Vaidehima vaidehi - 23 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-23)

પ્રકરણ – 23

બસ, હવે બહુ થયું, બહેન! ચાઈનાની ચૂડેલની ગુલામીમાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે. એ ડાકણ દ્વારા તારામાં ઠોંસાયેલી માન્યતાઓને પડકારવાનો, સ્વયંને જાણવાનો અને સ્વતંત્રતાપૂર્વક વિચરવાનો સમય પાકી ગયો છે.
-તારી બહેન, અવની.
એ પત્ર વાંચીને મૅર્વિનાએ આખા શરીરમાં એક ઝણઝણાટી અનુભવી હતી. એ કાગળ લઈને તે સંગીતશાળામાં ગઈ હતી. વૈદેહીને સાથે ઘરે પાછી આવી હતી. તે અકળામણ અનુભવતી હતી. ઘરની છત પર જઈને તે ક્યાંય સુધી બેસી રહી. ઊંચી ઈમારતોની પાછળ અસ્ત થતાં સૂર્યને જોઈ રહી. પેલો કાગળ તે વારંવાર વાંચતી. એ કાગળમાં લખ્યેલો એક એક શબ્દ તેને યાદ રહી ગયો હતો.
રાત્રે તેને ઊંઘ નહોતી આવતી. બે-અઢી વાગ્યા સુધી તે પડખાં બદલતી રહી. તે બેઠકખંડમાં આવી. નાઈટલૅમ્પના આછા પીળા પ્રકાશમાં આંટા મારવા લાગી. રસોડામાં જઈને પાણી પીતી, પાછી આવીને સોફામાં બેસતી, ઊભી થતી, આંટા મારતી….
અવની મને કેમ મદદ કરી રહી છે? ત ભારતીય જાસૂસ છે? તેને આટલી બધી માહિતી કઈ રીતે મેળવી? મારા નામનો અને તેની પાછળ લાગતા 19નો શું અર્થ? મારું શરીર ભારતીય છે, મારું બાળપણ ચીનમાં વીત્યું હતું અને નામ કઈ ભાષાનું છે એ જ ખબર નથી. મને જન્મ કોણે આપ્યો? હું મૅડમ પાસે કઈ રીતે પહોંચી? સ્પષ્ટ છે કે ‘મૅર્વિના-19’ ઓળખ મને આતંકવાદીઓ દ્વારા આપવામાં આવી છે. હું જે દ્રષ્ટિથી દુનિયા જોઉં છું એ દ્રષ્ટિ મારી છે? ના, મૅડમની છે. આતંકવાદી પ્રવૃત્તિ હું મારી મરજીથી કરું છું? ના. મેં મારી સ્વીકૃતિઓ પર, મારા વિચારો પર, મારી આશાઓ પર કદી ધ્યાન નથી આપ્યું. આ નામ મારું નથી, આ કામ મારું નથી, આ વિચારો મારાં નથી, આ સ્વભાવ મારો નથી… આ હું નથી….. હું કોણ છું?….
સામે પક્ષે અવની ઘસઘસાટ ઊંઘતી હતી. આજે તેના આનંદનો પાર નહોતો. આજની આ મુલાકાતમા તેના ધાર્યા કરતાં ઘણું સારું પરિણામ આવ્યું હતું!
પોતાનું બાળક જ્યારે વ્યાકુળ હોય અને તે ઊંઘી ન શકતું હોય ત્યારે માતા ગમે તેવી ઊંઘમાંથી પણ ઝબકીને જાગી જતી હોય છે. શું થયું છે તેની જાણ માતાને ન હોય તો પણ કંઈક તકલીફ છે એવો ભાસ તેને થઈ આવતો હોય છે. હા, વીણાબેન બહાર આવ્યા. મૅર્વિના-વીશ્વાને સોફા પર બેઠેલી જોઈને બોલ્યા-
“ઊંઘ નથી આવતી, બેટા?”
“ના.” વિશ્વાએ ઉડાઉ જવાબ આપ્યો.
વિશ્વાને વીણાબેનના હેતથી ચીડ ચડતી હતી. તે મનોમન બોલતી- ‘આ મૂર્ખ સ્ત્રી સમજતી જ નથી કે હું થોડા દિવસની મહેમાન છું. ખબર છે કે હું અહીં નથી રોકાવાની. શું કામ આટલો લગાવ રાખતાં હશે? હું જતી રહીશ પછી આંસું સારશે! વિનયકુમાર પણ ગાંડો માણસ છે, દીકરી-દીકરી કર્યે રાખે છે, ચંબુ!’
“શું થયું, બેટા?” વીણાબેને ફરીથી પૂછ્યું- “તકલીફ છે કંઈ?”
“હા!” વિશ્વાએ આ તકનો લાભ ઉઠાવ્યો- “તલવાર લટકી રહી છે તમારા માથે. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ઊંઘ હરામ થઈ ગઈ છે મારી.”
“તું ચિંતા ન કરીશ, બેટા! બધું જ બરાબર થઈ જશે.” કહીને વીણાબેને વિશ્વાના માથે હાથ ફેરવ્યો.
“હેં? તમે ઠીક કરશો બધું?” કહીને વિશ્વાએ વીણાબેનનો હાથ તેના માથેથી ધકેલી દીધો અને ‘એના’ રૂમમાં ચાલી ગઈ.
વીણાબેનને માઠું લાગ્યું. તેઓ પણ સૂઈ ગયા.
સવારે વીણાબેને વિનયકુમારને કહ્યું-
“વિશ્વા રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતી હતી.”
“કેમ?”
“એને ચિંતા થતી હતી આપણી. વાત હાવે બહુ ગંભીર થતી જાય છે.”
વિશ્વાએ આ તકનો લાભ લીધો. વશિષ્ઠકુમાર, વનિતાબેન અને વૈદેહીને બોલાવવામાં આવ્યા. વિશ્વાએ અમદાવાદ છોડવાની વાત સૌની સમક્ષ મૂકી. ઘણી લાંબી ચર્ચા થઈ. આ લોકો અમદાવાદ છોડવા રાજી નહોતા. આ વાત વિશ્વા માટે ચિંતાજનક નહોતી. તેની પાસે પ્લાન-બી હતો જ.
‘મારે કામ છે, જવું પડશે’ કહીને વિશ્વા વૈદેહીનું ટુ-વ્હીલર લઈને ઉપડી મૅડમ પાસે. ઘણી ચાલાકીથી તેણે અમદાવાદમાં રહેવાથી થનારી તકલીફો મૅડમ આગળ વર્ણવી. ગુઆન-યીનના મોઢે જ અમદાવાદ છોડવાની વાત બોલાવડાવી. મૅર્વિનાને એ પણ નવાઈ લાગતી હતી કે પોતે મૅડમ આગળ ચાલાકી કરી રહી હતી- અવનીના કહેવાથી!
ગુઆન-યીને બાકીના બંને સાથીઓને બોલાવ્યા. પઠ્ઠા અને પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદી સાથે લાંબી ચર્ચા ચાલી. દરવખતની જેમ આ વખતે પણ મૅર્વિનાને ચર્ચામાં ભાગ લેવાની મંજૂરી નહોતી. આખીય યોજના બની ગયા પછી પોતે શું કરવાનું છે એટલું તેને કહી દેવામાં આવશે એ મૅર્વિના જાણતી હતી.
હોટૅલ મધુશ્રીના બે રૂમ તેઓએ લાંબા સમય માટે બૂક કરાવ્યા હતા. એક રૂમમાં ચર્ચા ચાલતી હતી અને બીજા રૂમમાં મૅર્વિના બેઠી હતી. તેને કંઈક અજીબ અનુભૂતિ થતી હતી. તેને અવની સાથેની મુલાકાત યાદ આવતી હતી. વિચારતી હતી, ‘અવની મારી સાથે સ્નેહપૂર્વક વર્તી હતી. એ સુખદ અનુભવ હતો. હું જન્મી ત્યારથી આ લોકો સાથે કામ કરી રહી છું. આ લોકો હજી મને સંપૂર્ણ યોજના નથી જણાવતા. હું આ લોકો માટે એક ‘ઉપયોગી વસ્તુ’થી વધારે કંઈ નથી. આ લોકો મારો ‘ઉપયોગ’ કરે છે. અહીં મને કોઈ જ મહત્વ નથી મળતું. અવની પાસે પૂરો અવસર છે કે તે મને ડરાવે, ધમકાવે અને મારી પાસેથી કામ કઢાવે. કદાચ, અવની એવું કરે તો, મારી પાસે એનું કહ્યું કરવા સિવાય કોઈ વિકલ્પ છે? ના, અવની મારી પાસે ગમે તે કરાવી શકવા સક્ષમ છે. છતાંય તે મારો વિશ્વાસ ઈચ્છે છે. કેમ? તે મને મહત્વ આપે છે. તે મારું સન્માન કરે છે. તે ઈચ્છે છે કે હું મારા મનથી એની સાથે કામ કરું, નહિ કે બળજબરીપૂર્વક. અવનીએ મને હોડમાં નથી મૂકી. આ મિશન કેવી રીતે પૂરું કરવું કે અમદાવાદને કારણે ઊભી થતી સમસ્યાઓનું શું કરવું એ બધું અવની મારા માથે નાખી શકતી હતી. પણ એણે એવું ન કર્યું. એણે એવું કોઈ કામ કરવાનું ન કહ્યું કે જેમાં હું જોખમાં મૂકાઉં. એણે જે કંઈ યોજના જણાવી એમાં મારી સુરક્ષાનું પૂરું ધ્યાન રખાયું છે. વેદની સુરક્ષાની જવાબદારી પણ અવનીએ લીધી છે. અહીંયા કોઈ કોઈની જવાબદારી લે છે? કાલે મને કંઈક થઈ ગયું તો એની જવાબદારી કોની? અહીંયા મારું કોઈ મહત્વ નથી. મારે અવની સાથે કામ કરવું જ રહ્યું. એના સહયોગથી હું મારા જન્મનું રહસ્ય ઉકેલી શકીશ અને મારું જીવન જીવી શકીશ. આ વિશ્વમાં મારું મહત્વ શું છે એ સમજી શકીશ અને તેને જીવી શકીશ.’
સવારની ગયેલી વિશ્વા છેક સાંજે પાંચ વાગ્યે પાછી આવી. વિશ્વા આટલી મોડી પડી એનું કારણ ઘરે શું કહેવું? ગુઆન-યીને આ સમસ્યાને અવસરમાં પરિવર્તિત કરી હતી. વિશ્વાના ડાબા હાથ પર રૂ મુકીને ઉપર ડૉક્ટરી પાટો વીંટી દીધો. એના પર ટૉમેટૉ-કૅચપના ત્રણેક ટીંપા મૂકીને લાલ રંગ કરી દીધો. વિશ્વાએ ઘરે આવીને કહ્યું-
“મારા પર હુમલો થયો હતો. હું મરતાં માંડ બચી. અત્યાર સુધી હોસ્પિટલમાં હતી.”
પછી શું થવાનું હતું? તાત્કાલિક ધોરણે અમદાવાદ છોડવાનો નિર્ણય લેવાઈ ગયો.
ભમરાહ જવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ હતી…. પણ…. ભમરાહ જ કેમ?
એવું નહોતું કે ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો સમન્વય કરવાનું કામ આ બંને વિજ્ઞાનીઓ પ્રથમ વાર કરી રહ્યા હતા. આ અગાઉ તેઓએ અમુક થીઅરી પર આ મુજબનું કામ કર્યું હતું અને તેમનાં રિસર્ચ પેપર્સ પબ્લિશ પણ કરેલાં. એ માટે તેઓના કામનાં ભરપૂર વખાણ થયાં હતા. તેમનું રાષ્ટ્રીય સ્તરે સન્માન પણ થયું હતું. આ ક્ષેત્રમાં આગળ કામ કરવા માટે તેઓને જરૂરી આર્થિક સહાય કરવાની જવાબદારી એક વિજ્ઞાનસંસ્થાએ લીધી હતી. બંને વિજ્ઞાનીઓને એક પ્રયોગશાળા બનાવી આપવાની વાત થઈ હતી. બંને વિજ્ઞાનીઓની ઈચ્છા હતી કે તેમને શહેરથી ઘણે દૂર અને સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં પ્રયોગશાળા બનાવી આપવામાં આવે. એટલે ભમરાહમાં એ ભૂગર્ભ પ્રયોગશાળા બનાવાઈ હતી. તેમાનાં મોંઘાદાટ ઉપકરણો બંને વિજ્ઞાનીઓને નામે નહોતાં કરાયા, સંશોધન પૂરતા અપાયાં હતા! બંને વિજ્ઞાનીઓએ અમદાવાદમાં પ્રોફેસર તરીકે નોકરી વધુ પાંચેક વર્ષ કરીને થોડું ધન ભેગું કરી લેવાનો નિર્ણય કર્યો હતો. એ વાતને ત્રણ વર્ષ થયા હતા. તેઓ બે વર્ષ પછી ભમરાહ જવાના જ હતા, વિશ્વાના કારણે એ નિર્ણય વહેલો લેવાઈ ગયો હતો.
બંને વિજ્ઞાનીઓને સહાય પૂરી પાડવાની સાથે જ વધુ પગલું લેવાયું હતું જેની જાણ બંને વિજ્ઞાનીઓને નહોતી. આ વિજ્ઞાનીઓની પાછળ RAWનો એક જાસૂસ ગોઠવવામાં આવેલો. આ વિજ્ઞાનીઓ અઢળક રૂપિયાની લાલચમાં દુશ્મન દેશો સાથે કોઈ કરાર ન કરી લે, દેશને દગો ન દે અને પોતાની આવડત દેશ વિરુદ્ધ ન વાપરે એ માટે આ પગલું ભરાયું હતું. આ વિજ્ઞાનીઓ પોતે વેચાઈ ન જાય પણ આતંકવાદીઓ કે નક્સલવાદીઓ કે વિદેશી જાસૂસો એમની શોધ ચોરી ન લે કે એમનું અપહરણ ન કરી લે એ માટે પણ RAWનો એજન્ટ રોકવો જરૂરી હતો. બંને વિજ્ઞાનીઓના પરિવારની સુરક્ષાની તકેદારી પણ જરૂરી હતી. એટલે RAWનો એક જાસૂસ અહીં રોકવમાં આવેલો. એ જાસૂસનું નામ વેદાંત! હા, જેને હું વેદાંતભાઈ કહું છું એ જ.
કલ્પતરૂ સોસાયટીમાં વિનયકુમાર અને વશિષ્ઠકુમારના ઘર પાસપાસે જ છે. તેમની સામેના ઘરમાં એક વૃદ્ધ દંપતી રહે છે. ઉપરનો માળ તેઓ ભાડે આપે છે. અત્યારે એક માણસ ત્યાં ભાડે રહેતો હતો. હું ઘરે જૉબવર્ક કરું છું એવું બહાનું બનાવીને તે હંમેશાં ઘરે જ રહેતો અને બંને વિજ્ઞાનીઓના ઘર પર ચાંપતી નજર રાખતો. એ જ વેદાંત. હવે આ ત્રણ વર્ષ દરમિયાન એવું કંઈ જ બન્યું નહોતું કે જેમાં વેદાંતે રસ લેવો પડે. ત્રણ વર્ષ આ રીતે પસાર કરવામાં વેદ કંટાળી ગયો હતો, જો તે વૈદેહીને ગમવા ન લાગ્યો હોત અને વૈદેહી તેને. શરૂઆતમાં વેદાંત વૈદેહીને ટાળવાનો પ્રયત્ન કરતો. તેણે વૈદેહીના પરિવારની જાસૂસી કરવાની હતી. વૈદેહી પાસેથી ઘણું બધું જાણી શકે. પણ વૈદેહી તેના કામ વિશે કે તેના વતન વિશે પૂછે તો વાર્તાઓ બનાવવી પડે. ક્યાંક ભૂલ થઈ ગઈ તો? વેદાંતનું આ પ્રથમ ઓપરૅશન હતું. તે ઘણી સાવચેતી રાખતો હતો. એટલે જ તે વૈદેહીને ટાળવાનો પ્રયત્ન કરતો હતો.
બે મહિના પછી તેણે ખોટેખોટી વાર્તાઓ બનાવી લીધી હતી અને વૈદેહીની નજીક જવાનું શરૂ કર્યું. વૈદેહી પાસેથી તેને બંને પરિવાર વિશે ઘણી માહિતી મળી હતી. વૈદેહીએ તેનાં મમ્મી-પપ્પાને પણ વેદાંત વિશે જણાવ્યું હતું. વેદાંત સારો છોકરો છે એવી બધાંને ખાતરી થઈ હતી વેદાંતના શાંત સ્વભાવને કારણે. માહિતી લેવાનું કામ કેટલું ચાલે? બે દિવસ? પાંચ દિવસ? ચાલો, દશ દિવસ! પછી શું? અર્થ વગરની પણ મીઠી લાગતી વાતો….
વિશ્વાના આગમનથી વેદાંતની ત્રણ વર્ષની એકધારી શાંતિમાં ભંગાણ પડ્યું હતું. એ છોકરી વિશે વૈદેહી પાસેથી જાણી લઈશ એમ માનીને વેદાંત શરૂઆતમાં તો નિશ્ચિંત હતો. વિશ્વા આવી એના ત્રીજા દિવસે વેદાંતે વૈદેહીને પૂછ્યું-
“આ છોકરી કોણ છે?”
“વિશ્વા નામ છે એનું.” વૈદેહીએ બહાનું બનાવ્યું- “મારા કાકાની દીકરી છે.”
“પણ એ તારા પપ્પાની હત્રીજી છે તો પછી એ વિનયકુમારના ઘરે કેમ રહે છે?” વૈદેહીની એ વાત ખોટી લાગતાં વેદાંતે પ્રશ્ન કર્યો હતો.
“એ….” કોઈ જવાબ ન મળતાં વૈદેહી વેદાંત પર તાડૂકી હતી- “ તારે શું પંચાત? તું પોલીસ છે તે પૂછપરછ કરે છે?”
“પછી તેં નવા કપડાં લીધાં કે નહિ?” વેદાંતે તરત જ વાત બદલી હતી, જેથી વૈદેહી વેદાંતને પ્રશ્નો પૂછવાનું કે વેદાંત વિશે કંઈક આડુંઅવળું વિચારવાનું શરૂ ન કરી દે.
એ સ્પષ્ટ હતું કે હવે વેદાંતે સુસ્તી ઉડાડવાની હતી. કેવી વિચિત્ર ઘટના હતી; એક આતંકવાદી છોકરી ભારતીય જાસૂસ હોવાનો ઢોંગ કરતી હતી અને એ વાત ખરાં ભારતીય જાસૂસથી છાની રાખવામાં આવતી હતી! વૈદેહી અને અન્ય પરિવારજનો ન તો વિશ્વાને જાણતા હતા કે ન વેદાંતને!
વૈદેહીએ જે રીતે પ્રશ્ન ટાળ્યો હતો એ પરથી વેદાંત સમજી ગયો હતો કે કંઈક ગરબડ શરૂ થઈ ચૂકી છે. વેદાંતે રોજ રાત્રે RAWના હૅડક્વાર્ટર પર અહેવાલ મોકલાનો રહેતો. તે રોજ રાત્રે ‘એવરીથીંગ ઈઝ ઓકે’ શીર્ષક હેઠળ અમુક બાબતો ટાઈપ કરીને મેઈલ કરતો. ત્રણ વર્ષમાં પ્રથમ વખત વેદાંતે ‘સમથિંગ ઈઝ રોંગ’ શીર્ષકયુક્ત મેઈલ સેન્ડ કર્યો હતો, જેમાં વિશ્વાનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે સવારે રિપ્લાય આવ્યો હતો. વેદાંતને ઍલર્ટ રહેવાની સૂચના હતી અને સાથે જણાવ્યું હતું કે તેઓ વધુ એક એજન્ટને વેદાંતની મદદે મોકલી રહ્યાં છે.
એ સાથીદાર અવની નહિ, ભાર્ગવ.
ભાર્ગવ વેદાંતની જેમ જ નવયુવાન જાસૂસ હતો. ભાર્ગવનું પણ આ પ્રથમ ઓપરૅશન હતું. અલબત્ત, ભાર્ગવને જાસૂસ બન્યે અમુક મહિનાઓ જ થયા હતા અને વેદાંત તો ત્રણ વર્ષથી આ જ ઓપરૅશનમાં લાગેલો હતો. ભાર્ગવે વેદાંતની સાથે નહોતું રહેવાનું. બાજુની એક સોસાયટીમાં તેનાં રહેવાની સગવડ વેદાંતે ગોઠવી આપેલી. પ્રથમ મુલાકાતમાં જ એ બંને મિત્રો બની ગયા હતા. આપણું લક્ષ્ય સમાન છે અને ફળ બંનેએ સમાન રીતે ભોગવવાનું છે એવું સ્પષ્ટ થાય ત્યારે સંબંધપૂર્વક જીવવાનું થાય જ!
વિશ્વા જેટલો સમય ઘરમાં રહેતી તેટલો સમય વેદાંત તેના પર બાજ નજર રાખતો. તેની પાસેના દૂરબીન વડે તે વિશ્વાને ઘરમાં હરતીફરતી પણ જોઈ શકતો. જેવી વિશ્વા બહાર જવા માટે નીકળે કે તરત જ તે ભાર્ગવને જાણ કરતો. ભાર્ગવ મોટરસાઈકલ લઈને તૈયાર રહેતો. વિશ્વા ગેટની બહાર નીકળે કે તરત જ ભાર્ગવ તેનો પીછો કરતો. વિશ્વા સોસાયટીમાં એન્ટર થાય ત્યાં સુધી ભાર્ગવ તેના પરથી નજર ખસવા ન દેતો. પછી ભાર્ગવ વેદાંતને ફેઓ કરી દેતો. રાત્રે બંને મિત્રો ફોન પર પોતે મેળવેલી માહિતીઓની આપ-લે કરતાં.
તો, વિશ્વા ઘરે આવી એના ત્રણ દિવસ પછી વેદાંતે હૅડક્વાર્ટરમાં જાણ કરી હતી. પાંચમા દિવસે ભાર્ગવ પણ આ ઓપરૅશનમાં સક્રિય થયો હતો. વિશ્વા આવી એના એક મહિના પછી તેને અવની મળી હતી.
વિશ્વા ઘરે આવી એના પચીસ દિવસ પછીની, અવની સાથે વિશ્વાની મુલાકાત થઈ એના પાંચ દિવસ પહેલાંની વાત છે…
રાતના સાડા દશનો સમય હતો. ભાર્ગવના રહેઠાણે બંને મિત્રો ચર્ચા કરતાં હતા.
“ભાર્ગવ, એ છોકરી વશિષ્ઠકુમારની ભત્રીજી તો નથી જ.” વેદાંતે કહ્યું.
“હા, મને પણ એવું જ લાગે છે.” ભાર્ગવે કહ્યું- “ત્રણ વર્ષ સુધી તેં ઘણી ભાણી-ભત્રીજીઓને આ ઘરોમાં આવતાં-જતાં જોઈ છે. આ વિશ્વા કેમ દેખાઈ નહિ એક પણ વખત?”
“વિશ્વા સ્વભાવે રુક્ષ લાગે છે.” વેદાંતે કહ્યું- “એ દિવસભર ઘણી સતર્ક રહે છે. મારે ખૂબ જ સાવચેતી પૂર્વક તેની જાસૂસી કરવી પડે છે.”
“હા, તેનાં આ લક્ષણો શું સૂચવે છે?” પ્રશ્ન પૂછીને ભાર્ગવે પોતે જ જવાબ આપ્યો- “એ કંઈક કારસ્તાન કરી રહી છે.”
“મુખ્ય પ્રશ્ન એ છે-” વેદાંતે કહ્યું- “આ લોકો એ છોકરીને આશરો કેમ આપી રહ્યા છે?”
“એક સમયે આપણે એવું પણ માની લઈએ કે આ છોકરી કંઈક કારસ્તાન કરી રહી છે એ આ લોકોને ખબર નથી. પણ આ લોકોએ તો એ છોકરીની ઓળખ છૂપાવી રાખી છે. એનો શું અર્થ કાઢવો?”
“ભાર્ગવ, એ તો સ્પષ્ટ છે કે વિશ્વા જે કંઈ કરી રહી છે એ આ લોકોથી ગુપ્ત રાખવામાં આવે છે. વિશ્વા દર બીજા દિવસે હોટૅલ મધુશ્રીમાં જાય છે એ આ લોકોને ખબર નથી.” વેદાંતે જરા વિચારીને કહ્યું- “આટલી માહિતી આપણા માટે પણ પર્યાપ્ત નથી, દોસ્ત! આપણે ઝડપથી કંઈક કરવું પડશે. એ માટે ઘણી બધી ડિટૅઈલ્સ જોઈશે. આપણી પાસે પૂરતી માહિતી નથી.”
“એ વાત સાચી છે તારી.” ભાર્ગવે કહ્યું- “હોટૅલ મધુશ્રીમાં વિશ્વા કેમ જાય છે એ આપણે જાણવું જ રહ્યું.”
“તું કહેતો હતો કે વિશ્વા અમુક જગ્યાઓએ બેસી રહે છે…” વેદાંતએ યાદ આવ્યું.
“વૈદેહી સંગીતના ક્લાસમાં જાય છે ત્યારે આ બેન નીકળી પડે છે. છેલ્લા ચાર દિવસથી આવું થાય છે. ગઈ કાલે તે એક બાંકડા પર બેસી ગઈ. એ શું કરે છે એ જોવા તેનાથી થોડે દૂર એક જગ્યાએ બાઈક પર જ બેઠો. તે તો એમ જ બેસી રહી. હું બાઈક પર બેસીને થાક્યો હતો. હું ચાની કીટલીની પાટલી પર બેઠો. ચા પણ પીધી. એ તો એમ જ બેસી રહી. હવે બેસવું જ હોય તો સંગીતશાળાની બહાર બાંકડા ક્યાં નથી! લગભગ બે કલાક પછી તે ઊભી થઈ અને ટુ-વ્હીલર પર સવાર થઈ. હું પણ બાઈક પર સવાર થયો. મને એમ કે હવે એ કંઈક કરશે. પછી શું? મૅડમ સંગીતશાળામાં રીટર્ન! હવે તો ર્જ એવું થાય છે. બે દિવસ સુધી તે એક જગ્યાએ બેસે છે અને ત્રીજા દિવસે જગ્યા બદલાઈ જાય છે.”
“વિશ્વા વિનયકુમારના ઘરમાં રહે છે, વૈદેહી સાથે સંગીતશાળાએ જવાના બહાને ક્યાંક જઈએ બેસી રહે છે,…” વેદાંત બબડતો હતો- “આંતરે દિવસે મધુશ્રીમાં જાય છે, વૈદેહી અને અન્ય લોકો વિશ્વાની ઓળખ ગુપ્ત રાખે છે…. ભાર્ગવ, આ બધી કડીઓ જોડાતી નથી! વિશ્વા શું કરવા માંગે છે?”
“અરે ભાઈ, વૈદેહી પાસેથી તું આને લગતી કોઈ વાત જાણી ન શકે?”
“મેં પ્રયત્નો કર્યાં હતા, યાર! એક નહિ, ચાર વખત. આમ તો વૈદેહી ચાલાક નથી પણ આ બાબતે તે ઘણી જ સાવચેતી રાખે છે. વિશ્વા વિશે હું ગમે તેમ ફેરવી ફેરવીને પૂછું તો પણ કંઈ જ બોલતી નથી. હું હજીય એને પૂછ્યે રાખું તો એને ડાઉટ જાય. જો એ વિશ્વાને કહી દે તો આપણું કામ અઘરું બની જાય.”
“તું વિશ્વાથી ડરે છે, અલ્યા?” ભાર્ગવે કહ્યું- “જો સામે આવીને બહુ ચરબી કરે ને તો બે લાફા ભેગી ભોંય નાખું એને!”
“એમ વાત નથી! આ ખૂબ જ ગંભીર કામ છે.” વેદાંતે કહ્યું- “આપણે ધમાલ નથી કરવાની!”
“આ તો જસ્ટ વાત છે, યાર!” ભાર્ગવે કહ્યું- “મૂળ વાત મારી એમ છે કે તું વૈદેહી દ્વારા શક્ય એટલું જાણી લે. એ વૈદેહી સીધી રીતે કંઈ ન બોલતી હોય તો મોઢામાં આગળાં નાખીને બોલાવતાં તને આવડે છે, યાર! આપણે RAWના એજન્ટ્સ છીએ!”
“વૈદેહી એક છોકરી છે!”
“તો? દેશ માટે કામ કરીએ છીએ આપણે! એક શું દશ છોકરીઓને પણઝારવી પડે તો પણ સંકોચ ન રાખવાનો હોય!”
“અલ્યા, તું RAWમાં નવો નવો જોડાયો છે!” વેદાંતે કહ્યું- “પણ તું વિચાર, મારા ઘરમાં તો એ પરાક્રમ ન જ કરાય. અહીં બોલાવીને વૈદેહીને મારીએ અને ક્યાંક એની બૂમ બહાર જતી રહે તો? માની લે કે એને તારા રહેઠાણ પર બોલાવીએ, બધું બંધ કરીએ અને પછી એને ધીબી નાખીએ. એ અમુક વાતો બોલી પણ જાય. પછી? મારે તો એના ઘરની સામે જ રહેવાનું છે ને, યાર!”
“એ કામ હું એકલો કરી નાખું તો? ને મારે ક્યાં મારું ડાચું વૈદેહીને દેખાડવું છે? મોઢે માસ્ક પહેરી લઈશ. વાત રહી કે મારઝૂડ પછી વૈદેહીને એના ઘરે મૂકવા જવી? શું કરવું? વૈદેહીને કોઈક અલગ જગ્યાએ બોલાવીશું. મારું કામ પતાવીને હું એને બેભાન કરી દઈશ અને ત્યાંથી ફરાર થઈ જઈશ. ભાનમાં આવશે ત્યારે એ ઘરે જતી રહેશે.”
“કામ જોખમી છે.”
“મને જોખમોનો અંદાજ છે. પણ એ સિવાય કોઈ રસ્તો છે?”
“રસ્તો કાઢીશું.”
“મોડું થઈ જશે તો? આપણે કંઈ સમજીએ એ પહેલાં જ વિશ્વા કંઈક કરી નાખે તો?”
“આપણે વૈદેહીને એમ ન ઝૂડી શકીએ.” વેદાંતે કહ્યું- “વૈદેહી સામાન્ય છોકરી છે. એની સાથે આપણે અવું ન કરાય. એ કોઈ ગુનેગાર નથી.”
“હોય એની સંભાવના નથી?”
“હું અહીં ત્રણ વર્ષથી છું! તું અઠવાડિયા પહેલાં પધાર્યો છે!”
“અરે, હા!” ભાર્ગવે કહ્યું- “બહુ જૂનો માણસ છે તું તો! એ વાત સાચી છે તારી. આપણે વૈદેહી સાથે એવું ન કરાય.”
“એવું ન હોઈ શકે…” વેદાંતે કહ્યું- “આ લોકોના પરિવારમાં કોઈક ગંભીર પ્રશ્ન થયો હોય અને એમાં વિશ્વા સંડોવાઈ હોય. એની બદનામી ન થાય એ માટે આ લોકો એની ઓળખ છૂપાવતા હોય. એ પ્રશ્ન અંતર્ગત જ વિશ્વા મધુશ્રીમાં જતી હોય? મન શાંત કરવા કોઈક બાંકડે બેસતી હોય.”
“તો મારો ધક્કો માથે પડશે, ભાઈ!” ભાર્ગવે કહ્યું.
“ધારો કે આપણે વૈદેહીને ધીબેડી નાખીએ અને પછી વૈદેહી કહે કે આ અમારો પારિવારિક પ્રશ્ન છે…. તો?”
“બિસ્ત્રા-પોટલા બાંધીને ઘર ભેગાં થવું પડે!” ભાર્ગવે કહ્યું- “RAWમાં કોઈને મોઢું દેખાડવા જેવું પણ ન રહે!”
બારણે ટકોરા પડ્યા.
બંને એ બારણા તરફ જોયું. ભાર્ગવે બારણું બંધ નહોતું કર્યું, આડું જ કર્યું હતું. આગંતુકે બારણે ટકોરા માર્યા તેથી બારણું ખુલી ગયું. ટ્યુબલાઈટન પ્રકાશ હવે બારણાની બહાર પણ ફેંકાતો હતો. એ અજવાળામાં આવનાર વ્યક્તિ દેખાઈ.
“કોનું કામ છે?” ભાર્ગવે પૂછ્યું.
“અંદર આવી શકું? તમારું જ કામ છે.” તેણે કહ્યું.
“અમવાદમાં ભાર્ગવને કોઈ ઓળખતું નથી.” વેદાંતે ચાલાકીથી કહ્યું- “તમે કદાચ ખોટા ઘરમાં આવ્યા છે અથવા તો…”
વેદાંત વાક્ય પૂરું કરે તે પહેલાં જ પેલી ઘરમાં ચાલી આવી. વેદાંતનો હાથ કમર પાછળ ભરાવેલી પિસ્તોલ સુધી પહોંચી ગયો હતો. ભાર્ગવ પણ હાથ કમર પાછળ લઈ ગયો પણ પિસ્તોલ ત્યાં નહોતી. તેને યાદ આવ્યું કે તેણે પિસ્તોલ થોડે દૂર પડેલા ટૅબલના ખાનામાં મૂકી હતી. કોઈ પણ પ્રકારના હુમલાનો પ્રતિકાર કરવા તે માનસિક રીતે તૈયાર હતો. આ બંનેને સાવધ થયેલામ જોઈને પેલી હસી અને બોલી-
“હું હુમલો નહિ કરું, તમે બે છો અને હું એકલી.”
“તો પણ ઘરમાં તો ઘૂસી જ ગઈ છે ને!” ભાર્ગવે કહ્યું.
“કમર પાછળના હાથમાં શું છે” વેદાંતે પેલીને પૂછ્યું.
તેણે એ હાથ આગળ કર્યો. એ જ સમયે વેદાંતે પિસ્તોલ બહાર કાઢી અને એની સામે ધરી. પેલી સહેજ પણ વિચલિત થયા વિના તેના હાથમાંનું એ આઈ-કાર્ડ આ લોકોની સામે ધરીને ઊભી રહી. આ બંનેએ એ કાર્ડ વાંચ્યું અને જાણે કરંટ લાગ્યો હોય એમ બંને ઊભા થઈ ગયા અને સલામ ઠોકી! વેદાંતના હાથમાંથી પિસ્તોલ પડી ગઈ હતી. ચર્ચા દરમિયાન કંઈક નોંધવા માતે ભાર્ગવ ડાયરી અને પેન ખોળામાં રાખીને બેઠો હતો, સફાળા ઊભા થવાને કારણે ડાયરી સામે ઊભેલી અવનીના પગમાં પડી અને પેન દૂર રગડી ગઈ.
હા, એ અવની જ હતી! અવની RAWમાં ઘણી જ ઊંચી પોસ્ટ પર હતી. RAW- Research and Analysis Wingના સૌથી બાહોશ, કાબેલ, ચાલાક, ચુનંદા, બેજોડ અને ટોપ સિક્રેટ જાસૂસોની યાદીમાં અવનીનું નામ મોખરે આવતું હશે એવું તેનાં આઈ-કાર્ડમાં દર્શવેલી ‘કેટૅગરી’ પરથી સ્પષ્ટ હતું. વેદાંત અને ભાર્ગવ જેવા નવા જાસૂસોને તો આ કેટૅગરીના જાસૂસો પ્રત્યે માન થઈ આવે એ સમજી શકાય. દેશ માટે કેટલીય વખત જીવ જોખમમાં મૂક્યો હોય અને અશક્ય કહી શકાય એવાં ઓપરૅશન્સ પાર પાડ્યા હોય એવા જાસૂસોને જ આ કેટૅગરીમાં મૂકવામાં આવતા. આટઆટલું કરવા છતાંય એ લોકોનું નામ એકેય છાપામાં ન આવે! કેમ કે તેઓએ હજી ઘણું કરવું છે અને એ માટે તેઓની ઓળખ છૂપી રહે એ અનિવાર્ય છે. આ જાસૂસોને લોકોમાં પોતાનો વટ પાડવાનો કે ‘હિરો’ બનવાનો કોઈ મોહ નથી હોતો. આવા જાસૂસો દુશ્મનોને હાથે ભયંકર રીતે મોત પામે છે અને છતાંય એમનું નામ શહીદ તરીકે જાહેર નથી કરાતું. કેમ? કેમ કે હજી અબ્ય જાસૂસો એ રીતે કામ રહ્યાં છે. એવા એક જાસૂસની વાત બહાર પાડવાથી બીજાને માથે તલવાર લટકવા માંડે. એકદમ ગુપ્ત રીતે દેશનું રક્ષણ કરનાર આ લોકો એવી અપેક્ષા પણ નથી રાખતા કે તેમનાં મોત પછી તેમનું નામ લોકોના મોઢે આવે. અવની એવી જ એક જાસૂસ હતી, છે.
વેદાંત અને ભાર્ગવ ‘સાવધાન’ની સ્થિતિમાં ઊભા હતા. બાજુમાં ખાલી પડેલી આરામખુરશી અવનીએ જોઈ. કોઈ મહાન રાષ્ટ્રની મહાસામાજ્ઞ્રીની માફક તે એ ખુરશીમાં બેઠી. બોલી-
“પાણી મળશે?”
“ઓફકોર્સ, મૅમ!” કહીને ભાર્ગવ દોડતો રસોડામાં ગયો અને પાણી લઈ આવ્યો.
“થેંક્સ!” અવનીએ પાણી પીધું.
“બેસો!” અવનીએ પાણીનો ગ્લાસ ટિપોય પર મૂકીને કહ્યું.
ખુરશીમાં બેસતાં પહેલાં અવનીએ ભાર્ગવની ડાયરી ઉઠાવીને ટિપોય પર મૂકી હતી, જે જોઈને ભાર્ગવ અને વેદાંતને નવાઈ લાગી હતી. આમ તો, આ નવા નિશાળિયાઓની સામે, તેમની જ વસ્તુ અવની નીચી નમીને ઉઠાવે એ પ્રૉટોકોલનો ભંગ કહેવાય! પણ અવનીનો સ્વભાવ જરા અલગ! વેદાંત અને ભાર્ગવ સામે બેઠા હતા. અવનીએ કહ્યું-
“તમે વૈદેહીને ખંખેરવાની વાતો કરતાં હતા….”
બંને ગભરાયા.
“શું નક્કી કર્યું?”
આ બંનેએ એકબીજા સામે જોયું. બંનેના કપાળ પર પરસેવાનાં ટીંપા બાઝી ગયા હતા. તેમની અસ્તવ્યસ્ત ચર્ચા અવનીમૅમ સાંભળી ગયા હતા.
“ભાર્ગવ….” અવનીએ કડક સ્વરે કહ્યું- “બહુ ભૂલો કરી રહ્યો છે તું! તમે બંને આટલી મહત્વની ચર્ચા કરતા હતા…. ઘરનો દરવાજો ખુલ્લો મુકીને! ને ભાર્ગવ પાસે તો એની પિસ્તોલ પણ નથી.”
ભાર્ગવ જાણે થીજી જ ગયો હતો. તે મહાપરાણે બોલ્યો-
“સ… સોરી, મૅમ!”
“તું રૉમાં કેમ જોડાયો છે?”
“દેશની સેવા કરવા માટે, મૅમ!” નજર નીચી રાખીને જ તેણે જવાબ આપ્યો.
“મારામારીથી દેશની સેવા થશે?” અવનીએ કહ્યું- “ આપણું કામ મારઝૂડ કરીને અરાજકતા ફેલાવવાનું નથી. આપણું કામ રક્ષા કરવાનું છે. ભારતની રક્ષા એટલે એવું નહિ કે આતંકવાદીઓ કે દુશ્મન દેશોનો સફાયો; ભારતની રક્ષા એટલે માનવત્વની રક્ષા, ભારતની રક્ષા એટલે સહિષ્ણુતાની પરંપરાની રક્ષા, ભારતની રક્ષા એટલે જ્ઞાનની સંસ્કૃતિની રક્ષા!”
જરા અટકીને અવનીએ કહ્યું-
“વિશ્વાનો પીછો કરવાનું કામ તું સરસ રીતે કરી રહ્યો છે, ભાર્ગવ!”
હવે તેણે મૅમ સામે જોયું. અવની સહેજ હસીને બોલી-
“નવા જાસૂસો જોશમાં આવીને ભૂલો કરતાં હોય છે. તાલીમ વખતે એ વાત ખૂબ જ ભારપૂર્વક સમજાવવામાં આવે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત ન થઈ જવું. એ કંઈ તાલીમથી શીખવા ન મળે. ખરેખર કામ કરવાનું આવે ત્યારે શીખવા મળે. શરૂઆતમાં વેદાંતની સ્થિતિ પણ તારા જેવી જ હતી. ત્રણ વર્ષમાં બધું થાળે પડી ગયું! એટલે જ તો તરત જ એક્શન લેવાની હોય એવા ઓપરૅશન્સમાં તારા જેવા નવા નિશાળીયાઓને એકલા નથી મૂકતાં! બાય ધ વે, તું સારું કામ કરી રહ્યો છે. ને તું પણ, વેદાંત!”
વેદાંત અને ભાર્ગવની ગભરામણ દૂર થઈ હતી. એટલું જ નહિ, અવનીમૅમના મોઢે પોતાના વખાણ સાંભળીને બંને ગદ્‌ગદિત થયા હતા. અવનીએ એક કાગળ આ બંનેને આપ્યો. તેમાં લખ્યું હતું કે RAW દ્વારા એન્ટિ-મૅર્વિના ઓપરૅશન શરૂ કરવામાં આવ્યું છે, જેની ચીફ ડિટેક્ટિવ અવની છે. આ ઓપરૅશનમાં અવનીની સહાયતા માટે અભય, ડૉ.પાઠક, વેદાંત અને ભાર્ગવની નિમણૂક કરવમાં આવી છે. જરૂર પડ્યે અવની અન્ય લોકોને પણ આમાં જોડી શકે છે. કાગળના તળિયે RAWના સર્વોચ્ચ વડાના હસ્તાક્ષર હતા.
“તો અમારે આ મિશન છોડી દેવાનું છે, મૅમ?” કાગળ પાછો આપતાં વેદાંતે પૂછ્યું.
“ના.” કાગળ પાછો લેતાં અવનીએ કહ્યું- “આખીય યોજના સમજાવું છું.”
“આ અભય અને ડૉ.પાઠક કોણ છે, મૅમ?” ભાર્ગવે પ્રશ્ન કર્યો.
“તારે કંઈ ઉતાવળ છે?”
“સોરી, મૅમ! હું બહુ ઉત્સાહિત થઈ ગયો છું. તમારી સાથે કામ કરવા મળશે!”
“હું તારા બદલે બીજો એજન્ટ પણ માંગી શકું છું!” અવનીએ કહ્યું.
ભાર્ગવ સાવ ઠરી ગયો. અવની સહેજ હસી. બોલી-
“પહેલાં એ જણાવો કે અત્યાર સુધી તમે કેટલી માહિતી મેળવી છે?”
વેદાંતે બધું જણાવવાનું શરૂ કર્યું. અવની એકાગ્રતાથી સાંભળી રહી. આરામખુરશીમાં ટેકો દઈને તે બેઠી હતી. ભાર્ગવ ઘડીક વેદાંત સામે તો ઘડીક અવનીમૅમ સામે જોતો. તે પણ વાત ધ્યાનથી સાંભળતો હતો. જ્યારે મધુશ્રી હોટૅલની વાત આવી ત્યારે તેને કહેવાનું મન થઈ આવ્યું, ‘મૅમ, એ માહિતી હું લઈ આવ્યો હતો! વિશ્વાને સહેજ પણ અણસાર ન આવે એ રીતે એનો પીછો કરું છું!’ પણ અત્યારે એવું બોલવું અયોગ્ય લાગતાં તેણે એ વિચાર માંડી વાળ્યો અને વાત સાંભળવા લાગ્યો. વિશ્વા રોજ કોઈક બાંકડે બેસી રહે છે એ વાત આવી ત્યારે ભાર્ગવથી ન રહેવાયું-
“એ વાત પણ હું જ શોધી લાવેલો, મૅમ!”
“આવું જ થાય છે!” અવનીએ વેદાંત પર જ નજર રાખીને કહ્યું- “RAWમાં નવા નવા જોડાયેલાં યુવાનો પોતાને શૅરલોક હોમ્સ અને જેમ્સ બોન્ડ માનવા લાગે છે અને હવામાં ઉડવા લાગે છે. એક વર્ષ થતાં સુધીમાં બધી હવા નીકળી જાય છે!”
ભાર્ગવનું મોઢું જોવાલાયક થઈ ગયું હતું. અવની હસી. વેદાંત પણ હસ્યો. હસતાં હસતાં જ અવનીએ પૂછ્યું-
“ખોટું નથી લાગ્યું ને?”
“ના રે, મૅમ!”
“સારું કામ કરે છે. લાગેલો રહેજે!”
“થેંક્સ, મૅમ!”
“તો, હવે હું મારી વાત કહું.” અવની ટટ્ટાર બેઠી અને પૂછ્યું-
“ઓ.ડી.આઈ. વિશે જાણો છો?”
“ના.” બંનેને ના પાડી.
“ઓર્ગૅનાઈઝેશન ટુ ડિસ્ટ્રોય ઈન્ડિયા એટલે ઓ.ડી.આઈ.” અવનીએ વાત શરૂ કરી- “નામ જેટલું ભયંકર છે તેટલા જ ભયંકર કામો એ લોકો કરવા માંગે છે. તેમણે હજી સુધી કોઈ પરાક્રમ કર્યું નથી એટલે તેમના વિશે જાણનારી જાસૂસી સંસ્થાઓ બહુ ઓછી છે. RAWને એ સંગઠનની જાણ થઈ ગઈ છે. ઓ.ડી.આઈ.ની રચના આતંકવાદના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ઘટના છે. વિશ્વના ભયાનક આતંકવદી સંગઠનોએ હાથ મિલાવ્યા છે. સૌનું લક્ષ્ય એક છે, ભારતનો નાશ. વિશ્વને હજી સંગઠન વિશે જાણ નથી પણ RAWના એજન્ટ્સ એ સંગઠન વિશે જાણી લાવ્યા છે. આપણી પાસે એ માહિતી પણ છે કે એ લોકોનું પ્રથમ મિશન છે ‘મિશન મૅર્વિના’. RAW દ્વારા એ મિશનની વિરુદ્ધમાં ‘એન્ટી-મૅર્વિના ઓપરૅશન’ શરૂ કરવામાં આવ્યું છે. એની મુખ્ય જવાબદારી મને સોંપાઈ છે.”
“મૅમ, તમને વચ્ચે રોકવા બદલ સોરી!” ભાર્ગવે કહ્યું- “RAW આતંકવાદીઓના કોઈ મિશનની વિરુદ્ધ શરૂ કરાયેલાં ઓપરૅશનની જવાબદારી એ જ એજન્ટને આપે છે, જે એજન્ટ આતંકવાદીઓના એ મિશન વિશે જાણકારી લાવેલ હોય. એનો અર્થ એમ કે O.D.I.ના આ મિશનની જાણકારી તમે લાવ્યા હતા?”
“હા!” અવની સહેજ હસી.
“પણ કેવી રીતે? જે સંગઠનની રચના બાબતે પણ સમગ્ર વિશ્વ અંધારમાં છે ત્યાં તમે એના પ્રથમ મિશનની માહિતી લઈ આવ્યા…. કઈ રીતે?”
“એ બધું પછી કહીશ!” અવનીએ વાત આગળ વધારી- “A.M.O. એટલે કે એન્ટી-મૅર્વિના ઓપરૅશનમાં આપણને અન્ય બે લોકોની સહાય મળવાની છે, અભય અને ડૉ.પાઠક. એ બંને જાસૂસ નથી. ડૉ.પાઠક ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન છે. એમના ફિઝિક્સની મદદથી જ હું ઓ.ડી.આઈ. વિશે જાણી શકી છું. પાઠક સાહેબ ઉંમરલાયક વ્યક્તિ છે. તેઓ RAW સાથે કઈ રીતે જોડાયા એનો જવાબ રસપ્રદ છે. એ પછી ક્યારેક જણાવીશ. અભય મારો સગો ભાઈ છે. એ એન્જીનિયર છે. એ મિકેનિકલ એન્જીનિયર પણ છે અને કમ્પ્યુટર એન્જીનિયર પણ છે. એ બંનેમાં એ પાવરધો છે. RAWના એન્જીનિયર્સનો એ હૅડ છે. હંમેશાં મશિનોની વચ્ચે અટવાયેલો રહેવાને લીધે તે ધૂની પણ થઈ ગયો છે.”
થોડું અટકીને અવની બોલી-
“અત્યારે O.D.I.ના અમુક આતંકવાદીઓ વિનયકુમાર અને વશિષ્ઠકુમારની શોધ ચોરવા માટે મથી રહ્યા છે. આ મિશન પૂર્ણ થાય પહી તેઓ મિશન-મૅર્વિનામાં જોડાશે. તમે બંને જે કામ કરી રહ્યાં છો એમાં હવે હું પણ જોડાઈ છું. અત્યારે આપણે જે કંઈ કરવાના છીએ એ A.M.O.ની પૂર્વતૈયારી છે એમ હું માનું છું.”
“અભયભાઈ અને પાઠક સાહેબ અત્યારે ક્યાં છે?” વેદાંતે પૂછ્યું.
“અમદાવાદમાં આવી ગયા છે. અમારા રૂમ પર છે.”
“મૅમ, તમે ઓ.ડી.આઈ.નું જે વર્ણન કર્યું એ પરથી અને આ મિશનમાં રોકવામાં આવેલાં લોકોના સ્ટેટસ પરથી તો લાગે છે A.M.O. બહુ મહત્વનું અને અઘરું કામ હશે.”
“આ મિશનમાં એક ડૉક્ટરની આવશ્યકતા પણ રહેશે, મૅમ!” વેદાંતે કહ્યું.
“હું છું ને!” અવનીએ કહ્યું.
“તમે ડૉક્ટર પણ છો?” ભાર્ગવે પૂછ્યું.
“હાસ્તો! માસ્ટર ઓફ સર્જન છું.”
“શું વાત છે!” ભાર્ગવે ઉદ્‌ગાર કાઢ્યો- “આપણી ટીમ પરફેક્ટ થઈ ગઈ.”
“હં!” વેદાંતે સહમતિ દર્શાવી.
“ના!” અવનીએ કહ્યું- “એક સભ્યનો ઉલ્લેખ હજી નથી થયો. એના વગર તો આ મિશન શક્ય જ નથી.”
“કોણ?” બંનેથી પૂછાઈ ગયું.
“મૅર્વિના!”
“હેં?” ભાર્ગવે પૂછ્યું- “એ કોઈ માણસનું નામ છે?”
“તમને હજી વધુ આંચકો લાગશે.” અવનીએ ખોંખારો ખાઈને કહ્યું- “આ આપણી વિશ્વા ખરી ને? એ જ મૅર્વિના!”
“ખરેખર?” વેદાંતના આશ્ચર્યનો પાર નહોતો.
“ના હોય હવે!” ભાર્ગવથી બોલાઈ ગયું.
“સાચું કહું છું, શૅરલોક હોમ્સ!” અવની જરા હાસ્ય વેરીને બોલી- “એ છોકરી ઓ.ડી.આઈ.ની સભ્ય છે. ઓ.ડી.આઈ.ના બે-ત્રણ સભ્યો હોટૅલ મધુશ્રીમાં રોકાયા હશે. મૅર્વિના એ લોકોને આ વિજ્ઞાનીઓનું કામ કેટલે પહોંચ્યું એનો રિપોર્ટ આપવા જતી હશે.”
“તો એ આપણી ટીમમાં કેમ ગણાય?”
“અત્યારે તો એ આપણા વિરોધી પક્ષમાં છે. પણ એ આપણા પક્ષમાં આવી જશે. હું લાવીશ.” અવનીએ ગજબ આત્મવિશ્વાસથી કહ્યું.
“કેવી રીતે?” ભાર્ગવે પૂછ્યું.
“મૅર્વિનાને હું કદી મળી નથી.” અવનીએ કહ્યું- “મૅર્વિનાનો મેં બરાબર અભ્યાસ કર્યો છે. RAWના હૅડ-ક્વાર્ટરમાં સંગ્રહાયેલી મૅર્વિનાની તમામ ફાઈલો હું વાંચી ગઈ છું. સુરતમાં બોમ્બ પકડાયા પછી ત્રણેક આતંકવાદીઓ ઝડપાયા હતા. પોલીસને વહેમ તો હતો જ કે અમુક આતંકવાદીઓ ભાગી છૂટ્યા છે. ગુપ્ત રીતે એ તપાસમાં RAWના બે એજન્ટ્સ પણ સામેલ હતા. શકમંદ વ્યક્તિઓની જાસૂસી શરૂ થઈ હતી. અલબત્ત, એ કામગીરીમાં મારો કોઈ જ રોલ નહોતો. મૅર્વિના અને ગુઆન-યીન સુધી એ એજન્ટ્સ પહોંચી ગયા હતા. એ બંનેની મિનિટે મિનટની જાસૂસી કરાઈ હતી. ગુઆન-યીન કોણ છે એ પછી કહું છું તમને. એ પણ જબરી ભેજાબાજ છે. સુરતમાંથી ભાગી છૂટ્યા પછી એને સંદેહ તો હતો જ તેમના સુધી પગેરું નીકળશે જ. એટલે જ ત નિષ્ક્રિય રહી હતી. તેઓ અમુક વર્ષો સુધી પાટણમાં રહ્યા હતા. મૅર્વિનાને ત્યાં વેદ નામનો એક છોકરો ગમી ગયો હતો. એ બધી વાતો વિસ્તારથી કરવાનો અત્યારે સમય નથી. ટૂંકમાં કહું તો, વેદ ભણવામાં બહુ ગંભીર હતો, જેથી તેણે મૅર્વિનાનો પ્રેમપત્ર અવગણ્યો હતો અને એ પ્રણયકથા ત્યાં જ અટકી હતી. સતત ત્રણ દિવસ ફાઈલોના ઢગલાં વચ્ચે વીતાવીને મેં મૅર્વિનાને બરાબર ઓળખી લીધી છે. મૅર્વિનાન વિશેની લીટીએ લીટી હું વાંચી ગઈ છું. ફાયદારૂપ વાત એ છે કે હું વેદને બહુ સારી રીતે ઓળખું છું. હું જે હાઈસ્કૂલમાં ભણી હતી તેનાં આચાર્યનો દીકરો છે એ. તો, હું મૅર્વિનાની દુઃખતી નસ દબાવી શકવાની છુ. મને લાગે છે કે આ ઓપરૅશનમાં આપણે એક આતંકવાદીને સારાં રસ્તે વાળી શકીશું. મૅર્વિનાને આતંકવાદી પ્રવૃત્તિમાંથી ઉગારવાનો અવસર આપણને મળ્યો છે. A.M.O.ની સફળતા માટે આપણને મૅર્વિનાની ગરજ છે અને એટલે હું તેને સારાં રસ્તે વાળવાની વાતો કરું છું એવું નથી. મને ખરેખર લાગી રહ્યું છે કે આતંકવાદીઓને મારવા કરતાં તેમને સુધારવનું કામ વધુ યોગ્ય છે અને એ શક્ય છે કે કેમ એ ચકાસવાનો એક અવસર આપણને મળ્યો છે.”
અવનીની વાત પૂરી થવાં છતાંય વેદાંત અને ભાર્ગવ તેની સામે તાકી રહ્યા હતા. અવનીએ બે ચપટી વગાડી ત્યારે તે બંને ઝબક્યાં.
“જોરદાર!” ભાર્ગવ ઊભો થઈ ગયો- “અદ્‌ભૂત!”
“મને આ બધું સ્વપ્ન જેવું લાગી રહ્યું છે.” વેદાંતે કહ્યું- “મારા પહેલાં જ ઓપરૅશનમાં આ લૅવલના માણસો સામે કામ કરવાનું થશે, આટલા ખતરનાક સંગઠન સામે લડવાનું થશે અને સમયના વિશાળ પટ પર પથરાયેલી ઘટનાઓના તાણાવાણાંમાંથી રહસ્યો ઉકેલવાના થશે એવું તો મેં કલ્પ્યું જ નહોતું, મૅમ!”
“અને મૅમ…” ભાર્ગવ ઊભો-ઊભો જ બોલતો હતો- “જો તમે ખરેખર મૅરિનાને આપણી ટીમમાં લાવી દો, એક આતંકવાદીનું માનવીયકરણ કરી દેખાડો તો હું રોજ તમને બે શ્રીફળ વધેરીશ!”
“મારા માથામાં ન વધેરતો!” કહીને અવની હસી, નિખાલસતાથી હસી.
વેદાંતે ભાર્ગવને બેસાડ્યો. અવનીએ ડૉ.પાઠકનો ઈતિહાસ બંનેને કહી સંભળાવ્યો.ગુઆન-યીનનો થોડો પરિચય આપ્યો. ડૉ.પાઠકની મદદથી પોતે O.D.I. વિશે કઈ કઈ રીતે જાણી શકી એ જણાવવાનું મોકૂફ રાખ્યું. બંને વિજ્ઞાનીઓની શોધ ચોરવા માટે આતંકવાદીઓએ જે મિશન શરૂ કર્યું છે એને કઈ રીતે નિષ્ફળ બનાવવું એના વિશે ત્રણેયે ચર્ચા કરી. અંતે તેઓ છૂટા પડવાના હતાં ત્યારે અવનીએ પૂછ્યું-
“ભાર્ગવ, મૅર્વિના કોઈક બાંકડે બેસી રહે છે એનો કંઈ ખુલાસો આપઆણને ન મળ્યો. એ ક્યાં બેસી રહે છે?”
“એ દર બે દિવસે જગ્યા બદલતી રહે છે.”
“એક મિનિટ…” અવનીને કંઈક સ્ફૂર્યું- “એણે હજી સુધી જેટલી જગ્યાઓ ઓ પસંદ કરી એની આજુબાજુ કોઈ સાયન્સ કોલેજ છે?”
ભાર્ગવે વિચારીને જવાબ આપ્યો- “હા.”
“હં…..” અવની ખુશ થઈને બોલી- “એ હજી એને ભૂલી નથી શકી! સારું, આવજો!”
અવની રૂમની બહાર ચાલી ગઈ. વેદાંતને ભાર્ગવન એમ જ ઊભા રહ્યા. અડધી મિનિટ પછી તેમને સમજાયું કે મૅમ છેલ્લે બોલતાં ગયાં એનો અર્થ શું!
“મૅમનું મગજ જબરું દોડે છે નહિ, ભઈ!” ભાર્ગવથી બોલાઈ ગયું.
એ પછી થોડી વાતો કરીને વેદાંત એના ઘરે ગયો હતો.
ત્રણેક દિવસ પછી અવની ભાર્ગવને મળી હતી. મૅર્વિના સાથે એક મુલાકાત ગોઠવવાની હતી. બે દિવસ પછી મૅર્વિના એક બગીચામાં બેઠી હતી. આ જગ્યા યોગ્ય લાગતાં ભાર્ગવે અવનીમૅમને ફોન કર્યો હતો. અવની ત્યાં પહોંચી ગઈ હતી. તેણે ભાર્ગવને અમુક સૂચનાઓ આપી હતી. એમુજબ ભાર્ગવે અવની અને મૅર્વિનાનો ફોટો પાડ્યો હતો, એવા સમયે કે જ્યારે મૅર્વિના બોલતી હોય અને અવની સાંભળતી હોય. હવે સ્પષ્ટ છે કે ભાર્ગવે જ એ ફોટો અવનીને સેન્ડ કર્યો હોય.
આ ઘટનાઓ વૈદેહીએ અવની પાસે સાંભળી હતી.

તો, ભમરાહ જવાનું નક્કી થયું હતું.
ત્રણેય પક્ષ ભમરાહની તૈયારીમાં લાગ્યા હતા.
વૈદેહી અને તેમનાં પરિવાર માટે વિચારણીય મુદ્દાઓ હતા- કેટલાં લોકોએ ભમરાહમાં જવું? કેટલો સામાન સાથે લઈ જવો? ગુજરાતમાં તમામ સંબંધીઓને શું કહીને ભમરાહ જવું? ભમરાહમાં આપણી લાઈફ સ્ટાઈલ કેવી રાખવી? વગેરે….
આતંકવાદીઓ માટે વિચારણીય મુદ્દાઓ હતા- કેટલાં લોકોએ ભમરાહ જવું? વિશ્વા નામનું નાટક ક્યાં સુધી ચલાવવું? જે લોકો ભમરાહ નહિ જાય એમની સાથે ભમરાહમાં રહેનાર સાથી સંપર્ક કઈ રીતે કરશે? શોધ ચોરવાની યોજના કયા પરિબળોના આધારે બનાવવી? વગેરે…
RAWના એજન્ટ્સ માટે વિચારણીય મુદ્દાઓ હતા- કેટલાં લોકો ભમરાહ જશે? જે લોકો ભમરાહ નહિ જાય એમની સાથે ભમરાહમાં રહેનાર સાથી સંપર્ક કઈ રીતે કરશે? ભમરાહમાં જે સાથી જશે એ રહેશે ક્યાં અને પોતાની શું ઓળખ બનાવશે? મૅર્વિના સાથે મારી મુલાકાત કઈ રીતે કરાવવી? વગેરે….
આતંકવાદી ટોળીમાં મૅર્વિના એકલી જ ભમરાહ જશે એવું નક્કી થયું હતું. RAWની ટીમમાંથી વેદાંત ભમરાહ જશે એવું નક્કી થયેલું. ભાર્ગવને અભય પાસે મોકલી દેવાયો હતો.
સૌથી પહેલાં વેદાંત ભમરાહ પહોંચી ગયો હતો. તેણે રહેવા માટે ઘર શોધવાનું હતું. ભાભી અને રૂપાએ તેને આશરો આપ્યો હતો. અમુક દિવસોમાં જ વેદાંત ભાભીને પૂજનીય વ્યક્તિ સમજવા લાગેલો.
જાન્યુઆરી, ૨૦૧૫ના શરૂઆતના દિવસોમાં બાકીના લોકોએ સ્થળાંતર કર્યું. બંને વિજ્ઞાનીઓ સૌપ્રથમ રવાના થયા. ત્રણ-ચાર દિવસ ચાલે તેટલાં થેપલાં અને અથાણા તેઓ સાથે લઈ ગયા હતા. ત્રણ દિવસ પછી વનિતાબેન અને વૈદેહી ભમરાહ માટે રવાના થયા. એના પછીના દિવસે વિશ્વા અને વીણાબેન નીકળ્યા.
વૈદેહી ભમરાહમાં આવી ત્યારે વેદાંતતો બરાબર ‘સેટલ’ થઈ ગયો હતો! એ તો નક્કી હતું કે વેદાંત વૈદેહીની નજરે ચડ્યા વિના રહેવાનો નથી. વેદાંત અને ભાર્ગવ માટે એ મોટી સમસ્યા હતી કે વૈદેહીને શું જણાવવું. વેદાંતે અવનીને કહેલું-
“મૅમ, મને એવું લાગે છે કે ભાર્ગવે ભમરાહ જવું જોઈએ.”
“તને વૈદેહીની બીક લાગે છે?” અવની વાત પારખી ગઈ હતી.
“જી, મૅમ! વૈદેહીને મારે શું જણાવવું? વૈદેહીએ ભાર્ગવને નથી જોયો.”
“ભમરાહમાં દિવસો કે મહિનાઓ સુધી શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. આ પ્રકારની જાસૂસીનો તું ત્રણ વર્ષનો અનુભવ કરી ચૂક્યો છે.” અવનીએ કહેલું- “ભાર્ગવે એક પણ દિવસ આ રીતે કામ નથી કર્યું. તેને ત્યાં મોકલવામાં જોખમ છે. ભાર્ગવે હજી ઘણું શીખવાનું છે. આ કામ એવું નથી કે નવા જાસૂસો ‘ટ્રાયલ એન્ડ ઍરર’થી કામ કર્યે રાખે! ગંભીર મામલો છે આ.”
“વૈદેહીને કહેવા માટે કંઈક વાર્તા-”
“હવે વૈદેહીને સત્ય જણાવવાનું છે!”
વેદાંત પ્રશ્નાર્થ નજરે મૅમની સામે જોઈ રહેલો. અવનીએ સમજાવેલું-
“તું ફક્ત ‘વૈદેહીને શું કહેવું’ એટલું જ વિચારી રહ્યો છે! તું એમ નથી વિચારતો કે મૅર્વિના પણ ત્યાં હશે જ. વૈદેહી મૅર્વિનાને તારા વિશે જણાવશે જ. મૅર્વિના તારી જાસૂસી કરશે. ગુઆન-યીનને તારા વિશે માહિતી આપશે. એનું શું? વત્તા, ભવિષ્યમાં મારે વૈદેહીની સામે આવવાનું થશે જ. એ વખતે વૈદેહી મને ઓળખતી જ ન હોય તો? તું એ તો કલ્પી શકતો હોઈશ કે હું જ્યારે વૈદેહીની સામે આવીશ ત્યારે પરિસ્થિત કેટલી કટોકટીભરી હશે! એ વખતે મારે વૈદેહીને મારી ઓળખ આપવા અને એની સાબિતીઓ આપવા બેસવાનું? આ બધી બાબતોને સાંકળી શકાય એમ છે.”
“કઈ રીતે?” વેદાંતે પૂછેલું- “હું વૈદેહીને શું જણાવું?”
“હું અવનીના કહેવાથી આ કામ કારી રહ્યો છું. અવની જાસૂસ છે અને એ મારી સિનીયર છે.” અવનીએ કહ્યું- “બસ, આટલું કહેવાનું!”
“પણ એથી… વૈદેહી વધુ વ્યાકુળ થશે, મૅમ!”
“અરે, તું મૅર્વિનાને ભૂલી જાય છે, યાર!” અવનીએ જરા હસીને કહેલું- “જો, તારી આ વાત મૅર્વિના સુધી તરત જ પહોંચશે. વૈદેહીને વિશ્વા પર વિશ્વાસ છે. તું આવું કહીશ એટલે વૈદેહી તરત જ વિશ્વાને જાણ કરશે કે નહિ?”
“બિલકુલ!”
“મૅર્વિના સાથે હું વાતચીત કરી ચૂકી છું એ તું જાણે છે. મારું નામ સાંભળીને મૅર્વિના ભડકશે એ વાત નક્કી. પછી એ શું કરશે? મૅર્વિના મારા પર વિશ્વાસ કરી ચૂકી છે. અવનીના કહેવાથી કોઈ માણસ ભમરાહમાં રોકાયો છે એવું જાણીને મૅર્વિનાને તો એક પ્રકારે નિરાંત થશે કે અવની બોલ્યા પછી ફરી નથી ગઈ! તેનાં મનમાં પ્રશ્ન એ જ રહેશે કે આ વેદાંત નામનો માણસ સાચું બોલે છે કે કોઈ રમત રહી રહ્યો છે. મૅર્વિના કઈ રીતે એ બાબતની ચકાસણી કરશે એ તો કહી ન શકાય! તારે કોઈ પણ જાતની પરીક્ષા માટે તૈયાર રહેવું પડશે! મૅર્વિનાને એ ખાતરી થઈ જાય કે અવનીના કહેવાથી આ માણસ અહીં છે એ પછી તો વૈદેહીને એ જ સંભાળી લેશે. લગભગ તો વિશ્વા વૈદેહીને એમ જ કહેશે કે, ‘વેદાંત અમારા જ ડિપાર્ટમેન્ટનો માણસ છે. અમે બંને એક જ જાસૂસી સંસ્થામાં કામ કરીએ છીએ અને એટલે અમે તમારા વિશે જાણી શક્યા.’ તો, વૈદેહીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે, મૅર્વિનાનો પણ અને વૈદેહીના કાને મારું નામ પણ પડશે!”
ભમરાહમાં આવ્યા પછી વૈદેહીએ વેદાંતને જોયો હતો. બન્યું હતું એવું કે એ સમયે વિશ્વા અને વૈદેહી સાથે જ હતા. વેદાંતે અવનીમૅમની સૂચના પ્રમાણે જણાવ્યું હતું. અવનીના અનુમાન મુજબ જ બધું થાળે પડી ગયું હતું.
તો, વશિષ્ઠકુમાર, વિનયકુમાર, વનિતાબેન, વીણાબેન, વૈદેહી, વિશ્વા અને વેદાંત ભમરાહમાં આવી ચૂક્યા હતા.
ફરીથી બધું શાંત થઈ ગયું હતું.
વૈદેહી અને વિશ્વા જંગલમાં રખડવા જતાં હતા. તેઓને એક ગુફા મળી આવી હતી, જેનું નામ ‘કુખોઝૂ’ રખાયું હતું.
દશ મહિના સુધી જરાય તડાકા-ભડાકા નહોતા થયા!
મૅર્વિનાની મનઃસ્થિતિ અતિશય તણાવયુક્ત હતી. તે અવની અને મૅડમ-ગુઆન-યીન વચ્ચે ઝોલાં ખાતી હતી. વત્તા, તે મને મળવાની રાહ જોઈ રહી હતી. તેના વિચારોમાં ભયંકર અસમતુલા સર્જાઈ હતી. મુખ્ય ત્રણ મુદ્દાઓ હતા- આતંકવાદ, પોતાના જન્મનું રહસ્ય અને હું-વેદ! આ ત્રણ બિંદુઓમાં તે અહીંતહીં ભટકતી. આ ત્રણેય બિંદુઓના અનુસંધાનમાં પુષ્કળ વિચારો તેનામાં ઉદ્‌ભવતાં અને એ અનેક બિંદુઓ ઘમરોળાતાં રહેતાં અને એ ચકરાવામાં તે ફંગોળાતી રહેતી, થાકી જતી, ક્રોધિત થઈ જતી. આવું કંઈ એક-બે દિવસ નહિ, દશ મહિના, પૂરા ત્રણ સો દિવસ ચાલેલું!
અગિયારમા મહિનાની શરૂઆતમાં મહત્વપૂર્ણ ઘટનાઓ શરૂ થયેલી. વશિષ્ઠકુમારે પોતાની શોધ રજૂ કરવા માટે IUPAPમાં અરજી કરી હતી. તારીખ મળી હતી 5મી ડિસેમ્બર, 2015. અર્થાત્‌, તેમની શોધ સાકાર થઈ ચૂકી હતી! વૈદેહીનો જન્મદિવસ નજીક હતો. વૈદેહીના જન્મદિવસે જ પેલાં છોકરાના લગ્ન હતા, જેને વિનયકુમારે મરતો બચાવ્યો હતો. બંને વિજ્ઞાનીઓએ નક્કી કર્યું હતું કે વૈદેહીના જન્મદિવસે સૌને સર્પ્રાઈઝ આપીશું. આમેય શોધનું નામ પણ વૈદેહી જ રાખ્યું છે! દીકરી વૈદેહીના જન્મદિવસે શોધ ‘વૈદેહી’નો પણ જન્મદિવસ ઉજવાશે! વનિતાબેન શેઠને ત્યાંથી દાગીના લઈ આવ્યા હતા. બંને પરિવાર માધવગઢ ગયા હતા- વશિષ્ઠકુમાર સિવાય. ઉજવણી કરીને એ લોકો પાછા ફર્યા હતા. વૈદેહીએ ઘરે આવીને કપડાં બદલીને સૂઈ ગઈ હતી.
વિનયકુમાર પ્રયોગશાળામાં ગયા.
“હવે આપણે શોધની સફળતા એનાઉંસ કરી દઈએ?” વિનયકુમારે પૂછ્યું.
“તમે માધવગઢ જવા નીકળ્યા એ વખતે મને બીજો વિચાર આવ્યો હતો.”
“શું?”
“આપણે આ વૈદેહીનો ચમત્કાર સૌને દેખાડીએ.”
“પણ….” વિનયકુમાર જરા ગભરાયા હતા.
“પણ-બણ કંઈ નહિ!”
“કોના પર એપ્લાય કરીશું?” વિનયકુમારે કહ્યું- “વૈદેહી શરીરમાં ફીટ કરવાનું કામ આપણે બંનેએ કરવાનું છે. આપણા બંનેમાંથી કોઈના શરીરમાં તો વૈદેહી ફીટ કરી ન શકીએ.”
“આ ફક્ત વૈજ્ઞાનિક પરીક્ષણ નથી, વિનય!” વશિષ્ઠકુમારે કહ્યું- “જેના શરીરમાં વૈદેહી ફીટ થશે એની પાસે ચમત્કારિક શક્તિઓ આવી જશે. એ ચમ્ત્કાર નહિ, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનના સમન્વયનું પરિણામ હશે. એ વ્યક્તિ જોરદાર વીજળીવેગે પોતાનું સ્થાન બદલી શકશે.”
“એ બધું હું જાણું છું! તું કહેવા શું માંગે છે?”
“મારે આ શક્તિઓ વનિતાને આપવી છે.”
“પણ…. કંઈ આડુંઅવળું થઈ ગયું તો?”
“કશ્શું જ નહિ થાય!” વશિષ્ઠકુમારે વિશ્વાસપૂર્વક કહ્યું.
“તને ઠીક લાગે તે કર, ભાઈ!” વિનયકુમારે કહ્યું- “આમેય આ શોધ તારી જ છે. હું તો સહાયક છું.”
વશિષ્ઠકુમાર ઝડપથી વનિતાબેનને બોલાવી લાવ્યા અને કહ્યું-
“અમારે તારી મદદ જોઈએ છે.”
“શું?” વનિતાબેન જાણે ઊંઘમાં બબડતાં હતા- “પ્રયોગશાળા વાળવાની છે? કાલે સવારે વાળી દઈશ! અત્યારે તમે પણ સૂઈ જાઓ!”
“વનિતા…” વશિષ્ઠકુમારે તેમને ઢંઢોળ્યા.
“હં? શું?” તેઓ ઝબક્યા.
“અમારી શોધ સાકાર થઈ ગઈ છે, વનિતા!”
“હા…શ! હાલો હવે અમદાવાદ!”
“અમારે તારી મદદ જોઈશે!” વશિષ્ઠકુમારે કહ્યું.
“કેવી મદદ?” વનિતાબેનને નવાઈ લાગી- “હું શું મદદ કરું આમાં?”
વશિષ્ઠકુમારે તેમને આખીય વાત સમજાવી. વનિતાબેનને એમાં કંઈ જ સમજણ ન પડી પણ એ ભારતીય નારી પતિનો સાથ આપવા માટે તૈયાર જ હતી. વનિતાબેનને બેભાન કરાયા. ઓપરૅશન શરૂ થયું….
અઢી કલાક સુધી ઓપરૅશન ચાલ્યું. વનિતાબેન ત્રણ કલાક બેભાન રહેવાના હતા. તેઓ ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોવાનું ઉચિત માનીને બંને વિજ્ઞાનીઓ બેઠા હતા. બંને ચૂપ હતા. બંનેને વૈદેહીની સફળતા પર પૂરો વિશ્વાસ હતો પણ પ્રયોગ વશિષ્ઠકુમારના પત્ની પર કર્યો હતો. તેઓ ગભરાઈ રહ્યા હતા કે શોધની સફળતાને સાક્ષાત્‌ નિહાળવા માટે ઉત્સુક હતા એ એમને જ સમજાતું નહોતું. ઘળિયાળ ઘણી ધીમી ચાલતી હોય એવું તેમને લાગતું હતું.
વનિતાબેનનું શરીર સહેજ હલ્યું અને બંને વિજ્ઞાનીઓ સફાળા ઊભા થઈ ગયા. વશિષ્ઠકુમારે તેમને બેઠા કર્યા.
“ભાભી, તમે ઠીક છો?” વિનયકુમારે પૂછ્યું- “શરીરમાં કોઈ ગરબડ નથી અનુભવાતી ને?”
વનિતાબેન આશ્ચર્ય સાથે વિનયકુમાર સામે જોઈ રહ્યા. વિનયકુમારે કહ્યું-
“તમે આ પ્રયોગશાળામાં એક ચક્કર લગાવો. શરીર બરાબર કામ કરે છે કે નહિ તે ચકાસી જુઓ.”
“શું થયું છે મને?” વનિતાબેન ટેબલ પરથી ઉતર્યા.
“શરીર પહેલાં જેવું જ કામ આપે છે કે નહિ તે જુઓ.” વિનયકુમારે કહ્યું.
વનિતાબેનને સમજાતું નહોતું કે તેમના પર શું પ્રયોગ થયો છે. એ મૂંઝવણ સાથે તેમણે પ્રયોગશાળામાં એક આંટો માર્યો. શરીર બરાબર કામ કરતું હતું. તેમણે જણાવ્યું-
“કંઈ નથી થયું મને.”
“બહુ સરસ!” વશિષ્ઠકુમાર બોલ્યા- “પણ મુખ્ય પરીક્ષણ હજી બાકી છે. તારી પાસે અદ્‌ભૂત શક્તિઓ છે, વનિતા!’
“શું કહો છો તમે?”
“જાણે એક જગ્યાએથી અદ્રશ્ય થઈને બીજી જગ્યાએ પ્રગટ થઈ હોય તેટલી ઝડપથી તું સ્થળાંતર કરી શકીશ. અમારી શોધનું એ પરિણામ અમે તને અર્પિત કર્યું છે.”
વશિષ્ઠકુમાર બોલી રહ્યા હતા અને વનિતાબેન ફાટી આંખે તેમને જોઈ રહ્યા હતા-
“તને પત્નીરૂપે પામીને હું ધન્ય થઈ ગયો છું, વનિતા. મને ખબર છે કે હું ક્યારેક પાગલની જેમ વર્તું છું, ગમે ત્યારે તારા પર ગુસ્સે થઈ જતો હોઉં છું. હું વિજ્ઞાનમાં રચ્યોપચ્યો રહેનારો માણાસ છું. પત્ની સાથે કેમ વ્યવહાર કરવો એ મને નથી આવડતું. આપણા લગ્નજીવનમાં એવી પળો ખૂબ જ ઓછી છે કે જ્યારે મેં તને ખુશ કરવા માટે કંઈક કર્યું હોય. ફિઝિક્સના કોઈ જટિલ મુદ્દા પર લાંબો સમય સુધી વિચાર કરીને હું અકળાઓ હોઉં અને પછી નાની અમથી વાતમાં મેં તને રીતસર ઘઘલાવી નાંખી હોય એવું ઘણી વાર બન્યું છે.”
વનિતાબેનનો એક હાથ પોતાની બંને હથેળીઓ વચ્ચે દબાવીને વશિષ્ઠકુમાર બોલી રહ્યા હતા અને ભીની આંખે વનિતાબેન સાંભળી રહ્યા હતા…
“વિનય સિવાય મારો કોઈ મિત્ર નથી. મારા ભાઈઓ સાથે પણ મારા સંબંધો સચવાયા નથી. બા અને બાપુજીના ગયા પછી કોઈએ મારી સાથે સંબંધ નથી રાખ્યો. બધાં મને પાગલ માને છે. પણ તું…. તું હંમેશાં મારી સાથે રહે છે. મારા કારણે તારે ઘણું સહન કરવું પડ્યું છે. પિયરપક્ષ સાથેના તારા સંબંધો પણ મારે કારણે બગડ્યા છે. વૈદેહીને તેં જ તો ઉછેરી છે. રૂપિયા કમાવી આપવા સિવાય મેં શું કર્યું છે? ચાર વર્ષની વૈદેહી માંદી પડી હતી ત્યારે તેં જ તો એને સાચવી હતી. તેં જ ઉજાગરા કર્ય હતા. હું તો ભૌતિકવિજ્ઞાનના પુસ્તકો, આર્ટીકલ્સ, કોઈકના રિસર્ચ પેપર્સ કે એવા વિચારોમાં જ અટવાયેલો રહ્યો હતો. પણ હું વિજ્ઞાનની બહાર નથી નીકળી શકતો. એટલે જ હું આડેધડ વર્તું છું.”
વશિષ્ઠકુમાર ઘડીક ચૂપ રહ્યા. તેમની આંખો પણ વહેતી હતી. બોલતા હતા-
“વનિતા, એવું નથી કે મેં તારી કદર નથી કરી. હું તને ચાહું છું. તારા વિનાના મારા જીવવની હું કલ્પના નથી કરી શકતો. તું ન હોત તો મારું શું થાત? મને સમાજમાં જીવતાં નથી આવડતું. મને પરિવારમાં જીવતાં નથી આવડતું. મારા કારણે તારે કેટલું વેઠવું પડ્યું છે! એવું નથી કે મને તેનું કોઈ દુઃખ નથી. ફિઝિક્સના પુસ્તકમાં મોં સંતાડીને હું ઘણી વાર રડ્યો છું. તારી માફી માંગવાનું મન થઈ આવે છે… હું એ પણ નથી કરી શકતો. પણ તું…. તું કયારેય ફરિયાદ નથી કરતી. તું કદી ગુસ્સે પણ નથી થઈ. હું અસહ્ય માણસ છું, વનિતા. તું જ મને જીવાડી રહી છે. વનિતા… હું તને ખૂબ જ પ્રેમ કરું છું… આઈ લવ યુ….”
વનિતાબેનની આંખો ચોધાર વહી અને બંને ભેટી પડ્યા.
અમુક મિનિટો પછી વાતાવરણ હળવું બન્યું હતું. બંને વિજ્ઞાનીઓએ વનિતાબેનને સમજાવ્યું હતું એ તેમનાં શરીરમાં ફીટ કરાયેલી વૈદેહી નામની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને એનો ઉપયોગ કરી રીતે કરવો.
“જા, તું પેલા ખૂણામાં જઈને ઊભી રહે.” વશિષ્ઠકુમારે કહ્યું- “ત્યાંથી સામેના ખૂણામાં જઈ દેખાડ.”
વનિતાબેન એ ખૂણામાં ગયા. બંને વિજ્ઞાનીઓ જોઈ રહ્યા…. વનિતાબેન… આંખના પલકારામાં ત્યાંથી ગાયબ!… બંને વિજ્ઞાનીઓ ઉછળીને એકબીજાને ભેટી પડ્યા હતા…. પણ વનિતાબેન સામેના ખૂણામાં પ્રગટ કેમ ન થયા?… ભૂલથી તેઓ બીજે ક્યાંક જતા રહ્યા હશે એવું માનીને બંનેને રાહ જોઈ… એક મિનિટ… બે મિનિટ…. ત્રણ મિનિટ… પાંચ…. દશ…. વીસ.. ત્રીસ મિનિટ થઈ….
“કંઈક ગરબડ છે!” વિનયકુમાર બોલ્યા.
વશિષ્ઠકુમારે IUPAPમાં રજૂ કરવા માટે તૈયાર કરેલાં રિસર્ચ પેપર્સ જોવાના શરૂ કર્યા. તેમની ભૂલ પકડાઈ… બહુ મોટી ભૂલ…. જાણે પગ કપાઈ ગયા હોય એમ તેઓ ફસડાઈ પડ્યા…
“વશિષ્ઠ…” વિનયકુમાર તેમની પાસે ગયા- “શું થયું?”
“ભૂલ… ભયંકર ભૂલ…”
“શું ભૂલ થઈ?”
“જડમાંથી તરંગ સ્વરૂપમાં રૂપાંતરણ થાય તેવી ગોઠવણ કરી હતી…. તરંગમાંથી ફરી જડ બને એ તો….”
“અરેરે!” હવે વિનયકુમારની પણ એ જ હાલત હતી.
ભૂલ… થઈ ગઈ હતી… વનિતાબેન તરંગ બની ગયા હતા… હંમેશાંને માટે?…. પંદર મિનિટ સુધી લાશની જેમ પડ્યા રહ્યા પછી વશિષ્ઠકુમાર ઝબકીને બોલ્યા-
“એક ઉપાય છે!”
“શું? જલદી બોલ!” વિનયકુમારના જીવમાં જીવ આવ્યો.
“એ તરંગને ડિટેક્ટ કરીને જડ સ્વરૂપમાં ફેરવી શકે એવું ઉપકરણ બનાવીએ તો વનિતા પાછી આવી શકે છે.”
“એવું ઉપકરણ બનાવી શકાય?”
“મને ફિઝિક્સ પર વિશ્વાસ છે!”
“પણ તારે પહેલાં IUPAPની તૈયારી કરવી જોઈએ.” વિનયકુમારે કહ્યું- “તરંગને જડમાં ફેરવવાની ગોઠવણ વૈદેહીમાં સમાવિષ્ટ કર અને IUPAPમાં જઈ આવ. ત્યાં તું કહેજે કે આ શોધના પરીક્ષણમાં મારી પત્ની તરંગ બની ગઈ છે. વિશ્વમાં કોઈક તો એવો વિજ્ઞાની હશે જ જે ભાભીને પાછા લાવી શકે.”
“બિલકુલ સાચી વાત કહી!” વશિષ્ઠકુમારને સાંત્વના મળી હતી.
બન્યું હતું કે એવું કે વશિષ્ઠકુમાર જ્યારે વનિતાબેનને પ્રયોગશાળામાં બોલાવી લાવ્યા ત્યારે વનિતાબેને ઘરેણાં ઉતાર્યાં નહોતા. ઓપરૅશન કરતી વખતે ઘરેણાં ઉતાર્યા હતા અને પછી તો તેઓ તરંગ બની ગયા. પરિણામે, શેઠની માલિકીના એ ઘરેણાં પ્રયોગશાળામાં જ પડ્યા હતા. વશિષ્ઠકુમારને એ ખબર નહોતી કે આ ઘરેણાં આપણા નથી અને પેલો શેઠ આ ઘરેણાં માટે થઈને વૈદેહીને હેરાન કરી રહ્યો છે. વૈદેહીને એ ખબર નહોતી કે દાગીના પ્રયોગશાળામાં પડ્યા છે.
બીજા દિવસની સવારથી વૈદેહી પર આફતો મારો શરૂ થયો હતો. મમ્મી ગાયબ હતી, પપ્પા કંઈ ખુલાસો નહોતા કરતાં અને પેલો શેઠ દાગીના માંગતો હતો.
આ લોકોની જાસૂસી કરવા વેદાંત પણ માહગાઢ ગયો હતો. રાત્રે મોડા સુધી વેદાંત વૈદેહીના ઘરની આસપાસ જ હતો. એક બારીમાંથી તે અંદર ઘૂસ્યો હતો અને તેણે જોયું હતું કે વશિષ્ઠકુમાર તેમનાં પત્નીને પ્રયોગશાળામાં લઈ ગયા. વૈદેહી ઘસઘસાટ સૂતી હતી. પ્રયોગશાળા ક્યાં છે એ વેદાંત જાણતો જ હતો. ખૂબ જ સાવચેતીથી તે બાથરૂમમાં આવ્યો હતો. શોધના પરીક્ષણના ઉત્સાહમાં વિશિષ્ઠકુમારે પ્રયોગશાળાનો દરવાજો ખુલ્લો છોડ્યો હતો. વેદાંત હળવે રહીને પગથિયા ઉતર્યો હતો.
અલબત્ત, વૈદેહીએ સૌને જણાવી દીધેલું કે અમદાવાદમાં આપણા ઘરની સામે રહેતો હતો તે વેદાંત એક જાસૂસ છે અને તે વિશ્વાનો સાથી છે. એટલે આ લોકો વેદાંતને અત્યારે અહીં જોઈ જાય તો પણ ખાસ વાંધો નહોતો. પણ ઉચિત એ જ હતું કે વેદાંત એ લોકોને એમની રીતે કામ કરવા દે. શક્ય છે કે તેઓ જે કરી રહ્યા છે એ કંઈક એવું કામ હોય, જે અત્યાર સુધી વેદાંતથી છાનું રખાયું હોય.
વેદાંત પ્રયોગશાળાના પગથિયે બેઠો હતો. અંદર થઈ રહેલી તમામ વાતો તેણે સાંભળી હતી. જ્યારે લાગ્યું કે હવે આ વિજ્ઞાનીઓ બહાર નીકળશે ત્યારે તે બહાર દોડી ગયો હતો.
વેદાંતે અવનીને આ ઘટના ફોન પર જણાવી હતી. અવનીએ નક્કી કર્યું હતું કે હવે પોતે ભમરાહ આવવું પડશે. વેદાંતને અમુક સૂચનાઓ આપીને અવનીએ ફોન પરની વાત પૂરી હતી.
ભમરાહ આવીને અવની વેદાંતને મળી હતી. ગુઆન-યીન અને અન્ય બે સાથીઓ હજી ભમરાહમાં નહોતા આવ્યા. વેદાંત દ્વારા મૅર્વિનાને સંદેશો મોકલાવ્યો હતો. ભાભીના ઘરની પાછળથી શરૂ થતાં જંગલમાં અવની થોડે દૂર સુધી જઈને એક વૃક્ષ નીચે બેઠી હતી. પેન અને કાગળ તે સાથે લઈને ગઈ હતી. મૅર્વિનાને અહીં બોલાવી હતી. તે આવી. આવતાવેંત જ બોલી-
“મને હેરાન કરવામાં તને બહુ મજા આવે છે?”
“એવું નથી, બહેન!”અવનીએ શાંતિથી કહ્યું.
“દશ મહિના!” તે ગુસ્સાભેર બોલી રહી હતી- “હું અંદરથી સળગી રહી હતી. તને છેક હવે સમય મળ્યો?”
“તને ગુસ્સો આવે એ સમજી શકાય તેવી વાત છે પણ-”
“હા, બોલ! શું બહાનું બનાવી લાવી છે?”
“અહીંયા બેસ અને શાંત થા!”
“તું….” ઈંટ જેવડા એક પથ્થર તરફ આંગળી ચીંધીને તે બોલી- “પેલા પથરા વડે તારું માથું ફોડી નાખવાનું મન થાય છે.”
“એમા શું નવાઈની વાત છે?” અવની બરાબર વિચારીને શબ્દો ગોઠવતી હતી- “લોકોના માથા ફોડવા સિવાય બીજું કંઈ શીખવ્યું છે તારી મૅડમે? એણે તો આખી જિંદગી એ જ કામ કર્યું છે અને હવે તારી પાસેથી પણ એ જ અપેક્ષા રાખે છે. ને તું એના કહ્યું કર્યે જાય છે!”
મૅર્વિના ઠંડી પડી હતી. તે અવનીની બાજુમાં બેઠી. અવનીએ તેની સામે સ્મિત વેર્યું અને બોલી-
“વેદનું ભણવાનું ચાલતું હતું. ભણવાનું છોડીને તે ભમરાહ ન આવે તે તું જાણે છે. અમુક મહિના પહેલાં જ એણે કોલેજના છેલ્લાં વર્ષની છેલ્લી પરીક્ષા આપી. હવે એને અહીં બોલાવીએ.”
“હવે મૅડમને પણ બોલાવવા પડશે.” મૅર્વિનાએ કહ્યું- “વેદને કંઈ ન થવું જોઈએ.”
“વેદને સાચવવાની જવાબદારી હું મારા માથે લઈ ચૂકી છું ને? શું કામ ચિંતા કરે છે?”
“મને… હું..” મૅવિના જાણે એકલી એકલી જ બોલતી હતી- “મને મારું વર્તન વિચિત્ર લાગે છે. હું આતંકવાદી છું. એવા સંગઠનની આતંકવાદી છું જે ભારતનો નાશ ઈચ્છે છે. તું એ સંસ્થામાં જાસૂસ છે જે ભારતની સુરક્ષા અને અમારો નાશ ઈચ્છે છે. હું કેમ તારી સાથે આ રીતે વર્તી રહી છું? હું કેમ તારી વાત માની-”
“આટલા વર્ષો RAWમાં કામ કર્યા બાદ હું મારી માનસિકતામાં પરિમાર્જન જોઈ રહી છું, મૅર્વિના.” અવનીએ વચ્ચે જ કહ્યું- “હું આતંકવાદનો નાશ ઈચ્છું છું, આતંકવાદીઓનો નહિ!”
ક્ષણભર મૌન રહીને, કંઈક વિચારીને મૅર્વિના આગળ બોલી-
“બે દિવસ પહેલાં મેં નક્કી કર્યું હતું કે હવે મૅડમને અહીં બોલાવી ‌લઉં. વેદાંતે જણાવ્યું કે તું આવવાની છે. મેં મૅડમને બોલાવવાનું માંડી વાળ્યું! કેમ? મેં એમ વિચાર્યું હતું કે અવનીને પૂછીને પછી મૅડમને જાણ કરીશ! આવું કેમ?”
“વિશ્વાસ!” અવનીએ કહ્યું.
“હું પાગલ થઈ જઈશ!”
“વેદ આવશે પછી બધું ઠીક થઈ જશે.”
મૅર્વિના અવની સામે જોઈ રહી. અવનીએ કહ્યું-
“વેદ હકારાત્મકતાથી ભરપૂર છે. તેણે એક વર્ષ ગૅપ-યર તરીકે વીતાવવાનું નક્કી કર્યું છે. તે જીવનને સમજવા માંગે છે. તું પણ સમજવા માંગે છે. તું નકારાત્મક છે. તમે બંને મળો ત્યારે તું તારી બધી જ નકારાત્મકતા વેદ સામે ઠાલવી દેજે. એ એની હકારાત્મકતા વેરશે. બે વિરુદ્ધ પ્રવાહો એકબીજા સામે ટકરાશે. પછી શું થશે? કાં તો વેદ આતંકવાદી બની જશે, કાં તો તું માનવ બની જઈશ! ત્રીજો કોઈ વિકલ્પ મને નથી દેખાતો. આશા રાખું કે વેદ આતંકવાદી ન બને! ખરેખર તો, મને વેદ પર વિશ્વાસ છે… પણ તું ય કંઈ ઓછી નથી! જોઈએ, શું થાય છે!”
“એટલે…” મૅર્વિનાને વિચાર આવ્યો- “હવે પછીના જીવનમાં વેદ મારી સાથે જ રહેશે!”
“એ જ તો મજાની વાત છે! જો તું માનવ બનીશ તો માનવોની દુનિયામાં વેદ તારી સાથે રહેશે અને જો વેદ આતંકવાદી બનશે તો આતંકવાદીઓની દુનિયામાં તું એને એકલો નહિ મૂકે! સો વાતની એક વાત….”
“હું અને વેદ સાથે સાથે!”
“હં! ખૂબ સરસ!”
થોડી વાર બંને ચૂપ રહ્યા. અવનીએ કાગળ અને પેન મૅર્વિનાને આપતાં કહ્યું-
“તારે એક પત્ર લખવાનો છે.”
“કોને?”
“વેદને. તેને અહીં બોલાવવા માટે.”
“હું એકવાર આવો જ પ્રયત્ન કરી ચૂકી છું, અવની!”
“એને અહીં લાવવાની જવાબદારી મારી.”
પત્રમાં કેટલી વિગત લખવી, ભમરાહની વાત મારી સમક્ષ કઈ રીતે મૂકવી, હું ભમરાહ આવવા માટે તૈયાર થઈ જઉં એવું શું પત્રમાં લખવું, મૅર્વિનાને મારી સમક્ષ કઈ રીતે પ્રસ્તુત કરવી, મને આતંકવાદીઓથી બચાવવા માટે શું ગોઠવણ કરવી, વગેરે મુદ્દાઓ પર અવની અને મૅર્વિના વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. બધું નક્કી થઈ ગયાં પછી મૅર્વિનાએ પૂછ્યું-
“હું મારું નામ શું રાખું? વિશ્વા?”
“વૃંદા.” અવનીએ કહ્યું.
“હવે એમાં શું ફેર પડી જશે, વિશ્વા રાખીએ કે વૃંદા?”
“આમ તો કંઈ ફરક ન પડે!” અવનીએ કહ્યું- “હું આ નામ સૂચવું છું એના બે કારણો છે. પહેલું તો એ કે વૃંદા નામ મને બહુ ગમે છે. ઘણાં ઓપરૅશન્સમાં હું મારું નામ વૃંદા રાખી ચૂકી છું.”
“એટલે…. અવની તો તારું સાચું નામ છે ને?”
“હા, સો ટકા સાચું, જૂનું અને જાણીતું!”
“બીજું કારણ?”
“આમ તો, વૃંદા શબ્દનો અર્થ થાય છે ‘તુલસી’. જો, તું પાછી એમ ન સમજતી કે હું ભાષાની વિદ્વાન છું! આ તો આ નામ મને ગમે છે એટલે એના વિશે થોડું જાણ્યું હતું. તો, એ શબ્દનો અર્થ થાય છે તુલસી. એ પરથી જ વૃંદાવન શબ્દ બન્યો છે. પણ અત્યારે એ બધું અગત્યનું નથી. અગત્યનું એ છે કે રાધાનું એક નામ હતું વૃંદા.”
“કોણ રાધા?”
“લ્લે! કૃષ્ણની રાધા!”
“કોણ કૃષ્ણ? આ…. આપણે… અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો એ?”
“હાસ્તો!”
“પણ એમાં રાધા ક્યાં આવે છે?”
“કૃષ્ણની બાળલીલાની વાતો તેં નથી સાંભળી, યાર?”
“કોણ સંભળાવે?”
“……”
“……”
“કૃષ્ણના ચિત્રોમાં જે કન્યા કૃષ્ણની સાથે હોય છે એ રાધા.” કહીને પછી અવનીએ રાધા-કૃષ્ણની પરિચયાત્મક વાતો મૅર્વિનાને સંભળાવી.
“એ બધું બરાબર!” મૅર્વિનાને પૂછ્યું- “પણ મારું નામ રાધાના નામ પરથી રાખવાનો શું અર્થ?”
“વેદનું સાચું નામ છે વેદમોહન.” અવનીએ મારા નામ વિશે મૅર્વિનાને જણાવ્યું- “વેદમોહન એટલે કૃષ્ણ.”
“તો, વેદ-વૃંદા એટલે કૃષ્ણ-રાધા?” આ પૂછતી વૅળા મૅર્વિના હરખાઈ હતી!
“બીજું શું?”
અવનીને એમ હતું કે મૅર્વિના ખુશ થઈને સહેજ હસશે. પણ એવું ન બન્યું! તેણે કહ્યું-
“પત્ર લખીએ?”
“લખ!”

(ક્રમશઃ)