samay aa rite kadhi shakaay books and stories free download online pdf in Gujarati

સમય આ રીતે કાઢી શકાય

મોટિવેશનલ સીરીઝ, નિમીષ ઠાકર

M 9825612221


આપણે ત્યાં ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, શું કરું ? મારે ઘણું કરવું તો છે. પણ સમયજ નથી મળતો. આવા લોકો માટે જ ખાસ આ આર્ટીકલ લખું છું. આમાં મેં મારા પોતાના અનુભવો વિશે લખ્યુ છે જેમાં સમયનો વેડફાટ અટકાવી આપણે આશ્ચર્ય પામી જઇએ એવા કામોમાં સફળતા મેળવી છે. મિત્રો, સમય મળતો નથી. કાઢવો પડે છે. દુનિયામાં જેટલા પણ મહાપુરૂષો થયા એ બધા પાસે દિવસના 24 કલાકજ હતા. એમાંજ તેઓ બધા કામો કરતા.

મિત્રો, વર્ષ 2012નું હતું. અને મહિનો હતો સપ્ટેમ્બરનો. ઘણા વખતથી હું નોકરીની સાથે કાંઇક બીજો ધંધો શરૂ કરવા માંગતો હતો. સામાન્ય રીતે બધા એવું કહેતા હોય કે, નોકરી અને ધંધો બંને સાથે ન થાય. તમે ક્યાંયના ન રહો. બંનેમાંથી એકની પસંદગી કરાય. જોકે, જે લોકો નોકરી અને ધંધો બંને સાથે સફળતાપૂર્વક સંભાળે છે એવા ઘણા લોકો મારા સંપર્કમાં છે. કોઇ ન કહી શકે કે, તેઓ એકજ મોરચે સફળ રહ્યા છે. મારે કોઇ એવો ધંધો કરવો હતો કે, ધીમે ધીમે તેને મોટા ફલક પર લઇ જઇ શકાય અને એક લેવલે પહોંચ્યા પછી ફક્ત ધંધો ચાલુ રાખવો અને નોકરી છોડી દેવી. મેં ફૂડ પ્રોડક્ટ બનાવવાનું વિચાર્યું. એટલા માટે કે તેમાં ઓછા મૂડી રોકાણથી કામ ચાલી જાય. કોઇ વસ્તુનું પ્રોડક્શન જ કરવું અને પોતાની બ્રાન્ડ પ્રસ્થાપિત કરવી એ પહેલેથીજ નક્કી હતું. આથી હું ખાખરાનું મશીન લાવ્યો. તેમાં ડીફેક્ટ હતી. એટલે તે પાછું આપી દીધું. પછી ? મેં પત્નીના સહયોગથી ઇડલી ઢોસાનું ખીરું બનાવવાનું શરૂ કર્યું. એ વખતે મારા નોકરીના કલાકો બપોરે 4 વાગ્યાથી શરૂ થતા. અને રાત્રે 11 વાગ્યા પછી હું ઘેર આવતો. સવારે અથવા આગલી રાત્રે દાળ અને ચોખા પલાળી રાખ્યા હોય. એ હું સવારે અથવા બપોરે પીસી આથો નાખું. રાત્રે ઘેર આવીને આથો તૈયાર થઇ ગયો હોય એનું પેકીંગ બનાવું. સવારે જાતેજ વેપારીઓને ત્યાં સપ્લાય કરું. ધીમે ધીમે કામ વધ્યું. પછી કેશોદ, ધોરાજી, જેતપુર, એમ નવા નવા સેન્ટરો શરૂ કરતો ગયો. છાપામાં જાહેરાત આપીને નવા નવા માણસોને નોકરીએ રાખતો ગયો. માત્ર 1 વર્ષ, હા એકજ વર્ષમાં મારા જૂનાગઢ શહેરમાં 35 દુકાનો અને બહાર 10 શહેરોમાં મારી પ્રોડક્ટ બ્રાન્ડનેમથી વેચાતી. વસ્તુ બનાવવી, પેકીંગ કરવું અને સપ્લાય કરવી. આ બધામાં ધીમે ધીમે બીજાને કામ સોંપતો ગયો. એટલે એ સાહસ સફળ થયુ. એ જુદી વાત છે કે, પછી બીજો મોટો ધંધો શરૂ કરવા મૂડી ભેગી કરવી હતી એટલે બ્રાન્ડ સહીત એ ધંધો વેચી નાંખ્યો. માત્ર 45 રૂપિયાના દાળ ચોખા ઘરમાંથી કાઢી પોણા બે વર્ષમાં પ્રોડક્ટ અને બ્રાન્ડ એવી એસ્ટાબ્લીશ કરી કે મને તેના 2 લાખ 60 હજાર રૂપિયા અાપનાર આસાનીથી મળી ગયો. આ બધામાં મેં નોકરીના કલાકોમાં એકપણ વખત બંક નથી કર્યું. હા ક્યારેક ફોન પર વેપારીઓને અથવા ગ્રાહકોને જવાબ આપવાનું થાય. પણ નોકરીના સમયે તો નહીંજ.

બીજો કિસ્સો, અલબત્ત મારોજ. આપણે ઘણા લોકો એવું બહાનું કાઢે કે, મારે રોજ પ્રાણાયામ, આસનો, કસરત કરવાં તો છે. પણ સવારે ઉઠ્યા પછી એ માટેનો ટાઇમ તો મળવો જોઇએને ? વર્ષ 2004 માં મારું પ્રથમ પોસ્ટીંગ પોરબંદરમાં હતું. એ વખતે મારા મમ્મી-પપ્પા એક યોગ શિબિરમાં આવ્યા હતા. એ વખતે તેમણે મને રોજ પ્રાણાયામ કરવા કહ્યું. બાબા રામદેવજીના પ્રોગ્રામમાં જે બતાવે છે એ ભસ્ત્રિકા, અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભ્રામરી અને ઉદ્ગીત મને બતાવ્યા. અને રોજ તેનો પ્રયોગ કરવા કહ્યું. શરૂઆતમાં મને થતું રોજ કેવી રીતે સમય કાઢી શકીશ ? છત્તાં મેં એ શરુ કરી દીધું. ધીમે ધીમે તેના ફાયદા દેખાવા લાગ્યા. અને આ આર્ટીકલ લખું છું ત્યારે તા. 14 એપ્રિલ 2020ના દિવસ સુધી તો રોજ એ ક્રમ ચાલુ રાખ્યો છે. ફાયદો એ થયો કે, મને સીઝન ચેન્જની સાથે સાયનસ, માઇગ્રેનની તકલીફ તો ગઇ. આ વાત ઘણા વખતે ધ્યાનમાં આવી. જેને લીધે તો જેમ રોજ જેમ ચા પીધા વિના ન ચાલે એમ મને પ્રાણાયામ કર્યા વિના ન ચાલે. તેમાં સમય લાગે ફક્ત 10 મિનીટ. 16 વર્ષથી આ ક્રમ ચાલુ છે. મારી વયના ઘણા લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન જેવી બિમારી સામાન્ય છે. બેંતાળા તો લગભગ બધાને આવી ગયા છે. પણ મને આમાનું કાંઇજ નથી. જીહા, બેંતાળા ચશ્મા પણ નહીં. રોજની માત્ર 10 મિનીટનું આ પરિણામ છે. હું એમ નથી કહેતો તમે પણ આમજ કરો. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે, દિવસ દરમ્યાન તમને જે ગમતી હોય એ પ્રવૃત્તિ માટે રોજ 10 મિનીટ ફાળવી જુઓ. ફરક માત્ર 21 જ દિવસમાં દેખાશે. તમારામાં એક નવી ખુબીનો ઉમેરો આ રીતે થઇ શકે. પછી એ યોગ સાધના હોય કે નવી ભાષા શીખવાની પ્રક્રિયા.

અરે, ખુદ માતૃભારતીમાં મારો આ આર્ટીકલ પણ હું દિવસો સુધી ફૂરસદની માત્ર 10-10 મિનીટ કાઢીનેજ પૂરો કરું છુ઼ં. કદાચ વ્યવસાયને લીધે તમે સમય ન કાઢી શકો, અથવા સમય હોય તો પણ માનસિક કે શારિરીક રીતે અેવા થાક્યા હો કે બીજું કાંઇ ન કરી શકો એવું બને. મારા કિસ્સામાંજ બન્યું પણ છે. મારી નવલકથા વાસનાની નિયતીમાં મારે બે એપિસોડ વચ્ચે એવો ગેપ આવી જતો કે, તમારામાંથી ઘણા વાંચકો આ માટે મને ટકોર કરતા. આવું બની શકે. પણ પછી જેતે પ્રવૃત્તિમાં તમારું પેશન કેટલું છે એના પર બધો આધાર છે.

ચોથો કિસ્સો પણ મારો જ છે, બચપણથી રામાયણ-મહાભારતની વાર્તાઓ સાંભળીને મોટા થયા. મારા મમ્મી કહેતા જીવનમાં એક વખત તો રામાયણ વાંચવું જ જોઇએ. આખેઆખું રામાયણ વાંચવા બેસું અને થોડા દિવસમા વાંચી નાંખું એ તો મારા માટે શક્યજ નહોતું. મેં રોજ રાત્રે સૂતા પહેલાં રામાયણનાં બબ્બે પાના વાંચવાના શરૂ કર્યા. ઘણી વખત તેમાં દિવસો સુધી ગેપ પણ પડતો રહ્યો. પણ 4-5 વર્ષેય આખેઆખું રામાયણ પૂરું વાંચી શક્યો એનો સંતોષ થયો. જો સમય કાઢવાનો વિચાર કરતો હોત તો હજુ સુધી શરૂ જ ન થયું હોત. પણ રોજ 2 પેજ વાંચવા આસાન હતા. બસ, આજ રીતે મેં આોરિસન સ્વેટ માર્ડનનું પુશીંગ ટુ ધ ફ્રન્ટ, ડો. અઢિયાનું મનની આગધ શક્તિઓ, શિવ ખેરાનું જીત તમારી, ડેલ કાર્નેગીનું હાઉ ટુ વીન ફ્રેન્ડ્ઝ તો કેવી રીતે ભૂલાય. આ જ રીતે આ પુસ્તકો વાંચવાનો સમય કાઢ્યો.

હું જ નહીં, 24 કલાકમાં ઘણું બધું કામ કરી જાણતા માણસો આજ રીતે મલ્ટી ટાસ્કીંગમાં સફળ થતા હોય છે. તેમાં કામ પ્રમાણે પ્રાયોરિટી અને કામ કેવું અર્જન્ટ છે એ પ્રમાણે આયોજન કરવું પડે ખરું.

મિત્રો જીવનમાં ઘણા કામો આજ રીતે કરી શકાય. તમે એક સાથે મોટું કામ શરૂ જ ન કરો એવું બને. પણ તેને નાના ટુકડામાં વ્હેંચી દો. તો એ તમે કરી શકો ખરા. એક વખત એક કામ આ રીતે સંપન્ન કરો. એટલે તમારામાં આત્મવિશ્વાસ આવી જાય. પછી તમે બીજા કામો માટે આપોઆપ સમયનું પ્લાનીંગ કરવા લાગશો. આ મારો અનુભવ છે.