Paschataap books and stories free download online pdf in Gujarati

પશ્ચાતાપ

" પશ્ચાતાપ "
☘ ☘ ☘

મલય માટે આ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી હતી .
એક મલ્ટીનેશનલ કંપનીમાં ડાયરેક્ટ CEO ની પોસ્ટ ...!!! અને એ પણ આ ઉંમરે ? એક નવી જ
કંપનીમાં જમ્પલાવ્યું હતું .
એ પણ પોતાના જુના ને જાણીતા શહેરમાં ...
ટ્રેનમાંથી ઉતરતા જ ઝરમર વરસતા વરસાદમાં જૂની યાદોના ભીના આવરણ ઓઢીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉતર્યો .
વરસાદની ઝીણી-ઝીણી વાછંટ મલયના ભવિષ્ય માટે જાણે વધામણાં લઈને આવી તી ...

કંપની તરફથી મળેલ એક આલિશાન બંગલો તરફ મલયે કાર ટેક્ષીમાં બેસીને પ્રયાણ કર્યું .

ચોવીસ વર્ષની ઉંમરે આ શહેર છોડી દીધું હતું . આજે ઉડતાલિશ વર્ષની ઉંમરે ફરી એ જ પોતાના જુના શહેરમાં પાછો ફર્યો હતો .
કાળા વાળની ઉપર સફેદ વાળની લટોએ ડેરો જમાવાનું શરૂ કરી દીધું હતું . છતાં પણ ઉંમરની વધતી વેળાએ મલયની પર્સનાલિટી જોરદાર હતી .

કાર ટેક્ષીમાંથી રોડ પરથી દ્રશ્યમાન થઇ રહેલું જૂની યાદોનું ટોળું ....
એની યાદોના વાદળ વિખરાયેલા નહોતા . એ તો એક મોંઘેરી મૂડીની જેમ અકબંધ મનની સેલ્ફ ડિપોઝીટમાં જમા હતા .
મનમાં રહેલા યાદોના વાદળાને અલગ થવાની લગીરે ઈચ્છા નહોતી . વાદળોમાં રહેલી યાદોની વાછંટ ધીમે ધીમે ઠંડી હવાનો અહેસાસ કરાવી રહી હતી .

યાદો એની એ જ હતી . બાકી શહેર તો ઘણું બદલાઈ ગયું હતું . શહેર ની બરોબર મધ્ય ભાગમાંથી પસાર થઈ રહેલી કાર ટેક્ષીને થોડીવાર માટે રોકી જ્યાં પોતાની જૂની યાદોનો ખડકલો હતો . એટલે કે મલયનું પા-પા પગલીથી માંડી જુવાનીના ઉંબરે પગ મૂક્યો ત્યાં સુધીનું જીવન હજુપણ તેના હૈયામાં અકબંધ હતું .
પોતાના જુના ઘરનો વિસ્તાર આવતા જ મલયે કાર ટેક્ષી રોકાવી દીધી અને પૈસા ચૂકવી નીકળી જવા કીધું .
મલયની પોતાની પાસે સામાનમાં ખાલી એક બ્રિફકેસ હતી . બાકી સામાન તો આવતીકાલે વ્હેલી સવારે પહોંચવાનો હતો .

પોતાનું જૂનું ઘર જે આજના સમયમાં પોતાની માલિકીનું ન્હોતું છતાં એક ઝલક જોવાને આકુળ-વ્યાકુળ થયેલા મલયે ધીમે ડગલે ફળિયામાં પગ મૂક્યો .
ફળિયામાં તો બાવળિયાના ઝાડે બરોબરનો ડેરો જમાવ્યો હતો .જમીનમાં બારેમાસ પોતાના હક્કથી જામી જતું ઘાસ જાણે માલિક બની બેઠું હતું .
બાર આંગણામાં રહેલી બારી પર જામેલા કરોળિયાના જાળા , કાટ ખાઈ ગયેલા બારીના સળિયા .....
મલયના એક સ્પર્શ માત્રથી બારીનો દરવાજો ખુલ્લી ગયો . વર્ષોથી અંદર સમેટાઈને રહેલ યાદોનું ધણ એકદમ મોકળાશ મળતા જ ખુલ્લી હવામાં દોડીને બાર નીકળી ગયું .
ઘરની હાલત તો ખંડહર જેવી હતી , પણ મલયના મનમાં જૂની યાદો તો હજુ પણ તરો તાજા હતી . એકદમ ફ્રેશ શિયાળાની પહેલી-પહેલી ગુલાબી ઠંડી જેવી .
મલયની આંખોમાં આવેલા આંસુઓના પ્રવાહને કારણે દરેક તસ્વીર વધારે ધૂંધળી નજર આવતી હતી .

માતા-પિતાનો પ્રેમ અને સંસ્કારનો વારસો એને આજ ઘરમાંથી મળ્યા હતા . પિતાને એમની રિટાયર્ડ થવાની ઉંમરે કેન્સરની બીમારીએ ભરડો લીધો હતો .
પિતાને થયેલ કેન્સરની બીમારીએ મલયના જીવનમાં પિતાની હાજરીને કેન્સલ કરી નાખી . પોતાના જીવનમાં પિતાની ગેરહાજરી એને કાંટાની જેમ ચુભતી હતી . જિંદગીના ડગલે ને પગલે પિતાનો સાથ હતો . પોતાની માતા અને ઘરની જવાબદારી મલયની ઉપર આવી ગઈ હતી . પોતાનું શિક્ષણ અને સાઈડમાં પાર્ટ ટાઈમ સર્વિસ ..

એના કોલેજકાળ દરમ્યાન મલયના હૃદય પર રાજ કરવા માનસીનું આગમન થઇ ચૂક્યું હતું .
એ વાતની જાણ માતાપિતા બંનેને હતી . પિતાએ પોતાના અંતિમદિવસની આગલી રાતે જ મલયને ટકોર કરી હતી .
દીકરા જુવાની અને પ્રેમ બંનેનો એક જ છોડમાં ઉછેર થાય છે . કોઈ સફળ તો કોઈ નિષ્ફળ ...
અને મારી નજરમાં તારો પહેલી નજરનો પ્રેમ મને થોડો ડગુ-મઘુ લાગે છે . બાકી તો તું સમજદાર છે . અને ઈશ્વર ઈચ્છા બળવાન ....

☘☘☘☘☘☘

એ સમયે જુવાનીનો થોડો અહંકાર તો હોય જ એટલે પિતાની વાતને ખાસ કંઈ ધ્યાનમાં લીધી નહીં .
મલય અને માનસીના લગ્ન સાદાઈથી લેવાયા .
કોલેજકાળ દરમ્યાન થયેલી દોસ્તીમાં મલયને માનસીના સ્વભાવ ખાસ અંદાજ ન આવ્યો . કારણકે જુવાની પ્રેમમાં પાગલ થાય પછી બધુ ભૂલી જાય છે .

લગ્ન પછી થોડા સમયમાં જ માનસીએ પોતાના સ્વભાવનું પોત પ્રકાશવા લાગ્યું .

મોજશૌખ , હરવું-ફરવું , બ્રાન્ડેડ કપડાઓની ખરીદી અને બહારનું ચરવું ....અને એમાં પણ મલય કંઈ કહે તો પૂરું ઘર માથે લઈ લેતી .ઘરના રોજિંદા કામ માટે કામવાળી પણ હતી . પણ રસોઈ કરવામાં રોજનો કકળાટ , રસોડામાં વાસણ પછાડીને પોતાનો ગુસ્સો જાહેર કરતી . અનહદ કહી શકાય તેવું માનસીનું વર્તન હતું .

મલય તો પોતાના લગ્નજીવનમાં શરૂઆતની જિંદગીમાં જ પાગલ બની ગયો . કંટાળી ગયો હતો .અને અંતે માઁ પાસે બેસીને રડવા લાગ્યો અને રડતા રડતા બોલ્યો ' માઁ પપ્પાએ જે કહ્યું હતું એ સાચું હતું . માનસી ખરેખર કોઈ રીતે લાયક નથી .
માઁ-દીકરાએ શાંતિથી બેસીને નક્કી કર્યું કે હજુ લગ્નને બહુ ખાસ એવો સમય થયો નથી . તો હમણાં જ માનસીથી છૂટાછેડા લઈ લેવા.


માઁ પણ રોજ-રોજના કંકાસથી ત્રાસી ગઈ હતી . અને ઘરમાં પૈસાની આવક કરતા જાવકનું પ્રમાણ વધતું ચાલ્યું હતું . આખરે ગમે તેમ કરીને કોઈ સારો વકીલ શોધીને મલય અને માનસીના છૂટાછેડા થઈ ગયા .

છ /આઠ મહિના પછી માઁ એ મલય સામે બીજા લગ્નની વાત કરી . પરંતુ મલયે ચોખ્ખા શબ્દોમાં ના કહી દીધી . ' માઁ હવે મારે બીજા લગ્નના ચક્કરમાં પડવું જ નથી . લગ્નજીવનનો મારો આ કડવો અનુભવ મને જિંદગીભર યાદ રહેશે .
મલય પોતાના કેરિયરમાં પોતાની મહેનતથી એટલો આગળ વધી ગયો કે આજે એણે એક મલ્ટી નેશનલ કંપનીમાં CEOની પોસ્ટ માટે જે ચાન્સ લીધો હતો . એમા સફળ થયો હતો .

નૌકરીમાં તો મહેનતથી સફળતા મળી હતી પરંતુ લગ્નજીવનમાં સફળ થવામાં માર ખાઈ ગયો હતો . અમુક વર્ષોના અંતે માઁ પણ એને છોડી સ્વધામ પહોંચી ગઈ .
મલયની જિંદગીમાં એકલતાએ પૂરો ડેરો જમાવ્યો હતો .

☘ ☘ ☘

નવી કંપનીમાં આજે પહેલો જ દિવસ ...મલય માટે બેહદ ખુશીનો દિવસ હતો .
ઓફીસમાં પહોંચતા જ પુરા સ્ટાફે એનું ખૂબ શાનદાર સ્વાગત કર્યું .
ઓફિસનો પૂરો સ્ટાફ મલયની પર્સનાલિટી જોઈને છક્ક થઈ ગયો . હાઈટ-બોડી એકદમ હીરો ટાઇપ ...આ ઉંમરે પણ હજુ ફાંકડો જુવાન લાગતો હતો .
એમાં પણ મલયને જોઈને ઓફિસમાં હાજર લેડીઝ સ્ટાફની તો આંખો પહોળી થઈ ગઈ .

ઓફિસનો પણ નાનકડો એવો સમૂહ હતો . સ્ટાફનો આપસી વ્યવહાર એકબીજાને મદદરૂપ થાય એવો હતો . કોઈનો જન્મદિવસ કે કોઈપણ નાનો-મોટો પ્રસંગ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવતો .
આવી કોઈ નાની-મોટી પાર્ટીનું અરેંજમેન્ટ કરવાનું કામ સંજયનું હતું . સંજય આ ઓફિસમાં ક્લાર્કની પોસ્ટ પર કાર્યરત હતો . અપંગ હતો . છતાં ખુશમિજાજ , આનંદી , અને બધાને સુખ વહેંચનારો હતો .
આ ઓફિસમાં એ છેલ્લા આઠ-દસ વર્ષથી જોડાયો હતો .
એ પહેલાં સંજય એક બાહોશ અને સફળ બિઝનેસમેન હતો .
એક સમયે સંજયે ટ્રક એકસિડેન્ટમાં પોતાનો એક પગ ઘુમાવ્યો .
હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેની સાથે બિઝનેસમાં જે પાર્ટનર હતો એણે સંજયની ભલમનસાઈનો ફાયદો ઉપાડી કૈક ગોટાળા કરી અને સંજયને પાયમાલ કરી નાખ્યો હતો .

એ પછી એના કોઈ જુના મિત્રની ઓળખાણથી એને આ ઓફિસમાં ક્લાર્કની પોસ્ટ મળી હતી . ઓફિસમાં જ્યારે મલયની એન્ટ્રી થઈ ત્યારે સંજયને પોતાના દિવસો યાદ આવી ગયા . પોતાની પર્સનાલિટી પણ પેલા આવી જ હતી ને !!! શાનદાર , રુવાબદર ...
પણ જો ઈશ્વરની ઇચ્છાએ ક્યાં આવીને બેઠો છું . હું પણ કરોડોમાં કમાણી કરતો હતો . અને આજે લાખ રૂપિયો પણ ભેગો થતો નથી .
☘ ☘ ☘
સ્ટાફની નાનકડી એવી ભીડમાં એક ચહેરો સમાયેલો હતો એ હતો સાક્ષીનો ચહેરો ...ખૂબ જ શાંત અને દેખાવમાં સુંદર ....
સાક્ષીના લગ્નને આઠ વર્ષ થયાં હશે અને એના પતિનું કાર એકસિડેન્ટમાં મૃત્યુ થયું હતું . આજે એની જિંદગીમાં એ સાવ એકલી જ હતી . લગ્ન પછી બાળક પણ એના નસીબમાં નહોતું . સાક્ષીએ જીવનની કેટલીય પળોને એકાંતમાં કાઢી હતી .
એક પિતા હતા જેમનું બે વર્ષ પહેલાં હાર્ટએટેકમાં મૃત્યુ થઈ ગયું .
સાક્ષી માટે એ સારું હતું કે એની સર્વિસ ચાલુ હતી . અને ખાસ કરીને તો ઓફિસનો સ્ટાફ ખૂબ જ સારો હતો . બધા એકબીજાની સાથે હસી મજાક કરતા રહેતા . અને એકબીજાને મદદરૂપ બની રહેતા . સાક્ષી પોતાનો લગભગ ટાઈમ ઓફિસમાં વધારે પસાર કરતી .
સાક્ષી માટે એકલતા ભરી જિંદગીના તો વરસો નીકળી ગયા હતા . પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી પોતાના જીવનના એકાંતમાં આળોટી રહી હતી . ઑફિસનો લેડી સ્ટાફ સાથે અમુક દિવસોના અંતરે નાની-મોટી પિકનિક કરતા રહેતા . જેના કારણે એનું મન પ્રફુલ્લિત રહેતું .

સાક્ષીનો વ્યવહાર અને સાદગીપૂર્ણ જીવન ખરેખર
પ્રસંશનીય હતું .

આજ સાંજે મલયનો જન્મદિવસ હોવાથી તેની સરપ્રાઇઝ પાર્ટીની ગુપચુપ ચર્ચા ચાલી રહી હતી . સરને શુ ગિફ્ટ આપીશું ? અને કેકનો ઓર્ડર બધું જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું .

મલય એની આદત મુજબ રોજ પોતાના કામની વ્યસ્તતાની વચ્ચે વચ્ચે સ્ટાફ તરફ એક અલપ જલપ નજર નાખી લેતો .
આજે અચાનક એની નજર સાક્ષી પર ગઈ અને અટકી ગઈ આંખો આગળ આવેલી વાળની લટોને કારણે સાક્ષી વધુ સોહામણી લાગતી હતી .
બરોબર એ જ સમયે સાક્ષી પણ કોઈ ઉંડા વિચારોમાં ખોવાયેલી હતી . અચાનક સાક્ષીને કોઈ પોતાની સામે જોઈ રહ્યાનો ભાસ થયો .
નજર ગુમાવતા જ એની નજર મલય પર પડી .

બંનેની નજર મળતા જ ક્યાંક કશું ટકરાયાનો ભાસ થયો .કોઈ ધબકાર હતો .એ પણ અનોખો જ ધબકાર ...
સાક્ષીની આંખો એકદમ શરમથી ઢળી ગઈ અને એના ચહેરો શરમના કારણે લાલઘૂમ થઈ ગયો .
અને એક અચરજ ભર્યું શર્મીલું સ્મિત એના હોઠ પર આવીને જાણે થંભી ગયુ .
સાક્ષીએ ફરી નજર ઉંચી કરી જોયું . મલયથી ફરી દ્રષ્ટિ મળતા જ બંનેની આંખોની વચ્ચે મૌન શબ્દોની આપલે થઈ .
ક્ષણભરમાં તો બંનેના હૃદયમાં વર્ષોથી સંઘરેલું એકાંત બંનેને એક થવા પોકારી ઉઠ્યું ...

પુરા દિવસ દરમ્યાન ઓફિસનું કામ પણ ચાલતું રહ્યું અને બંને વચ્ચે નજરોની આપ-લે પણ થતી રહી .

રોજિંદા સમયની સરવાણી ચાલતી રહી . બંનેની આંખોમાં પ્રેમ હતો . પણ બંનેના હોઠ પર મૌને જાણે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું .
બંનેના વિચારોમાં કેટલીય મથામણો ચાલી રહી હતી . બંનેને એકબીજાની હાજરી ગમતી હતી .
પણ હરીફરીને એક જ સવાલ મનમાં કોરી ખાતો હતો .
કોઈ શુ કહેશે ? આ ઉંમરે પ્રેમ ?

બંનેના મૌનની ભાષા એકબીજાને કંઈક કહી રહી હતી . મૌનની ભાષામાં કોઈ ગેરસમજ નહોતી . બંનેની આંખોએ તો આપસ માં પ્રેમનો એકરાર કરી જ લીધો હતો .

બંને તરફનો પ્રેમનો મિજાજ કૈક અલગ જ હતો . બંનેના જીવનમાં રહેલા એકાંતે હવે માજા મૂકી હતી .જરૂર હતી કોઈના સાથની જે જીવનભર પ્રેમની હૂંફ આપે
બંનેના જીવનમાં ઘણું ખૂટી રહ્યું હતું . વાદ-સંવાદ , હળવી નોકજોક , આપસના રિસામણાં-મનામણા ...
ને એવું તો કેટલુંય હતું . જે માટે બંને જણ પોતાની ખાલી હથેળી જેવી જિંદગીમાં પકડવા મથી રહ્યા હતા .

સાક્ષીની ફ્રેન્ડ સ્વાતિને થોડો અંદાજ તો આવી જ ગયો હતો .
અને એકદિવસ સ્વાતિ એ લંચ દરમ્યાન હિંમત કરી પૂછી જ લીધું .
' સાક્ષી હું ઘણા સમયથી જોઈ રહી છું તું ઓફીસના કામમાં પહેલા જેવી સિન્સિયર નથી રહી . તારો ચહેરો તારી વિરુદ્ધ ચાડી ખાઈ રહ્યો છે . આટલા વર્ષોથી સાથે છીએ ' સાક્ષી મેડમ કુછ તો ગડબડ હૈ ,

સ્વાતિ ને જવાબ આપતા પહેલા જ તેના ચહેરા પર એક શર્મીલું સ્મિત આવી ગયું . લંચ ટેબલ પર બેઠેલી બાકી કલીગસ પણ આ વાર્તાલાપ સાંભળી રહી હતી .

એમાંથી વળી એક બોલી ' અરે , લાગે છે ક્યાંક આંખો ટકરાઈને સ્થિર થઈ લાગે છે . સાક્ષીના ચહેરાનું સ્મિત જ અલગ છે

સાક્ષીએ પણ શરમ છોડીને આખરે સ્ટાફ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી જ નાખી .
અને એ સમયે બધાના મોઢામાંથી એકસાથે શબ્દો ફૂટી નીકળ્યા
'' ઓહોહોહોહો શુ વાત છે !!!!!!
તો પછી વાર શે 'ની આગે બઢો

સાક્ષીને પણ મનમાં થયું નેકી ઔર પૂછ પૂછ ..... પ્રેમ કરવો કોઈ ગુન્હો તો નથી જ અને હજુ તો જિંદગીની સફર તો બાકી જ છે.

મલય પાસે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે મારે જ હિંમત કરવી પડશે .
આજે એનો જન્મદિવસ પણ છે . તો આનાથી વધુ સારું ગિફ્ટ બીજું કયું હોય શકે !!!
લેડીઝ સ્ટાફમાંથી એક જણે ગુલાબના લાલ ફૂલોના બુકેનો ઓર્ડર કરી દીધો .
થોડીવારમાં તો લાલ ગુલાબના ફૂલોનું બુકે હાજર થઈ ગયું .
સાક્ષીએ પોતાના ખાનામાં સંભાળીને મૂકી દીધું .
આજની પાર્ટીમાં સ્ટાફના દરેક સભ્યના પરિવાર વાળાને પણ હાજરી આપવા નિમંત્રણ અપાય ગયું હતું . કેમ કે CEO નો જન્મદિવસ હતો . એટલે પાર્ટી પણ શાનદાર જ હોયને

☘ ☘ ☘
બપોરનો એ જ લંચ ટાઈમ અને એ સમય દરમ્યાન સંજય મલયના ટેબલ આગળ આવ્યો . બંને વચ્ચે કૈક ગુફ્તગુ ચાલી રહી હતી . પણ કોઈને ખબર ના પડી .
મલયને કોઈપણ કામ હોયતો એ સંજયને જ કહેતો .

☘ ☘ ☘
અને અંતે સાંજ પડી જ ગઈ ..ઑફિસમાં આવેલ કોન્ફરન્સ હોલમાં મલયને લઈ ગયા . અને ' હેપ્પી બર્થ ડે ટુ યુ નું ' ગીત ગુંજી ઉઠ્યું .
મલયે પોતે આશ્ચર્ય સાથે જોઈ રહ્યો . મોટી જબરી કેક , સુગંધિત ફૂલોથી સજેલો હોલ , ધીમી લયમાં પીરસાય રહેલું મધુર સંગીત ....
સ્ટાફના પરિવારના ઘરના દરેક સભ્યોને પણ નિમંત્રણ હોવાથી પૂરો હોલ ભરાઈ ગયો હતો .

સાક્ષીએ પણ ગુલાબના ફૂલોનું બુકે હાથમાં લીધું . ચહેરો શરમના કારણે લાલઘૂમ થઈ ગયો હતો . દરેક લેડીએ પણ એને હોંશભેર ઓલ ધ બેસ્ટ કહ્યું .
મલયને વિષ કરવા એક પછી એક બધા આવતા રહ્યા . મલયની આંખો જેને શોધી રહી હતી એ સાક્ષી હજુપણ એક ખૂણામાં ઉભી હતી . અટલી ભીડમાં પણ બંનેએ એકબીજાને મીઠી નજરે જોઈ લેતા હતા .

બંનેની આંખો આપસમાં વારંવાર ટકરાઈ રહી હતી . સાક્ષી મનમાં મીઠી મૂંઝવણ સાથે અને હાથમાં ગુલાબના ગુલદસ્તા સાથે મલયને વિષ કરવા આગળ વધી . બંનેની આંખોમાં ચાહત વરસી રહી હતી .એકબીજા માટેની હૂંફને પામવા બંને જણા તત્પર હતા.

સાક્ષી પોતાની જાતને થોડી નર્વસ મહેસુસ કરી રહી હતી . એટલે એણે ઇશારાથી બધાને સાથે આવવા કહ્યું . એક પછી એક બધી લેડી સાક્ષીની બાજુમાં ગોઠવાઈ ગઈ .

મલયે પણ એ સમયે ખિસ્સામાં હાથ નાખી એક નાનકડી ડબ્બી બહાર કાઢી . જેમાં સોનાની વીંટી હતી . અને એ એણે સંજય પાસે મંગાવી લીધી હતી .
એક તરફ મલય અને સામે સાક્ષી બંનેએ એકસાથે જ એકબીજાને પ્રપોઝ કર્યું . સાક્ષી ગુલાબનું બુકે આપતા ની સાથે બોલી ' આઇ લવ યુ ' મલય ....
મલય પણ બુકે લેતા એક અજીબ ઉત્સાહ સાથે ઘૂંટનભેર બેસી , વીંટી હાથમાં લઈ સાક્ષીની સામે જોઈને બોલ્યો ' વિલ યુ મેરી મી '
ઓફીસ સ્ટાફના દરેક સભ્યોએ પણ આ સંબંધને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો .

સંજય બાકીની તૈયારીમાં હોવાથી બર્થડે વિષ કરવાનું બાકી જ હતું . એટલે એ પણ એ જ સમયે મલયને વિષ કરવા પોતાની પત્ની સાથે આગળ વધ્યો .

સાક્ષીની કોમળ આંગળીમાં વીંટી પહેરાવતા જ અચાનક મલયની નજર સંજયની સાથે આવી રહેલ એની પત્ની ઉપર પડી .

સંજયની પત્નીએ આંખોમાં પશ્ચતાપના આસું સાથે મલયને બર્થડે વિષ કર્યું . સંજયે મલયને ઓળખાણ આપતા કહ્યું
' સર સી ઇસ માય વાઈફ માનસી '

☘ ☘ ☘ ☘