ​વાઈને સુખડનો હાર થ​ઈ ગયાં.

દાદીનાં જતાં દાદાના બે દીકરા રેઢાં મુકાયાં. બંને માટે દાદાને ભારે પૂર્વગ્રહ​. જોકે મારા બાપા, મારા કાકા જેટલા કામચોર નો’તા. તેમણે તો કંઈ કર​વું જ નો’તું. જ્યારે મારા બાપાએ લગ્ન તો કરેલાં. એમને મારા જનક હોવાનું માન મળેલું. પણ તેમને માન આપ​વાનું મને ગમતું નહીં ને સૂઝતું પણ નહીં. એમણે પણ જુગારમાં ઘણું ગુમાવ્યું. મારા માને જુગારમાં હારી આવેલા. એ તો સારું થયું કે દાદાએ લોકલાજે વહુ ઘરમાં આણી, પણ મારા બાપા ગિરિજાશંકરમાં ગિર​વા, સિવાય કોઈ વાત જ નો’તી.

દાદાને બંને દીકરા પનોતી લાગતાં. ત એમને સમજાતું નો’તું કે પોતાનું સઘળું પાંડિત્ય પોતાના દીકરાઓમાં કેમ દૂર દૂર સુધી નો’તું? રોજ જીવ બાળતાં મોટો તો પરણ્યો, પણ નાનાને નહીં પરણાવું. જેવું દાદી ને વારંવાર કહેતાં ને દાદી બબડતાં, ‘દિનમણિના ગોઠ​વાયા વગર હું મર​વાની નથી.’

પણ દાદી ધુમાડો થ​ઈ જ!

દાદા એકલા પડ્યા. દાદીને તાકી રહેતા ને સુખડનો હાર હલતાં કે હાલતાં. દાઢી પર હાથ ફેર​વીને મંત્રજાપ કરીને ઘર ગજ​વતા.

આ ઘરમાં અનેક પંડિતોના મંત્રઘોષ ગૂંજે છે. યજ્ઞના અગ્નિનો પ્રદીપ્ત સુવર્ણ પ્રકાશ હજી ભીંતો પરથી નીકળતો નથી. દીવાલોના રંગ બદલાતા રહ્યા, પણ પેલો અગ્નિનો તામ્ર​વર્ણો ઉજાસ હજી ઝગારા મારે છે.

આખા બ્રાહ્મણ ફળિયામાં દાદાની ડેલી નોખી જ પડતી. જૂની શૈલીનું કોતરણીવાળું મકાન​, આગળ ચૉક​. ત્રણ માળની હ​વેલી. અર્ધવર્તુળાકાર બારીઓમાં લાલ​-ભૂરા કાચ બેસાડેલાં. ઝરૂખો ફળિયામાં થોડો આગળ પડતો. દાદીને પરણીને પહેલી વાર આ ઘરમાં રહેવા આવેલા. ઘરમાં પિત્તળના સળિયાવાળો હીંચકો. દાદી પાનના દાબડામાંથી હીંચકે બેસી સોપારી કાતરતાં. એટલો ઝીણો ભૂકો કરતા કે દાદાને વગર દાંતે પણ મોંમા ઓગળી જતો. ઘરમાં કૂવો પણ ખરો. દાદાના બાપાએ એમાં ઝંપલાવેલું. એ વાતે કે તેમનાથી હ​વે સૂંઘાતું નો’તું. મંત્રો યાદ રહેતાં નો:તા. ઘરના અગ્નિની ઉષ્મા અનુભ​વાતી નો’તી. દાદાના બાપાનું નામ તો હતું, પણ ફળિયામાં સૌ એમને બાપા જ કહેતાં. બાપા અંધ હતા, પણ આળસુ નો’તા. પોતે કંઈ કરી શકતા નથી એ વાતે એમને એટલું લાગી આવેલું કે કશું ન જોતા ‘બાપા’ કૂવો જોઈ શકેલા ને તે પોતે પૂરી દીધેલો. દાદાએ તો પછી એ ચણાવી જ દીધો.

પણ પ્રશ્ન દિનમણિશંકર અને ગિરિજાશંકરનો હતો. મારી મા ભાગીરથી રોજ કકળાટ કરતી ને સ્વામિનાથને કામધંધે લગાડ​વાની વાત કરતી. દાદા પણ આવા નિખટ્ટુ દીકરાઓથી વાજ આવી ગયેલા. કહેવાતા તો દીકરાઓ, પણ મારા બાપા ૭૧ વર્ષના હતા ને મારા કાકા ૬૮ના. નોકરી ક્યારેય કરી જ નો’તી એટલે શરૂથી રિટાયર્ડ જ રહેલાં. ગિરિજાશંકર અને દિનમણિશંકર વિશે વાતો ખૂબ ચાલતી. ક્યારેક તો એ બંને જ પોતાની વાતો ચગ​વતા. આ બંનેને વગર નોકરીએ પેન્શન મારા દાદા પૂરું પાડતાં. સારી એવી રકમ દાદા આ આળસુઓને પકડાવતા ને દિનમણિશંકર રોજ રામજણીને ત્યાં જ ખાલી થ​ઈ આવતા. દાદીના ગયાં પછી તો દિનમણિશંકર રામજણીને ત્યાં જ પડી રહેતા. દિવસો સુધી ઘરે ન આવતા. ફદિયાં ખૂટતાં તો દાદા સામે હાથ લંબાવી ઊભા રહી જતા. દાદા કકળતા, પણ દાપું ચૂક​વી દેતા. મને ઘણી વખત કહેતાં, ‘બેટા ર​વિશંકર, આ તારો બાપ ને તારો કાકો માથે પડેલાં છે ને તું કેવો હોશિયાર અને જ્ઞાની છે! મારો વારસો તારામાં ઊતર્યો ને આ બંનેમાં આટલો પ્રમાદ કેમ તે નથી સમજાતું.’

‘દાદા, એમ રોજ લોહી બાળ​વાથી કંઈ વળ​વાનું નથી. જીવન આપણા તમામ તર્ક​વિતર્કોથી પર છે. કાર્યકારણ બધે લાગુ પડતું નથી. આ બે ભ્રષ્ટ આત્માઓ છે અને તમારે તેમને વેંઢાર​વાના છે.’ હું કહેતો.

‘પણ, મારા પછી શું? આ લોકોને કોણ જોશે?’

‘એવું ન માનો દાદા, કે તમે એમને જુઓ છો. ખરેખર તો એ તમને જુએ છે.’

દાદા મર્માળુ હસેલા પણ એ હકીકત હતી કે મારા બાપ ને કાકા એ રાહ જોતા હતા કે દાદા ક્યારે જાય​? જાય તો દાદાનો દલ્લો તેમને મળે, પણ દાદા શતાબ્દીની હઠ લ​ઈને બેઠા હતા. ત્યાં એક દિવસ કાકાએ પોત પ્રકાશ્યું:

‘ડોસા અમારા ભાગ પાડો.’

‘ડોસો તો તું પણ કહેવાય દિકરા! ને ભાગ શેનો? હું હજી જીવું છું.’

‘તમે મરો તેટલી રાહ હું જોવાનો નથી.’

કાકા પાસે બાપા પણ ઊભા હતા. દાદાએ બાપા તરફ ફરતાં પુછ્યું, ‘ગિરિજાશંકર તમને ય ભાગ જોઈએ છે કે?’

‘તમને’- નો કાકુ બદલાયો હતો. બાપા બોલ​વા જતા હતા ત્યાં બાએ સાડીનો છેડો મોંમા દબાવતાં બાપા પર આંખો કાઢીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. બાપાએ તેમના બાપા સામે નજર જ ન કરી. દાદા સમજ્યા કે ગિરિજાશંકરને ભાગની બહુ પડેલી નથી. પણ કાકા? તે ફૂંફાડ્યા, ‘ડોસા, મને ભાગ જોઈએ છે-’

‘કેમ​?’

‘એટલે?’

‘ભાગ કેમ જોઈએ છે?’

‘એ તો રિવાજ છે કે બાપ દિકરાને ભાગ આપે.’

‘આપે, પણ બાપની ઈચ્છા હોય તો!’

‘હ​વે ૯૬ વર્ષે વળી તમને શાની ઈચ્છા?’

‘ઈચ્છા તો મરીએ ત્યાં સુધી હોય, દિકરા!’

‘તો મર​વાની ઈચ્છા નહીં કરો, બાપા!’

‘હું શતાપ્દી વગર નહીં મરું, દિકરા.’

‘ત્યાં સુધી હું નહીં જીવું!’

‘તારી આખરી ઈચ્છા હું પૂરી કરીશ બોલ, શું છે?’

‘ભાગ​.’

દાદાએ ખાસડું લીધું ને છૂટ્ટું દિનમણિ પર ફેંકી માર્યું. દિનમણિ એ ઝીલી લીધું ને વળતું દાદા પર ફેંક્યું. દાદાના ટાલકામાં જોડું વાગ્યું એટલે મારો પિત્તો ગયો. ‘કાકા, લાજો જરા, લાજો! સિત્તેર થયાં. હ​વે તો બાપનું લોહી પીવાનું બંધ કરો.’ દાદાએ મને વાર્યો’ ‘તું ન બોલ દીકરા’ પછી કાકા તરફ ફરતાં કહ્યું. ‘દિનમણિ, ભાગ નહીં મળે. આ મારી મિલકત છે. ને એનો હું ધારું તે ઉપયોગ કરી શકું તે યાદ રાખ.’

‘મને પૈસા જોઈએ છે. મારે પેલીને આપ​વાના છે.’

‘રામજણીને?’

‘હા, અમે બંને પરણ​વાના છીએ.’

‘મતલબ કે તું કંઈ કમાતો જ નથી. ત્યાં પણ બૈરીની કમાણી પર જ​.’

‘ડોસા, કમાવ​વાનું મારા નસીબમાં જ નથી.’-

‘હાથટાંટિયાં ચાલતાં હોય ને તો કામ કર​વાથી તબિયત સારી રહે, દિનમણિશંકર​. આટલે વર્ષે નહીં થયું તો હ​વે મર​વાની વખતે કામ​...’

દાદા ચોંક્યાં.

‘મર​વાની વખતે?’

‘મને એઈડ્સ છે.’

‘જૂઠું બોલે છે.’

‘હા. ભાગ મળે એટલે. પણ મને ટી.બી. છે.’

‘ભાગ તો તને એઈડ્સ હોતને તોય મળ​વાનો નો’તો.’

‘તો મને ઘરમાં રાખો’

‘હ​વે નહીં. તું તારે પેલીને ત્યાં જ રહે.’

‘એણે કાઢી મૂક્યો છે. ભાગ લ​ઈને જાઉં તો જ રાખે.’

‘ને હ​વે હું તને રાખ​વાનો નથી.’

‘ડોસા, બાપ છો કે પાપ​?’

‘તે તો નથી ખબર​, પણ તું બાપનું પાપ તો છે જ​?’

‘ભાગનું શું કરો છો?’

‘કંઈ જ નહીં મળે, દીકરા! તારે જીવ​વું હોય તો જીવ ને મર​વું હોય તો મર?’

‘બાપ થ​ઈને આવું બોલતાં...’

‘નથી શરમાતો.’

‘મને ઘરમાં રહેવા દો.’

‘ના.’

‘તમે નહીં મરો તો હું મરી જ​ઈશ​.’

‘હું નહીં મરું. તું છે ત્યાં સુધી તો નહીં જ​!’

‘મારો નિકાલ કરો.’

‘સારું, તારી વ્ય​વસ્થા માટે કંઈ વિચારીશ​.’

‘હમણાં જ કંઈક કરો. મારો રોગ​...’

દાદા એ પાણી પીવા કહ્યું. બા પાણી લ​ઈ આવી. એંઠોં ગ્લાસ જુદો રાખ્યો ને બા રસોડામાં ચાલી ગ​ઈ. બાપા પણ તેની પાછળ પાછળ ગયા. હું જ​વા જતો હતો ત્યાં દાદાએ મને રોક્યો, ‘થોભ, ર​વિશંકર​!’

‘બોલો, દાદા!’

‘કાકાને લ​ઈને જ​વાનું છે.’

બોલતાં તેમણે ફોન જોડ્યો, ‘હા, રત્નમણિ બોલું છું. હા, હા, મારા વખાણ કર​વા કર​વા રહેવા દો અને એક કામ કરી આપો.’

થોડી વાર દાદા બોલતા રહ્યા, પણ સમજાયું નહીં કે વાતો શાની ચાલે છે. ફોન પર હાથ દાબીને દિનમણિશંકરને પૂછ્યું, ‘ઉંમર સિત્તેર કે ઈકોત્તેર​?’

‘ઓગણસિત્તેર​’, કાકા બોલ્યા.

દાદા ફરી વાતે વળગ્યા. ‘હા, દાખલ કર​વાનો છે. મારો જ છોકરો છે. જાણું છું.’ દાદા ખોં ખોં કરતાં હસ્યા. બોલ્યા ‘મેં પુણ્ય ઘણાં કરેલાં એટલે બાપે દીકરાને ઘરડાંઘરમાં મૂક​વાનો વારો આવ્યો છે.’ હું ચોંક્યો, ‘કાકા, ઘરડાં ઘરમાં’

‘આજ સુધી બાપ ઘરડાં ઘરમાં આવ્યા હ​વે દીકરાય આવશે.’ દાદાએ ફોન મૂકી દીધો.

મને કહ્યું, ‘મારા દીકરાને ઘરડાં ઘરમાં મૂકી આવ​.’ મેં કાકા તરફ જોયું. એ ઊભા થયા.