Padchihna - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

પદચિહ્ન - દિવ્યેશ ત્રિવેદી

દરરોજ તો જયશ્રી સાંજે છ વાગ્યા સુધીમાં ઘરે આવી જતી હતી. પરંતુ આજે મેનેજમેન્ટ કમિટિની મિટીંગમાં હાજર રહેવું એના માટે જરૂરી હતું. સાંજે છ વાગ્યા ત્યારથી એનો જીવ તો ઘેર પહોંચી જ ગયો હતો. નર્સ છ વાગ્યે જયશ્રી આવે પછી નીકળતી હતી. સાંજે ચાર વાગ્યે એણે ઘરે ફોન કરીને નર્સને એકાદ કલાક વધુ રોકવા કહ્યું હતું. પરંતુ અત્યારે તો એથી પણ વધુ મોડું થયું હતું. ઘરે બાપુ એકલા જ હશે એ વાતની એને ચિંતા હતી.

પરંતુ એ ઘરે આવી ત્યારે હજુ નર્સ બેઠી હતી. જયશ્રી એ એને જવાની આજ્ઞા આપી અને આભાર માન્યો. એણે જોયું તો જનકસિંહ ઊંઘમાં હોય એવું લાગ્યું. પાસેની ટિપોય પર પડેલો કોડલેસ ફોન રણક્યો. એની રીંગ ધીમી હતી એટલે કદાચ જનકસિંહને ઊંઘમાં ખલેલ નહીં પડી હોય. જયશ્રીએ તરત જ ફોન ઉપાડી લીધો અને હળવે પગલે બહારના રૂમમાં આવી ગઈ. એની જ કંપનીના ડાયરેક્ટર આઈ. સી. પટેલનો ફોન હતો. આઈ. સી. પટેલનો અવાજ સાંભળી જયશ્રીએ કહ્યું, “હલ્લો, કેમ છો, કાકા! હું તમને હમણાં ફોન કરવાની જ હતી…”

“તું કરે તે પહેલાં મારે કરવો જોઈએ ને- તને અભિનંદન આપવા. મને મેનેજમેન્ટ કમિટિના નિર્ણયની હમણાં જ જાણ થઈ. તારું ભવિષ્ય ઉજળું છે એ વિષે મને શંકા નથી…”

“કાકા, તમારા અને બાપુના આશીર્વાદ છે!” જયશ્રીએ વિવેક કર્યો.

“બેટા, આશીર્વાદ તો છે જ. પણ એ ફળ્યા એવું ક્યારે કહેવાય?” આઈ. સી. પટેલ માર્મિક પ્રશ્ન કર્યો અને પછી પૂછ્યું, “દરબારને હવે કેમ છે?”

“કાકા, એવું ને એવું જ છે. ડોક્ટર તો કહે છે કે એમને હૉસ્પિટલમાં જ દાખલ કરી દો. પરંતુ એ કોઈની વાત માનતા જ નથી. ડોક્ટર કહે છે કે વહેલા મોડા બાય-પાસ સર્જરી કરવી પડશે. પણ એ ના પાડે છે. એ તો કહે છે કે મારે જીવવું હશે ત્યાં સુધી યમરાજ મને લઈ જઈ શકશે નહીં અને મારે મરવું હશે ત્યારે યમરાજ ના પણ નહીં પાડી શકે.” જયશ્રી ના અવાજમાં નિસાસો સંભળાતો હતો.

“એ માણસ પહેલેથી જ જિદ્દી સ્વભાવનો છે. મારો તો જૂનો મિત્ર છે. મને લાગે છે કે એની બીમારી તારામાં અટકી છે. તારા લગ્ન થઈ જાય અને તું ઠરીઠામ થાય…”

“પણ કાકા, તમે કેમ એમ માનો છો કે હું અત્યારે ય ઠરીઠામ નથી… અને હું ઘર છોડીને જાઉં તો પછી બાપુની દેખરેખ કોણ રાખે? હવે એમને એકલા મૂકી શકાય એમ નથી એ તો તમે જાણો જ છો…” જયશ્રીએ પોતાનો બચાવ રજૂ કર્યો.

આઈ. સી. પટેલે વાત વાળતા કહ્યું, “ઠીક છે, પણ મારે તારી સાથે અને તારા બાપુ સાથે આ અંગે નિરાંતે વાત કરવી પડશે. હું બે ચાર દિવસમાં જ તારે ત્યાં આવીશ અને તારા બાપુને માર વતી ખબર પૂછજે…”

જયશ્રીના પિતા જનકસિંહ જાગીરદાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. એમ તો એમની બીમારી જયશ્રીના જીવન સાથે અનાયાસ જોડાઈ ગઈ હતી. તેઓ અમેરિકા જઈને ભૂસ્તરવિજ્ઞાન ભણ્યા હતા. એમના જ્ઞાતિ અને સમાજમાં એમના જેટલું ભણેલી ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળે તેમ હતી. સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા પછી એ ક્ષેત્રના નિષ્ણાત કન્સલ્ટન્ટ તરીકે એમની આગવી પ્રતિષ્ઠા હતી. સરકારી અને બિન-સરકારી સંસ્થાઓએ એમને અનેક એવોર્ડ આપ્યા હતા. જયશ્રી એમની એકની એક દીકરી હતી. જયશ્રીને પણ એમણે પોતાના સમાજના રીતરિવાજોથી ઉપરવટ જઈ ખૂબ સારું ભણવા પોત્સાહિત કરી હતી. જનકસિંહ જાગીરદાર ભણીગણીને આગળ વધ્યા અને સમાજમાં મોભાદાર બન્યા, છતાં વિચારો અને સંસ્કારોથી તેઓ હજુ થોડા રૂઢિચુસ્ત અને જુનવાણી હતા. એમનો સ્વભાવ ઉગ્ર અને આક્રમક હતો. પોતાના સમાજમાં ભળવા છતાં ચોક્કસ અંતર રાખવાનો એમનો આગ્રહ હતો.

પંદરેક વર્ષ પહેલાં એમને પહેલી વાર હ્રદયરોગનો હુમલો આવ્યો અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ત્યારેય એ એટલા ઢીલા નહોતા પડ્યા. ‘મને કશું જ થવાનું નથી’ એવું એ ભારપૂર્વક કહેતા અને સાચેસાચ એ વખતે જનકસિંહ બીમારીમાંથી બેઠા થઈ ગયા. પરંતુ એ પછીની ઘટનાઓએ એમની ભીતર માનસિક આઘાત, અહંની પછડાટ અને દુરાગ્રહોનાં દબાણો વચ્ચે ઘમાસાણ યુદ્ધ મચાવ્યું અને એનું પરિણામ એમના સ્વાસ્થ્ય પર આવ્યું. એમની તબિયત સામે મક્કમતા હારવા માંડી. એ પછી બે વખત એમની સ્થિતિ વધુ ને વધુ કથળી. વચ્ચે થોડો સમય ડાબા અંગમાં સાધારણ લકવાની અસર પણ જોવા મળી હતી. હવે તેઓ લગભગ પથારીવશ હતા. આખો દિવસ એક નર્સ અને ઘરમાં નોકર એમની દેખરેખ રાખતા. ધીમે ધીમે જનકસિંહ બોલવાનું પણ ઓછું થઈ ગયું હતું. જયશ્રી સાથે પણ એમનો સંવાદ મર્યાદિત થઈ ગયો હતો.

સાંજે જયશ્રી ઘરે આવી ત્યારે જનકસિંહ ઊંઘમાં હોય એવું લાગ્યું. જયશ્રી આવીને એમના પલંગ પાસે થોડી વાર ઊભી રહી. પરંતુ જનકસિંહ ઊંઘતા રહ્યા એ ધીમે રહીને ત્યાંથી બહાર સરકવા જતી હતી ત્યાં જનકસિંહ આંખ ખોલી અને જયશ્રી સામે જોયું. જયશ્રીએ હાથના ઈશારે ખબર પૂછ્યા. જનકસિંહે આંખના ઈશારે જવાબ આપ્યો. જયશ્રી કશુંક વિચારીને સહેજ ખચકાટ સાથે જનકસિંહની નજીક આવી અને ઓશિકું ખસેડીને એમની બાજુમાં બેઠી. એક ઊંડો શ્વાસ લઈને એણે નીચે ભોંય પર જ નજર ચોંટાડી રાખીને કહ્યું, “બાપુ, મેનેજમેન્ટ કમિટિએ મને પર્સોનલ મેનેજર બનાવી છે. કંપનીના ઈતિહાસમાં હું સૌથી નાની ઉંમરની અને પહેલી સ્ત્રી આ હોદ્દા પર હોઈશ…”

જયશ્રી બોલતાં તો બોલી ગઈ. પણ પછી એને થયું કે એણે થોડું વધારે પડતું બોલી નાખ્યું છે. એણે ધીમે રહીને જનકસિંહ તરફ નજર કરી. એમના ચહેરા પર સ્મિત હતું. એ સ્મિત આનંદ અને સંતોષનું હોવા છતાં એમાં તાજગી કે પ્રફુલ્લતા નહોતી. એમાં ગ્લાનિ ભળેલી હતી. એમની આંખો પણ છૂપી વ્યથાની ચાડી ખાતી હતી. થોડી વાર સુધી પિતા-પુત્રી વચ્ચે શબ્દો વિના જ સંવાદ ચાલતો રહ્યો. બન્ને જણે એકબીજાની વાત સમજતાં હતાં.

જયશ્રીને જનકસિંહ સામે કોઈ જ ફરિયાદ નહોતી. પરંતુ જનકસિંહને તો પોતાની સામે ફરિયાદ હતી જ. પરંતુ સ્વમાન અને અહમના વિચિત્ર ખ્યાલો એમના પ્રેમાળ સ્વભાવને અવરોધતા હતા. આ વિરોધાભાસ એમને પીડતો હતો. એમને મનમાં ઊંડે ઊંડે એવી લાગણી થતી હતી કે એમણે પોતાના દુરાગ્રહોને ખાતર જ વહાલસોયી દીકરીની જિંદગીની ગાડીને પાટા પર ચડવા દીધી નહોતી. પરંતુ હવે કદાચ સમય હાથમાંથી સરકી રહ્યો હતો અને જનકસિંહ સમયના એ તંતુને મજબૂતીથી પકડી રાખવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા હતા. અલબત્ત, જયશ્રીએ આજ સુધી કદી પિતાને દોષિત ઠરાવ્યા નહોતા. એણે બધો જ ભાર પોતાના નસીબ પર નાંખી દીધો હતો.

થોડી વાર રહીને એ ત્યાંથી ઊભી થઈ. બહાર જવા જતી હતી ત્યાં સહેજ અટકી. જનકસિંહે એવી સામે પ્રશ્નાર્થ નજર જોયું એટલે જયશ્રી ઝૂકીને એમનો હાથ પકડી લેતાં કહ્યું, “બાપુ, હવે મન બાળો મા! હું ખૂબ જ સુખી છું અને મેં મારા જીવનનો સ્વીકાર કર્યો છે. મને કોઈની સામે કશી જ ફરિયાદ નથી. મારી ચિંતા છોડીને તમે ઝટ સાજા થઈ જાઓ એટલું જ હું ઈચ્છું છું.”

પરંતુ બન્ને જાણતાં હતાં આવું બોલવું જેટલું સહેલું હતું એટલું જ કરવું પણ અઘરું હતું. છતાં એક વાત નક્કી હતી કે જયશ્રીએ ભૂતકાળને લગભગ સદંતર દફન કરી દીધો હતો. એ વર્તમાનમાં જ ખોવાઈ ગઈ હતી. ભૂતકાળ ક્યારેક ડોકિયું પણ કરી જાય તો એ સ્મૃતિના બારી-દરવાજા બળપૂર્વક ભીડી દેતી હતી અને ભૂતકાળ બહાર રહી જતો હતો. હવે એને ભૂતકાળ પાસે કશી આશા પણ નહોતી.

છતાં રાત્રે સૂતી ત્યારે ભૂતકાળની ઘટનાઓ સ્મૃતિ બનીને આક્રમણ પર ઊતરી આવી. એણે મનને બીજે વાળવા પુસ્તક હાથમાં લીધું. પરંતુ પુસ્તકના કાળા અક્ષરો ઊંચા નીચા થઈને કોઈક આકૃતિ બનાવતા હોય એવો આભાસ થયો. પહેલી આકૃતિ હર્ષની ઊપસી આવી. એ સોહામણો, હસમુખો અને ફૂલગુલાબી ચહેરો, પાણીદાર આંખો અને અણિયાળું નાક, મોહક સ્મિત અને મીઠી વાણી… બસ, એને એ આકૃતિ જોયા જ કરવાનું મન થયું આ ચહેરો અગાઉ પણ એના માનસપટ પર ઘણી વાર ઊપસી આવ્યો હતો. પરંતુ એન એ ચહેરા સાથે રહ્યું સહ્યું તાદાત્મ્ય પણ તોડ્યું હતું. એથી જ એ આવું થાય ત્યારે સભાન થઈ જતી અને મનને બીજે વાળી લેતી.

એ ચહેરો હર્ષનો હતો. અને કદાચ આજે પહેલી વાર એવો વિચાર આવ્યો કે હર્ષ પ્રત્યે ઊંડે ઊંડે હજુય એને અનુરાગ હતો. આ વિચારે જ એનાથી નિસાસો નંખાઈ ગયો. હર્ષ પ્રત્યે એને કોઈ રોષ નહોતો. ઊલટું એની નિખાલસતા અને સચ્ચાઈ માટે એને માન થતું હતું. એણે ફરી નિસાસો નાંખ્યો, કારણકે સમયની દીવાલો બહુ ઊંચી ચણાઈ ગઈ હતી. કદાચ હર્ષ પણ અત્યારે લગ્ન કરીને એનો સંસાર લઈને બેઠો હશે. એણે તો એ દિવસે જ જયશ્રીના નામ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

—અને અચાનક હર્ષના એ સોહામણા ચહેરા વચ્ચેથી મકરંદનો વિકરાળ ચહેરો ઊપસી આવ્યો. આમ તો મકરંદ ગભરૂ અને શરમાળ સ્વભાવનો હતો. એના ચહેરામાં એવી વિકરાળતા નહોતી. છતાં જયશ્રીને અત્યારે એ ચહેરો વિકરાળ લાગ્યો. છતાં એ ચહેરો જોઈને એના મનમાં કોઈ ભાવ ઊમટ્યા નહીં. એના હોઠ ફફડી ગયા અને બોલી જવાયું, ‘કાયર!’ પછી એણે આંખ મીંચી દીધી અને ચોપડી છાતી પર ઊંધી મૂકી દઈ એ જાણે તંદ્રામાં ખેંચાઈ ગઈ. એનું મન વિક્ષુબ્ધ બની ગયું અને એ સીધી બાર વર્ષ પાછળના ભૂતકાળમાં ફેંકાઈ ગઈ. આજ સુધી ભૂતકાળને એ વેગળો રાખી શકી હતી. પરંતુ આજે જનકસિંહની વ્યથાએ કદાચ બધા જ બારી-દરવાજા ખુલ્લા મૂકી દેવા અને મજબૂર બનાવી દીધી હતી.

એ વખતે જયશ્રી કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. એનામાં ગજબનું આકર્ષણ હતું. ગૌરવર્ણ, કાળા લાંબા વાળ, તીર જેવી આંખો અને મોહક સ્મિત એને ઓર આકર્ષક બનાવતા હતા. કોલેજમાં કોઈપણ છોકરાને તેની સાથે વાત કરવાની તક મળે તો એ છોકરાનો દિવસ સુધરી જતો. જોકે જયશ્રીનો ખપ પૂરતી જ વાત કરવાનો પહેલેથી જ સ્વભાવ હતો. અધૂરામાં પૂરું એને પોતાના પિતાની આબરૂ અને પ્રતિષ્ઠાનું સભાન ગૌરવ હતું. ભણવામાં તો એ તેજસ્વી હતી જ. એના પિતા જનકસિંહ એના માટે બહુ આશાવાદી અને મહત્વાકાંક્ષી હતા.

એ દિવસે જ જયશ્રીની કોલેજની પરીક્ષા શરૂ થઈ હતી. બપોરે બે વાગ્યે જયશ્રી પેપર આપીને બહાર નીકળી ત્યારે જનકસિંહના હાથ નીચે કામ કરતા હરિભાઈ કોલેજના દરવાજે જયશ્રી રાહ જોતા ઊભા હતા. જયશ્રીને જોતાં જ એ ઝડપથી એની નજીક આવ્યા અને કહ્યું, “જાગીરદાર સાહેબને ઓફિસમાં જ એટેક આવ્યો હતો અને અત્યારે હૉસ્પિટલમાં છે. હું તમને લેવા આવ્યો છું!”

જયશ્રી હરિભાઈની સાથે હૉસ્પિટલમાં પહોંચી ત્યારે જનકસિંહ આઈ.સી.યુ. માં સારવાર લઈ રહ્યા હતા. એનાં મમ્મી તારાબહેન જનકસિંહ પાસે બેઠાં હતાં. કાચમાંથી જયશ્રીને બહાર જોઈને એ પણ બહાર આવ્યા. બન્નેના ચહેરા પર ચિંતા હતી. તારાબહેને જયશ્રીને કહ્યું કે ડોક્ટરે ચોવીસ કલાક રાહ જોવાનું કહ્યું છે. પછી જ કંઈક કહી શકાય. અત્યારે એમની હાલત ભયજનક છે. જયશ્રી સૂનમૂન થઈને બેસી પડી. સાંજના લગભગ સાતેક વાગ્યા હશે અને બહાર વરસાદી વાતાવરણ જામી ગયું હતું. તારાબહેને જયશ્રીને કહ્યું, “વરસાદ પડે એવું લાગે છે. તું ઘેર જા. કાલે પાછી તારે પરીક્ષા છે. ચિંતા કર્યા વિના વાંચજે. સવારે પરીક્ષા આપીને જ અહીં આવજે. તારું ભણવાનું બગડે એ પાછું તારા બાપુને નહીં ગમે!”

જયશ્રી હોસ્પિટલથી ઘરે જવા નીકળી અને થોડી જ વારમાં ઘોધમાર વરસાદ તૂટી પડ્યો. એ ઘરે પહોંચી એ પછી યે વરસાદ ચાલુ હતો. વીજળીના ગડગડાટ અને વાદળાની ગર્જનાથી જયશ્રીને વાતાવરણ ડરામણું લાગવા માંડ્યું. ઘરે આવીને પણ એને ચેન નહોતું. એ ક્યાંય સુધી પલંગમાં પડી રહી. લગભગ રાત્રે સાડા નવ વાગવા આવ્યા ત્યારે ભૂખનો અહેસાસ થયો. રસોડામાં જઈને જોયું તો સવારનું ખાવાનું લગભગ અકબંધ હતું. જેમ તેમ થોડું ખાઈને પાણી પી પાછી બેડરૂમમાં આવી. બહાર વરસાદ થોડો ઓછો થયો હોય એવું લાગ્યું. બારી ખોલીને જોયું તો વરસાદ લગભગ થંભી ગયો હતો અને ઠંડો પવન આવતો હતો. જયશ્રીને વાંચવું હતું, પરંતુ વાંચવાનું મન થતું નહોતું. એ પલંગમાં આડી પડી અને ક્યારે આંખ લાગી ગઈ એ જ ખબર ન પડી.

લગભગ અગિયારેક વાગ્યા હશે અને જયશ્રી અચાનક જાગી ગઈ. કોઈ બારણું ખખડાવતું હોય એવું લાગ્યું. જયશ્રીને લાગ્યું કે પવનથી બારી ભટકાતી હતી એનો જ અવાજ હતો. એ બારી બંધ કરવા ઊભી થઈ. બહાર પવન જોરદાર હતો અને વરસાદ ફરી રમણે ચડ્યો હતો. એ બારી બંધ કરે ત્યાં સુધી તો વાછંટથી એ રીતસર પલળી ગઈ. એના છૂટા વાળમાં જાણે મોતી પરોવ્યાં હોય એવું લાગ્યું. ત્યાં ફરી બારણું ખખડાવવાનો અવાજ આવ્યો. એને તરત ફાળ પડી. હોસ્પિટલથી કોઈ આવ્યું હશે? એવું કંઈ હોય તો ફોન કરે. પણ કદાચ.

આવું વિચારતી વિચારતી એ દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલ્યો તો સામે મકરંદ ઊભો હતો. એ આખે આખો વરસાદમાં ભીંજાયેલો હતો. મકરંદ જયશ્રીના સગા ફોઈનો દીકરો હતો. ગામડાંમાં રહેતો હતો. જમીન-જાગીર હતી અને ખેતીવાડી સંભાળતો હતો. માંડ દસમા ધોરણ સુધી ભણીને ઊઠી ગયો હતો. “મકરંદ, અત્યારે તું? આમ અચાનક?”

જયશ્રી મકરંદને લગભગ ચાર-પાંચ વર્ષે મળી હતી. આ પહેલાં એક કૌટુંબિક લગ્નમાં મળવાનું થયું હતું. મકરંદ એના કરતા એકાદ વર્ષ મોટો હતો. બાળપણમાં એની સાથે ઘરઘટ્ટા રમ્યાનું જયશ્રીને ઝાંખું ઝાંખું યાદ હતું. પછી તો જીવનની તરાહ જ બદલાઈ ગઈ હતી. જયશ્રીને આમ આશ્ચર્યમાં પડેલી જોઈને મકરંદે કહ્યું, “અંદર તો આવવા દે! પછી વાત કરું! ટાઢ ચઢી છે!”

જયશ્રી સહેજ છોભીલી પડી ગઈ. મકરંદ અંદર આવતાં જ બોલ્યો, “મામા-મામી ક્યાં?”

“તું પહેલાં તારી ઠંડી ઉડાડ! પછી વાત કરું!” એમ કહીને જયશ્રી ટુવાલ લઈ આવી અને મકરંદને કપડાં બદલવા કહ્યું.

જયશ્રીએ જનકસિંહને અચાનક આવેલા હાર્ટએટેકની વાત કરી. મકરંદે પોતાના આવવાનું કારણ કહ્યું. ગામડે આવેલી જમીનમાં તાત્કાલિક બોર કરાવવો પડે એમ હતો. ત્યાં વરસાદ ખાસ નહોતો. બોર માટે પૈસાની તાત્કાલિક જરૂર હતી. સિઝન આવે ત્યાં સુધી એને પૈસાની ખેંચ હતી. એટલે જ એની માએ એને મામા પાસે પૈસા માટે મોકલ્યો હતો. રસ્તામાં બસ બગડી અને અધૂરામાં પૂરું વરસાદ પડ્યો એટલે પહોંચતાં મોડું થઈ ગયું.

જયશ્રીએ મકરંદને સવારનું જમવાનું તૈયાર હતું તે ગરમ કરીને પીરસ્યું. જમતાં જમતાં બન્ને વાતોએ વળગ્યા. મકરંદે પોતાનો ગંભીર સ્વભાવ પ્રગટ કરતાં કહ્યું, “સાચું કહું તો હું અહીં આવવા જ તૈયાર નહોતો. મને મામાની પહેલેથી બહુ બીક લાગે છે. અમારી અને મામાની દુનિયા સાવ જુદી છે. છતાં માનો આગ્રહ હતો એટલે આવ્યા વિના છૂટકો નહોતો. અને સાચું કહું, તને મળવાની પણ ઊંડે ઊંડે ઘણી ઈચ્છા હતી. તને યાદ છે, નાનાં હતાં ત્યારે આપણે ઘરઘટ્ટા રમતાં હતાં… તું વહુ બનતી હતી અને હું વર બનતો હતો…”

જયશ્રી હસી પડી. એને ય બધું યાદ આવ્યું. બાળપણની નિર્દોષતાને એ જાણે મુગ્ધભાવે માણી રહી. અચાનક એની નજર મકરંદ પર મંડાઈ. મકરંદ હવે નાનો નહોતો. જુવાન થઈ ગયો હતો. એનું ભરાવદાર શરીર, ગુચ્છાદાર ઝુલ્ફા અને નિર્દોષ છતાં ગભરૂ ચહેરો જયશ્રી જોઈ રહી. બન્ને ક્યાંય સુધી વાતો કરતા રહ્યા. વાતોમાં ને વાતોમાં રાત્રે દોઢ વાગી ગયો. મકરંદ અચાનક છીંકો ખાવા લાગ્યો. “વરસાદમાં આટલું બધું પલળવાની આદત નથી ને! એટલે શરદી થઈ ગઈ!”

“હવે આપણે સૂઈ જવું જોઈએ. મારે કાલે પરીક્ષા પણ છે અને મેં કંઈ જ વાંચ્યું નથી. ચાલ તને વિક્સ આપી દઉં. લગાવીને સૂઈ જા. સવારે સારું લાગશે!” એમ કહી જયશ્રી વિક્સની બોટલ લઈ આવી અને મકરંદને આપી.

મકરંદે કહ્યું, “મારે વિક્સની કંઈ જરૂર નથી. અમે તો ગામડાંના માણસ. શરદી-બરદીથી ડરીએ નહી. એની મેળે જતી રહેશે!”

“ગામડાંની શરદી ગામડાંમાં મટતી હશે. અમારી શહેરની શરદી તો વિક્સથી જ મટે. તને આળસ આવતી હોય તો લાવ હું લગાવી દઉં, “એમ કહીને જયશ્રી મકરંદની પાસે બેસી ગઈ. મકરંદ સહેજ મૂંઝાયો. પરંતુ જયશ્રી તો કંઈ વિચાર્યા વિના મકરંદને વિક્સ લગાવવા બેસી ગઈ. પહેલાં કપાળે વિક્સ લગાવ્યું. પછી બુશ-શર્ટનાં બટન ખોલીને છાતી પર વિક્સ લગાવવા માંડ્યું.

મકરંદના શરીરમાંથી કંપારી છૂટી ગઈ. જયશ્રી વિક્સ લગાવતી હતી અને અચાનક લાઈટ ગઈ. એ સાથે જ જયશ્રીનો હાથ અટકી ગયો અને મકરંદ પણ જાણે સહેજ વાર થીજી ગયો. જયશ્રી ઊભી થવા જતી હતી ત્યાં મકરંદે કહ્યું, “અમારે ત્યાં તો ગમે ત્યારે લાઈટ જાય. અહીં પણ એવું જ થાય છે?”

“ના, પણ વરસાદ પડે ત્યારે જાય. પણ જલ્દી પાછી આવી ય જાય!” જયશ્રીને આશા હતી કે લાઈટ તરત આવી જશે.

પરંતુ લાઈટ આવી નહીં. જયશ્રી ઊભી થવા ગઈ પરંતુ આટલી વારમાં અંધકાર અને એકાંતના રસાયણે યુવાની પર મૂર્છાનો છંટકાવ કરી દીધો. મકરંદે જયશ્રીનો હાથ પકડી લઈને પોતાની છાતી પર જોરથી દબાવી દીધી. જયશ્રીએ હાથ ખેંચી લઈને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પ્રયાસમાં બળ નહોતું. પછી તો જયશ્રીનું માથું મકરંદની છાતી પર આવી પડ્યું અને બહાર વીજળીના કડાકા-ભડાકાથી વાતાવરણ ગાજી ઊઠ્યું.

સવારે સૂરજ ઊગ્યો અને સાથે જ હોશ આવ્યો. જયશ્રી તો અવાચક્ હતી કે આ શું થઈ ગયું? મકરંદ જયશ્રીને ઘણું બધું કહેવા માંગતો હતો. પરંતુ એની જીભ સીવાઈ ગઈ હતી. જયશ્રી પણ સૂનમૂન હતી. બન્નેએ ચૂપચાપ ચા પીધી. લગભગ નવ વાગ્યા એટલે જયશ્રી તૈયાર થવા ગઈ. મકરંદ દબાતે પગલે એની પાછળ ગયો. જયશ્રીએ મકરંદને આવતો જોઈને પૂછ્યું, “શું કહેવું છે?”

“કંઈ નહી! મને સમજાતું નથી કે હું શું કરું? આ વાત તું કોઈને કહીશ તો નહીં ને?” મકરંદના અવાજમાં એક પ્રકારનો કંપ હતો.

શું જવાબ આપવો એ જ જયશ્રીને સમજાયું નહીં. છતાં એણે જવાબ આપ્યો, “હું અત્યારે કંઈ જ કહી શકતી નથી…”

“મામા જાણશે તો…તો મને મારી નાખશે અને મા જાણશે તો મારું આવી બનશે…” મકરંદ રીતસર બાળકની જેમ રડમસ થઈ ગયો.

“મકરંદ, તું પુરુષ છે કે સ્ત્રી છે? આવું બધું તો તારે પહેલાં વિચારવું જોઈતું હતું…ખેર, હવે આવા વિચારો કરવાનો અર્થ નથી…” જયશ્રીના અવાજમાં થોડી કડવાશ હતી.

“મારી ભૂલ થઈ ગઈ. જયશ્રી મને માફ કરી દે! હવે હું તારી સામે ક્યારેય નહીં આવું… હું અત્યારે જ પાછો ગામ જતો રહું છું!” મકરંદ દેખીતી રીતે જ ભયભીત હતો.

જયશ્રીએ તરત જ કહ્યું, “ભૂલ તારી નહીં, પણ મારી છે. તારામાં હિંમત હોય તો મારા બાપુ એટલે કે તારા મામા પાસે મારો હાથ માંગ!” પણ પછી જયશ્રીને લાગ્યું કે એણે આવું કહેવા જેવું નહોતું.

મકરંદ મામાને મળ્યા વિના જ ગામડે ચાલ્યો ગયો. જયશ્રી જાણતી હતી કે એમની જ્ઞાતિમાં મામા-ફોઈના સંતાનો વચ્ચે વિવાહ-લગ્નનો રિવાજ છે. પરંતુ અહીં ઘણા અવરોધો હતા. એક તો જનકસિંહ આ બાબતમાં થોડા આધુનિક હતા અને વૈજ્ઞાનિક રીતે આવા નિકટના લગ્ન કદાચ એ મંજૂર ન કરે વળી જયશ્રી માટે એમની ઊંચી મહત્ત્વાકાંક્ષા હતી. આથી એને ગામડાંમાં નાંખવા અને એક અભણ યુવાન સાથે બાંધવા તૈયાર ન થાય એ સ્વાભાવિક હતું. જયશ્રીને પોતાની જાત પર ગુસ્સો આવ્યો અને પોતે કયા નશામાં ખોવાઈ ગઈ હતી એ સમજાયું નહીં. એને ઘડીભર તો એનું જાતિગત ગૌરવ ઢંઢોળી ગયું અને આત્મહત્યા કરી લેવાનો પણ વિચાર આવ્યો. પરંતુ પિતાની આવી નાજૂક સ્થિતિ અને એ પછીની સંભવિત ઘટનાઓની દહેશત થકી આત્મહત્યાના એ વિચારની ક્ષણ પસાર થઈ ગઈ.

જનકસિંહ લગભગ પંદર દિવસ પછી થોડા સાજા થઈને ઘેર આવ્યા છતાં હજુ એમણે એકાદ મહિનો આરામ કરવાનો હતો. આ દિવસો દરમ્યાન જયશ્રી કોઈની પણ સાથે આ બાબતમાં કશો જ સંવાદ કરી શકી નહોતી. આ વાતને બે-અઢી મહિના થઈ ગયા. એક દિવસ રાત્રે જમીને ઊઠ્યા પછી જયશ્રીને અચાનક ઉબકા આવ્યા અને ઊલટી થઈ. અનુભવી તારાબહેન એની પાછળ ગયાં. એમની આંખ ફરકી. જયશ્રીએ આખી વાત માતાને કરી.

તારાબહેનને દીકરી પ્રત્યે ગુસ્સો અને સહાનુભૂતિ બન્ને હતા. પહેલાં ધુંઆધાર ગુસ્સો વ્યક્ત કર્યા અને પછી સહાનુભૂતિ પણ દાખવી. એક મા તરીકે એમણે વ્યવહારુ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું. એમણે બીજે દિવસે તક શોધીને જનકસિંહને વાત કરી. જનકસિંહ ગુસ્સાથી લ્હાય થઈ ગયા. કદાચ પહેલી વાર એમણે જયશ્રી પર હાથ ઉપાડ્યો. એમને ફરીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. રાત્રે ડોક્ટર ધેર બોલાવ્યા. ડોક્ટરે ઈન્જેક્શન આપ્યું અને જનકસિંહ ઊંઘી ગયા.

બીજે દિવસે પણ એમનો ગુસ્સો તો ઓગળ્યો નહોતો જ. છતાં થોડુંક વિચારીને એમણે આદેશ જારી કર્યો, “જયશ્રીને તાત્કાલિક મુંબઈ લઈ જવી અને ત્યાં ગર્ભપાત કરાવી દેવો. આ માટેની તમામ વ્યવસ્થા પણ એમણે ગોઠવી દીધી. પંદર દિવસ પછી જયશ્રી અને તારાબહેન પાછા આવ્યાં એટલે એમને બેસાડીને જનકસિંહ વાત કરી, “હવે જે થયું છે એ ભૂલી જવામાં જ સાર છે. મારે આબરૂ ધજાગરા કરવા નથી. મને આબરૂ કમાતાં ખૂબ જોર પડ્યું છે. હવે વહેલામાં વહેલી તકે જયશ્રી માટે છોકરો શોધીને એને વળાવી દેવી છે જે કંઈ બન્યું એ એક દુઃસ્વપ્ન હતું એમ સમજીને એને ભૂલી જવામાં જ સાર છે.”

પછી તો જનકસિંહ અને તારાબહેન જયશ્રી માટે છોકરો શોધવામાં લાગી ગયાં. જનકસિંહે છાપામાં બોક્ષ નંબર સાથે જાહેરખબર પણ આપી. છોકરાઓ જોવા આવતા, પરંતુ કોઈક ને કોઈક કારણસર વાત આગળ વધતી નહોતી. એક જગ્યાએ વાત આગળ વધી ત્યારે જયશ્રીએ તારાબહેનને કહ્યું, “માં, હું લગ્ન તો કરું, પરંતુ જે માણસ મને વિશ્વાસથી પોતાને ઘરે લઈ જાય એની સાથે દગો નહીં થાય? મારા જીવનની ઘટના મારાથી કેવી રીતે છુપાવાય? મારું માનતું નથી!”

“હવે આ બધું વિચારવાનો અર્થ નથી. મનની બધી વાતો માનીએ તો જીવી શકાય નહીં. સુખી થવું હોય તો એટલું છુપાવતાં શીખવવું પડશે!” તારાબહેને વ્યવહારુ શિખામણો આપી.

પરંતુ જયશ્રીનું મન માનતું નહોતું. એને થતું હતું કે જે કોઈ પુરુષ મને અપનાવે એ મારામાં કેટલો બધો ભરોસો મૂકીને અપનાવશે! અને એને જ હું દગો કરું? આખી જિંદગી મારા મન પર તો એ વાતનો બોજ રહેશે જ. આથી એણે નક્કી કરી નાખ્યું કે જે કોઈ છોકરો હા પાડશે એને હું આ વાતથી અંધારામાં નહીં જ રાખું.

–અને હર્ષ સાથે એવું જ થયું. જનકસિંહે છાપામાં આપેલી જાહેરખબર થકી હર્ષનો સંપર્ક થયો હતો. એ વખતે હર્ષ મેનેજમેન્ટમાં ભણતો હતો. ખૂબ સોહામણો, વિવેકી, મળતાવડો, હસમુખો અને તેજસ્વી છોકરો હતો. એ ખૂબ જ મહત્વાકાંક્ષી પણ હતો. જયશ્રીને પણ હર્ષ જોતાંની સાથે ગમી ગયો હતો. પરંતુ એના મનનો અવરોધ એને રોકી રહ્યો હતો. હર્ષ અને જયશ્રીના કુટુંબો વચ્ચે પણ કોઈ મોટી ખાઈ નહોતી. હર્ષને પહેલી જ મુલાકાતમાં જયશ્રી પસંદ પડી ગઈ. એણે તો હા ભણી દીધી. પરંતુ એનો આગ્રહ હતો કે મેનેજમેન્ટના અભ્યાસનું છેલ્લું વર્ષ છે એ પૂરું થઈ જાય પછી જ લગ્ન કરવા. જનકસિંહ અને તારાબહેનને જયશ્રીને પરણાવી દેવાની જેટલી ઉતાવળ હતી, એટલી જયશ્રીને પરણવાની નહોતી. ખરેખર તો હર્ષને ના પાડવાની જયશ્રીની પણ હિંમત ચાલતી નહોતી. એ એની ખુદની જાણ બહાર હર્ષથી ખૂબ જ આકર્ષાઈ હતી. એણે ધાર્યું કે એકાદ વર્ષનો સમય મળે એ બહુ સારું કહેવાય. નિરાંતે તક જોઈને વાત કહી શકાશે. ક્યારેક કશુંક છોડવાનો મક્કમ નિર્ધાર કર્યો હોય છતાં એ છોડવાનો જીવ ન ચાલે ત્યારે જે મૂંઝવણ અને અસમંજસ જાગે એનો અત્યારે જયશ્રીને અનુભવ થઈ રહ્યો હતો.

બન્ને કુટુંબોની સંમતિ પછી હર્ષ અને જયશ્રી અવારનવાર મળતાં. ઘડીક તો જયશ્રીને એમ પણ થતું કે બાપુ કહે છે તેમ મકરંદ સાથેની ઘટનાની વાત હંમેશ માટે હર્ષથી છુપાવી રાખવામાં જ સાર છે. પરંતુ એ વાતનો બોજ આખી જિંદગી સહન નહીં જ થાય એવું પણ એને લાગતું હતું. હર્ષ નિર્દોષ છે અને નિખાલસ પણ છે. એને છેહ દેવાનો, અંધારામાં રાખવાનો અને એને છેતરવાનો અર્થ નથી એવું જયશ્રીનું મન સતત એને કહ્યા કરતું હતું. એથી જ દિવસ જાય એમ એના મન પરનો બોજ વધતો જતો હતો. હવે તો ક્ષણે ક્ષણે એને એમ જ લાગતું હતું કે એ હર્ષ સાથે છેતરપિંડી કરીને અપરાધ કરી રહી છે. જોકે એનાં મનમાં ઊંડે ઊંડે એવી આશા બંધાઈ રહી હતી કે હર્ષ હકીકત જાણ્યા પછી એના તરફથી મોં નહીં જ ફેરવી લે. છતાં એ કોઈ પણ પરિણામ માટે તૈયાર હતી.

આ દરમ્યાન જનકસિંહને માત્ર એ જ વાતનો ડર હતો કે જયશ્રી હર્ષ પાસે પોતાનો ભૂતકાળ ખોલી ન દે તો સારું. એમણે સીધું તો જયશ્રીને કંઈ કહ્યું નહીં, પણ તારાબહેનને એ અંગે ઈશારો કર્યો. તારાબહેને જ પછી જયશ્રીને એ માટે ટકોર કરી અને ચૂપ રહેવા આગ્રહ કર્યો. ત્યારે જયશ્રીએ કહ્યું હતું, “હજુ સુધી તો અમારી વચ્ચે કશી વાત નીકળી નથી. પણ મને લાગે છે કે આ વાત મારા મન પર બોજ બનતી જાય છે. મા, હું તને એક વાત પૂછું?” અને જયશ્રી તારાબહેન સામે તાકીને જોઈ રહી.

“પૂછે ને! શું પૂછવું છે?” તારાબહેને સાવ બેફિકરાઈથી કહ્યું.

“ધાર કે તારા જીવનમાં આવું કંઈક બન્યું હોય તો તું આખી જિંદગી બાપુથી આ વાત છુપાવી શકે? જયશ્રીએ ધારદાર પ્રશ્ન કર્યો.

તારાબહેન અવાક્ થઈને જયશ્રી સામું જોઈ રહ્યા. એમની આંખોમાં આઘાત અને ગુસ્સો બન્ને હતા. થોડી વાર તો એ ચૂપ રહ્યા. પછી બળપૂર્વક બોલતાં હોય તેમ જવાબ આપ્યો, “હા, મેં એ વાત તારા બાપુથી પણ છુપાવી હોત!”

જયશ્રી સમજતી હતી કે મા ખોટું બોલી રહી છે. છતાં એણે પ્રતિકાર કર્યો નહીં અને ચૂપ રહી.

એ દિવસે જયશ્રીનો જન્મદિવસ હતો. હર્ષ એને સાંજે શહેરના છેડે આવેલી ગામઠી ઢબની રેસ્ટોરાં ‘ગ્રામસાગર’માં લઈ ગયો. અદ્દલ ગામઠી વાતાવરણ હતું. નાની નાની કુટિરો હતી અને ભોંય પર લીંપણ હતું. બેસવા માટે કાથીના ખાટલા હતા અને એના પર કચ્છી ભરત ભરેલી સરસ મજાની ગોદડી પથારી હતી, પાણી પણ માટીના કુંજામાં ભરીને અપાયું હતું. પક્ષીઓનો આછો કલબલાટ, ભેંસોનો ભાંભરવાનો અવાજ અને દૂર બેસીને એક માણસ દ્વારા વગાડાતા રાવણહથ્થાના સૂરોથી વાતાવરણ સાવ જુદું જ લાગતું હતું. જાણે તેઓ બીજી જ દુનિયામાં આવી ગયા ન હોય! જયશ્રીને અચાનક ગામડાંનું દાદાજીનું ઘર અને ખેતર યાદ આવી ગયાં. એ સાથે જ લક્ષ્મીફોઈ યાદ આવ્યાં અને એમની આંગળી પકડીને મકરંદની યાદ પણ આવી ગઈ. ત્યાં જ પવનની એક લહેર ઊઠી અને જયશ્રીને ધ્રૂજારી આવી ગઈ. એણે સાડીને પાલવ કવર કર્યો.

“જયશ્રી, ઘણા દિવસથી મને એવો અનુભવ થઈ રહ્યો છે કે તારા મન પર કોઈક વાતનો ભાર છે અને તું તારી લાગણીઓને દબાવીને બેઠી છે. તું મુક્ત અને નિખાલસ નથી. તારે મને કંઈ કહેવું હોય તો કહી દે. મારી કોઈ વાત ના પસંદ હોય, તો પણ સંકોચ ન રાખીશ. હું તને પસંદ તો છું ને? કે પછી હજુ તારા મનમાં એ વિષે થોડી ઘણી પણ શંકા છે?” હર્ષે ખૂબ સાહજિકતા છતાં સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.

જયશ્રી જાણે એક ધબકાર ચૂકી ગઈ, હર્ષે એના ચહેરા પરના ભાવ કળી ગયો હોય એમ બોલ્યો, “આજે તારે મને તારા મનની વાત કહેવી જ પડશે. નહિતર ભૂખ – હડતાળ…”

ક્યાંક સુધી જયશ્રી ચૂપ રહી. પરંતુ હર્ષે હઠ લીધી ત્યારે એણે ખૂબ હિંમત એકઠી કરીને ઊંડો શ્વાસ લેતાં કહ્યું, “આજે તમને કહી જ દઈશ. હું તમારાથી છૂપાવીને તમારી ગુનેગાર તરીકે જિંદગી જીવવા માગતી નથી. હું એ પણ કહી દઉં કે હું તમને ગુમાવવા પણ માગતી નથી અને છેતરીને મેળવવા પણ માંગતી નથી. મારી વાત સાંભળ્યા પછી તમે જે નિર્ણય કરશો એ મને બેધડક માન્ય હશે. એ અંગે મારા મનમાં કોઈ જ ફરિયાદ નહીં હોય.”

અને જયશ્રીએ પોતાના ભૂતકાળની કિતાબ હર્ષ પાસે ખુલ્લી મૂકી દીધી. હર્ષ ગંભીર બની ગયો છતાં એણે પોતાની ગંભીરતાને ઢાંકવાના સભાન પ્રયાસો ચાલુ રાખ્યા. જયશ્રીએ પોતાની વાત પૂરી કરી એ પછી ક્યાંય સુધી બન્ને જણા મૌન બેસી રહ્યા. હર્ષ ખાટલા પર આડો પડ્યો. આકાશમાં દેખાતા શ્વેત વાદળોમાં ધીમે ધીમે અંધારાનો કાળો રંગ ભળવા માંડ્યો હતો. એ જ આકાશ હર્ષની આંખમાં ઊતરીને એની નજરને પણ જાણે ડહોળી રહ્યું હતું.

આમ ને આમ લગભગ પોણો કલાક પસાર થઈ ગયા પછી હર્ષ એક ઊંડો શ્વાસ લઈને બેઠો થયો. આળસ મરડીને બૂટ પહેરતા પહેરતા બોલ્યો, “ચાલ, જઈશું?”

જયશ્રી ચૂપચાપ ઊભી થઈ ગઈ. ધોતી-જભ્ભો અને ફાળિયું પહેરેલો વેઈટર હર્ષને કંઈક પૂછવા જતો હતો, પણ હર્ષે જ એને જવાબ આપી દીધો, “જમવાનું કેન્સલ!”

હર્ષ જયશ્રીને ઘેર ઉતારીને ચૂપચાપ જતો રહ્યો. એણે ‘આવજે’ પણ ન કહ્યું. જયશ્રીને હર્ષનો જવાબ મળો ગયો હતો હર્ષને ગુમાવ્યાનું દુઃખ હતું, સાથે પોતે એની સાથે છેતરપિંડી નથી કરી એ વાતનો એને સંતોષ પણ હતો. એ આખી રાત જયશ્રી બેચેન રહી. મોડી રાત્રે એને ઊંઘ આવી, પણ એનું મન તો અશાંત જ હતું.

સવારે અનિચ્છા છતાં તૈયાર થઈને કોલેજ ગઈ. એને થયું કે કોલેજ નહીં જાઉં તો મા પૂછપરછ કરશે. આમે ય આ મુદ્દે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનો જ છે. માતા-પિતાની ઈચ્છા વિરુધ્ધ એણે હર્ષને વાત કરી દીધી હતી અને હવે હર્ષ સાથેનો સંબંધ પૂરો થઈ ગયો હતો.

જયશ્રી કોલેજ પહોંચી ત્યારે દરવાજા પાસે જ હર્ષ સ્કૂટર લઈને ઊભો હતો. જયશ્રી સહેજ અટકી અને પછી અંદર જવા ગઈ ત્યાં હર્ષે એને બૂમ પાડીને રોકી, “જયશ્રી, એક મિનિટ!”

જયશ્રી એના તરફ વળી એટલે હર્ષે એને ઈશારાથી સ્કૂટર પર બેસી જવા કહ્યું. ચારેક કિલોમિટર દૂર બગીચામાં આવીને બન્ને એક બાંકડા પર બેઠાં. ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. થોડી વારે હર્ષે જ મૌન તોડ્યું. કદાચ આટલી વાર એ જે કંઈ કહેવા માંગતો હતો એ મનમાં દોહરાવી રહ્યો હતો. એણે બન્ને હાથ હડપચી પર ટેકવીને જમીન પર નજર સ્થિર કરતાં કહેવા માંડ્યું, “ગઈ કાલે તારી વાત સાંભળ્યા પછી આખી રાત હું વિચારતો રહ્યો. જે કંઈ બન્યું છે એ નથી બન્યું થવાનું નથી. ખરેખર તો મારે તારો આભાર માનવો જોઈએ કે તેં મને અંધારામાં રાખ્યો નથી અને સત્ય છૂપાવ્યું નથી. તેં ધાર્યું હોત તો કદાચ આખી જિંદગી તું મારાથી આ વાત છુપાવી શકી હોત. હું તને દોષ દેતો નથી કે મને તારા પ્રત્યે ઘૃણા યા નફરત જાગી છે એવું ય નથી. પરંતુ હું બુદ્ધિ અને મનની વચ્ચે ભીંસ અનુભવી રહ્યો છું. બુદ્ધિ કહે છે કે મારે આ વાતને ભૂલી જવી જોઈએ. મન કહે છે કે એ ભૂલી જવાનું શક્ય નથી… માર મનમાં એક જ સવાલ છે. હજુ પણ આપણે લગ્ન કરીએ તો… હું ભલે ભણેલો ગણેલો અને સમજદાર હોઉં, છતાં પુરુષ-પ્રકૃતિનો ઈન્કાર કેવી રીતે થઈ શકે? મને જ્યારે પણ આ ઘટના યાદ આવે ત્યારે એ આપણી વચ્ચેનું અંતર વધારી નહીં દે? અને તેં ભલે નિખાલસ થઈને મને બધું કહ્યું હોય, છતાં એ તારા મનમાંથી પણ જવાની તો નથી જ ને! આટલું વિચારીને હાલ હું લગ્નનું જોખમ લેવા માંગતો નથી. અને હા, આવું હું અત્યારે વિચારું છું. કાલે ય આમ જ વિચારતો હોઈશ એવું હું કહી શકતો નથી. મારી બુદ્ધિ અને મારા મન વચ્ચે સમાધાન ન થાય ત્યાં સુધી આપણા ભાવિ સંબંધો સ્થગિત કરવામાં જ તારું અને મારું હિત છે!” હર્ષની વાતનો કોઈ જ પ્રતિભાવ આપ્યા વિના જયશ્રી ઊભી થઈને સડસડાટ બહાર નીકળી ગઈ. હર્ષ એને રિક્ષામાં બેસતી જોઈ રહ્યો. એણે એને રોકી નહીં કે રોકવાની ચેષ્ટા પણ કરી નહીં.

લગભગ એક અઠવાડિયા સુધી હર્ષ દેખાયો નહીં એટલે તારાબહેન અને જનકસિંહને શંકા પડી. એમણે પૂછ્યું એટલે જયશ્રીએ સાચી વાત કહી દીધી. જનકસિંહ ખૂબ ઉશ્કેરાઈ ગયા અને એમણે જયશ્રીને એક તમતમતો તમાચો ચોડી દીધો. એ રાત્રે જનકસિંહની તબિયત પાછી લથડી. તારાબહેન પણ ગુસ્સે થયાં એટલે જયશ્રીએ એમને કહી દીધું, “હવે હું પરણવાની નથી. હર્ષને મેં મારી વાત કહી દીધી. દરેકને કહેવાની જરૂર નથી. આ જ મારા નસીબ હોય તો મને એ મંજૂર છે.”

પછી તો જનકસિંહની તબિયત વધુ ને વધુ બગડતી ગઈ. તારાબહેન પણ મનમાં ખૂબ દુભાયા હતાં. ઘરમાં ત્રણ જ વ્યક્તિ હતી છતાં ત્રણેય સ્વતંત્ર એકમ બની ગયાં હતાં. ત્રણેય એક બીજાની વ્યથાને પારખતાં હોવા છતાં સહભાગી થઈ શકતા નહોતાં. જયશ્રીએ જાણે પોતાના જીવનનો માર્ગ હવે નક્કી જ થઈ ગયો હોય તેમ બધું જ ધ્યાન ભણવા તરફ લગાવી દીધું. ગ્રેજ્યુએટ થયા પછી એલ.એલ.બી. કર્યું અને પછી એલ.એલ.એમ.માં એ યુનિવર્સિટીમાં પ્રથમ આવી. લેબર લો અને પર્સોનલ મેનેજમેન્ટનો ડિપ્લોમા કર્યો અને એને સારી નોકરી પણ મળી ગઈ. તબિયત જનકસિંહની બગડી હતી, પરંતુ હજુય એમનામાં જાણે આઘાતો સહન કરવાની તાકાત બચી હોય એમ એ ટકી રહ્યા હતા. તારાબહેન બહારથી સ્વસ્થ દેખાતાં હતાં, પરંતુ અંદરથી તૂટી ગયા હતાં. અચાનક એ ય બીમાર પડ્યાં. ડોક્ટરોએ મગજનાં તાવનું નિદાન કર્યું અને આઠ-દસ દિવસમાં તો એ બધી જ વ્યથા હૈયામાં ભરીને પરલોક સિધાવી ગયાં.

જનકસિંહ હવે પથારીમાંથી બેઠા થાય એવી શક્યતા નહોતી. ડોક્ટરનું કહેવું હતું કે જનકસિંહને કદાચ બાય પાસ સર્જરી કરાવી પડે. પરંતુ ડોક્ટરે જ કહ્યું હતું કે સર્જરી કરતાં પણ જીવવાની ઈચ્છા અને આકાંક્ષા વધુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. જયશ્રીએ જનકસિંહની સારવાર અને દેખરેખ માટે દિવસના સમયે એક નર્સ રાખી હતી અને આખા દિવસનો નોકર રાખ્યો હતો, જે બે ટાઈમ રસોઈ પણ કરતો હતો પિતા-પુત્રી વચ્ચે સંવાદ ભાગ્યે જ થતો. બન્ને મૌનની જ ભાષામાં વાત કરતા હતા. છતાં બન્ને એકબીજાને સમજી શકતા હતા.

જનકસિંહને માત્ર જયશ્રીની જ ચિંતા હતી. જયશ્રીએ પોતાની જાતને સંભાળી લીધી હતી અને કારકિર્દીમાં ઢાળી દીધી હતી. એ વાતનો એમને સંતોષ હતો. છતાં એ લગ્ન કરીને ઠરીઠામ થાય એવી પિતાસહજ ઈચ્છા પણ એમને હતી. હવે તો એ પોતાનો અહમ્ ઓગાળીને જો જયશ્રી તૈયાર હોય તો એને મકરંદ સાથે વળાવવા પણ તૈયાર હતા. જોકે આ મુદ્દા પર એમનો માનસિક સંઘર્ષ તો ચાલુ જ હતો. કદાચ આવી જ કો’ક ગણતરીથી એમણે પોતાનાં બહેન લક્ષ્મીબહેનને બોલાવ્યા હતાં. મકરંદને સાથે લઈને આવવાનો સંદેશો પાઠવ્યો હવા છતાં મકરંદ આવ્યો નહોતો. જનકસિંહે લક્ષ્મીબહેન સાથે કરેલી વાતનું કોઈ પરિણામ આવે એમ નહોતું, કારણકે જયશ્રીએ એક જ વાક્યમાં આખી વાત પર પડદો પાડી દીધો હતો, “મેં આ અંગે વિચારવાનું બંધ કર્યું છે અને આ વિષે મારે કોઈ ચર્ચા કે નિર્ણય લેવાનો બાકી રહેતો નથી!”

કદાચ જનકસિંહે આંખ દ્વારા આ જ વાત કરીને જયશ્રી બળજબરીપૂર્વક ભૂતકાળમાં ધકેલી દીધી હતી. એની એવી સમજ હતી કે એના પિતા જનકસિંહે મકરંદને પણ બોલાવ્યો હોવા છતાં એ આવ્યો નહીં એ જ બતાવે છે કે એનામાં હિંમત નથી. ભલે અકસ્માત થયો, પરંતુ આવી વ્યક્તિને જીવન કેવી રીતે સમર્પિત કરી શકાય? અને હર્ષને માટે તો જયશ્રી પાસે નિસાસો નાંખ્યા સિવાય કંઈ જ બાકી રહ્યું ન હોતું.

સવારે જયશ્રી રોજ કરતાં વહેલી તૈયાર થઈ આજે એણે પર્સોનલ મેનેજર તરીકે ચાર્જ સંભાળવાનો હતો. એ તૈયાર થઈને જનકસિંહ પાસે ગઈ. નમીને એમને પગે લાગી. જનકસિંહ હળવે રહીને જમણો હાથ ઊંચો કર્યો અને એના માથે મૂક્યો. જયશ્રીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં જનકસિંહ ધીમે રહીને બોલ્યા, “મારી એક છેલ્લી વાત માનીશ? તું જાતે જઈને મકરંદને તેડી લાવ. હવે મારો સમય આવી ગયો છે અને મારાથી રાહ જોવાય એમ નથી. મેં મારી જીદનો પશ્ચાતાપ કરી લીધો છે…”

“બાપુ, મારા ગુનાનો પશ્ચાતાપ હજુ પૂરો થયો નથી હવે એ વાત ભૂલી જાવ તો સારું…” કહીને જયશ્રી જવાબની રાહ જોયા વિના વિદાય થઈ.

જયશ્રી ઓફિસે પહોંચી પછી એણે એના ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓનાં અભિનંદનનો સ્વીકાર્યા પછી સ્ટાફ-મિટિંગ કરી. લગભગ બપોરે બાર વાગ્યે એને સહેજ નવરાશ મળી. એ કંઈક વિચારે એ પહેલાં પટાવાળાએ આવીને જયશ્રીને એક કવર આપ્યું. કવર બીડેલું હતું અને ઉપર માત્ર ‘જયશ્રી’ એટલું જ લખેલું હતું. અક્ષર કંઈક પરિચિત લાગ્યા, છતાં કોના હશે એ ખ્યાલ ન આવ્યો. થોડા આશ્ચર્ય અને થોડી જિજ્ઞાસા સાથે પત્ર ખોલીને વાંચવા માંડ્યો.

“આત્મીય જયશ્રી – આત્મીય સંબોધન એટલા માટે કરું છું કે તારી સાથેના આત્મીય સંબંધોની મને લગભગ સંપૂર્ણ પ્રતીતિ થઈ ચૂકી છે, આટલાં વર્ષો પછી પત્ર લખવાનું પ્રયોજન પહેલાં કહી દઉં. છેલ્લે છૂટાં પડતી વખતે મેં તને કહ્યું હતું કે મારા મન અને બુદ્ધિ વચ્ચે સમાધાન થશે ત્યારે હું તારી પાસે આવીશ. એ સમાધાન થઈ ગયું છે. દસ-બાર વર્ષમાં પણ હું તારી ઝંખનાથી મુક્ત નથી એ જ એનું પ્રમાણ છે. સમયના અગ્નિમાં તપીને આપણે બન્ને વધુ નિખર્યા જ છીએ એવું હું માનું છું. આથી વિશેષ કંઈ જ કહેવું નથી. આજે જ અહીં આવ્યો છું. તારી ઓફિસથી ત્રણ મિનિટના અંતરે આવેલી હોટેલ વેલકમ પ્લાઝાના રૂમ નં ૨૦૩માં ઊતર્યો છું. સાંજે છ વાગ્યા સુધી તારા ફૉનની કે તારી રાહ જોઈશ. જો તું નહીં આવે તો એને નિયતિ સમજીને સાંજના ૮.૦૦ વાગ્યાની ફ્લાઈટમાં મુંબઈ પાછો જઈશ. એક પ્રકરણ સમાપ્ત થયું એમ માની લઈશ. વિનંતી પણ નથી કરતો અને ફરિયાદ પણ નથી કરતો. વિશેષ વાતો રૂબરૂમાં કરી શકાશે – જો મળી શકાય તો. હર્ષ.”

જયશ્રીને લાગ્યું કે એને મૂર્છા આવી જશે. એ વારંવાર પત્ર વાંચી ગઈ. એક ક્ષણ તો એને ઈચ્છા થઈ આવી કે એ ચોથે માળે આવેલી એની ઓફિસમાંથી હોટેલ વેલકમ પ્લાઝાના રૂમ નં. ૨૦૩ સુધીનો પુલ બની જાય તો કેવું સારું! પાછી એ ખચકાઈ એક ઊંડો શ્વાસ લઈને વિચાર્યું. હર્ષનું તો બુદ્ધિ અને મનનું સમાધાન થઈ ગયું. પરંતુ મારું શું? એની પાસે પોતાના જ આ પ્રશ્નનો જવાબ નહોતો.

આખો દિવસ એણે ઉચાટ અને અસમંજસમાં પસાર કર્યો. થોડી થોડી વારે ઘડિયાળ જોતી હતી. એમને એમ સાંજે છ વાગી ગયા. એનું મન ક્યારનું ઊભા થવાની ચેષ્ટા કરતું હતું. પરંતુ પગ ઉપડતા નહોતા. એણે ફરી વાર હર્ષનો પત્ર વાંચ્યો. ‘છ વાગ્યા સુધી રાહ જોઈશ’ એ વાક્ય ત્રણ વાર વાંચી ગઈ. પછી ઘડિયાળમાં જોયું છ વાગીને ઉપર દસ મિનિટ થઈ હતી. સાડા છ સુધી એમ જ ખુરશીમાં બેસી રહી. એની આંખમાં આંસુ ઘસી આવ્યાં હતાં. પરંતુ એણે એ આંસુને રોકી રાખ્યા હતાં.

સાડા છ થઈ ગયા પછી ભારે પગે એ ઊભી થઈ એને પોતાનું આખું શરીર વજનદાર લાગવા માંડ્યું. લિફ્ટને બદલે એ દાદર ઊતરીને નીચે ગઈ. એ જમીન પર જ જોઈને ચાલતી હતી. મેઈન ગેઈટ પર પહોંચી ત્યારે કાચના દરવાજામાં હર્ષનું પ્રતિબિંબ એની નજરે ચડ્યું. એ ત્યાં જ થોભી ગઈ. એને લાગ્યું કે એ હર્ષના પ્રતિબિંબનો પણ સામનો નહીં કરી શકે. એની મૂંઝવણ પારખીને હર્ષે ચૂપચાપ ચાલવા માંડ્યું. જયશ્રી એની પાછળ પાછળ ચાલવા લાગી. અભાનપણે પણ એ દરેક ડગલું પદચિહ્ન પર જ મૂકી રહી હતી.