Naa hu nahi bhagu books and stories free download online pdf in Gujarati

ના, હું નહીં ભાગું....!


"Hi"
મોબાઈલ સ્ક્રીન પર મેસેજ સ્ટ્રીપમાં એક અજાણ્યો મેસેજ ઝળકયો.
અનિતાને થોડો ગુસ્સો આવ્યો. કોણ હશે ? રૂપાળી છોકરીઓના મોબાઈલ નં. લઈને મેસેજથી દિલ જીતવા સર સાંધાન કરતા આવા અલેલટપ્પુઓથી અનિતાને સખત નફરત હતી. રોજ આ અજાણ્યા નં પરથી 'hi' નો હાયકારો આવતો હતો.અનિતા રોજે જ એને ડીલીટ મારી દેતી હતી.પણ એ ચીટકું જવાબ લીધા વગર નહીં છોડે એમ લાગતું હતું.
આખરે અનિતાએ એનો બુઠ્ઠી છરી જેવો રીપ્લાય તૈયાર કર્યો.અને બીજા દિવસની વાટ જોઈ રહી.
રાત્રે બરાબર દસ વાગીને સાત મિનીટ થઈ. એ મેસેજીયો, સમયનો બડો પાબંદ હોય એવું લાગ્યું.
"Hi"
મોબાઈલ પરની મેસેજ સ્ટ્રીપ ચમકી ઉઠી.
અનિતાએ વોટ્સએપ ખોલીને રીપ્લાય લખવા માંડ્યો..
"બોલ ભાઈ... તું કેટલાય દી થી રોજ રાતે દસ વાગીને સાત મિનિટ થાય એટલે હાયકારો કેમ કરે છે ? હું પોરબંદરથી નવઘણ સુમરા મેર આ લખું છું. તારી અંદર જે હાયકારો ભર્યો છે ઇ ખાલી કરવાની અહીં બહુ મોકળાશ છે. બોલ કે'દી આવે છે ? "
સેન્ડ બટન દબાવીને અનિતા ખડખડાટ હસી પડી. બેટમજી, કર લે હવે "Hi" !
પણ એનું આશ્ચર્ય શમે એ પહેલાં તો પેલાનો રીપ્લાય આવ્યો.
"નવઘણભાઈ જે માતાજી ! હું જામનગરથી જોરુભા ! મને ખબર છે તમારે ત્યાં બહુ મોકળાશ છે. એટલે જ તમને રોજ હંભારું છું. હવે આ નવા જમાનામાં Hi એટલે રામ રામ સમજવાનું..
પોરબંદર તો આપણી જીપુ (જીપ ગાડીઓ) રોજના બે ચાર ફેરા મારે છે.ક્યારેક આવીશ કહુંબા પાણી કરવા. લ્યો ત્યારે રામે રામ ! કાલ રાતે દસને સાતે મળીએ 😊😊."
અનિતાને એ મેસેજ વાંચીને અને છેલ્લે જે સ્માઇલી મુકેલા એ જોઈને હસવું આવી ગયું. એને એમ હતું કે કોઈ લબાડીયો હશે તો નવઘણ મેરનું નામ વાંચીને ડરી જશે. પણ આ સાલ્લો મોટી માયા નીકળ્યો ! "કદાચ એ જાણતો જ હોવો જોઈએ કે આ મારો નંબર છે.
જોઈએ હવે આ જોરુભા ને "
એમ વિચારતી વિચારતી એ સુઈ ગઈ. અનિતા કોલેજના બીજા વરસમાં હતી. દરેક છોકરીની જેમ એને એના પપ્પા ખૂબ જ વ્હાલા હતા. ખૂબ જ બ્રોડ માઈન્ડ અને એજ્યુકેટેડ ફેમિલી હોઈ, કુટુંબ પરિવારની મોટીબાઓ અને કાકીઓને અનિતાની મમ્મીની ખૂબ જ ઈર્ષા થતી. કારણ કે અનિતાના પપ્પા, એની મમ્મીને ખૂબ જ છૂટ આપતા. હરવા ફરવાની, શોપિંગ કરવાની, વારે તહેવારે બહાર ફરવા જવાની ખૂબ છૂટછાટ હતી.
દિવાળી અને ઉનાળાના વેકેશનમાં અનિતાનું ફેમિલી ક્યાંકને ક્યાંક ફરવા ઉપડી જતું.એના પપ્પા હર્ષદભાઈને સારી સરકારી નોકરી હતી.મમ્મી પણ ભણેલી અને ખૂબ જ સુખી કુટુંબમાંથી આવતી હતી.
અનિતાની કઝીન બહેનોમાંથી કોઈ દસથી આગળ ભણ્યું નહોતું. રૂઢિચુસ્ત પરિવારમાં દીકરીને કોલેજમાં મોકલવામાં એક ડર, ઘર કરી ગયો હોય છે. છોકરી કોઈના પ્રેમમાં પડે પડે અને પડે જ ! અને ઈજ્જત વગરના કરી મૂકે એવી અને મહદ અંશે અમુક કુટુંબોમાં સાચી પડતી માન્યતાઓએ અનેક હોનહાર છોકરીઓનું જીવન એક ઘરકામ કરનારી ગૃહિણીની જંજીરો માં કેદ કરી દીધું છે. પણ હર્ષદભાઈએ અનિતાને આ વાત ખૂબ જ સમજાવી હતી.
"જો બેટા.. છોકરા અને છોકરીઓ એકબીજાના સંપર્કમાં આવે એટલે મુગ્ધાવસ્થા દરમ્યાન વિજાતીય આકર્ષણ થાય.એ વિજાતીય આકર્ષણ અને પ્રેમ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા હોય છે. આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજના નીતિનિયમો પ્રમાણે જ આપણે રહીએ તો જ સમાજમાં આપણી ઈજ્જત જળવાઈ રહે !
તને તારી જિંદગીના નિર્ણયો લેવાની પૂરેપૂરી છૂટ છે, પણ મેં તને ઉછેરીને મોટી કરી છે એટલે એવો નિર્ણય ક્યારેય ન લેતી કે મારે સમાજમાં નીચું જોવું પડે.અને જે લોકોએ તેમની છોકરીઓનું જીવન રસોડાની કેદમાં ગોઠવી દીધું છે એ લોકો સાચા સાબિત થાય. તારે ભણી ગણી ને કોઈ સારી કારકિર્દી બનાવીને આપણા સમાજને બતાવી દેવાનું છે કે છોકરીઓ કોલેજમાં પ્રેમ કરીને ભાગવા માટે નહીં પણ ભણી ગણીને કંઇક બનવા માટે જાય છે. એમનું જીવતર માત્ર કચરા પોતા કરવા ,રસોઈ કરવા અને બાળકો પેદા કરીને એમને ઉછેરવા માટે જ માત્ર નથી."
તે દિવસે બારમાં ધોરણનું પરિણામ તેના હાથમાં હતું. કોલેજમાં એડમિશન લેવા એનું મન કુદકા મારતું હતું. પપ્પાની વાતનો પડઘો પાડતા એ બોલી હતી.
"પપ્પા, હું તમારી દીકરી છું. તમારી ઈચ્છા વિરુદ્ધ હું ક્યારેય કોઈ પગલું ભરીશ નહિ.મારી કઝીન બહેનોના નસીબમાં હોવા છતાં એમને નથી મળ્યું , અને મને મળ્યું છે એની કિંમત મને બરાબર ખબર છે. મારા જીવનની રાહ તમે જ નક્કી કરી છે અને મારું લક્ષ પણ તમારી ઈચ્છા પૂર્ણ કરવાનું જ રહેશે. હું આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા સમજીશ અને ન સમજાય તો તમને પૂછીશ.હું ક્યારેય કોઈના છીછરા પ્રેમને તમારા પ્રેમ કરતા વધુ માનીશ જ નહીં,અને હું ક્યારેય એવી રીતે નહી ભાગું !"
"વાહ, મારી દીકરી..જા હવે તું દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને રહે તો પણ મને કોઈ ચિંતા નહીં હોય " અનિતાની પીઠ થાબડતા હર્ષદભાઈ ખડખડાટ હસી પડ્યા.એમના એ હાસ્યને ક્યારેય દર્દમાં રૂપાંતર ન થવા દેવાનો મક્કમ નિર્ધાર કરીને અનિતાએ ભણવા માંડ્યું હતું.
પણ કોલેજમાં પગ મુકતા જ મુગ્ધાવસ્થામાંથી યુવાવસ્થા આવી ગઈ. ફૂલોથી ખીલેલા બગીચામાં અનેક રંગબેરંગી પતંગિયા અને ગુંજારવ કરતા ભ્રમરો આમથી તેમ ઉડી રહયા હતા.અને તાજી ખીલેલી કળીઓ પમરાટ કરી રહી હતી. ભણવા સાથે અનેક પ્રકારની પ્રવૃતિઓમાં જોડા જોડ રહેતા યુવકો અને યુવતીઓ ક્યારે એકબીજાના મિત્રો થઈ ગયા અને ક્યારે એકબીજાને ગમવા માંડ્યા અને ક્યારે એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા એની કોઈને કશી જ ગતાગમ ન રહી. પણ આ બધામાં એક અનિતા અડગ રહી.કેટલાય છોકરાઓ એના ફ્રેન્ડ બન્યા પણ કોઈ બોય એનો ફ્રેન્ડ બની ન શક્યો. એક રેખા એના આકર્ષક વ્યક્તિત્વની આસપાસ એણે ખેંચી લીધી જે કદાચ લક્ષમણ રેખા કરતાંય જબરજસ્ત હતી !!
પણ એનું હૈયુંફુટું હૈયું, યુવાનીના આવેગના રસને જાળવી ન શક્યું. એ આવેગ કોઈના પ્રત્યેનો પ્રેમ બનીને એની માસૂમ આંખોમાંથી વહેવા લાગ્યો. પણ એ પ્રેમનો પ્રવાહ, એણે આડી બાંધેલી પપ્પાને આપેલા વચનની પાળને તોડવા સમર્થ નહોતો !!
* * *
અનિકેત એક છેલછબીલો અને ફુટડો યુવાન હતો ( આ 'ફુટડો' એટલે કેવો એ મને પણ ખબર નથી.આપણી ગુજરાતી ભાષામાં ખૂબ રૂપાળો હોય એના માટે આ શબ્દ પ્રયોજાતો હોય છે એટલે મેં પણ ઠબકાર્યો છે , હલવી લેજો !)
અનિકેત નવા જમાનની એકદમ નવી આવૃત્તિ જેવો અને દિલફેંક યુવાન હતો. એના અતી ધનિક પિતાએ એને તમામ પ્રકારની છૂટ આપી રાખી હતી. બાઇક અને મોબાઈલ ઉપરાંત ગોગલ્સથી માંડીને શૂઝ સુધીનું બધું જ એની પાસે લેટેસ્ટ હતું. અને ગર્લફ્રેન્ડ પણ લેટેસ્ટ જ હોવી જોઈએ એમ એ માનતો. ઓછી બુદ્ધિની અને પોતાને બોલ્ડ ગણાવનારી, કહેવાતી મોર્ડન ખયાલાતની ઘણી ગર્લ્સ એની ગર્લ ફ્રેન્ડ હતી. જ્યારે ઈચ્છે ત્યારે અને જેને ઈચ્છે તે ગર્લ એને કંપની આપવા તૈયાર રહેતી. કોલેજમાં એ ભણવા આવતો હતો કે કોઈ ભમરો બગીચામાં ખીલેલી કલીઓનો રસ ચૂસવા આવતો હતો એ સમજવા જેવું હતું.
માત્ર આટલું જ નહીં, કલાસમાં તરેહ તરેહના સવાલો પૂછીને એ પ્રોફેસરોને પણ પરસેવો વાળી દેતો. ભણવામાં એનું મગજ કામ કરતું જ હતું પણ બડે બાપ કી બીગડી ઓલાદ હોઈ એ રસ્તો ભટકી ગયો હતો.ભૂતકાળના હોંશિયાર વિદ્યાર્થીઓએ એની ગુલામીના બીજા નામ જેવી દોસ્તી પોતાનું સ્વમાન બચાવવા તોડી નાખી હતી.અને નપાવટ, રખડું અને હાજી હા કરનારા એના મિત્રો ચમચા બનીને એને ખાલી કરી રહ્યા હતા.
પણ અનિકેત નામના એ તપેલાની પાછળ ઉભેલા એના પપ્પાનું પીપ પૈસાથી છલકાતું હતું !!
"સર, એક સવાલ છે..." અનિકેતે શાંતિથી ચાલતા લેક્ચર દરમ્યાન ઉભા થઈને કહ્યું. પ્રોફેસરે ચશ્માની ઉપરથી એની સામે જોઇને ડોળા કાઢ્યા. પણ એ હેઠો બેસે ખરો ?
"આ આલ્ફા, બીટા અને ગેમાં નામ કોણે પાડ્યા ? અને એનો ગુજરાતી મિનિંગ શુ થાય ? એ આલ્ફાને આપણે ઝૂલ્ફાં કહીએ તો ચાલે ?"
આખો કલાસ ખડખડાટ હસી પડ્યો.પ્રોફેસરની કિરકિરી કરવામાં ઉસ્તાદ અનિકેત હજી બીજો સવાલ કરે એ પહેલાં જ આવું ડિસ્ટર્બન્સ થવાથી ગુસ્સે ભરાયેલી અનિતા ઉભી થઇ.
"સર, આપને વાંધો ન હોય તો હું એને જવાબ આપું...! "
આખો કલાસ અનિતાના ગૌરવર્ણ અને રિયલ બોલ્ડ ચહેરાને તાકી રહ્યા. અનિકેતને તો ભાવતું ભોજન મળ્યું હોય એમ મંદ મંદ હસી રહ્યો.
"શ્યોર..શ્યોર.. " સાહેબે રજા આપી એટલે અનિતાએ પૂછ્યું.
"સર એનું નામ પૂછો.." અનિતાએ સરને મીડિયા બનાવ્યા.
"અનિકેત...અનિકેત ચાવડા.." અનિકેતે અનિતા સામે જોઇને બિન્ધાસ્ત આંખ મારી.
"તો તારું નામ અનિકેત ચાવડા કોણે પાડ્યું ? ચા..વડાને બદલે અમે તને બટેટા વડા કહીએ તો ચાલશે ? અને અનિકેતને બદલે અરજણ કહીએ તો કેવું લાગશે ? ખોટી મગજમારી કર્યા વગર શાંતીથી ભણને ! ન જ ભણવું હોય તો ઘેર જા..અને આંખો સીધી રાખજે નકર આંધળો થઈ જઈશ....."
અનિકેત અને એના આઠ દસ ચમચાઓ સિવાય બધા ખખડી પડ્યા.પ્રોફેસરને તો એટલું હસવું આવ્યું કે ઉધરસ ચડી ગઈ.એમને વિચિત્ર રીતે ખાંસતા જોઈ ફરી બધા હસી પડ્યા. અનિકેત ગુસ્સાથી કાળો મેંશ થઇને, "બહાર નિકળ, બતાવું તને.." એમ કહી બેસી ગયો.
કોલેજના દરવાજે આ ઘટનાની પ્રતિઘટના બનવા માટે ઉભી હતી. અનિકેતના ચમચાઓ, અનિકેતના જોખમે અને એના જ બલબુત્તા પર અનિતાનો તમાશો બનાવવા તલપાપડ હતા !!
"ઓ..મેડમ, આ બાજુ આવો, બટેટાવડા બહુ ભાવે છે ને ! આજે તારા ઝુલ્ફાને આલ્ફા ન બનાવી દઉં તો મારું નામ અનિકેત ચાવડાને બદલે અરજણ બટેટાવડા રાખી લઈશ.." કોલેજના ગેટમાંથી પોતાના મોપેડ પર નીકળી રહેલી અને આખા મોં પર દુપટ્ટો વીંટાળીને ઉપર બ્લેક ગોગલ્સ પહેર્યા હોવા છતાં અનિતાને ઓળખી જઈને અનિકેતે પોતાની બાઇક આડી ઉભી રાખીને, ચપટી વગાડતાં કહ્યું.
એ સાથે જ ગોળના દડબાં પર માખીઓ બંમણી પડે એમ તમાશો જોવા વિદ્યાર્થીઓનું ટોળું ગેટમાં ભેગું થઈ ગયું. અનિકેતના ચમચાઓ અનિતાની મોપેડને પાછળથી ખેંચવા લાગ્યા.
એક ગુંડો, કોઈ નિઃસહાય છોકરીને છેડે એવું જ કાંઈક વાતાવરણ બની ગયું.તમાશો જોનાર બધા આ બીગડી ઓલાદોને ઓળખતા હતા , અને જે નહોતા ઓળખતાં એ પણ "નકામી વ્હોરવા" નહોતા માંગતા !!
(કારણ વગરની માથાકૂટમાં પડવું)
અનિતાએ મોપેડનું સ્ટેન્ડ ચડાવ્યું. ગેટમાં વિદ્યાર્થીઓના ટોળા જોઈ વિદ્યાર્થીનીઓ પણ આવી પહોંચી.
"ઓ..હીરો.. બોલીને ફરી ન જતો..બોલ ક્યાં ખવડાવે છે બટેટાવડા ?" કહીને એણે ઉંચી હિલવાળું સેન્ડલ કાઢીને આગળનો ભાગ હાથમાં પકડીને હથિયાર તૈયાર કર્યું.
એ જોઈને અનિતાની સખીઓ પણ પોતપોતાના સેન્ડલ લઈને અનિકેત અને એના ચમચાઓ ફરતે ગોઠવાઈ ગઈ. મેદાનમાં સૈનિકોની ગોઠવણ થયેલી જોઈ તમાશો જોવા ઉભેલા પ્રેક્ષકોએ હુરીઓ બોલાવવાનું શરૂ કર્યું. "અરજણ..અરજણ...અરજણ..હો..ઓ..ય....હો..ઓ..ય.. હો..ઓ..ય...."
અનિતાએ સેન્ડલ ઉગામ્યું. જાણે કે ધનુષ્યનો ટંકાર થયો. આખો માહોલ પોતાની વિરુદ્ધમાં ગયેલો જોઈને અને પોતાના ચમચાઓ પણ છોકરીઓ દ્વારા ઘેરાઈ ગયેલા જોઈએ અરજણે (હવે આપણે પણ આ લબાડને અરજણ જ કહીશું. અનિકેત જેવું સારું નામ આવાઓને શોભે ખરું ??") બાઇકને સેલ માર્યો. પળવારમાં એ અદ્રશ્ય થઈ ગયો અને બીજી પળે અનિતાનું મોપેડ પકડીને ઉભેલા અરજણના ચમચાઓ પર સેન્ડલની હિલોના સપાટા અને ગેલમાં આવી ગયેલા તમાશાદેખુઓનો ટપલી દાવ શરૂ થઈ ગયો.
એક મહિના સુધી અરજણ કોલેજમાં દેખાયો નહીં.એના માલેતુજાર પપ્પાને ક્યાંકથી માહિતી મળી. વધુ પડતી છૂટછાટને કારણે પોતાના દીકરાની આડે પાટે ચડેલી ગાડી, સાચી સમજણ આપીને એમણે પાટે ચડાવી.
બીજી કોલેજમાં જઈને એ ભાગેડું સાબિત થવા નહોતો માંગતો. અને આ કોલેજમાં હવે એ બટેટાવડાં વાળો અરજણ થઈ ગયો હતો.પણ આખરે એ આવ્યો. કલાસમાં આવીને એણે પોતાની કરતૂતો બદલ બધાની માફી માગી.ખાસ કરીને અનિતાને સ્પેશિયલ સોરી પણ કહ્યું. હવે પોતે અરજણ બટેટાવડાંવાળા તરીકે જ અહીં ભણશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈને ફરિયાદનો મોકો નહી આપવાની ખાતરી પણ આપી.
ફાઇનલ એક્ઝામમાં કલાસ ફર્સ્ટ અરજણ બટેટાવડાવાળાનું નામ છપાયેલું જોઈને અનિતાના દિલની મરું ભૂમિ પર અનિકેત પ્રત્યે કૂણી લાગણીનો એક અંકુર, નફરતના નબળા પડી ગયેલા પોડાને ફગાવીને ઊગી નીકળ્યો.
અનિકેત (હવે આપણે એની સજા માફ કરીએ છીએ) અનિતાની સામે આંખ પણ મેળવતો નહોતો. પણ તે નોટીસબોર્ડ પર પ્રથમ નામ વાંચીને અનિતાએ પાછળ જોયું તો અનિકેત ઉભો હતો. અનિતાએ સ્વાભાવિક રીતે જ એને સ્માઈલ આપ્યું, "કોંગ્રેશચ્યુલેશન..અરજણ...ઓહ સોરી...અનિકેત.." હસીને અનિતાએ કહ્યું.
"થેંક્યું સો મચ..ના..અનિકેત નહીં, અરજણ જ બરાબર..અનિકેતનું આ કામ નથી.." અનિકેતે પણ હસીને જવાબ આપ્યો.
"અરજણનું શુદ્ધ ગુજરાતી ખબર છે ?"અનિતાએ ફરી હોઠ વાંકાવ્યા.
"ના, નથી ખબર.અને જાણવું પણ નથી.એકવાર શુદ્ધ ગુજરાતી જાણવાની ટ્રાય કરી ચુક્યો છું..."
"બાય ધ વે..અર્જુનને ગામઠી ભાષામાં અરજણ કહેવામાં આવે છે..ફોર યોર નોલેજ..!, મને ખ્યાલ નહોતો કે તું ભણવામાં પણ આટલો કાબેલ હઈશ.બેસ્ટ ઓફ લક" કહીને અનિતા ચાલી ગઈ.પણ એટલીવારમાં દિલમાં ઉગેલો અંકુર નવપલ્લવિત થઈ ચૂક્યો હતો.
અનિકેતને તો એમ જ હતું કે આ બે ધારી તલવાર જેવી છોકરીની અડતાં (પાસે)જવામાં ઘાયલ થવાના પુરા ચાન્સ છે ! એટલે એણે દૂરથી જ ગોરીલા હુમલા કરવાનું મન બનાવ્યું. અને ડાહ્યા થઈ ગયેલા અનિકેતને એની કોઈ જૂની બહેનપણીએ અનિતાનો મોબાઈલ નંબર મેળવી આપ્યો.
અને બીજા દિવસથી રાત્રે દસ વાગીને સાત મિનિટે અનિતાના મોબાઈલ પર મેસેજ સ્ટ્રીપ ચમકી "Hi"
આ દસને સાત મિનિટ અનિતાનો જન્મ સમય હતો એ આપણા અરજણે શોધી કાઢ્યું હતું !! અનિતા વિશે જાણવાનું એણે કંઈ જ બાકી નહોતું રાખ્યું એ કહેવાની જરૂર છે ખરી ?
## ##
" Hi "
મેસેજ જોઈને અનિતા ફરી નવઘણ બની ગઈ.
"બોલોને જોરુભા..આપણને આવી રીતે રામ રામ કરવા ગમતા નથી..."
"એ જે માતાજી, નવઘણભાઈ...
રામ રામ..ભલા માણસ રામ રામ તો થાય જ ને !"
હવે રોજ રાત્રે દસ વાગીને સાત મિનિટે જોરુભા અને નવઘણનું "રામ રામ" અને "જે માતાજી " વાળું ચેટ થવા લાગ્યું . બન્નેએ એકબીજાના પરિચયમાં ગપ ગોળા હાંકયે રાખ્યા.
"અમે સાત ભાઈ, હું નવઘણ નાનો..અહીં મારે દોઢસો વિઘા જમીન, ટ્રેકટર અને ધાબાવાળા (R C C) મકાન છે, ક્યારેક આવો મેમાન થઈને..."
"ચોક્કસ આવીશ હોં. મને તો તમારી જેવા ભાઈબંધની ભાઈબંધી બહુ જ ગમે હો..હું જોરુભા જાડેજા, જામનગરનો..રાજવી પરિવારમાંથી આવું છું.ટ્રાવેલ્સ અને બાંધકામનો આપણે ખૂબ મોટા ધંધા આખા ઇન્ડિયામાં આપણે ફેલાવ્યા છે...કામ કાજ હોય તો અડધી રાત્યે ફોન કરજો.." વગેરે વગેરે..
અનિતા તો માત્ર ગેમ જ રમતી હતી.પણ હવે એ ગેમ એની આદત બની ગઈ હતી. અનિકેતને અનિતાની આ અદા ખૂબ જ પસંદ આવી હતી. એના જેવી અલ્લડ અને સ્વમાની યુવતી આગળ ભૂતકાળની બધી જ ગર્લફ્રેન્ડ એને ઝાંખી લાગવા માંડી. મનોમન એ અનિતાને અત્યંત ચાહવા લાગ્યો.
અનિતાના દિલમાં ફૂટેલો પેલો પ્રેમાકુંર પણ અનિકેતના સજ્જનતા ભર્યા વ્યવહારથી ખીલવા લાગ્યો. એકબીજાના દિલોમાં પાંગરેલા પ્રેમનો એકરાર કેમ કરવો એ બે માંથી એકે'યને સૂઝતું નહોતું. અનિકેત તો હિંમત કરે તેમ નહોતો.મેસેજમાં એ અનિતાની સાથે જોરુભા બનીને પ્રેમવારીનો દૂરથી અભિષેક કરી લેતો હતો.પણ અનિતા હવે અકળાઈ રહી હતી.
આખરે એણે આ જોરુભાને જોવાનું નક્કી કર્યું.
" હેલોઓ...જોરુભા..હવે એમ કરો તમે આપણાં મે'માન થાવ..બોલો ક્યારે પધારો છો..."
"એ...રામ રામ નવઘણભાઈ...તમે કયો એટલે આવી જાઉં.." અનિકેતનો આનંદ ક્યાંય સમાતો નહોતો.
તારીખ અને સમય નક્કી થયા. અનિતા મૂળ પોરબંદરની જ હતી. વળી એને ત્યાં જમીન અને વાડી પણ હતા. ઉનાળાનું વેકેશન હતું.
વેશભૂષા વાળાને ત્યાંથી એણે મેર લોકોનો ડ્રેસ ભાડે લીધો. મોં ઉપર થોડો કાળો મેકઅપ કરીને નકલી મુછો ચડાવી.આઈ બ્રો ઉપર નકલી વાળ ચોંટાડીને જાડી ભ્રમરો ચિપકાવી. વાળનો અંબોડો લઈ માથા ઉપર આંટીઆળી પાઘડી મૂકી. કેડિયું અને ચોરણો પહેરીને પગમાં અસલ ચામડાની આગળથી ગોળ વળી ગયેલી ચડ ચડ થતી મોજડીઓ ચડાવી.આંખ ઉપર કાળા ગોગલ્સ અને ખભા ઉપર કડીયાળી ડાંગ મૂકીને એ ખેતરે ચાલી ત્યારે ગામની બજારે બેઠેલા ડોસાઓ બોલી ઉઠ્યા, "અલ્યા આ જુવાન ઓળખાણો નઈ...!!"
જોરુભાને મોબાઈલ લોકેશન મોકલીને મેસેજમાં "ગામનું નામ અને ગામના પાદરે વડલા હેઠળ એક જુવાન બેઠો હશે એનો મોબાઈલ નંબર મોકલીને જણાવી દિધું હતું કે તમને આપડી વાડીએ મારો ભાઈ લઈ આવશે.."
અનિતાના કાકાનો છોકરો એના મેર ભાઈબંધ સાથે ગામના પાદરે જોરુભાની વાટ જોઈને વડલાના છાંયે સવારે દસ વાગ્યે ગોઠવાઈ ગયો હતો.
અનિકેતે પણ એરડીયું નાખીને વાળ સીધા અને સપાટ ચપ્પડ ઓળીને ગોગલ્સ ચડાવ્યા. નાકની બન્ને બાજુ અડધા ગાલ ઉપર છવાઈ જતી નકલી મૂછોને વળ ચડાવીને આંકડા ચડાવ્યા. ગળામાં નકલી સોનાનો જાડો અને વાઘના નખના ચકદા (પેન્ડલ)વાળો ચેઇન દેખાય એવી રીતે શર્ટના ઉપરથી ચાર બટન ખુલ્લા રાખ્યા. નિયમિત જીમમાં જઈને એણે બોડી તો મજબૂત બનાવ્યું જ હતું પણ અમદાવાદનું ઉજળું શરીર પરખાઈ ન જાય એટલે છાતીમાં બદામી રંગ ચોપડી દીધો. ગંજી અને એની ઉપર આછા પીળા રંગનું ચાર ખુલ્લા બટનવાળા શર્ટની નીચે એકદમ નેવી બ્લુ કલરનું જાડું જીન્સ અને કમરે સિંહની મુખમુદ્રાવાળું ગોળાકાર અને બન્ને બાજુ નાની નાની તલવારોવાળા મોટા બકકલનો જાડો ચામડાનો પટ્ટો ચડાવીને એને એકદમ લાલ રંગના અસલ દરબારી જોડા ચડાવ્યા. હાથની બધી આંગળીઓમાં ઢંગધડા વગરની વીંટીઓ અને મોટી કાંડા ઘડિયાળ અને બીજા હાથમાં એક જાડું કડું પહેરીને એણે અમદાવાદથી વહેલી સવારે ત્રણ વાગ્યે એના પપ્પાની ફોર્ચ્યુનર બંગલામાંથી બહાર કાઢી ત્યારે એના ઘરમાં નીરવ શાંતી પથરાયેલી હતી.
જામનગર બાજુનો એક દોસ્ત હોસ્ટેલમાં રહેતો હતો એને સાથે લઈને અનિકેતની ફોર્ચ્યુનર પુરપાટ પોરબંદરની દિશામાં દોડી રહી હતી. અનિકેત ખૂબ એકસાઇટેડ હતો.અનિતાની આ રમતની એને બીક પણ લાગતી હતી. અનિતાએ જે રીતે એને મળવા બોલાવ્યો હતો એ જોઈને એને અનિતાના એ નંબર વિશે શંકા થઈ રહી હતી. ખરેખર જો આ કોઈ નવઘણ જ હોય તો પણ એક નવો દોસ્ત મળશે એમ માનીને એ ઉપડ્યો હતો.
સવારે સાડા દસ વાગ્યે અનિતાએ મોકલેલા લાઈવ લોકેશનના આધારે એ ગામના પાદરે પહોંચ્યો.
અનિતાએ આપેલા નંબર પર કોલ કરતા જ પેલા બન્ને ધડા ધડ કારના બારણાં ખોલીને અંદર બેઠા.
ગામ વટાવીને ખેતરોના કાચા રસ્તે દૂરથી આવી રહેલી ફોર્ચ્યુનર ગાડી જોઈને નવઘણના વેશમાં ઉભેલી અનિતા મનોમન મુશ્કેરાઈ.
આખરે જોરુભાની ગાડી નવઘણની વાડીએ આવીને ઉભી રહી.અનિકેત, અસલ મેર નવઘણને
તાકી રહ્યો.
"એ...એ...રામ..રામ...નવઘણભાઈ....."કહીને એ દોડ્યો.અનિતાને ગળે મળવાની જરાય ઈચ્છા ન હોવા છતાં અનિકેતે એને પોતાની બાહોમાં સમાવીને ભીંસી નાખી. નાટકનું કીરદાર ભજવ્યા વગર અનિતાને પણ ચાલે એમ નહોતું.એટલે એને પણ સામું જોર કરવું જ પડ્યું. પણ જોરુભા બનેલા અનિકેતે તો હળવા ફૂલ નવઘણને ઉચકી જ લીધો.
બન્નેએ ખાટલામાં સામસામી બેઠક જમાવી. અલક મલકની વાતો કરીને બપોરે ઘેરથી ભાત મંગાવીને ખાધું. ખેતી અને જીપોના ભાડાના ધંધાઓની વાતો આવડે એવી કરી.એકેયને એકબીજાના બનાવટી ધંધા વિશે કોઈ ગતાગમ પડતી નહોતી. જાડો અવાજ કાઢીને અનિતાનું ગળું દુઃખવા લાગ્યું. ચોરણો હવે પરસેવાથી લથબથ થયો હોઇ ખંજવાળ પણ આવતી હતી.
બન્નેએ છેક સુધી ગોગલ્સ કાઢ્યા નહીં. છેક બપોરે ચાર વાગ્યે જોરુભા જામનગર જવા રવાના થયા ત્યારે અનિતાને ગાડીન નં GJ 01 ##00 જોઈને નવાઈ લાગી.
એની ગાડી દેખાતી બંધ થઈ ત્યારે મેસેજટોન રણક્યો.
"ભાઈ નવઘણ, તને મળીને ખૂબ આનંદ થયો.પણ હું જાણી ગયો છું કે જેમ હું જોરુભા નથી એમ તું પણ નવઘણ નથી. કારણ કે પોરબંદરમાં તેં જે ગામ મને બતાવ્યું એ ગામમાં કોઈ નવઘણ નામનો માણસ જ નથી ! અને બકા ચણા નો છોડ હોય, એનું ઝાડ ન હોય. તેં તારા ખેતરમાં જે ઝાડ બતાવેલું એ બોરડીનું ઝાડ હતું. ચણાંનું નહીં !! પણ તેં મને જે રીતે ચણાના ઝાડ પર ચડાવ્યો એ મને ખુબ ગમ્યું. આફ્ટર ઓલ હવે આપણે આ નાટકનો અંત આણીએ..હું અમદાવાદથી આવેલો અનિકેત ચાવડા છું. તું નવઘણ તો નથી જ પણ એક જણ તરીકે તારી દોસ્તી મને ગમશે...આઈ લવ યુ દોસ્ત !"
મેસેજ વાંચીને અનિતાના દિલમાં અજીબ ઉભરો આવ્યો.અનિકેતે પોતાને એની બાહોમાં જકડીને જે રીતે ઉચકી હતી એ દ્રશ્ય એને યાદ આવી ગયું. એના હોઠ મરક મરક મરકી રહ્યા. એ જોઈને એનો કઝીન બોલી ઉઠ્યો, " ખરો ઉલ્લુ બનાવ્યોને એ ફેસબુકીયા ફ્રેન્ડને ?"
"અરે ભાઈ, એ તો ખૂબ ઉસ્તાદ નીકળ્યો. એ કાંઈ ઉલ્લુ બને એવો નથી.."
અનિકેતના મેસેજનો રીપ્લાય આપ્યા વગર એ બીજા દિવસે એ અમદાવાદ આવી. એના પપ્પાને અનિકેતની આખી વાત કે જે કલાસરૂમમાંથી શરૂ થઈ હતી ત્યાંથી સંભળાવી દીધી. આખા નાટકની જાણ કરીને અનિકેત પોતાને ગમતો હોવાનું પણ જણાવ્યું.
અનિતાના પપ્પાએ પોતાની આ દીકરીની નિખાલસ કબૂલાત વધાવી લીધી. અને જોરુભાએ નવઘણ જોડે જિંદગી જોડી દીધી !!