Childhood favors books and stories free download online pdf in Gujarati

બાળપણનો ઉપકાર

અમારા મહોલ્લામાં રામી સાફ-સફાઈ કરવા આવે રોજને માટે. જેવી એ ચોખ્ખી એવું એનું કામ ચોખ્ખું. લાંબો ચોટલો અને વાદળી સાડીને કપાળે મોટો ચાંદલો. કાજળભરી આંખે એ એક એક નજર અને કચરાનો સફાયો બોલાવતી હોય રોજ. કમરે ટીંગાડેલ મોબાઈલમાં કાયમ એક જ ગીત વાગતું હોય..

' વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...'
' પરદુ:ખે ઉપકાર કરી તોય મન અભિમાન ન આણે રે...'

આ ગાયન સાથે થતું એનું કામકાજ વાતાવરણને ગાંધીમય બનાવી દેતું. બધાને એનું કામ ગમતું પણ ફરિયાદ તો કરવી જ હોય એના મીઠાં અને દેશી શબ્દ સાંભળવા. એ 'મીઠી બોલીએ એમ જ કહેતી તમે કહો એ સાચું અમ કમભાગ જાજુ ન જાણી.'

બે ચાર દિવસથી એ રોજ ત્રણ નાના ભુલકાઓને લઈ સફાઈ માટે આવતી. એ ટાબરીયા શાંતિને‌ હરામ કરી દે એવા તોફાની હતા. એ કચરાની ગાડીમાં બેસે ને રામી એ ગાડી ચલાવે ત્યારે એ બાળકો કિલકારી કરતા હોય. હમણા આ ધમાલમાં ' વૈષ્ણવ જન 'તો બંધ થઈ ગયું હતું. પછી તો રામી એક ટિફિન સાથે લાવતી. એ બધાને શેરીને ખુણે બેસાડી પોતાનું કામ કરતી.નજર એની પળે પળ ત્યાં જ રહેતી.

એક દિવસ મારાથી પુછાઈ ગયું. ' છોરી, તેં તો કોઈ દા'ડે વાત ન કરી કે તું પરણેલી છો ને આવા ત્રણ ભુલકાઓ પણ છે.'

એ નકલી સ્મિત વેરાવી કામ તરફ ધ્યાન ને મારી વાતમાં આંખ આડા કાન કરી ચલતી ભલી. મને જવાબ ન મળ્યો એનો અસંતોષ ભારોભાર થયો. એ જ સાંજે મિટિંગ બોલાવી અમે એના તોફાની બાળકોનું વર્તન અને શોરબકોરના ત્રાસની વાત કરી એની ફરજની જગ્યાએ બીજા કોઈને નિમવા માટે અરજી લખી બધાની સહી કરી.

વહેલી સવાર થઈ કે ગીત વાગ્યું " વૈષ્ણવ જન તો તેને કહીએ' હું તો જાગી ને ફળિયામાં આવીને જોયું તો રામી નિરાશ ચહેરે કામ કરતી હતી. મેં તો કાગડાની જેમ બધે નજર ફેરવી ક્યાંય પહેલા ધમાલીયા ન દેખાયા. શાંતિ થઈ અને વિચાર પણ આવ્યો કે 'ટાઢા પાણીએ ખસ ગઈ.'

આજ રામી મુડમાં નહોતી લાગતી એટલે કામ પણ નમાલું નમાલુઅં થતું હતું. મેં મારી 'ચા' મુકી અને પી લીધી. પછી રામીને પણ બોલાવી 'ચા' માટે. એ આવી પણ ખરી. મેં પુછ્યું "તોફાની ટીમને જેલમાં પુરી આવી કે શું ?"એ મારી સામે લાચારીથી જોઈ રહી. વળી મેં પુછ્યું." ક્યાં? તારા છોકરાઓને કેમ ન લાવી? " પછી તો એ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી ને કહે, "એ મારા છોકરા નથ.એ મારી બુનના ભુલકા સે. મારા બનેવીએ દારૂના નશે એવી મારી બુનને ધબેડી કે ઈના રામ રમી ગયા. એમાંથી બે મારી બુનના હતા ને એક મારા ભાઈનો સોકરો સે. મારો ભાઈ પણ મહિના પહેલા ગટર સાફ કરવા ગયો તી ગેસ ગુંગળામણથી જીવ ગયો. હું તો હાવ કંવારી સવ." આ બધા રસ્તે રઝળે ને ભીખ ન માંગે ઈ સારું મેં પાળ્યા પણ કોકે ફરિયાદ કરી તી એ ત્રણેયને કોઈ સંસ્થાવાળા લઈ ગયા સ. લેવા જવાના પૈહા ભરવાના સે. વિસારું સુ કે કોઈ આગળ માંગી જોવ. પછી સાડીના છેડે આંખ લુછતા લુછતા કે " વટથી જીવવી તી આ જંદગીને પણ આજ માંગવું જ જોહે."

" અરરરરરરર, અમારાથી કેવી ભુલ થઈ ગઈ મોટી. માવતર વગરના છોરૂને અમે અનાથ કરી દીધાં. રામી તો 'મા' બની ઉછેરતી હતી ને અમે આ શું કર્યું? અમારાથી કોઈનું બાળપણ છીનવાયુ. અફસોસનો પાર નહીં. મેં જલ્દી જલ્દી બધાને બોલાવીને વાત કરી અને રામીને આશ્વાસન આપી જરૂરી રૂપિયા આપી એની સાથે એ તોફાની ત્રિપુટી ને લેવા ગયા. બહુ રકઝકના અંતે એ ત્રણેયને છોડાવી રામી સાથે ઘરે મોકલ્યા.

બીજે દિવસે રામી આવી કે બધાએ એ ત્રણેય બાળકો માટે થોડા કપડાં, રમકડાં અને ખાવાપીવાની ચીજવસ્તુઓ આપી. આજ એ ત્રણેય રામીની સામે એકીટશે જોતા હતા. એને એની 'મા'નું રુપ રામીમાં કદાચ દેખાયું હોય. આખી શેરીમાં હવે એ તોફાનીઓ ધડબડાટી બોલાવીને મજા લેતી હોય એવી પરિસ્થિતિ હવે રોજ જોવા મળે.

મને પણ થયું આ બાળપણ છીનવવાનો કે કેદ કરવાનો અધિકાર આપણને કોઈને નથી અને રામી જેવી સામાન્ય વ્યક્તિ ' પરદુઃખે ઉપકાર ' સમજતી હોય તો આપણે સાવ તુચ્છ જ લાગી એ દિલાવર સામે..

લેખક : શિતલ માલાણી

૧/૧૦/૨૦૨૦

ગુરુવાર