Angarpath - 51 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૫૧

અંગારપથ.

પ્રકરણ-૫૧.

પ્રવીણ પીઠડીયા.

હોસ્પિટલની લોબીમાં ચેર ઉપર બેસેલી ચારુનું હદય અમંગળ આશંકાઓથી ફફડતું હતું. અંદર પેટ્રીકનું ઓપરેશન ચાલું હતું. તેના બચવાનાં ચાન્સિસ બહુ ઓછા હતા. તેના ગળામાં બૂલેટ વાગી હતી. ડોકટરો અથાગ મહેનતથી પેટ્રિકની સ્થિતિ સ્ટેબલ થાય એ મથામણમાં પરોવાયા હતા. નર્સોની દોડાદોડીને ચારું આશંકિત નજરે જોઈ રહી હતી. તેનું માથું ભમતું હતું, જીગર વલોવાતું હતું અને આંખોમાંથી આપોઆપ આંસું ઉભરાતા હતા. માનસિક રીતે તે ભાંગી ચૂકી હતી. જ્યારથી ડ્યૂટી જોઈન કરી ત્યારથી એકપણ દિવસ નિરાંતનો પસાર થયો નહોતો. એક પછી એક મુસીબતોનો પ્રવાહ સતત તેનો પીછો કરતો રહ્યો હતો. આ મામલામાં બીજા કોઈને તે દોષ પણ દઈ શકે એમ નહોતી કારણકે તેણે જ સામે ચાલીને આ મુસીબતોને આમંત્રણ આપ્યું હતું! જો તે રંગાભાઉને મળી જ ન હોત તો? પણ વીતી ગયેલો ભૂતકાળ ક્યારેય બદલી શકાતો નથી એટલે એ યાદ કરીને અફસોસ કરવાનો કોઈ મતલબ નહોતો. હવે આગળ શું કરવું જોઈએ એ વિચારવાનું હતું. પેલી ફાઈલ… ઓહ યસ, એ ફાઈલ વિસ્ફોટક હતી. તેમાં લખેલી વિગતો દુનિયા સમક્ષ ઉજાગર થાય તો ભયાનક ભૂચાળ આવ્યાં વગર ન રહે! અભિમન્યુએ તેને એ ફાઈલ સાચવીને રાખવા જણાવ્યું હતું. હાલનાં સંજોગોમાં શું એ વાત યોગ્ય હતી? જે હકીકત દુનિયા સમક્ષ લાવવાની જરૂર હતી એને ક્યાં સુધી સંતાડી રાખવી? ભયંકર દુવિધામાં તે ફસાઈ. જોગાનુજોગ કમિશ્નર સાહેબ પણ આ ફ્લોર ઉપર જ દાખલ હતા. શું તેમને એ ફાઈલ બતાવવી યોગ્ય રહેશે? ક્યાંય સુધી વિચારતી તે બેસી રહી. અને… એકાએક જ તેના સુંવાળા ચહેરા ઉપર એક મક્કમતા ઉભરી આવી. હાં… એ જ બરાબર રહેશે. પોતાના ઈમોશન્સ પર તેણે કાબું મેળવ્યો અને આંસુથી ખરડાયેલા ગાલ લૂછયાં. બસ હવે વધું નહી. હવે બીજી કોઈ આફત આવે ત્યાં સુધી રાહ જોવાનો કોઈ મતલબ નહોતો. તે ઉભી થઈ અને હોસ્પિટલથી બહાર નીકળી. તે અને અભિમન્યુ જ્યાં રોકાયા હતા એ હોટલનાં કમરામાંથી ફાઈલ લઈને ફરી પાછી હોસ્પિટલે આવી અને સીધી જ કમિશ્નરનાં કમરામાં પાસે પહોંચી. કમિશ્નરની સિક્યૂરિટીમાં ઉભેલાં ગાર્ડે ચારુંને જોઈને સેલ્યૂટ ઠોકી. ચારુંએ હોઠ ભિસ્યા અને અંદર ધૂસી ગઈ.

“યસ…!” કમિશ્નર પવારનાં હાથમાં જ્યૂસનો ગ્લાસ હતો અને તે કંઈક વિચારી રહ્યો હતો. ચારુંને અચાનક અંદર આવેલી જોઈને તે ચોંક્યો હતો. તેના કપાળે સળ ઉપસી આવ્યા.

“સોરી સર, હું આપને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી પરંતુ…” તે અટકી અને કમિશ્નરનાં બેડ નજીક સરકી. હાથમાં હતી એ ફાઈલ તેમની તરફ લંબાવી. ”પ્લિઝ ચેક ધીસ ફાઈલ…”

“શું છે એમાં?” પવારે ફાઈલ લીધી. તેનું આશ્વર્ય બેવડાયું હતું.

“તમે જ જૂઓ તો સારું રહેશે.”

અર્જૂન પવાર બેડમાં અધૂકડો બેઠો થયો અને ફાઈલ ખોળામાં લઈ તેના પાનાં ઉથલાવવા લાગ્યો. અનાયાસે… એકાએક જ તેની કરોડરજ્જૂમાં ઝટકો લાગ્યો હોય એમ ટટ્ટાર બેઠો થઈ ગયો. તેની આંખોમાં વિસ્ફાર સર્જાયો અને હોઠ આપોઆપ ગોળ થયા.

“માયગોડ, શું છે આ બધું? આ…આ… ક્યાંથી લાવી તું?” પવારનાં શરીરમાં દોડતું લોહી ઊંફાળા મારવા લાગ્યું હતું. તેની નસો તંગ થઈ હતી અને પારાવાર આશ્વર્યથી તે ઘડીક ફાઈલને તો ઘડીક ચારુને જોતો હતો. ફાઈલનાં એક એક પાનાં સાથે તેનું હદય કોઈ અગમ્ય આનંદથી ઉછળતુ હતું. તેના હાથમાં જેકપોટ હતો. ભયંકર તેજીથી તેનું દિમાગ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં પરોવાયું.

“સર, વી ડુ સમથિંગ અબાઉટ ઈટ.” ચારું બોલી ઉઠી. કમિશ્નર સાહેબનાં ચહેરા પર છવાયેલી ઉત્તેજના જોઈને તેના જહેનમાં પણ ઉત્સાહ જાગ્યો.

“વેલડન ઓફિસર.” ફાઈલને સાઈડમાં ટેબલ ઉપર મુકીને તેણે ચારું સામું જોયું. તે આ નવી જોઈન થયેલી લેડી ઓફિસરને જાણતો હતો. તેના કાને ચારુનું નામ પોલીસ ક્વાટર ઉપર હુમલો થયો ત્યારે જ પડી ચૂકયું હતું. અને હવે… અત્યારે તે ભયાનક દારૂગોળા ભરેલો પટારો તેને સોંપી રહી હતી. અનાયાસે જ તેનાથી ચારુની તારીફ થઇ ગઇ. “યુ મે ગો નાઉં, તારું કામ અહી પુરું થયું. હવે આગળ જે કરવાનું છે એ મારા પર છોડી દે.”

“બટ સર…”

“ડોન્ટવરી, આઈ વિલ હેન્ડલ ઓલ ધ ફેક્ટ વેરી કેરફૂલ્લી. અને હાં… આનો યશ તને પણ મળશે. આઈ એમ રીયલી પ્રાઉડ ઓફ યુ. બી કેરફૂલ એન્ડ ગો નાઉં.” પવારે પ્રસંશાભરી નજરે ચારું તરફ જોઈને કહ્યું.

ચારુંને સમજાયું નહી કે તેણે શું કરવું જોઈએ. કમિશ્નરને ફાઈલ સોંપીને તેનાથી ક્યાંક ભૂલ તો નથી થઈને..? આશંકાભરી નજરોથી તેણે કમિશ્નર સાહેબ સામું જોયું. તેમના પાટા મઢયાં ચહેરા ઉપર ઉત્તેજના સ્પષ્ટ છલકતી હતી. હવે કમિશ્નર સાહેબ ઉપર વિશ્વાસ મૂકવા સીવાય બીજો કોઈ રસ્તો નહોતો કારણ કે મામલો એટલો ગંભીર હતો કે તેમની સિવાય બીજા કોઈનું કશું ચાલે એમ નહોતું. એક ઉંડો નિશ્વાસ નાંખ્યો તેણે અને હકારમાં માથું હલાવ્યું, પગ ખખડાવ્યાં અને સલામ ઠોકી.

“ઓકે સર.” તે બહાર નીકળી આવી. એકાએક જ તેને અભિમન્યુની તિવ્રપણે યાદ સતાવવા લાગી. વિચારમગ્ન હાલતમાં જ અભિમન્યુને ફોન લગાવ્યો. ફોન આઉટ ઓફ કવરેજ આવતો હતો. “વોટ ધ હેલ અભિ… ક્યાં છો તું?” મનોમન અભિમન્યુને કેટલીય ગાળો સંભળાવી દીધી તેણે. ખરા સમયે જ એ સાથે નહોતો એનો ગુસ્સો આવ્યો.

“શેટ્ટી, સાંભળ…” કમિશ્નરનાં કમરાની બહાર નીકળીને તે હજું દરવાજા પાસે જ ઉભી હતી કે અંદરથી ફૂસફૂસાહટભર્યો અવાજ તેના કાને અફળાયો. કમિશ્નર પવારે કદાચ કોઈને ફોન લગાવ્યો હતો. ચારું બહાર નીકળી એ સમયે કમરાનો દરવાજો બરાબર બંધ નહોતો થયો. એ અરસામાં જ કમિશ્નરે શેટ્ટીને ફોન લગાવ્યો હતો. બહાર ઉભેલા ગાર્ડને શક ન જાય એમ સહજભાવે ચારું ત્યાં જ ઉભી રહી ગઈ હતી અને અંદર થતી વાતચીત સાંભળવા કાન સરવા કર્યા.

“ખજાનો હાથ લાગ્યો છે, તૈયાર રહેજે.” તે અટક્યો. “એક કામ કર, તું જલ્દીથી અહી આવી જા. ઓકે… ઓકે. બટ ફાસ્ટ. આપણે રૂબરૂ વાત કરીએ.” ફોન કટ થયો. ચારું ખળભળી ઉઠી. કમિશ્નર અર્જૂન પવારનાં શબ્દોએ તેના મનમાં ભૂકંપ સર્જયો હતો. તેમણે એવું શું કામ કહ્યું કે ખજાનો હાથ લાગ્યો છે! શું તેઓ અન્ય કોઈ ફિરાકમાં છે? તે ગૂંચવાઈ ઉઠી. વિચારમગ્ન દશામાં જ તે દરવાજેથી હટી અને ફરી પાછી પેટ્રિકનાં ઓપરેશન થિએટર નજીક આવી. કશુંક ઠીક નહોતું. કંઇક ખટકતું હતું. પણ શું…? એ સમજાતું નહોતું. અચાનક જ દિલમાં એક ખટકો ઉદભવ્યો હતો અને તે મુંઝાઇ ઉઠી. તેણે અભિમન્યુને એકધારા ફોન કરવા શરૂ કર્યા.

@@@

ડગ્લાસ લોન ઉપર પડયો હતો. તેના શ્વાસોશ્વાસ કોઈ ધમણની જેમ ફૂલતા અને સંકોચાતા હતા. ઉઘાડું શરીર પરસેવા અને લોહીનાં ઓઘરાળાથી ખરડાયેલું હતું. ઠેકઠેકાણે અસંખ્ય ઘાવ થયા હતા અને તેમાં સોજા આવવા શરૂ થયા હતા. તેની એક આંખ ઉપર અભિનો મુક્કો વાગ્યો હતો જેના કારણે એ આંખ લગભગ બંધ થઈ ચૂકી હતી. બીજી ખૂલ્લી આંખ એકધારી તગતગતી હતી અને અભિમન્યુ તરફ મંડાયેલી હતી.

“રક્ષાએ તારું શું બગાડયું હતુ?” અભિએ પ્રશ્ન દોહરાવ્યો. એ પણ બેતહાશા હાંફી રહ્યો હતો. ડગ્લાસે અભિ તરફ હાથ લંબાવ્યો અને પોતાને ઉભા કરવાનો ઈશારો કર્યો. અભિએ તેનો હાથ પકડયો. ટેકો દઈને ઉભો કર્યો અને તેની બગલમાં હાથ નાંખી થોડું ચલાવીને એક ખુરશીમાં સૂવડાવ્યો.

“આઈ ટોલ્ડ યુ. મેં તેને નથી મારી. હાં એવો ઈરાદો જરૂર હતો પરંતુ હું તેના સુધી પહોંચુ એ પહેલા તે ગાયબ થઇ ચૂકી હતી.” ડગ્લાસનાં ગળામાંથી પરાણે શબ્દો નીકળતા હતા.

“એ હું સાંભળી ચૂકયો છું. તારા કાળા કારનામાની ફાઈલ મારી પાસે છે. તારો ખેલ ઓલરેડી ખતમ થઇ જ ચૂકયો છે એટલે જેટલું સાચું બોલીશ એટલું તારા ફાયદામાં રહેશે.”

“તને શું લાગે છે? શું હું જાણતો નહી હોઉં કે પરિસ્થિતિ અત્યારે મારી વિરુધ્ધ છે. આ રિસોર્ટમાં આવવાનો મારો મકસદ એજ હતો નહિતર તારી જેવા મામૂલી માણસનું શું ગજું કે મને હાથ પણ લગાવી શકે. સો બોય… હું જે કહું છું એ માની લે અને મને જવા દે અહીથી. તેં ઓલરેડી મારું ઘણું નૂકશાન કર્યું છે. વર્ષોની જહેમતથી જમાવેલો મારો કારોબાર, મારો રુતબો, મારા અંગત માણસો… ઘણુબધું ફક્ત અને ફક્ત તારે કારણે જ તબાહ થયું છે. છતાં એ બધું ભૂલી જવા હું તૈયાર છું કારણ કે તારા લોહીમાં પણ મારી જેવા જ ગુણધર્મો છે. હું જવાન હતા ત્યારે તારી જેવો જ હતો અને એટલે જ હું તને પસંદ કરું છું. વિશ્વાસ કર… મેં તારી બહેનને કંઇ નથી કર્યું. મને પણ આશ્વર્ય થયું હતું કે મારી પહેલા તેના સુધી કોણ પહોંચી ગયું હશે! હાં, હોસ્પિટલમાં તેની ઉપર હુમલો જરૂર કરાવ્યો હતો એ તું જાણે છે અને હું એ સ્વીકારું પણ છું કારણ કે એનું જીવિત રહેવું મારા માટે ખતરા સમાન હતું.” ડગ્લાસ એકધારું બોલી ગયો. એટલું બોલવામાં પણ તેને પારાવાર શ્રમ પડયો હતો છતા કોણજાણે કેમ આજે તે ચોખવટ કરવાનાં મૂડમાં હતો. અભિમન્યુને તેની કથની ઉપર વિશ્વાસ નહોતો છતાં તે વિચારમાં પડયો. એક રીતે તેની વાત સાચી હતી. જો આટલું તે સ્વીકારતો હોય તો રક્ષા બાબતે શું કામ આનાકાની કરે! અને હવે તેનો કોઈ ફાયદો પણ તેને થવાનો નહોતો કારણ કે ઓલરેડી તે એક્ષ્પોઝ થઈ ચૂકયો હતો. તો શું એની વાત માની લેવી જોઈએ? અને એ જે કહે છે એ સાચું હોય તો રક્ષાને કોણે ઘાયલ કરી હશે? એ જે કોઇપણ વ્યક્તિ હશે તે રક્ષાને ખતમ કરી નાંખવા માંગતો હતો પરંતુ કોઈ કારણોસર રક્ષા જીવિત બચી ગઇ હતી. અભિનાં કપાળે સળ પડયાં. તેને કંઈ સમજાયું નહી. આખરે આ મામલો છે શું? તે ગૂચવાઇ ઉઠયો. બાજુમાં બીજી એક ચેર પડી હતી તેને નજદિક ખેંચી અને એમાં તે બેસી પડયો. શાંતીથી વિચારવાનો સમય નહોતો છતાં ઘણુબધું વિચારવું જરૂરી હતું.

ડગ્લાસ રક્ષાની પાછળ પડયો હતો કારણ કે એ તેના કાળા કારનામાંઓ વિશે જાણી ચૂકી હતી. તેણે પેલી રશીયન યુવતી જૂલીયાને ઓલરેડી મરાવી નાંખી હતી. તેના બરાબર સત્તર દિવસ બાદ રક્ષાનો ક્ષપ્ત-વિક્ષિપ્ત દેહ બાગા બીચ ઉપર સમુદ્રનાં પાણીમાં મળી આવ્યો હતો. તો પ્રશ્ન એ ઉદભવતો હતો કે એટલા દિવસો દરમ્યાન રક્ષા ક્યાં હતી? તેણે આ વાત કેમ કોઈને કહી નહોતી? જૂલીયાએ તેને ફક્ત ગોવાનાં ડેપ્યૂટી સીએમ દૂર્જન રાયસંગા વિશે જ જણાવ્યું હતું કે અન્ય બીજી કોઈ બાબત પણ જણાવી હશે? અભિમન્યુનાં મનમાં હજ્જારો સવાલોનું ઘોડાપૂર ઉમડયું. તેણે ડગ્લાસની ઓફિસમાંથી મળેલી ફાઈલ તપાસી હતી. એ ફાઈલ ઉપરથી ક્લિયર થતું હતું કે ડગ્લાસ અને તેની ટોળકી ડ્રગ્સનાં કારોબાર સાથે માનવઅંગોની તસ્કરીમાં પણ જોતરાયો હતો. તે નાના બાળકોનાં અંગો જરૂરીયાતમંદ લોકોનાં શરીરમાં લાખો, કરોડો રૂપિયા લઈને ટ્રાન્સપ્લાન્ટ કરતા હતા અને એમાં એક નામ દૂર્જન રાયસંગાનું પણ હતું. એ બાબતની જાણકારી સૌથી પહેલા જૂલીયાને થઈ અને તેણે રક્ષાને કહ્યું હતું. ડગ્લાસ કબૂલ કરતો હતો કે તેણે જૂલીયાને મરાવી નાંખી હતી પરંતુ રક્ષા બાબતે સાફ ઈન્કાર કરતો હતો. શું કામ? અને વળી એકાએક એક નવો પ્રશ્ન તેની સામે ખડો થયો હતો કે નાના બાળકોનાં અંગો કોઈ પુખ્તવયની વ્યક્તિમાં કેવી રીતે ટ્રાન્સપ્લાન્ટ થતા હશે? શું એની કોઈ ખાસ પ્રક્રિયા કે વ્યવસ્થા હશે? સવાલોનાં ઘેરમાં અટવાયેલો અભિમન્યુ ખુદ ઉલઝી ગયો હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.