CHUDEL NI DERI books and stories free download online pdf in Gujarati

ચુડેલની દેરી

ચુડેલની દેરી

મુકેશ પંડયા

હું એક સમયે અમદાવાદમાં દિવ્યભાસ્કર અખબારમાં કાર્યરત હતો.અખબારની વિવિધ સાપ્તાહિક પૂર્તિઓમાં મારી વાર્તા અને લેખ પ્રકાશિત થતા હતા.અખબારે એક સમયે નવીન પ્રયોગ સ્વરૂપે બુધવારની પૂર્તિ “કળશ” માં રહસ્ય-રોમાંચનું કોલમ શરૂ કર્યુ હતું.જેમાં વાર્તાનો અંત અધુરો છોડવામાં આવતો અને તે વાર્તાનો અંત વાચકોને લખી મોકલવાનો રહેતો.આ સ્પર્ધામાં જે જવાબો આવતા તેમાંથી પસંદ કરાયેલ વાચક દ્વારા જણાવેલ વાર્તાનાં અંત નું પ્રકાશન કરાતું અને તે લેખકને 1000 રૂપિયાનું અખબાર તરફથી ઇનામ આપવામાં આવતું,જોકે વાચકના અંત સાથે લેખક નો વાર્તાનોં અંત શું હતો તે પણ પ્રકાશિત કરાતો હતો.તારીખ 22.10.2003ના રોજ બુધવારની પૂર્તિ “કળશ” માં પ્રકાશિત આ મારી વાર્તા “ચૂડેલની દેરી” અત્રે પ્રકાશિત કરૂં છું. મેં અહીં મારા દ્વારા વાર્તાનો અંત અને વિજેતા તરફથી આવેલ વાર્તાનો અંત દર્શાવ્યો છે જેના શબ્દો યથાવત રાખ્યા છે.આશા છે તે સમયનો આ નવીન પ્રયોગ કદાચ આપને પણ પસંદ આવે.

00000

અમદાવાદથી ધોળકા તરફ જવાના રસ્તા પર ચલોડા ગામમાં મફતભાઇ પ્રજાપતિની વિશાળ જમીનમાં કેટલાક ઇંટોના ભઠ્ઠા છે.તેઓ ઇંટો પકવવા સહિત બિલ્ડીંગ મટીરિયલ્સના વેચાણનો મોટા પ્રમાણમાં વેપાર કરે છે સાથે સાથે થોડી ખેતીવાડી પણ છે.મફતભાઇ મારા મોટાબાપાના દિકરા લલિતના સસરા છે અને તેમના ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી સપરિવાર સામેલ થવા સાથે મારે તેમના સમગ્ર પ્રસંગની ફોટોગ્રાફી પણ કરવાની હતી.મફતભાઇએ લગ્નપ્રસંગનું આયોજન તેમના ભઠ્ઠા પરજ રાખ્યુ હતું.પારિવારિક સબંધોને કારણે મારી પત્નિ અને બાળકો લગ્ન પ્રસંગ માણવા એક દિવસ પહેલાજ ભઠ્ઠે પહોંચી ગયા હતા.અખબારમાં મારી નોકરીનો સમય અને અન્ય કારણોસર હું બીજા દિવસે રાતે લગભગ એક વાગ્યાની આસપાસ મફતભાઇનાં ભઠ્ઠે પહોંચ્યો.સૌ સાથે મુલાકાત કરી વાતચીત કરીને હાથ-મોં ધોઇને અમે કેટલાક પુરૂષો જમવા બેઠા. મોડી રાતના સન્નાટા અને પવનનાં સુસવાટા વાતાવરણને થોડુ ડરામણું બનાવી રહ્યા હતા. ચારે તરફ અંધારાનું સામ્રાજય હતુ.કયારેક શિયાળવાની લારી તો કયારેક તમરાઓનો અવાજ સંભળાતો રહેતો. પરંતુ સૌ સાથે બેઠા હોવાથી ભય પાસે ફરકતો ન હતો.અમે જમવા બેઠા હતા તેના લગભગ પચાસ ફૂટ દૂર એક દેવ કે દેવીની દેરી જેવા લાગતા સ્થાન પર દિવો પ્રજવલિત હતો. જમતાં જમતાં મારી નજર વારંવાર કોણજાણે કેમ તે દેરી તરફ જતી હતી.મેં તે કોઇ દૈવી સ્થાનક હોવાથી કોઇને આ બાબતે વધુ પૂછપરછ કરવાનું ટાળ્યું.ભોજન બાદ આદત પ્રમાણે થોડીવાર બાદ થોડા આંટા માર્યા.આ દરમ્યાન મારી નજર વારંવાર દેરી તરફ જતી હતી.થોડીવાર બાદ મારી સાથે હતા તે સૌ સુવા ચાલ્યા ગયા એટલે મેં પણ થોડીવાર બાદ બિસ્તરમાં લંબાવ્યું.દિવસભરના થાકના કારણે તરતજ મને ઊંઘ આવી ગઇ. મોડી રાતે હું બિસ્તરમાંથી અચાનક ઊભો થઇ ગયો અને પેલી દેરી તરફ ભાગ્યો.દેરી પાસે પહોંચીને હું સ્થિર ઊભો રહી ગયો અને પછી દેરીના મુખ પાસે પલાઠી મારીને બેસી ગયો.દેરી સામે બેઠાનો કેટલો સમય વીતી ગયો તેની મને ખબર નથી.થોડીવાર બાદ મફતભાઇના દિકરા અને મારો દિકરો ત્યાં આવી પહોંચ્યા.તેઓ મને બાવડેથી પકડીને ઉભો કરીને કશુંક પૂછવા લાગ્યા.મેં જવાબ આપ્યા તેમાં તે ત્રણેને કશુંજ ન સમજાયું.તેમણે મને પાણી પીવરાવી મારા સ્થાન પર લઇ જઇને સુવડાવી દીધો.જોકે ઊંઘ દરમ્યાન મને રાતભર તે દેરીનાં જાતજાતનાં સપના આવતા રહ્યા. . બીજા દિવસે સવારથીજ લગ્નની વિધિઓ ચાલુ થઇ તેથી તેના ફોટા પાડવામાં હું દિવસભર વ્યસ્ત રહ્યો.પ્રસંગોના ફોટા પાડતા દરમ્યાન વારંવાર મારી નજર દેરી તરફ પહોંચી જતી જેથી કયારેક કયારેક હું થોડો સમય ફોટા પાડવાનું પણ ભૂલી જતો.તે દેરી જાણે મને તેના તરફ સતત ખેંચ્યા કરતી હતી.લગ્ન પત્યા અને સાંજે છ વાગ્યાની આસપાસ જાન કન્યાને લઇને વિદાય થયા બાદ સૌ પોતપોતાના કામ અને અન્ય બાબતોમાં પરોવાઇ ગયા. તે સમયે ડિઝીટલ કેમેરા દેશમાં ખૂબજ જૂજ હતા તેથી ફોટાના રોલ ઉપયોગમાં લેવાતા હતા.હું રોલને કેમેરાની બેગમાં વ્યવસ્થિત મુકવા સાથે કેમેરો અને અન્ય સાધનોની ગોઠવણી અને સફાઇ કરવામાં લાગ્યો.મારી આસપાસ અન્ય સંબંધીઓ બેસીને ગપાટા મારી રહ્યા હતા.હું મારા કામમાં પરોવાયેલ હતો અને અન્ય લોકોની વચ્ચે બેઠો હતો છતાં મારી નજર વારંવાર દેરી તરફ જતી હતી.આ સમયે મારો દિકરો કર્ણ પણ સૌની સાથેજ બેઠો હતો. થોડીવાર બાદ તે રાતના પ્રસંગ વિષે મને સવાલ પૂછવા લાગ્યો. .. “પપ્પા કાલે મોડી રાતે ત્રણ વાગે આ ચૂડેલ માતાની દેરી પાસે શું કામ બેઠા હતા.અને હાથ જોડીને શું માંગતા હતા?” તેના સવાલોને લઇને અન્ય લોકો પણ મને જાતજાતના સવાલો પૂછવા લાગ્યા.કેટલાક મને કશુંક કહેવા લાગ્યા તો કેટલાક સમજાવા લાગ્યા.મેં જયારે દિકરાના મોઢે “ચૂડેલ માતાની દેરી” શબ્દ સાંભળ્યો તો મારા શરીરમાં એક લખલખુ પસાર થઇ ગયું.હું તરતજ દેરીની વિરૂધ્ધ દિશામાં મોં કરીને બેસી ગયો.આ સમયની અને મગજની સ્થિતીનું વર્ણન કરવું મારા માટે અત્રે શક્ય નથી.થોડીવાર બાદ મફતભાઇનો જમાઇ અને મારો ભાઇ લલિતે તે દેરી વિષે મને વિગતવાર જણાવ્યું.

“મુકેશભાઇ,આ ડેરી ચૂડેલની છે અને અમારા માટે આ ચૂડેલ એ ચૂડેલમાતા છે.અહીંયા આસપાસના ગામવાળાઓ પણ આ ચૂડેલમાતાને ખૂબ માને છે.લોકોને ભારે આસ્થા હોવાથી તેની બાધા-આખડી પણ રાખે છે.બાધા પૂરી થાય ત્યારે લોકો દેરી પર આવીને પ્રસાદમાં ચવાણું અને નાળિયેરનો ભોગ ધરાવે છે.આ માતાએ ચૂડેલ માતા હોવા છતાં કયારેય કોઇને હેરાન પરેશાન નથી કર્યા.તે તો અહીંના લોકોનું રક્ષણ કરે છે.અને અહીં આસપાસમાં કોઇ પણ જાતનો અણબનાવ કે ગંભીર દુર્ઘટના થઇ નથી.સૌ આને ચૂડેલમાતાની કૃપાજ સમજે છે.હા,પરંતુ જો કોઇ બદઇરાદો લઇને કે ચોરી અથવા ધાડ પાડવા આવે તો માતા તેનો પરચો જરૂર બતાવે છે.અને તેને ચેતવણી રૂપે તે દુષ્ટોને માતાનાં ઝાંઝરનો અવાજ સંભળાય છે અને છતાં પણ તે વ્યકિત ન સમજે તો પછી માતા તેને તરતજ પાઠ ભણાવે છે.આવા અનુભવ ઘણા લોકોને થયા છે.હા,મફતભાઇના ઘરમાં કોઇપણ શુભકાર્ય હોય તો ગણપતિબાપા અને તેમના કુળદેવતા સાથેસાથે ચૂડેલમાતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને ભગવાનની માફક તેમને પણ ભોગ ધરાવાય છે અને તેમની ભોજનની થાળી અચૂક તૈયાર કરાય છે.અને તેમ ન થાય તો સરળ કામ પણ વિધ્નમાં અટવાય છે.ત્યારે તેમની માફી માંગીને માતાને તૃપ્ત કરવી પડે છે.માતાની દેરી પર અહીં રહેતા પરિવારના લોકો સવાર સાંજ દીવો પણ અચૂક કરે છે.” લલિતની વાતોથી મારા મનને થોડી શાતા થઇ અને મનમાં વિચાર આવ્યો કે આ દેશની પ્રજા કેટલી આસ્થાવાન છેકે જો દુષ્ટ યોનીમાં જન્મ લેનાર પણ સારાઇ દાખવતી હોય તો તેને પણ પૂજનીય સ્થાન આપવામાં અચકાતી નથી.કોઇના માટે આ ચૂડેલની પૂજા અંધશ્રધ્ધાનો વિષય હોઇ શકે છે પરંતુ સદભાવના અને આસ્થાને કારણેજ માણસ જંગલી અને હિંસક પશુને પણ પોતાના બનાવીને તેમને પ્રેમ આપતો રહે છે.હા,હવે વાત કરીએ આ વાર્તાના અંત વિષે તો આ વાર્તાનો અંત મારા લખવા પ્રમાણે આવો હતો. લલિત દ્વારા આ બધી વાતો સાંભળ્યા બાદ મારા દિલે એક અજીબ રાહતનો અનુભવ કર્યો.હું ચૂડેલમાતાની દેરી પાસે જઇને હાથ જોડીને ઉભો રહી ગયો અને તેને ધૂંટણીએ પડીને નમન કર્યું.રાતે ભઠ્ઠા પરથી ઘેર પરત ફરતા પહેલા ચૂડેલમાતાને ચવાણું અને નાળિયેરનો પ્રસાદ ધરાવતા તેને પ્રાર્થના કરી કે અહીં તારી મહેરબાની યથાવત રાખજે.ઘર તરફની મુસાફરી દરમ્યાન મને એક વિચાર સતત આવતો રહ્યો કે દુનિયાભરમાં આ ભારત દેશ જ એકમાત્ર એવો દેશ હશે જયાં માત્ર દેવ-દેવીઓ જ નથી પૂજાતા પરંતુ આવી ચૂડેલ પણ તેના સારા કર્મોને લીધે લોકોમાં પૂજાય છે.

જયારે કડી નગરનાં વાચક-લેખક ભગવત સુથારે આ વાર્તાનો અંત આ મુજબ લખી જણાવ્યો હતો.

લલિતભાઇએ દેરીમાં વસતી ચૂડેલ વિષેની લોકોમાં પ્રસરેલી શ્રધ્ધા અને માન્યતાઓની વાત કરી.હું દેરીની વિરૂધ્ધ મોં કરીને બેઠો,એટલે એ દેરીનું ચૂડેલનું મેં અપમાન કર્યું.લલિતભાઇના શબ્દોમાં દુષ્કૃત્ય કર્યું.મને થયું શું કોઇ વિઘ્ન આવશે ?.હું નખશિખ ધ્રૂજી ઉઠયો.રાત્રે શું મને દેખા દેશે ? હું સૌની સાથે ઊંઘી ગયો.પણ ઊંઘ શાની આવે!મને ઝાંઝરનો ઝણકાર સંભળાયો.હું પથારીમાં બેઠો થઇ ગયો.મને એક વડીલે કહેલા શબ્દો યાદ આવ્યા.ચૂડેલને પીઠનો ભાગ હોય જ નહીં તે તદન પોલી હોય અને તેની અંદર દીવો પ્રગટતો હોય.મને થયું આ પીઠના દર્શન થાય તો ચૂડેલ છે એમ માનું. હું એકદમ ત્વરિત વેગે ઉભો થયો.પેલી દેરી તરફ ખેંચાયો.તેના આંગણામાં ઉભો રહ્યો.થોડીજ ક્ષણોમાં એક અવાજ મારા કાને પડયો.“તારે મારૂં પારખું જોવું છે ને ? લે આ મારી પીઠ જોઇ લે.પોલી છે અને અંદર દીવો ઝગમગે છે ને ? બસ થઇ ગઇ પ્રતિતી ? જા,હવે જતો રહે.” મારી બધી બીક ભાગી ગઇ.હું નિરાતે ઉંઘી ગયો.બીજે દિવસે સવારે નિત્યકર્મથી પરવારીને બજાર ગયો.ફૂલહાર,અગરબત્તી અને પેંડા લાવ્યો.મિત્રને ત્યાંથી દીવો લઇને દેરીએ ગયો.બે હાથ જોડીને માફી માંગીને દીવો કર્યો,અગરબત્તીથી આરતી કરી,ફૂલહાર ચઢાવ્યો અને પેંડાનો પ્રસાદ ધરાવીને સૌને વહેંચ્યો.તે દિવસથી હું ચૂડેલની દેરીને ભૂલી શકતો નથી.દર વર્ષે આજ દિવસે પૂજન-પ્રસાદ કરૂ છું કારણકે મારી પ્રગતિ-હું ઇચ્છું તે મને મળે છે.

સમાપ્ત