Aapni ninda karnarne aapni pase j rakhavo books and stories free download online pdf in Gujarati

આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો.



જેસલ ડાકુ અને તોરલ સતીની ગાથા તો કચ્છના ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. હું જાણું છું કે આપ સૌ આ અમરપાત્રો વિશે જાણતા હશો છતાંયે મારી સતી તોરલ પ્રત્યેની લાગણી તીવ્ર બનતા એક નાનો કિસ્સો તમારી સમક્ષ રજુ કરવા માંગુ છું. .

આપણી ભજનવાણીમાં અધિકતર ધર્મને પ્રાધાન્ય આપાયું છે. ધર્મને આશ્રિત એવા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપદેશ જેવા ભાવોનો રંગ આપણે ભજનોમાં જોવા મળે છે. મધ્યકાળના સંતભકતોએ પણ આવા ભગવદભાવનું ગાન ગાયું છે. નખશિખ અને શુદ્ધ- બુદ્ધરૂપે ભક્તિનું આત્મોદ્ગાર સતી તોરલની આરાધી ભજનવાણીમાં પણ છે. સતી તોરલની વાણીમાં ભક્તિમહિમા, જ્ઞાનમહિમા અને મુક્તિ પ્રાપ્તિનાં ભાવોનો ચિતાર મળી આવે છે.


તોરલ સાધુચરિતથી જેસલ બહારવટીયો મટી ગયો પણ હજુ તેમાં રાગદ્વેષ ગયા ન હતો. તેથી તેણે તોરલ ને પોતાના હૃદયની વાત જણાવી ત્યારે તોરલે કહ્યું. જે લોકો તમારી નિંદા કરે અને તમે તે નિંદા સહી લો કે જરાપણ ગુસ્સે ન થાવ તો તમે સાચા સંત બની શકો.


તોરલે કહ્યું તમે આવતીકાલે મારા કપડાંનો ગાંસડો બાંધી બજારમાંથી પસાર થાજો અને મારા કપડાં ધોવા નીકળ્યા છો તેવું બતાવજો. બીજા દિવસે જેસલે એવું જ કર્યું તો લોકો કહેવા લાગ્યા, “જોયું - આ જેસલ લૂંટારો હવે જોરૂનો ગુલામ થઈ ગયો છે. બાયડીના કપડાં ધોવા નીકળ્યો છે.” જેસલ કપડાં ધોઈ ધેર આવ્યો અને કપડાં સુકાવવા લાગ્યો તેમાં ફક્ત એક કપડામાં બે ડાઘ રહી ગયા. જેસલે તોરલને પૂછ્યું: “આ બે ડાઘ કેમ રહી ગયા?” તોરલે કહ્યું: “તમે બજારમાંથી નીકળ્યા ત્યારે બધા લોકોએ તમારી નિંદા કરી હશે પણ હજુ બે જણ બાકી રહી ગયા છે. તમને ખબર છે કોણ તમારી નિંદા કરી નથી?” જેસલે વિચારીને કહ્યું, “હા! એક ધોબી અને ધોબણ એ મારી નિંદા કરી નથી.” તોરલે કહ્યું, “ત્યારે હવે બીજી વાર જાવ.” જેસલ ફરી બજારમાં કપડાં ધોયા હતા ત્યાં ફરીથી ગયો. ત્યારે ધોબણે ધોબીને કહ્યું: “જોયું ને, આ બાયડીનો ગુલામ, ફરીથી આવ્યો.' ધોબી કહે, “ હા એની બાયડી ભારે લાગે છે, એને બીજીવાર તગડયો.” આ બંનેએ નિંદા કરી એટલે પેલા બે પણ ડાઘ અદૃશ્ય થઇ ગયા.


કબીરે સાચું કહ્યું છે,
'નિંદક નિયરે રાખીએ,
આંગનકૂડી છવાય!
બિન પાની સાબુન બીના!
નિર્મલ કરે સુભાય!!

કબીરજી કહે છે ''આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો કારણ કે પાણી કે સાબુ વગર તે આપણને નિર્મલ સ્વચ્છ બનાવે છે.”

માણસ જન્મથી મૃત્યુ સુધી બે પ્રકારની મનોવૃતિથી પીડાતો હોય છે: એક પરમસુખની પ્રાપ્તિ અને બીજું દુઃખમાંથી નિવૃતિ. આત્મજ્ઞાનની જ્યોત ઝાંખી પડવા લાગે છે ત્યારે ભક્તિની જરૂર પડે છે. પત્થર પૂજાતા હોય છે, પણ જીવંત મનુષ્યોનો આદર ભૂલાયો હોય છે. મંદિરોના ઘોંઘાટમાં માનવતાની ઝીણી ઝાલરનો આંતરનાદ લુપ્ત થયો હોય ત્યારે સંત મહાત્માઓ એ માનવગૌરવનો મહિમા ગાયો છે અને તેને પ્રભુમય બનાવી દીધો છે. સતી તોરલની આરાધી શૈલીમાં સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને માનવધર્મને ઉપદેશાત્મક રીતે રજૂ કરાયું છે. ડૂસકાં કે હીબકાં ભરતી સંસ્કૃતિ અને માનવમૂલ્યોનું સતી તોરલ જેવા સંતરત્નોએ જતન કર્યું છે.

‘જેસલ હટે જવ ભર, તોરલ હટે તલ ભર.’ અંજારમાં આવેલી જેસલ – તોરલની સમાધિ બંને એકબીજાને મળશે ત્યારે ધરતીમાં પ્રલય સર્જાશે તેવી લોકવાયકા બોલાતી હોય છે પણ હું તો એટલું જ કહીશ કે જો માનવમૂલ્યોનું જતન થતું રહેશે તો ઈશ્વરીય ચેતનાની પ્રાપ્તિ પણ થતી રહેશે. પ્રલય થવા સુધીની આપણી હયાતિની આપણને કોઈજ જાણ નથી પણ જન્મોદ્ધારની પ્રક્રિયા હાથ ધરવી એજ નરી સત્યતા છે જે સંપૂર્ણપણે આપણાં હાથમાં છે.


લેખક: પૂર્વી ગોસ્વામી
Email: purvigswm@gmail.com
પ્રકાશિત :
વાવડ દૈનિક
તા: 07/02/2020