Aaruddh an eternal love - 13 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૩

અનિરુદ્ધ ‌સવારે વહેલો ઊઠી ગયો. થોડું નબળાઈ જેવું લાગતું હતું. એણે નજર કરી તો જોયું કે અનન્યા સોફા પર સૂતી હતી. અનિરુદ્ધ ને કશું ખાવું હતું તેથી તેણે અનન્યાને ઉઠાડી પરંતુ, “અની પ્લીઝ…બહુ ઊંઘ આવે છે તું પણ થોડીવાર સૂઇ જા ને પછી હું કંઈક બનાવીશ, તો પછી ખાઈ લેજે.” કહીને અનન્યા પડખું ફરીને સૂઈ ગઈ.

અનન્યા અનિરુદ્ધ નું ધ્યાન રાખવા માટે રાત્રે એની પાસે રોકાઇ હતી, પરંતુ અનિરુદ્ધ પહેલાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

અનિરુદ્ધ એ પોતાના બેડની બાજુના ટેબલ પર જોયું તો રાતનો સૂપનો વાટકો એની સામે તાકી રહ્યો હતો.

***

અનિરુદ્ધને આરામ કરવો પોષાય તેમ ન હતું. તે હોસ્પિટલમાં પહોંચ્યો, ડોક્ટરે તો અનિરુદ્ધને દાખલ થવાની અને સખત આરામ કરવાની સલાહ આપી, પરંતુ ગાંધી જયંતિની ઉજવણીના કારણે એનાથી આરામ થાય એમ ન હતું. અનિરુદ્ધને હાડકામાં કશું નુકસાન ન હતું પરંતુ, ખભાથી કોણી સુધીનો આખો હાથ ખૂબ જ જખમી થયો હતો. એના ખૂબ આગ્રહ કરવા પર ડોક્ટરે એને ગળા ફરતે ટેકો રહે એ રીતે પાટો વીંટાળી દીધો. ડ્રેસિંગ કરાવીને એ સીધો પોતાની ઓફિસે પહોંચ્યો.

જાણે તેને આર્યાને જોવાની ઉતાવળ હોય તેમ ફટાફટ ચાલીને આર્યાના ટેબલ પાસે પહોંચ્યો ત્યાં એકદમ પગ ધીમા પડી ગયા. પરંતુ એ ટેબલ અને ખુરશી એકદમ ખાલી હતું, ત્યાં આર્યા ન હતી.

અંદર જઈને તેણે પોતાની જગ્યાએ બેસી ને ટેબલ પર જોયું તો આર્યાને પોતે જે ફાઇલ તૈયાર કરવા કહ્યું હતું તે ફાઈલ તૈયાર હતી, આર્યા તો મોડી રાત સુધી પોતાના ઘેર હતી તો પછી આ ફાઇલ એણે ક્યારે તૈયાર કરી એ વિશે અનિરુદ્ધ વિચારી રહ્યો. એણે ભરતને અંદર બોલાવ્યો.

“આ ફાઇલ અહીં કોણે મૂકી ભરત?”

“જી સર, એ આર્યા મેડમ રાત્રે અહીં મૂકીને ગયા છે. સાથે એમણે આ કવર પણ આપ્યું છે.”

અનિરુદ્ધ કવર ખોલીને જોયું તો એમાં આર્યાનું રાજીનામું હતું. અનિરુદ્ધ ના દાંત ભીંસાઈ ગયા.

અનિરુદ્ધે એ ફાઈલ પી.એ.ને મોકલાવી આપી. અને તુરંત પ્રિન્ટીંગ શરુ કરાવવાનું કહ્યું. પણ એના મગજમાંથી આર્યા ખસતી ન હતી.

અનિરુદ્ધને યાદ આવ્યું કે ડ્રાઇવર કહેતો હતો કે એ આર્યાને રાત્રે એના ઘેર મુકવા ગયેલો. એણે ડ્રાઇવરને બોલાવ્યો.

“ તું કહેતો હતો કે કાલે રાત્રે તું આર્યાને એના ઘેર મુકવા ગયેલો?”

“જી સાહેબ ગયેલો તો ખરો પરંતુ એ પહેલા આર્યા મેડમ મને અહીં લાવ્યા હતા. એમણે અહીં કમ્પ્યુટર પર કશુંક કામ કર્યું હતું અને એ પૂરું થયું પછી હું એમને એમના ઘેર મુકવા ગયેલો.”

“અત્યારે તને એનું ઘર ફરીવાર મળશે?”

“જી સાહેબ, મળશે પરંતુ એમને ઘર નથી. તેઓ તો અનાથઆશ્રમમાં રહે છે.”

સાંભળતા જ અનિરુદ્ધને તો જાણે ઝાટકો વાગ્યો. એ છોકરી અનાથ છે!! પોતે એના માતા પિતા વિશે ઘણીવાર એની હાજરીમાં કોમેન્ટ કરેલી છતાં પણ એ એક હરફ પણ ઉચ્ચારી ન હતી. અનિરુદ્ધને થોડો પસ્તાવો થયો. પોતે એવું બોલવું જોઈતું ન હતું. પોતાની કેબીનમાં થી એણે આર્યા ની સામે જોવાની ટેવ પડી ગઈ હતી. આજે એનું ખાલી ટેબલ એને બેચેન બનાવતું હતું.

એ હજુ આર્યાને ત્યાં જવા માટે ડ્રાઈવરને કહેવા જતો જ હતો ત્યાં સામેથી જય અને જિલ્લા પોલીસ વડા આવતા દેખાયા.

અનિરુદ્ધ એ બંનેને અંદર લઈ ગયો. જિલ્લા પોલીસ વડાએ અનિરુદ્ધને ગઇકાલના એના આખા ઘટનાક્રમ વિશે પૂછ્યું. અનિરુદ્ધ ના જણાવ્યા મુજબ તેના ફોન પર જયંત મંકોડી નો ફોન આવ્યો હતો અને તેણે અનિરુદ્ધને શહેરની દક્ષિણ બાજુએ આવેલા જંગલમાં રહેલા તેના ફાર્મ હાઉસ પર મળવા બોલાવ્યો હતો.

જયંતે અનિરુદ્ધને પોતાની સાથે હાથ મેળવી લેવા કહેલુ, પરંતુ અનિરુદ્ધે એને ઘસીને ના પાડી દીધેલી અને ઉપરથી એણે જયંત મંકોડીને સુધરી જવા માટે ધમકી પણ આપેલી.

"અનિરુદ્ધ, હું માનું છું કે તમે પૂરી નિષ્ઠાથી તમારું કામ કરો છો પરંતુ પોતાના જીવનું જોખમ લઈને તમે નિષ્ઠા બચાવો એ ખોટું છે." જિલ્લા પોલીસ વડાએ કહ્યું.

"તમારી વાત સાચી છે, પરંતુ તમે જયંતની ગર્ભિત ધમકી આપવાની સ્ટાઈલ જોઈ નથી, એટલે આવું કહો છો. હું એક ક્ષત્રિય નો દીકરો છું અને કોઈ મારી માતા કે બહેન સાથે ખરાબ વર્તન કરવાની ધમકી આપે હું સહન ન જ કરી શકું. એ જો સ્પષ્ટ કહેતો હોય તો એના હાથ જ ઉખાડીને એના હાથમાં આપી દઉં. પરંતુ એ તો જાણે મોટો વિચારક હોય એમ માર્મિક ભાષામાં જ વાત કરતો હોય છે. એને મારી સાથે જે ડીલ કરવી છે એ તો હું કોઈ કાળે નહીં થવા દઉં."

"હું સમજી શકું છું કે તમે એને ધમકી આપી અને પછી એણે તમારી પાછળ એનો માણસ મોકલ્યો હોવો જોઈએ. મેં તમારી સિક્યોરિટી વધારી દીધી છે, જયંતને શંકા ના ધોરણે પણ પકડી શકાય એમ નથી. એ તો મોટો સમાજસુધારક હોવાનો દાવો કરતો હોય છે, એની કદી ગુનેગાર છબી સ્પષ્ટ થતી નથી. માત્ર શંકાના આધારે એની ધરપકડ કરવાથી મોટો ઊહાપોહ થઈ શકે છે.

પરંતુ તમે તમારી કાળજી રાખજો, મિત્ર ભાવે ફરી કહું છું, આપણે તો આજે આ જિલ્લામાં છીએ તો કાલે બીજા કોઈ જિલ્લામાં, કામ તો કાયમ રહેશે." બીજી પૂછપરછ કરીને તથા બધાના નાકમાં દમ લાવી દેનાર જયંત મંકોડી અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપીને પોલીસવડા વિદાય થયા.

"અનિરુદ્ધ, યુ આર પર્ફેક્ટ, બસ ગુસ્સા પર કાબૂ રાખ. પ્લીઝ આરામ કર, નહીં તો આ હાથની શું હાલત થશે? ઉજવણી અંગે કંઈ પણ કામ હોય એ મને કહેજે. બટ પ્લીઝ, ટેઈક કેઅર."

"એક્ઝેક્ટલી જય, હું એને એમ જ કહું છું કે કામ ડાઉન. તું અને તારા સિદ્ધાંતો સાચા છે પરંતુ, તારે તારી કાળજી પણ રાખવી જોઈએ. મારા દાદી કહેતા હતા એમ કહું તો તને કોઈ ટોકરો બંધાવી દેવાનું નથી."

અનિરુદ્ધને હંમેશા આમ જ થતું, એનામાં રાષ્ટ્ર સેવા અને સમાજસેવા ભરપૂર હતી, અને તે એકદમ સાચો બની ને આવું કરવા જતો તો તેની જાતને પણ નુકશાન થઇ જતું જેમ કે અત્યારે થયું હતું.

થોડી વાર વાતો કરીને જય અને અનન્યા બંને નીકળી ગયા. અનિરુદ્ધ એ બંનેના જવાની રાહ જોઈ રહ્યો હતો.

આખરે અનિરુદ્ધ અનાથઆશ્રમ પહોંચી ગયો ત્યારે જ રહ્યો.

કલેકટર સાહેબ ને સફાળા આવેલા જોઈને અનાથઆશ્રમનું મેનેજમેન્ટ કામમાં લાગી ગયું.

શબરીરૂપી આશ્રમની છોકરીઓ તો પોતાના રામરૂપી અનિરુદ્ધને આવેલ જોઈને બાવરી બની ગઈ. અનિરુદ્ધ આશ્રમની ઓફિસમાં બેઠો હતો એની આસપાસ છોકરીઓ ટળવળવા લાગી.

એણે મેનેજરને કહ્યું કે પોતે પોતાની ઓફિસમાં કામ કરતી આર્યાને મળવા માંગે છે.

બરાબર એ જ વખતે એણે બારીમાંથી જોયું તો આર્યા બગીચામાં ઊભી હતી. આર્યાના લાંબા ઘટાદાર વાળ ખુલ્લા હતા, એ વારંવાર હવામાં ઉડીને એને પરેશાન કરી રહ્યા હતા. એ નાના બાળકો સાથે રમી રહી હતી. એને આટલી મુક્ત મને હસતાં અનિરુદ્ધ પહેલીવાર જોઇ હતી. એણે મેનેજરને કહ્યું કે પોતે જાતે બગીચામાં જઈને એને મળી લેશે.

અનિરુદ્ધ અને બગીચામાં આવેલો જોઈ આર્યા એકદમ આશ્રર્ય ચકિત થઈ ગઈ.

“આર્યા…આજે તું ઓફિસે કેમ નથી આવી?”

“તમે અહીં આવવાની તકલીફ કેમ કરી? મેં આખી ફાઇલ કરીને તમારા ટેબલ પર મૂકી દીધી હતી. અને હા મારું રાજીનામું પણ તમે જોયું જ હશે! હવેથી હું ત્યાં કામ કરવા ઈચ્છતી નથી."

"કારણ જણાવશો મેડમ?"

"જ્યાં મારા કામની કદર ના હોય ત્યાં હું રહેવાનું પસંદ કરીશ નહીં. અને હા તમે બે વખત મારા પર ફાઇલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. મેં એવું કશું કર્યું ન હતું તમે જો ખરેખર હોશિયાર હોય તો શોધી કાઢજો કે એ કામ કોનું હતુ.”

આર્યાની વાત સાંભળીને અનિરુદ્ધે એનો હાથ પકડીને એને પોતાની એકદમ નજીક ખેંચી અને કહ્યું, “રાજીનામું કઈ રીતે અપાય એની ખબર પડે છે? એ તારો અનાથ આશ્રમ છે? તે તું કહીશ એ બધું ચાલશે? ત્રણ મહિના પહેલા નોટિસ આપવી પડે છે. આપી હતી નોટિસ? હજુ તો નોકરી શરૂ કરીને પણ ત્રણ મહિના નથી થયા અને રાજીનામું મુકવું છે.” આર્યાને તો યાદ પણ નહોતું કે એણે જે કાગળ પર સહી કરી હતી તેમાં આ શરત હતી.

“મને એવી જગ્યાએ નોકરી કરવી બિલકુલ ગમતી નથી કે જ્યાં મારું આત્મસન્માન ના સચવાય.”કહીને આર્યાએ અનિરુદ્ધની પકડ છોડાવવાની કોશિશ કરી પરંતુ છોડાવી શકી નહીં તેથી તેણે મોઢું ફેરવી લીધું.

અનિરુદ્ધ ના મજબુત હાથો વડે આર્યા નું મોઢું પકડીને પોતાની સામે ફેરવ્યું અને એની આંખોમાં આંખો નાંખીને કહ્યું, “આવવું તો પડશે જ. આજે અથવા આવતીકાલે હાજર થઈ જજે નહીં તો નોટિસ મળશે. એટલુ તો તું નહીં ‌જ ઈચ્છે કે તારા અનાથાશ્રમને કંઈ તકલીફ પડે.”

અનિરુદ્ધે આર્યાને મૂકી દીધી અને ચાલતો થઈ ગયો.

આર્યા ઝળઝળિયાવાળી આંખોએ એને જોઈ રહી. અનિરુદ્ધ નજીક આવતો હતો તો પોતાને કંઈક થતું હતું. પરંતુ નજીક આવીને એ પોતાને ખૂબ દુઃખી પણ કરતો હતો. શું થઈ રહ્યું હતું તે સમજાતું ન હતું. અનિરુદ્ધ પણ પોતે કરવા કંઈ જતો હતો અને થઇ જતું હતું બીજું કંઈ.

બંને એકબીજાથી ઘણા અલગ હતા, જાણે અલગ અલગ ધ્રુવો, પરંતુ બંને વચ્ચે એક પાતળી રેખા રચાઇ રહી હતી જે એ બંનેને જોડનાર હતી.