Sarname Na Pahonchelo Ek Patra books and stories free download online pdf in Gujarati

સરનામે ન પહોંચેલો એક પત્ર

સરનામે ન પહોંચેલો એક પત્ર (ડૉ. નિલેષ ઠાકોર)

શનિવાર ના બપોરના 12:30 વાગ્યા નો સમય. બધા જ વિદ્યાર્થીઓએ સવારથી મનમાં સાચવેલો એકાગ્રતા નો જથ્થો જાણે ધીમે ધીમે ખૂટી ને તળિયા ઝાટક થઈ ગયો હતો. એમના કાન શિક્ષક દ્વારા કહેવાતા શબ્દો ને સાંભળવા કરતાં બેલના રણકાર ને સાંભળવા આતુરતા પૂર્વક સરવા થઈ ગયા હતા. બેલ વાગ્યો અને ક્લાસ રૂમ માં છવાયેલી નીરવ શાંતિએ બાળકો ના કિલ્લોલ અને કોલાહલ ના લીધે પોતાની ચાદર સમેટી લીધી. બધાના ચહેરા પર એક અનેરો આનંદ હતો અને વળી કેમ ના હોય? રવિવાર ની રજા ની મજા જો લૂંટવાની હતી. સ્કૂલ બસ માં ગોઠવાયેલા સહુ કોઈના મન માં સપ્તાહ ના અંત ને માણવાની યોજનાઓ રમી રહી હતી. કોઈ મામા ના ઘરે જવાનું હતું તો કોઈ દાદા દાદી ના ઘરે. કોઈ મમ્મી પપ્પા ને લઈ મોલ માં જવાનું હતું તો વળી કોઈ થિએટર માં મૂવી જોવા. આ બધાય ને ધ્યાન પૂર્વક સાંભળી રહેલો નાનકડો અંશુમન પણ મન માં ને મન માં સાંજે મમ્મી ને લઈ ને ગાર્ડન માં જવાની યોજના બનાવી રહ્યો હતો.

સ્કૂલ બસ એક પછી એક જગ્યા એ થોભતી અને અંદર રહેલા ભૂલકાં એક પછી એક પોત પોતાના ઘર તરફ હર્ષભેર દોટ મૂકતાં. અંશુમન પણ બસ માંથી ઉતરતા જ મન ને મન માં ઘર માં જઈ મમ્મી ને ભેટી પડવાની યોજના લઈ દોડી રહ્યો હતો. જેવુ પોતાના ઘર નું બારણું દેખાયું કે તરત જ અંશુમને ક્ષણ પૂરતી પોતાની આંખો બંધ કરી લીધી, જાણે કોઈ સરપ્રાઈઝ આપવાનું ના હોય?

************************************

મેડિકલ કોલેજ ની કેન્ટીન ના એક ખૂણા માં પ્રેમ થી પોતાના હાથે અંશુમન ના મોં માં કોળિયો મૂકી રહેલી ઝરલે સહેજ રોષપૂર્વક કહ્યું “ હું કાંઈ લગ્ન પછી તારી આમ રોજ રોજ ની ફરમાઇશો પૂરી નથી કરવાની, આજે પાલક પનીર અને આવતી કાલે તો હજુ મારે તારા માટે ભરેલા ભીંડા બનાવવા સવારે વહેલા ઉઠવાનું? લગ્ન પછી મારે કેટલા કામ હશે? ઘર પણ સંભાળવાનું, ક્લિનિક નો સમય પણ સાચવવાનો?”

અંશુમને પણ સહેજ સ્મિત પૂર્વક ઝરલ ને મનાવવાના પ્રયત્નો આરંભ્યા “ કોને કહ્યું લગ્ન પછી તું એકલી જ ઘર નું કામ કરીશ? હું પણ કરાવીશ અને કોને કહ્યું તું એકલી જ રસોઈ બનાવીશ? હું પણ મદદ કરીશ. અને રહી વાત ક્લિનિક ના સમય ને સાચવવાની, તો ક્લિનિક તો આપણે બંને સાથે જ જઈશું.” અને ઝરલ અંશુમન ના આંખ માંથી છલકાતા પ્રેમ માં ડૂબી જતી.

*************************************

ક્લિનિક થી થાક્યો પાક્યો અંશુમન મોડી સાંજે પોતાના ઘરે પહોંચ્યો ને ડોર બેલ વગાડીને એક ક્ષણ માટે ઊભો રહ્યો. અચાનક પોતાને યાદ આવ્યું કે ઘર નો દરવાજો તો પોતે જ સવારે લોક મારી ને ગયો હતો અને ચાવી વડે દરવાજો ખોલી પોતાના ઘર માં પ્રવેશ્યો. ડાઇનિંગ ટેબલ પર જાતે જમવાનું બનાવી ને જમવા બેસેલા અંશુમન ના હાથ નો કોળિયો સામે રહેલી ખાલી ખુરશી ને જોઈને જેમ નો તેમ રહી ગયો અને ઝરલ ની યાદોનું તોફાન અંશુમન ના મન માં ફરી વળ્યું.

મન થી ગૂંથયેલા અંશુમન અને ઝરલ, બંને નો એમ. ડી. ગાયનેક નો કોર્સ પૂર્ણ થતાં જ ધામધૂમ થી લગ્નગ્રંથિ એ ગૂંથાઇ ગયાં. અંશુમન ની મહેચ્છા ને માન આપી ઝરલ પણ અંશુમન ની સાથે સાબરકાંઠા ના અંતરિયાળ વિસ્તાર માં આવેલી એક ટ્રસ્ટ ની હોસ્પિટલ માં કાર્યરત થઈ ગઈ. અંશુમન નું મન દોડી ને આનંદ ની સીમા ઓ ને વટાવતું તો ઝરલ નું મન ક્યાંક ને ક્યાંક મન માં સેવેલી અપેક્ષાઓ ના ભાર નીચે દબાઈ ને વ્યગ્ર થઈ જતું. ઝરલ ખુશ નહોતી. એ હંમેશાં કહ્યા કરતી “ અંશ, ચાલ ને કયાંક મોટા શહેર માં જઈ આપણી પોતાની મોટી હોસ્પિટલ બનાવી ત્યાંજ સેટલ થઈ જઈએ? આમ ક્યાં સુધી આવા ગામડા માં રહીશું? અને અંશુમન પ્રેમથી ઝરલ ને મનાવી લેતો. ઝરલ વારે વારે અંશુમન ના આંખ માંથી છલકતા પ્રેમ માં ડૂબી જતી.

અંશુમન ના સ્નેહસભર શબ્દો થી ઝરલ ની અપેક્ષા ઓ ભૂંસાતી નહોતી પણ મન માં ક્યાંક છુપાઈ જતી જે વારે વારે બહાર ડોકાતી અને અંશુમન ના એક પ્રેમ ભર્યા સંવાદ સાથે ફરી છુપાઈ જતી. આખરે આમ છૂપાછુપી નો ખેલ ખેલતી ઝરલ ની અપેક્ષાઓ કાયમ માટે બહાર આવી ગઈ અને ઉગ્ર સ્વરૂપે ઝરલે છેવટે અંશુમન ને કહી દીધું “ જો અંશુમન તારે ના આવવું હોય તો ના આવ, આમ સાવ આવી જગ્યા એ હું મારૂ જીવન વ્યતિત કરવા નથી માંગતી. જીવન ને લઈ ને મારી પણ કેટલીક આશા અને અપેક્ષાઓ છે એ તું ક્યારેય નહીં સમજે. તારી અને મારી જીવન ની રાહ હવે એક નથી. આપણે છૂટા પડવું જ પડશે.” ઝરલ ના શબ્દો માં મક્કમતા છલકાતી હતી.

અંશુમન ની ભીની આંખો માં જોયા વગર જ ઝરલ બેગ પૅક કરી નીકળી પડી. અંશુમન પોતાની જિંદગી અને સઘળી ખુશીઓ ને બારણાં બહાર જતાં જોઈ રહ્યો હતો. કદાચ હવે એ પ્રેમભર્યો સંવાદ શક્તિહીન હતો એ ખુશીઓ ને બહાર જતી રોકવા.

************************************

સ્કૂલ બસ એક પછી એક જગ્યા એ થોભતી અને અંદર રહેલા ભૂલકાં એક પછી એક પોત પોતાના ઘર તરફ હર્ષભેર દોટ મૂકતાં. અંશુમન પણ બસ માંથી ઉતરતા જ મન ને મન માં ઘર માં જઈ મમ્મી ને ભેટી પડવાની યોજના લઈ દોડી રહ્યો હતો. જેવુ પોતાના ઘર નું બારણું દેખાયું કે તરત જ અંશુમને ક્ષણ પૂરતી પોતાની આંખો બંધ કરી લીધી, જાણે કોઈ સરપ્રાઈઝ આપવાનું ના હોય? આંખો ખોલી અંશુમને જોયું તો એની મમ્મી બારણે નહોતી ઊભી. અંશુમન ના મન ને નિરાશા ઘેરી વળી. પોતાની સ્કૂલબેગ માંથી ચાવી કાઢી લોક ખોલી દોડતો રસોડા માં પહોંચી ગયો, કદાચ મમ્મી રસોડા માં રસોઈ બનાવતી હોય ! મમ્મી ત્યાં પણ નહોતી, એ દોડતો બાથરૂમ માં ગયો, કદાચ મમ્મી બાથરૂમ માં કપડાં ધોતી હોય ! છેવટે નિરાશા સિવાય અંશુમન ને કાંઇ જ ના સાંપડતું અને છાતી માં ભરાયેલો ડૂમો વધુ ઘેરો બનતો. આમ પ્રેમ અને લાગણીઓ નો ધોધ વરસાવી અચાનક અંશુમન ની મમ્મીએ લીધેલી ચીર વિદાય ના લીધે નાનકડા અંશુમન નું મન હજુય એ વાત ને સ્વીકારવા તૈયાર નહોતું કે અનંત યાત્રા એ ગયેલું કોઈ પાછું આવતું નથી. “મમ્મી....ઓ ...મમ્મી...” અંશુમન ના શબ્દોનો ધ્વનિ ઘર માં ગુંજતો અને ખાલી દીવાલો ને અથડાઇ ને પાછો ફરતો પણ એ શબ્દો ના પ્રતિસાદ રૂપે “હા, બેટા હું પાછી આવી ગઈ” એવા મમ્મી ના શબ્દો ક્યારેય ના સંભળતા. આમ સદાય મમ્મી ના પ્રેમ, હુંફ અને લાગણીઓ ના ધોધ થી ભીનો રહેતો અંશુમન હવે સાવ કોરો થઈ ગયો હતો અને સ્કૂલ થી ઘરે આવી ને મમ્મી ને શોધવી એ અંશુમન નો રોંજિદો ક્રમ બની ગયો હતો.

*****************************************

અચાનક વર્ષો પછી અંશુમન ના જીવન માં ઝરલ નું આગમન થયું અને ઝરલે અંશુમન ને લાગણીઓ થી ભીનો અને પ્રેમ થી રસ તરબોળ કરી દીધો. સામા પક્ષે અંશુમન પણ આ અમૂલ્ય પ્રેમ ની કિંમત જાણતો હોય એમ ઝરલ ને અનહદ પ્રેમ કરતો.

વર્ષો પછી ઘટના નું પુનરાવર્તન થઈ રહ્યું હતું. આજે ફરીથી અંશુમન ના જીવન માં આમ કોઈએ પ્રેમ અને લાગણીઓ નો ધોધ વરસાવી અચાનક વિદાય લઈ લીધી. ફર્ક અહીં બસ એટલો જ હતો કે પોતાની મમ્મી એ ચીર વિદાય લીધી હતી અને મમ્મી ને એ પાછો લાવી શકવાનો નહોતો જ્યારે ઝરલે વિદાય લીધી હતી અને ઝરલ ને એ જરૂર મનાવીને પોતાના જીવન માં પાછી લાવી શકતો હતો. અંશુમન ને પોતાના પ્રેમ પર પૂરો ભરોસો હતો પણ હવે કદાચ પરિસ્થિતી ને અનુરૂપ શબ્દો નહોતા પોતાની મન ની વાત ઝરલ ને સમજાવવા. અંશુમન ની આંખો ભીની હતી. એક પળ નો પણ વિલંબ કર્યા વગર અંશુમન ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થયો અને તિજોરી ખોલી વર્ષોથી સાચવી રાખેલો એક પત્ર લીધો. કાર સ્ટાર્ટ કરી અને ઝરલ પાસે પહોંચી ગયો.

ઝરલ ની આંખો માં અંશુમન માટે હજુય પ્રેમ તો અકબંધ જ હતો પણ પોતાની વાત પર મક્કમ હતી. અંશુમને જરા નરમાશ પૂર્વક કહ્યું “ કેમ આપણે એવી જગ્યાએ વસ્યા જ્યાં કોઈ ડોક્ટર નથી? એનું કારણ મારા આ એક પત્ર માં છે, જે મેં બહુ નાનો હતો ત્યારે લખ્યો હતો અને જે હજુય એના સરનામે નથી પહોંચ્યો. પત્ર તું વાંચી લે.” ઝરલે બહુ આશ્ચર્યપૂર્વક પત્ર લઈ વાંચવાનું શરૂ કર્યું. પત્ર માં કઈંક આવું લખ્યું હતું.

પ્રિય મારી વ્હાલી મમ્મી,

મજામાં હોઈશ પણ હું અને પપ્પા અહિયાં બિલકુલ મજા માં નથી. તારી બહુ જ યાદ સતાવે છે. સવાર ના ઉઠતાં જ હું ભૂલી જાઉં છું છું કે તું અહિયાં નથી અને મન ને મન માં વિચારું છું કે હમણાં મમ્મી નો અવાજ આવશે “ બેટા, જલ્દી ઉઠી જા નહીં તો સ્કૂલ એ જવાનું મોડુ થશે.” પરંતુ તારો અવાજ ના આવતાં જાતે ઉઠી ને નહાવા જતો રહું છું. હું જ્યારે નહાઈ ને યુનિફોર્મ પહેરું છું તો ત્યારે તું પ્રેમ થી મારા યુનિફોર્મ ના બટન બંધ કરતી હોય અને મારા માથા ના વાળ સરસ ઓળી આપતી હોય એવો ભાસ થાય છે, પણ હવે હું જાતે જ બધુ કામ કરી લઉં છું. સ્કૂલબસ ની બારી માંથી અનાયાસે જ મારો હાથ ઘર ની ગૅલૅરી તરફ તને બાય બાય કહેવા લંબાઈ જાય છે અને તું ત્યાં ઊભી ઊભી સ્મિત સાથે મને પ્રેમ થી વિદાય આપતી હોય એવું હજુય લાગે છે અને પછી તને ત્યાં ના જોતાં સહેજ ભીની આંખે આકાશ તરફ બાય બાય કરું છું કદાચ, તું મને ઉપર આકાશ માંથી બાય બાય કરતી હોય. બપોરે સ્કૂલ થી છૂટતાં જ આવી ને જેવો ઘર માં પ્રેવેશું છું તો તું રસોડા માં રસોઈ બનાવતી હોઈશ એવો આભાસ થાય છે અને રસોડા માં તને ના જોતાં હળવું ડૂસકું બહાર આવી જાય છે. પહેલા તું મને પ્રેમ થી તારા હાથે જમાડતી અને હું “ મમ્મી આ નહીં પેલું ખાઈશ” એવી જીદ ના બદલે હવે પપ્પા જે પણ કાંઇ બનાવી ને ગયા હોય જાતે જમી લઉં છું. પહેલાં હું મમ્મી બહુ જ તોફાન મસ્તી કરતો એનું કારણ એ હતું કે ત્યારે તું મારા પર ગુસ્સે થતી અને પછી પ્રેમ પણ એટલો જ કરતી પણ હવે હું બિલકુલ તોફાન મસ્તી નથી કરતો. મમ્મી તું કહ્યા કરતી હતી ને કે હું મારા રમકડાં અને પુસ્તકો અસ્તવ્યસ્ત મૂકું છું,પણ હવે જો તું મારો રૂમ જોઈશ ને તો તું ખુશ થઈ જઈશ. બધુ જ વ્યવસ્થિત ગોઠવી દીધું છે. રાત્રે હું મારી સાથે તારો ફોટો છાતી સરસો ચાંપી સૂઈ જાઉં છું તેનાથી રાત્રે હજુ પણ તું પથારી માં છે અને મારા માથા પર હાથ ફેરવી મને વાર્તા કહેતી હોય એવું સતત લાગ્યા કરે છે. બસ મમ્મી એક રાત્રિ જ એવો સમય છે જ્યાં હું મન ભરી ને રડી લઉં છું અને છેવટે છાતી માં ડૂમો લઈ ને સૂઈ જાઉં છું. બસ મમ્મી એક વાર ભગવાન પાસે મંજૂરી માંગી એક દિવસ માટે મારી પાસે આવી જા જેથી એ એક દિવસ માં તું મને સવારે પ્રેમથી ઉઠાડી સ્કૂલ એ મોકલે, તું ગૅલૅરી માં આવી ને મને બાય બાય કહે અને હું હસતાં હસતાં સ્કૂલ જાઉં, બપોરે આવી ને એક વાર તારા હાથ થી પ્રેમ પૂર્વક જમી લઉં, સાંજે તું અને હું ગાર્ડન માં જઈ ને ધરાઇ ને રમી લઈએ, તારા ખોળા માં બેસી તને વ્હાલ કરી લઉં, છેલ્લે રાત્રે તું મને પ્રેમ થી માથા માં હાથ ફેરવી ને સુવડાવી દે અને જો મમ્મી આમ એક દિવસ માટે આવવું શક્ય ના બને તો થોડા કલાકો માટે આવી જા જેમાં તારા ખોળા માં બેસી તને વ્હાલ કરી ધરાઇ ને રડી લઉં અને મારી છાતી માં કેટલાય દિવસ થી ભરાયેલો ડૂમા ને બહાર કાઢી દઉં અને જો મમ્મી આમ થોડા કલાકો માટે પણ શક્ય ના બને તો થોડી મિનિટો માટે આવી જા, હું તારા બંને ગાલ પર એક એક પ્રેમ થી ભરેલી પપ્પી આપું અને તું મને મારા ગાલ પર એક પ્રેમ ભરેલી પપ્પી આપી ને જતી રહેજે. હવે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરું છું કે તને આમ એક દિવસ માટે મારી પાસે આવવાની મંજૂરી આપે.

લિ. તારો વ્હાલો દીકરો અંશુમન

સરનામું

ભગવાન નું ઘર, ચાંદા મામા પાસે,

તારાઓ ની વચ્ચે, આકાશ માં.

પત્ર વાંચતાંજ ઝરલ ને આંખો ભીની થઈ ગઈ અને લાગણીશીલ બની ગઈ. ત્યાંજ અંશુમને જરા નરમાશ પૂર્વક કહ્યું “ તું જે શહેર માં સ્થાયી થવાનું કહે છે, ત્યાં તો કેટલાય આપણાં જેવા ડોક્ટર્સ છે, અને આપણે જે જગ્યાએ સ્થાયી થયા છીએ ત્યાં દૂર દૂર સુધી કોઈ ડોક્ટર નથી. કદાચ તારા અને મારા પ્રયત્નોથી આમ કેટલાય અંશુમન પોતાની મમ્મી થી વિખૂટા પડતાં નથી અને કેટલાય અંશુમન ને આવા સરનામે ના પહોંચી શકે એવા પત્રો લખવાની જરૂર પડતી નથી. કોઈ આમ પ્રેમ અને સ્નેહ નો ધોધ વર્ષાવી અચાનક વિદાય લે ત્યારે થતી વેદના એક વાર સહન કરી ચૂક્યો છું, હવે મારામાં સહનશક્તિ બીજીવાર એ વેદના ને સહન કરવાની. તારો પ્રેમ મારા માટે હવે સર્વસ્વ છે, મારી સઘળી ખુશીઓ તારા જોડે વણાયેલી છે, ઝરલ તને હું અનહદ પ્રેમ કરું છું. તું કદાચ મારા વગર રહી શકે છે પણ હું તારા વગર એક ક્ષણ પણ નથી રહી શકતો. આઇ લવ યૂ, ઝરલ” અંશુમન ની આંખો માંથી અશ્રુધારા વહી પડી અને આંખ દ્વારા છલકાતા અંશુમન ના આ પ્રેમ માં ઝરલ ફરી ડૂબી ગઈ. જીવનસાથી ના અનહદ પ્રેમ સિવાય જીવન માં બીજું કઈ જ મહત્વ નું નથી એ વાત ઝરલ ને સારી રીતે સમજાઈ ગઈ.

**********************************

ડાઇનિંગ ટેબલ પર પોતાના હાથ થી અંશુમન ને કોળિયો ખવડાવતાં ખવડાવતાં જરા પ્રેમ પૂર્વક ઝરલે કહ્યું “ આજે પાલક પનીર ની ફરમાઇશ તો પૂરી કરી બોલો આવતી કાલની ફરમાઇશ ?” અને ઝરલ અને અંશુમન ના મુખ અનેરું સ્મિત આવી ગયું.

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર