Law Of Attraction - 1 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ નો સિદ્ધાંત - 1

૧:આકર્ષણ નો સિદ્ધાંત

આકર્ષણ નો સિદ્ધાંત: મોટાભાગના લોકોએ આ સિદ્ધાંત વિષે સાંભળ્યું જ હશે, પરંંતુ ઘણા લોકો આ સિદ્ધાંતને માનતા હશે અને ઘણા લોકો આ સિદ્ધાંતને ફક્ત વાચીને જવા દેતા હશે. આ સિદ્ધાંતની એક ખાસ વાત એ છે કે આ સિદ્ધાંતને માનો કે ન માનો તે પોતાનું કામ કરી જ રહ્યો છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત જે તેને જાણતા નથી તેના માટે પણ સરખો જ કામ કરે છે તે જ રીતે આકર્ષણ નો સિદ્ધાંત પણ તમે તેને જાણતા ન હોવા છતાં પણ તમારા પર કામ કરે જ છે. હવે, હું માનું છું ત્યાં સુધી તમે આ સિદ્ધાંતના નામ પરથી જ તે શું કામ કરે છે તેના વિષે થોડું ઘણું સમજી જ ગયા હશો. જી, હા તમારો વિચાર સાચો જ છે; આકર્ષણ નો સિદ્ધાંત એટલે કે જે તમે વિચારી રહ્યા છો તેને જ તમે તમારા જીવનમાં આકર્ષી રહ્યા છો. હવે તમે કહેશો કે મારા જીવનમાં બનેલી સારી ઘટનાઓ તો બરાબર પણ શું મારા જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓને પણ શું મેં આકર્ષી હોય શકે? તો હકીકત એ છે કે હા તમારા જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓ પણ તમારા વિચારોનું જ પરિણામ છે.
આકર્ષણ ના સિદ્ધાંતને સમજીને તમે તમારા જીવનને એક નવો અને હકારાત્મક વળાંક આપી શકો છો, તેમજ તમે તમારા જીવનને તમારી ઈચ્છા પ્રમાણેનું સુંદર જીવન બનાવી શકો છો. આકર્ષણ નો સિદ્ધાંત તમારા જીવનની તમામ મૂશ્કેલીઓ તમામ પ્રશ્નોને દૂર કરી શકે છે. હવે તમે કહેશો કે હું આકર્ષણ ના સિદ્ધાંતનો ઉપયોગ મારા જીવનને સુંદર બનાવવા કેવી રીતે કરી શકું? આ પ્રશ્નનો ખૂબ જ સીધો અને સરળ જવાબ એ છે કે તમારા વિચારો બદલીને તમે તમારા જીવનને સુંદર બનાવી શકો છો.
હવે, ફરીથી તમને પ્રશ્ન થશે કે વિચારો પર કોઈ કેવી રીતે કાબૂ કરી શકે? કોઈ વ્યક્તિ પોતાના વિચારોને કેવી રીતે બદલી શકે? તો આ પ્રશ્નનો પણ ઉકેલ છે. તમે જે વિચારી રહ્યા છો તે તમારા જીવન પર કેવો પ્રભાવ પાડે છે તે તમે તમારી લાગણીઓ જોઈને સમજી શકો છો. જો હાલના તમારા વિચારને લીધે તમે ખૂબ જ ખુશ છો, તમે ખૂબ જ સારું અનુભવી રહ્યા છો તો તમે તમારા આ વિચારથી તમારું જીવન ખૂબ જ સુંદર બનાવી રહ્યા છો; એ જ રીતે જો તમે તમારા કોઈ વિચારથી ખૂબ જ દુઃખી છો તો આ વિચારથી તમે તમારા જીવનમાં વધુ દુઃખને આકર્ષી રહ્યા છો.
માટે, જો તમે તમારા જીવનને સારું અને સુંદર બનાવવા ઈચ્છતા હોય તો તમારે તમારા વિચારોને બદલવા જ પડશે અને તમારા વિચારોને બદલવા માટે તમારે તમારી લાગણીઓ પર ધ્યાન આપવું પડશે અને જો તમે તમારા વિચારોથી દુઃખ નો અનુભવ કરી રહ્યા હોય તો તમારે તમારા વિચારોને બદલીને તરત જ ખુશી અને સુખના વિચારો કરવા પડશે. જો આ નાનકડી પદ્ધતિ તમે તમારા જીવનમાં લાગું પાડી દેશો તો તમે તમારા જીવનને જરૂર સુંદર બનાવી દેશો.
આકર્ષણ નો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે તે તો હવે તમે સમજી ગયા જ હશો તો હવે અહીં એક વાત જાણી લેવી જોઈએ કે આકર્ષણ નો સિદ્ધાંત તમારા જીવનની દરેક બાબતો પર કામ કરે છે પછી તે સુખ હોય, સંબંધો હોય, ધન હોય કે તમારા જીવનની નાનામાં નાની કે મોટામાં મોટી કોઈ પણ બાબત હોય તે દરેક બાબત પર કામ કરે છે. આકર્ષણ નો સિદ્ધાંત તમારા જીવનમાં લાગું કરવા માટેની પણ ઘણી બધી પદ્ધતિઓ છે આ તમામ પદ્ધતિઓ વિષે વિસ્તારમાં જાણીશું હવે આગળ.......