valentine's day books and stories free download online pdf in Gujarati

વેલેન્ટાઈન્સ ડે...

વેલેન્ટાઈન ડે...... ( નવલિકા )................. દિનેશ પરમાર " નજર"

કોલેજના પ્રથમ દિવસે આશ્રમ રોડ પર આવેલ કોલેજના કેમ્પસમાં, નવયુવાન છોકરીઓ અને છોકરાઓ ના ઉભરાતા ઝૂંડથી બગીચા ની જેમ સમગ્રવાતાવરણ રંગીન બની ગયું હતું.

આ સાલ નવા આવેલા તેઓ એકબીજા ને મળી,, તો વળી ગઈ સાલ જે છોકરા છોકરીઓ આ કોલેજમાં ભણતા હતા તેઓ ફરી વાર પોતાના જૂના મિત્રોને મળી , હાય -હેલો કેમ છો?, વેકેશન કેવું ગયું?, કયા પર્યટન સ્થળે ફરવા ગયા હતા? વિગેરે પ્રકાર ની વાતચીત કરતા કોલાહલથી કોલેજનું કેમ્પસ , જે વેકેશનના કારણે આટલા દિવસથી શાંત ઉદાસ સુસુપ્ત અવસ્થામા સુતુ હતું તે , પડખું ફરીને જાણે જાગ્રત થઈ ગયુ.

એક નવોસવો વિદ્યાર્થી કેમ્પસમાં દાખલ થયો તેણે લઘરવઘર પેન્ટ પહેર્યું હતું. ઇન્સર્ટ કર્યા વગર નો શર્ટ પહેર્યો હતો . પગમાં વાદળી પટ્ટી વાળી સ્લીપર પહેરી હતી. તેલ નાખી ચપટ માથુ ઓળયુ હતું. કેમ્પસમાં ઉભેલા વિધ્યાર્થીઓ તેની તરફ જોઈ રહ્યા ટોળામાંથી કોઇક બોલ્યું..
“ બબૂચક બાઘેશ્રી....” લોકો ખડખડાટ હસવા માંડ્યા.

તે વિદ્યાર્થી ધીરે-ધીરે પોતાની ધૂનમાં ચાલતો-ચાલતો વર્ગખંડતરફ ગયો. સમય થતાં બધા વિદ્યાર્થીઓ પોતાના રૂમ તરફ જવા લાગ્યા.

પ્રથમ દિવસ હતો પ્રોફેસર ઉપાધ્યાય સાહેબ “હેલો એવરીબડી ગુડ મોર્નિગ “ કહેતા વર્ગખંડમાં દાખલ થયા તેની સાથે વિદ્યાર્થી ઓ રિસ્પેક્ટ આપવા ઉભા થયા અને”ગુડ મોર્નિગ” કહીને બેસી ગયા.

પ્રથમ દિવસ હોવાથી પ્રોફેસર સાહેબે પોતાનો પરિચય આપ્યો અને દરેકને પોતાનો પરિચય આપવા જણાવ્યું. પાછળ થી શરુકરતા ...” ચંદ્રેશ ભાવસાર...રાજેન્દ્ર રામી ...હરીશ વછેટા... દેવેન્દ્ર પટેલ ....રાજેસ્વરી ત્રિવેદી...ભુમિ પંડ્યા.... હર્ષદ જૈન... પોરવી શાહ....” જેમ-જેમ પરિચય આપતા ગયા તેમ તેમ લોકો પરિચય આપનારને જોતા હતા .“જ્યોતિ ઠક્કર” વર્ગની એક સુંદર છોકરી ઘંટ્ડીના રણકાર ની જેમ રણકી... લોકો એની તરફ જોતા જ રહ્યી ગયા . એક પછી એક લોકો પરિચય આપતા હતા આગળની બેન્ચમાં બેઠેલો પેલો વિદ્યાર્થી બોલ્યો, “દિપક સોલંકી “ લોકોએ તેની સામે જોયું.પાછળના ભાગમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક જાણે ધીમેથી કહ્યું” ઉર્ફે ..બોચીયો..” અને તેની આજુબાજુના સાંભળનારા વિદ્યાર્થીઓ અંદર અંદર હસવા લાગ્યા. પરિચય પત્યા પછી લેક્ચરની શરૂઆત થઈ.

***************************

દિપક સોલંકી ગોમતીપુર જેવા પછાત વિસ્તારમા આવેલ એક ચાલીમાં રહેતો હતો .તેના બાપુજી રિક્ષા ચલાવતા હતા ,જ્યારે તેના બા બાપુનગર ઇન્ડિયાકોલોની ની આજુબાજુ આવેલ સોસાયટીમાં ઘરકામ કરતા હતા. દીપકની ચાલીમા રહેતા છોકરાઓ કોઇ સાતમુ ધોરણ તો કોઈ દસમું ધોરણ ભણીને ઉઠી ગયા હતા જ્યારે દીપકને ભણવું ગમતું હતું એટલે બારમા ધોરણ પછી આગળ ભણવા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો .તેને ગીત ,સંગીત , ગઝલ જેવી ઈતર પ્રવૃત્તિમાં પણ રસ હતો .

***************************

કોલેજની શરૂઆત થઈ ગઈ હતી. ધીરે ધીરે લોકો એકબીજાના પરિચયમાં આવતા થયા હતા ,છોકરાઓ ના ગ્રુપ...,છોકરીઓ ના ગ્રુપ... , ક્યાક ભેગા ગ્રુપ બનતા થયા હતા. કોલેજમાં અનેક લોકો ગાડીઓ , મોટર સાઇકલ , લઈને આવતા હતા. ધનાઢય મા-બાપની એક્નીએક છોકરી ,જ્યોતિ ઠક્કર દેખાવમાં ખૂબ સુંદર હતી .રોજ રોજ ખૂબ લેટેસ્ટ કપડા પહેરીને,આહલાદ્ક ફ્રેગરન્સના ઇમ્પોરટેડ સ્પ્રે છાંટી ,પોતાની ગાડી લઈને કોલેજ આવતી. તેની આજુબાજુ બેનપણીઓ નું ટોળું વીંટળાઈ વળતું. કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ તેની પર ફિદા હતા , ને ઘણા તેને આકર્ષવાનો પ્રયત્ન કરતા પણ જ્યોતિ ઠક્કર કોઈને દાદ આપતી નહોતી .તે તેની બહેનપણીઓ સાથે સવારે એકાદ-બે લેક્ચર અટેન્ડ કરી કોલેજની કેન્ટીનમાં ગપ્પા મારતી અથવા ખાસ બહેનપણીઓ સાથે મલ્ટિપ્લેક્સમા પિક્ચર જોવા જતી.

દીપક સોલંકી ને ભણવા મા રસ હોઇ અન્ય વિદ્યાર્થીઓની સાથે ભણવામાં ધ્યાન આપતો અને પુરેપુરા લેક્ચર એટેંન્ડ કરતો . જ્યોતિ ઠક્કર અને તેની બહેનપણીઓ કાયમ દિપક સોલંકી ને ખાનગીમાં બબૂચક કે બોચિયો કહી મજાક ઉડાવતા. અન્ય વિદ્યાર્થીઓ પણ તેની જાણબાર આ રીતે જ તેની મશ્કરી કરતા.

આમને આમ કોલેજનો સમય પસાર થતો ગયો ,આ સમય દરમ્યાન કોલેજના આંતરિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું . જેમા ઘણા વિદ્યાર્થીઓએ નાટક, વકૃત્વ,ન્રુત્ય ,મોનો એક્ટિંગ વિગેરે મા ભાગ લીધો .જ્યારે લોકો ને ખબર પડી કે દીપક સોલંકી એ પણ

ગાયન સ્પર્ધામાં ભાગ લીધો છે ત્યારે તેના વર્ગના વિદ્યાર્થીઓ અંદરો અંદરચર્ચા કરી ખડખડાટ હસવા લાગ્યા અને મશ્કરીના ટોનમા બોલ્યા ,” કે આ બોચિયો વળી શું ગાવાનો.?? “ કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ પણ આ જણ્યું ત્યારે પેટ પકડી હસવા લાગ્યા. જ્યોતિ ઠ્ક્કર પણ આ સાંભળી ને હસી હસી ને બેવડ વળી ગઈ .દિપક સોલંકી તેમના માટે એક હાસ્યનુ પાત્ર માત્ર હતો.

ફેસ્ટિવલનો દિવસ આવી પહોચ્યો. કોલેજના જ કોમ્યુનિટી હોલમાં આયોજન હતું. એક પછી એક આઈટમ રજુ થતી ગઈ લોકો તાળીઓ પાડી વધાવતા ગયા. દિપક સોલંકી ના નામનુ એનાઉન્સ થયું. હવે તેની આઈટમ નો વારો હતો. હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓ “આ
શું ગાશે? “ના પ્રશ્નાર્થ સાથે મશ્કરી કરવાની મજા આવશે ની કલ્પના સાથે લોકો તૈયાર હતા .

ખીચોખીચ ભરેલા હોલમાં કેસરી કલરનો ઝભ્ભો પહેરેલ દિપક સોલંકી ધીરે-ધીરે સ્ટેજ પર આવી હાર્મોનિયમ પાસે બેઠો.આજે માથુ કોરુ રાખેલુ ત્થા કેશરી ઝભ્ભો ને ચુડિદાર મા સ્માર્ટ લાગતો હતો .
સામેની ખુરશી પર બેઠેલા પ્રિન્સિપલ સર, પ્રોફેસર્સ , અતિથિવિશેષશ્રી તથા તેના સાથી વિદ્યાર્થી મિત્રો સામે જોઈ, હાથ જોડી આજ્ઞા માગી તેણે તેના ગીતની શરૂઆત કરી .
હાર્મોનિયમ પર જેવી તેણે આંગળીઓ ફેરવી રાગ મારવા ના સુર છેડયા અને જે સરગમ વગાડી તેનાથી આખા યે હોલનું સંગીતમય વાતાવરણ બંધાઇ ગયું . ... અને હોલમાં સોપો પડી ગયો લોકો મોંમા આંગળા નાખી ગયા.કેટ્લાય ના મોં કુતુહલ થી ખુલ્લા રહી ગયા.

તેણે કવિશ્રી” ધૂની માંડલિયા “ ની એક સુંદર ગઝલ ગાવાની શરૂઆત કરી....

અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં
કદી તુંફા કદી વિશ્રામ છે તારી હથેળીમાં

આ મત્લાના શેરથી આખાએ હોલનું વાતાવરણ જબરજસ્ત બની ગયું તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠયો. આ બધાની વચ્ચે આશ્ચર્યથી આંખો પહોળી કરી જ્યોતિ ઠક્કર અનિમેષ નજરે અત્યાર સુધી જેને અંડર એસ્ટિમેટ કરેલ તે દિપક સોલંકી ને જોતી જ રહી ગઈ.....
ગઝલ નો બીજો શેર...રજુ થયો...

પછી શાને ચડે ના કેફ બેહદ આ સુરાલયમાં
મહેંદીથી ઘૂંટેલો જામ છે તારી હથેળીમાં

વાહ... વાહ... વાહ... થી આખો હોલ ગુંજી ઉઠ્યો...

નવી બાંધે ભલે નગરી પરંતુ જઈશ ના ભૂલી
હજી ખંડેર મારું ગામ છે તારી હથેળીમાં

કબર પર કંકુ ના થાપા તમારા હાથથી દેજો
અમારુ કોતરેલું નામ છે તારી હથેળીમાં

એક પછી એક શેર રજૂ થતાં ગયા.. તેમતેમ તાળીઓના ગડગડાટથી … વાહ...વાહ...થી હોલ ગુંજતો ગયો.
છેલ્લે મક્તાનો શેર રજૂ થયો…..

હથેળી જોઇ રાધાની કહ્યું’તુ કો’ક જોશીએ
‘ભલે તું હોય ગોરી , શ્યામ છે તારી હથેળીમાં

આ શેર રજૂ થતાંની સાથે આખો હોલ... આહા...વાહ...વાહ..અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો લોકો પોતાની ખુરશી પર ઉભા થઈ ક્યાંય સુધી તાળીઓ પાડતા રહ્યા. જ્યોતિ ઠક્કર તો છેલ્લો શેર સાંભળી જાણે આ શેર દિપકે તેને જ સંભળાવ્યો હોય તેમ ,પોતાની જાતમાં શરમાઈ ગઈ અને આજે અચાનક દિપક સોલંકી ને જોવાની તેની દ્રષ્ટિ અચાનક બદલાઈ ગઈ. આ સ્પર્ધામાં દિપક સોલંકી નો પ્રથમ નંબર આવ્યો તેને પ્રમાણપત્ર ને શિલ્ડ પ્રાપ્ત થયા .

**************************

જ્યોતિ ઠક્કર આ કાર્યક્રમ પછી દીપક ના પ્રેમમાં પડી ચૂકી હતી ,ચાલુ લેક્ચરમાં તક મળે ત્યારે એક નજરે દીપકને જોઈ લેતી. હવેથી તે લેક્ચર છોડીને પણ જતી ન હતી અને દિપક તથા અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે તે પૂરા લેક્ચર અટેંડ કરતી. દીપક પણ અનાયાસ નોંધ લેવા લાગ્યો હતો કે જ્યોતિ તેને અલગ દ્રષ્ટિથી સતત નિરખે છે . તેના હૃદયમાં પણ જ્યોતિ માટે ધીરે-ધીરે એક અલગ પ્રકાર પ્રેમ ની લાગણી બંધાતી જતી હતી ,તે
પણ જ્યોતિ ની તરફ સમય સમય પર ચાલુ લેક્ચરે અન્યો ની નજર ચુકવી જોઇ લેતો જે જ્યોતિના રોમ રોમ મા એક અવર્ણનીય લાગણીનો ધગધગતો પ્રવાહ દોડાવી દેતો.

પરંતુ દિપક જાણતો હતો કે જ્યોતિ ધનાઢ્ય કુટુંબમાંથી આવે છે તેના કુટુંબ અને પોતાના કુટુંબ વચ્ચે આભ જમીન નો તફાવત છે .તેમના બન્ને ના જીવન મા સમાજિક

અસમાનતા , રહેણીકરણી , સ્ટેટસ વિગેરે...તેમના પ્રેમને ક્યારેય નહીં સ્વીકારે , એટલે તે પ્રેમ કરતો હોવા છતાં પ્રગટ થવા દેતો નહતો .

**************************

ભણવામાં ને ભણવામાં તેઓ ત્રીજા વર્ષમાં આવી ગયા .આ સમય મા ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકબીજાના પ્રેમમાં પડી ચૂક્યા હતા .તેમાના ઘણા એક-બે લેક્ચર પતાવી રિવરફ્રન્ટનું એકાંત શોધી લેતા ,તો વળી કોઇ લો ગાર્ડન નો ખુણો , તો વળી મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ફિલ્મ જોઈ ખુશીમા સમય પસાર કરતા. દિપક સોલંકી ખરા હૃદયથી જ્યોતિ ને ચાહવા લાગ્યો હતો. પરંતુ અગાઉ જણાવ્યુ તેમ ,તે ગરીબ હોવાથી દિલ ની વાત પ્રગટ ન કરી ,દિલમા સંકોરી રાખી હતી . સામે પક્ષે જ્યોતિ પણ દિપક ને દિલ દઈ ચૂકી હતી દિવસ રાત દીપક ના વિચારો તેને આવતા હતા કોલેજના ઘણા વિદ્યાર્થીઓ જે જ્યોતિ ઉપર મરતા હતા તેઓ હજુ પણ જ્યોતિને આકર્ષવાના અનેક પ્રયત્નો કરતા હતા.

આ બાજુ છેલ્લું વર્ષ પણ પૂરું થવા આવતા અને આમછતા દિપક તરફથી પ્રેમનો કોઈ પણ પ્રગટ અણસાર ન જણાતા , પ્રેમમા વ્યાકુળ થયેલી જ્યોતિએ તેની બહેનપણી.... દ્વારા પ્રેમનો એકરાર કરતી ચિઠ્ઠી દિપક ને મોકલી . ચિઠ્ઠી વાંચી દિપક રોમાંચિત થઇ ઉઠ્યો . બીજે દિવસે નક્કી કર્યા મુજબ તેઓ એન.સી.સી .ચાર રસ્તા નજીક ના ખૂણે ,લો-ગાર્ડનમા અંદરની તરફ આવેલ ગુલમોહર ના ઝાડ નીચે ના બાંકડા પાસે ભેગા થયા. ત્યાં બેસીને ખૂબ વાતો કરી એકબીજાના પ્રેમનો એકરાર કર્યો .દિપકે અત્યાર સુધી પ્રેમ નો એકરાર કેમ ના કર્યો ? તે અસમાનતાનુ કારણ રજુ કરતા , જ્યોતિ એ જણાવ્યુ કે તેના પપ્પા ની તે એક ની એક લાડકી દિકરી છે ,તેના પપ્પા ક્યારેય ના નહિ પાડે .

છુટા પડતા સમયે , દિપકે છુપાવીને લાવેલ લાલ -ગુલાબની છડી , ઘુંટણિયે બેસી જ્યોતિ તરફ ધરી ,શું તું મારી સાથે લગ્ન કરીશ ? જ્યોતિ શરમાઈ ગઈ અને મુક રીતે હા પાડી. તે દિવસે 14 મી ફેબ્રુઆરી હતી, એટલે કે વેલેન્ટાઈન ડે હતો. તેઓ બંને ગુલમહોરના
ઝાડ પાસે ગયા અને જ્યોતિએ ગજવામાંથી ગાડીની ચાવી કાઢી ,બંનેએ તેની ધારથી થડમાં જે એન્ડ ડી કોતર્યા અને બોલ્યા , “ આપણા પ્રેમની નિસાની રહેશે આ.“ બંને બીજે દિવસે મળવાનુ નક્કી કરી છુટા પડ્યા.
***********************

નવરંગપુરા વિસ્તારમાં ઈશિતા ટાવરની બાજુમાં જ પ્રભુપાર્ક સોસાયટી ને અડી ને આવેલ ઈશાની બંગલોઝ માં રહેતા અને સરખેજ-બાવળા રોડ પર મોરૈયા પાસે “ રાધિકા નમકિન “ બનાવવાની ફેક્ટરી ધરાવતા રસિકભાઈ ઠક્કર ના પત્ની પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. તેમની એકની એક દીકરી જ્યોતિ ખૂબ લાડકોડમાં ઉછરી હતી.

જ્યોતિએ ઘરે આવી પિતાને દિપક સોલંકી વિશે વાત કરી અને તે તેને ખૂબ પ્રેમ કરે છે તેમ જણાવ્યું તેમજ લગ્ન કરવા માગે છે તેમ જણાવતા તેના પિતાના હોશ ઉડી ગયા . કારણ કે તે પોતે મોટા બિઝનેસમેન હતા ,જ્યારે તેમની દીકરી પછાત છોકરા સાથે લગ્ન કરવા માંગે છે ,એ વાતથી જ આઘાતમાં સરી ગયા અચાનક તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો... છાતી દબાવી તેઓ ત્યાંજ બેસી ગયા. આ જોઇ જ્યોતિ ગભરાઈ ગઈ તેણે સિક્યુરિટીને બૂમ પાડી તાત્કાલિક ડૉક્ટરને બોલાવવા માં આવ્યા. ડોક્ટરે તેમને ચકાસી હોસ્પિટલમાં દાખલ કરવા સલાહ આપી. તેમને હોસ્પીટલાઈઝ કરવામાં આવ્યા .
આઈસીસીયુ માંથી જ્યારે તેમને સ્પેશિયલ રૂમ માં લાવવામાં આવ્યા ત્યારે તેમણે જ્યોતિ ને પોતાની પાસે બોલાવી જણાવ્યું , “ બેટા મારી વાત ધ્યાન થી સાંભળ , આપણી આ ફેક્ટરી માટે મારા મિત્ર રાઘવજી વોરા પાસેથી નાણાં લીધેલા છે .થોડા દિવસ અગાઉ , અમે બંને એ કોલેજ પત્યા પછી ,તારા લગ્ન રાઘવજી વોરા ના દિકરા મુકેશ સાથે કરવાનુ પ્લાનિંગ કરેલું છે. તું મૂકેશને તો સારી રીતે ઓળખે જ છે, હવે આ સંજોગોમાં જો હું આ લગ્નની ના પાડુ તો રાધિકા નમકિન ફેક્ટરી માટે તેણે આપેલા નાણાં તે નારાજ થઈ પરત માંગશે અને એ ચૂકવવામાં આપણે રોડ પર આવી જઈશું,માટે બેટી.... વિનંતી છે કે તુ મુકેશ સાથે લગ્ન કરી લે ખૂબ સુખી થઈશ કારણ મુકેશ યુ.એસ.એ. ના પી.આર. ધરાવે છે. અને લગ્ન પછી કાયમ માટે યુ.એસ.એ જ રહેવાનો છે.” બોલતા બોલતા રસિકભાઈને હાંફ ચઢી .

એક તરફ પોતાનો પેહલો પ્રેમ તો બીજી તરફ પોતાના પિતાની નાજુક તબિયત જોતા સ્વાભાવિક રીતે જ, કમને જ્યોતિ લગ્ન માટે તૈયાર થઈ .પરંતુ શરત મૂકી કે લગ્ન તે આર્ય-વૈદિક વિધિ થી સાદાઈથી જ કરશે. અને તે મુજબ તાત્કાલિક ઘડિયા લગ્ન કરી જ્યોતિ મુકેશ સાથે અમેરિકા ઉડી ગઇ.................

**************************

કોલેજમાં બીજે દિવસે જ્યોતિને ના જોતા દિપક વ્યાકુળ બની ગયો ત્થા તેની ચિંતા કરવા લાગ્યો. તેની ખાસ બેનપણી ને પુછતા તે પણ અજાણ હતી .અઠવાડિયા પછી

જ્યોતિ નુ એડ્રેસ મેળવી તેના બંગલે પહોચ્યો . નવરંગપુરા ખાતે ઈશાની બંગલા નંબર 5 પાસે જ્યારે તે પહોંચ્યો તો સિક્યુરિટી ગાર્ડ દરવાજા પાસે ઉભો હતો . “ જ્યોતિ ઠક્કર સાથે કોલેજ મા ભણું છું . મારે કોલેજના કામે મળવું છે .“ તેની વાત સાંભળી , સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું ,’ બિટીયા કા તો શાદી હો ગયા ? ઓર અપને પતિ કે સાથ વો તો અમેરિકા ભી ચાલી ગઈ.” દીપક ને વિશ્વાસ ના આવ્યો પરંતુ અંદર જઇ શકે તેવી સ્થિતિ નહોતી. તેને લાગ્યું કે સિક્યુરિટી વાળો ગપ્પા મારે છે. તે નિરાશ થઈ પરત ફરી ગયો .

તેને વિચાર આવ્યો કે તેના પપ્પાને તેમના પ્રેમની ખબર પડી ગઈ હશે ? એટલે તેને ઘર માંથી બહાર જવાની મનાઇ કરી હશે ? પરીક્ષા નજીક હતી ,તેના ભવિષ્ય નો આધાર તે ગ્રેજયુએટ થાય તેના પર હતો, એટલે હાલપુરતો બીજો કોઈ વિચાર કર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો .પરીક્ષા પછી ફરી તેણે જ્યોતિના બંગલે ચક્કર મારવાના ચાલુ કર્યા ,પરંતુ દર વખતે સિક્યુરિટી વાળો એક જવાબ આપતો કે જ્યોતિ અમેરિકા ચાલી ગઈ છે તે નિરાશ થઈ ગયો.પણ તેને ભુલી ના શક્યો......

તેણે તેના ગરીબ મા બાપનું અને નાના ભાઇનુ પણ ધ્યાન રાખવાનું હતું . ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયો પછી તેણે નોકરી માટે એપ્લાય કર્યું .તેના રિઝલ્ટ્ને કારણે તેને સરકારી મેહસુલ વિભાગમાં નોકરી મળી ગઈ.

નોકરી મળ્યા પછી લોન લઈ તેણે ચાંદખેડા વિસ્તારમાં સામર્થ્ય કો.ઓપરેટીવ સોસાયટીમાં મકાન રાખ્યું અને ગોમતીપુરની ચાલીમાંથી તે મા-બાપ સાથે અને પોતાના નાના ભાઈ સાથે ચાંદખેડા રહેવા ગયો .તેના મા-બાપ તેને લગ્ન કરવા માટે ઘણું સમજાવતા રહ્યા પણ તેણે ચોખ્ખી ના પાડી દીધી કે,” હું લગ્ન નહીં કરું.................”

**********************************

લાલ દરવાજા ખાતે તેની ઓફિસ આવેલી હતી ત્યાં જતાં પહેલા દિપક નવરંગપુરા જ્યોતિ ના ઘર પાસે રોજ એક ચક્કર લગાવતો. સિક્યુરિટી વાળાને પૂછતો. સિક્યુરિટીવાળો પણ સમજી ગયેલો કે આ પાગલ છે તે એક જ જવાબ આપતો “ જ્યોતિબેનના લગ્ન થઈ ગયા છે અને અમેરિકા સેટલ થઈ ગયા છે હવે અહીંયા ક્યારેય નહીં આવે.” તો પણ ક્યારેક તો મળી જશે તે આશા મા રોજ ચક્કર મારતો.

સાંજ પડે ઓફિસ થી છુટી ઘરે જતા પહેલા, લો-ગાર્ડન ખાતે જ્યાં તેઓ જે ગુલ્મ્હોરના ઝાડ નીચે પ્રેમનો એકરાર કર્યો હતો ત્યાં આવી બાંકડા એ બેસતો... અને પછી જ્યોતિ ની યાદ મા ખોવાઇ જતો મોડેથી ઘરે ચાંદખેડા જવા રવાના થતો. આમને વરસો પસાર થતા ગયા.................
****************************
એક દિવસ સિક્યુરિટી વાળા સાથે વાતચીત કરતા રસિક શેઠ જોઇ ગયા.
દીપક ના ગયા પછી સિક્યુરિટીવાળાને બોલાવી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કોઈ દીપક નામનો ગાંડાજેવો છોકરો જે જ્યોતિબેન વિશે પૂછપરછ કરવા છેલ્લા પાંચ વર્ષથી રોજ આવે છે. રસિકશેઠને ખ્યાલ આવી ગયો.

પોતાની દીકરી આ પછાત વર્ગના છોકરા સાથે ન પરણે તે માટે કારસો ઘડી પોતાના પાર્ટનર રાઘવજી વોરા ના દીકરા મુકેશ સાથે જ્યોતિને પરણાવીને અમેરિકા મોકલી તો હતી પરંતુ અમેરિકા રહેતા તેના બીજા મિત્રો દ્વારા જાણવા મળેલ કે તેમની દીકરી જ્યોતિ ત્યાં ખૂબ દુખી છે મુકેશ તેને બરાબર રાખતો નથી. આથી રસિક્લાલ ખુબ દુઃખી હતા અને પસ્તાતા હતા પરંતુ હવે શું થઈ શકે? તેમણે સિક્યુરિટી વાળાને કહયું,” તે છોકરાને સી.જી. રોડ ની ઓફીસ પર મને મળવા મોકલજે.

બીજે દિવસે જ્યારે દિપક સોલંકી શેઠ રસિક ઠક્કર ને શ્રીજી રોડ પર તેમની ઓફિસ પર મળ્યો ત્યારે શેઠે પૂછપરછ કરી,” હાલ શું કરો છો ? ક્યાં રહો છો ? વિગેરે..વિગેરે...
પછી પોતે કરેલી ભુલના પશ્ચાતાપરૂપે પોતાની ફેક્ટરી સંભાળવા માટે આસિસ્ટન્ટ મેનેજર તરીકે દિપક ને ઓફર કરી. આ બહાને પણ ક્યારેક જ્યોતિ નો સંપર્ક થશે તેના દર્શન થશે તે આશાએ સરકારી નોકરી છોડી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે દિપક સોલંકી જોડાઈ ગયો. લગભગ તેણે સીજી રોડ પરની ઓફિસમાં બેસીને કામ કરવાનું થતુ હતું. અઠવાડિયે પંદર દિવસે મોરૈયા ખાતે ની ફેક્ટરી પર વિઝિટમાં જવું પડતું.

સવારે નવરંગપુરા બંગલે ચક્કર મારવાનો અને સાંજ પડે લો-ગાર્ડન ખાતે ના તેના પરિચિત બાંકડા પર જઈ બેસી જ્યોતિ ને યાદ કરવાનો તથા ગુલ્મહોર ના થડમાં કોતરેલ નામને ટગર ટગર જોયા કરવાનો તેનો રોજ નો સિલસિલો ચાલુ જ હતો . આમને આમ સમય પસાર થતો જતો હતો............
***************************

ત્યાં અમેરિકા ખાતે મુકેશ જ્યોતિને પુષ્કળ ત્રાસ આપતો હતો. વારંવાર હાથ ઉપાડી ને મારતો જે વાત જ્યોતિએ તેના બાપુજીને કરી ન હતી. પરંતુ હવે તો હદ થઈ ગઈ મુકેશ અમેરિકામા, બીજી કોઈ છોકરી સાથે લપટાયો હતો અને ઉપરથી જ્યોતિના ચારિત્ર પર ખોટા આક્ષેપો કરતો હતો.તેને અંદરખાને ખ્યાલ આવી ગયેલો કે તેના જીવને જોખમ છે .આ બધા ત્રાસથી છુટવા જ્યોતિ અમેરિકાને કાયમ માટે છોડી પોતાના બાપુજી ના ઘરે પરત ફરી......

****************************

પોતાની એકની એક દીકરીને સુખી કરવાના ઇરાદાથી પોતાના ખાસ મિત્ર રાઘવજી વોરા ના દીકરા મુકેશ સાથે લગ્ન કરાવી અમેરિકા મોકલી પરંતુ દીકરીને સુખ પ્રાપ્ત ના થયું.
સુખ અને આનંદતે ભૌતિક સંપત્તિ સાથે નહીં ,પરંતુ હૃદય કે મનથી કરેલા સાચા પ્રેમ સાથે જોડાયેલી નાજુક લાગણીઓની ઘટનાઓ છે તે વાત તેના પિતા રસિક્શેઠના સમજી શક્યા. પરત ફરેલ જ્યોતિ પાસેથી મુકેશ એ તેની પર વરસાવેલ અસંખ્ય સિતમો,આક્ષેપોની વાત કરી અને નાછૂટકે કંટાળી તેણે આવવું પડ્યું તેમ જણાવ્યુ. ત્યારે તેના પિતા રસિક્લાલ દુઃખી થઈ ગયા અને પોતાની દિકરી એક પછાતને ના પરણે તે માટે કરેલા કારસા માટે મનોમન પોતાની જાતને કોસવા લાગ્યા.દિકરીને સાચા પ્રેમથી વંચિત રાખવા માટે પોતે જવાબદાર છે તે વિચારે તે ગળગળા થઈ ગયા.

આ બાજુ પોતે જેને નોકરી રાખેલ તે દિપક સોલંકી ના કામથી , તેની ઈમાનદારીથી ,હોશિયારીથી અને ધગસથી ,ધંધામાં થયેલ પ્રગતિના કારણે રસિક્લાલ ખુબ જ ખુશ હતા . ગઈકાલે રાત્રે એરપોર્ટ પરથી ઉતરી સીધી ઘરે આવેલ દિકરી ની ગાથા સાંભળી દુ:ખી થયેલા રસિક્લાલ વિચારે ચઢી ગયા . દિપક સોલંકી નું બેગ્રાઉન્ડ જાણી લીધું હતું તે ચાંદખેડા ખાતે રહેતો હતો. હજુ સુધી તેણે લગ્ન નથી કર્યા આજ પણ તેની દીકરી જ્યોતિને ખુબ ચાહે છે આજે પણ તે તેમના બંગલા પાસે અને લો ગાર્ડન ખાતે આવે જાય છે પોતાની
દીકરીને યાદ કરે છે. આ સઘળી વિગતો રસિક્લાલે જાણી લીધેલી. રાત્રે મોડેથી આડીઅવળી વાતો કરી બાપ દીકરી , સવારે વાત કરીશું તેમ કહીને સુઈ ગયા.

***************************

સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પૂજાપાઠ કરી ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા જ્યારે રસિક્લાલ અને તેમની દીકરી જ્યોતિ બેઠા ત્યારે ચાહનો ઘુંટ ભરતા બોલ્યા, “ જ્યોતિ બેટા , મારે તને આજે એક વાત જણાવવી છે. તુ જેને પ્રેમ કરતી હતી તે દીપક આજની તારીખમાં તને પ્રેમ કરે છે અને આનંદની વાત એ છે તેને મે આપણી કંપનીમાં નોકરીએ રાખ્યો છે.”
આગળ બોલ્યા,” હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું દિકરા તુ આજે જ દીપક ને માળ ,મને ચોક્કસ ખાતરી છે દીપક તને અપનાવી લેશે.”

જ્યોતિને વિશ્વાસ ના બેઠો તે વિચારમાં પડી ગઈ...સાથે-સાથે બુઝાતા કોડીયામાં કોઈ ઇંધણ પૂરે અને સંકોરાતી જ્યોત ફરી પ્રજ્વલિત થઇ ઊઠે તેમ આજ સુધી અમેરિકામા પણ સતત જેને યાદ કરી દુ:ખી સમય પસાર કરી શકી તેને પામવાની એક આશા જાગ્રત થઈ ઉઠી.
” બેટા આજની તારીખમાં તે રોજ સવારે અહીં ચક્કર મારે છે અને સાંજ પડે લો ગાર્ડન ખાતે.....”રસિક્લાલ આગળ બોલી ના શક્યા.

આ સાંભળતા જ્યોતિ રોમાંચિત થઈ ઉઠી , નિરાશ થઈ સંકોરાઈ ગયેલા તેના હૃદયમાં આજદિન સુધી સંઘરી રાખેલ સાચા પ્રેમના ધરબાયેલા બીજમાં જાણે અંકુરણ થયું.
સાંજના સમયે તેણે લો ગાર્ડન જવાની તૈયારી કરી. જતા પહેલા તેણે સામે કેલેન્ડરમાં જોયું અને તે રોમાંચિત થઈ ઉઠી ,” અરે આજે તો ૧૪મી ફેબ્રુઆરી છે ! વેલેન્ટાઈન ડે છે.” છેલ્લે તે દિપકને આજ દિવસે તો મળેલી ? યાદ કરી પોતાના રૂમમાં ગઈ , વર્ષોથી બંધ વોર્ડડ્રોપનુ ડ્રોઅર ખોલ્યું , જેમાં વર્ષો પહેલા લો-ગાર્ડનમાં દિપકએ પહેલી ને છેલ્લી જે ગણો તે મુલાકાત સમયે વેલેન્ટાઇનના દિવસે તેને આપેલ ગુલાબની છડી અકબંધ સાચવી રાખી હતી તે કાઢી , ગુલાબની દાંડી આખી સુકાઈ ગઈ હતી પણ તેનુ અસ્તિત્વ એમનું એમ હતું. તે અંતરમાં અરમાનો સાથે ગુલ-છડી લઈ લો-ગાર્ડન જવા નીકળી પડી ……

જ્યોતિ ગુલમહોરના ઝાડ પાસે ધીમા ડગલે પહોંચી ત્યારે તેણે જોયું બાંકડા પર આજદિન સુધી જેને ચાહતી આવી છે તે તેનો પ્રેમ, તેનું સર્વસ્વ , એવો દિપક બાંકડા પર બેઠો છે અને ગુલમહોરના ઝાડ તરફ ટગર ટગર જોઈ રહ્યો છે જ્યોતિ તરફ તેની પીઠ હતી .જ્યોતિ ધીરે-ધીરે તેની તરફ આગળ વધી તેની નજીક જઈ ઘૂંટડીએ બેસી,વર્ષો પહેલા આપેલ ગુલાબ દીપક તરફ ધરી આંખોમા ધસી આવેલા જળજળિયા સાથે જ્યોતિ બોલી,
“એ મારા મનના માણીગર , હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું શું તું મને અપનાવીશ ? “

વર્ષોથી જેના દર્શનની ઝંખના હતી , જેને આજ સુધી અસીમ પ્રેમ કર્યો છે ,જેના અસ્તિત્વ વગર પોતે અધુરો છે તેવી પોતાની પ્રીતને નજર સામે રૂબરૂ નિહાળતા વિહ્વળતા સાથે વિચારમાં પડી ગયેલો દિપક એકદમ ઉભો થઇ ગયો અને કશું જ વિચાર્યા વગર જ્યોતિ ને ઉભી કરી, અનંત વર્ષોના વિરહની પ્રલંબ તરસ બુઝાવવા પ્રગાઢ આલિંગન માં જકડી લીધી. બન્નેનાં હૃદયમાં વર્ષોથી સ્થગિત થયેલા પ્રણય-ઝરણનો વેગ બધા જ બંધનો ફગાવી આંખોમાંથી વહેવા લાગ્યો.

આ બાજુ ઝાડની આડસમાં છુપાઈને જોઈ રહેલા રસિક શેઠ પોતાની દીકરી જ્યોતિ અને દીપકના આ પવિત્ર મિલનને , દિપક રૂપી કોડીયામાં ઝળહળ થતી જ્યોતિ ના ભવ્ય પ્રેમની પરાકાષ્ઠા નિહાળી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા .વળતી પળે આંખો લુછી, તે દિપક અને જ્યોતિને પોતાના બંગલે સત્કારવા પરત ફરી રહ્યા.....................

**********************************
દિનેશ પરમાર “નજર “

ddp41060@gmail.com