let us write a science fiction books and stories free download online pdf in Gujarati

ચાલો વિજ્ઞાન કથા લખીએ

હમણાં એક સ્પર્ધાના ઇનામ વિજેતા તરીકે અન્ય વિજેતાઓ સાથે વિજ્ઞાન કથાઓ લખવા અંગે માર્ગદર્શનની માનનીય શ્રી. યશવંત મહેતા દ્વારા સંચાલિત કાર્યશાળામાં ભાગ લેવાનો સુંદર અનુભવ મળ્યો.
યુવાન લેખકો સાથે વિચારો શેર કરવાની મઝા આવી. લેખકો છેક કોડીનાર અને નવસારી જેવાં સ્થળેથી આવ્યા હતા.

યશવંત મહેતા સાહેબે કહેલાં કેટલાંક સૂચનો.
1. સાયન્સ ફિક્શન એટલે માત્ર તુક્કા નહીં. કોઈ નકકર વૈજ્ઞાનિક સિદ્ધાંત નો આધાર જરૂરી.
2. સાયન્સ વાર્તામાં એ ભવિષ્યની જ હોય તે જરૂરી નથી. ભૂતકાળ કે પ્રાગૈતિહાસીક કાળ પણ હોઈ શકે જેમ કે 10000 bc ફિલ્મ.
3. મોટે ભાગે ભવિષ્યમાં નિરાશા ભર્યું ચિત્ર જ હોય તે ટાળવું જેમ કે પેટ્રોલ સંપૂર્ણ ખલાસ છે કે અતિ બુદ્ધિશાળી જીવોએ આપણને ગુલામ બનાવી દીધા છે. દરેક વખતે એની સામે લડીને જીતીએ એ ચવાઈ ગયેલો અંગ્રેજી ફિલ્મી પ્લોટ છે.
4. સાયન્સ ફિક્શન કોઈ એક ઘટના પકડી એને લગતી subplots એટલે કે પેટાઘટનાઓનું પણ વર્ણન કરે. પણ તેમાં રસ એકધારો રહેવો જોઈએ. તેમાં ઝટકો કે આશ્ચર્ય અંતે લાગે કે ન પણ લાગે. ગાડી ઓચિંતો પાટો બદલી બીજી વાત કહે તેમ રસભંગ ન થવો જોઈએ.
4. વિજ્ઞાન કથાઓનો મુખ્ય વાચક વર્ગ કિશોર વર્ગ હોય છે. ઉમર 10 થી 20. (હા, મેં યશવંત મહેતાની પહેલી બુક 10 વર્ષે જ વાંચેલી.
તે તેમને કહ્યું) એટલે ભાષા સરળ અને બહુ આલંકારીક ન હોવી જોઈએ.
5. Scifi ની લંબાઈ માટે કોઈ ખાસ નિયમ નથી પણ તે adults માટેની વાર્તાઓની ની જેમ 2000-2500 શબ્દો કરતાં ટૂંકી હોય. એકદમ રસપ્રદ ચોટદાર નિરૂપણ અને ટ્રીમ કરેલી વાર્તા. મોટે ભાગે 700 થી 1000 શબ્દોની હોય. આજકાલ દરેકનો અને ખાસ તો બાળ કિશોરવર્ગનો attention span બહુ લાંબી વાર્તામાં રહેતો નથી. ઘટના અનેક તબક્કાઓમાં હોય તો યોગ્ય રીતે હપ્તાઓનું સંકલન કરી moderate scifi નોવેલ પણ બની શકે.
6. તુક્કાઓ કે કલ્પનાનો ઉપયોગ કરેલી વાર્તા પણ યથાર્થ, કઈંક બનવું સંભવ હોય તેવી હોવી જોઈએ. તો જ વિજ્ઞાન કથા બને. એક ભાઈએ શનિ ના ઉપગ્રહ પર માનવીને વસાવવાની યોજનાની વાત કરી. હવે પૃથ્વીપરની 2/3 વિસ્તારમાં પાણી હોય તો પણ આટલી વસ્તી તે ગ્રહ પર ખીચોખીચ વસાવવી પણ સંભવે?
એક વિશાળ ઉલ્કા થી પૃથ્વીને બચાવવાની વાતમાં સૂર્ય સાથે બધા ગ્રહોને બાહ્ય ઉર્જાથી ધક્કાની વાત હતી. યશવંત. મહેતાજી એ કહ્યું કે તેના બદલે ભૂકંપ જેવી પેટાળમાં ઊંડે ક્રિયા કરી પૃથ્વીને જ બે પાંચ હજાર કીમી ખસેડી અણીને વખતે ઉલ્કાપિંડ થી બચતી બતાવાય.
7. વૈજ્ઞાનિક વાર્તામાં ટેક્નિકલ વર્ણનો આવે પણ વાર્તા તત્વ મુખ્ય છે. As a thumb rule 1/3 સુધી ટેક્નિકલ ચાલે પછી એ ટેક્નિકલ વૃતાંત બની જાય, વાર્તા ન રહે. (મારી 'એક હતો ડોલર'. એમાં ક્રિપ્ટો કરન્સી ની વાતનું ને બેકઅપ ને એવું લંબાણ વધી જવાથી થોડો પાછળ નંબર ગયેલો.) બહુ ટેક્નિકલ વર્ણનમાં વાચકને સમજાય પણ નહીં અને રસ પણ ન પડે.
8. Scifi માં બહુ લાગણીશીલ વર્ણનો પણ ન આવે. જેમ કે પતિ વુહાન વાયરસ પર જીત મેળવવા જહાજમાં જાય ત્યારે પત્ની તિલક કરે ત્યાં સુધી બરાબર પણ એની પ્રેમ વાતો, વિરહ, ચિંતા, સંતાનોના પ્રોબ્લેમ ને એવું વર્ણન અહીં જતું કરવું જરૂરી છે.
9. નાટકોમાં આપણે કૌંસમાં ઘટનાનું વર્ણન વર્તમાનકાળમાં લખીએ છીએ, જેમ કે 'તે પિસ્તોલ તાકે છે અને મારી નાખવા આગળ વધે છે.' પણ કોઈ પણ વાર્તા, sci fi હોય કે સામાન્ય, ભૂતકાળમાં જ કહેવાય.
10. કોઈ સિદ્ધાંત કે ઘટના માટે 'વૈજ્ઞાનિક' શબ્દ વાપરીએ છીએ પણ માણસ માટે 'વિજ્ઞાની' શબ્દ છે, 'વૈજ્ઞાનિક' ખોટો શબ્દ છે.
ખૂબ રસપ્રદ માર્ગદર્શન જે આપ સહુ સાથે શેર કરું છું.
-સુનિલ અંજારીયા