SHIV LAHERI books and stories free download online pdf in Gujarati

શિવલહેરી

વાર્તા-શિવલહેરી લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

તાંત્રિક શિવલહેરી બાબાએ વેધક નજરે હોસ્પીટલના બિછાને પડેલા હિંમતલાલ સામે જોયું.ગ્લુકોઝ ના બાટલા ચડાવેલા હતા.નાકમાં નળીઓ ભરાવેલી હતી.દવાનું ઘેન હતું પણ તોયે આંખો અધખુલ્લી હતી.સાત દિવસ થી હોસ્પીટલ માં એડમિટ હતા.હવે થોડા હોશ આવ્યા હોય એવું લાગી રહ્યું હતું.શિવલહેરી બાબા સાથે તેમની નજર મળી અને તેમની આંખોમાં ચમક આવી.ઘરના બધા સભ્યો પણ હાજર હતા.પત્ની ભવાનીબેન,બે જુવાન દીકરીઓ સખી અને સહેલી,કોલેજીયન દીકરો ધીરજ,અને હાજર બે ખાસ મિત્રો બધાએ નોધ્યું કે બાબા સાથે નજર મળતાં જ તેમની આંખોમાં ચમકારો થયો છે.

શિવલહેરી બાબા ની ઉંમર પચાસ આસપાસ હશે.પણ સાડા છ ફૂટ ની હાઈટ,પહોળા ખભા,કસાયેલું શરીર,માથે જટા,છાતી સુધી દાઢી ,કપડાં આખા શરીરે કાળા ધારણ કરેલા,ગળામાં અલગ અલગ માળાઓ,હાથમાં દોરા અને તાંબાનું કડું ,લાલ આંખો છતાં પણ સોહામણો ચહેરો.તેમણે આંખો બંધ કરીને ધ્યાન ધર્યું.મનમાં કોઇ મંત્રો ગણગણ્યા. એમ કરતાં ચહેરો થોડો તંગ થયો.ચહેરા ઉપર વારંવાર ફેરફાર થવા લાગ્યા.દસેક મિનીટ આમ ચાલ્યું પછી તેમણે આંખો ખોલી.બધાએ હળવાશ અનુભવી.પણ કોઇએ બાબાને કશું પૂછવાની હિંમત ના કરી.બાબા પણ મૌન ધારણ કરીને બેસી રહ્યા.થોડીવાર પછી ઊભા થયા અને હિંમતલાલ ના માથે હાથ ફેરવ્યો અને કંઇ બોલ્યા વગર બહાર નીકળી ગયા.તેમની પાછળ ધીરજ પણ બહાર નીકળ્યો અને બાબા પાસે જઇને પૂછ્યું ‘મહારાજ મારા પપ્પા ને સારું થઇ જશેને? તમે કંઇ જવાબ આપ્યા વગર કેમ બહાર નીકળી ગયા?’

‘બેટા,તારા પપ્પાને સારા કરવા માટે મારે મારું તપ દાવમાં મુકવું પડે એમ છે.અને હું મુકીશ બેટા.તારા પપ્પાને સારું કરીને જ જંપીશ.તમે સહુ ધીરજ રાખજો અને ભગવાન ભોળાનાથ ઉપર શ્રદ્ધા રાખજો.’ આટલું બોલીને બાબા ધીરજના માથે હાથ ફેરવીને નીકળી ગયા.

હોસ્પીટલ માં સાધુ બાવાઓને સામાન્ય રીતે પ્રવેશ નથી મળતો પણ શિવલહેરી બાબા ને અહીં લાવવા માટે હિંમતલાલ ના કુટુંબીઓ એ જુઠું બોલવું પડ્યું હતું કે અમારા દૂર ના સગા છે અને સન્યાસ લીધેલો છે.જોકે તેમના આવ્યા પછીતો તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઇને એકબે ડોક્ટર તથા નર્સો પણ તેમને પ્રણામ કરી ગઇ હતી.

પાંસઠ વર્ષના હિંમતલાલ નિયમિત જીવન જીવવાના આગ્રહી હતા એટલે તેમને કદી સામાન્ય તાવ પણ આવતો નહોતો.ગંભીર બિમારીઓ તો તેમની નજીક પણ ફરકી શકે એમ નહોતી.બે દીકરીઓને પરણાવવાનું ટેન્શન ખરું પણ તેઓ આશાવાદી અને શ્રદ્ધાવાન હતા.હનુમાનજી ના પરમ ભક્ત હતા.ડોક્ટરોએ પણ બધા રીપોર્ટ તપાસીને કહ્યું કોઇ શારીરિક બિમારી દેખાતી નથી પણ અવસ્થા ના કારણે અશક્તિ આવી ગઇ હોય એવું બને પણ ચિંતાનું કોઇ કારણ નથી. ડોક્ટરોએ આવું કહેલું હોવા છતાં તબિયત દિન પ્રતિદિન બગડવા લાગી.વારે વારે બબડાટ કરે,આંખો લાલ ઘૂમ થઇ જાય,રડવા લાગે,બેભાન થઇ જાય અને ચાર પાંચ કલાકે ભાનમાં આવે.પણ ડોકટરોનું કહેવું હતું કે કોઇ બિમારી રીપોર્ટમાં આવતી નથી.બે દિવસમાં સુધારો ના થાય તો મોટા ડોક્ટરને બતાવીશું એવું આશ્વાસન આપ્યું.પણ સુધારોતો ના આવ્યો અને તબિયત વધારે બગડવા માંડી.ભવાનીબેન તો હોસ્પીટલમાં આવ્યા ત્યારથી જ સતત ઓમ નમ:શિવાય ના જાપ કરતા હતા.બે દીકરીઓ પણ તેમના પલંગ પાસેથી ખસતી નહોતી.ધીરજ પણ રઘવાયો થઇને વારંવાર ડોકટરોને મળી આવતો હતો.તેમની ઉંમરના તેમના બે બાળપણ ના મિત્રો પણ સતત તેમની જોડે જ હતા.માબાપ પછી પવિત્ર અને નિ:સ્વાર્થ સંબંધમાં મિત્રતા નું સ્થાન છે.જેને સાચા મિત્રો મળ્યા છે એ ભાગ્યવાન કહેવાય છે.તમારી પાસે બે મિત્રો તો એવા હોવાજ જોઇએ જે અડધી રાત્રે બોલાવો તો પણ હાજર થઇ જાય.

સાંજે મોટા ડોક્ટરને બોલાવવામાં આવ્યા.તેમણે બધા રીપોર્ટ જોયા અને એજ જવાબ આપ્યો કે કોઇ બિમારી દેખાતી નથી.ડોક્ટરોના ચહેરા ઉપર પણ અજંપો હતો.કોઇ રોગ નથી તો પછી આવી હાલત કેમ છે? હવે એકમાત્ર આશા શિવલહેરી બાબા હતા. ચાર દિવસ પહેલાં એક સ્વજન ખબર અંતર પૂછવા આવ્યા હતા તેમણે સલાહ આપી હતીકે મને તો બિમારી નથી લાગતી પણ કંઇક ભૂતપ્રેત નો વળગાડ હોય એવું લાગેછે.એ પછી ઘરના ચિંતાતુર સભ્યોએ બે અલગ અલગ ભુવાઓને બતાવી જોયું પણ બંનેએ એવો જવાબ આપ્યો કે છે તો વળગાડ જ પણ અમારા વશની વાત નથી.કોઇ મોટા તાંત્રિક ને બતાવો તો જ રસ્તો નીકળશે.છેવટે આ ભુવાઓએ જ શિવલહેરી ના આશ્રમનું ઠેકાણું બતાવ્યું.ગણેશપુરા ગામથી ત્રીસ કિલોમીટર દૂર જંગલ જેવો વિસ્તાર છે ત્યાં એક ગુફા બનાવીને બાબા રહેછે.ગુફામાં સતત ધૂણી ધખાવેલી રહેછે.જાણકાર માણસોને લઇને ગયા ત્યારે તો ગુફા જડી હતી.બાબાએ કહ્યું હતું કે દર્દીને લઇને આવો તો જ હું ઉપચાર કરીશ. હું ખાસ જરૂરી કારણ વગર ગુફાની બહાર નીકળતો નથી.બધા કરગર્યા ત્યારે બાબા હોસ્પીટલમાં આવવા તૈયાર થયા હતા.આજે તો શિવલહેરી પણ કશું બોલ્યા ચાલ્યા વગર જતા રહ્યા.

શિવલહેરી બાબા હોસ્પીટલમાં થી તેમના આશ્રમે પહોંચ્યા.વિચારી વિચારીને તેમના કપાળે કરચલીઓ પડી ગઇ હતી પણ સમજાતું નહોતું.આવું કદી અનુભવ્યું નહોતું.સામાન્ય ભૂતપ્રેત તો તેમને જોઇને જ ભાગી જતું હતું.હોસ્પીટલમાં રોકાયા ત્યાં સુધી તેમણે પોતે પણ મન ઉપર ભાર અને બેચેની અનુભવી હતી.જે કંઇ છે એ મહા શક્તિશાળી છે એટલું તો તેમને સમજાઇ ગયું.આ કેસમાં તેમણે પોતાની શક્તિ દાવ ઉપર લગાવવી પડશે એ નક્કી હતું.તેમને દસ વર્ષ પહેલાં નો એક કિસ્સો યાદ આવ્યો.બાજુના ગામમાં એક કુટુંબ નો દીકરો દસમા ધોરણમાં ભણતો હતો અને ભણવામાં સાવ ઠોઠ કહેવાય એવો હતો.એકવાર મિત્રો સાથે ગામ તળાવમાં નાહવા પડ્યો હતો અને ડૂબ્યો.તરવૈયાઓ એ ખૂબ મહેનત કરીને એને બચાવી લીધો.મહિના પછી એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા આવી.આ છોકરાએ ખૂબ મહેનત કરી.ઘરમાં બધાને નવાઇ લાગી.પરિણામ આવ્યું ત્યારે બધા દંગ થઇ ગયા.સમગ્ર બોર્ડમાં બીજા નંબરે પાસ થયો હતો.કોઇ માનવા તૈયાર નહોતું.પછી તો આ છોકરાને ડોક્ટર બનવાના ઓરતા જાગ્યા.પણ બારમા ધોરણમાં આ છોકરો પાંચ વિષયમાં નાપાસ થયો.આખા ગામમાં ચર્ચા નો વિષય બની ગયો.બારમા ધોરણનું રીઝલ્ટ આવ્યા પછી આ છોકરો ભયંકર બિમાર પડ્યો.કેટ કેટલા ડોકટરોને બતાવ્યું પણ બિમારી પકડાઇ નહીં.ભુવાઓને બતાવ્યું પણ કંઇ ઉકેલ આવ્યો નહીં.છેવટે શિવલહેરી બાબા ના આશ્રમમાં લઇ ગયા.અને બાબાએ આનું મૂળ શોધી કાઢ્યું.વર્ષો પહેલાં એસ.એસ.સી.માં ભણતો આ ગામનો જ એક હોશિયાર વિદ્યાર્થી આ તળાવમાં ડૂબીને મરી ગયો હતો.તેનું સપનું હતું કે બોર્ડમાં નંબર લાવું.આ મૃત છોકરાના આત્મા એ પ્રવેશ કરીને આ ઠોઠ વિદ્યાર્થીને બોર્ડમાં નંબર અપાવીને તેની જ અતૃપ્ત ઈચ્છા પૂરી કરી હતી.પણ હવે આ મૃત આત્માની કોઈ ઈચ્છા બાકી રહેતી નહોતી એટલે બધાને પરચો આપીને જવાની ગણતરી એ આ છોકરાને થોડો હેરાન કર્યો છે.પછી તો બાબાએ થોડો મંત્રોચ્ચાર કર્યો અને આ છોકરા માં રહેલ પ્રેતાત્મા એ કહ્યું કે મારા માબાપને બોલાવો મારે અંતિમવાર જોવા છે.તેણે સરનામું આપ્યું.માબાપને બોલાવ્યા.માબાપ નું કરૂણ આક્રંદ જોઇને હાજર સહુની આંખો વરસી હતી.ખુદ શિવલહેરી બાબા ની આંખો પણ ભીંજાઇ હતી.અત્યારે આ કિસ્સો યાદ આવ્યો તો પણ બાબા થોડા ગમગીન થઇ ગયા.એ કરૂણ દ્રશ્ય મનમાં કોતરાઇ ગયું હતું.

હિંમતલાલ નો કેસ પણ અટપટો અને ભેદભરમ વાળો લાગી રહ્યો હતો.અત્યારે સુર્યાસ્ત નો સમય હતો.ભેદ ઉકેલવા તેઓ મધરાતે ધૂણી ધખાવીને સમાધીમાં બેસવાના હતા.સમાધીની સ્થિતિમાં તેમની નજર આગળ ભલભલા રહસ્યો ઉકેલાઇ જતા હતા.હોસ્પીટલના બિછાને પડેલા હિંમતલાલ ની સાથે જયારે આંખો મળી ત્યારે તેમની આંખોમાં જે ચમકારો થયો હતો એ શિવલહેરી બાબાને ચિંતા ઉપજાવી ગયો હતો.કોઇ શક્તિશાળી સાથે પનારો પડ્યો હતો એ નક્કી હતું.

રાત્રીના બાર વાગ્યે શિવલહેરી બાબાએ બમ બમ ભોલે નો નાદ લગાવીને આસન ઉપર બેસી હવનકુંડ માં અગ્નિ પેટાવ્યો,થોડા દ્રવ્યો અંદર હોમ્યા અને ધ્યાનમાં બેસી ગયા.થોડી જ ક્ષણોમાં તેમને સમાધી લાગી ગઇ.આમને આમ એકાદ કલાક પસાર થયો પણ સમાધી માં કંઇ અણસાર આવ્યો નહીં.બીજો થોડો સમય પસાર થયો અને તેમને ઝબકારો થયો.તેમની બંધ આંખો સામે ચિત્રપટ ની જેમ દ્રશ્યો દેખાવા ના ચાલુ થયા.નજર સામે જ જાણે દ્રશ્યો ભજવાઇ રહ્યા હોય.

બાબાની સમાધીમાં મીંચાયેલી આંખોએ જોયું.”હિંમતલાલે વતનના ગામ ગણેશપુરામાં પોતાનું મકાન લીધું ત્યારે હાશકારો અનુભવ્યો.જિંદગી આખી ભાડાના મકાનોમાં ગુજારી.કેટલાય ભાડાના મકાનો બદલ્યા.સામાન બદલી બદલીને થાકી ગયા હતા.મકાનો બદલતી વખતે ઘણો સામાન તૂટી ફૂટી પણ જતો.મકાનમાલિકો ની દાદાગીરી સહન કરી હતી.પોતાની ઉંમર પાંસઠ વર્ષ થઇ છતાં પોતાનું મકાન ના લઇ શક્યા એવાં ઘરમાં અને બહાર બધે મહેણાં પણ સાંભળવાં પડ્યાં.બે દીકરીઓ પરણાવવા જેવડી થઇ ગઇ હતી.દીકરો ભણીને ટૂંકા પગારમાં નોકરી કરીને પણ થોડો સહાયરૂપ બન્યો હતો છતાં પણ આટલી કારમી મોંઘવારીમાં બે છેડા માંડ ભેગા થતા હોય ત્યારે શહેરમાં મકાન લેવું અશક્ય હતું.

મિત્રો અને સ્વજનો પણ કહેતાકે નામ હિંમતલાલ છે તો થોડી હિંમત કરીને મકાન લઇ લ્યો.નહીંતર છોકરાં નો કોઇ હાથ નહીં ઝાલે.પોતે બધું જાણતાજ હતા પણ મજબૂર હતા.શહેરમાં મકાનોના ભાવ આસમાને હતા.પોતાની પાસે જીવનભરની મુડી માંડ પાંચેક લાખ રૂપિયા હતા.છેવટે નિર્ણય કર્યો કે મકાન શહેરમાં નહીં પણ વતનમાં લઇએ.પોતાનું ઘર છે એવું તો કહેવાશે.વતનથી શહેર ફક્ત દસ કિલોમીટર દૂર હતું એટલે અપ ડાઉન કરીશું એવું વિચારેલું.ઘરના સભ્યોને આટલા વર્ષો શહેરમાં રહ્યા પછી ગામડે રહેવાનું પસંદ નહોતું.બધાએ કચવાતા મને સંમતિ આપી.અને મકાન લેવાઇ ગયું.ગામના એક બે વડીલોએ એવું પણ કહ્યું હતું કે ઘર વર્ષોથી અવાવરું પડેલું છે.માલિક વર્ષોથી જોવા પણ આવ્યો નથી.અને મકાન વહેમીલું પણ છે.અમે આટલી ઉંમરમાં ઘરને કદી ખૂલેલું જોયું નથી.પણ હિંમતલાલે એ વખતે એવો જવાબ આપ્યો હતોકે શહેરમાં પચાસ લાખનું દેવું કરીને મકાન લેવું એના કરતાં અહીં ભૂત ભેગું રહેવું સારું.આપણેતો હનુમાનજી ના ઉપાસક છીએ એટલે ભૂત સાથે પણ ધીંગામસ્તી કરીશું.

સામાન ઘરમાં ગોઠવાઇ ગયો.રહેવા આવી ગયા અને થોડા દિવસોમાં બધું થાળે પડી ગયું. બાપ દીકરો અપ ડાઉન કરવા લાગ્યા.હવે મોટી દીકરી સખી માટે મુરતિયા જોવાનું ચાલુ કર્યું.બે છોકરા બતાવ્યા પણ બંને છોકરા સખી ને પસંદ પડ્યા નહીં.છોકરા ભણેલા,દેખાવડા અને સુખી ઘરના હતા છતાં સખી એ ના પડી.ઘરમાં કોઈને ગમ્યું નહીં.એ દિવસે સાંજે ઘરમાં રસોઇ પણ ના બની.બધા ભૂખ્યા સુઇ ગયા.

થોડા દિવસ પછી ત્રીજો એક છોકરો બતાવ્યો એ પણ સખી ને ના ગમ્યો.એટલે એ રાત્રે હિંમતલાલ થોડા ગુસ્સામાં આવીને સખી ને બે શબ્દો બોલ્યા.

રાત્રે ઊંઘમાં હિંમતલાલ સપનું જોઇને કંઇક બબડતા હોય એવું ભવાનીબેન ને લાગ્યું.થોડીવારમાં તો તેઓ પથારીમાં બેઠા થઇ ગયા અને તબિયત ખરાબ છે એવું બોલ્યા અને તુરંત ઉલટીઓ કરવા લાગ્યા.ઘરમાં બધા ઊંઘમાં થી જાગી ગયા.થોડા દેશી ઉપચારો કર્યા.થોડી રાહત થયા પછી હિંમતલાલ વિચારે ચડ્યા કે કશું એવું ખાધું નથીકે તબિયત બગડે તો પછી અચાનક આવું કેમ થયું? નવાઇ લાગી પણ પછી વિચારો ખંખેરીને ઊંઘી ગયા.બીજા દિવસે તો તબિયત ઘોડા જેવી થઇ ગઇ.જાણેકે રાત્રે કશું બન્યું જ નથી.

પંદર દિવસ પછી સખી માટે એક છોકરાની વાત આવી.સાંજે આવીને હિંમતલાલે ઘરમાં વાત કરી.તુરંત સખી બોલી’ બાપુજી,મેં એક છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે.અમે એકબીજાને પસંદ કરીએ છીએ.સારા ઘરનો,ભણેલો અને સંસ્કારી છોકરો છે.તમે સંમતિ આપો પછી લગ્ન કરીશું.’ હિંમતલાલની તો પગ નીચેથી જમીન સરકી ગઇ.આંખો ગુસ્સામાં લાલ થઇ ગઇ અને તાડૂક્યા ‘ખબરદાર મારી સંમતિ વગર લગ્ન કર્યા છે તો. મારું નાક કાપવું છે સમાજમાં? જ્ઞાતિમાં ઘણા મુરતિયા છે.’ સખી આ સાંભળીને રડવા લાગી.ભવાનીબેન પણ દીકરીને રડતી જોઇને રડવા લાગ્યા.હિંમતલાલ પગ પછાડતા પથારીમાં જઇને પડ્યા.ઊંઘ ઉડી ગઇ હતી.માંડ માંડ મકાન લીધું હતું.મોટી દીકરીને પરણાવવાની જવાબદારી માથે ઊભી હતી.અને નાની દીકરીને હજી એક વર્ષ ભણવાનું બાકી હતું.તેને એક કોર્સ કરવો છે તેની રૂપિયા પચીસ હજાર ફી ની માગણી કરી હતી.પણ પોતે ચોખ્ખી ના પાડી હતી એટલે દીકરી સહેલી પણ નારાજ થઇ ગઇ હતી.

બંને દીકરીઓ અને બાપ વચ્ચે અબોલા ચાલી રહ્યા હતા.ભવાનીબેન દુઃખી થતા હતા.સખી જીદે ચડી હતી.સહેલી ને પૈસાના અભાવના કારણે પોતાની કારકિર્દી જોખમાઇ રહી હોય એવું લાગી રહ્યું હતું એટલે એ પણ નારાજ હતી.

આવા ડહોરાયેલા વાતાવરણમાં હિંમતલાલ બિમાર પડ્યા.નખમાં પણ રોગ નહીં હોવા છતાં અત્યંત દયાજનક હાલતમાં હોસ્પીટલમાં ભરતી કર્યા.ભવાનીબેન ને એવું લાગ્યું તો ખરું કે ઘર વહેમીલું હશે.ઘરમાં રહેવા આવ્યા પછી તકલીફો અણધારી વધી છે.બે દીકરીઓ ને એવું લાગતું હતું કે બાપા અમારા કારણે બિમાર પડ્યા છે.તે પછી બાબાએ આગળ જે દ્રશ્યો જોયા એ જોઇને આ શક્તિશાળી તાંત્રિક ની પણ આંખો પહોળી થઇ ગઇ” શિવલહેરી બાબા એ અહીં સુધી સમાધીની સ્થિતિ માં દ્રશ્યો જોયા.અને ધીરે ધીરે રહસ્ય ઉપરથી પરદો ઉચકાતો હોય એવું દેખાયું.તેમણે એક વાતની નોંધ કરીકે હિંમતલાલ જો હનુમાનજીના ઉપાસક ના હોત તો અત્યાર સુધી માં તેમનો ખેલ પતી ગયો હોત.

બીજા દિવસે સવારે શિવલહેરી બાબા અચાનક જ હોસ્પીટલમાં જઇને ઊભા રહ્યા.ઘરના બધા સભ્યો તેમની આસપાસ ભેગા થઇ ગયા.હિંમતલાલ પણ ભાનમાં હતા.શિવલહેરી બાબાએ હિંમતલાલ ને પૂછ્યું’ સાજા થવું હોય તો હું કહું એમ કરવા તૈયાર છો સજ્જન?’ હિંમતલાલે બે હાથ જોડીને માથું હકારમાં નમાવ્યું.બાબાએ હિંમતલાલના કાનમાં કંઇક કહ્યું.અને ઘરના લોકોને કહી દીધું કે આજેજ હોસ્પીટલમાં થી રજા લઈલો.રોગ મને જડી ગયો છે અને તેની દવા પણ મારી પાસે છે.

સાંજે હોસ્પીટલ માંથી રજા લઇને બધા ઘરે આવ્યા.બાબા પણ સાથે આવ્યા.તેઓ હિંમતલાલ સામે જોઇને બોલ્યા કે’ મેં જે કહ્યું છે એનો અમલ કરીદો.હું કાલે રાત્રે આવીશ.ઘરના બધા જ સભ્યો એ કાલે હાજર રહેવાનું છે.’બાબા વિદાય થયા.

રાત્રે જમ્યા પછી હિંમતલાલે સખી ને પથારી પાસે બોલાવી અને માથે હાથ ફેરવીને બોલ્યા’ દીકરી,તને ગમતા મુરતિયા સાથે લગ્ન કરવા હું સંમતિ આપુંછું.હવે ખુશ છે બેટા?’ સખી બાપુજી ને ભેટી પડી.હિંમતલાલ ને થયું કે દીકરીના સુખની હત્યા કરવાનો મને શું અધિકાર હતો? કેટલા મોટા પાપમાં થી હું બચી ગયો છું.પછી સહેલી ને પાસે બોલાવીને માથે હાથ ફેરવીને કહ્યું’ બેટા,તારા કોર્સની ફી ભરી દઈશું ચિંતા કરીશ નહીં.’ બંને દીકરીઓ બાપાને ભેટી પડી.બધા સાથે જમ્યા.વાતાવરણ હળવુંફૂલ બન્યું.

બીજા દિવસે સવારે તો હિંમતલાલ સાજા સારા થઇ ગયા.નખમાં પણ રોગ નહીં.જાણેકે સપનામાં હોસ્પીટલમાં જઇ આવ્યા.ભવાનીબેન વિચારમાં પડી ગયા હતા.અચાનક બિમારી ગાયબ કેવીરીતે થઇ ગઇ પણ સાંજે બાબા આવવાના છે એટલે હવે કોઇ ડર નથી.

રાત્રે દસ વાગ્યે શિવલહેરી બાબા આવ્યા.ઘરનાં બધાં કમાડ બંધ કરાવ્યાં.ધૂપ કર્યો,દીવો પ્રગટાવ્યો અને બાબા એમની સાથે થોડી વસ્તુઓ લાવ્યા હતા એ એક કપડામાં પાથરી.પછી તેમણે મંત્રોચ્ચાર ચાલુ કર્યા.ઓરડાનું વાતાવરણ ભારેખમ બની ગયું.બધાને ડર લાગતો હતો.થોડી ક્ષણો આમ ચાલ્યું ત્યાં તો અચાનક સહેલી ધૂસકે ને ધૂસકે રડવા લાગી.રડવાનો અવાજ પણ એટલો દર્દ ભર્યો હતો કે ભલભલાને કરૂણા ઉપજે.સહુની નજર સહેલી સામે હતી પણ બાબાએ ઈશારો કર્યો કે કોઇએ કશું બોલવાનું નથી.સહેલી હવે જોર જોરથી રડવા લાગી.હવે બાબાએ તેની સામે જોઇને પૂછ્યું ‘કેમ રડેછે? અચાનક શું થયું?’ સહેલી બાબા સામે જોઇને બોલી’ અચાનક? હું તો બસો વર્ષથી આ ઘરમાં રડું છું પણ કોઇ સાંભળનાર નથી.મને છોડાવો બાબા તમને આશીર્વાદ આપીશ.મારો છુટકારો કરાવો ‘

‘ પણ તું બસો વર્ષથી કેમ રડેછે એ અમને બધાને જણાવ તો હું તારી મદદ કરીશ.’બાબાએ કહ્યું.

‘ બાબા,ચાર ચાર પેઢીઓ વીતી ગઇ એ વાતને.હું એ જમાના ની વાત કરુંછું જયારે સ્ત્રીઓનું કોઇ મૂલ્ય નહોતું.માથે ઓઢીને ફરવાનું.બાપ જ્યાં પરણાવે ત્યાં પરણવાનું,છોકરાં જણવાનાં અને ઘડપણ ભોગવીને વિદાય લેવાની.પુરૂષો નું જ વર્ચસ્વ હતું.આબરૂ ની બડાઇ ઓ અને નર્યો દંભ.સ્ત્રીને કોઇ અધિકાર નહીં.સ્ત્રી એટલે એક વસ્તુ,જણસ માત્ર.આવા જમાનામાં મારી એક જુવાનીયા સાથે આંખ મળી ગઇ અને અમે એકબીજા સાથે પરણવાના વચન આપ્યા.મારા બાપ ને ખબર પડી ગઇ.મને સમજાવવાનો પ્રયત્ન કર્યો.પણ મેં માન્યું નહીં.મેં એટલું કહ્યું કે મને આ પુરૂષ સાથે નહીં પરણાવો તો વાંધો નહીં પણ હું બીજે નહીં પરણું.પણ કોણ સ્વીકારે એક અબળા ની વાત.
મોડી રાત્રે ઘરના બધા સભ્યો ને ભેગા કરવામાં આવ્યા.ઘરના બધા દરવાજા બંધ કરી દીધા.મારી મા, બાપા,બે ભાઇઓ,એક નાની બેન, બે કાકા અને બે કાકી આટલા જણ હાજર.ઘરની વચ્ચોવચ બે આસન પાથરવામાં આવ્યાં.બે આસનની વચ્ચે એક બાજોઠ મુકવામાં આવ્યો.એક આસન ઉપર મને બેસાડી અને સામેના આસન ઉપર મારા બાપા બેઠા.બાજોઠ ઉપર મારા બાપાએ એક ગ્લાસ મુક્યો.ગ્લાસમાં હળાહળ ઝેર ભરેલું હતું.થોડું વિચાર્યા પછી મારા બાપાએ મારી સામે જોઇને કહ્યું ' દીકરી, કુટુંબ ની આબરૂ નો સવાલ છે.તેં અજાણ્યા પુરૂષ સાથે સંબંધ રાખીને આપણા કુટુંબ નું નાક કાપ્યું છે.મને સમાજમાં મોઢું બતાવવા જેવો રાખ્યો નથી.એટલે હવે કાં તો તું જીવતી રહે કાં તો હું જીવતો રહું.સામે ઝેરનો ભરેલો ગ્લાસ પડ્યો છે આપણા બંનેમાં થી એક જણે પીવાનો છે.બોલ તું પીવેછે કે હું?
મેં ઝેર ગટગટાવ્યું.થોડીવાર પછી ઘરમાં ખાડો ખોદી મને દાટી દેવામાં આવી.ત્યારનું આ ઘર બંધ હતું.અને જ્યારે આ કુટુંબ રહેવા આવ્યું ત્યારે તેમને હેરાન કરવાનો મારો કોઇ ઇરાદો નહોતો.પણ દીકરીઓ ની ઇચ્છા બાપ પૂરી કરતો નહોતો એટલે મેં બાપને હેરાન કર્યો હતો.પણ જેવી એણે દીકરીઓ ની માગણી પૂરી કરી કે તુરંત તેને મુક્ત કર્યો કે નહીં? બસ મારી કહાની અહીં પૂરી થાયછે.હવે મને મુકત કરો હું બધાને આશીર્વાદ આપીને જઇશ.
શિવલહેરી બાબાએ આખી રાત વિધિ કરી અને આ દુખિયારીને મુક્તિ અપાવી.