chaar dham books and stories free download online pdf in Gujarati

ચાર ધામ

ભારત આસ્થા અને માન્યતા નો દેશ છે. આ આસ્થા અને માન્યતાનું પ્રતીક છે ઉત્તરાખંડમાં આવેલ દેવભૂમિની ચારધામ યાત્રા. આ સ્થળો માત્ર પૌરાણિક કે ધાર્મિક સ્થળ જ નથી પરંતુ પવિત્રતા અને ભક્તિભાવનો એક ઉર્જા સ્ત્રોત છે થોડા દિવસ પૂર્વે જ અખાત્રીજના દિવસે ચારધામની યાત્રા શરૂ કરવામાં આવી છે અને હંમેશની જેમ આ વખતે પણ દર્શન કરવા માટે માનવ મેદની ઉમટી પડી છે ત્યારે ચાલો આપણે આ ચારધામ વિશે જાણીએ. કયાં છે આ ચારધામ? શું કામ વિશેષ મહત્વ ધરાવે છે? કેમ અહીં વર્ષે લાખો લોકો ઉમટી પડે છે તેમજ તેની અન્ય વિશેષતા અને આકર્ષણો વિશે જાણીએ.

હરિદ્વાર
હરિદ્વાર ચાર ધામમાં આવતું નથી તેમછતાં અહીં આવ્યા વિના ચારધામની યાત્રા પુરી થતી નથી. ચારધામ જવા માટે હરિદ્વાર થી જ આગળ વધવું પડે છે. એટલે જ તેને કેટલાક શિવભક્તો હરદ્વાર કહે છે તો કેટલાક વિષ્ણુ ભક્તો હરિદ્વાર પણ કહે છે. ગંગોત્રીમાંથી નીકળતી ગંગાની ધારા અહીંથી જ મેદાની ક્ષેત્રમાં પહોંચે છે. ચારધામ નું પ્રવેશદ્વાર હોવા ઉપરાંત હરિદ્વાર પોતાનું પણ એક અલગ મહત્વ ધરાવે છે. હિન્દૂ સાત પવિત્ર સ્થળોમાંનું એક સ્થળ હરિદ્વાર છે. તેમજ સાત મોક્ષદાયિની નગરીમાંની એક નગરી પણ ગણાઈ છે. આજે પણ ઘણાં લોકો મૃત્યુ પામેલા લોકોની ચિતા ની રાખ અહીં પધરાવે છે.

યમુનોત્રી
ચારધામની યાત્રા યમનોત્રી થી શરૂ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, યમુના નદીનું ઉગમ સ્થાન એટલે યમુનોત્રી. અહીંથી યમુના નદી નીકળે છે. યમરાજની બહેન અને સૂર્યની પુત્રી યમુના કે જે યમનોત્રી તરીકે પણ ઓળખાય છે આ સ્થળ સમુદ્ર તટ થી લગભગ ૩૩૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત છે. જ્યાં સુધી પહોંચવા માટે લગભગ અમુક કિલોમીટરનું ચઢાણ ચઢવું પડે છે. જે લોકો નથી ચઢી શકતાં તેઓ માટે અહીં પાલખીની વ્યવસ્થા પણ છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ યમનોત્રી આવે છે અને દર્શન કરે છે તેને મૃત્યુ ના સમયે યમ ક્યારે હેરાન કરતાં નથી. આ તો એક માન્યતાની વાત છે હકીકત ખબર નથી. પણ એક હકીકત ખબર છે અને તે છે આ મંદિર. એક તો સુંદર પહાડી વિસ્તાર અને તેની વચ્ચે આવેલું અને પહાડી શૈલીમાં બનેલું યમુના મંદિર કેટલો સુંદર અને નયનરમ્ય નજારાનું નિર્માણ કરતું હશે ને! મંદિર કાળા સંગેમરમર માંથી બાંધવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં વહેતી એક પવિત્ર વાતાવરણ અને શાંતિનો અનુભવ કરાવી જાય છે. તેમજ અહીં સુધી આવવા માટે કરવી પડતી કઠીન મુસાફરીનો થાક પણ ઉતરી જાય છે. અહીં આવેલા સૂર્યકુંડ અને જમુનાબાઈ કુંડ ગરમપાણીના પ્રખ્યાત કુંડ છે. સૂર્યકુંડની નજીક દિવ્યશીલા નામક સ્થાન છે કહેવાય છે કે યમુનોત્રી મંદિરમાં આવવા પહેલાં આ દિવ્ય શિલાનું પૂજન કરવું અનિવાર્ય છે.

ગંગોત્રી
ચારધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી છે. હિન્દૂ ધર્મ માં ગંગા નદીને સૌથી પવિત્ર અને પાપનાશની નદી કહેવામાં આવે છે. યમુનોત્રીના દર્શન કરીને લોકો ગંગોત્રી આવે છે. ગંગોત્રી ધામ ઉત્તરાખંડ માં આવેલા ઉત્તરકાશીથી લગભગ ૧૦૦ કિલોમીટર ના અંતરે છે. જ્યારે યમુનોત્રી થી ૨૧૯ કિલોમીટર ના અંતરે છે. પૌરાણિક કથા મુજબ મા ગંગા અહીંથી અવતર્યા હતા. જેને લીધે આ સ્થાન ગંગોત્રી તરીકે ઓળખાય છે. ગંગા નું પ્રાકૃતિક ગોમુખ ગ્લેશિયર ગંગોત્રી થી ૧૮ કિલોમીટર દૂર છે. જેમ શિવ ની જટા માંથી ગંગાની ધારા નીચે ગોળ ગોળ ફરીને ઉતરે છે તેવી જ રીતે અહીં પણ ગંગાનું પાણી નીચે ઉતરે છે.
શરુઆત ની નદી ભગિરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા ને મળે છે. મંદિર હારસીલ નગરથી ૨૨ કિલોમીટર દૂર છે. મંદિરની અંદર માતા ગંગાની સોનાની મૂર્તિ બનાવવામાં આવેલી છે. અને મંદિરની બહાર પીળા રંગની ધજા લગાવવામાં આવેલી છે જે મંદિરના સૌંદર્યને વધુ નિખારે છે. લીલા જંગલો, પહાડોને ફાડતા રસ્તા અને કુદરતી સૌંદર્યથી ઉભરતાં રસ્તાની વચ્ચેથી પસાર થઈને આગળ વધવાની મજા પણ કઈ અલગ જ છે. હા, પણ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ પવિત્ર મંદિરના દર્શમ કરતાં પૂર્વે હાડકાં થીજવી દેઈ તેવા ઠંડા પાણીમાં ડૂબકી પણ મારવી પડે છે.

કેદારનાથ
ચારધામનું ત્રીજું ધામ કેદારનાથ છે. આપણે જાણીએ જ છીએ તેમ ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગ છે જેમાંનુ એક કેદારનાથ છે. ઉંચા પર્વત અને હજારો ફૂટ ઉંડી ખીણની વચ્ચે ગૌરીકુંડ થી કેદારનાથ નું અંતર ૨૨ કિલોમીટર છે જ્યાં સુધી જવા માટે ચઢાણ ચઢવું પડે છે. વર્ષ ૨૦૧૩ દરમિયાન અહીં થયેલી કુદરતી કોપ ને લીધે કેદારનાથ ને મોટું નુકસાન થયું હતું એટલું જ નહીં પરંતુ અહીં સુધી પહોંચતાં રસ્તા પણ ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હતા. જેને લીધે અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ લાંબો બની ગયો છે. અગાઉ અહીં સુધી પહોંચવા માટે ૧૪ કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું પરંતુ હવે આ ૨૨ કિલોમીટર નું ચઢાણ ચઢવા પડે છે. જે માટે અહીં ઘોડા અને પાલખી પણ મોજુદ છે. આ સિવાય હેલિકોપ્ટર સેવા પણ હવે ઉપલબ્ધ છે. મહાભારત માં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ, જ્યારે પાંડવો ગોત્ર હત્યાનો પાપ ધોવા માટે હિમાલય પર ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન કેદારનાથે તેમને દર્શન આપીને પાપ માંથી મુક્તિ અપાવી હતી. એવી પણ માન્યતા છે કે મૂળ મંદિરનું બાંધકામ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. કેદારનાથ નું મંદિર અક્ષયતૃતીયા થી લઈને કાર્તિક પૂર્ણિમા સુધી ખુલ્લું રહે છે. હિમાલય ની નજીક આવેલા અને બરફથી ઘેરાયેલા પહાડની વચ્ચે આવેલું મંદિર મંદાકિની નદીનું ઉગમ સ્થાન પણ છે. નજીકમાં ભૈરવનાથ નું મંદિર છે જેને અહીંના રક્ષક કહેવામાં આવે છે. મંદિર સિવાય અહીં જોવાલાયક સ્થળોમાં ગુપ્તકાશી, ગાંધીસરોવર અને પંચકેદાર છે.

કેદારનાથની ગુફા
નરેન્દ્ર મોદીએ જ્યારથી કેદારનાથની ગુફામાં ધ્યાન ધર્યું છે ત્યારથી લઈને આ ગુફા અનેક ગણી પ્રસિદ્ધિ પામ્યું છે. આ ગુફા કેદારનાથના મંદિરની ડાબી બાજુએ આવેલી પહાડી પર છે. પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી આ ગુફા એપ્રિલ મહિનામાં જ બનાવવામાં આવી છે. જેનું નામ રૂદ્ર ગુફા રાખવામાં આવ્યું છે. આ ગુફામાં બુકિંગ કરાવવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે સો પ્રથમ ગઢવાલ મંડળ વિકાસ નિગમ કે જેણે આ ગુફા બનાવી છે તેમની પાસે બુકીગ કરાવવું પડે છે ત્યારબાદ નંબર લાગ્યા બાદ ગુપ્ત કાશીમાં મેડિકલ ટેસ્ટ થાય છે ત્યારબાદ ફરીથી કેદારનાથ માં મેડિકલ ટેસ્ટ હાથ ધરાઇ છે અને ત્યારબાદ ગુફામાં જવાનો ચાન્સ મળે છે. અહીં આવી બીજી પાંચ ગુફા બનવા જઈ રહી છે.

બદ્રીનાથ
કેદારનાથ બાદ ચોથું અને છેલ્લું ધામ આવે છે અને તે છે બદ્રીનાથ. બદ્રીનાથ ભગવાન વિષ્ણુનું મંદિર છે અને ચારધામનું મુખ્યધામ છે. જે ચમોલી જિલ્લામાં ૩૧૩૩ મીટરની ઉંચાઈ પર આવેલું છે. ગૌરી કુંડ થી બદ્રીનાથ ૨૨૯ કિલોમીટર ના અંતરે છે. અહીથી બદ્રીનાથ જવાના બે માર્ગ છે. એક કેદારનાથ થી રુદ્રપ્રયાગ થઈને ૨૪૩ કિલોમીટર દૂર બદ્રીનાથ જવું અને બીજો માર્ગ છે ઉખીમઠ થઈને ૨૩૦ કિલોમીટરનું અંતર કાપી ત્યાં પહોંચવું. બદ્રીનાથ ને સ્વર્ગનો દ્વાર પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે બદ્રીનાથથી જ સ્વર્ગમાં જવાનો રસ્તો પસાર થાય છે. હકીકત જે હશે તે પણ આ સ્થળ ભગવાન વિષ્ણુ બદ્રીનાથના રૂપમાં પૂજાય છે. નર અને નારાયણ પર્વતની વચ્ચે આવેલું બદ્રીનાથ સમુદ્ર તટથી ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. અહીંથી પસાર થતી અલકનંદા નદી આ સ્થળની સુંદરતા માં વધારો કરે છે. બદ્રીનાથ નું મંદિર અનેક રીતે ખાસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ ધામમાં ભક્તિ અને શક્તિ નો વિશેષ સંગમ જોવા મળે છે. કથા પ્રમાણે, જ્યારે વિષ્ણુ ભગવાન આ સ્થળે તપ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મી તેમને શોધતાં શોધતાં અહીં આવે છે ત્યારે જોઈ છે કે ભગવાન તપ કરવામાં લીન છે અને તેમને ખબર પણ નથી કે તેમના પર બરફ પડી રહ્યો છે ભગવાનને બરફથી રક્ષણ આપવા માટે તેઓ તેમની બાજુમાં બદ્રી નામક વૃક્ષ બનીને ઉભા રહી જાય છે અને બરફથી રક્ષણ આપે છે જ્યારે વિષ્ણુ તપસ્યામાંથી જાગે છે ત્યારે જોઈ છે કે લક્ષ્મી બદ્રી વૃક્ષ રૂપે તેમનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે તેમણે લક્ષ્મીજી ને કહ્યું કે આજથી આ જગ્યા બદ્રીનાથ ના નામથી ઓળખાશે. બીજી એક વાર્તા પ્રમાણે, આદિ ગુરુશંકરાચાર્ય ને નારદ કુંડ માંથી વિષ્ણુની વિશાળ મૂર્તિ મળી હતી તેમણે આ મૂર્તિને મંદિરમાં મૂકી અને ત્યારથી આ મંદિર બદ્રીનાથ ના નામથી ઓળખવામાં આવ્યું હતું. આવી મંદિરનો ઉદ્દભવ થવાની અનેક વાર્તા છે. મંદિરને ધ્યાનથી જોશો તો તે એક દૂરથી ઘર સમાન લાગે છે જો ભગવાનનું ઘર કેવું હોઈ શકે છે એવો વિચાર કરીને આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બદ્રીનાથનો કપાટ ખુલે છે ત્યારે પ્રથમ દિવસે અહીં અખંડ જ્યોત ના દર્શન થાય છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ જ્યોત શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એટલી જ પ્રજ્વલિત રહે છે. પુરાણોમાં લખેલું છે કે બદ્રીનાથમાં છ મહિના દેવતા અને છ મહિના મનુષ્ય પૂજા કરશે. માન્યતા છે કે છ મહિના નારદજી મુખ્ય પૂજારી હોય છે જે મા લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે. મંદિરની પાસે ગરમપાણીનો કુંડ છે. વર્ષો અગાઉ અહીં નારાયણ સ્વામી દર્શન આપતાં હતાં. પરંતુ પૃથ્વી પર પાપા વધતાં તેઓ અંતર ધ્યાન થઈ ગયા હતાં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર અનેક તીર્થ છે પરંતુ બદ્રીનાથ જેવું કોઈ તીર્થ નથી. આ મંદિરનું નિર્માણ વૈદિક કાળમાં થયું હતું. આઠમી સદીમાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા મંદિરનું પુર્ન નિમાર્ણ કરાયું હતું. સમયજતાં દેશમાં વિદેશી આક્રમણો થતાં ગયાં, કુદરતી અને માનવ સર્જિત આપત્તિ આવતી ગઈ તેમ મંદિરના બાંધકામને પણ અસર પડવા લાગી. વર્તમાનમાં જે મંદિર છે તેનું નિર્માણ બે શતાબ્દી અગાઉ કરવામાં આવ્યું છે. ૧૭ મી સદીથી મંદિરમાં દક્ષિણ ભારતના પૂજારી દ્વારા પૂજા કરવામાં આવે છે. મંદિરના શિખર પર વિશાળ ગુંબજ છે જ્યારે અંદર ૧૫ મૂર્તિ છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની સાથે નર અને નારાયણ ધ્યાન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની અંદર વિષ્ણુ ની શાલીગ્રામ સ્વરૂપે કાળી પથ્થર ની મૂર્તિ છે. મંદિર ત્રણ ભાગમાં વહેચાયેલું છે. સભામંડપ, ગર્ભગૃહ અને દર્શન મંડપ.
અહીં આવનારા ભક્તો વિષ્ણુને વનતુલસીની માળા અર્પણ કરે છે. મંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે તેપ્ત કુંડમાં સ્નાન કરવું ફરજીયાત છે. નજીકમાં જોવા જેવા સ્થળોમાં વ્યાસ ગુફા, નારદ કુંડ, વસુધારા ફૉલ અને અલકા પુરીનો સમાવેશ થાય છે.