Sangam books and stories free download online pdf in Gujarati

સંગમ

સંગમ


તુષાર બસ સ્ટોપ પર બસની રાહ જોઈ ઊભો હતો. પાતળો સાઠીક્ડા જેવો બાંધો, જાડાકાચના ચશ્માં, માથા પર સુકાયેલા ઝાંખરા જેવા વાળ, પણ ચહેરા પર એક અજીબ નિખાલસતાના ભાવ સ્પષ્ટ વંચાતા હતાં, સ્વપ્ના બહુ ઊંચા. તુષારને ઓફિસે સમયસર પહોંચવા કરતા પણ પલકને જોવાની વધુ તાલાવેલી રહેતી. બન્નેનો ઓફીસ પહોચવાનો એક જ સમય હતો.
“ચીઈઇ...” એક જોરદાર બ્રેક સાથે બસ ઊભી રહી અને લાંબી ભીડની સાથે તુષાર પણ બસમાં ચડ્યો. તેની આંખો પલકને શોધી રહી, તે પલકનો ચહેરો દેખાય એ રીતે હંમેશની જેમ ઊભો રહ્યો.
અચાનક પલકની નજર તેના પર પડી જતા તેને હળવું સ્મિત આપ્યું. સૂરજના પ્રકાશ જેવો તાજગીસભર ચહેરો, ઘટાદાર વાદળો જેવા કાળા લાંબા વાળ, કાળી ભમ્મર આંખો, આરસપહાણ જેવી લીસી ચમકતી કાયા ધરાવતી પલકને તે અનિમેષ તાકી રહ્યો, પહેલી વાર જ્યારે તેને કોલેજમાં પલકને જોઈ ત્યારથી જ મનોમન તેના તરફ આકર્ષાયો હતો, પણ આજ સુધી પલક સાથે વાત કરવાની હિમ્મત ન કરી શક્યો.
પલકની ઓફીસ આવતા તે વીજળીની જેમ સડસડાટ નીચે ઉતરી ગઈ. તુષારની આંખો પલકને જોતી જ રહી ગઈ. તુષારની ઓફીસ આગળના સ્ટોપ પર હતી.
ઓફીસના બધા મિત્રોને તુષારના એક તરફી પ્રેમની જાણ હતી, ક્યારેક તે કામ કરતા – કરતા પણ દિવાસ્વપ્નમાં ખોવાઈ જતો, તુષારનું પલક પ્રત્યેનું વળગણ જોઈ તેના એક મિત્રએ તેની મજાક કરતા કહ્યું:
“તુષાર આવતીકાલે વેલેન્ટાઈન ડે છે, પલકને પ્રપોસ કરવાનો આ મોકો ઝડપી લેજે..” તુષાર આ મજાકને સિરીયસ માની પૂછતો, “કઈ રીતે પ્રપોસ કરું?”
“અરે! કરવાનું શું? એક ગુલાબ લઈ તેની સામે જવાનું અને જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દેવાનું.”
“ઓહો ! આટલું જ કરવાનું ? એ તો મારા ડાબા હાથનો ખેલ છે.”
તેના સૌ મિત્રો હસી પડ્યા. એ દિવસે ઓફીસ છુટ્યા પછી પણ તે પલકને કઈ રીતે પ્રપોસ કરવું તેના વિચારોમાં ખોવાયેલો રહ્યો.
તુષાર આળસ મરડી બેઠો થયો. તેણે બારી બહાર દ્રષ્ટી કરી, સૂરજદાદા પણ જાણે આકાશના ખોળામાંથી આરામ ફરમાવી પોતાના સૌંદર્યને વિખેરવા નવી તાજગી સાથે આવી પહોંચ્યા. સૂરજના સૌંદર્યને જોઈ તેને પલકની યાદ આવી ગઈ. અચાનક તેની નજર કેલેન્ડર તરફ ગઈ, ઓહ! આજે ૧૪ ફેબ્રુઆરી છે. તેના હૃદયના ધબકારા વધ્યા, તે દિવાસ્વપ્નમાં ખોવાઈ ગયો... પલક એક રેસ્ટોરન્ટના ગાર્ડનમાં રાખેલી ખુરશી પર બેઠી છે. હવાની મંદ લહેરખીઓને કારણે તેના વાળની લટ ઉડીને ચહેરા પર લહેરાતી હતી, ચાંદની જેવો તેનો ચહેરો મંદ-મંદ મલકાઈ રહ્યો છે. તુષાર દૂર ઊભો તેની જાણ બહાર જ તેના સૌન્દર્યનું રસપાન કરી રહ્યો છે. તે હળવેથી પલકની નજીક ગયો અને તેની સામેની ખુરશી પર બેસતા બોલ્યો,
“પલક..” તેને પલકના હાથમાં ગુલાબ આપ્યું. સહેજ પણ સંકોચ વીના તેણે પલકને પોતાના મનની વાત કહી અને પલકે તેની વાત સ્વીકારી લીધી. તુષાર જાણે સ્વર્ગમાં હોય તેવી અદભૂત ખુશી અનુભવી રહ્યો.
“તુષાર...” તુષારનું દિવાસ્વપ્ન તૂટ્યું. માની બૂમ સાંભળી તે ઝડપથી પોતાના રૂમમાંથી બહાર આવ્યો.
“બેટા કેટલા વાગ્યા? શાંતાબહેન પણ ઘરકામ કરવા આવી પહોંચ્યાં. ઓફીસ જવાનું મોડું નથી થતું? હવે જલ્દી કોઈ છોકરી પસંદ કરી ઠેકાણે પડી જા. હું તો આજ છું ને કાલ નથી બેટા હું જઇશ પછી તારું કોણ? તારી વહુને જોવાની મારી અંતિમ ઈચ્છા છે.”
“અરે ! મા સમય આવ્યે બધું થઈ જશે.” એમ કહી તુષારે વાત ટાળી દીધી.
“મા આજે તારો અવાજ કેમ ઢીલો છે?”
“આજે સવારથી જ તબિયત થોડી સારી નથી લાગતી.”
“ડોક્ટરને બોલાવું?” “નહી બેટા! જરૂર નથી”
તુષાર આજે ઝડપથી તૈયાર થઈ ગયો. પલકને પ્રપોસ કરવાની ઘડી આવી પહોંચતાં તે એકદમ ખુશ જણાઈ રહ્યો હતો. તેના તનમનમાં એક અજીબ તાલાવેલી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
બસસ્ટોપ પર જતા-જતા તુષારે રસ્તામાંથી ગુલાબ ખરીદ્યું.
તુષારની એક એક ઘડી એક-એક કલાક જેમ વીતી રહી હતી, તેની ધીરજ હવે ખૂટવા લાગી. બસ આવી પહોંચી, તુષાર બસમાં બેઠો, તેની આંખો પલકને શોધવા લાગી. તેણે આખી બસમાં ઝડપથી નજર દોડાવી પણ પલકને જોવાને તરસતી તેની આંખો નિરાશ થઈ, તેના મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા, શું આજે પલકે ઓફિસમાંથી રજા લીધી હશે! પલકને આજે જ રજા લેવાનું કેમ સૂઝ્યું?
તુષારને ગુલાબના ફૂલ સાથે આવેલો જોઈ તેના મિત્રે મજાક કરી.
“તુષાર આજે તો પલક તારી પ્રપોઝલ સ્વીકારી જ લેશે.” “જી!” કહી તુષાર મનોમન હસ્યો.
તુષારનું મન આજે ઓફીસના કામમાં ન લાગ્યું. તેની વિહ્વળ આંખો પલકને જોવા માટે તરસી રહી હતી. તેને લીધેલું ગુલાબ મુરઝાવા લાગ્યું. તુષારને ઉદાસ જોઈ તેના મિત્રોએ મજાક કરી. “પલકની થપ્પડ તો નથી ખાધીને?”
તુષાર કંઈ જવાબ આપે એ પહેલાં તેના મોબાઈલની રીંગ વાગી.
“હલ્લો તુષાર હું શાંતાબહેન બોલું છું, માની તબિયત અચાનક એકદમ ખરાબ થઈ ગઈ છે, તેને હોસ્પિટલમાં લઈ આવી છું.”
“શું ! માને હોસ્પિટલમાં લઈ ગયા ! હું હમણાં જ પહોંચું છું.”
તુષાર ઓફિસમાંથી રજા લઈ ઝડપથી હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલ પહોંચતાં જ તે રીતસર દોડીને માનાં રૂમમાં પહોંચ્યો.
“શાંતાબહેન...! અચાનક માને શું થયું?” તુષાર હાંફતા- હાંફતા જ બોલ્યો.
“માને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, સમયસર હોસ્પિટલ ન પહોંચ્યાં હોત તો...” એટલામાં ડોક્ટર રૂમમાંથી બહાર નીકળ્યા.
તુષારે અધીરા થઈ ડોક્ટરને પૂછ્યું, “ડોક્ટર સાહેબ માને કેમ છે?” “ગભરાવાની જરૂર નથી, મેં દવા અને ઇન્જેક્શન આપી દીધા છે, હવે બિલકુલ સારું છે. બીજી કેટલીક દવાઓ લખી આપું છું, જે નિયમિત ચાલુ રાખવી.”
તુષાર માને મળવા અંદર ગયો, “તને ઠીક છેને મા... મા ...” કહી તે માને વળગી પડ્યો. “મને કંઈ નથી થયું, બેટાં એતો અમસ્તી જ થોડી તબિયત...”
માની આંખોમાં વહુ જોવાની ઘેલછા તુષાર હમેશા જોતો. “હું જરૂરી દવાઓ લઈ આવું.” કહી તુષાર જેવો બહાર નિકળ્યો બહાર પલકને ઉભેલી જોઈ તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
આ પહેલાં તેને પલક સાથે માત્ર આંખો દ્વારા જ વાત કરેલી પણ આજે તેનાથી ન રહેવાયું, હિમ્મત કરી તે બોલ્યો “પલક તું અહીં ?”
“મારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે, થોડી ઘણી ઇજાઓ પહોંચી છે. અહીં એડમીટ છે.”
“ઓહ!”
“તું અહીં કેમ?”
તુષારે મા વિષે બધી વાત કરી, તુષારને મનમાં થયું પલકને અહીં જ મનની વાત કહી દઉં.
“પલક...” તેને ખિસ્સામાંથી સાવ મુરઝાઈ ગયેલું ગુલાબ પલકને આપવા ધ્રૂજતા-ધ્રૂજતા હાથ લંબાવ્યો.
ઘડીભર પલક સ્તબ્ધ આંખે તુષારને જોઈ રહી, તુષારને બસમાં અનેક વખત પોતાની તરફ તાકી રહેતા અને હળવું સ્માઈલ આપતા જોયો હતો. તેની આંખોમાં પલકે પોતાના પ્રત્યેનો અદભૂત પ્રેમ જોયો હતો. પલકના હૃદયના કોઈક ખૂણે પણ તુષાર પ્રત્યે આકર્ષણનું બીજ પાંગર્યું હતું. બન્નેનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ હ્રદયનાં કોઈ છાને ખૂણે જેમનું તેમ પડ્યું હતું.
તુષારની મા પ્રત્યેની લાગણી, તેના ચહેરા પરની નિખાલસતા જોઈ મા વિનાની પલકના હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠ્યા. પલકે હળવા સ્મિત સાથે તુષારના હાથમાંથી ગુલાબ સ્વીકાર્યું. કરમાયેલું ગુલાબ જાણે ફરી ખીલી ઉઠ્યું. વર્ષોથી જે વેલેન્ટાઈનની રાહ તે જોતો તે ઘડી આવી પહોચતા તુષાર જાણે કોઈ સ્વર્ગમાં હોય તેવી ખુશી અનુભવી રહ્યો. બન્નેની આંખો અનેક મૌન સંવાદો કરતી રહી. વાતાવરણમાં શાંતિ છવાયેલી રહી.
“મારે તમારી માને મળવું છે.” પલકે મૌન ભંગ કરતા કહ્યું.
“જરૂર, મા હોશમાં જ છે.”
“તુષાર પલકને મા સાથે મુલાકાત કરાવવા અંદર લઈ આવ્યો.”
“મા... જો કોણ આવ્યું છે.” કહી તુષારે પલકની ઓળખાણ મા સાથે કરાવી.
પલકને જોતા જ મા બધું સમજી ગઈ. વર્ષોથી જેને જોવાની તમન્ના હતી તે અચાનક આમ પળભરમાં સામે આવી જતા માની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેની બધી જ ચિંતા ક્ષણભરમાં ગાયબ થઈ ગઈ.
“પલક બેટા!” કહી માએ તુષારનો હાથ પલકના હાથમાં થમાવ્યો. માની આંખોમાં ઝળહળિયા આવી ગયા. પલકને પણ જાણે મા મળી ગયાની અનહદ ખુશી થઈ. આ અનોખા સંગમને જોઈ શાંતાબહેનની આંખો પણ ભરાઈ આવી.


રચનાકાર- રક્ષા મામતોરા
Email- mamtoraraxa@gmail.com