Khukh - 12 - Last part books and stories free download online pdf in Gujarati

કૂખ - 12 - છેલ્લો ભાગ

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ - ૧૨

વંદનાના સાસુએ પહેલવાર વંદનાને આમ ખુલ્લું બોલતાં, અધિકારની વાત કરતાં સંભાળી. ઘડીભર ગમ્યું નહી. મેરી બિલ્લી મૂઝશે મ્યાઉં...પણ અણસાંભળ્યું કરીને રૂમ બહાર નીકળી ગયા.

અંજુને વંદના એકબીજા સામે જોતી રહી.પણ વંદનાને થયું કે, હવે આ ચર્ચા-બેઠક પૂર્ણ કરવી જોઈએ.

આ વેળા અંજુના મનમાં ઝબકારો થયો. એક છાતીફાટ ગર્જના થઇ. ઝબકારના ક્ષણિક ઉજાસ વચ્ચે એક નવી દિશા આગવા અંદાઝ સાથે ઉઘડી આવી.

‘આ પહેલા મને આ વિચાર કેમ ન આવ્યો ?’

‘એ...’વંદના બેઠક પૂરી કરવાના મૂડમાં બોલી : ‘વિચાર પણ સમય પ્રમાણે આવે...’

થોડીવાર બંને બહેનપણીઓ આ બાબત પર સંતલસ કરતી રહી.પછી ગુડનાઇટ કરીને છુટ્ટી પડી. અંજુ બેઠી હતી ત્યાં જ લાંબી થઇ ગઈ. આંખો બંધ કરી, ઊંઘ આવે એવા પ્રયાસ કરવા લાગી.

પણ ઊંઘ તો ક્યારનીય ઊડી ગઈ હતી.

જયારે પ્રકાશે સેરોગેટ મધરની વાત કરી ત્યારે જ અંજુના મનમાં આ બાબત એક બીજા સ્વરૂપે પ્રગટ થઇ ચૂકી હતી. તેને થયું હતું કે, કૂખ ભાડે આપનાર સ્ત્રીએ ગર્ભધારણ કરવા ડોકટરી પ્રોસેસમાં પડવું તેના કરતા સ્ત્રી-પુરુષે સીધા મળી લેવું શું ખોટું છે ! ઘીના ઠામમાં ઘી પડી રહે...

અને આ સાચી, સારી ને કુદરતી પ્રક્રિયા છે. બટનેચરલ...મહાભારત કાળથી ચાલી આવે છે !

‘અંજુ ! તારે ક્યાં કોઈને કહેવા જવું પડે એમ છે !’પથારીમાં પડખા ઘસતી અંજુના કાં સરવા થયા. તે ધ્યાન દઈને, અંતરમાંથી ઉદભવતા અવાજને સાંભળવા લાગી.

‘ તું જાતે જ આમ કરે ને !’

‘હેં...!’ કહેતી અંજુ સબળ બેઠી થઇ ગઈ. નસોમાં લોહી ઝડપથી વહેવા લાગ્યું હતું. નસકોરાં ફૂલી ગયા હતાં. તે ઉફણતી છાતી પર હાથ મૂકી હળવું હળવું હાંફવા લાગી.

‘કહેવું સહેલું છે પણ અપનાવવું અઘરું છે.’

‘ના...’અંજુ સ્વગત બોલી : ‘મારા માટે કશું જ અઘરું કે અશક્ય નથી.’

નાઇટ લેમ્પના ઓછા અજવાળા વચ્ચે અંજુ અબોલ રહી ચારે બાજુ જોવા લાગી. રૂમની દીવાલોએ પોતાને કેદ કરી રાખી હોય એવું લાગ્યું. કેદમાંથી બહાર નીકળવા દરવાજો શોધવો પડે. અને ન હોય તો દરવાજો કરવો પડે. પોતાને જીવવા, લોકો શું કહેશે તેની ચિંતા કરવાની !?

-જીવન પોતાનુંને ચિંતા જગતની !

અંજુ અણધારી પણ અનાયસે સામે આવેલી આ ગડમથલમાંથી પસાર થવા લાગી.સઘળું ઉપર નીચે થવા લાગ્યું. અંજુથી ગડમથલ સહન ન થતાં ઊભી થઇ. ઘડિયાળમાં ત્રણ થવા આવ્યા હતા.

શું કરવું...કશું સૂઝ્યું નહી તે પ્રકાશને મોબાઈલ જોડ્યો....

*********

પહેલી નજરે જ ટેબલ પર પડેલું બંધ કવર પ્રકાશની નજરે ચઢ્યું. સરકારી ટપાલ નહોતી ને વળી ઉપરના અક્ષર જાણીતા લાગ્યા.થોડા કંપ સાથે કવર હાથમાં લીધું.પ્રેષકનું નામ નહોતું ને પત્ર નામજોગ હતો ! શું કરવું...મૂંઝવણ થઇ. આવા નનામા પત્રોથી સંભાળવું...સૌનો આવો સૂર હતો. પણ પછી થયું કે આ ક્યાં ઇન્વર્ડમાં નોંધાઇને આવ્યું છે તે, ચિંતા...ફાડીને ફેંકી દેવાનું !

આ ઈન્ટરનેટના યુગમાં પત્ર...પણ થયું કે, કોઈની જાણ વગર લખવાનું હોય એટલે...

થોડી અવઢવ સાથે પત્ર તોડ્યો...કશા જ સંબોધન વગર લખ્યું હતું –

‘ન્યુઝપેપરમાં અનાયસે કૂખ ભાડે રાખવાની એડ.નજરે ચઢી હતી. વાંચી...પણ નીચે આપશ્રીનો મોબાઈલ નંબર જોઈ થયું કે ભૂલથી નંબર છપાયો હશે. પણ...જે કાંઇ કર્યું હશે તે સમજી, વિચારીને કર્યું હશે. એમ હું ધારી લઉં છું.

પણ ધરમ કરતા ધાડ ન પડે તેની કાળજી રાખજે !

પત્ર શોભનાનો હતો.પ્રકાશ પત્ર વાંચવામાં એટલો તલ્લીન કે બેબાકળો થઇ ગયો હતો કે ખુરશી બેસવાનું ભૂલી જઇ ઊભો ઊભો જ વાંચવા લાગ્યો હતો. તેને થતું હતું કે, શોભના સન્મુખ આવીને ઊભી છે !

-આગળ વાંચે છે...

‘આમ કહેવામાં મારી સ્ત્રી સહજ ઈર્ષા છે કે પછી સ્વજન તરીકેની લાગણી છે...હું ખુદ સમજી શકતી નથી. પણ મને જે સૂઝી આવ્યું તે કહ્યું. માનવું ન માનવું તે તારે જોવાનું છે.

મેં ટ્રાન્સફર કરાવવાનું નક્કી કર્યા પછી જ લાંબી રજા મૂકી હતી. તેમાં હું સફળ થઇ છું. અમદા વાદમાં મારી બદલી થઇ ગઈ છે.’

-આટલું વાંચતા પ્રકાશને જાણે અંધારા આવી ગયા.આંખો બંધ કરી,ધબ દઇને ખુરશીમાં બેસી ગયો. શોભનાની બદલી, હકીકત મન સ્વીકારવા તૈયાર નહોતું.‘ના, એવું ન હોય. તે મને છોડીને જાય જ નહી.’ત્યાં પ્રતિસવાલ થયો :‘શું કારણે તને છોડી ને ન જાય ?’તેની આંખો ઉઘડી ગઈ. તે બાઘાની જેમ ચારેબાજુ જોવા લાગ્યો. સૌ પોતપોતાના કામ હતા. કોઈ સામે જોતું ન હતું. ફરી પત્રમાં નજર માંડી....

‘પ્રકાશ...તારા અને મારા વચ્ચે શું હતું, શું છે ને શું રહેશે...કહેવું મુશ્કેલ છે. પણ એક સવાલ તો સતાવે જ છે કે, કશું જ ન હોય તો મારે આવું લખવું શા માટે પડે !

ખેર, ઘણા સવાલોના જીવનમાં જવાબ હોતા નથી.તેના જવાબ ન જડે તેમાં જ સાર હોય છે. તારા બંધનમાં છું એમ કહેવું હું નહી સ્વીકારું...પણ છૂટવા માટે મેં મારી જાત પર દમન જ કર્યું છે.અત્યા ચાર કર્યો છે.એ સિવાય બીજો વિકલ્પ પણ નહોતો ને ! તને થતું હશે કે, કેવી ગાંડાઘેલી વાતો કરે છે.પણ આમ કહીને મારે હૈયું હળવું કરવું છે.

ખરું કહું તો પ્રકાશ,પુરુષ સ્ત્રીના તનને પામી શકતો હશે પણ મનને પામવા કદાચ એક જન્મારો ઓછો પડે.

તું જાણે છે કે, સર્વિસ કરતી સ્ત્રી યંત્રની માફક ચાલતી હોય છે. નોકરી અને ઘર,બાળકો, પતિને પરિવારની વચ્ચે વહેંચાઇ જતી હોય છે.તેમાં તેની આશા,અપેક્ષા કે મહત્વકાંક્ષા મરી પરવારતી હોય છે. આ

સ્થિતિમાં તારું સાન્નિધ્ય મને વૃક્ષના છાંયા જેવું લાગતું. સાન્નિધ્યમાં રહી હું મારું સ્ત્રીત્વ શોધતી, જીવનના અર્થને પામવાનો પ્રયાસ કરતી.પણ...સમજાયું,તારે પણ તારી જરૂરિયાત હોય..તેથી કોઈ સ્ત્રીનો પ્રવેશ થયા. સ્વીકારું છું. પણ મારા માટે તો ઉછીનો છાંયડો ક્યાં સુધી સાથ આપે !

આપણે મળ્યાં,સાથે રહ્યાં,એકમેકને પૂરક થવાનો પ્રયાસ કર્યો...તેને અર્થ સ્પષ્ટ છે આપણાંમાં હજુ સંવેદના જીવે છે. આપને જીવતાં મરી પરવાર્યા નથી.

ઘણીવાર જોયું છે કે, નાજુક સંબંધોનો અંત સારો હોતો નથી. પણ આપણે જે ઉષ્મામાંથી એક થયા એટલી જ ઉષ્મામાંથી અળગા થઇ છીએ. હું જાણું છું – એક સ્ત્રી માટે અળગા થવું એટલું સહેલું હોતું નથી. કારણકે દેવા બેસે ત્યારે પાછું વાળી ને જોતી નથી હોતી. પણ મારી નોકરી, મારો અભ્યાસ, અહંકાર...સઘળું જ કયારેક એક થવામાં આડે આવતું. તેથી સંપૂર્ણ એકરસ થઇ નહોતું તેથી પાછા વળવામાં સરળતા રહેશે !

હા, મૂળ વાત કહેવાની જ રહી ગઈ : એ સ્ત્રી તારા પાસે સંતાનના સંદર્ભે આવી છે. તેનો ઈરાદો જે હોય તે પણ..કૂખ ભાડે રાખવી,આપવી એ પ્રક્રિયા પ્રચલિત થઇ છે. અપાહિજ કે અસક્ષમ સ્ત્રી-પુરુષો માટે આ વિજ્ઞાન વરદાન રૂપ છે પણ બધા માટે નહી.માતૃત્વના મહિમાને લાંછન લાગે એવું તું નહી જ કરે...મને તારા પર ભરોસો છે.

મારી સર્વથા શુભેચ્છાઓ...’

પત્ર પૂરો થયો હતો છતાંય અધૂરો લાગ્યો. પ્રકાશે ફરી પત્રમાં આછ્ડતી નજર નાખી લીધી. પણ એક-એક શબ્દ, વાત સમજી-વિચારીને મૂક્યા હોય લાગતું હતું. તેણે લખ્યું હતું, સ્ત્રીને સમજવામાં એક જન્મ ઓછો પડે...તે આંખો બંધ કરી ગયો. તેનામાં શોભના અને અંજુ સમાંતરે પણ ચાલતી હતી...

‘આ બધા કેવા સંબંધો છે...’પ્રકાશ મનોમન બોલ્યો :‘કશું જ નથી છતાંય છે...જેના લીધે ખેંચાતું કે તણાતું જાય..ને એક સમય એવો આવે કે તૂટી પણ જાય !’

પત્ર સાચવવો કે ફાડી નાખવો...નક્કી ન થયું છતાંય પોતાના એક બાજુ સાચવીને મૂકી દીધું. પછી એમ શૂન્યમનસ્કપણે બેઠો રહ્યો. થોડીવારે ખ્યાલ આવ્યો કે કોઈ મશ્કરી કરી રહ્યું છે : ‘ના ફાવે યાર, તે પણ ટ્રાન્સફર કરાવી લેશે !’

કોઈ સામે ચર્ચામાં પડવું...તે ઠીક ન લાગ્યું. પ્રકાશે કામમાં ચિત્ત પરોવવાનો પ્રયાસ કર્યો.

સાંજના સવા છ થતાં સુધીમાં તો જાણે એક જન્મારો પસાર થઇ ગયો હોય એવું પ્રકાશને લાગ્યું. ખુરશી પરથી ઊભો થયો. – હવે કોઈને બસ-પોઈન્ટ પર મૂકવા જવાનું નથી....સારું ન લાગ્યું. સાવ કામ વગરનું ઓશિયાળા થઇ જવાયું. કશી જ ઉતાવળ કે ઘેર પહોંચવાની અધીરાઇ ન હોય તેમ નીચે પાર્કિંગમાં આવ્યો, સ્કુટર બહાર કાઢ્યું....વળી એકવાર પાછલી સીટ પર નજર નખાઇ ગઈ.

ક્વાર્ટર પર આવી જાતે તાળું ખોલ્યું. અંદર આવી દરવાજો બંધ કર્યો...ને ખુરશીમાં ધબ દઇને પોતાની જાતને પડતી મૂકી.એવું લાગતું હતું કે પોતાનામાં મોટું બાકોરું પડી ગયું છે ને તેમાંથી શરીરનું સઘળું ચેતન હણાઇ ગયું છે.

પ્રકાશ ક્યાંય સુધી એમ જ બેઠો રહ્યો.ફ્રેશ થવાની કે કપડાં બદલવાની ઈચ્છા જ નથી.તેણે ઓશિયાળી નજરે દરવાજા સામે જોયું...કોઈ આવી ને ડોરબેલ દબાવે !

શોભનાની જેમ અંજુ પણ એક દિવસ આમ કહીને હાથ ઊંચા કરી દેશે !

‘પ્રકાશ, તારું સાન્નિધ્ય ગમ્યું. પણ...સોરી, છૂટા તો પડવું જ પડે !’ પછી માથે હથોડો મારતી હોય એમ ઉમેરશે : ‘સાથે તો રહી શકીએ તેમ નથી !’

પ્રકાશ ખુરશીમાંથી ઊભો થઇ ગયો. એકાદ ક્ષણ ઊભો રહ્યો. પછી કશું જ બન્યું ન હોય અથવા આ ક્યાં નવું છે...એમ સહજ હસી કાઢ્યું. ને બાથરૂમમાં ગયો...

ભૂખ લાગી હતી. બપોરનું લંચ બગડ્યું હતું. શોભના વગર લંચ લીધું નહોતું. તેથી દિવસ સાવ નકોરડો પસાર થયો હતો. ભૂખની બળતરા વચ્ચે આ પીડાની વચ્ચે પણ માથું ઊંચકી ને ઊભી રહી હતી.

-આ બધું શું લેવા ને શું કરવા થાય છે ?

કોઈ અજાણી પીડાને અકારણ નોતરી બેઠો હોય અથવા તો આપતિને ઉછીની લીધી હોય એવું પ્રકાશને થવા લાગ્યું હતું. પણ હવે તો...

હાથે રસોઈ બનાવી,પ્રકાશ પેટ ભરીને જમ્યો.રસોઈ બનાવતી વખતે વારંવાર થયું કે,રસોઈ બના વનાર ખરેખર કોઈક જોઈએ...પણ હાથવગો જવાબ હતો : ઘરકામ કરવાવાળા જેમ કોઈ રસોઈ કરી આપે તેને રાખી લે ! પણ મનથી બહુ બહુ સહમત થવાયું નહી. શું કરવા...તે ખુદને સમજાયું નહિ.

રોજિંદાક્રમ મુજબ વોકિંગ કર્યું, ટી.વી. પર એકાદ સીરીયલ જોઈ પછી ઊંઘ આવી ત્યાં સુધી લેપટોપમાં ઈન્ટરનેટ દ્વારા ઘણું જોતો રહ્યો...

ઊંઘતા પહેલા મોબાઈલમાં જોઈ લીધું : કેમ અંજુનો ફોન ન આવ્યો..?

-વાત જ કરી લે,જેથી પછી ઊંઘ ન બગડે..

પણ શું સૂઝ્યું તે મોબાઈલ જ સ્વીચઓફ કરી નાખ્યો !

********

પ્રકાશ મોર્નિંગવોક કરવા નીકળ્યો.

વાતવરણ આહલાદક હતું.ઠંડીનો ચમકારો નહિવત હતો.પણ પ્રેયસીની ચૂંટી જેવો મીઠો લાગતો હતો. એક ગતિમાં ચાલ્યો જતો હતો ત્યાં સાવ ઉરાઉર કોયલનો ટહુકો સંભળાયો. થયું કે રોડ પડખે ઊભેલી ગાઢી વનરાજિમાં કોયલ બોલી...પણ ક્ષણ - બેક્ષણ પછી ખ્યાલ આવ્યો કે મોબાઈલમાં....

મોબાઈલ રિસીવ કરીને પ્રકાશે હળવામૂડમાં કહ્યું : ‘બોલો અંજુદેવી !’

‘ગુડમોર્નિંગ !’ અંજુએ કહ્યું :‘રાત્રીએ વાત કરી શકી નહી પણ પ્રકાશકુમાર...મારો પ્રોગ્રામ ચેઈન્જ થયો છે.’

‘કેમ ? એકાએક....!’

સામે અંજુએ શ્વાસ લીધો.માંડીને જવાબ આપવાનું મન થઇ આવ્યું.સાચું કહી દેવું જોઈએ...પણ અત્યારે તેઓ આટલું જ...એમ મનવાળીને:‘બધું જ કહું છું પણ પહેલા પેલા અરવિંદભાઈને મેસેજ આપી દેવા પડે એમ છે.’

‘શું મેસેજ !’ પ્રકાશ અધીરાઇ સાથે ઊભો રહી ગયો.

‘સેરોગેટ મધર...હા, કૂખ ભાડે રાખવાનું હવે કેન્સલ કરીએ છીએ.’ સામે પ્રકાશ આશ્ચર્ય અનુભવે, પ્રતિ સવાલ કરે એ પહેલા જ અંજુએ આગળ કહી દીધું :‘હું વિગતે વાત કરીશ, અત્યારે આટલું જ...’

‘મને હતું જ તું આમ કરીને ઊભી રહીશ. તારો ભરોસો નહી. શોભનાએ પણ કહ્યું જ હતું...’

‘કોણ શોભના ?’આવો સવાલ બંધૂકની ગોળી માફક છાતી વીંધી નાખે એ પહેલા પ્રકાશ અબોલ થઇ ગયો.જો કે,હવે તો શોભના કોણ...એ મોટો પ્રશ્નાર્થ જ હતો.પણ આ બાબતમાં શોભનાનું કહેવું બરાબર યાદ હતું :સમજી,વિચારીને એ એનઆરઆઇ સ્ત્રીને સાથ આપજે. ક્યાંક ધરમ કરતા ધાડ પડે એવું ન થાય !

‘ચાલો...અંજુએ સેરોગેટનો પ્રોજેક્ટ પડતો મૂક્યો...ભલું થયું ને ભાંગી જંજાળ !’

‘હું રૂબરૂ મળું છું...’ કહેતા અંજુએ સામેથી મોબાઈલ કટ કરી નાખ્યો.

પ્રકાશ કોઈ અજાણ્યા માણસની જેમ રોડ પર ઊભો રહ્યો. ગામડું હોય તો જરૂર કોઈ પૂછે : ‘ભાઇ, ભૂલ્યા પડ્યા છો...કોઈનું કામ...’ પણ અહીં તો સામે જોવાનું પણ ટાળે.

‘અરવિંદભાઈને શું જવાબ આપવો,તેનેતો એડવાન્સ પેઠે રૂપિયા પણ આપી દીધા છે.’પ્રકાશ મૂંઝ વણમાં મુકાઇ ગયો. તે ધીમે ધીમે ચાલવા લાગ્યો ગતિ મંદ પડી ગઈ હતી. જો કે એકવાતનો આનંદ થયો હતો કે, પોતે આ પ્રોજેક્ટમાંથી સહેલાઇથી નીકળી જશે એટલે બીજા કોઈ પ્રશ્નો નહી.

પણ અરવિંદભાઇ જે આશા રાખીને બેઠાં છે તેનું શું ? કોઈ કહ્યા પછી ના પાડવી...અને તેમાં આ અરવિંદભાઈની ગરીબી સામે આ રકમથી લડી શકે એમ છે. આ કાર્ય માટે તેની અનન્ય જાણકારી ને ઉત્સાહ... અદમ્ય હતો.

‘ હતો નહી, છે જ...’ પ્રકાશ વળી ઊભો રહી ગયો.

-ફોન આવશે તો શું જવાબ આપીશ ?

‘ભાઇ, પરદેશ રહેતી સ્ત્રીનો શું ભરોસો, ના પાડીને ઊભી રહી !’

‘એવું તે ચાલતા હશે જાહેરાત આપી, નક્કી કરીને ના પાડવી...’

આવા વિચારોની આંટીઘૂંટીમાં અટવાતો પ્રકાશ ક્યારે ક્વાર્ટર પર પાછો આવી ગયો તેની જાણે ખુદને ખબર રહી નહી.

ઓફિસે આવીને સૌથી પહેલું કામ,શોભનાનો સંપર્ક કરીને કહેવું:‘તું કહેતી હતી તે કામમાંથી હું નીકળી ગયો છું. ધરમ કરતા ધાડ પડે એવું શું કરવા કરવું ?’

શોભનાને મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો. મોબાઈલ સ્વીચઓફ આવ્યો.

‘આ હેડઓફીસ છે, કોઈને કોઈ કામ માટે અહીં આવવું પડશે, પૂછવું પડશે.’ પ્રકાશે આવી ધારણા બાંધી છેવટે, પોતે ત્યાં જઈ આવશે...તેવું મનમાં ઠસાવી લીધું.

અંજુ અને શોભનામાંથી બહાર નીકળવાના પ્રયાસ સાથે પ્રકાશે ઓફીસકામમાં ધ્યાન આપ્યું. વચ્ચે વચ્ચે ક્યારેક શોભના તો ક્યારેક અંજુ મનપ્રદેશ પર છવાઈ જતી હતી.

સાંજે બરાબર સાડા પાંચ વાગ્યે અંજુએ સંપર્ક કરીને કહ્યું:‘મારી ફ્રેન્ડ સાથે આવું છું,આપણે પૂનિત વનમાં મળીએ છીએ અથવા તું કહે ત્યાં...’

વળી એકવાર પ્રકાશ દ્વિઘા અનુભવવા લાગ્યો. પણ પછી થયું કે, જે થાય તે....

અંજુ સાથે વંદના અને પ્રકાશે એક સાથે પૂનિતવનમાં પ્રવેશ કર્યો ત્યારે સાડા છ થવા આવ્યા હતા. આથમતા સૂરજનો પીળો પ્રકાશ વનરાજિને ચંદનલેપ કરી રહ્યો હોય એવું લાગતું હતું. લગભગ દરેક પ્રકારના નાના-મોટા વૃક્ષો પ્રકાશના આવરણથી રૂપાળા લાગતાં હતાં.

બગીચાના ખૂલ્લા ભાગમાં, ત્રણેય ભોંય પર બેઠાં.થોડી ઔપચારિક વાતો પછી પ્રકાશે જ પૂછ્યું : ‘કેમ, શું થયું તે...’

અંજુએ પ્રકાશ સામે જોયું પછી વંદના સામે આંખ મીચકારી આડું જોઈ, શરમાઈને હસવા લાગી.

‘અરે હું અગત્યની વાત પૂછી રહ્યો છું ને તમે...’ પ્રકાશને કશું સમજાયું નહી. પણ એક વાત સ્પષ્ટ થઇ કે આમાં કોઈ ચિંતાજનક બાબત લગતી નથી. કદાચ તેના ભત્રીજા કે પરિવારના સભ્યોએ કોઈ પ્રશ્ન ઊભો કર્યો હોય !

વાતાવરણમાં બફારો હતો. પવન નામે પાંદડું પણ ફરકતું નહોતું. હાથ રૂમાલથી મોં પરનો પરસેવો લૂછતી અંજુ અને વંદના જવાબ આપવાનું ટાળવા માગતી હોય એવું લાગ્યું. જે પ્રકાશને ગમ્યું નહી. ગુસ્સો આવ્યો. થયું કે, આવું તે ચાલતા હશે....

‘પ્રોગ્રામ કેન્સલ કરવાનું કારણ ?’

‘અંજુ અબોલ રહી પણ વંદનાએ કહ્યું : ‘છે કારણ અને બરાબર છે...’

‘તો પછી પેલા કપલને શું જવાબ આપવાનો !’પ્રકાશ સહેજ ઊંચા અવાજે બોલ્યો:‘તેને એડવાન્સમાં રૂપિયા આપી દીધા છે.’

‘તે રૂપિયા તેની પાસે રહ્યા,વધારે જોઈતા હોય તો પણ આપીશું,બીજું શું ?’વંદનાએ કહ્યું :‘એગ્રી મેન્ટ થયું નથી એટલે ચિંતાને કોઈ કારણ નથી.’

‘પણ તેમણે આપણા આ રૂપિયાના લીધે કંઇ પ્લાન ઘડી રાખ્યા છે.’

અંજુને બોલવું હતું :‘તે તેનો પ્રશ્ન છે...’પણ અંજુ સાચી હકીકત રજુ કરતાં કહ્યું :‘આમ પણ તેની શરતો આપણે સ્વીકારી શકીએ એમ નથી.’

‘કેમ ?’ પ્રકાશને નવાઇ લાગી.

પછી માંડીને વાત કરતાં અંજુએ કહ્યું:‘તેમના પરિવારમાં પ્રશ્ન થાય તેવું છે.નવ માસ બાળક પેટમાં રહે ને પછી ક્યાં ગયું...બીજું કે સ્ત્રીના પેટમાં બીજા પુરુષનું બાળક કેવી રીતે હોય...ગામડાનાં માણસોને સમ જાવવા તેમના માટે મુશ્કેલ છે.’

‘પણ એ એમનો પ્રશ્ન છે.’

‘સાંભળો...’વંદનાએ કહ્યું :‘હવે તેમનું કહેવું છે - અમને ત્યાં પરદેશ લઇ જાવ. નવ માસ રાખો.. બાળક આપીને અહીં દેશમાં આવતાં રહીશું !’

‘અમદાવાદથી અમરેલી જવું હોય એવી વાત થઇ !’

ત્રણેય અરવિંદભાઈની માનસિકતાની દયા ખાતા મનોમન હસવાં લાગ્યાં.

ત્યાં પ્રકાશે કહ્યું :‘વધારે પડતું કહેવાય...’પછી કહે :‘તો કોઈ બીજા કપલ, વિકલ્પને શોધીએ..!’

‘ના...’ અંજુએ ધસીને ના પડી દીધી.

પ્રકાશને અંદરથી સારું લાગ્યું. હાશ...ટળી બલા. અહીંથી જાય પછી તેને જે કરવું હોય તે કરે..પ્રકાશ ના દિમાગમાં શોભનાના શબ્દો કોતરાઇ ગયા હતા :‘ધરમ કરતા ધાડ ન પડે !’

‘પ્રકાશભાઇ !’વંદના બોલી :‘એવું નથી લાગતું કે આપણી પાસે અણમોલ ખજાનો હોય અને આપને બહાર શોધતા હોઇ !’

વંદના સાથે પ્રકાશને સીધો પરિચય નહોતો એટલે તેમનો કહેવાનો ટોન, ભાવાર્થ સમજવો મુશ્કેલ હતો. તેથી તે સામે જોતો રહ્યો. ત્યાં વંદનાએ કહ્યું :‘અંજુ પાસે એક સ્ત્રી તરીકે શું નથી, તેને બીજા કોઈ પાસે શું કરવા જવું જોઈએ !’

અંજુ બોલી:‘ઈશ્વરે મને કૂખ આપી છે.તેની આ અણમોલ ભેટનો નકાર શા માટે કરવો જોઈએ !’

પ્રકાશના મોં આવી ગયું :‘હવે તને સમજાયું...ત્યારે નહોતું સમજાતું તે અહીં છેક દોડી આવી !’

‘મેં નિર્ણય કર્યો છે...’ અંજુ બોલી :‘મારી કૂખે જ સંતાન જન્મશે !’

‘વેરી ગુડ...!’આશ્ચર્ય સાથે આનંદ વ્યક્ત કરતો અને આ પ્રકરણ પૂરું થયું એમ સમજી પ્રકાશ તાળીઓ પાડી એકદમ ઊભો થઇ ગયો.

અંજુ અને વંદનાએ પ્રશ્નાર્થભરી નજરે સામે જોયું પછી વંદના જ થોડાં વ્યંગ સાથે બોલી:‘શેની ઉતાવળ છે, ત્યાં ઘેર ક્યાં કોઈ રાહ જોનારું છે તે...’

પ્રકાશથી બોલાઇ ગયું :‘રાહ જોનારું નથી તે પણ એક પ્રશ્ન જ છે ને !’

આ વેળા અંજુએ સહેજ ત્રાંસી નજરે પ્રકાશ સામે જોયું.મોં પર વેદનાના સળ સ્પષ્ટ દેખાતા હતા.

સૂર્યાસ્ત થઇ ગયો હતો.ગેરુઆ રંગના ઉઘાડા આભમાં પંખીઓ કલરવવા લાગ્યા હતા.થોડીવાર આમ ઉડશે ને પછી વિસામો લેવા પોતપોતાના માળામાં સમાઈ જશે.

નાનકડી પગથી પર ત્રણેય એકસાથે ચાલવાં લાગ્યાં.

પ્રકાશ ખબર નહી પણ જાણી-અજાણી ઈર્ષા અનુભવતો હોય એમ થોડી ટીખળ સાથે બોલ્યો :‘તો પછી ધારી લ્યો ધણી અને માંડો સંતાનોને જન્મ આપવા !’

ત્યાં વંદના કહે :‘ધણીતો ધારી જ લીધો છે...!’

‘શું વાત છે !?’પ્રકાશના પગતળે ધડાકો થયોને તે આખો છેડાઈ ગયો. અસ્તિત્વના જાણે ટૂકડા થઇ ચારેબાજુ ફેંકાઇ ગયા હોય એમ લાગ્યું.ખબર નહી પણ આ શું થયું,શું કરવા થયું...જરાય સારું ન લાગ્યું.

‘ગામમાં ગંગાજી વહેતા હોય પછી બીજે ક્યાં સ્નાન કરવા જવાનું !’ વંદના બોલી અને અંજુ શર માઈને મોં ફેરવી ગઈ. આ સમયે પ્રકાશ ઊભો રહી, બંનેના મોં સામે બાઘાની જેમ જોઈ રહ્યો...

વંદનાનું મર્માળુ હસવું અને અંજુ સહજ શરમાવું...પ્રકાશ માટે મોટો પ્રશ્નાર્થ ઊભો કરી ગયું.

-બે સ્ત્રીની ઝપટમાં હું ક્યાં આવી ગયો...પ્રકાશનું મોં સાવ કરમાઇ ગયું.

‘તારે આમ જ કરવાનું હતું તો...’પ્રકાશથી સહેજ ઊંચા આવજે બોલાઇ જ ગયું : ‘મને વચ્ચે શું કરવા લઇ આવી. ત્યારે તો કહેતી હતી – મને તારા પર વિશ્વાસ છે...’ પ્રકાશની નજર સામે શોભના હતી. જીવનમાં એક જ એવું પાત્ર હતું, જ્યાં હૈયાની વાત મૂકી શકાતી હતી.

-યુવાનીકાળે જીવનમાં આવી...ને લગ્નનું માંડી વાળ્યું. આધેડવયે પાછી આવી ને પ્રિયપાત્રને ખોઈ બેઠો ! ખરું છે, આ સ્ત્રીનું....

અંજુ થોડી ડઘાઈ ગઈ. પ્રકાશ પોતાને સમજવામાં થાપ ખાઇ ગયો હોય એવું લાગ્યું. દુઃખ થયું.

પણ વંદના સામે બોલી : ‘કોણે કહ્યું વિશ્વાસ નથી !’

ચોટદાર સ્વરે ત્રણેયની નજરનો ત્રિવેણી સંગમ થયો !

‘વિશ્વાસ છે એટલે તો અહીં આવી...’

વળી ખામોશી છવાઈ ગઈ.

પગથી પર ત્રણેય લાંબા સમયથી ઊભાં હતાં.પૂનિતવન હવે ઉલેચાવા લાગ્યું. હવે વધુ સમય ઊભા રહેશે તો ચોકીદાર બહાર નીકળવાનું કહેશે.

‘મને સમજાયું છે કે મારે સંતાન માટે હવે ક્યાંય, કોઈના પાસે જવાની જરૂર નથી.’

પ્રકાશને ગુસ્સો તો આવતો હતો પણ અંજુ જે સમજ અને નરમાશથી બોલતી હતી તેના સામે ગુસ્સો ટકી શક્યો નહી.

-હવે પછીનું કોણ બોલે...તે માટે બંને બહેનપણીઓ એકબીજા સામે જોવા લાગી. છેવટે વંદના જ બોલી : ‘અંજુના સંતાન માટે પ્રકાશકુમારથી શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે !’

પ્રકાશ ક્ષણભર કશું બોલી, વિચારી શક્યો નહી. તેને ખરેખર તો વાત વિશ્વાસ બેસતો નહોતો. અથવાતો એમ લાગતું હતું કે, કોઈ બીજી રીતે પુરુષ તરીકે ઉપ્યો કરે...પણ ત્યાં અંજુએ જ પૂર્ણ કર્યું : ‘તારું ને મારું નહી, આપણું સંતાન હોય...

-અને એ પણ કુદરતના નિયમ મુજબ જ...’

પ્રકાશ કોણ જાણે કેમ કશું બોલી શક્યો નહી.

ધરતીના પેટાળમાંથી ચંદ્ર બહાર આવી, અજવાળું પાથરવા લાગ્યો હતો…

સમાપ્ત

*********

સંપર્ક : 'અભિષેક' પ્લોટ ન. ૭૧૫/૧, સેકટર- ૭ બી, ગાંધીનગર

મો. ૯૪૨૭૦ ૫૦૯૯૫