Mari sathe jivvu gamshe? books and stories free download online pdf in Gujarati

મારી સાથે જીવવું ગમશે?

સૌમ્યાને આજ પહેલા આવી અકળામણ કયારેય અનુભવી નહોતી. આજે સૌમ્યએ પહેલીવાર નમન ને મેસજમાં સીધેસીધું જ એની નમન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે નમન એ એટલું જ કીધું કે એ સૌમ્યા ને માત્ર ફ્રેન્ડ જ માને છે અને એમ પણ સૌમ્યના ભાભીના ભાઈ તરીકે પણ એના અને સૌમ્યાના સબંધને વિચારી નથી શકતો. એ સબંધને વધારે જટિલ બનાવવા નથી માંગતો. સૌમ્યા થોડીવાર તો શમશમી ગઈ. એને હંમેશા એવુ લાગ્યુ હતું કે, જે રીતે એ નમન ને પસંદ કરે છે એ રીતે નમન પણ એને પસંદ કરે છે. ખાલી એ સબંધો ની આંટીઘૂંટી માં ફસાયો છે એટલે જ એણે પહેલ કરી ને આજે એના મન ની વાત કહી જ દીધી હતી. નમન ની ચોખ્ખી ના પછી પણ સૌમ્યા એ વાત ને સ્વીકારવા તૈયાર નહોતી. છેવટે એને પણ નમન નો નિર્ણય યોગ્ય લાગ્યો. બધી વાતો મનમાંથી ખંખેરીને ઓફીસ જવા માટે તૈયાર થવા લાગી.
બે ‌‌‌‌‌‌‌બસ બદલીને માંડ ઑફિસ પહોંચી તો સર્વર ડાઉન. બપોર સુધી ફ્રી જ હતી. ત્યાં જ ઉર્વીશ નો મેસેજ આવ્યો કે, સાંજે છૂટીને ફ્રી હોય તો ઇસ્કોન મંદિર આવી જાવને, મારે મળવું છે પછી સાથે ઘરે જતા રહીશું. સૌમ્યાનો ઉર્વીશને ના કહેવાનો સવાલ જ નહોતો કારણ કે સૌમ્યા ઘણી વખત ઓફીસથી સીધી ઇસ્કોન મંદિર જતી અને ત્યાંથી બસમાં બેસીને ઘરે જતી એ વાત ઉર્વીશ જાણતો હતો.
ઉર્વીશ એટલે સૌમ્યના પપ્પાના મિત્રનો દીકરો. આમતો કૉલેજમાં હતો ત્યારે ઘણીવાર એકાન્ટન્ટ્સ શીખવા સૌમ્યા પાસે આવતો અને અલકમલકની વાતો કરતો. સૌમ્યા પણ હંમેશા એને જરૂરી સલાહ સૂચનો આપતી. આમતો ઉર્વીશ સૌમ્યા કરતા ઘણો નાનો પણ એને ઉર્વિશનું નિખાલસપણું અને વાકચાતુર્ય ગમતું. ઊર્વિશને હૈદરાબાદ માં નોકરી મળ્યા બાદ આઠ મહિના પછી પહેલીવાર અમદાવાદ આવ્યો હતો. હૈદરાબાદ ગયા પછી પણ તેઓ ફોનથી હંમેશા કોન્ટેક્ટ મા રહ્યા હતા. બંને એકબીજા સાથે દરેક વાત શેર કરતા. મેસેજ માં તો ઘણીબધી વાતો થતી પણ મળવાનું આજે જ બન્યું હતું એટલે એણે તરત જ હાં કહી દીધી.
સૌમ્યા ઇસ્કોન મંદિર પહોંચી ત્યારે ઉર્વીશ ગાર્ડન માં જ બેઠો હતો. સૌમ્યએ કહ્યું કે "અંદર દર્શન નથી કરવા?" ઉર્વીશ, "મારા દર્શન તો થઈ ગયા". સૌમ્યા ને આજે ઉર્વીશ ક્યાંક ખોવાયેલો લાગતો હતો. તેનો મૂડ કંઇક અલગ જ લાગતો હતો. સૌમ્યાએ જ વાત શરૂ કરી, વાતમાંથી વાતો નીકળતી ગઈ અને ઉર્વીશ એ કન્ફેસ કર્યું કે એને હૈદરાબાદ જઈને સ્મોકિંગ અને ડ્રિંકિંગ ની આદત લાગી ગઈ છે. સૌમ્યા થી તરત જ બોલાઈ ગયું કે આવી આદતો સારી નથી, છોડી દે આ બધું. ઉર્વીશ, " જો તમે મને આમ જ જિંદગીભર સલાહ આપતાં રહેશો તો જિંદગીભર તમારું માનીશ." સૌમ્યા ને પહેલા તો આશ્ચર્ય થયું પણ એને પણ મજાક સૂજી કે, " હંમેશાં તો હું આમ મળવા આવીને સલાહ નહિ આપી શકું, કારણ કે, સાંભળ્યું છે કે, તું હવે લગ્ન માટે છોકરીઓ જોવા લાગ્યો છે." ઉર્વીશ, " પણ હું તો જિંદગીભર તમારું જ માનીશ." સૌમ્યા, " હું કંઈ જિંદગીભર તારી સાથે થોડી રહીશ?" ઉર્વીશ, " પણ મને તો જિંદીભર તમારી સાથે જ રહેવું છે." "શું તમને મારી સાથે જિંદગીભર જીવવું ગમશે?" સૌમ્યા માટે તો જાણે સમય ક્યાંક રોકાઈ ગયો હતો. એને ઉર્વીશની આંખોનું ખેંચાણ એવું થતું હતું કે, એના ઉપરથી નજર જ નહોતી હટાવી શકતી. એને અત્યારે ઉર્વીશ કઈક અલગ જ વ્યક્તિ લાગતો હતો. એકદમ શાંત, ગંભીર અને જેની સાથે આખી જિંદગી જીવવી ગમે. પણ વાત ઉર્વીશની હતી, એ સૌમ્યા કરતા ઘણો નાનો હતો અને એના માટે તો સૌમ્યા સપનામાં પણ આવો વિચાર ના કરી શકે.
સૌમ્યા ફરી હકીકત ની દુનિયામાં આવી ગઈ અને એણે ઉર્વીશને સમજવાના પ્રયાસો શરૂ કર્યો. સૌમ્યાએ દુનિયાની નજરથી, ઉંમર તફાવત અને બીજી ઘણીબધી બાબતો કહી પણ એ બધાના જવાબ જે રીતે ઉર્વીશ આપતો હતો એ દર્શાવતું હતું કે, ઉર્વીશ કેટલો પીઢ હતો. ઉર્વીશ, "આ બધી વાતો કરતા પણ એક વાત જરુર કહીશ કે, ૭ વર્ષ પહેલાં જ્યારે હું પહેલીવાર પપ્પા સાથે આવ્યો હતો અને તમને પહેલીવાર જોયા હતા ત્યારે હું તમારા વિશે કશું જ નહતો જાણતો ત્યારે તમે મને પહેલી જ મુલાકાતમાં પસંદ આવ્યા હતાં. પછી આપણા ઉંમર તફાવત ને ધ્યાનમાં રાખી ને એ વિશે વિચારવાનું બંધ કરી દીધું હતું. પણ મારા પપ્પા ના કહેવાથી જ્યારે પણ લગ્ન માટે છોકરીઓ જોવા જાવ છું ત્યારે જાણે અજણ્યે તેની સરખામણી તમારી સાથે જ થઈ જાય છે." સૌમ્યા માટે આ વાત ખૂબ જ નવી હતી અને આશ્ચર્યજનક પણ. એનું હ્રદય ખૂબ જ જોરથી ધડકતું હતું કે, એ એના ધબકારા સાંભળી શકતી હતી. એનું મોઢું સુકાય ગયું હતું અને એને બોલવા માટે શબ્દો નહોતા મળતા. ઉર્વીશ પણ જાણે સૌમ્યા ને વિચારવાનો સમય આપતો હોય તેમ કશું જ બોલ્યા વગર શાંત ચિત્તે સૌમ્યા ના વિચારો શાંત થવાની રાહ જોતો હતો. સૌમ્યા, "પણ....." ઉર્વીશ, સૌમ્યા ની વચ્ચે જ વાત કાપતાં બોલ્યો કે, " ઉંમર તફાવત સિવાય આપણે એકબીજાને ઘણા લાંબા સમયથી અને બહુ નજીકથી જાણીએ છીએ. મને તો તમારી સાથે જીવવું ગમશે, શું તમને મારી સાથે જીવવું ગમશે?" સૌમ્યા ના હ્રદયે જ જાણે મગજ પર કાબૂ કરી લીધો હતો, એને ખબર જ ના પડી કે ક્યારે એણે ઉર્વિશના હાથ પર હાથ મૂકી દીધો.