Thasharnu Rahasya Part 15 books and stories free download online pdf in Gujarati

થશરનું રહસ્ય ભાગ ૧૫

ભાગ ૧૫

             શ્રીકૃષ્ણ ડુમલાને બર્બરીકના તંબુમાં લઇ ગયા અને બર્બરીકને કહ્યું, “આ તારો સેવક છે અને સેવા કરવા હંમેશા તત્પર રહેશે.”

બર્બરીકે શ્રીકૃષ્ણને બે હાથ જોડીને કહ્યું, “પ્રભુ, મને કોઈ સેવકની જરૂર નથી, પણ જો આપ આને અહીં લઇને આવ્યા છો તો તે મારા મિત્ર તરીકે અહીં રહેશે.”

શ્રીકૃષ્ણ બર્બરીકને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા.

બર્બરીકે બહુ પ્રેમથી તેને પૂછ્યું, “શું નામ છે તારું બંધુ?”

ડુમલા થોડો આશ્ચર્યમાં હતો કારણ તેને ખબર હતી કે બર્બરીક રાજમહેલમાં ઉછર્યો છે છતાં જેટલા પ્રેમ અને આત્મીયતાથી પૂછ્યું હતું તેનાથી તે અભિભૂત થઇ ગયો.

ડુમલાએ કહ્યું, “મારું નામ ડુમલા છે અને હું દૂર પ્રદેશથી અહીં આવ્યો છું.”

બર્બરીકે કહ્યું, “વાહ! હવે મને કહે તારા પરિવારમાં કોણ કોણ છે?”

આ અણધાર્યા પ્રશ્નથી ડુમલા ડઘાઈ ગયો કારણ તેને આ પ્રશ્નની આશા પણ ન હતી અને આ વિષે કંઈ વિચાર્યું પણ ન હતું.

છતાં તેણે કહ્યું, “મારા માતાપિતાનું મૃત્યુ તો નાનપણમાં થઇ ગયું હતું અને હું મારા એક દૂરના સગા પાસે રહીને મોટો થયો છું. હવે હું થોડું ધન કમાવવા માટે નીકળ્યો છું, જેથી મને ઉછેરનારની સેવા કરી શકું.”

ડુમલાને અહીં આવીને ઘણો સમય થઇ ગયો હતો તેથી અહીંના નીતિનિયમો શીખી ગયો હતો. બર્બરીકના ચેહરા પર મમતા અને વિષાદના ભાવ આવી ગયા.

તેણે કહ્યું, “ભલે ભાઈ, જતી વખતે હું તને એટલું ધન તો આપીશ કે તું તેમની સારી રીતે સેવા કરી શકે. હવે આપણે અહીં થોડી સફાઈ કરી લઈએ, જેથી હું મારા શસ્ત્રો સારી જગ્યાએ મૂકી શકું.”

ડુમલાની નજર તેના તુણીર અને ધનુષ્ય પર પડી જે તેણે ઉપાડી રાખ્યા હતા. ડુમલાએ તરત ત્યાં સાફસફાઈ શરુ કરી, જેમાં બર્બરીક તેની મદદ કરી રહ્યો હતો. પછી એક ખૂણામાં બહારથી થોડું છાણ લાવીને લીંપણ કર્યું અને તેના પર બે મોટા પથ્થર મુક્યા અને તેના પર ફરી લીંપણ કરીને પછી બર્બરીકે તેના શસ્ત્રો તે પથ્થર પર મુક્યા અને તેમને પ્રણામ કર્યા.

ડુમલાએ થોડી જિજ્ઞાસા સાથે પૂછ્યું, “તમે ઊંચી પીઠિકા બનાવીને શસ્ત્રો તેના પર કેમ મુક્યાં?”

બર્બરીકે કહ્યું, “આ શસ્ત્રો મને મારા ગુરુ પાસેથી મારી સેવા માટે ભેટ મળ્યા છે, તેથી તે મારા માટે પૂજનીય છે અને મારી વિનંતી છે કે તું તેમને સ્પર્શ ન કરીશ, હું પણ સવારે તેમની પૂજા કરીને જ તેમને સ્પર્શ કરું છું અને મિત્ર તું દૂરના પ્રદેશથી આવ્યો છે એટલે તને થોડો ચેતવી દઉં છું કે અહીં કોઈ પણ યોદ્ધાના શસ્ત્રને સ્પર્શ કરવો નહિ કારણ અહીં શસ્ત્રોને બહુ પવિત્ર ગણવામાં આવે છે અને તે યોદ્ધાને છોડીને બીજા કોઈનો સ્પર્શ સાંખી લેવામાં આવતો નથી.”

ડુમલા સમજી ગયો હોય તેમ તેણે પોતાનું માથું હલાવ્યું.

           બર્બરીકે કહ્યું, “અત્યારે સંધ્યા થઇ ગઈ છે, તેથી આપણે સંધ્યા પૂજન કરીને ભોજન લેવા જઈશું પછી આરામ કરીશું.”

તે પછી બર્બરીકે સંધ્યા પૂજન કર્યું અને તે પછી બંને ભોજન કરવાના સ્થળે ગયા. બર્બરીકે તેને પંગતમાં બેસવાનો ઈશારો કર્યો અને તે પોતે શ્રીકૃષ્ણ તરફ આગળ વધ્યો. ડુમલા જમવા પંગતમાં બેસી ગયો. તે થોડો આનંદિત થઇ ગયો હતો, અત્યાર સુધી દુરથી જ બધાને ભોજન લેતાં જોતો. તે અને તેના સાથીદારો જંગલમાં શિકાર કરીને કાચુ માંસ જ આરોગતા. તેને એક મોટું પાંદડું આપવામાં આવ્યું અને પછી તેણે જોયું કે શ્રીકૃષ્ણ પોતે બધાને જમવાનું પીરસી રહ્યા હતા સાથે જ મહાન યોદ્ધાઓ પણ ભોજન પીરસી રહ્યા હતા.

ડુમલાએ પોતાના બાજુમાં બેસેલા એક સૈનિકને પૂછ્યું, “આ જમવાનું પીરસી રહ્યા છે તે કોણ છે?”

તે સૈનિક આશ્ચર્યથી ડુમલા તરફ જોઈ રહ્યો. તેણે કહ્યું, “તું ઓળખતો નથી તેમને?”

ડુમલાએ કહ્યું, “હું દુરના પ્રદેશનો રહેવાસી છું અને આજે જ આવ્યો છું તેથી કોઈને ઓળખતો નથી.”

ડુમલાને બધાના ચેહરા ખબર હતા પણ કોઈનું નામ જાણતો ન હતો.

દુરથી આવનાર વ્યક્તિ માટે આ સામાન્ય વાત હતી કે તે કોઈને જાણતો ન હોય તેથી તે સૈનિકે કહ્યું, “પેલી તરફ જે ઊંચા અને બલશાળી દેખાય છે, તે ભીમ છે અને પેલી તરફ જે પીરસી રહ્યા છે તે યુધિષ્ઠિર છે અને તે તરફ જે છે તે અર્જુન. અહીંથી પાંચમી પંગતમાં જે પીરસી રહ્યા છે તે સહદેવ.”

આમ તે સૈનિક ડુમલાને બધાની ઓળખાણ કરાવતો રહ્યો . ડુમલા આ બધાથી અભિભૂત થઇ ગયો હતો કારણ રાજ પરિવાર સ્વયં બધાને જમવાનું પીરસી રહ્યો હતો. ડુમલાની નજર શ્રીકૃષ્ણ સાથે મળી અને શ્રીકૃષ્ણે તેની સામે સ્મિત કર્યું અને જમવાનું પીરસ્યું.

             જમીને તંબુમાં આવ્યા પછી તે વિચારવા લાગ્યો કે હવે આ શસ્ત્રો અહીંથી કેવી રીતે લઇ જવા કારણ દર બે તંબુએ એક પહેરેદાર હતો અને બહાર આટલા બધા પહેરેદારોની નજર ચૂકવવી સહેલી નથી. બર્બરીકે ડુમલાને તંબુની અંદર જ સુવાનું કહ્યું જે ડુમલા માટે થોડી આશ્ચર્યની વાત હતી કારણ સેવકો માટે અલગથી તંબુ ફાળવેલા હતા.

ડુમલાએ વિચાર્યું કે આ સરસ મોકો છે રાત્રે જ શસ્ત્રો લઈને નીકળી જઈશ. બધા પહેરેદારો માટે મારી એક કેપ્સુલ જ કાફી છે બધા બેહોશ થઇ જશે. બર્બરીક થોડી જ વારમાં ઘસઘસાટ સુઈ ગયો પણ ડુમલા તેની પથારીમાં જાગતો પડ્યો રહ્યો. અડધી રાત થઇ એટલે તે ધીમેથી ઉભો થયો અને તે શસ્ત્રો પાસે પહોંચ્યો ત્યારે પાછળથી અવાજ આવ્યો, “ડુમલા, મેં તને રક્ષક બનાવ્યો છે તું ચોરી નહિ કરી શકે.”

તેણે પાછળ ફરીને જોયું તો બર્બરીક આરામથી સુઈ રહ્યો હતો. તેણે જેવો પોતાનો હાથ આગળ કર્યો એટલે તેના ખભા પર એક હાથ પડ્યો, પાછળ ફરીને જોયું તો ત્યાં શ્રીકૃષ્ણ હતા.

તેમણે કહ્યું, “ડુમલા, તું આ શસ્ત્રોનો રક્ષક છે, શું તું ચોરી કરવા માંગે છે?”

ડુમલા થોડો ઝંખવાઈ ગયો. તેણે કહ્યું, “આ તો અમસ્તું જ!”

શ્રીકૃષ્ણે પોતાના ચિરપરિચિત સ્મિત સાથે કહ્યું, “કોઈ પણ યોદ્ધાના શસ્ત્રોને તેના સિવાય કોઈ હાથ નથી લગાડતું, તેથી તું પોતાનો મોહ છોડી દે અને આ શસ્ત્રોની રક્ષા કર, તેમાં જ તારું હિત સમાયેલું છે.”

            ડુમલા થોડો અવઢવમાં હતો. શ્રીકૃષ્ણના ગયા પછી તેણે વિચાર્યું કે અત્યારે યુદ્ધ થાય ત્યાં સુધી કંઈ કરી નહિ શકાય પણ યુદ્ધ પૂરું થાય પછી આ શસ્ત્રોને હું લઇ જઈશ, એમ વિચારી તેણે પથારીમાં લંબાવ્યું અને ઘસઘસાટ સુઈ ગયો. બીજે દિવસે સવારે તે વહેલો ઉઠ્યો તો જોયું કે બર્બરીક પહેલાંથી જ જાગી ગયો હતો અને પ્રાતઃકર્મ પતાવી દીધું હતું અને તે તૈયાર હતો.

તેણે ડુમલા તરફ જોઈને કહ્યું, “આજે આપણે થોડા ફરી લઈએ, આ ક્ષેત્ર કેવું છે તે પણ જોઈ લઈએ.”

બે દિવસ સુધી તેઓ ત્યાં ફરતા રહ્યા અને આ બે દિવસમાં બર્બરીકના સારા સ્વભાવનો પરિચય ડુમલાને મળી ગયો. તે ડુમલા પ્રત્યે મિત્રભાવ રાખતો અને તેને પોતાની સાથે જ જમાડતો અને કોઈ મળે તો ડુમલાનો પરિચય પોતાના સેવક નહિ પણ મિત્ર તરીકે કરાવતો.

ત્રીજે દિવસે તે બંને જંગલ તરફ ગયા, તેઓ ત્યાંની મનમોહક અને સુંદર વનરાજીનો આનંદ માણી રહ્યા હતા. બર્બરીક આગળ વધી ગયો અને ડુમલા થોડો પાછળ રહી ગયો. તે જ સમયે ડુમલાને તેની છઠી ઇન્દ્રિયે સંકેત આપ્યો. તેના કાનમાં ધીમો અવાજ આવી રહ્યો હતો. ધીમે ધીમે તે અવાજ વધતો ગયો અને અચાનક એક વિશાળકાય વાઘ તેના  ઉપર કુદ્યો. અચાનક થયેલા હુમલાથી તે ભોંયભેગો થઇ ગયો. વાઘ થોડો આગળ નીકળી ગયો પણ વાઘ જાણે તેનો શિકાર કરવા કૃતનિશ્ચયી હતો. તે ઝપડથી ફર્યો અને બીજી વાર તેની પર કૂદ્યો પણ તે જ વખતે બર્બરીક વચ્ચે આવી ગયો અને તેણે વાઘ સાથે બાથ ભીડાવી.

ક્યાં પૂર્ણતા તરફ પહોંચેલો વિશાળકાય વાઘ અને ક્યાં સુકુમાર! પણ શક્તિમાં બર્બરીક પાછો ન પડ્યો અને થોડી વારમાં જ વાઘને હંફાવી દીધો. જયારે વાઘને લાગ્યું કે હવે આનો શિકાર નહિ થઇ શકે એટલે તે પાછો વનમાં ભાગી ગયો.
          ડુમલા હજી જમીન પર પડેલો હતો, તેને બર્બરીકે નવું જીવન આપ્યું હતું. તે વિચારવા લાગ્યો કે શું ગઈ કાલે રાત્રે બર્બરીકના શસ્ત્રોમાં ટ્રાન્સમીટર લગાવીને યોગ્ય કામ કર્યું છે? આજે રાત્રે તે ટ્રાન્સમીટર હું કાઢી લઈશ. પણ તેને ક્યાં ખબર હતી કે આજે રાત્રે તે શસ્ત્રો અને બર્બરીક બંનેમાંથી એકેયને નહિ જોઈ શકે.                                        

       

ક્રમશ: