Aahuti books and stories free download online pdf in Gujarati

આહુતિ

એ પરભી ઊભી થા, દિ માથે આય્વો તોય માસડામાં પડી સો.'

ફળિયામાં વાશિંદુ કરતા કરતા મારા બા એ ઘોઘરા અવાજમાં ત્રણ ડેલા સુધી સંભળાય એવો પડકારો પાડ્યો; પણ ઊંઘ હજી મારી પાપણ પર બેઠી હતી. હું આમતો જાગતી જ હતી, પણ પથારીમાંથી ઉભા થવાનું મન થતું ન હતું.
' એ શિતારામ નાનુમાં' ડેલાની નાની ગળકબારીમાંથી અંદર આવતા મોંઘીકાકીના અવાજે મારી ઉંઘ ઉડાવી, પણ હું પથારીમાં પડી રહી.
'તે આ પરભાબેન કેમ બારબપોરે હજી લગણ પથારીમાં પડ્યાં સે? કાય હાજામાંદા સે?' મોંઘીકાકીએ મારા બા ને કે' તા, બરણી પડથારની કોરે મુકી.
' ના રે બાય, કાલ્ય જેઠાભાઈની સોડીના લગનમાં આખી રાત્ય જાગીતી. એની દયલી આની બહેનપણી સે ને તે, શાર વાગ્યે તો હજી હુતી.' મારી બા એ જવાબ આપતા ઓઢણાના છેડેથી મોઢે આવેલો પરસેવો લુચ્યોં.
પથારીમાં ઉંધા પડ્યાં પડ્યાં ખાટલાની કોર પર હાથની મુઠ્ઠીથી ચહેરાને ટેકો રાખી હું જાસુદના છોડ પર ઊડતાં બે પતંગિયા જોવા લાગી.
' લાવો નાનુમાં હાવણ્ણો' કે'તા મોંઘીકાકીએ મારા બાના હાથમાંથી સાવરણો લે'તા વાળવા લાગ્યા.
' તમી ય લગનમાં હતા? આ વાહિંદાનું મોડ થ્યું ને? મોંઘીકાકીએ વાળતા વાળતા પુછ્યું.
' હા બેન વેવાર સે, જાવું તો પડે જ ને, પણ હું તો જાન માંડવે આવી તા'તો વય આવી'તી. આ સોડી ને એના બાપા રોકાણા થા. મારથી આ ઉંમરે ઉજાગરા નો થાય.' મારી બા એ ભેંશોને પાવાની કુંડિમાં હાથ ધોઈ, જીમીના છેડે હાથ લુછી, ગોડાયો છોડતા કહ્યું.
' હેં મોંઘીકાકી આપણે પણ આ પતંગિયા હોત તો કેવું સારું હતુ.' પથારીમાં પડ્યા પડ્યા જ મેં કહ્યું.
'તમીતો સવો જ આ ફૂદડી જેવા રૂપાળા, તમારી બેનપણી દયાબેને ય રૂપાળા જ સે ને. ' - મોંઘીકાકી એ બારેવો સુંડલામાં ભરતા કહ્યું.
' દયલી ભલે રુપાળી લાગે, પણ હાવ હુકલ હાઠીકા જેવી સે.' મારા કરતા દયાને વધારે રૂપાળી કહેતા બા ને ન ગમ્યું.
'દયાબેન ભલે આ ઉડતી ફૂદડી જેવા હોય પણ હામે તો ભમરો ભટકાણો! ' મોંઘીકાકી એ મુળ વાત પર આવતા હસતાં હસતાં કહ્યું.
મારી સામે મંડપમાં બેઠેલા દયાના પતિનો ચહેરો આવી ગયો. મને યાદ છે દયાને જેટલો હરખ' કન્યા પધરાવો સાવધાન, વખતે હતો એ બધો માંડવામાં આવતા સાથે ઉતરી ગયો હતો. એક નિરાશાભરી દ્રષ્ટિ મારા તરફ નાખતા નીચું જોઈએ ગઈ હતી.
''હીપાતાની દકલી કેતી'તી કે' દયલીનો ઘરવાળો અડદની કોઠીમાં નાખો તો જડે નય એવો કાળો સે' . જીવ બળી જાય, આવી ફુલડા જેવી સોડીના ભાગ્યે આવો ભમરાળો જોયને." - મોંઘીકાકીએ પોતાની કરુણા વ્યક્ત કરી.
' પરભી ઉઠ્ય, તારા બાપા લવારની કોડ્યે દંતાળને રેણ કરાવીને આવતા જ હશે, એને આવીને દાઠે જાવાનું સે, ધાધંણિયા ધુણાવશે ઉઠ હબ. ' બા એ મોંઘી કાકીની બરણીમાં છાશ રેડતા રેડતા મને કહ્યું.
મોંઘીકાકીએ હાથના ઇશારાથી બા ને એકદમ નજીક આવવાનો ઈશારો કર્યો, બા જેવા કાન નજીક લઈ ગઈ, કાકીએ આજુબાજુ નજર કરી, માત્ર મોઢામાંથી હવા નિકળે એવા અવાજે બોલ્યા' પશવી લાખ લીધા.' કાકીના ચહેરા પર લુચ્ચું સ્મિત આવી ગયું.
'મોંઘી તુ પારકી પંચાત કરતી ઘેર જા, તારા જેઠ આવશે ને હાંભળશે તો વારો પાડશે, તારો ને મારો બેયનો.' બા કાકીને વળાવવા અધીરા હોય એમ ખીજાયને બોલ્યા.
'મારે ય બાપા કામનો પાર નેહ.' મોંઘીકાકી ઉભા થતા બોલ્યાં અને ડેલાની બહાર પણ નહીં નિકળ્યા હોય ત્યાં બા એ કહ્યું. ' મોંઘડી સાહ્ય લેવા ઓછી; વાતુ લેવા બવ આવે, હાંજ્ય પડે આખા ગામમાં સોખા વેર્યાંવશે.'
'હેં બા આ પચ્ચીસ લાખ કેમ લીધા હશે જેઠાકાકા એ? મેં ટુથબ્રશ પર ટુથપેસ્ટ લગાડતાં પુછ્યું.
મોંઘી વાત સડિયાતી કરે, હજી હાંજ પડતા ઈ શાળી લાખ કે હે, ને તુ હબ પીશી કર, તારા બાપા આયવા લાગે' બા બોલતા બોલતા બાપાના ટ્રેક્ટરનો અવાજ સાંભળી ડેલો ખોલવા ગયા. બાપાએ ટ્રેક્ટર મુકી, બીડી કાઢતા બોલ્યાં' બાકસ લાવજો. '
બા એ બાકસ આપતા આપતા પુછ્યું' આ પશવી લાખ લીધા ઈ હાશી વાત સે?
બાપા એ બાકસમાંથી દિવાસળી કાઢી, કાનમાં દિવાસળીથી ખંજવાળતા બોલ્યાં 'વીહ લીધા સે, માણહ વધારીને વાત કરે.
'પણ વીહ કાય ઓસા નો કેવાય, આપડે બોવ તો દહનો સાલ સે.' બા પડથારની કોરે બેસતા બોલ્યાં.
બાપા એ બાકસની સળીને ઘસતા કહ્યું. 'જેઠા ને બે સોકરા જવાન થ્યાં સે, ફુટી કોડિ પાહે મળે નય.'
' પણ મુરત્યો હાવ કજોડો ગોત્યો, સોડીના પરમાણમાં થોડોક દેખાવડો હોત તો ઠીક રેત.' - બા બોલ્યા.
' દેખાવડા સોકરા વાળા થોડા વીહ દેવાના? ને રૂપને હુ ધોય પીવું? ડોઢહો વિઘા ભો, ને એક ઓસરિયે હાત બારહાક સે. અમદાવાદમાં આરીભરતનો ધંધો સે ને ઘરનું ઘર સે. ' બાપા બોલતા અટક્યાં અને બીડીનો એક કશ લીધો. ધુમાડાનો ગોટો ઉડાડતા બોલ્યાં,' જેઠો હામું હામું કરવા જાત તોય એક સોકરો બાકી રેત, આ તો દહ દહ લાખ ભરી ને બેય સોકરા ઘરેબારે થાહે.
' એય હાસુ, રૂપ ક્યાં કોયના કાયમ રેય સે. ' બા ગંભીર અવાજે બોલ્યા.
બાપાએ બીડીનું વધેલું ઠૂંઠું ખાટલાના પાયા પર ઓલવતા ઉભા થયાં ને બોલ્યાં,' પભી, પાણીનો કળશો ભરતી આવ, અને ગાડીની સાવી લેતી આવ બેન.' અને બા તરફ ફરતા બોલ્યાં 'હું દાઠા જાવ સુ. હાંજ લગણમાં પાસો આવી જાહ્ય. કોય પુસે કારવે તો કેજો, મોવે હટાણું કરવા ગ્યા સે.' મારા હાથમાંથી પાણીનો લોટો લઈ, પાણી પી અને બાઈક લઈને બહાર નિકળી ગયા.
બા હજી તો વચ્ચેના રૂમના ઉંબર પાસે પહોંચ્યાં હશે કે એના મોઢામાંથી ચીસ નિકળી ગઈ, ' એ ધોડ્ય પરભી, મકો તારી સોપડિયું ફાડે સે!' બા ભાઈને ખિજાતા જલ્દી રુમમાં દાખલ થયા. અંદરનું દ્રશ્ય જોઈ હું ગુસ્સા ભેર ભાઈ તરફ દોડી. મારો હાથ એને મારવા ઊંચકાયો, પણ એની નજીક જતાં જ એનું દયામણું મો જોઈ મારો ગુસ્સો કરુણાંમાં બદલી ગયો. મારવા ઉપાડેલા હાથે મારી ડ્રોઇંગ બુક ઉપાડી પાના ફેરવવાં લાગી. મારા દોરેલા ચિત્રો ઉપર એને રંગના લપેડા કરેલા હતા. આડા અવળી પીંછીના લીટા તાણેલા હતા. મારા અત્યાર સુધીના દોરેલા ચિત્રોમાથી ભાગ્યે જ કોઈ સારુ રહ્યું હતું. મેં ઝડપથી છેલ્લા પાને નજર કરી, મારી કલ્પનામાં વારંવાર આવતું એક ચિત્ર હું બનાવતી હતી, લગભગ પુરુ થવા આવ્યું હતું. પ્રાથમિક શાળામાં યોજાતી બાળસભામાં અવાર નવાર ગવાતું ગીત 'આપો આપો બે સુંદર પાંખ મને.' મને બહુ ગમતું. એ ગીતને હું ચિત્ર રૂપ આપી રહી હતી. મારું જ ચિત્ર હતું; જેમા મને બે પાંખ લગાવી હતી, હું ગગનમાં વિહાર કરતી હતી. ભાઈએ એ ચિત્ર ને એવી રીતે ફાડ્યું હતું કે મારી બન્ને પાંખો કપાઈ ગઈ હતી!
મારી આંખમાં આંસુ આવી ગયા. મારા બા એ બધુ સમુનમુ કરતા બોલ્યાં, ' હશે બટા, ભાઇને ક્યા હમજ સે. ભાઈ હાટું અટલ્યું તો જાતુ કર.'
હું ફળિયામાં આવેલી જામફળી નીચે પડેલી કાથીના ખાટલામાં પડી રડતી હતી. મારુ મગજ આજે ફરતું હતું. વિચારોના વમળ ઉઠી રહ્યા હતા. એક હસતી રમતી દયા, મારી બાળપણની સહેલી. મહિના પહેલા અચાનક એની સગાઈ નક્કી કરવામાં આવી. તેના થનાર પતિનો ફોટો બતાવીને આનંદમાં કહેતી કે, 'છે ને મારા જેવો રૂપાળો.!' અમારા સમાજમાં હજી માવતર જ સગપણ નક્કી કરે, બન્ને એક બીજાને મળેલા પણ નહીં. ઘડિયા લગ્ન લેવાયા એટલે દયાને હજી છોકરા વિશે પુરતી માહિતી પણ ન હતી. બસ એક ફોટો મોકલાવ્યો હતો સામે વાળાએ. આજે ખબર પડી કે એ કંપ્યુટરે આપેલું રૂપ હતુ. મને દયાનો દયામણો ચહેરો અકળાવતો હતો. તો એક બાજુ મારા ભાઈના વિચારો આવતા હું ગમગીન બની જતી હતી.
મારા બાપા ખેડૂત. ચાલીસ વીઘા જમીન. મારી બે મોટી બેન સાસરે છે. એક લીલીવાવ ને એક અમદાવાદ. એના પછી મારા ભાઈ મકાનો જનમ થયો. બાળપણથી જ એનો માનસિક વિકાસ ઓછો થયો હતો. બાવીસ વર્ષની ઉંમરે હજી બાળક જેવું એનું મગજ. ગામમાં બધા અમારી હાજરીમાં તો મકો કહેતા, બાકી 'મકો ગાંડો' કહેતા. અમે આંખ આડા કાન કરતા. બા ની મમતા સ્વિકારવા તૈયાર જ ન હતી કે ભાઈ માનસિક રીતે નોર્મલ નથી, કહેતી કે 'ભાઈ ભોળો સે તે બધા એની ઠેકડી ઉડાડે સે.' બા ની હાજરીમાં કોઈ ભાઈને ગાંડો કહે તો તેને બા સાત પેઢીની સંભળાવતી.
ભાઈના જનમ પછી બા ને બે બાળકો થયા, જે બાળપણમાં પ્રભુને વ્હાલા થયા. ભાઈની માનસિક હાલત પારખી ગયેલા બા-બાપુને વારસની આશા હતી, અને મારો જનમ થયો. તેમણે મન મનાવી લીધુ. હું ભણવામાં તો ખાસ હોશિયાર નથી, પણ ડ્રોઈંગમાં મને ખાસ્સો રસ. પાંચમાં ધોરણમાં હતી ત્યારે ભટ્ટ સાહેબે એક વખત મારા બાપાને કહેલું કે આ છોકરી ચિત્ર સરસ બનાવે છે! દસમાં ધોરણ સુધી તો ગામની શાળામાં ભણી, હાયર સેકન્ડરી મહુવાની બોર્ડિંગમાં રહીને ભણી. આ વરસે જ બારમાં ધોરણની પરીક્ષા આપી. મારે હજી ભણવું હતું, ઊડવું હતું. પણ, અત્યાર સુધીના મારા બનાવેલા ચિત્રો ભાઈએ ધૂળધાણી કરી નાખ્યાં. આ અગાઉ પણ એક વખત મોટી બહેન અમદાવાદથી ચણિયા ચોળી લાવેલી તે ભાઈએ કાતરથી કાપી નાખેલી. ત્યારે હું ખૂબ છ
જ રડી હતી, ત્યારે પણ બા એ કહ્યું હતુ, 'ભાઈ સે, ભૂલીજા હવે. ભાઈ હાટું અટલ્યું તો કર.'
'પરભા ઉભી થા, દિ આથમ્યે હુવાય નય,' બા નો અવાજ કાને પડતાં મારી આંખ ખુલી. ગઈ રાતનો ઉજાગરો અને વિચારોના વમળમાં ક્યારે ઊંઘ આવી એ ખબર ન પડી.
'બપોરેય ખાધા વન્યાની હુય રય. જગાડી પણ તુ જાગી નય.' - બા એ ચૂલો સળગાવવાના બળતણ કાઢતા કહ્યું.
' બાપા આવી ગયાં? - મેં ખાટલામાંથી ઉભા થતા બાને પુછ્યું.
' તારા બાપા તો હાંજકના આવી ગયા. આવીને વાડિએ ગ્યાં, આવતા જ હસે. ' બા એ જવાબ આપ્યો.
રાત્રે ઓસરીમાં પથારીમાં પડી પડી જાગતી હતી. આંખ બંધ હતી પણ દિવસ આખો ઉંઘ ખેંચી હોવાથી ઊંઘ આવતી ન હતી.
' તી આજ દાઠે કેમ કાય કામે ગ્યાં થા?' બાનો ધીમો અવાજ મારા કાને પડ્યો.
બાપા સુતા હતા ત્યાં પલંગ પર બેઠા થતા હોય એમ પલંગની કાથી ખેંચાવાનો અવાજ આવ્યો. બાપાએ બીડી સળગાવી હોય એમ બાકસ સાથે દિવાસળી ઘસવાનો અવાજ આવ્યો. બાપા ધીરે થી બોલ્યાં ' વાત હમણાં પેટમાં જ રાખ જે.'બાપુના આટલા શબ્દો સાંભળતા મારા કાન સરવા કર્યા. ઊંઘતી હોવાનો ડોળ કરતા ધીરેથી આંખ ખોલી જોવાનો પ્રયાસ કર્યો, માત્ર બાપાના હાથમાં રહેલી બીડીનું લાલ ટમકું દેખાયું. લાઈટ બંધ હોવાથી અંધારામાં કશું દેખાતુ ન હતું.
' આજ જેઠાની સોડીના લગનમાં તરેડથી લખોભાઈ મળ્યો તો, એણે દાઠે એક ઠેકાણું દેખાડ્યું. તી અમી બેય ન્યાં ગ્યાં તા. આવા કામમાં આળહ કર્યે નો હાલે, ને' હારા કામમાં હો વિઘન'. તી આજ જ જય આયવા. - બાપા આટલું બોલતા બીડીનો કશ લેવા લાગ્યા.
' પરભા હાટું? ઘરતો હારુ સે ને? ઉતાવળા નો થાતા હજી પરભીની ઉંમર નથ થય કાય.' બા ઉતાવળા બોલી ગયાં.
' ધીમે બોલ્ય, ભીંત ને ય કાન હોય' બાપુએ બા ને ધીમા અવાજે કહ્યું. હું ભીંત બની સાંભળતી હતી.
' તી સોકરો હું કરે સે?' - બા એ પુછ્યું.
'મુરત્યો ખેતી કરે સે ને ઉંમર પણ થોડી દેખાય સે' - બાપાએ બીડીની રાખ ને આંગળીથી ખંખેરતા કહ્યું. આછા પ્રકાશમાં થોડું ચિત્ર સ્પષ્ટ થતું દેખાયું.
' તો તો એમા હવે ક્યાં જોવાનું રેય સે. સોડી આપડી ભણેલી ને હજી અઢારમું વરહ બેઠું સે. હારુ ઠેકાણું મળી રેહે.' બા એ જવાબ આપ્યો.
' મુંગી મર્ય ને. હારું ઠેકાણું મળી રેહે વાળી. તારા ડોહા મકાને ક્યાં વરાવા જાવાની?' - બાપાએ બીડીના વધેલા ઠૂંઠાંને ફળિયામાં ફેંકતા થોડા ઉંચા અવાજે બોલ્યા.
' તી ઈ હામી સોડી દેવા ત્યાર સે એમને? - બા ના અવાજમાં એક ગજબનો ઉત્સાહ સાથેનો રણકો આવ્યો.
' મુરતિયાની ભતરીજીને આપણાં મકના વેરે દેવા ત્યાર સે.' - બાપાના શબ્દો મારા કાનમાં ધગધગતા તેલ જેમ રેડાયા, મારી આંખમાં આંસુના ટીપા બાજી ગયા.
' સોડીમાં કાય ખોડ ખાપણ સે?' - બા એ શંકા ભર્યા અવાજે પુછ્યું.
'ના રે ના હાજી-હારી સે, આપણી પરભા જેવી જ કદ કઠિયે દેખાય સે, પણ એના માવતર નાનપણમાં દેવ થયાં સે. સોડી એના દાદા ભેગી મોટી થય સે. ભણવા તો ગય નેહ પણ ઘરના કામને ખેતરના કામમાં સોડી જીવરી સે! જમીન જાજી સે નય ને જહાભાઈના નાના સોકરાની ઉંમર વધી ગયો સે તે હવે એને કોણ સોડી દેવાનું? એના મોટા સોકરાની અનાથ સોડી આડી દેય તો એના નાના સોકરાનું થાય! ને વસ્તાર ટકી રે, તી ઈ સોડી આપડા મકા વેરે દેવા ત્યાર સે. '- બાપાએ ફોડ પાડતા કહ્યું.
' તમી આપણા મકાની વાત ફોડ પાડીને કરીને? ' - બા બોલ્યા.
' બધી સોખવટ્ય નો હોય, કિધુ કે થોડો ભોળો સે' - બાપા બોલ્યા.
હું ગોદડાને હાથની મુઠ્ઠીમાં કચકચાવીને પકડી, આંખોને અને ગળામાંથી નિકળી ચીસને જોરથી દબાવતી પડી રહી.
' જહાભાઈ વેવારીક માણહ સે, એણે જ કિધુ કે તમારે ને અમારે બેયના ઘર કાય જાય. વસ્તાર વન્યાં જીવ અવગત્યે જાય એના કરતા થોડુ આમતેમ હાંકી લેવું પડે.' બોલતા બોલતા બાપા ઉભા થઈ પાણિયારા તરફ ગયાં.
મને ગુસ્સો અને રડવું બન્ને આવતું હતું. ભાવીની કલ્પના કરી મારા શરીરમાં કમકમાટી પ્રસરી ગઇ, શું થશે એ અભાગી છોકરીનું? થતું હતું કે ઉભી થઈ ને કહી દઉં કે મને આ વાત મંજૂર નથી. અમારા જીવનને દાવ પર લગાવવાનો અધિકાર તમને નથી. પણ દિમાગના એક ખુણામાંથી જાણે બાના અવાજમાં પડઘો સંભળાયો.' હશે બેન, ભાય હાટું અટલ્યું ય નય કર્ય?