SAAVKI MAA books and stories free download online pdf in Gujarati

સાવકી માં

*સાવકી મા*

વર્ષો વીતી ગયા બાદ પણ હું જ્યારે પાછળ વળીને જોઉં તો એકજ શબ્દ મારા કાને હમેશાં અથડાયા કરે છે. "સાવકી મા"
સાવકી મા બની ત્યારથી જ આ શબ્દ જોડે હું જાણે યુદ્ધ કરતી આવી રહી છું. સાવકી મા આજ મારી ઓળખાણ બની ગઈ છે. દરેક વખદે માના માતૃત્વની અગ્નિ પરીક્ષા આપવાની? માતૃત્વ સાબિત કરવાનું? જાણે મે બીજવર જોડે લગ્ન કરી બહુ મોટો ગુનો કર્યો હોય તેમ સમાજ મને ગુનેગારનો દોષારોપણ કરી મને કોર્ટના કઠડામા ઉભી કરી દે છે. મે કઈ ગુનો કર્યો જ નથી તો શું કામ હું મારી સફાઈ સમાજ આગળ કરું? મે કોઈ ચોરી ચપાટી કરી છે? ખૂન કર્યો છે? કોઈને ઇજા પહોંચાડી છે? કોઈની જાયજાદ હડપી છે? શું કામ હું પોતાની જાતને સાબિત કરું ? મા તો મા જ હોય છે. માની મમતા કોઈ દિવસ સાવકી નથી હોતી. પરંતુ આજના જમાનામાં કોણ સમજી શકે એવી ભાવનાઓને? સદીઓથી ચાલતી આવતી આ કુરિવાજને કોણ સમજી શકે? કોણ વાચા આપી શકે? જમાનો બદલાયો પણ અનેક કુરિવાજોમાથી આ એક સહુથી મોટા કુરિવાજને કોણ દૂર કરશે? કુમુદબહેન વિચારોને ચકડોળે ચઢયા હતાં. કોણ જાણે આજે કુમુદબહેનના મનમાં અચાનક એવા વિચારો આવવા માંડ્યા? આજદિન સુધી તેને સાવકાપણું બતાવ્યું જ નહોતું.

કુમુદબહેન તડકાને પોતાના આંચલમાં સમાવવાની કોશિશ કરતાં હતાં. કુમુદબહેન ફૂલોની ખુશ્બૂને પોતાની મુઠ્ઠીમાં સમાવવાની કોશિશ કરતાં હતાં. પાણીમાં ચંદ્રના પ્રતિબિંબને પોતાના હથેળીમાં સમાવવાની કોશિશ કરતાં. પણ એમને ખબર હતી, એ સારી રીતે જાણતા હતાં કે આ શક્ય જ નથી. પણ આ બધાને તરસતી નજરે જોતાં હતાં. અને અપેક્ષા રાખતાં હતાં કે કોઈક દિવસ કોઈના મોંઢેથી એના માટે પ્રશંસાના બે શબ્દો એમના કાને સંભળાય પણ હકીકતમાં તેવું થતું નહોતું. સમયના વહેણ વહેતાં ગયાં.

આજે પૂનમની ચાંદની રાત હતી. મોસમ પણ ખુશનુમા હતું. જાણે કુમુદબહેનની પ્રશંસા કરતું હતું. ગેલેરીમા ઉભા ઉભા પૂનમના ચાંદને નિહાળતાં હતાં. અચાનક પાછળથી અવાજ આવ્યો," મમ્મી , તમે ક્યારના અહી ઉભા રહી ચંદ્રને નિહાળતાં શું વિચાર કરો છો?

" દીકરા રૂપાલી, તને કેવી રીતે ખબર પડી કે હું ચંદ્રમાને જોઈ કંઇક વિચારતી હોઈશ? હેરાન થઈ કુમુદબહેને રૂપાલીને પૂછ્યું.

" મમ્મી, તમારી ખુશ્બુને હું સારી રીતે પારખું છું. તમારી સોચ,તમારો અહેસાસ, તમારી ગમગીની,તમારો સ્પર્શ, મારા સિવાય બીજું કોણ વધારે જાણી શકે? તમે મારી મા છો મા" કુમુદબહેનનો જમણો હાથ પોતાના બંને હાથની વચ્ચે હલકેશથી દબાવતા રૂપાલી બોલી.

" મમ્મી તમે હજુ કોઈક મુશ્કેલીમાં છો? જે મને કહેવા જેવી નથી? હું તમારી દીકરી નથી પણ ખાસ બહેનપની છું. બહેનપણીએ વાતો કહેવાની હોય નહી કે છુપાવવાની. માની નજરમાં નજર મેળવી રૂપાલી બોલતી હતી.

" નહી રૂપાલી , પણ હું જે વિચારી રહી છું તે કેટલું સાચું અને કેટલું ઝૂઠું છે તે મને ખબર નથી પડતી. મનમાં એક ડર બેસી ગયો છે તું પણ એજ ભૂલ તો નથી કરતી ને જે મે ભાવનાઓ અને લાગણીઓને આધીન થઈને કરી હતી.

" મમ્મી, તમારો ડર સ્વાભાવિક છે. પણ તમે જે પણ કર્યું તે મારા માટે ગર્વની વાત છે. તમે મારા પ્રેરણા સ્ત્રોત છો મમ્મી. તમારા થકી જ મે માતૃત્વની ગહેરાઈ જાણી શકી. તમારી મમતાને હું ગલત કેવી રીતે માણી લઉં?.

" તારી સોચ ઠીક છે રૂપાલી પણ જે હાલતથી હું ગુજરી છું તે હાલતથી હું તને ન જવા દઉં. અત્યારે બહુ રાત થઈ ગઈ છે તું હવે સૂઈ જા."

" મમ્મી મને તમારા ખોળામાં સુવા દો." રૂપાલીને પોતાના ખોળામાં સુવડાવી તેના માથા પરથી હાથ ફેરવતાં હતાં. કુમુદબહેનને તેમના વીતેલા દિવસો ફરીથી યાદ આવતા ભૂતકાળમાં વિલીન થઈ ગયા. તેમનો ભૂતકાળ તેમની આંખોની સામે આવી ઉભો થઈ ગયો.

" સુધાકર જોડે લગ્ન કરી નવી નવેલી દુલ્હન બનીને કુમુદબહેન સાસરામાં આવ્યા. જે વ્યક્તિ જોડે તેમના લગ્ન થયા હતા તે વ્યક્તિ એક સમયે કુમુદબહેનની મોટી બહેન શારદાના પતિ હતાં. શારદા બહેનના અચાનક અવસાનને લીધે તેમના માટે સહુથી મોટી ચિંતા હતી તે શારદાબહેનના બંને સંતાનોની. શારદા બહેનના અવસાન વખદે રૂપાલી માંડ માંડ બે વર્ષની હતી અને તેનો ભાઈ રોહિત એક વર્ષનો હતો. સમાજમાં એમ કહેવાય છે મા મરે પણ માસી જીવે. માસી એટલે અડધી મા હોય. શારદા બહેનના બંને છોકરાઓ કુમુદબહેનને મા સમજી વળગી રહેતાં હતાં. આ બંનેની ઉછેરની ચિંતા કુમુદબહેનને કોરી ખાતી હતી. બહેનનાં બંને સંતાનોને ખાતર તેમણે સુધાકર જોડે લગ્ન કરી લીધાં.

બીજી બાજુ કુમુદબહેન સુધાકરનો પણ માન સન્માન રાખતી હતાં. સમયના વહેણ સાથે શારદાબહેનની વસમી વિદાયનું દુઃખ પણ ભુલાતું જતું હતું. બંને સંતાનો કુમુદબહેનના લાડ કોડમાં ઉછેરતા હતાં. માતૃત્વમા કોઈ જ કંજુસાઈ કરતાં નહોતાં. લખ લૂટ હેત વરસાવતાં હતાં. સમયની સાથે સાથે અને કુમુદબહેનના મમતાની હૂપ સાથે બંને સંતાનો હવે યુવાન થઈ ગયા હતાં. બંનેને મોટા કરવામાં સમય પસાર થઈ ગયો હતો. બંને છોકરાઓ નાના હતા અને રમતા રમતા લડી પડે અથવા કોઈને વાગી જાય તો કુમુદબહેન ઊંચાનીચા થઈ જતાં. બંને છોકરોઓની સાથે પોતે પણ બાળક બની જતાં. પોતે ભીનામા સૂતાં હતાં અને છોકરાઓને ગાદલા પર સુવડાવતા હતાં. કોઈ વાતની કચાશ રાખતાં નહોતા. કોઈને બોલવાનો વારો આવવા દીધો નહોતો એ રીતે ઉછેર કર્યો અને સંસ્કાર પણ આપ્યાં. રમતા રમતા કોઈને ઇજા પહોંચી હોય તો અડોસ પડોસ વાળા કહેતાં બિચારાની મા નથી. સાવકી મા ક્યાં સુધી અને કેટલો ખ્યાલ રાખશે? બસ આ મહેણા ટોણાથી તેમનું દિલ કાંચની માફક તૂટી જતું. બેઉ છોકરાઓના ઉછેરમાં કોઈ કચાશ ન રહી જાય અને માના મમતાથી વંચિત ના રહી જાય તે વિચારી કુમુદબહેને પોતાના કુખે કોઈ બાળકને જન્મ ન આપવાનો નિર્ણય કર્યો હતો. આ વાત સુધાકરને ખબર પડતાં એ નારાજ થયો હતો. તેની નારાજગી કુમુદબહેન સમજી ગયા . સુધાકરના ખુશી ખાતર પોતાનો નિર્ણય પાછો ખેચી લીધો.

લોકોના મહેણા ટોણા સાંભળી એ પતિ સુધાકરને કહેતી કે હું લોકોના મહેણા ટોણા સાંભળી બહુજ કંટાળી ગઈ. લોકો ભલે મારી દીદીને યાદ કરતા હોય તેમાં મને બહુ ખુશી છે. પણ લોકો વાતે વાતે સાવકીપણનો અહેસાસ કરાવે છે તેથી બહુજ દુઃખ થાય છે.

" સુધાકર કહેતો, કમુ તું લોકોની વાત તરફ બિલકુલ ધ્યાન દઈશ નહી. એમને બોલવા દે જે બોલવું હોય તે. તું તારી ફરજો અદા કર્યા કર બસ. એવા લોકોના મોઢે લાગવાનું નહી. કશો જવાબ આપવાનો નહી. તેમની વાતો સાંભળી તું પોતાની જાતને કોસતી નહી. સુધાકરના સમજાવટ થી કુમુદબહેનને રાહત થઈ.
મન થોડું શાંત થયું હતું. આ દરમ્યાન કુમુદબહેનને ખબર પડી કે પોતે ગર્ભવતી છે .માનસિક રીતે એ તૈયાર નહોતા પણ સુધાકરની ખુશી માટે એ બાળકને જન્મ આપવા તૈયાર થઈ. કુમુદબહેને એક સુંદર કન્યાને જન્મ આપ્યો. સહુથી ખુશી રૂપાલીને થઈ હતી. એણે એક બહેન જોઇતી હતી. રૂપાલી અને રોહિત વચ્ચે એક વર્ષનું અંતર હતું. કુમુદબહેનને ડર સતાવતો હતો કે બીજા લોકો એની છોકરીના દિલમાં અને મનમાં સાવકા પણનો ઝેર ના ભરી દે. કુમુદબહેનને એહસાસ થઈ ગયો હતો કે રોહિતના મનમાં સાવકાપણનું બીજ રોપાઈ ગયું છે. ધીરે ધીરે રોહિત દૂર થતો હતો. તેના વાણી વર્તનમાં બદલાવ આવી ગયો હતો.

સમય વીતતો ગયો. રોહિતનું કોલેજ ભણવાનું પૂરું થઈ ગયું હતું. મિકેનિકલ એન્જિનિયર થઈ ગયો હતો. રૂપાલીએ પણ ફેશન ડિઝાઈનરનો કોર્ષ પૂર્ણ કર્યો હતો. કુમુદબહેનના મનમાં જે ડર હતો તે આખરે સાબિત થઈ ગયો હતો. એક દિવસ કુમુદબહેન જોડે સહેજ ખટપટ થતાં બોલતાં બોલતાં સાવકી મા જેવા શબ્દો બોલી ગયો. કુમુદબહેને એટલુંજ કહ્યું હતું કે " દીકરા, તારું ભણતર પૂરું થઈ ગયું હવે કે નોકરી માટે પ્રયત્ન કર. મિત્રો જોડે રાતભર પાર્ટીઓ કરવી, હરવું ફરવું બંધ કર. તારા કરિયર પર ધ્યાન દે." આ વાતનું રોહિતને માઠું લાગી આવ્યું.
" હું જે જલસા કરું છે તે મારા પપ્પાની કમાઈથી કરું છું. તમને કઈ તકલીફ છે? તમે એમ જ ઈચ્છો છો કે હું મહેનત કરું અને તમે મારા પપ્પાની જાયજાદ હડપ કરી લો. મને તમારી પાસેથી એવી આશા નહોતી. છેલ્લે તમે તમારું સાવકાપણું દેખાડી જ દીધું."
એવો તિખારો જવાબ સાંભળી કુમુદબહેનનો પિત્તો ગયો ને રોહિતના ગાલ પર એક તમાચો માર્યો. પહેલી જ વાર તેમને તમાચો માર્યો.
" રોહિત, મને તારા પાસેથી આવા જવાબની આશા નહોતી." રોહિત ગુસ્સામાં ત્યાંથી ચાલી નીકળ્યો.
કુમુદબહેન રડતાં હતાં. મારી ક્યાં ભૂલ થઈ છે? મારો સુ કસુર છે? એવા અનેક સવાલો તેમના મનમાં ઘર કરી ગયા. એ જ્યારે દુલ્હન બનીને આવ્યાં હતાં ત્યારે રોહિત અને રૂપાલીને જ તેની જાયજાદ માનતા હતાં. સુધાકર જોડે પરણીને આવ્યાં ત્યારે તેની પાસે પોતાનું ઘર પણ નહોતું. કુમુદબહેન આંસુઓને રોકી ન શક્યા. રોહિત ભલે ના સમજી શક્યો પણ રૂપાલી કુમુદબહેનને સમજતી હતી.

થોડા દિવસ પછી પાછું કુમુદબહેનની સામે એક સમસ્યા ઉભી થઈ ગઈ હતી. રૂપાલી યુવાન થઈ ગઈ હતી. તેના માટે એક સારા સ્થળના માંગા આવ્યાં હતાં. સુધાકરનો એક પરમ મિત્ર આનંદ શાહ જે અમેરિકા રહેતો હતો તેમનો પુત્ર મિત જે ડોક્ટર હતો. એ લોકો રૂપાલીને ઘરની વહુ બનાવવા તૈયાર હતાં. આ વાતથી કુમુદબહેન પણ ખુશ થઈ ગયા હતાં. કેમ કે છોકરો ડોક્ટર હતો અને પરિવાર પણ ખાનદાની અને જાણ પહેચાન વાળો હતો. પણ જ્યારે સુધાકરે કહ્યું કે છોકરો બીજવર છે. છોકરાના પહેલાં લગ્ન થઈ ગયા હતાં. એની પહેલી પત્નીનું ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. અને બે વર્ષની એક દીકરી પણ છે. સુધાકરની વાત સાંભળી કુમુદબહેને રોષ ઠાલવતાં કહ્યું, " નહી સુધાકર આ સગપણ કોઈ પણ સંજોગોમાં નહી થાય. રૂપાલી દેખાવડી છે,ભણેલી છે,સારા સંસ્કાર આપ્યા. છે.તેના માટે બહુ સારા સ્થળો આવશે."

" પણ એમાં શું વાંધો છે.જાણ પહેચાન વાળા છે,અમેરિકામાં ડોક્ટર છે.પૈસે ટકે સુખી છે. બીજું શું જોઈએ? સારા સ્થળને શું કામ જતું કરવું? " સુધાકર તેનું મંતવ્ય જણાવતો હતો.

" તમે જે કહો તે .ગમે તેટલું સારું હોય પણ રૂપાલીના રૂપમાં કોઈના ઘરે બીજી કુમુદ પૈદા ન થવા દઉં. બીજી એક સાવકી માનો જન્મ થઈ જશે જે મને મંજૂર નથી. સાવકી માને જીવન ભર મમતાની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે." આટલું બોલી કુમુદબહેનની આંખો બાઝી ગઈ હતી. મોં પર સાડીના પાલવ નો છેડો મૂકી રડવા લાગ્યાં.

" મને આ રિશ્તો મંજૂર છે. લગ્ન કરવાં તૈયાર છું" અચાનક રૂપાલી બોલી.
" રૂપાલી તું સમજ્યા વિચાર્યા વગર આ શું બોલી રહી છે? તું હોંશ મા તો છે ને?
" મમ્મી, હું પૂરા હોશ હવાશમા છું અને બહુ સમજીને મે નિર્ણય કર્યો છે. જ્યારે અમો સમજતા થયા તમને જ એક સગી માના રૂપમાં જોયા છે. તમે તમારી ખુશીઓ, તમારી આશાઓ, તમારી રાતની નિંદરનું બલિદાન આપી અમને ખુશ રાખ્યાં, સારા સંસ્કારો આપ્યાં, જીવનના તાપ,ઠંડીથી અમને બચાવ્યા આટલું તો સગી મા પણ ના કરી શકે. પોતે રાતભર જાગી અમોને તમારા ખોળામાં સુવડાવ્યા છે મમ્મી. હું પણ તમારી જેમ જ બનવા માગું છું. તમારા આદર્શોના રસ્તે ચાલવા માગું છું. તમારા સંસ્કારો આગળ ધપાવવા માગું છું.

કદાચ એવું પણ બની શકે કે લોકો કહેશે સગી મા હોત તો એવું ન જ થવા દેત. એવા લોકોને હું મુહ તોડ જવાબ આપવા માગું છું. "

રૂપાલીની વાત સાંભળી કુમુદબહેન ઘળ ઘળા રડવા લાગ્યાં. રડતાં રડતાં આંસુઓના બે ટીપાં કુમુદ બહેનના ખોળામાં સૂતેલી રૂપાલીના ગાલ પર પડ્યાં. રૂપાલી તરત જ જાગી ગઈ.

" શું થયું મમ્મી"?

રૂપાલીના અચાનક પુછાયેલ સવાલથી કુમુદબહેનની વિચાર શ્રુંખલા તૂટી.

" રૂપાલી, મારી મમતા અને બલિદાનને તારા કરતાં બહેતર કોઈ સમજી ના શક્યું.
તે સમયે રૂપાલી વધારે કંઇ બોલી ન શકી. રાતભર પડખા ફેરવતી રહી. તેણીએ ઘડિયાળમાં જોયું મળસ્કેના ૪ વાગી ગયાં હતાં. રૂપાલીએ પાકો નિર્ણય લઈ લીધો અને કુમુદબહેન સમીપ આવી બેસી ગઈ.

કુમુદબહેન પણ જાગતાં જ હતાં. નીંદર તેમનાથી જાણે રિસાઈ ગઈ હતી. બેચેની અનુભવતા હતાં. રૂપાલીને પોતાની નજીક જોઈ પૂછ્યું " શી વાત છે રૂપાલી? તું ઊંઘી નથી? કંઇક કહેવા માગે છે? "

" હા મમ્મી, હું રાતભર વિચારતી રહી. તમે સાચું કહેતાં હતાં. હું લાગણીઓમાં તણાઈ ગઈ હતી. તમારો ભૂતકાળ અને વર્તમાન જોઈ હું વિચાર્યા વગર નિર્ણય લઈ લીધો હતો. તમે સાચું જ કહેતા હતાં .મને મારી કરિયર, મારું ભવિષ્ય,બનાવવું છે.તમે આપેલા સંસ્કારો થકી મને તમારું નામ ઉજળું કરવું છે. આટલા જલ્દી હું લગ્ન માટે માનસિક રીતે તૈયાર પણ નથી. મને તમારા મમતાની છાયામા પડ્યા રહેવું છે. મને પરણવાની ઉતાવળ નથી. હું તમારી બહુ આભારી છું મમ્મી. એન વકત પર તમે મારી આંખો ખોલી."

કુમુદબહેને રૂપાલીને વળગી પડ્યાં. અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. રૂપાલીના માથે ચુંબન કરતા બોલ્યાં," દીકરા રૂપાલી તે બહુ સારો નિર્ણય લીધો છે."

" મમ્મી,જેમની મા તમારા જેવી હોય તેના સંતાનો ભલે ખોટા નિર્ણયો કેવી રીતે લઈ શકે? તમોને અમને દરેક વખદે સાચો જ રસ્તો બતાવ્યો છે. જ્યારે જ્યારે અમો નબળા પડ્યાં ત્યારે ત્યારે તમોએ અમને ઉગાર્યા છે. અમને નીચે જરાય પાડવા દીધા નહોતાં. મમ્મી તમે દુનિયાની માતાઓ મા સહુથી શ્રેષ્ઠ માતા પુરવાર થયા છો. હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ દરેક જન્મે મને આ જ માનો ખોળો મળે. દુનિયાની દરેક સાવકી મા સગી મા બને. દુનિયાના શબ્દ કોષમાથી " સાવકી" શબ્દ જ નીકળી જવો જોઈએ. ફક્ત મા આ જ શબ્દ રહેવો જોઈએ.

" ચલ બહુ વાત થઈ. હવે સૂઈ જા.મને પણ નીંદર આવવા માંડી. મારા મનનો બોઝ હલકો થયો.મારા મનને શાંતિ મળી છે."

મમ્મી મને તમારી પાસે જ સુવા દો. પપ્પા એમ પણ ટુર પર ગયા છે. બંનેના ચહેરા ચમકી ઉઠ્યા હતાં.

બંને મા દીકરી ખળખળાટ હસી પડ્યાં અને નીંદરના સોડમાં સુખની નીંદર માણવા લાગ્યા.

આજની રાત કુમુદબહેન અને દીકરી રૂપાલીની બધીજ શંકા કુશંકાઓ સાથે લઈ ગઈ હતી. કાલનો સૂરજ એક નવી ઉમંગો અને આશાઓના કિરણો સાથે ઊગવાનો હતો.

સમાપ્ત..

‌.......... ભરતચંદ્ર શાહ...........