The passage of time books and stories free download online pdf in Gujarati

કાળની થપાટ






"ગુડ ઇવનિંગ લેડીસ એન્ડ જેન્ટલમેન, આજ આ કંપની પટેલ ઇન્ડસ્ટ્રીઝે જ્યારે માર્કેટમાં પાનસો કરોડનું ટર્ન ઓવર કર્યું છે ત્યારે હું ખુશી વ્યક્ત કરતાં આપ સહુની અથાગ મહેનત અને પરિશ્રમને બિરદાવ્યું છું. આજે માર્કેટના પચ્ચીસ ટકા કેપ પર આપણો પગદંડો છે. આ બધું ફક્ત આપના સહયોગ થી જ શક્ય બન્યું છે. કંપની અને હું હંમેશા આપના રુણી છીએ."

પટેલ ઇન્ડસ્ટ્રીઝના એમડી કેવિન પટેલ પોતાની સફળતા નો યશ કંપનીના કર્મચારીઓમાં વહેંચી રહ્યા હતાં. આજ એમનું મન સફળતાના ઉચ્ચ શિખરો સર કરી રહ્યું હતું. પંદર વર્ષ પહેલાં એકલે હાથે આ કંપનીનો પાયો નાખ્યો હતો. આજ એ કંપનીમાં પાંચ હજાર કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા હતાં. જ્યારથી આ કંપનીની ઈંટ મૂકી ત્યારથી આજ દિન સુધી મી. કેવિન અટક્યા નથી, થાક્યા નથી, ઝુક્યા નથી કે જંપયા નથી. મનમાં કરેલા દ્રઢ નિશ્ચય વડે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા હતાં.

બ્લેક સુટ બુટ, માથે ગુચ્છા દાર ડાઈ કરેલા વાળ, સીધી કટ મારેલી અડધી ધોળી દાઢી, સોનાની વરખ ચડાવેલી ફેમ વાળા ચશ્મા, ચશ્માંના પડણ પાછળ યશ અને આત્મવિશ્વાસથી ભરેલી મોટી આંખો અને એ આંખોમાં ઉછાળા લેતો સફળતાનો સાગર, હદયમાં લહેરાતો સંતોષનો સમીર. આજ દુનિયાને જીતી ને બેઠેલા મી. કેવિન ને કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. બહુ જ સરળ અને સહજ રીતે જિંદગી પસાર કરતા એમડી નો અતીત કઈ કેટલી મુશ્કેલીઓથી રંગાયેલો છે.

એક બહુ જ પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.બી.એ. કર્યું. ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી. કલાસમાં હંમેશા ફર્સ્ટ જ રહેલો. હોશિયાર અને દિમાગ તો અર્જુન ના તિર કરતા પણ વધારે ગતિથી દોડતું. કોઈ પણ મૂંઝવણ હોય ચૂંટકી વગાડતા જ સમાધાન મળી જતું. હાર ક્યારેય સ્વીકારી ન હતી.

અભ્યાસ પૂરો કરીને એક કંપનીમાં નોકરી સ્વીકારી. ઘરની પરિસ્થિતિને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. પુરુષ વગરના ઘરને બહુ સારી રીતે સાંભળી લીધુ હતું. જીવનના દિવસો બહુ સારી રીતે વીતી રહ્યા હતા. પરંતુ મનના કોઈ ઊંડા ખૂણામાં સૃષુપ્ત અવસ્થામાં રહેલી મહત્વાકાંક્ષા આળસ મરડીને ઉભી થઇ. એને નોકરી નહોતી કરવી. એનો જીવ તો બિઝનેસ કરવામાં રચ્યો પચ્યો રહેતો. પરંતુ ઘરની પરિસ્થિતિ એવી હતી કે રોકાણ થાય એવું ન હતું. પોતાની ઈચ્છાઓને એ દબાવીને ફરી પાછો ગુલામી કરવા લાગી જતો.

એક દિવસ હિંમત કરીને એને એની મમ્મીને બિઝનેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રથમ તો ધંધાની વાત સાંભળીને એની મમ્મીને આનંદ થયો. પરંતુ ઘડિયારના કાંટા માફક ચાલતા દિવસોમા રોકાણ કરવા માટે પૂંજી ક્યાંથી ઉભી કરવી! દીકરાની મરતી ઇચ્છા એ જોઈ ન શકી. અંતિમ મૂડી સમાન ઘરને એને ગીરવે રાખ્યું અને દીકરાને રૂપિયા આપ્યાં.

કાળની કરતબ જાણે શરૂ થઈ. સમયના વહેણ બદલાયા. એવી થપાટ પડી કે બધું ધરાસાઈ થઈ ગયું. પાછા વહી જતા સાગરના મોજાની ભીનાસમાં જેમ રેત પર લખેલું નામ અદ્રશ્ય થઈ જાય એમ બહુ વિખાઈ ગયું. ધંધામાં નુકસાન થયું અને એ આઘાત કેવિનની માં જીરવી ન શકી. એણે અનંત ની વાત પકડી.

માં ના સ્વર્ગવાસ પાછળ પોતાને દોષી માનતો કેવિન મનથી તૂટી ગયો. કાંડાનું કૌવત નષ્ટ થઈ ગયું. મહત્વાકાંક્ષાનો મહેલ પત્તાના મહેલ માફક તૂટી પડ્યો. પોતાના જીવનનું કોઈ મૂલ્ય ન દેખાયું.

વિચારોના વમળમાં ફંટાતો કેવિન રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો. શાંત ચિત્ત પર હાવી થયેલી વેદના એને આત્મહત્યા સુધી લઈ ગઈ. સફળતાની દિશામાં ચાલતા કદમ આજ થાકીને રેલવેના પાટા સુધી પહોંચ્યા. અપેક્ષા આજ ટ્રેનની વિસલમાં ઓગળી ગઈ.

પ્લેટફોર્મ પર બેઠો એ સઘળી વાતો ને યાદ જરી રહ્યો હતો. આંખોમાં આંસુ સાથે એ કાળની થપાટને સહી રહ્યો હતો. જીવન અને મરણ વચ્ચે ફક્ત ટ્રેનના આવા જેટલું જ અંતર હતું. મનમાં ડર નહોતો. જરા પણ શંકા ન હતી. ટ્રેનની રાહ જોતા વિચારોમાં મગ્ન કેવિનની શાંતિ કોઈએ ભંગ કરી.
પાછળ ફરીને જોયું તો એક સાત વર્ષનો છોકરો એની પાસે હાથ લંબાવીને ભીખ માંગી રહ્યો હરો.

ભણવાની ઉંમરમાં એના હાથ ભીખ માટે ઉપડયા હતાં. મેલા ફાટેલા કપડાં, ગુંચળા વળી ગયેલા વાળ, શરીર પર જામી ગયેલી ધૂળની થેથર, ભૂખના પ્રહારથી અંદર દબાય ગયેલું પેટ, લાચાર અને નિઃસહાય આંખો. એક હાથ કેવિન તરફ રાખી બીજો હાથ મો તરફ આંગળીઓ ભેગી કરીને ખાવાનું માંગવાની અદામાં ઉપર ઉઠ્યો હતો.

" સાહેબ, કંઈક ખાવાનું આપોને."

કેવિનની આંખમાં આંસુ જોઈને છોકરાના શબ્દો હોઠની ભીતરમાં જ રહી ગયા. માથું નમાવીને નિઃશબ્દ એ છોકરો આગળ ચાલ્યા ગયો. નિઃસહાય કોણ લાગ્યું? કેવિન કે એ ભિખારી છોકરો? લાચાર કોણ થયું? કેવિન કે એ છોકરો?
કેવિન એ છોકરા ને દૂર સુધી જતો જોઈ રહ્યો. એને પ્લેટફોર્મ પર બધી બાજુ નજર ફેરવી. બધી બાજુ એને કંઈક ને કંઈક એવું દેખાયું જે એના કરતાં પણ વધુ લાચાર અને ગરીબ હતું છતાં પણ જીવવાની હામ હતી.

એક બાજુ ફેરિયા બધા એકઠા થઈને ટ્રેન આવાની રાહ જોઇને બેઠા હતાં. કઈક વેચાણ થાય તો ઘરમાં ચૂલો સળગે. એક બાજુ બાંકડા પર કુલી આડા પડીને આરામ ફરમાવતા હતા. તો કોઈ વળી ન્યૂઝ પેપેરનું પાનું જમીન પર પાથરીને નિંદ્રાધીન હતું. કોઈ કચરાના ડબ્બામાંથી ખાવાનું શોધી રહ્યું હતું. કોઈ ને કોઈ રીતે બધા પરાધીન હતાં.

"શું જુવે છે કેવિન?"
"સર તમે...."
" હા, હું. કંપનીના કામથી બહાર જઇ રહ્યો હતો. તને જોયો પરંતુ મને એ કેવિન ન દેખાયો જે મારા ત્યાં ટોપ લેવલનું વર્ક કરતો. અશક્ય ને શક્ય કરી દે તો."
" શુ કહું સર...."
" કઈ નથી કેવું તારે. હું બધું જાણું છું. જાણવાની તારે જરૂર છે."
" સર હું અહી આત્મહત્યા કરવા માટે આવ્યો છું."
" બસ? જીવનની એક બાજી હાર્યો એમાં થાકી ગયો? યાર અપેક્ષાઓને પુરી કરવા મહેનત કરવાની હોય. અપેક્ષાને બોજ ના બનાવાય. પેલો છોકરો જે તારી પાસે ભીખ માંગવા આવ્યો તો એની પાસે શું છે? આ કાગળની પસ્તી ઉપર જીવનનો થાક ઉતારી રહ્યા છે એની પાસે શું છે? પેટની ભાગ દોડમાં આ લોકો જે જીવન ગુજારી રહ્યા છે એ તારાથી ઉચ્ચ કક્ષાનું છે?"
" ના સર..."
" અસફળ એ થાય છે જે પ્રયત્ન કરે છે. જે કઈ કરતા જ નથી એને નિષફળ થવાનો કોઈ ભય હોતો જ નથી. કેવિન આ બધી કાળની રમત છે. ભઠ્ઠીમાં તપીને જ સોનુ શુદ્ધ બને છે. નિષફળતા વગર સફળતાનો આનંદ ના માની શકાય. એ જ વ્યક્તિ યસ સાથે કીર્તિ પામે છે જે નિષફળ થયો હોય. એક વાત કહું દોસ્ત, હિંમતથી હારવું પણ ક્યારેય હિંમત ન હારવી. હવે આગળ તારી મરજી."

અને કેવિનના સર જતા રહ્યા. એ પછી કેવિનના મનમાં વિચારોનું મંથન જામ્યું. એણે પોતાના આંસુ લૂછયા અને એક નવી શરૂઆત કરવા માટે આગળ વધ્યો. કાળની કપરી થપાટને એણે હાસ્યમાં ઓગળી દીધી. પડ્યો, ઉભો થયો, થાક્યો, ભૂખ પણ લાગી. પરંતુ હાર્યો નહિ. સમયના તકાદા ને યાદ કરતો અને ફરી પાછો આગળ વધતો. ચાલતા ચાલતા આ પાન સો કરોડની સફર ક્યારે કાપી લીધી ખબર જ ના પડી.

* * *