Revenge 3rd Issue: - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 7

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-7

બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

માધવપુર પર કાળી શક્તિઓનો પડછાયો પડી ચૂક્યો છે એનો અંદાજો આવી ગયા બાદ વ્યાકુળતા સાથે ભાનુનાથ રાજમહેલમાં પ્રવેશ્યા; ભાનુનાથનો પુત્ર સોમનાથ પણ એમની પડખે હાજર હતો.

ઉતાવળા ડગલે ચાલીને ભાનુનાથ જ્યારે વિક્રમસિંહના કક્ષમાં આવ્યા ત્યારે વિક્રમસિંહ મૃતપાય હાલતમાં પોતાની જીવનલીલા સંકેલી લેવાની તૈયારીમાં હતા. પોતાની ગેરહાજરીમાં વિક્રમસિંહ સાથે આ શું થઈ ગયું? એ પ્રશ્ન એમને અકળાવી રહ્યો હતો. ગૌરીદેવી અને અંબિકાનો નંખાઈ ગયેલો અને વૈદ્યરાજનો હતાશ ચહેરો જોઈ ભાનુનાથે અનુમાન લગાવી લીધું કે વિક્રમસિંહના બચવાની આશ તેઓ છોડી ચૂક્યા હતાં.

"વૈદ્યરાજ, મહારાજને શું થયું છે.?" આ વિપદાની ઘડીમાં પોતાનાથી કંઈ થઈ શકે છે કે કેમ, એ જાણી લેવાની આશા સાથે ભાનુનાથે વૈદ્યરાજને સવાલ કર્યો.

"ગુરુવર, મહારાજને કોઈએ એવું ઘાતક વિદેશી વિષ આપ્યું છે જેનો ઉપચાર આપણા વૈદિક સાહિત્યમાં નથી." જવાબ આપતા વૈદ્યરાજે જણાવ્યું. "ભોજનમાં ભેળવીને આપવામાં આવેલું વિષ પુરી સાવચેતી સાથે મહારાજને આપવામાં આવ્યું છે..જેથી આજ પહેલા આપવામાં આવેલા વિષની અસર જોવા નહોતી મળી. શરુઆતમાં તાવ અને પછી અશક્તિનો અનુભવ કરાવતું વિષ આજે જ જીવલેણ બન્યું છે એવું હું તમને કહી શકું."

વિષનાં આ લક્ષણો વિશે સાંભળતા જ ભાનુનાથને પોતાના યુનાન પ્રવાસ દરમિયાન સાંભળેલા આવા જ લક્ષણો ધરાવતા વિષ અંગે સ્મરણ થયું. એ સ્મરણ થતા જ તેઓ આંચકા સાથે બોલી પડ્યા.

"મેસોપોટેમિયન વિષ..મતલબ કે વિક્રમનું બચવું અશક્ય છે."

ભાનુનાથના આ શબ્દો સાંભળી ગૌરીદેવી અને અંબિકાની રહી-સહી આશા પર પણ પાણી ફરી વળ્યું..ભાનુનાથના આમ બોલતા જ બંને ચોધાર આંસુએ રડી પડી.

"રાજપુતાણી ક્યારેય આમ કાયરોની માફક રડે નહિ.." એમને રડતા જોઈ ભાનુનાથ બોલ્યા. "પણ એ તો પોતાના આપ્તજન સાથે જો આવું કંઈ બને તો એનો પ્રતિશોધ લે. આ વિપદાની ઘડીમાં તમારે તો વધુ મજબૂત બનવાની આવશ્યકતા છે."

ભાનુનાથના શબ્દોની જાદુઈ અસર થઈ હોય એમ ગૌરીદેવી અને અંબિકાની આંખોમાંથી નીતરતા આંસુ અટકી ગયા. એમને આંખોનાં ઈશારાથી જ ધીરજ રાખવાનું કહી ભાનુનાથ વિક્રમસિંહની બાજુમાં જઈને બેઠા.

 

પોતાના મિત્ર અને વિક્રમસિંહના પિતા રાજા ઉદયસિંહની મૃત્યુ બાદ વિક્રમસિંહની આવી દુષ્કર હાલત જોઈને પહાડ જેવી મક્કમતા ધરાવતા ભાનુનાથની આંખોના કિનારે આંસુના ટીપાં આવીને અટકી ગયા. ભાનુનાથે વિક્રમસિંહના કપાળે હળવેકથી હાથ ફેરવ્યો એટલે મોતની નજીક પહોંચેલા વિક્રમસિંહે હળવેકથી પોતાની આંખો ખોલીને મહાપરાણે ભાનુનાથ તરફ સ્મિત કરવાની કોશિશ કરી.

 

વિક્રમસિંહની આંખો જાણે મૂક ભાષામાં પોતાને બચાવી લેવાની આજીજી કરી રહી હોય એવું ભાનુનાથને લાગ્યું. જો શક્ય હોત તો પોતાના પ્રાણને દાવ પર લગાવીને પણ પોતે વિક્રમસિંહને બચાવી લેત, પણ અત્યારે પોતાના હાથમાં કશુંય નથી એ જાણતા હોવાથી ભાનુનાથ ગળગળા અવાજે વિક્રમસિંહનો ફિક્કો પડેલો ચહેરો જોઈને બોલી પડ્યા.

 

"મને માફ કરી દેજે મારા દીકરા, હું તારા પિતાજીને આપેલું વચન ના નિભાવી શક્યો. તારી રક્ષા કરવાની જે જવાબદારી એમને મને સોંપી હતી એ હું પૂર્ણ ના કરી શક્યો એનો મને ખેદ છે. મારી ગેરહાજરીમાં અહીં જે કંઈપણ બની ગયું એનો પસ્તાવો મને છેલ્લા શ્વાસ સુધી સુખેથી નહીં જીવવા દે.!"

 

આટલું કહ્યા બાદ ભાનુનાથના અવાજમાં અચાનક પલટો આવી ગયો..પીડા અને દર્દથી ભરેલો એમનો સ્વર અચાનક આવેશ અને પ્રતિશોધથી ભરાઈ ગયો. ક્રુદ્ધ સ્વરે ભાનુનાથે વિક્રમસિંહની આંખોમાં આંખો નાંખીને કહ્યું.

 

"જે કોઈપણ તારી આ હાલત માટે જવાબદાર છે એને હું મૃત્યુદંડ નહિ આપું ત્યાં સુધી હું અંજળપાણી નહિ લઉં.. ભલે એ પૃથ્વીના પેટાળમાં પણ કેમ ના હોય હું એને શોધીને જ રહીશ!"

 

ભાનુનાથની આ ટેક પૂરી થઈ એ સાથે જ વિક્રમસિંહનો ચહેરો એક તરફ ઢળી પડ્યો..એમના ખોળિયામાંથી પ્રાણપંખેરૂ ઉડી ગયું. અંબિકા અને પદ્મા વિધવા થઈ ગયા અને માધવપુરની પ્રજા રાજા વિહોણી.

ભાનુનાથે મૃત વિક્રમસિંહની ખુલ્લી આંખોને આદરપૂર્વક બંધ કરી અને લાગણીભેર અંબિકા તથા ગૌરીદેવી તરફ જોતા કહ્યું.

"માધવપુરનો સૌથી શ્રેષ્ઠ રાજા આ જગતને છોડી ચૂક્યો છે."

ભાનુનાથના આ શબ્દો એ જ સમયે હાંફળા-ફાંફળા બની વિક્રમસિંહના કક્ષમાં પ્રવેશેલા વિરસેને પણ સાંભળ્યા. પોતાનો મિત્ર અને માધવપુરના રાજા વિક્રમસિંહ હવે હયાત નથી એ જાણ્યા બાદ વિરસેનની પણ આંખો ભરાઈ આવી. ગમગીની અને ઉદાસીનું વાતાવરણ પૂરા કક્ષને ઘેરી વળ્યું. આઘાતના લીધે મહારાણી અંબિકા બેહોશ થઈને ઢળી પડ્યા, જેમને સંભાળવાની જવાબદારી પુત્રની મૃત્યુને સગી આંખે નિહાળનારા ગૌરીદેવી પર આવી પડી.

"ગુરુવર, મારે તમને કંઈક જણાવવું છે." વિરસેન ભાનુનાથની નજીક આવીને હળવેકથી બોલ્યો.

"તમારા અવાજ પરથી લાગે છે કે વાત ગંભીર છે." ભાનુનાથ વિરસેનના ચહેરાના ભાવ વાંચતા બોલ્યા. "હું પણ તમને કંઈક જણાવવા માંગુ છું..પણ, પહેલા આપ આપની વાત જણાવો."

"મહારાજની વિષ આપીને હત્યા કરવામાં આવી હતી એ તો તમને શક્યવત વૈદ્યરાજ જણાવી જ ચૂક્યા હશે." વિરસેને કહ્યું. "આ વિષ મહારાજને ભોજનમાં ભેળવીને અપાયું હતું, અને આ કરનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ મહારાણીના માતૃશ્રી જ હોવા જોઈએ એવો મને વિશ્વાસ છે."

"તમે આ શું બોલી રહ્યા છો..?" વિરસેનની વાત સાંભળી ના ઈચ્છવા છતાં પણ ભાનુનાથનો અવાજ ઊંચો થઈ ગયો. "એક માં પોતાની દીકરીનો સુહાગ છીનવી લેવાનું વિચારી પણ કઈ રીતે શકે? મને લાગે છે મિત્રવિયોગમાં તમારી મતિભ્રમ થઈ ચૂકી છે."

"ગુરુવર, મારી મતિ એના ઠેકાણે જ છે." મક્કમ સ્વરે વિરસેન બોલ્યો. "હું યોગ્ય તપાસ કરાવી, તાળા થી તાળો મેળવ્યા પછી જ તમને આ વાત જણાવી રહ્યો છું. રેવતીને મેં એ દિવસે રસોડામાંથી નીકળતી જોઈ હતી જ્યારે મહારાજ બીમાર પડ્યા અને આજે પણ એ દુષ્ટ સ્ત્રી બહાનું બનાવી રસોડાના મહારાજ જોડેથી દૂધનો કટોરો લઈને વિક્રમસિંહને એ દૂધ આપી ગઈ હતી."

ભાનુનાથ અને વિરસેન વચ્ચે થતી ચર્ચા પોતાની સાવકી માં રેવતીને લઈને છે એવું અર્ધબેહોશીની હાલતમાં અંબિકા સમજી ચૂકી હતી. ભાનુનાથ વિરસેનની વાતનો વિરોધ કરે એ પહેલા જ અંબિકા બોલી પડી.

"ગુરુવર, મને લાગે છે કે પ્રધાનજી સાચું કહે છે."

"મતલબ કે તમે પણ માનો છો કે તમારી માતૃશ્રીએ જ વિક્રમને વિષ આપ્યું હશે?" ભાનુનાથે આશ્ચર્યઘાત અનુભવતા અંબિકાને ઉદ્દેશીને સવાલ કર્યો.

"હું પૂરા વિશ્વાસથી તો નથી કહેતી કે આમ કરનાર મારી માં હશે, પણ..હમણાથી એનું વર્તન જે હદે બદલાઈ ચૂક્યું હતું એ પરથી તો મને એવું જ લાગે છે કે નક્કી એ કંઈક છુપાવી રહી હતી." અંબિકા ક્રુદ્ધ સ્વરે બોલી. "અને આજે બપોરે એ દૂધ લઈને આવી હતી ત્યારે મને થોડી નવાઈ જરૂર લાગી હતી પણ એ તરફ ધ્યાન નહોતું આપ્યું. પણ, હવે જ્યારે પ્રધાનજી તપાસ કરીને આવ્યા છે તો નક્કી એ ક્રૂર સ્ત્રીએ જ મહારાજને વિષ આપ્યું હોવું જોઈએ."

"મહારાણી, હવે આપ જ જણાવો કે અમારે આ ભયાનક કૃત્યની અમારે એમને શું સજા આપવી જોઈએ.?" વિરસેને અંબિકાને પૂછ્યું.

"મૃત્યુદંડ.. એ સ્ત્રી ભલે મારી માં હોય પણ એ મારી સાથે આ રાજ્યની પણ અપરાધી છે. એની સજા મૃત્યુદંડથી ઓછી હોય જ ના શકે." અંબિકાના અવાજમાં રોષ વર્તાતો હતો. "એને જીવિત પકડીને અહીં લાવો, હું સગા હાથે એ હત્યારણને સજા આપીશ."

"પણ, મહારાણી એ અત્યારે એમના કક્ષમાં મોજુદ નથી." વિરસેને કહ્યું. "મહેલમાં મેં બધે તપાસ કરાવી પણ એ મહેલમાં હાજર નથી. આથી મેં સૈનિકોને આખા નગરની તપાસ માટે મોકલ્યા છે, થોડીવારમાં એ પકડાઈ જશે."

"પ્રધાનજી...જલ્દી અમારી સાથે આવો." એટલામાં એક સૈનિક ત્યાં આવીને વ્યગ્ર સૂરમાં બોલ્યો.

"શું થયું..ક્યાં છે એ સ્ત્રી?" વિરસેને એ સૈનિકને ઉદ્દેશીને પૂછ્યું.

"ત્યાં જૂના કૂવા જોડે..તમે જલ્દી ચલો અમારી સાથે." સૈનિકના સ્વરમાં અકળામણ સાફ વર્તાતી હતી.

"સારું..હું આવું છું." આટલું કહી વિરસેને સૈનિક સાથેની સંમતિ માંગવા ભાનુનાથ તરફ જોયું તો ભાનુનાથે કહ્યું.

"ચલો, હું પણ તમારી સાથે આવું છું. આખરે મહારાણીની માતૃશ્રીએ આવું દુષ્કૃત્ય કેમ આચરવું પડ્યું એ મારે પણ જાણવું આવશ્યક છે."

"તો પછી હું પણ આવું છું તમારી સાથે. એ પહેલા મારી ગુનેગાર છે, પછી તમારા બધાની." અંબિકા પોતાના આંસુ લૂછતા ગૌરીદેવી તરફ જોઈને બોલી. "રાજમાતા, તમે અત્યારે અહીં જ મહારાજના પાર્થિવ શરીર પાસે બેસો..હું મહારાજની હત્યા કરવા પાછળ જવાબદાર દરેકને સજા આપીશ પછી જ અહીં પગ મૂકીશ, અને પછી જ મહારાજના અંતિમ સંસ્કાર થશે."

ગૌરીદેવી કંઈ બોલવા જાય એ પહેલા તો વિરસેન, ભાનુનાથ, ભાનુનાથનો દીકરો સોમનાથ અને અંબિકા વિરસેનને બોલાવવા આવેલા સૈનિકની સાથે-સાથે માધવપુરમાં આવેલા જૂના કુવા તરફ અગ્રેસર થયા. જ્યાં એક નવું જ આશ્ચર્ય એમની મોં ફાડીને રાહ જોઈ રહ્યું હતું!

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)