Aparichit Saathi - 2 books and stories free download online pdf in Gujarati

અપરિચિત સાથી... - ભાગ 2

(આપણે આગળના ભાગમાં જોયું કે રોજીંદી જીંદગી જીવતો કિશન રોજની જેમ સાંજે જોબ પરથી ઘરે જઈ રહ્યો હતો...)

રીક્ષામાંથી ઉતરીને ફરી પાછું મારે બે કિલોમીટર જેટલું અંદર ચાલીને જવાનું હતું...પણ મને આમ કયારેય આટલું ચાલવામાં આળસ ના આવતી. હું તો બસ ક્યાંક વિચારોમાં તો પછી ક્યાંક શાયરીઓ માટે શબ્દોની ગોઠવણ કરવામાં લાગી જતો ને..ક્યારે ઘર આવી જતું ખબર પણ ના પડતી..! બસ આ વિચાર માત્રમાં એટલી તાકાત છે કે હજારો કિલોમીટર નો પ્રવાસ સેકન્ડોમાં કરાવી આપણને પાછા હતા ત્યાં જ લાવી આપે. મારી જેમ જ આમ ચાલીને જતા ઘણા લોકો સોંગ સાંભળતા સાંભળતા જતા પણ મને એ આજુબાજુની એ પ્રકૃતિનો, બાજુમાંથી ચાલ્યા જતા વાહનો અને શેરીમાં સાઇકલ ચલાવતા અને રમતા બાળકોને જોવાનું ને સાંભળવાનું વધુ પસંદ આવતું. આટલા બધા અવાજોને અવગણીને કાનમાં હેન્ડસ ફ્રી નાખી કોઈ એક વ્યક્તિનો અવાજ સાંભળવાનું મને જાણે એક શૂળધાર કાંટાની જેમ ખૂંચતુ હતું અને કદાચ એનું જ પરિણામ હતું કે મને આજુબાજુની દરેક ઘટના બારીકાઈથી નિહાળવાનો મોકો મળતો.

ચાલતા ચાલતા હું ઘરે પહોંચ્યો...અને હજી તો કંપનીના એ સેફટી શૂઝ ઉતારું ત્યાં જ મારી બહેન બોલી ઉઠી..."મમ્મી, ભાઈ આવી ગયો.."

રસોડામાં રસોઈ કરતી મારી મમ્મી રસોડાના ઉંબરે આવીને હજી હું અંદર આવ્યો ત્યાં જ એક હળવી મુસ્કાન સાથે મને જોઈ રહી હતી. અને એની તરફ મેં એક નજર નાખી કે તરત જ એની લાગણીસભર આંખોમાં મારા સવાર પછી પાછા આવવાની રાહ હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો. એની એ મીઠી મુસ્કાને તો જાણે મને સવારમાં હોય એટલી તાજગીથી તરબતોળ કરી દીધો હોય એવું લાગ્યું. એની સામે મેં પણ એક હળવી સ્માઈલ આપી હું અંદર પ્રવેશ્યો. જોબ શરૂ થયાને મારે હજી માંડ ગણીને પંદર દિવસ જેવું થયું હતું.

ઘરમાં બધા જ લોકો બહુ ખુશ હતા..મને જોબ મળી હતી એટલે તો ઠીક પણ મને જોબ પાછી સુરતમાં જ મળી હતી એટલે. મારુ સપનું પૂરું થયું હતું એમ કહેતા કદાચ હું જરૂર અચકાઈશ કેમ કે જીંદગીભર માઁ બાપ સાથે રહેવાનું મારુ સપનું તો પૂરું થયું જ હતું સાથે સાથે જીંદગીભર છોકરો આપણી સાથે રહે એવું એમનું સપનું પણ પૂરું થયું હતું. ચાર વર્ષ મેં અમદાવાદમાં કોલેજ કરીને ત્યાં હોસ્ટેલમાં રહીને મારુ એન્જીનીયરીંગ પૂરું કર્યું હતું.

જાણે અજાણે હજી કોલેજ લાઈફની બધી યાદો મારી આજુબાજુ શિવ ભગવાનના ગળા ફરતે જેમ સર્પ વીંટળાયેલો હોય એમ જ વીંટલાયેલી હતી. દિવસો આબેહૂબ ટાંકી શકું એટલા યાદ હતા. એ હોસ્ટેલની યાદો, કોલેજના લેકચર, એક્ઝામ સમયના ઉજાગરા, અને ચાર વર્ષ સાથે રહેલા અને એક તાંતણે બંધાયેલા દોસ્તોની યાદો ક્યાંક હજી મને કોરી ખાતી હતી. અત્યારે બધા જ પોતપોતાની જોબ માટે જેમ લાદી પર મુઠ્ઠી લખોટીઓ મુકતા ચારે બાજુ ફેલાય જાય એમ ફેલાયેલા હતાં. બસ હવે તો કોઈ તહેવાર આવે કે પછી ફરી રિયુનિયન થાય તો મળી શકીએ એવી આશા હતી.

સાંજે જમીને હું જરા આડો પડ્યો ને ત્યાં જ મને તરત એ મહિના પહેલાની જ હોસ્ટેલની એ સાંજ યાદ આવી ગઈ. કેવા બધા જ મિત્રો સાંજે એક પછી એક રૂમમાંથી બધાને ભેગા કરીને એક સાથે જમવા જતા અને એ મસ્તી અને ગપાટા મારતા મારતા ઘરની સાપેક્ષમાં અવગણી શકાય એવું હોસ્ટેલનું ખાણું પણ રાજી ખુશીથી ખાઈ લેતા.

અને આજે હું મારી મમ્મીના શબ્દો " કિશન, રોટલી જોઈએ છે..? " ની સરખામણી હું એ જ મહિના પહેલાના હોસ્ટેલમાં જમતી વખતના એ કોઈ મિત્રના શબ્દો.." કિશન, તારે કંઈ લાવવું છે..?" ની સાથે કરી રહ્યો હતો. ખબર નહીં પણ આ લાગણીથી તરબતોળ શબ્દો સાંભળીને ઘણીવાર મારી સંતોષાઈ ગયેલી ભુખમાં પણ વધારે એક રોટલીની ભૂખ ઉમેરાઈ જતી.

હોસ્ટેલમાં જમીને પછી એક્ઝામ હોઈ કે કોઈ પણ કામ હોય બધાને અડધી કલાક અમારી નક્કી કરેલી પાળી પર તો બેસવાનું જ. અને ઉનાળામાં શેરડીનો રસ દૂર સુધી ચાલીને પીવા જવાનું પણ અમે ચુકતા નહીં. હોસ્ટેલમાં જ્યારે પણ મને ઘરની યાદ આવતી ત્યારે મારી લાગણી અને આંસુ બંન્નેને વહેવા માટે હું એક પેઇજ પર જગ્યા આપી દેતો. આજે મને અચાનક એ રાત યાદ આવી રહી હતી કે જ્યારે રૂમમાં બધા સુઈ ગયા હતા. એક એવી રાત હતી કે જેના આવવાના કોઈ એંધાણ નહોતા પણ હરતી ફરતી જીંદગીને હચમચાવી મૂકે એવી રાત હતી એ... કદાચ રાતના એક વાગ્યા જેટલો સમય થયો હશે ને કોલેજનું પ્રોજેકટનું થોડું કામ પતાવી હું ટેબલ લાઈટ બંધ કરીને બેડ પર સૂતો. રૂમમાં બધી જ બાજુ અંધારું હતું બસ જમણી બાજુ બારી પાસે બહારની બાજુ મુકેલી લાઈટનો આછો પાતળો ઉજાસ આખા રૂમમાં ફેલાયેલો હતો અને એ ઉજાસમાં આખા રૂમની દીવાલ પર બારી પાસે લગાવેલી જાળીના સળિયાનો પડછાયો હું એકીટશે જોઈ રહ્યો હતો. આજુબાજુની રૂમમાં બધા સુઈ ગયેલા એટલે નીરવ શાંતિ હતી, પંખા સામું જોયું તો એના પાખિયાનો અવાજ, મારા કાન પાસે રહેલા ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળના કાંટાનો અવાજ, છાતી પર મૂકેલા જમણા હાથ દ્વારા હૃદયના ધડકવાનો અવાજ...આ બધા જ અવાજો એક પછી એક મને આજે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા.

ખબર નહી કેમ..પણ આજે મન ઘણું વિચલિત હતું અને આ બધા જ અવાજોએ મને એક સાથે અને આવી રીતે ક્યારેય નહોતો અકળાવ્યો. બાજુમાં ફોન હતો કે જેને હાથમાં લઈને હું આ બધું અવગણીને એક સોશિયલ મીડિયાની દુનિયામાં ડોકિયું કરી ને મારી હાલની પોતાની જ દુનિયાને અવગણી શકું.. પણ ફોન હાથમાં લેવાની જરા પણ ઈચ્છા મને નહોતી કેમ કે આજે મારી સાથે શુ થઈ રહ્યું છે એ જાણવું હતું મારે એને સમજવું હતું...

જ્યારે ફરી મારી નજર એ દીવાલ પરના અજવાળામાં દેખાતા સળીયા પર ગઈ કે...જાણે મને કોઈ જેલમાં પુરી દેવામાં આવ્યો હોય અને ક્યાંક કોઈ અદ્રશ્ય જવાબદારીરૂપી દોરડાથી હું બંધાયેલો હોઉં એવું લાગતું હતું...મારા એ બાળપણ અને ત્યારની ખુશીઓની સામે આજે મેં ઘણા ડગલાં આગળ માંડી દીધા હોય અને હવે મોટો થઈ ગયો હોઉં એમ લાગતું હતું. જવાબદારીઓ કોઈના કહેતા કે સમજાવ્યા પહેલા ઘર કરી ગઈ હોય એમ લાગતું હતું.


એકદમ આ શું બની રહ્યું હતું કિશન સાથે..?
શુ હશે કિશનની આગળની કહાની..?

જાણવા માટે બન્યા રહો. જલ્દીથી જ ભાગ-3 સાથે મળીશું. આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સહ જય શ્રી કૃષ્ણ...