Pratishodh - 1 - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 2

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:2

ઓક્ટોબર 2001 મયાંગ, અસમ

પંડિત શંકરનાથ પંડિત હવે વધુ તીવ્ર અવાજમાં શ્લોકોનું રટણ કરી રહ્યાં હતાં. જેમ-જેમ એમનો સ્વર ઊંચે જઈ રહ્યો હતો એમ-એમ આસપાસ પડઘાતી ભયાવહ ચીસો વધુને વધુ ડરાવણી થઈ રહી હતી. પોતાની જાતને ભડવીર કહેનારાં લોકો માટે પણ જ્યારે ત્યાંનાં ભયાનક વાતાવરણમાં ઊભું રહેવું અશક્ય હતું ત્યારે શંકરનાથ પંડિતનો પૌત્ર સૂર્યા એનાં દાદાજીના જણાવ્યાં મુજબ હાથમાં મોજુદ રહેલી બરણીને કસકસાવીને પકડીને બેઠો હતો.

અચાનક એક મોટો કાગડો સૂર્યાની નજીકથી કકર્ષ અવાજ કરતો પસાર થયો જેની આંખો કોઈ હીરાની માફક ચમકી રહી હતી. આવાં સમયે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય તો નક્કી એનાં હૃદયનાં ધબકારા અટકી ગયાં હોત, પણ સૂર્યા આ બધી ભયાવહ વસ્તુઓથી સહેજ પણ ડર્યા વિનાં દાદાજીએ સોંપેલું કાર્ય કરી રહ્યો હતો.

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

શંકરનાથ પંડિત હવે હજાર મંત્રો પૂર્ણ કરવાની અણી ઉપર આવી પહોંચ્યાં હતાં. પોતાની સમક્ષ પ્રગટી રહેલી પવિત્ર અગ્નિમાં ઘી હોમવાની સાથે શંકરનાથ પંડિત શાંતચિત્તે મંત્રોનું રટણ કરી રહ્યાં હતાં. વચ્ચે-વચ્ચે એ અપલક દ્રષ્ટિએ પોતાનાં પૌત્રની તરફ આંખ ઉઠાવીને જોઈ લેતાં, કે એને તો કોઈ તકલીફ નથી ને?

એકાએક એક સાપ ઉડીને સૂર્યાને દંશ દેવા આગળ વધ્યો, આવું કંઈક થશે એવી ગણતરી કરીને બેઠાં હોય એમ પંડિત શંકરનાથે પોતાની પડખે પડેલી એક કટારને છૂટી હવામાં ફેંકીને એ સર્પનું શરીર બે ટુકડામાં વિભાજીત કરી મુક્યું, આમ થતાં એ સર્પનાં કપાયેલાં શરીરનાં ટુકડા કાળા રંગનાં ધુમાડામાં પરિવર્તિત થઈ ગયાં.

સૂર્યાના હાથમાં રહેલી કાચની બરણીમાં કંપન હવે ખૂબ જ વધી ચૂક્યું હતું. એ બરણીની અંદર હવે સફેદ રંગનો એક ધુમાડો દેખાવા લાગ્યો હતો. નાનકડો સૂર્યા આવી પરિસ્થિતિમાં પણ જે હિંમતથી બેઠો હતો એ જોઈ એ સમજવું સરળ હતું કે એ કોઈ સામાન્ય બાળક તો નથી જ.

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

"ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ"

હજાર વખત મંત્રનો જાપ પૂર્ણ કરતાંની સાથે જ શંકરનાથ પંડિતે પોતાની આગળ મૂકેલાં પાત્રમાં રહેલું બધું જ ઘી આગનાં હવાલે કરી દીધું. આગની તીવ્ર જ્વાળાઓની રોશની એમની આંખોમાં સાફ દેખાઈ રહી હતી.

"સૂર્યા, આઝાદ કરી દે એ દુષ્ટ આત્માને.!" વાતાવરણમાં વ્યાપ્ત ભયાવહ ચીસો અને કલ્પાંતને ચીરતો શંકરનાથનો ઊંચો અવાજ સૂર્યાના કાને પડ્યો.

પોતાની દાદાની દરેક વાતનું અક્ષરશઃ પાલન કરતા સૂર્યાએ કોઈ જાતનો પ્રશ્ન કર્યાં વિનાં જ પોતાનાં હાથમાં રહેલી બરણીનું ઢાંકણ ખોલી દીધું. સૂર્યાના આમ કરતાં જ એ બરણીમાં રહેલો ધુમાડો તીવ્ર ગતિએ બરણીમાંથી બહાર નીકળ્યો, જેની સમાંતર કકર્ષ અટ્ટહાસ્ય આસપાસનાં વાતાવરણમાં ગુંજી ઉઠ્યું.

"સૂર્યા, અબ્રાહમની શૈતાની આત્માનો શિકાર કરવાનો સમય આવી ગયો છે.!" પોતાનાં સ્થાનેથી ઊભાં થતાં પંડિતે કહ્યું. પંડિતના અવાજમાં કે ચહેરા પર ભયની આછેરી પણ ઝલક જોવા નહોતી મળી રહી.

"એ પંડિત, આ શું ખેલ માંડ્યા છે? પહેલાં કેદ કરે, પછી મુક્ત કરે અને હવે શિકાર કરવાની વાત કરે?!" બરણીમાંથી નીકળેલો સફેદ ધુમાડો હવે મનુષ્યની મુખાકૃતિનું રૂપ લઈ ચૂક્યો હતો.

"તું ચૌદ વર્ષથી નાની ત્રણ છોકરીઓનાં બળાત્કાર અને હત્યાનો ગુનેગાર છે." ક્રુદ્ધ સ્વરે શંકરનાથ પંડિતે કહ્યું.

"પણ મારાં ગામનાં લોકોએ મને એનાં બદલામાં જીવતો સળગાવીને એની સજા આપી દીધી હતી." અબ્રાહમની આત્માએ કહ્યું.

"તે જે કર્યું એનાં બદલામાં ગામલોકોએ આપેલી સજા ખૂબ ઓછી છે, એ સજા તો ફક્ત તારાં શરીરને મળી હતી પણ તારી આત્મા એ સજામાંથી બાકાત રહી ગઈ." શંકરનાથી આવેશમાં આવી કહ્યું. "હું હવે તારી આત્માને સજા આપીશ, જેથી તું આવતાં જન્મે નાનું અમથું પણ ખરાબ કામ કરતાં અચકાય."

"પંડિત તું આવું કાંઈ નહીં કરે!" અબ્રાહમનો ભયભીત સ્વર સંભળાયો.

"હું એવું જ કરીશ, સૂર્યા નીકાળ તારી ચાંદીની કટાર અને ખતમ કરી દે આ નરાધમની આત્માને.!" આદેશાત્મક સુરમાં પંડિતે સૂર્યાને કહ્યું.

સૂર્યાએ હકારમાં ગરદન હલાવી અને પોતાનાં જોડે પડેલી ચાંદીની કટારને હાથમાં લીધી. સૂર્યા હજુ કંઈ કરે એ પહેલાં તો અબ્રાહમની આત્મા ત્યાં વ્યાપ્ત જંગલો તરફ ભાગી નીકળી.

"સૂર્યા, જા એને ગમે ત્યાંથી શોધીને ખતમ કરી દે. હું ઘરે તારી રાહ જોઉં છું. આશા રાખું છું તું નિરાશ નહીં કરે." આઠ વર્ષનાં પોતાનાં પૌત્ર સૂર્યાને આવું ભયંકર કામ સોંપતી વખતે પણ શંકરનાથ પંડિતનો અવાજ સ્થિર હતો.

"અવશ્ય, હું આપનું સોંપેલું કાર્ય કરીને જ આવીશ." હુંકાર કરતા સૂર્યાએ કહ્યું. "જય માં કાળી.!"

"માં કાળી તારી રક્ષા કરે." પોતાનાં દાદાનો આશીર્વાદ મળતાં જ સૂર્યા ખુલ્લી કટાર સાથે જંગલની દિશામાં અગ્રેસર થયો.

★★★★★★★

ઓક્ટોબર 2019, દુબઈ

દુનિયાનાં સૌથી વધુ વ્યસ્ત એવાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આદિત્ય અને જાનકીની ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે સાંજના પોણા પાંચ થયાં હતાં. ભારતીય સ્ટાન્ડર્ડ સમય અને દુબઈ સ્ટાન્ડર્ડ સમયમાં કલાક નો ફરક હોવાથી, ચાર વાગે મુંબઈથી ઉપડેલી ફ્લાઈટને દુબઈ પહોંચતાં પોણા બે કલાક લાગ્યાં હોવા છતાં સમયમાં પોણા કલાકનો જ ફરક પડ્યો હતો.

આદિત્ય અને જાનકી જેવાં એરપોર્ટ પાર્કિંગમાં આવ્યાં ત્યાં જાનકીની નજર પોતાની રાહ જોઈને ઊભેલી પોતાની મોટી બેન આધ્યા તરફ પડી. સફેદ રંગની સલવાર-કમીઝ અને રંગીન દુપટ્ટામાં આધ્યાનું રૂપ નિખરી રહ્યું હતું.આધ્યાને જોતાં જ જાનકી દોડીને પોતાની મોટી બહેનને ભેટી પડી. બે બહેનોએ જ્યાં સુધી એકબીજાની આગતા-સ્વાગતા કરી ત્યાં સુધી આદિત્ય એમની જોડે ચૂપચાપ ઊભો રહીને ક્યારે પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યો.

"દીદી, આ આદિત્ય છે; આદિત્ય આ આધ્યા દીદી છે મારી ફ્રેન્ડ, મારી સહેલી, મારી માં, મારું બધું જ.!" આદિત્ય અને આધ્યાની પરસ્પર ઓળખાણ કરાવતા જાનકીએ કહ્યું.

"જાનકી, આખો દિવસ બસ તમારી જ વાતો કરે છે. એનાં માટે સાચેમાં તમે બધું જ છો!" આદિત્યએ આધ્યાને ઉદ્દેશીને કહ્યું.

"પણ હવે લાગે છે એ બધાંમાં ભાગ પડાવનાર કોઈ આવી ગયો છે." જાનકી તરફ આંખ મીંચકારતા આધ્યા બોલી.

"શું દીદી તમે પણ!" પોતાની બહેનનો ઈશારો આદિત્ય તરફ હતો એ સમજતી જાનકીનો ચહેરો લજ્જાથી રાતો પડી ગયો.

"ચલો હવે બાકીની વાતો ઘરે જઈને કરીએ." આધ્યાનાં આમ બોલતા જ એ ત્રણેય એરપોર્ટ ટેક્સી સ્ટેન્ડ તરફ ચાલી નીકળ્યાં.

અડધાં કલાકમાં તો આધ્યા જાનકી અને આદિત્ય સાથે પોતાનાં આલીશાન ફ્લેટ ઉપર આવી પહોંચી હતી. જાનકી આ પહેલાં પોતાની બહેનને મળવા બે વખત દુબઈ આવી હતી પણ એ વખતે આધ્યા અન્ય કોઈ જગ્યાએ ભાડાનાં ફ્લેટમાં રહેતી હતી. આધ્યાનાં પતિ સમીરે છ મહિના પહેલાં લીધેલાં આ ફ્લેટમાં પગ મૂકતાં જ જાનકી અને આદિત્ય અવાચક થઈ ગયાં.

"વાઉ, ઇટ્સ સો બ્યુટીફૂલ!" ફ્લેટનાં દિવાનખંડમાં પહોંચેલી જાનકીએ ચોતરફ નજર ઘુમાવતાં કહ્યું.

"હા દીદી, આ ફ્લેટને બહુ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે." આદિત્ય પણ જાનકીની વાતમાં હામી ભરતાં બોલ્યો.

"તમે બંને અહીં બેસો." આદિત્ય અને જાનકીને હોલમાં મોજુદ સોફમાં બેસવાનો આગ્રહ કરતાં આધ્યા એ કહ્યું. "ત્યાં સુધી હું તમારાં માટે ચા અને થોડો નાસ્તો લઈને આવું."

આધ્યા કિચનમાં જઈને ચા બનાવી રહી હતી ત્યારે આદિત્ય અને જાનકી ઘીમાં અવાજે એકબીજા સાથે એ વિષયમાં ચર્ચા કરી રહ્યાં હતાં કે, આધ્યા દીદીને આદિત્ય પસંદ આવશે કે નહીં?

"શું ચર્ચા ચાલી રહી છે?" ટ્રેમાં ચા-નાસ્તો લઈને હોલમાં પ્રવેશેલી આધ્યાએ હસીને પૂછ્યું.

"એ તો દીદી બસ એમજ!"

"મને ખબર છે કે તમને બંને એ વિચારી રહ્યાં છો કે મને તમારી બે ની જોડી પસંદ આવી કે નહીં?" આદિત્ય અને જાનકીનો ચહેરો જોતાં આધ્યાએ કહ્યું. જેનાં જવાબમાં આંખો નીચી ઢાળી જાનકીએ હકારમાં પોતાની ગરદન ઊંચી-નીચી કરી.

"સાચું કહું તો તમારી જોડી મને પસંદ નથી આવી." સપાટ સ્વરે કહેલી આધ્યાની વાતે આદિત્ય અને જાનકીને ભારે આંચકો આપવાનું કામ કર્યું. પોતાનાં શબ્દોની આદિત્ય અને જાનકી પર થયેલી અસરને બે ઘડી જોયાં બાદ આધ્યા જોરજોરથી હસવા લાગી; એને આમ હસતી જોઈ જાનકી અને આદિત્યને ભારે આશ્ચર્ય થયું.

"અરે મને તમારી જોડી પસંદ નહીં પણ ખૂબ ખૂબ પસંદ આવી છે.!" આધ્યાની આ વાત સાંભળી જાનકી રડતાં-રડતાં પોતાની બેનને ભેટી પડી.

"એ પાગલ, કેમ રડે છે?" જાનકીનાં આંસુ લૂછતાં આધ્યાએ કહ્યું. "મેં તો જ્યારે વીડિયો કોલમાં આદિત્ય સાથે વાત કરી એ દિવસે જ મને સમજાઈ ગયું હતું કે તારી પસંદ ઉત્તમ છે, પણ આ તો મારે તમને બંનેને રૂબરૂ મળવું હતું એટલે અહીં આવવા કહ્યું."

આધ્યા દ્વારા પોતાનાં સંબંધને સ્વીકૃતિ મળી ગઈ છે એ વાતની ખુશી જાનકી અને આદિત્યના ચહેરા પર સ્પષ્ટ વંચાતી હતી. એ લોકોએ ત્યારબાદ ચા-નાસ્તાને ન્યાય આપ્યો, આ દરમિયાન આધ્યાએ આદિત્યની પર્સનલ અને પ્રોફેશનલ જીંદગી અંગે થોડાં-ઘણાં પ્રશ્નો કર્યાં; જેનાં આદિત્ય દ્વારા આપવામાં આવેલાં જવાબ આધ્યાને સંતોષકારક લાગ્યાં.

થોડીઘણી અહીંતહીંની ચર્ચાઓ બાદ આધ્યા અને જાનકી ડિનરની તૈયારી માટે પોતાનાં કિચનમાં પ્રવેશ્યાં. એકાંત મળતાં જ આદિત્ય હોલમાંથી ઊભો થઈને બાલ્કનીમાં આવ્યો અને પોતાનાં ખિસ્સામાં મૂકેલું સિગરેટનું પેકેટ નિકાળ્યું. પેકેટમાંથી એક સિગરેટ નિકાળી એને લાઈટર વડે સળગાવ્યાં બાદ આદિત્યએ સિગરેટમાંથી એક ઊંડો કશ ભર્યો.

સિગરેટના દરેક કશની સાથે આદિત્ય પોતાની અને જાનકીની પ્રથમ મુલાકત વિશે વિચારવા લાગ્યો. એક કોમન ફ્રેન્ડનાં મેરેજમાં અનાયાસે મળેલાં આદિત્ય અને જાનકી વચ્ચે મેરેજ દરમિયાન જ એકબીજા જોડે મિત્રતા બંધાઈ. ત્યારબાદ મોબાઈલ નંબરોની આપ-લે, કોલ, ચેટિંગ, ડેટિંગ, પ્રપોઝ અને લવશીપ બાદ હવે એ બંનેનાં સંબંધને નજીકમાં એક નામ મળવાનું હતું એ વિચારી આદિત્ય મનોમન ખુશ હતો.

જીંદગીનો આટલો મહત્વનો દિવસ હોવાં છતાં પણ ખબર નહીં કેમ અહીં આવ્યાં પછી આદિત્યનું મન થોડું બેચેન હતું, એનું માથું પણ ભારે થઈ ગયું હતું. ફ્લાઈટની મુસાફરીનાં લીધે આવું થયું હશે એમ વિચારી આદિત્ય પોતાનાં હાથમાં રહેલી સિગરેટને બાલ્કનીની રેલિંગ પર ઘસીને બુઝાવી રહ્યો હતો ત્યાં અચાનક કોઈએ એનાં પગ ઊંચા કરીને એને જોરથી નીચેની તરફ ધક્કો મારી દીધો.

*********

ક્રમશઃ

સૂર્યા જંગલમાં જઈને અબ્રાહમની આત્માનો શિકાર કરી શકશે? આદિત્યને ધક્કો મારનાર કોણ હતું? આદિત્યનું શું થશે? સમીર અને આધ્યા વચ્ચેનાં સંબંધમાં કડવાશનું કારણ આખરે કોણ હતું? આ સવાલોનાં જવાબ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર પ્રતિશોધ. આ નવલકથા દર મંગળ અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)