RECORD BREAK HANDWASH books and stories free download online pdf in Gujarati

રેકોર્ડ બ્રેક હેન્ડ વોશ

હેન્ડ વોશ એટલે હાથ ધોવા. હાથને સાફ રાખવા. આપણે જ્યારે નાના હતાં ત્યારે માતા-પિતા આપણને વારંવાર હાથ ધોવાની સલાહ આપતાં. જેથી હાથમાં રહેલા કિટાણુંઓ શરીરમાં જાય નહી. મોટા થઇએ અને ક્રિકેટ કે કોઇપણ આઉટ ડોર રમત રમીને આવીએ, મિત્રોને મળીને આવીએ અથવા જમતા પહેલા, બહારથી આવીને, સૂતા પહેલા હાથ ધોવાની ટેવ પાડવાનું માતા-પિતા અથવા ઘરના અન્ય વડિલો જણાવતાં. નાના હતાં ત્યારે તો સમજ્યા વગર વડિલો જે કહે તે માની લેતાં અને હાથ બરાબર ધોઇ, સાફ કરીને જ ઘરની અન્ય પ્રવૃત્તિઓ કરતાં. થોડા મોટા થયા, સમજતા થયા, વિચારતા થયા, સમાજમાં બહાર નિકળતા થયા તેમ-તેમ ઘરના વડિલોએ શિખવાડેલ સારી આદતો ભૂલતા ગયા. અને પોતાની મરજી મુજબનું જીવન જીવવા લાગ્યા.

બહારથી આવ્યા પછી હાથ-પગ ધોવાની ટેવો છૂટી ગઇ. કોઇપણ ખાવાની ચીજ આરોગતા પહેલા વ્યવસ્થિત સાબુથી હાથ ધોવાની આદત તો જાણે સાવ ભુલાઇ જ ગઇ. માતા-પિતા અને વડિલોએ આપેલી સારી ટેવો છૂટવા લાગી અને દવાઓના બિલો વધતા ગયા. હોસ્પિટલોમાં અવર-જવર શરૂ થઇ ગઇ. અને હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે, દવાખાનામાં કાયમી પેશન્ટ તરીકેનું ખાતું જ ચાલવા લાગ્યું. દવા અને સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચાવા લાગ્યા. દવા અને હોસ્પિટલોની સારવાર માટે મેડિક્લેઇમ અને હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરિયાતો પડવા લાગી. નવી નવી બિમારીઓ માણસના શરીરમાં પ્રવેશવા લાગી. આપણે જાણે બિમારીઓને સામેથી વારંવાર આવકારવા લાગ્યા. આપણે આવી બિમારીઓથી બચવાના દરેક ઉપાયો કરવા લાગ્યા. બિમારીઓ સામે જજુમવાની તૈયારીઓ કરવા લાગ્યા. જાણે જંગ લડવા જતાં હોઇએ તે રીતે તૈયારીઓ કરવા લાગ્યા. પરંતું ભારતિય સંસ્કૃતિની જ્ઞાનની એ વાત સંપૂર્ણ ભુલી ગયા જે નાનપણમાં માતા-પિતા અને વડિલો સમજાવતા હતા.

એક સર્વે મુજબ એવું જાણવા મળ્યું છે કે માણસ સૌથી વધુ બિમાર કિટાણૂંઓ, જંતુઓ, નુકશાનકારક બેક્ટેરિયા વિગેરેના શરિરમાં થતાં પ્રવેશના કારણે પડે છે. તેમાં કિટાણૂંઓ, જંતુઓ, નુકશાનકારક બેક્ટેરિયા વિગેરેનો શરીરમાં પ્રવેશ થવાનું એક કારણ હાથ સાફ કર્યા વગર આંખ, કાન, નાક અને મોં ને એ હાથથી સ્પર્શ કરવામાં આવે છે.

આપણે ઘણી વખત જોયું હશે હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો તથા અન્ય સ્ટાફ જ્યારે પણ દર્દીને તપાસે અથવા જમવાનું આપે અથવા દવા કે ઇન્જેક્શન આપે ત્યારે સાબુ અથવા લીક્વીડ હેન્ડવોશ તથા સેનેટાઇઝરથી હાથ સાફ કરીને જ આપે છે. તથા જ્યારે પોતાના અંગત જીવનની કોઇપણ પ્રવૃત્તિઓ કરે ત્યારે પણ હાથ બરાબર ધોઇને જ પ્રવૃત્તિઓ કરે છે. કારણ કે ડોક્ટરોને ખબર છે કે સાજા રહેવું હોય તો હાથ સાફ રાખીને શરિર તંદૂરસ્ત રાખવું જ પડશે.

આપણી વિસરાઇ ગયેલી અને ભુલાઇ ગયેલી આદત આપણને ફરી વખત ભારત સરકારે હાલમાં જ યાદ કરાવી. હાલ સમગ્ર વિશ્વ એક નવો વાયરસ નામે “કોરોના વાયરસ” ના સંક્રમણથી બચવા માટેના પ્રયત્નો કરી રહેલ છે. મારી ઉત્તમ જાણ મુજબ, આ વાયરસ સંક્રમિત વ્યક્તિની નજીક જવાથી, તેને સ્પર્શ કરવાથી, તેની ખાંસી, છીંક વિગેરેથી હવામાં તથા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એટલે આ વાયરસના સંક્રમણથી બચવા માટે ભારત સરકાર દ્વારા અમુક માર્ગદર્શનો બહાર પાડ્યા છે જે પૈકી એક માર્ગદર્શન મુજબ આપણે દિવસમાં નીચે જણાવ્યા મુજબની કોઇપણ પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તથા અમુક કાર્યો કર્યા પહેલા હાથ ધોવા જરૂરી છે. જેવા કે...

બહારથી આવીને, બહારથી કોઇ વસ્તુની ખરીદી કરી હોય તો તે વસ્તુને સ્પર્શ કર્યા પછી, બહારની કોઇ વ્યક્તિને સ્પર્શ કર્યા પછી, કોઇ વ્યક્તિને ઉધરસ, છીંક વિગેરે આવેલ હોય અને તમો તેની આસ-પાસ હોવ તો તુરંત જ હાથ ધોવા, ઉધરસ ખાતી વખતે અથવા છીંક ખાતી વખતે જો હાથ મોં આડો રાખ્યો હોય તો ત્યાર બાદ, જમવાનું બનાવતા પહેલા, જમતા પહેલા, સૂતા પહેલા, આંક, કાન, નાક અને મોં ને સ્પર્શ કરતા પહેલા, નાના બાળકોને સ્પર્શ કરતા પહેલા, વૃધ્ધોને અથવા બિમાર વ્યક્તિને જમવાનું પીરસતા પહેલા, દવા લેતા-આપતા પહેલા, ઘરના દરવાજાની બહારની કોઇપણ વસ્તુઓને સ્પર્શ કર્યો હોય તો તે પછી તુરંતુ જ, પીવાનું પાણી ભરતા પહેલા, ચલણી નોટોની આપ-લે કરી હોય તો તેવી નોટોને સ્પર્શ કર્યા બાદ, બુટ-ચંપલને હાથ લગાડ્યો હોય તો ત્યારબાદ આમ, આવી અનેક પ્રકારની દૈનિક પ્રવૃત્તિઓ કર્યા પહેલા-પછી હાથ સાબુથી/લીક્વીડ હેન્ડવોશથી/સેનેટાઇઝરથી સાફ કરવા હાલના કોરોના મહામારીના સંજોગોમાં ફરજીયાત બની ગયેલ છે.

સરકારની તંદુરસ્ત અને બિન-સંક્રમિત રહેવાની માર્ગદર્શિકાઓને ઘણાં લોકો વ્યર્થ સમજી બેસે છે. અને જાણીજોઇને બેદરકારી રાખી બિમારીઓને આમંત્રિત કરે છે. જેથી દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થતાં લોકોના કેસો વધતા જાય છે. અને વાયરસનો ફેલાવો વધુ ને વધુ થતો જાય છે. ભારત સરકારની માર્ગદર્શિકા આપણને સલામત અને તંદુરસ્ત રાખવા માટે છે. જો તેનું પાલન કરશું તો કોઇ નુકશાન નથી પરંતું હા, જો પાલન નહી કરીએ તો નુકશાનની ભિતી ૧૦૦% છે.

પહેલા માતા-પિતા અને વડિલો માત્ર બહારથી આવીએ ત્યારે અને જમવા બેસીએ તે પહેલા અને રાત્રે સૂતા પહેલા જ હાથ-પગ ધોવાનો આગ્રહ રાખતા એટલે આશરે દિવસમાં પાંચ-છ વખત જ હાથ ધોવા પડતાં. પરંતું હાલ કોરોના વાયરસના કારણે વારંવાર હાથ ધોવા પડે છે. લોકડાઉન દરમ્યાનનો દિવસ ગણીએ તો અંદાજે એક દિવસમાં ૩૦ થી ૫૦ વખત હાથ ધોઇને સાફ કરવા પડે છે. જે ત્રીસ દિવસ લેખે ગણીએ તો એક માસમાં આશરે ૯૦૦ થી ૧૫૦૦ વખત અને ૩૬૫ દિવસનું વર્ષ ગણીએ તો એક વર્ષમાં આશરે ૧૦૯૫૦ થી ૧૮૩૦૦ એટલે કે આશરે ૨૦૦૦૦ વખત હાથ ધોયા બરાબર ગણાય. વર્ષમાં ૨૦૦૦૦ વખત હાથ ધાવાનો ખર્ચ એક વખતની બિમારી પાછળ કરવા પડતા ખર્ચની રકમ કરતા ઘણો ઓછો થશે. એટલે જ હું કહું છું કે...

કોરોના વાયરસની મહામારીમાં હું મને અને મારા પરિવારના સભ્યોને તંદુરસ્ત રાખવા વારંવાર હાથ ધોવું છું અને સરકારની દરેક માર્ગદર્શિકાઓનું પાલન કરૂં છું. જો તમે પણ તમારા પરિવાર, સ્વજનો, મિત્રો, પાડોશીઓ વિગેરેને તંદુરસ્ત રાખવા ઇચ્છતા હોવ તો મારી જેમ રોજ વારંવાર હાથ ધોવાનું રાખો અને સરકારે કોરોના વાયરસથી બચવા માટે બહાર પાડેલ માર્ગદર્શિતાનું પૂરેપૂરૂ પાલન કરો અને કરાવો. અને કોરોના સામે લડવા માટે કોરોના વોરિયર્સ અને સરકારને ટેકો આપી મદદ કરો.