Khukh - 10 books and stories free download online pdf in Gujarati

કૂખ - 10

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ : ૧૦

અરવિંદભાઈ લગભગ સાડા નવ વાગ્યાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. મોબાઈલ પર વાત કરી બેઠક કરવાનો સમય નક્કી કરી લીધો હતો. અંજુને પ્રકાશ બરાબર દશના ટકોરે આવી જવાનાં હતાં. તેથી તેઓની વરસાદના જેમ રાહ જોતા હતા. પોતે દરરોજ કરતાં વહેલા ઊઠી ગયા હતા અને દક્ષાને પણ થોડી વ્હેલી ઉઠાડી રીતસરનું કહી જ દીધું હતું : ‘તું થોડી વ્યવસ્થિત તૈયાર થજે !’

‘કેમ !’ દક્ષાએ નવાઇ પામી સામે સવાલ કર્યો હતો : ‘મને કોઈ જોવા આવવાના છે !?’

અરવિંદભાઈએ નવલી નજરે પળભર દક્ષા સામે જોઇને કહ્યું હતું : ‘ગાંડી ! સમજી લેને તને જોવા જ આવવાના છે ?’

દક્ષ કશું સમજી નહી તેથી અવઢવમાં પલંગ પાસે એમ જ ઊભી રહી. ત્યાં અરવિંદભાઈ લગોલગ આવીને બોલ્યા : ‘તારા દેખાવ અને રૂપ-રંગ પ્રમાણે ભાવ થશે !’ અરવિંદભાઈના સ્વરમાં પ્રેમ હતો કે નરી નફ્ફટાઈ હતી તે ખુદને પણ ખ્યાલ આવી શકે તેમ નહોતો.

‘મને જોઈ ભાવ નક્કી થશે એટલે...’દક્ષાનો અવાજ, જૂનો સાડલો ચરરર..કરતો ચિરાઈ એમ ચિરાઈ ગયો.આક્રોશ અને અણગમો પ્રકટી ને સપાટી પર આવી ગયો.ઊંડે ધરબાઇને પડેલો ડર એકદમ ઉપર આવી ગયો. તે નસકોરા ફુલાવી પતિ અરવિંદભાઈ સામે ધુત્કાર ભરી નજરે જોઈ રહી.

તે દિવસે અંજુ અને પ્રકાશ જે નજરે પોતાની સામે જોતાં હતાં..ત્યારે પોત પરખાઇ ગયું હતું. ખ્યાલ આવી ગયો હતો.તે ભીતિ, તન-મનને પજવવા લાગી હતી. તેથી પતિને કહી જ દીધું હતું અથવા બોલાઇ જ ગયું હતું : ‘તમારે જે કરવું હોય એ કરો પણ હું મારું આયખું અભડાવીશ નહી.’

અરવિંદભાઈને પત્ની પ્રત્યે માન થયું કે ગુસ્સો આવ્યો...નક્કી કરવાનું શાણપણ જ ચૂકી ગયા હતા. અત્યારે તો દક્ષા એક કિંમતી દાગીનો છે જે વટાવી ને પૈસા મેળવી શકાય એમ છે...

‘જો સાંભળ...’ અરવિંદભાઈએ દક્ષાના ખભા પર હાથ મૂકી સમજાવવાના ઈરાદે ઋજુતાથી કહ્યું હતું : ‘તું ધારે છે એવું કશું નથી. પણ માતા હોય એવું જ બાળક થાય ને ! તું સારી જ છો, મારી પ્યારી પસંદ છો...’ શ્વાસ અથડાય એટલા નજીક આવી ગયા. દક્ષા એક ડગલું પાછળ હટી.

‘પણ થોડી તૈયાર થઇ હો તો વધુ દેખાવડી લાગે...એ માતા જેવું જ બાળક ઈચ્છતા હોય એટલે તને જોઈ મોં માગ્યા દામ આપે ને !’

દક્ષા તેના પતિ અરવિંદભાઈ સામે અચરજભાવે તાકી રહી. અત્યારે સુધી જે પતિને જોતી આવી, સંભાળતી આવી આ એ જ પતિ છે...?પાંપણો પલકવાનું અને હ્રદય થડકવાનું ચૂકી ગયા. મુખવટો બદલાઈ ગયો. શરીરે રુંવાડા ઊભા થઇ ગયા. કાબૂમાં ન રહે તેવો ક્રોધ ધુમાડા ઓકવા લાગ્યો. સંયમ ન રહ્યો હોતતો બંધૂકની જેમ ગોળીઓ છૂટત...

‘આવી ભડવાઇ કરવાની હોય તો મને બજારમાં ઊભી રાખી દ્યો, મોં માગ્યા ભાવ મળશે !’

જિંદગીમાં પહેલીવાર પતિ પ્રત્યે આવી કાળઝાળ અને ભારોભાર નફરત થઈ આવી. અંતર ચિરાઈ ગયું હતું. હૈયું વલોવાઇ ગયું હતું. આત્મો કકળી ઉઠ્યો હતો. થયું કે આવા નમાલા ને નપાવટ પતિના પનારે પડવું પડ્યું ?

પણ રાંડ્યા પછીના ડહાપણ જેવું હતું. જિંદગીમાં પહેલી જ વાર આમ ભાગ્યને દોષ દઇ મોં ફેરવી લીધું હતું.છાતી સૂપડાવા લાગી હતી.શું કરવું તે નક્કી થઇ શકે તેમ નહોતું.મન હાલકડોલક થવા લાગ્યું હતું. તેથી મનને સ્થિર કરવા ઘરનું જરૂરી-બિનજરૂરી કામકાજ કરવા લાગી હતી.

દક્ષાનો આ અણગમો,ધૂંધવાટ કે બદલાવ અરવિંદભાઈની નજરે ચઢ્યો પણ ધ્યાન દીધું નહી. આંખ આડા કાન કર્યા.તેની નજર રૂપિયાની પથારી પર રમવા લાગી હતી.ચારેબાજુ સંપતિની મોટી મોટી મહેલાતો જ દેખાતી હતી. કાંઇ નહી તો ચાર-પાંચ લાખ રૂપિયાતો મળશે...જે જિંદગીમાં કયારેય જોયા નથી.

પ્રથમ તો પોતે એક બાઈક ખરીદશે.સાયકલ લઈને નોકરીએ જવું પડે છે. સાવ નકામા-રદ્દી માણસો પણ કાર-બાઇક લઇને ફરે છે અને પોતાને સાયકલ....શરમ આવે છે,આઉટ ઓફ ડેઇટ સાધન લઇને !

પોતે હોંશિયાર હોવા છતાં સામાન્ય નોકર છે. જયારે શેઠ...ક્યા હાથે પાણી કે પ્રસાદ લેવો તેની ગતા ગમ નથી. છતાંય શેઠ છે અને વૈભવી જિંદગી જીવે છે !

અરવિંદભાઈના મનમાં બરાબર બેસી કે ઠસાઈ ગયું છે કે પૈસા જ પરમેશ્વર છે.પૈસા વગરનું સઘળું નકામું છે.વંચિતતા કે નિર્ધનતાનો વેલો ભરડો લઇ ચૂક્યું હતું.તેથી પૈસાનો અભાવ તેના સ્વભાવ વિરુદ્ધ ષડ્યંત્રો રચવા લાગ્યો હતો.પૈસા ક્યાંથી અને કેવી રીતે મળે તેની સતત પેરવી રહેતા અરવિંદભાઈ આ જાહે રાત વાંચી ગયા હતા.થયું હતું કે લક્ષ્મી ઘેર બેઠાં ચાંદલો કરવા આવી છે હવે હવાડામાં મોં ધોવા જવાય નહી. આવેલી તકને ઝડપી લેવી પડે. વળી કશું ગુમાવવાનું નથી. ઘરના માલે છૂટકયો છે !

અરવિંદભાઈની અધીરાઇનો અંત આવ્યો. અંજુ અને પ્રકાશ સમયસર આવી ગયાં.

કોઈ નવાં-સવાં સગાં કે વેવાઇ આવ્યા હોય તેમ અદકા ઉમળકાથી બંનેને આવકારતાં કહ્યું : ‘પધારો ..પધારો...અંજુબેન,પ્રકાશભાઇ...તમારી જ રાહ જોવાઇ રહી છે.’વિશેષ વાતના ઈરાદાથી કહ્યું: ‘ગાંધીનગરથી

આવતા કદાચ વહેલા-મોડું થાય પણ અંજુબેનતો પરદેશી..પરદેશમાં સમયની ભારે કિંમત હોય છે..!’

અરવિંદભાઈની ચાપલૂસી સાવ ઉઘાડી પડી ગઈ. અણસમજુ માણસ પણ સમજે તેવી રીતે કહ્યું હતું. પ્રકાશને સારું ન લાગ્યું તેનું મોં બગડી ગયું. પણ અંજુને સારું લાગ્યું, અહોભાવ થયો.તેણે કહ્યું:‘સાચી વાત છે આપની,ઘડિયાળના કાંટા પર જીવન ચાલે છે.અહીં પણ સમય સાચવો તો,સચવાય.બધું આપણા હાથમાં જ હોય છે.’

અરવિંદભાઈ અહોભાવથી અંજુ સામે જોઈ રહ્યા. તેને ખ્યાલ આવી ગયો હતો કે, આ સ્ત્રી જ પૈસા

આપવાની છે...તેથી વિવેક કે સરળતા જેટલી દાખવી શકાય એટલી દાખવવાની હતી.ટૂંકમાં સમય સાચવી લેવાનો હતો. અને અરવિંદભાઈ તેમા પાવરધા હતા.

‘આપે સાચું કહ્યું બહેનજી, સઘળું માણસના હાથમાં જ હોય છે...’

ત્યાં દક્ષા ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને આવી.આ વખતે તેણે પોતાના શરીરને સાડીમાં જેટલું ઢાંકી શકાય તેટલું ઢાંક્યું હતું.વળી શરીરને પણ સંકોરી લીધું હતું.તેનું ચાલ્યું હોતતો કદાચ રૂમમાંથી બહાર નીકળી આ માણસો સામે જ ન આવી હોત. પણ ઘરની આબરૂ ખાતર ઘરે આવેલા માણસને આવકારો આપવો પડે, તે ભલે દુશ્મન હોય !

અંજુ અને પ્રકાશ સામે નજર નાખવી જ ગમતી નહોતી. તેઓ માણસ નહી પરંતુ જાતવિહોણા દલાલ હોય એવું લાગતું હતું. અને તેનો પતિ પણ તે વ્યાખ્યામાં આવી ગયો હતો.

પ્રકાશે વાતની શરૂઆત કરતા કહ્યું :‘અરવિંદભાઈ ! અમને તો બધું બરાબર લાગે છે.અમારા પક્ષે લગભગ નક્કી જ છે....આગળનું તમે કહો...!’

આ વેળા અંજુ અરવિંદભાઈ સામે જોવાના બદલે પ્રકાશ સામે તાકી રહી હતી.અમારા પક્ષે લગભગ નક્કી જ છે...પ્રકાશનું આમ કહેવું બરાબરનું વાગ્યું હતું. હજુ રાતે જ વિચાર ડામાડોળ હતો. સંતાન પ્રાપ્તિ કરવાની જ હોય તો પોતે સ્ત્રી છે...પ્રકાશને જ કહી દે, આપણે આપણી રીતે વિચારી લઈએ. પણ રાતે પ્રકાશ આ વાતના મૂડમાં ન હોય અથવા કોઈ જુદી દુનિયામાં મહાલતો એમ લાગ્યું હતું. તેથી તે વિચાર પડતો મૂકી અહીં આવ્યાં હતાં. અને પોતે પણ...

‘તમારા પક્ષે નક્કી હોય તો અમારા પક્ષે પણ નક્કી સમજો...’ અરવિંદભાઈ એટલા ઉત્સાહથી બોલ્યા કે જાણે રૂપિયાનો મોટો જથ્થો હાથમાં આવી ગયો હોય !પછી ઉત્સાહને દબાવી થોડી ગંભીરતા સાથે કુનેહથી કહ્યું : ‘હવે આગળની વાત કરવાની છે તે...’

પ્રકાશે અરવિંદભાઈના મોં પર નજર નોંધી. મોં પરના ભાવો પારખવાનો પ્રયાસ કર્યો. ધૂંધળું ચિત્ર ઉપસ્યું પણ સ્પષ્ટ ભાવો પકડાયા નહી.તેણે કહ્યું:‘તમે જ કહો ને..તમારો અનુભવ તો નહી પણ આ બાબતે અભ્યાસ સારો લાગે છે !’

પ્રકાશે કટાક્ષ કર્યો કે પ્રશંસા એ ભેદ,તથ્ય અરવિંદભાઈને સ્પર્શી શક્યો નહી.અથવા તો ખ્યાલમાં જ આવ્યો નહી.હા,આ બાબતે જાણકારી મેળવી હતી તેનો ક્ષણિક ગર્વ થયો પણ સામે અપેક્ષિત પ્રતિસાદ ભાવ વિભોર કરી રહ્યો હતો.સામે બેઠેલાં અંજુ ને પ્રકાશ ઈશ્વરના દૂત બનીને આવ્યા હોય એવા લાગતાં હતા. કારણ કે તેઓ પોતાની ગરીબીને,આર્થિક વંચિતતાને દૂર કરનારા કૂબેરભંડારી હતા.તેથી તેમનું સઘળું બોલવું... સારું ને સાચું લાગતું હતું.

જેમના માટેનો આ સઘળો ઉપક્રમ હતો તે અંજુ સૌ મૌન બનીને મૂકભાવે જોતી-સાંભળતી હતી. તેના મનમાંથી રાત વાળી ઘટના દૂર થતી નહોતી.તેથી એક અલગ જ માનસિક પ્રક્રિયામાંથી પસાર થઇ રહી. જાણે હાલ જે બની રહ્યું છે, ચર્ચા ચાલી રહી છે તેના સાથે કોઈ લેવાદેવા જ ન હોય !

અરવિંદભાઈએ એકાદ ડગલું આગળ ચાલીને કહ્યું:‘ડોક્ટરનો તમામ ચાર્જ તમે ભરશો...’સોદાની સ્પષ્ટતા કરતા આગળ જણાવ્યું : ‘બાકીનું પેકેજ...’

‘પેકેજ !’ પ્રકાશથી નવાઇ સાથે બોલાઇ ગયું.

‘હા,એ જ ઠીક રહેશે.’પાક્કા-ગણતરીબાજ વેપારીની રીતે જ અરવિંદભાઈએ ખુલાસો કરતા કહ્યું : ‘તેમાં તમામ ખર્ચ આવી જાય. દવાખાને લઇ જવાનું રિક્ષાભાડુંથી લઇ ખોરાક અને જરૂર પડે તો કામવાળી બાઇ...માનો ને એ તું ઝેડ ખર્ચ આવી જાય.’

અંજુને પ્રકાશ, અરવિંદભાઈ સામે જોતા જ અર્હી ગયાં. બંનેને થયું કે, આ માણસ શ્વાસ લેવાનું ભાડું પણ ગણતરીમાં લઈને કહેશે : ‘મારી વાઇફ નવ માસ તમારા બાળક માટે જ જીવશે ને !’

‘અને હા, યાદ આવ્યું...ડિલેવરી નોર્મલ કરાવવા માગો છો કે પછી...’

પ્રકાશ દંગ રહી ગયો. ગજબનો છે આ માણસ...!

પણ સોદો કરવા જ આવ્યા છે તે સલુકાઇથી કામ લેવું પડે.વળી અરવિંદભાઈ કહેવું આમ કાંઇ અયોગ્ય નહોતું.જે બનવાનું હતું તેની વાત હતી.પણ કાને પહેલી વખત અથડાતી હતી એટલે અજૂગતું લાગતું હતું. અથવા તો આવી ઘટનાના વિવરણથી કાન સાવ અભણ ને અજાણ જ હતા ને !

‘ડિલેવરીતો જે રીતે થતી હોય એમ જ થાય ને !’ પ્રકાશ હસવા લાગ્યો, જાણે હસી કાઢવા જેવી વાત હોય !

‘ના, હવે એવું નથી.’અરવિંદભાઈએ હકીકત સમજાવતા કહ્યું :‘હવે નોર્મલ ડિલેવરી લગભગ થતી જ નથી. મોટાભાગના કેસમાં સિઝેરિયન કરાવવું પડશે..એવું જ ડોક્ટર કહે છે.’

આ હકીકત કે જાણકારીનો ગૌરવ અનુભવતા હોય એમ અરવિંદભાઈ હસવા લાગ્યા.

આ વેળા બારસાખે હાથ દઇને ઊભેલી દક્ષા અને સામે બેઠેલી અંજુની નજર અનાયસે એક થઇ. બંને સૂચકપણે સામે જોતી રહી. એકમેકમાં ઓતપ્રોત થયેલી નજરો કહેતી હતી : ‘પ્રસવનો પ્રશ્ન સ્ત્રીનો છે ને ચર્ચા તમે પુરુષો કરો છો !’

‘પ્રસવની પીડા તમે શું જાણો !?’

પણ બંને સ્ત્રીઓ મનોમન સમાધાન કરવા લાગી કે, આ લોકો ચર્ચા કરવા ક્યાં બેઠાં છે, ભાવ-તાલ કે સોદો કરવા બેઠા છે !

-સ્ત્રીને એક સાધન સમજીને....

‘આ આપણો-પુરુષોનો પ્રશ્ન નથી. પણ...’થોડું અટકીને અરવિંદભાઈએ તદ્દન સરળતાથી કહ્યું :‘મારે એ કહેવું છે કે જો નોર્મલ,કુદરતી પ્રસવની ગણતરી હોય તો તેનો આ પેકેજમાં સમાવેશ કરવો પડે અથવા અલગ ગણતરીમાં લેવું પડે !’

‘અરવિંદભાઈ,એ અમારો પ્રશ્ન જ નથી.અમારે તો બાળક જોઈએ છીએ...જે રીતે જણીને આપો તે રીતે...’પણ પ્રકાશ આવું બોલી શક્યો નહી.તેને આ કિસ્સાની ચર્ચામાં દુઃખ થતું હતું,પારાવાર પીડા થતી હતી.થતું હતું કે, સંતાનના જન્મ સમયે માતાએ આવી કોઈ ગણતરી માંડી હશે !

અંજુ હજુપણ મૌન જ હતી.તેનું મૌન રહેવું પ્રકાશને અકળાવતું હતું.વારંવાર અંજુ સામે જોયા કરતો હતો.તેનું કહેવું હતું :‘તું કંઈક તો બોલ...અંતે તો સઘળું તારા માટે છે, તારે જ કરવાનું છે...!’

પણ આ સઘળું સાંભળી અંજુનું મન ચકરાવે ચઢ્યું હતું.આખી વાત, ચર્ચામાં કૂખ ભાડે આપનાર સ્ત્રીતો ગૌણ બની જતી હતી. તેને માત્ર સાધન સમજીને રૂપિયાની આકારણી થતી હતી. આ તો સ્ત્રીનું અપમાન કહેવાય. નારી ગૌરવનું ખંડન કર્યું કહેવાય...આ બધું મનની સરાણે ચઢી ઘસાવા લાગ્યું હતું.

વળી તે સ્ત્રીનો પતિ જે રીતે ભાવતાલ કરતો હતો તે જોતા તો લાગે કે પત્નીનું તેના માટે આવું મૂલ્ય...ઘરેલું પશુથી પણ બદતર ! પુરુષ જાત પર સખત નફરત થઇ આવી. પોતાનો એક સમયનો પતિ નજરે ચઢી આવ્યો. સાલ્લા...પુરુષો તો અંતે બધા સરખા જ....! અંજુના ચહેરા પર આક્રોશ, વ્યથાના લીધે સળ પડી ગયા. જે પ્રકાશથી અજાણ ન રહ્યા. તેથી તે બોલતો બંધ થઇ ગયો.

અંજુ મૌન હતી,અકળાતી હતી.પણ તેના વચ્ચે સંતાન પ્રાપ્તિની એષણા ઓછી થવાના બદલે બળવત્તર થતી જતી હતી. તેથી ઓછી પળોમાં બધું સંતાનની અપેક્ષામાં ઓગળી ગયું.

‘એ...બધું તમારે કરવાનું છે...’સામે અરવિંદભાઈની પ્રત્યુતરની અપેક્ષાએ પ્રકાશે મોંએ હતું તે ઝડપ થી કહી દીધું:‘તમારી તમામ શરતો બરાબર છે...’એટલું યંત્રવત બોલી અંજુ સામે જોયું...અંજુનું મોં પડી ગયું હતું. અને લીસ્સી ચામડી શ્યામવર્ણી ભાસતી હતી. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. આ કામનો આનંદ, ઉત્સાહ જાણે ઓછરી ગયો હોય !

‘કેમ શું થયું !?’ આવું પૂછવાનું પ્રકાશને મન થઇ આવ્યું. પણ તેમ પૂછવા, બોલવાના બદલે બોલી ગયો : ‘બરાબરને !’

અંજુએ માથું હલાવી હા પાડી. પણ કશું સમજી કે સ્વીકારી શકી હોય એવું લાગ્યું નહી.

અંજુએ પોતાના પર ભરોસો મૂક્યો છે, આ કરી આપવાનું છે...પછી મોડું કરવું કે સમય ખેંચવાને કોઈ કારણ નથી.વળી ગમ્યું, નગમ્યું એ એનો પ્રશ્ન છે.કહેશે, કહેવાનું હશે તો....પ્રકાશે વધારે ચર્ચા-વિચારણા કરવાના બદલે પાકીટમાંથી રૂપિયાનું બંડલ કાઢ્યું, તે ક્ષણે સંમતિ સૂચક નજરે અંજુ સામે પણ જોઈ લીધું.

‘લ્યો, અરવિંદભાઇ...ટોકન...આપણો સોદો પાકો.’ અરવિંદભાઈ તરફ હાથ લંબાવી આગળ કહ્યું : ‘બાકીનું ડોક્ટરની સલાહ પ્રમાણે...’

એક કામ માથે આવ્યું તે પૂરું કરવાનું હોય તેમ પ્રકાશે કર્યું. તેના મનમાં એ પણ સ્પષ્ટ હતું કે, જે વિષયમાં આપણને ખબર પડતી નથી તેમાં વધુ ચંચુપાત ન કરવો. વળી સામે અરવિંદભાઈ કાબેલ હતા !

ફરી મળવાનું નક્કી કરી બંને ઊભા થયાં. પછી જયશ્રી કૃષ્ણ કહીને નીકળી ગયાં.

રૂપિયાનું બંડલ હાથ પકડીને અરવિંદભાઈ એમ જ ઊભા રહ્યા.ખબર નહી પણ અંજુ-પ્રકાશને વળા વવાનો વિવેક પણ ચૂકી ગયા.કારણ કે આ બધું અકલ્પનીય હતું.તેમના મનોપ્રદેશમાં કેટલાંય સમણાં અલપ ઝલપ આવીને હાજરી પુરાવી ગયાં હતાં.દક્ષા આવીને બાજુમાં ક્યારે ઊભી રહી તેનો પણ અણસાર તેમને આવ્યો નહી.દક્ષાએ પોતાની હાજરી પુરાવવા અથવા અસ્તિત્વની નોંધ લેવરાવવા સહેજ પાસે જઈ,સામે ઊભી રહી.તેનાં હૈયે ઉગી આવ્યું હતું કે,આ જે કાંઇ કરી રહ્યા છો તે મારાં આધારે કરી રહ્યા છો.મને વિસરવી નહી, પોસાય ! પણ સમસમીને અબોલ ઊભી રહી.

પણ ખ્યાલ આવતા જ દક્ષા સામે જોઇને હસ્યા, તેની હાજરીની બરાબર નોંધ લીધી. પછી હાથમાં પકડેલું રૂપિયાનું બંડલ તેનાં સામે ધરીને કહ્યું : ‘લે, આ રૂપિયા...!’

દક્ષા પોતાનો હાથ લાંબો કર્યા વગર એમ જ અક્કડ ઊભી રહી. તેની આંખો અગ્નિના તણખા ઉડવા લાગ્યા હતા. અને નજર જાણે આગ બની ગઈ હતી !

અરવિંદભાઇને દક્ષાની આ પ્રતિક્રિયા સમજાઇ ગઈ હતી.પણ નાક જતા હોઠ રાખવો હોય તેમ કહ્યું : ‘આ તારા પૈસા છે...’અરવિંદભાઈના અવાજનો રણકો સાવ બોદો, અર્થહીન તહી ગયો હતો. પોતીકું તત્વ કે સત્વ રહ્યું નહોતું. છતાંય તે બળ કરીને, આગ્રહ કરતા બોલ્યા : ‘આ તારી કમાણીના છે..’

કમાણી...શબ્દ કાને પડતા જ દક્ષાના કાનમાં સળગતા અંગારા ઘુસ્યા હોય એવું લાગ્યું.તે આખી સળગી ઊઠી.ક્રોધ આસમાને ચઢીને ઊભો રહ્યો...જાત પર કાબુ ન રાખ્યો હોતતો, રૂપિયાનું બંડલ અરવિંદ ભાઈના હાથમાંથી લઇ તેના મોં પર પાછું ફટકારત... : ‘હરામની કમાણી....!’

પણ બોલી :‘કમાણી...રાખો તમારી પાસે...’કહીને તે મોં ચઢાવી રૂમમાં ચાલી ગઈ.

દક્ષાનો પ્રતિઆક્રોશ અરવિંદભાઈને થડમાંથી હલબલાવી ગયો.ધ્રુજાવી ગયો.કલ્પના પણ નહોતી કે આટલો આક્રોશ વ્યક્ત થાશે...પણ થયો તે હકીકત હતી.અરવિંદભાઈ દ્વિધાભરી સ્થિતિમાં એમ જ ઊભા રહ્યા. શું કરવું...તેવો મોટો સવાલ સામે આવીને ઊભો રહી ગયો.

એકએક એવી ભ્રમણા જાણે ભાંગી પડી કે પોતાનું કહ્યું જ કરે અથવા પોતાની મરજીમાં તેની મરજી હોય જ...અને જુદું જ રૂપ દક્ષાનું જોવા મળ્યું.એમ જ સ્તંભ માફક ઊભા રહ્યા.દક્ષાની મરજી વિરુદ્ધ કશું જ થઇ શકે નહી.સઘળો આધાર તેનાં પર છે.ના પડે તો પૈસા માટે ઘડેલા પ્લાન પર પાણી ફરી વળે.પૈસા મેળ વવા માટે આવેલી તક ચાલી જાય અને જીવનભર નિર્ધન થઈને રહેવું પડે.

શું કરવું ? પોતાને જ સવાલ થયો.

જવાબ સ્વરૂપે મન કહેવા લાગ્યું :કામ કુનેહથી લેવું પડે. ક્યાંય ગડબડ ઊભી ન થાય તેની તકેદારી રાખવી પડે.નહિતર સારું કરતા ખરાબ થઈને ઊભું રહે.કારણ કે સ્ત્રી માટેના કાયદા બહુ કડક છે. દક્ષા પોલીસ સ્ટેશને જઈને ઊભી રહે અને કહે :‘મારી મરજી વિરુદ્ધ મારી કૂખ ભાડે આપે છે !’

‘અને મારી કૂખ ભાડે આપવાની વાતે પોલીસ ધંધે લાગી જાય !’

‘પેલા તો તું ધંધે લાગી જઈશ...’

કોઈ અજાણ ડરના લીધે અરવિંદભાઈ ભયભીત થઇ ગયા. રૂપિયા મળ્યાનો આનંદ કાલ્પનિક ભયમાં ઓગળીને ઓછો થઇ ગયો.એક પળેતો થયું કે,ઉતાવળા પગે અંજુ-પ્રકાશના પાછળ જાય અને રૂપિયા પાછા આપી દે.અને કહે :‘ના,આવું અમારે કશું કરવું નથી.’ અરવિંદભાઈના પગ ઉપડ્યા...પણ રૂમમાં દક્ષા પાસે અટકીને ઊભા રહ્યા.

દક્ષા પલંગ પર સૂનમૂન અવસ્થામાં બેઠી હતી. તેનું મોં જોયા જેવું રહ્યું નહોતું.અજાણ્યો માણસ પણ સમજી જાય એમ આક્રોશના વ્યથા સાવ ઉઘાડા પડી ગયા હતા.શું કરવું...સુઝ્યું નહીતે અરવિંદભાઈ દક્ષાની પડખે પલંગ પર બેસી ગયા.એકમેકની સહોપસ્થિતિએ થોડું સારું લાગ્યું.સાંત્વન મળ્યું. અરવિંદભાઈ એ દક્ષા સામે જોયું...પછી તેની હડપચી પર હાથ મૂકી મોં ઊંચું કર્યું.સામે જોયું પણ દક્ષાની આંખો બંધ હતી અને પાંપણ વચ્ચેથી આંસુની ધારાઓ ઉભરાતી હતી.

‘તારી પીડાને હું સમજુ છું પણ...’ અરવિંદભાઈએ ભીના સ્વરે કહ્યું :‘તારી મરજી વિરુદ્ધ કશું કર્યું નથી. તને પૂછ્યા પછી જ...’આમ કહેવામાં સંવેદન તો હતું જ પણ તેની પાછળ છૂપો ડર પણ હતો.રખે ને દક્ષા આડા-અવળું ભરે...

‘ના, મને ભરોસો મારી દક્ષા પર...’બહુ ક્ષણોમાં કેટલાંય વિચારો વંટોળના જેમ ફૂંકાઈ ગયા.

‘આપણી મજબૂરી છે એટલે...’

દક્ષાએ એકદમ સામે જોયું. અરવિંદભાઈનું આમ કહેવું રામબાણ ઇલાજ સાબિત થયું. જો કે કહેવું ખોટું પણ નહોતું. આર્થિક મજબૂરી હતી તે નઘરોળ વાસ્તવિકતા છે.

‘મને પણ ગમતું નથી, ઘેર આવી કોઈ ભાવ-તાલ કરે..’

અરવિંદભાઈના દયાદ્ર આવજે દક્ષા ધીમે ધીમે પીઘળવા લાગી. તેની જીભ ઉપડતી નહોતી પણ આંખો ફરી અનરાધાર વરસવા લાગી હતી. બે-પાંચ પળો એમ જ પસાર થઇ ગઈ.

‘તું ના પડે તો...’

‘હું ક્યાં ના પાડું છું...’ વરસાદ વરસી ગયા પછી જે સ્વચ્છતાનો જે ઉઘાડ નીકળે તેમ દક્ષાના મનોપ્રદેશમાં સ્વચ્છતા સાથે સ્વસ્થતા આવવા લાગી હતી.તેણે આગળ કહ્યું:‘પણ મને સારું લાગતું નથી, કોઈ મારા શરીરને રૂપિયાથી મૂલવે...’વળી તેની આંખો વરસવા લાગી.નાનકડા રૂમમાં ભારેખમ ગમગીની છવાઈ ગઈ.

અરવિંદભાઈ પત્ની દક્ષાનું કહેવું સમજ બહાર નહોતું. અરે..કોઈ બાયલો - પુરુષ પણ પોતાની સ્ત્રી સામે અન્ય પુરુષ નબળી નજરે જુએ તો પણ સહન કરી શકતો નથી.તેના બદલે સીધા ભાવ-તાલ.... શરીરે ધ્રુજારી વ્યાપી ગઈ. લોહી ઉકળવા લાગ્યું. પણ વધુ વખત રહ્યું નહી. જે ઝડપે ઉદભવ્યું તેની બમણી ઝડપે નીચે બેસી ગયું.

બીજી બાજુ અરવિંદભાઈએ હાશકારો અનુભવ્યો. એક ઘાત ટળી. દક્ષાના મનમાં એવા કોઈ વિચારો નથી કે, જે મુશ્કેલીમાં મૂકે !

અરવિંદભાઈ ઊભા થયા. પછી રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરીને આવ્યા. દક્ષા સામે ધર્યો ને કહ્યું : ‘લે..મોં ધોઈ લે, એષા હમણાં આવીને ઊભી રહેશે !’

જિંદગીમાં પહેલીવાર પતિએ પાણી આપ્યું...દક્ષાથી પાણી પાણી થઇ જવાયું.તે થોડી લાજ-શરમ અનુભવતી એકદમ ઊભી થઇ ગઈ. તેમાં વળી એષાના આગમનનું ઉમેરણ થયું હતું.

અરવિંદભાઈએ રૂપીયાનું બંડલ હળવેકથી કબાટમાં મૂકી દીધું.

એષા દસ વરસની દીકરી છે. અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરે છે. ભારે ચબરાક છે. મનોભાવ પારખીને પૂછી વળે : ‘મમ્મી-પપ્પા શું થયું છે, મને કહો...’

વળી પૈસા હાથમાં જુએ એટલે પણ પૂછે...શું જવાબ આપવો...ખોટું બોલો તો પણ પકડી પાડે !

મનમાં ઘોળાતો હતો એ સવાલ પણ સામે આવીને ઊભો રહ્યો.

‘એષા માટે પણ કાંઈ વિચાર્યું છે...?’

અરવિંદભાઈએ કહ્યું :‘શેનું ?’

‘બાળક વિશે...’દક્ષાએ આગળની પૂર્તતા કરતાં કહ્યું :‘નવ માસ પછી બાળક તેને સોંપી દઈશું ત્યારે એષાતો પૂછશે, શું કરવા આપી દીધું !’

અરવિંદભાઈ કલ્પનાતિત સંભાવનાએ દિગ્મૂઢ થઇ ગયા.

‘તમને ખબર છે, નાની હતી ત્યારે હઠ લઈને બેઠી હતી.’દક્ષાએ આગળ કહ્યું :‘મારે ભઈલો કેમ નથી, ભઈલો જ જોઈએ...’પછી તો પગ પછાડતી રડવા જ લાગી:‘મને લઇ આવી આપો..મારે ભઇલો જોઈએ જ..’

પડોશમાં એષા જેવડી જ દીકરી છે. તેને નાનો ભાઇ છે. તે ભાઈને બહુ લાડ-પ્યારથી રમાડતી. આ જોઈ એષાને ભાઇને રમાડવાનું મન થઇ આવતું હતું...વારંવાર ઘેર આવી માંગણી કરતી હતી. આ માંગણી સામે એષાને સમજાવતા બંને, પતિ-પત્નીને આંખે પાણી આવી જતા હતા. પછી તો સાંભળ્યું હતું કે, ઘણા ઘરમાં આ સમસ્યા સર્જાણી હતી.

અરવિંદભાઈ ભવ હારી ગયા હોય એમ લમણે હાથ દઈને બેસી ગયા.તેના માટે હાથમાં આવેલો ખજાનો નજર સામે જ ઝુંટવાઇ જતો હોય એવું લાગ્યું. લાગણીના વહેણમાં પોતે લાચાર થઇને તણાઈ રહ્યા હતા. સવાલ લાગણી હતો પણ જરાય ખોટો નહોતો. અરવિંદભાઈનું મોં સાવ પડી ગયું, નિસ્તેજ થઇ ગયું.

દક્ષાને દયા આવી.તે ઊભી થઇ બાજુમાં બેસી ગઈ. કોઈ કશું બોલ્યું નહી પણ સાથે બેઠાંની હૂંફ એક મેકને અનુભવાતી હતી. સુખ-દુઃખમાં સાથે છીએ...તેવું સ્પષ્ટપણે ઉભરી આવતું હતું.

દક્ષા સઘળું જાણતી, સમજતી હતી. પોતાનો પતિ આ બધું શું કરવા કરી રહ્યો છે...આર્થિક સ્થિતિ જ જવાબદાર હતી. જો પોતે સદ્ધર, આર્થિક સંપન્ન હોતતો કદાચ આવું પગલું ભરવાનો સમય ન આવ્યો હોત.

પતિ અરવિંદભાઈનું દયામણું મોં જોઈ દક્ષાનું હૈયું હચમચી ગયું. કાળજું ચિરાઈ ગયું. મનમાં ઉદભવેલી વાતને ઘડીભર દબાવી રાખી અથવા દબાઈ ગઈ.

પણ કહ્યા વગર છૂટકો નહોતો.

દક્ષાએ દબાતા અવાજે કહ્યું : ‘ગામડે પણ શું જવાબ આપીશું...’

અરવિંદભાઈ દક્ષાનું કહેવું સમજ્યા હોય કે ન સમજ્યા હોય પણ જડના જેમ ડોળા પહોળા કરી દક્ષા સામે તગતગી રહ્યા. દક્ષાએ સ્પષ્ટતા કરતા કહ્યું : ‘ઘેર-ગામડે જઈશું ત્યારે પણ નવ મહિના પછીનો જવાબ આપવો પડશે ને !’

સાંભળતા ને સમજતા અરવિંદભાઈને બહુ વાર ન લાગી.તેની ચોટલી ખીલો થઇ ગઈ. સાવ અણ ધાર્યું, વિચાર્યું જ ન હોય એવા સવાલો સામે આવીને ઊભા રહેશે એટલું જ નહી તેનો જવાબ આપવો ભારે પડશે. અથવા તો જવાબ જ નહી હોય !

દક્ષા આ વાતે તદ્દન સાચી હતી. ચિંતા જરાપણ ખોટી નહોતી.તે જયારે ગામડે વતનમાં જતી કે જતાં ત્યારે સાસુમા ધીમેકથી પણ પઠાણી ઉઘરાણી કરતાં હતાં:‘વહુ ! સારા દિ’ના સમાચાર આપો,આમ ખાલી હાથ ઉલાળતા ન આવો.’

પોતાને પેટ એક દીકરી હોવા છતાં સાસુમાનું આવું કહેવું સ્પષ્ટ સમજાતું હતું કે, દીકરાની અપેક્ષા છે. ત્યારે દક્ષા કહેતી હતી : ‘બા ! દીકરા જેવી જ દીકરી છે. પછી...’

‘દીકરી તો લક્ષ્મી કહેવાય..એની ભાગ્યનું લઈને આવી હશે પણ દીવો કરવા દીકરો જોઈએ.’

એકવાર તો સાસુમાએ કહી દીધું હતું : ‘ગમે એવી અજવાળી પૂનમ હોય તોય ઇ રાત કહેવાય અને ભલે ધૂંધળો હોય પણ દિવસ કહેવાય,સમજાય વહુરાણી !’

સાસુમાની લાગણી તરબોળ દલીલ સામે દક્ષાના હાથ હેઠા પડી જતા હતા.બોલવું અટકી જતું હતું. પણ બરાબર સમજતી હતી કે,વૃદ્ધ માવતરને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય.દીકરાને ત્યાં દીકરો જન્મે, પારણું બંધાય...આવી ઝંખના સ્વાભાવિક હોય. તેથી સાસુમાને માઠું ન લાગે તેમ મીઠો જવાબ આપી દેતી હતી.પણ સામે જે કહેતા તે વિચારવા જેવું હતું:સમય પ્રમાણે હવે ઘરમાં બે-ચાર સંતાનો હોય તે ઠીક નથી. દીકરો કે દીકરી લગભગ એક સંતાન હોય છે.પરંતુ આમ થવાથી પરિવાર ભાવના ને કુંટુંબપ્રથા તૂટવા લાગી છે, નષ્ટ થવા લાગી છે.ઘરમાં એક જ સંતાન હોય તો તેને ભાઇ અથવા બહેનના હેત-પ્રેમનો ખ્યાલ નથી આવતો.અનુભૂતિ જ થતી નથી.વળી ઘરમાં ભાઇ,ભાભી,નણંદ, કાકા-કાકી,ફઇ-ફુઆ...જેવા ભાવભીના ને કયાંક ખટ્ટમીઠા સંબંધો ભૂતકાળની ભવ્ય વિરાસત બની જશે.ભારતીય-ગુજરાતી સમાજ-સંસ્કૃતિને લગભગ દેશવટો દેવાઇ જશે !

દક્ષાએ ફરી સવાલ કર્યો : ‘ઘેર શું કહીશું, શું જવાબ આપીશું ?’

અરવિંદભાઈનું ચેતાતંત્ર ખોરવાઈ ગયું. વિચારને લકવો લાગી ગયો.

‘કોઈને નહી પણ ઘેર બાને શું જવાબ આપવો...’દક્ષા વલોવતા હૈયે બોલી :‘નવ મહિના ખબર ન પડે એવું થોડું બને !’

‘ ખબર તો પડે જ...’ અરવિંદભાઈ કહે :‘સુરજ છાબડે ઢાંકયો થોડો ઢંકાય !’

મહામૂંઝવણ અનુભવતા બંને મૌન અવસ્થા એમ જ બેઠાં રહ્યાં.

એષાને આવવાનો સમય થઇ ગયો હતો. તે બંનેને નિસ્તેજ, નિમાણા જોશે એટલે ચિંતા સાથે સવાલ કરશે : ‘મમ્મી...પપ્પા...શું થયું ?’

જવાબ આપવા છતાં જવાબથી એષાને સંતોષ નહી થાય ત્યાં સુધી સગડ નહી છોડે.વળી એષા સામે કયારેય જુઠ્ઠું ન બોલવું...એવું પણ નક્કી કરેલું છે. તો આ હકીકત કહેવી કેમ,સમજાવવી કેમ ? વાત આડા-અવળી થાય એટલે એષા તુરંત જ પકડી પાડે. કહે : ‘મને રમાડો છો...’

‘લ્યો હવે ઊભા થાવ...’કહીને દક્ષા એકદમ ઊભી થઇ.બાથરૂમમાં જઇ મોં ધોયું. કોગળો કર્યો.પછી પાણી નો ગ્લાસ ભરીને અરવિંદભાઈ પાસે આવી.

હજુ તો ગણતરીના સમય પહેલા જ પોતાને સ્વસ્થ થવા આમ જ પાણીનો ગ્લાસ આપ્યો હતો !

અરવિદભાઈ સ્વસ્થ થઇ, છાપું લઈને વાંચવાના પ્રયાસ સાથે એકબાજુ બેઠા.

આજે અરવિંદભાઈએ નોકરીમાંથી રજા લીધી હતી. શેઠ ના પાડતા હતા પણ વાઈફને દવાખાને લઇ જવાની છે એવું બહાનું કાઢીને રજા લીધી હતી. કચવાતા મને શેઠે રજા આપી હતી. શેઠનું મોં બગડી ગયું હતું. અરવિંદભાઈને થયું હતું કે,કેટલી લાચારી...પોતાના અંગતકામ માટે પણ રજા લેવાની આવી મજબૂરી !

-એકજાતની ગુલામી નહી તો બીજું શું ? ધંધા માટેના રૂપિયા નથી એટલેને....

પણ આ કૂખ ભાડે આપવાનો સોદો પાર પડી જાય તો ભયોભયો. રોકડ રકમ હાથમાં આવે એટલે નાનકડો પણ પોતાનો સ્વતંત્ર ધંધો શરુ કરવો છે...

એક પળે તો પોતે સ્વતંત્રપણે ધંધો કરી જ રહ્યો છે તેવું અનુભવ્યું. ખુદ રાજા બની ગયો હોય એવું લાગ્યું. પણ બહુ ઓછી પળોમાં ખ્યાલ આવી ગયો કે આ બધી ધરણાઓ ધૂળમાં મળવા લાગી છે !

છાપું સામે હોવું એ માત્ર એક સમય પસાર કરવાનો વિકલ્પ હતો. નજર છાપાના હેડીંગ પર હોય પણ મનમાંતો કેટ-કેટલા વિચારોની આવન-જાવન થઇ રહી હતી. તેથી શું લખ્યું છે તેની તો ખબર નહોતી.

ખાસ તો પત્ની દક્ષાએ કહ્યું તે વિચાર માગી લે તેવું હતું.દક્ષાને સારા દિવસો હોય એની સૌને ખબર પડે. અરે...આંધળા માણસને પણ દેખાય. ત્યાં સુધી તો બધું બરાબર પણ જન્મ્યા પછી છોકરું ક્યાં !?

-છોકરું ગયું ક્યાં ??

કૂખ ભાડે આપવાની જાહેરાત વાંચી અરવિંદભાઈને આ કામ સાવ સહેલું લાગ્યું હતું. પોતાની અને પત્નીની મરજીથી કામ કરવાનું છે...પણ થયું કે દરેક જગ્યાએ પોતાની મરજી ચાલતી નથી.મરજીમાં પણ સામાજિક લાગભાગ રહેલો છે.અરવિંદભાઈ સાવ શૂન્ય થઇ ગયા. માની લીધું, સ્વીકારી લીધું...આમાં હવે આગળ વધવું નથી. પણ આવા ને આટલા બધા પ્રશ્નો હોય...કલ્પનામાં પણ નહોતું આવ્યું.

અરવિંદભાઈએ મોબાઈલ હાથમાં લીધો. પ્રકાશનો નંબર કાઢ્યો...કહી દેવું:અમારે કૂખ ભાડે આપવી નથી. તમારા બહાનાપેઠે આપેલા રૂપિયા પાછા લઇ જાવ ! પણ ત્યાં રસોડામાંથી સાદ આવ્યો:‘સાંભળો છો..!’

‘તારું જ સાંભળું છું ને...’થોડો ગુસ્સો આવ્યો:‘અત્યારે તારું સાંભળીને જ ના પાડવા તૈયાર થયો છું.’

‘હજુ ના તો નથી પાડીને !’બારસાખ પાસે અરવિંદભાઈ ઊભા રહી ગયા.ના પાડવાની જરાય ઈચ્છા નથી.કોઇપણ ભોગે આવેલા રૂપિયા પાછા નથી જવા દેવા. રૂપિયા માટે તો પોતે કેટકેટલું કરે છે. ને અત્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તે મોં ધોવા થોડું જવાય..?

પણ પ્રશ્નો...ત્યાં વળી થયું કે દક્ષાએ પ્રશ્નો કર્યા છે તે,જવાબો પણ તેની પાસે હશે...ને એટલે જ બોલાવ્યો લાગે છે.અરવિંદભાઈ ખુદને પોતાની માનસિક સ્થિતિ હાલકડોલક થઇ ગઈ હોય એવું લાગ્યું. રૂમમાં પંખો ફૂલસ્પીડમાં ફરતો હોવા છતાં ગરમી થતી હતી. ખાસતો બહાર કરતા અંદરનો ઉકળાટ વધુ પજવતો હોય એવું લાગતું હતું.

દક્ષા પરોઠ ફરી,કાથરોટમાં લોટ બાંધતી હતી.માથા પરથી સાડી,ખભા પર પડી હતી.વાત અસ્ત વ્યસ્ત હતા.લોટ બાંધવાના લય સાથે...એક લટ ગાલ પર લટકી ને રમતી હતી.કાનના એરિંગ પણ ઝૂલતા હતા.ગરદન,કમર ને શરીરનો આખો પાછળનો ભાગ...અરવિંદભાઈને લોભામણો લાગ્યો.ઘણીવાર પાછળથી બાથમાં લઇ...

પણ આજે એમ ન થયું. હા,થયું કે આટલી સુંદરતાવાળી સ્ત્રીનું સંતાન, સુંદર થાય એમાં શંકા નથી.અને ભાવ પણ એ પ્રમાણે જ હોય ને ! બહુ નજીવી ક્ષણોમાં અરવિંદભાઈ,વાંદરો ગુલાંટ માટે તેમ વિચારની ગુલાંટ મારી ગયા. જાણે કોઈ પ્રશ્નો જ ન ઉદભવ્યા હોય !

-કોઈ સમસ્યા સમાધાન વગરની હોતી નથી.ત્યાં સુધી પહોંચવું પડે...ક્યાંય વાચ્યું હતું તે કાનમાંને મનમાં ગુંજી ઉઠ્યું.ખરું કહો તો,ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું.તેમને સીધું જ કહી દીધું :‘તું કહે છે એ સાચું. પણ ઘેર જઇ બધાને જણાવી દઈએ. પછી શું ?’

દક્ષાની ઉરાઉર ઊભા રહ્યા. પોતે સાદ કર્યો હતો તે ભૂલી ગયું ને છણકો કરતા કહ્યું : ‘થોડા આઘા

ઊભા રહો, એષા આવી જશે તો...’ એષાના લીધે અરવિંદભાઈ પણ એક ડગલું પાછા ખસી ઊભા રહ્યા.

ત્યાં દક્ષાએ સામે જોઈ,તાવડી જેવી ગરમેગરમ જીભે કહ્યું:‘આવું ઘેર કહેવાતું હશે, લાજ-શરમ જેવું છે કાંય !’ દક્ષાએ લોટ બાંધવાનો એક બાજુ મૂકી દીધો ને પછી સણસણતું સંભળાવી દીધું :‘ગામ ને સમાજ આપણા પરિવારને કાચા-કોરા ખાય જશે, સમજયા...!’

‘પણ આમાંતો...’

‘એ તમારી વાતો કરવી છે ને !’દક્ષાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા કહ્યું :‘હજુ મને નથી સમજાતું કે છોકરું એમનું કેમનું તે જન્મે....તે ગામ – સમાજ તો કહે જ ને કે, કો’ક છોકરું લઈને એને પૈસા લઇ પધરાવી દીધું !’

‘આતો શરીર વેંચ્યું કહેવાય !’

‘તું આ શું બોલે છે ?’અરવિંદભાઈનો અવાજ ફાટી ગયો. નાનકડા રસોડા પહેલીવાર આવી ચીસ પ્રગટી તે જાણે આખું રસોડું સ્તબ્ધ થઇ ગયું. દક્ષા પણ...

થોડીવારે ગરમાવો ઓછો થયો.અરવિંદભાઈએ ટાઢા પડતા કહ્યું:‘તો તું જ કહે આમ શું કરવું ?’

દક્ષા આંખનું મટકું પણ માર્યા વગર અરવિંદભાઈ સામે તાકી રહી.તેની નજરમાં બહુ સ્પષ્ટપણે ઉપસી આવતું હતું કે,આવું બધું મૂકી દો.પૈસા માટે આવું કાંઇ કરવું નથી.આપને આર્થિક રીતે નબળા છીએ. પૈસે - ટકે સુખી ન હોઈએ પણ દુઃખીતો નથી જ ને !

વાત ખોટી નહોતી.

‘આમાં આપણે કાંઇ ખોટું નથી કરી રહ્યાં.’સામે દક્ષાના મોં આવી ગયું કે,‘સાચું પણ ક્યાં કરી રહ્યા છીએ !’ પણ પછી કહ્યું : ‘લોકો કહેશે, પૈસા માટે આબરૂ વેંચી...’

અરવિંદભાઈને અકળામણ સાથે ગુસ્સો આવ્યો :‘લોકો કહે એમ જીવવાનું છે આપણે !?’

‘હા..’ દક્ષા જીભ પછાડીને બોલી : ‘તે કહે તેમ જ જીવવાનું છે ને રહેવાનું છે.’

‘લોકો...લોકો....’કહીને અરવિંદભાઈનું ચાલ્યું હોતતો હાથ ઉપાડી લેત...પણ સામે દક્ષાએ કહ્યું: ‘એષા માટે લોકોમાંથી જ મૂરતિયો પસંદ કરવાનો છે. ઘેર નથી રાખવાની સમજ્યા ?’

અરવિંદભાઈનું મગજ બહેર મારી ગયું. વાતનો છેડો ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો...ચક્કર આવતા હોય એમ દરવાજાને હાથ દઇ પોતાની જાતને માંડ માંડ સંભાળી શક્યા.

***