Naam yaad rakho books and stories free download online pdf in Gujarati

નામ યાદ રાખો

હમણાજ એક કંપનીએ નવા કર્મચારીઓની ભરતી કરી. બધા કર્મચારીઓ નવાજ હતા અને ખાસ કંઇ અનુભવ પણ ન હતો. એવામા એક દિવસ નવા નવા નિમાયેલા માર્કેટીંગ વિભાગના એક કર્મચારીએ પોતાના સેલ્સમેનો, દુકાન માલીકોને માર્કેટમા ચાલતા વર્તમાન પ્રવાહ અને ગ્રાહકોની પસંદ–નાપસંદ જાણવા અરજી કરતો પત્ર લખ્યો. વળતા જવાબમા મોટા ભાગના સેલ્સમેનો કે દુકાનદારોએ કંપની પર ટીકા ટીપ્પણીઓનો મારો ચલાવી ખુબ નારાજગી વ્યક્ત કરી. આવુ શા માટે થયુ હશે ? તેઓ વધુમા લખતા કે અમે તમારા ખાસ ગ્રાહકો છીએ તેમ છતા તમને લોકોને અમારા નામ પણ વ્યવસ્થીત રીતે લખતા આવળતુ નથી તો અમારી સાથે વેપાર કેવી રીતે ચલાવશો. અમે લોકો શહેરના ખુબ પ્રતીષ્ઠીત વેપારીઓ છીએ તેમ છતાય તમે લોકોને અમારુ નામ પણ યાદ નથી રહેતુ તો એતો ખુબ અચરજ પમાડે તેવી વાત કહેવાય. આ રીતે તો અમે ખુબજ અપમાન થયાનો અનુભવ કરીએ છીએ.

આટલુ નાનુ એવુ ઉદાહરણજ દર્શાવે છે કે દરેકને પોતાનુ નામ વહાલુ હોય છે, જો તેનો ઉચ્ચાર વ્યવસ્થીત રીતે કરવામા ન આવે કે તેની જોડણીઓ ખોટી રીતે લખવામા આવે કે વારંવાર નામ ભુલી જવામા આવે તો પણ લોકોનો ઇગો હર્ટ થતો હોય છે અને તેમના મનમા ક્યાંકને ક્યાંક અણગમો રહી જતો હોય છે.

આ વિશ્વની દરેક વ્યક્તીને બીજાઓના નામ કરતા પોતાનુ નામ વધારે વહાલુ હોય છે. દરેકને પોતાનુ નામ સાંભળવુ ગમતુ હોય છે અને જો તેને સ્પષ્ટ ઉચ્ચારણથી બધા વચ્ચે ખાસ યાદ રાખીને બોલવામા આવે તો લોકો ખુબ પ્રસન્ન થઈ જતા હોય છે. આવુ શા માટે થાય છે ? તો તેનો જવાબ એટલોજ છે કે જ્યારે કોઇ વ્યક્તી આપણુ નામ લાંબા સમય સુધી યાદ રાખે છે ત્યારે એવુ સાબીત થતુ હોય છે કે લોકોને આપણા પ્રત્યે માન છે, તેઓ સારી રીતે આપણને ઓળખે છે, આપણામા રસ લેય છે કે આપણુ મહત્વ સમજે છે. આવો સુખદ અનુભવ આપનાર વ્યક્તી સાથે જળપથી સબંધો મજબુત બની જતા હોય છે જેથી સાથ સહકારમા વધારો થતો હોય છે.

જરા વિચારો જોઇએ કે દરરોજ તમે કોઈને મળતા હોવ તેમ છતા તેઓને તમારુ નામ યાદજ ન રહેતુ હોય અને વારંવાર તમારુ નામ પુચ્છ્યેજ રાખતા હોય તો તમને કેવુ લાગે? ઘડીભરતો એમ થઈ જાય કે શું આપણો કોઇ પ્રભાવજ નહી હોય? શું લોકો આપણને યાદ રાખવાનુ પણ જરૂરી નહી સમજતા હોય? તો આવા સમયે ઘણુ અપમાન અનુભવાતુ હોય છે. પછી આપણે સરળતાથી તેઓ સાથે મનમેળ સાધી શકતા હોતા નથી. આમ લોકોના સહેલા કે અઘરા નામ ખાસ યાદ રાખવાથી કે તેનુ સ્પષ્ટ ઉચ્ચારણ કે માનવાચક સંબોધન સાથે બોલવાથી આપણા દિલમા બીજા પ્રત્યે રહેલુ ડેડીકેશન દર્શાવી શકાતુ હોવાથી જડપથી લોકોને પ્રીય બની શકાતુ હોય છે.

એક દિવસ મારે જીલ્લાની એક સરકારી ઓફીસે કામથી જવાનુ થયુ. ત્યાંના એક અધીકારીને વાત રજુ કરી તો મને ૩ દિવસ પછી આવવાનુ કહ્યુ. ૩ દિવસ પછી હું પાછો ગયો અને પેલા કર્મચારીના ડેસ્ક પાસે પહોચીને ઉભો રહ્યો કે તરતજ સામેથી મીઠો અવાજ સંભળાયો કે આવો અમીત ભાઇ કેમ છો મજામા ! આ સાંભળી હું તો દંગજ રહી ગયો. એક જીલ્લા લેવલની ઓફીસનો કર્મચારી ૩૦-૪૦ હજારનો પગારદાર મારા જેવા સામાન્ય વ્યક્તીનુ નામ યાદ રાખે? ઘડીભરતો મનેય થઈ ગયુ કે હૂં કોઇ મોટો પ્રખ્યાત માણસતો નથીને ! આ ઘટના મારા દિલને ખુબ અસર કરી ગઈ અને લોકોના નામ યાદ રાખવાનુ મહત્વ શું છે તે હું ખુબ સારી રીતે સમજી ગયો. પછીતો હું તે વ્યક્તી પ્રત્યે ખુબજ સમ્માન અનુભવવા લાગ્યો અને મનોમન નક્કી કરી લીધુ કે આ વ્યક્તીને જ્યારે પણ જરુર પડે ત્યારે મારે પોતાનાથી બનતી તમામ પ્રકારની મદદ કરી છુટીવુ જોઈએ.
નામ યાદ રાખવાની આવી તસ્દી આપણમાથી કેટલા લોકો લેતા હશે ?
આપણે બધાતો કોઇ સામે મળે ને ૨–૫ મીનીટ વાતો કરી છુટા પડીયે ત્યાંતો લોકોનુ નામ પણ ભુલી જતા હોઇએ છીએ. જો નામ યાદ હોય તો પણ વ્યવસ્થીત રીતે તેને બોલવાની તસ્દી લેતા હોતા નથી, પછીતો લોકો પણ આપણને ક્યાંથી યાદ રાખે ?

મારો એક મીત્ર નામનુ આવુ મહત્વ ખુબ સારી રીતે જાણતો હતો. તે જાણતો હતો કે દરેક વ્યક્તીને પોતાનુ નામ વહાલુતો હોયજ છે પણ તેને પ્રખ્યાત કરવાનો પણ એટલોજ શોખ હોય છે. દરેક વ્યક્તી પોતાનુ, પોતાના પરીવારનુ નામ રોશન કરવા હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. લોકોના સ્વભાવની આ ખાસીયતનો તેણે એક દિવસ ખુબ સારો એવો પ્રયોગ કર્યો હતો.

તેને નાનપણથીજ કુતરા પાડવાનો શોખ હતો, એટલે તેણે એક નાની એવી કુતરી પાડી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ કુતરી મોટી થતી ગઈ અને એક દિવસ તે વિયાણી. તેને સાત ગલુડીયા આવ્યા. પણ હવે તે બધાને ખવડાવવાનો અને ધ્યાન રાખવાનો પ્રશ્ન ઉભો થયો. મારા મીત્રએ થોડો વિચાર કર્યો અને તરતજ આજુ બાજુમા રમતા ટાબરીયાઓને બોલાવ્યા અને કહ્યુ કે જે લોકો આ ગલુડીયાઓ માટે કાયમ ખાવાનુ લાવશે અને તેમની કાળજી રાખશે તે ગલુડીયાનુ નામ તેના પરથી પાડવામા આવશે. પછીતો શું જેવુ ધાર્યુ હતુ તેવુજ થયુ. બધા બાળકો પોત પોતાના નામને પ્રખ્યાત કરવા આગળ આવ્યા અને બધાએ એક એક ગલુળીયા માટે ભોજન લાવવાનુ શરુ કરી દીધુ અને યોજના આબાદ રીતે સફળ થઈ.

આ વાત પરથી સાબીત થાય છે કે દરેકને પોતાનુ નામ વહાલુ હોય છે અને દરેક વ્યક્તી તેને ગમે તે રીતે અમર બનાવવા રાત દિવસ એક કરી દેતા હોય છે. જો લોકોને તેઓના નામ પ્રખ્યાત કરવાની તક આપવામા આવે તો તેઓ ગમે તેવા ભોગ આપવા પણ રાજી થઈ જતા હોય છે.

ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય છે કે નામ યાદ રાખવા જેવી નાની એવી બાબતોથી કંઈ સબંધો થોડા બગળી જાય? આટલી નાની નાની બાબતોની વળી શું અસર હોઇ શકે? તો આ વાતને ઉંડાણથી અનુભવવા માટે કલ્પના કરો જોઇએ કે તમે સમાજના કે આડોશ પાડોશના લોકો સાથે બેઠા હોવ અને તમારા ઓળખીતા લોકોજ તમારુ નામ પુછે તો કેવુ લાગે? એક વ્યક્તી પુછે એ સમજ્યા પણ બીજા બે ત્રણ લોકો આજ રીતે બધા વચ્ચે તમારુ નામ પુછે તો એ કેવુ અપમાનજનક લાગે? શું સમાજમા આપણને કોઇ ઓળખતાજ નહી હોય ? શું આપણને કોઈ યાદ રાખવા પણ નહી માગતુ હોય તેવો અનુભ થાય કે નહી?
આમ આવી બધી બાબતો હોય છે નાની પણ ક્યારેક તેની અસરો ખુબજ ગંભીર ઉદ્ભવતી હોય છે. ઘણી વખત લોકો આવી નાની નાની બાબતોમાજ ખોટુ લગાળી જતા હોય છે. ધીરે ધીરે આવી બાબતો ભેગી થતા છેવટે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આ કારણથી પણ નામનુ મહત્વ ઓછુ આંકી શકાય તેમ નથી.

પ્રજા કાયમને માટે પોતાનુ નામ યાદ રાખે કે પોતાના નામ પરથી લોકો પ્રેરણા મેળવે એટલા માટેજ ઘણા લોકો ઇમારતોના બાંધકામમા દાન આપી પોતાનુ નામ કોતરાવતા હોય છે, ઘણા લોકોતો અન્યોએ કરેલા સંશોધનો કે ગ્રંથોને પણ ખરીદીને પોતાના નામે છાપતા હોય છે, તો આ બધીજ ઘટનાઓ નામનુજ મહત્વ સુચવતી હોય છે.

છેલ્લેતો એટલુજ કહીશ કે જો તમને લોકોના નામ ભુલી જવાની ખરાબ આદત હોય, નામ યાદ રહેતા ન હોય કે તેને યાદ રાખવાની પરવા કરતા ન હોવ તો વહેલાસર આવી કુટેવને ગામના ચોરે જઈ ફેંકી આવજો નહિતર ગમે તેવા સારા વ્યક્તી હશો તો પણ લોકો તમારાથી નારાજ રહ્યા કરશે, તેઓના મનમા તમે હંમેશને માટે ખટક્યા કરશો.