Khukh - 11 books and stories free download online pdf in Gujarati

કૂખ - 11

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ - ૧૧

અંજુ સાવ હારી, થાકી ગઈ હોય એમ પોતાનું શરીર સોફા પર પડતું મૂકી દીધું. કપડાંની ગાંસડી જેમ પડી. પછી સોફાના હાથા હાથની કોણી ટેકવી, હથેળીમાં હડપચી ગોઠવી આંખો બંધ કરી ગઈ.

પાણીનો ગ્લાસ હાથમાં લઈને બહેનપણી વંદના,કશો સંચાર કર્યા વગર ક્યાંય સુધી એમ જ ઊભી રહી. તેની નજર અંજુના કરમાઈ ગયેલા ચહેરાને ફંફોસતી હતી.

-સાથે પાંચીકા રમતી, અણસ કરતી, બોલવામાં હાથ એકનો જીભડો-કોઈને પહોંચવા ન દે, ભણવામાં હોંશિયાર..તે છેક રાજકોટ કોલેજ કરવા ગઈ...તે રમતિયાળ અંજુ ક્યાં !?

- પોતે પણ અંજુ જેમ જ ખોવાઈ ગઈ છે ને, પતિ અને બાળકોની દુનિયામાં !

વંદનાથી એક લાંબો નિસાસો નખાઈ ગયો. તે હળવેકથી અંજુની બાજુમાં સોફા પર બેસી ગઈ. સાવ હળવેકથી અંજુનું માથું ઊંચકીને પોતાના ખભા પર લીધું. પછી એકદમ ધીમેથી, ઋજુતાથી પૂછ્યું : ‘અંજુ ! બહુ થાકી ગઈ છો..?’

અંજુની આંખો ઉઘડી ગઈ.તેણે ચમકીને વંદના સામે જોયું. આંખોને વાતનો દોર સાંધી લીધો, એકમેકના શ્વાસ અથડાયા...અંજુ નાનું બાળક તેની માતાને ભેટે તેમ ઝડપથી ભેટી ગઈ.

વંદનાએ અંજુના લિસ્સા બરડા પર હાથ મૂક્યો,પછી હળવે હળવે ફેરવવા લાગી. કેટલો સમય પસાર થઇ ગયો તેની ખબર રહી નહી.પરંતુ માતાના પાલવમાં છૂપાઈ સ્તનપાન કરતું બાળક ધરાઈ ગયા પછી અળગું થાય એમ બંને બહેનપણીઓ અલગ થઇ, થોડી દૂર ખસીને બેઠી.

અંજુએ પાણી પીધું. સ્વસ્થ થઇ. બંનેએ સામસામે જોયું. એટલે વંદનાએ પૂછ્યું : ‘ શું થયું..?’

અંજુ જવાબ આપવાના બદલે એમ સામે જોતી રહી.

‘કોઈ મુશ્કેલી ?’

‘ના..’ અંજુએ માથું ધુણાવી ના પાડી. તે પળવાર અબોલ રહીને આગળ બોલી : ‘ કોઈ જ મુશ્કેલી નથી. અપેક્ષા પ્રમાણે બધું જ થઇ રહ્યું છે.’

‘તો પછી...શું છે, કરો કંકુના !’

અંજુએ નિસાસો નાખી મોં ફેરવી લીધું. કોઈ અકળ પીડા પજવી રહી હોય એમ લાગ્યું.

‘મને પ્રશ્ન છે, મુશ્કેલી છે...’ અંજુ આગળ બોલવાના બદલે નજર નીચે ઢાળી સોફાના સળ પર આંગળી ઘસવા લાગી.

વંદનાને અંજુની સ્થિતિ સમજમાં આવતી હતી પણ પ્રશ્ન શું છે...તે સમજાતું નહોતું. બંને મૌનનું એક કવચ રચાઈ ગયું. અજાણ અને અવ્યક્ત વ્યથા રાની પશુ જેમ ફરવા લાગી હતી.

-અંજુ બહેનપણી સાચી પણ...પરદેશ ફરીને આવી છે. વળી સ્ત્રીને તો લગ્ન પછી પોતાનું જીવન જ ક્યાં હોય છે ? પતિ-પરિવારને લીધે તેનું સઘળું બદલાઈ જાય છે. અંજુ પણ જે હતી એ અંજુ ક્યાં છે ? વંદના થોડી અચકાઇ. વળી પ્રતિ સવાલ થયો, તું પણ હતી એવી ક્યાં રહી છો ?

-સમય, સંજોગો...મન મનાવી વળી વંદના, અંજુની લગોલગ બેસી ગઈ. પાછો ખભા પર હાથ મૂક્યો. હાથનો સ્પર્શ થતા જ જાણે હૈયાની વાત મુકવાની મંજૂષાનું ઢાંકણું ખુલ્લી ગયું.

‘ખરું કહું તો મને બાળકની અદમ્ય ઈચ્છા છે. બાળક માટે હું બધું જ કરી છૂટવા તૈયાર છું.’

વંદના ક્ષણોમાં પામી ગઈ કે અંજુનો આ સ્વર જુદો છે.વંદનાએ ભાવસભર સ્વરે કહ્યું:‘મારાં અનુભવેતો સંતાન વગરનું તો ખરેખર સ્ત્રીત્વ અધૂરું ગણાય.’

‘મને પણ એમ જ લાગે છે.’ અંજુ આગળ બોલી શકી નહી.તેનું ગળું રૂંધાવા લાગ્યું. સાદ ભારે થવા લાગ્યો હતો. વળી વંદનાએ અંજુના વાંસામાં હાથ પ્રસરાવ્યો. પછી એક જગ્યાએ સ્થિર કરીને કશુંક બહાર કઢાવવું હાથની હથેળી દબાવી...અંજુને સારું લાગ્યું.

અને આભમાં ગોરમ્ભાયેલું વાદળ વિખરાઈને વરસી પડે એમ અંજુ જોર જોરથી ઊંચા અવાજે રડવા લાગી.અંજુના લાખ પ્રયાસ છતાંય આમ રડવું ખાળી કે ટાળી શકી નહી.કારણ કે ખુદ હાથમાં રહી નહોતી. અંજુનું આમ રડવું જોઈ, સંભાળી એક ક્ષણેતો થયું, ભલે રડે...હૈયામાં હોય તે ઉભરો ભલે ઠાલવી દે. આ જાત અનુભવ હતો.પણ વળતી ક્ષણે થયું કે ઘરમાં કોઈ ઊંચા અવાજે રડતું હોય તે કેવું લાગે ? સોસા યટીમાં ચર્ચા થાય. કોઈ પૂછે પણ ખરું : તમારાં બહેનપણી શું કરવા રડતાં હતાં ? શું જવાબ આપવા બધાને... વંદનાનું મોં બગડી ગયું. બાવડું પકડીને કહે : રડવું હોય તો ઘરમાં, બેડરૂમમાં આવી જા, કોઈ સાંભળે નહી એટલે...

વંદનાને થયું કે, અમારાં ઘરમાંથી કોઈ પાડોશી, આવું રડવાનું સાંભળે તો કેવું ખરાબ લાગે !

પણ ત્યાં રડવાનું સાંભળીને વંદનાનાં સાસુ આગળના રૂમમાં આવ્યાં. વંદના સાથે નજર મળી... વંદનાને મનમાં ધ્રાસકો પડ્યો. એક તો પોતાના પક્ષના કોઈ સગાં- સંબંધી આવે તે ભાગ્યે જ ઘરમાં કોઈને ગમતું હોય છે. તેમાં વળી આતો બહેનપણી...ના,ન પાડે પણ કોઈ ઉમળકો દાખવે નથી.તેમાં વળી અંજુ એ રડવાનું શરુ કર્યું...એક બાજુ પોતે,વચ્ચે અંજુ ને સામે સાસુ...વંદનાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઇ. તેણે લાચાર નજરે અંજુ સામે જોયું.નજર કહેતી હતી :પ્લીઝ અંજુ,છાની રહી જા...તારા ગયાં પછી અહીં ઘરમાં પ્રશ્નો થશે. કોઈ કહેશે : એવાં પ્રશ્નોવાળી સ્ત્રીને ઘરમાં જ ન આવવા દેવાય !

પણ વંદનાના સાસુએ જે ભાવ દાખવ્યો તે ખુદ વંદના માટે કલ્પના બહારનો હતો.તેથી વંદનાનો ઉચાટ ઝડપથી શમી ગયો.તેમણે ઈશારો કરી અંજુનું હૈયું હળવું થાય ત્યાં સુધી રડવા દેવાનું કહ્યું હતું. સ્ત્રી પ્રત્યેના સંવેદનનો અનુભવ વંદનાને લાગણીથી છલકાવી ગયો.

‘સાચું કહું તો..’અંજુ રડતાં રડતાં બોલી:‘મારું...આ જગતમાં કોઈ નથી. હું સાવ એકલી થઇ ગઈ છું.’ વળી પાછી ડૂસકાં ભરવા લાગી.

‘તારું કોઈ નથી એવું તને કોણે કહ્યું ?’ વંદનાના સાસુ આગળ આવી, વ્હાલપભર્યા સ્વરે બોલ્યાં : ‘આ..અમે બધાં છીએ ને !’ કહીને તેમણે અંજુના માથા પર હાથ મૂકીને ફેરવ્યો.

પોતાની બહેનપણી માટે સાસુ આવું બોલે...વંદના જાણે ધન્ય, ધન્ય થઇ ગઈ !

વંદના અને તેનાં સાસુ અંજુની પીડા,વ્યથા ને વેદનાને એક સ્ત્રી તરીકે સારી રીતે સમજી, અનુ ભવી શકતાં હતાં. સ્ત્રી પ્રેમ પ્રસરાવે છે એમ પામવા પણ એટલી જ તડપતી હોય છે.તે પછી પિતા, પતિ કે પુત્ર હોય !

-જાત નીચોવીને પણ ચાહવું છે.આખેઆખા સમર્પિત થવું છે...હૈયામાં ભારોભાર ભરેલી લાગણી કે વાત્સલ્યના ઝરણાને કલકલ નાદે વહેડાવવા છે...

ભાવસભર પળો ધીમે ધીમે પસાર થઇ રહી હતી.

દીવાલે ટીંગાતી ઘડિયાળમાં પાંચના ટકોરા પડ્યા. સમયના તકાજે ઘર અંદોલિત થઇ ઉઠ્યું.

બાળકોનો સ્કૂલેથી આવવાનો સમય થઇ ગયો હતો.બાળકો આવી રડમસ સ્થિતિ જુએ તે ઠીક ન કહેવાય.તેનાં કૂમળા માનસમાં વિપરીત અસર થાય.તેથી વંદનાના સાસુએ ત્વરિત નિર્ણય લઇ લીધો. પછી વંદના સામે સહેજ તીક્ષ્ણ નજરે જોઇને કહ્યું :‘તમે બેસો, વાતો કરો...’ પછી ભારપૂર્વક આગળ બોલ્યાં : ‘એવું લાગે તો અગાસી પર જાવ...’

‘અને નીચે આવવાની ઉતાવળ ન કરતાં, આજનું રસોડું મારા હવાલે !’

અંજુ,વંદનાનાં સાસુ સામે જ તાકી રહી.તેમને તો મનમાં નહી કાનમાં જ બેસતું નહોતું કે,એક સાસુનાં મોંએથી આવા વાત્સલ્યના ખળખળતાં ઝરણાં જેવા ઉદગારો સાંભળવા મળે !

તેઓ ગયાં. અંજુ ફ્રેશ થઇ.તે દરમ્યાન વંદનાએ રસોડામાં તેનાં સાસુને હાથ અને સાથ આપ્યો. સ્કૂલેથી આવેલાં બાળકોને સાંભળ્યાં પછી બંને બહેનપણીઓ અગાસી પર આવી.

સાંજ થવા આવી હતી.આથમતા સૂરજનો ઉજાસ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા વચ્ચે સામ સામે યુદ્ધ મંડાયું હોય તેમ લાગતું હતું. કારણ કે એકમેકમાં અટવાઈને પોતપોતાનું અસ્તિત્વ સાબિત કરવા માંગતા હોય એવું લાગતું. સૂર્યનો પ્રકાશ સાવ નિમાણો લાગતો હતો. ઘડીભર બંને જોતી રહી.

‘અંજુ !’ વંદનાએ આકાશ સામે જોઈને કહ્યું ‘જો તો કેવું લાગે છે !’

અંજુ કશી પ્રતિક્રિયા વગર એમ જ ઊભી રહી.

‘હું કશું નક્કી નથી કરી શકતી, મારે શું કરવું તેનું...’

અંજુનો ઉચાટ અને મૂંઝવણ વંદનાથી અજાણ નહોતા તેથી અસર કરી ગયાં હતાં. તે બે ડગલાં ચાલી અંજુની ઉરાઉર આવી. પછી પૂછ્યું : ‘શેનું નક્કી થતું નથી ?’

અંજુ અબોલ રહી, વંદનાના મનોભાવને પામવાનો પ્રયાસ કરવા લાગી. સઘળું ધૂંધળું ભાસતું હતું.

‘ત્યાં પેલા કપલ સાથે કૂખનો પ્લાન ફિક્સ હોય પછી શું ?’વંદના બોલી:‘તે પ્રમાણે આગળ વધો...’ સામે અંજુના મનમાં કશુંક ઘોળાતું હતું.તે કશું બોલે તે પહેલા પોતાની વાત ચાલુ રાખતા કહ્યું :‘એમાં ખોટું શું છે...લોકો અપનાવે છે, સેરોગેટ મધરનો કન્સેપ્ટ !’

‘ખાસ કરીને તારાં જેવાં એનઆરઆઇ...’

એનઆરઆઇપણું અંજુને વાગ્યું. જીભ પર આવી ગયું :‘હું ગમે તે હોંઉ, કોઇપણ હોદ્દા પર હોંઉ પણ એક સ્ત્રી છું...જેન્ડરબાયસના સંદર્ભે નહી લાગણી મુદ્દે કહું છું.’

થોડીવારના મૌન પછી અંજુ મૂળ મુદ્દા આવતા ધીમા સાદે બોલી:‘તે સ્ત્રીની રૂબરૂમાં તેના હસ બન્ડ સાથે લગભગ નક્કી કરી લીધું છે. એડવાન્સમાં પ્રકાશે દસ હજાર રૂપિયા પણ આપ્યા છે...’

વંદનાએ ઝડપથી સામે ઉત્તર આપી દીધો :‘તો પછી પ્રશ્ન ક્યાં છે, દુઃખી થવા માટેનો...’

‘પ્રશ્ન છે...’ અંજુ બોલીને અટકી ગઈ. સામે વંદનાએ એવી રીતે જોયું કે, જણાવ શું પ્રશ્ન છે...?

‘મારો પ્રશ્ન નથી, તે સ્ત્રીનો પ્રશ્ન મને અત્યારથી સતાવે છે.’

‘શું પ્રશ્ન ?’વંદના તદ્દન રુક્ષ અને બરછટતા બોલી :‘બોલ એટલે પાર આવે !’

અંજુએ કહ્યું :‘મને થાય છે કે તે સ્ત્રીના પેટમાં બાળક નવ માસ રહેશે પછી જન્મશે બરાબરને ?’

વંદનાએ મોં બગડતાં કહ્યું : ‘એમાં નવું શું છે !?’

‘નવું એ છે કે આટલી સ્થિતિમાંથી પસાર થયા પછી બાળક બીજાને આપી દેવાનું છે.’

વંદના એકદમ સતર્ક ને સભાન થઇ ગઈ. બરછટતા જાણે પૂંછડીવાળીને ભાગી...

‘પોતાના પેટમાં પાકેલું બાળક મને આપી દેતાં તેને કોઈ પીડા, વેદના નહી થાય !?’

અત્યાર સુધી વંદના આ પ્રક્રિયાને એક સોદા અને વસ્તુ ખરીદાતી હોય એવા સ્વરૂપે જોઈ રહી હતી. પણ એકાએકને એકદમ તળમાં પડ્યું હતું તે સ્ત્રી-સંવેદન દરિયાના મોજા જેમ ઉભરીને ધસમસી આવ્યું. અંગેઅંગ ભીંજાઈ ગઈ. એક તસુભાર જગ્યા પણ કોરી રહી નહી. તે ફફડીને ઊભી રહી.

‘પુરુષ કોઇ પણ હોય..’અંજુ થોડું અટકીને બોલી:‘પણ સ્ત્રી માટે તો ઉદર એક જ હોય ને..તે પુરુષ પ્રમાણે પ્રક્રિયા નથી કરતું ને !’

વંદનાથી જાત અનુભવે બોલાઇ ગયું:‘એ સમજવા માટે તો પોતાના પેટમાં બાળકને પકાવવું પડે !’

‘તારું કહેવું તદ્દન સાચું છે...’અંજુને આશા નહોતી કે આટલી ઝડપથી પોતાનો,મનમાં વલોવાતો ભાવ વંદનાને પહોંચી ને સ્પર્શી જશે. અંજુને ખૂબ સારું લાગ્યું. તે થોડીવાર અબોલ રહી. પછી ખૂલ્લીને વાત કરતાં કહે:‘મેં ડોક્ટર કે કોઈને પૂછ્યું નથી પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યા પછી તેને ઉબકા આવશે,મન મોળ મારશે, ખાટું ખાવાનું મન થાશે...તેનું આગળનું બાળક જે રીતે થયું, જેમ થયું...તે બધું થાશે જ ને !?’

અંજુના સ્વરમાં લાગણી,વેદના અને ઉગ્રતા પણ હતી. જે વંદનાને બરાબર અસર કરવા લાગી હતી. તે ત્વરાથી બોલી:‘થાય જ ને...મા બનવું તે કાંઈ નાની-સૂની વાત નથી.’વંદના આગળ બોલી :‘એક જીવ માંથી બીજો જીવ પેદા કરવાનો હોય છે...જીવ સાટે જણતર !’

વળી બંને વચ્ચે અબોલતા છવાઈ ગઈ.પણ મનમાં તો કેટલાંય સવાલો ઘાયલ પંખીના જેમ પાંખો ફફડાવતા હતા. ત્યાં એક ટહુકો પ્રગટી આવ્યો ને જાણે આખો માહોલ બદલાઈ ગયો...

‘મમ્મી...!’

સામે વંદનાથી બોલાઇ જ ગયું : ‘અહીં છું બેટા !’

-દીકરીનું પૂછવું ને સામે મમ્મીને જવાબ આપવો..આ બંને અવાજ એકમેકના પર્યાય હોય એમ કશા જ આયાસ વગર એકબીજામાં ભળી,ઓગળીને એકરસ થઇ ગયા.જાણે અવાજના ખોળિયા જ જુદા હોય !

અંજુ તો એક કાને ને ધ્યાને થઇ ગઈ હતી. પોતાને આ ‘મમ્મી..’નું વાત્સલ્યસભર સંબોધન ક્યારે સાંભળવા મળે..ને જયારે સાંભળવા મળશે ત્યારે લાગશે કે જીવવું ધન્ય થઇ ગયું !

‘ચાલ, નીચે જઈએ...’

વંદનાની પાછળ અંજુ પણ ધીમે ધીમે નીચે ઉતરવા લાગી.

-બીજું બધું ખરીદી શકાય પણ માતા-પુત્રી વચ્ચનું આ વાત્સલ્ય ખરી ન શકાય...અંજુના આળા મન માં એક પ્રકારનો વંટોળ ફૂંકાવા લાગ્યો હતો. પોતે તેમાં અટવાવા લાગી હતી.

આખો પરિવાર સાથે બેસીને જમ્યો.

‘દિવસમાં એક ટાઇમતો સાથે જમવાનું અને વાતો કરવાની...’

અંજુ તો સાવ મૌન બની ગઈ હતી. તેમાં માટે આ બધું હવે નવું કે અજાણ્યું લાગતું હતું. ત્યાં તો આવું કશું છે જ નહી. ભૂખ લાગે ત્યારે ઊભા ઊભા ફાસ્ટફૂડ ખાઇ લેવાનું...જાણે પેટ પઠાણી ઉઘરાણી કરતું હોય અને સામે મને કમને ભાડું ચૂકવાતું હોય !

રાત્રી ભોજન પછીનું ઘરકામ પરવારી લીધું. પછી અંજુ અને વંદનાએ અલગથી બેઠક લીધી.

‘અંજુ, તું આ બધું માતા-સંતાન વિશે કહે છે તે મને સમજાય છે. પણ...’

‘પણ...’ અંજુથી બોલાઇ ગયું.

‘પણ તું જે કામથી અહીં દેશમાં આવી છો, તેના બાના પેઠે રૂપિયા પણ આપી દીધા. હવે શું છે ?’ વંદનાનું આગળ કહેવું હતું :‘આ હવે રાંડ્યા પછીનું ડહાપણ કહેવાય...અને એકાએક ડહાપણની દાઢ ફૂટી કયાંથી !?’

અંજુ,વંદનાનું કહેવું,પૂછવું પાચ્ય કરવા પ્રયત્ન કરવા લાગી.પ્રતિઉત્તર માટેના આયુધો તૈયાર કરવા લાગી.કશુંક નક્કર સુઝી આવ્યું તે વ્યક્ત કરતાં બોલી:‘પહેલી વાત છે કે મારી સંતાન-એષણા સહજ પણ ઓછી થઇ નથી. પરંતુ બળવત્તર બની છે..’

‘કેમ ?’ વંદનાથી પૂછાઇ ગયું.

અંજુની છાતીમાં કોઈએ જીવલેણ મુક્કો માર્યો હોય એમ લાગ્યું. તે સજ્જડબંબ થઇ ગઈ.

‘જનેતા ઊઠીને મને આવો સવાલ કરે છે !!’

‘કેમ, હું સ્ત્રી નથી ? મને કશું એવું ન થાય..?’

‘થાય, મેં ક્યાં ના પાડી. પણ...’

વળી બંને વચ્ચે ‘પણ’ આવીને ઊભો રહ્યો.

‘પણ કૂખ ભાડે આપનાર તારા જેવી જ સ્ત્રી છે...’

વંદનાના સ્વરમાં આક્રોશ હતો.તે શું કહેવા માંગે છે તે અંજુ પામી શકી નહી.તેથી તે તગતગતી નજરે જોતી રહી પણ કશું બોલી નહી.

‘સ્ત્રી એ કોઈ ફેક્ટરી કે કારખાનું નથી તે તેમાંથી મનપસંદ માલ ઉત્પન્ન કરાવી શકાય..’વંદના આગળ બોલી જ ગઈ : ‘મારા મન તો આ સ્ત્રીત્વનું અપમાન છે.’

અંજુને ઘડીભરતો મનાવામાં ન આવ્યું કે,આ વંદના બોલે છે - કહે છે...પણ નરવી ને કડવી હકીકત હતી.એક સ્ત્રી તરીકે વંદનાનું આમ કહેવું અથવા અંદરનો ઉકળાટ ખોટો નહોતો. અંજુની બહેનપણી સાચી પણ તે પૂર્વે સ્ત્રી છે, માતા છે.

અંજુ માટે જવાબ આપવો અઘરો થઇ પડ્યો. શું બોલવું, કહેવું નક્કી ન થઇ શક્યું.

વાત વિરામ પામી. બંને પોતપોતાની રીતે વિષયને વલોવવા લાગી. કશો નિષ્કર્ષ કે નવનીત હાથમાં આવતું નહોતું.સમી બાજુએ દીવાલ ઘડિયાળમાં થતો ટક ટક અવાજ વહેતા સમયની સાક્ષી પૂરી રહ્યો હતો.

અંજુ અકળાઈ ઊઠી. તે કહે ; ‘હું..હું..શું કરું !?’

‘શેનું !?’ વંદના જાણે કશું જ જાણતી ન હોય અથવા ભૂલી ગઈ હોય એમ બોલી ગઈ.

‘અરે...તું તો જાણે કાંઇ જાણતી હોય એમ કહે છે !’ અંજુ ઉભડક પગે થઈને કહે :‘તો આ શું બધું ભેંસ આગળ ભાગવત જેવું હતું !’

કોઈ જવાબ આપવાના બદલે વંદનાએ આછું સ્મિત વેર્યું.

‘ આ મારી દ્વિઘાભરી ને દયાજનક સ્થિતિ વિશે કાંઇ થતું નથી ?’અંજુ ઉત્તેજનાથી બોલી :‘આ માટે તો હું તારા પાસે આવી છું !’

વંદના અંજુની પીડા અને મનો:સ્થિતિને બરાબર સમજતી હતી. એક બાજુ તેને એકલાપણું પીડે છે. જગતમાં પોતાનું કહી શકાય એવું કોઈ નથી તેવું મને છે.તેથી સંતાન ઈચ્છે છે... તો સામે પક્ષે પેલી સ્ત્રીની સંભવિત વેદના સતાવે છે.

‘વંદુ ! તે સ્ત્રીની લાચારી કે વિવશતા મેં નજરોનજર નિહાળી જ નહી પણ અનુભવી છે.’ અંજુ તે કૂખ ભાડે આપનાર સ્ત્રીની વેદના વ્યક્ત કરતી હોય એમ બોલી :‘તેના હસબન્ડની મજબૂરીએ હા પાડતી હોય એવું લાગ્યું છે...’

‘માની લે કે અત્યારે હા પાડી દીધી પણ...’વંદના આવેગથી બોલી :‘પણ નવ માસ પેટમાં ઉછેરી ને પછી આપવાની સ્થિતિ માત્રથી હબકી જવાય છે...ના પણ પાડી દે !’

અંજુને ક્ષણભર કરાર કર્યા હોય તેનું આગળ આવી ગયું.

‘પોતાના સંતાન માટે તો સ્ત્રી જીવ સટોસટ લડી લે...’ શ્વાસ ઘૂંટીને કહે :‘કશી જ પરવા કર્યા વગર...’

અંજુ સ્તબ્ધ થઇ ગઈ. કારણ કે સામે એક માતા બોલી રહી હતી.તે કહે તેવું બનવા સંભવ છે.તે સ્ત્રી છેલ્લી ઘડીએ સૌની ઉપરવટ જઈને કહે:‘મને મારી નાખો...પણ હું મારું બાળક નહી આપું !’તેનો પતિ કહે : ‘મારું બાળક નથી...’તો સ્ત્રી બેધડક કહી દે :‘તમારું નથી પણ મારું તો છે ને !?’

‘મને તો કાંઇ સૂઝતું નથી, શું કરું ?’ અંજુ માથું પકડી વિવશતાથી બોલી :‘સંતાન ન હોવાની પીડા કરતા સંતાન મેળવવાની પીડા વધી ગઈ !’

‘પરિણામ પૂર્વે પ્રોસેસમાં અટવાઈ ગયાં !’વંદના પણ દ્વિઘા અનુભવવા લાગી. સાવ સીધોને સહેલો જવાબ આપવો હતો પણ આપવો અઘરો હતો. છતાંય મૂળ વાત પર આવવા બીજો સવાલ કર્યો : ‘તને એક વાત કહું ?’

‘એક નહી બે વાત કહે, મારી બેન !’ અંજુ ત્રસ્ત હોય એમ બોલી. તેને આમ બધું ભેગું થયું હતું. પ્રકાશને ત્યાં રાત રોકાઇ અને જે અનુભવાયું, મનોમંથન થયું તે પણ આડે આવીને ઊભું રહ્યું હતું.

‘તારે ખરેખર સંતાન જોઈએ છે !?’

વંદનાના આ સવાલે ગુસ્સો કરવો કે સહજ સ્વીકારવું...નક્કી ન થઇ શક્યું. રૂમમાં પ્રસરતા આછા ઉજાસમાં પણ વંદનાના મનોભાવને પારખવાનો અંજુ પ્રયાસ કરવા લાગી. ખાસ ખ્યાલ ન આવ્યો તે થોડી ઉત્તેજના સાથે બોલી :‘મારી બેન, સંતાન ન જોતું હોતતો આ રામાયણ થોડી માંડી હોત !’

ત્યાં રૂંધાયેલા મૌનની વચ્ચે અચાનક એક ચાબૂક જેવો અવાજ સડસડાટ ધસી આવ્યો : ‘તો જાતે, પોતે છોકરું જણવું પડે !’

અંજુ અને વંદના ચોંકી ગઈ.વિસ્ફારિત નજરે દરવાજા બાજુ જોયું...અટકાવેલા દરવાજાને હડસેલી વંદનાના સાસુ અંદર આવીને ઊભા હતાં.

વંદના ફફડી ગઈ. તેણે અંજુના અહીં આવવાના કારણને સ્પષ્ટ કર્યું નહોતું ને તેઓ અત્યારે જાણી ગયાં હતાં..અને અંજુને બરાબર અડી ગઈ હતી.નોનસેન્સ...કહી દેત.કોઈની ખાનગી વાતો આવી રીતે સંભાળતી હશે ! અંદર આવતા પૂર્વે વિવેક દાખવી, દરવાજે ટકોરા મારી પછી જ...

આ ગુજરાત છે...ધગધગતા અંગારા પર પડે અને અંગારો બુઝાઈ જાય એવું અંજુ માટે થયું. કારણ કે આ પારકું ઘર હતું. જ્યાં ખુદ બહેનપણીની પણ મજબૂરી હતી.

‘જાતે જાણ્યા કે પ્રસવની પીડા અનુભવ્યા વગર, સ્ત્રી માટે છોકરાંનું સુખ અધૂરું લેખાય !’

‘એટલે...’ અંજુ લગભગ ઊભી થઇ ગઈ.મનના મૂળમાં ઘૂંટાતી હકીકત જાણે અચાનક સામે આવીને ઊભી રહી. તેને ગુસ્સા સાથે આશ્ચર્યનો પાર ન રહ્યો. શું બોલવું, કહેવું...તેની મોટી મૂંઝવણ ચારેબાજુ કવચ કરીને ઊભી રહી ગઈ. અંજુ જીવનના રણમેદાનમાં જાણે દુશ્મનોના સૈનિકોથી ચારેબાજુ ઘેરાઈ ગઈ.

વંદનાતો બેઠી હતી તેમાંથી ક્યારે ઊભી થઇ ગઈ તેની ખુદને ખબર રહી નહી.તે ઊભી ઊભી ફફડતી હતી. સાસુ કહેશે : આવું હતું તો અમને જાણ તો કરવી જોઈએ ને !

વંદનાને જીવનમાં પહેલીવાર લાગ્યું કે, વહુ તરીકે બધું જ હોવા છતાં જાણે કશું જ નથી !

‘મારે ખુદને મા બનવાનું !?’

વંદનાના સાસુ બે ડગલાં અંદર આવ્યા. પછી ધીર-ગંભીરતાથી બોલ્યા :‘હા,સાકર મોંમાં મુક્યા વગર તેના સ્વાદની કેમ ખબર પડે !’

‘એવું જરૂરી છે...!’

‘મારી દીકરી, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય એવું છે !’

વંદનાનો ફફડાટ ઓછો થયો. તેને થયું કે,મારે સાસુમાની વાતમાં સૂર પુરાવવો જોઈએ.અન્યથા તેમને ખોટું લાગે.અને પોતે જે કહેવા માગતી હતી તે જ સાસુમાનો સૂર હતો. ભલે સાસુનું પદ રહ્યું પણ છે તો સ્ત્રી ને !

‘અંજુ !’ વંદના ગળું સરખું કરીને બોલી :‘હું કહેવા માગતી હતી તે મમ્મીએ કહ્યું...પેટના જણ્યાં વગર પાર ન પડીએ !’

અંજુએ અંદરથી હરખ અનુભવતા કૃત્રિમ ક્રોધ સાથે થોડા ઊંચા અવાજે કહ્યું : ‘એનો અર્થ એ થાય કે વળી પાછો મારે ધણી ધારવાનો !’

આ બાબતે વંદનાના સાસુ કહેવા તત્પર હતાં :‘હા વળી, ધણી વગર ખોળો કેમનો ભરાય..!’ પણ વાતને વચ્ચેથી જ પોતાની પાસે લઇ લેતાં વંદના બોલી:‘હા,ધણી ધારવાનો જ છે,ધણી કરવાનો નથી.’ બહુ ઓછા શબ્દોમાં જાણે ઘણું બધું કહીને માતા થવા માટેના ઘણા રસ્તાઓ ચીંધાડી આપ્યા.

‘તું ને તારી બે’નપણી બેઉ ગાંડી...’વંદનાના સાસુ બોલ્યા:‘ધણી વગર તે વળી...’ આગળ બોલવાના બદલે શરમ અનુભવતાં હોય એમ અટકી ગયાં.

‘મમ્મી !’વંદનાએ કહ્યું:‘આ સમયમાં બધું જ શક્ય છે....ને અંજુ જાણે છે. ધણી વગર પણ માતા બની શકાય છે.’

ત્રણેય એકબીજાનાં મોં સામે જુએ એ પહેલા જ વંદના બોલી :‘માતા થવાનો દરેક સ્ત્રીનો અધિકાર છે. સ્વતંત્ર છે. ઈચ્છા મુજબ બની શકે છે...’

***