Strange story Priyani .... 20 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની....20

પોતાની બુક્સ, પોતે હાથે બનાવેલું વૉલ હેગિંગ, જાતે ભરેલાં ટેબલ ક્લોથ, પેઈન્ટ કરેલી ચાદર વગેરે તરફ પ્રિયા નજર ફેરવતી ગઈ. જુની મધુર યાદોનાં ઝરૂખામાં પ્રિયા સમાતી જઈ રહી હતી. ને અચાનક જ માયાભાભીની બૂમ કાને અથડાઈ એટલે ભૂતકાળમાં સરી ગયેલી પ્રિયાનું ધ્યાન તૂટ્યું.

"હા......ભાભી......"

"ચાલો.....જમવા....તમારાં ભાઈ આવી ગયાં છે....."

"આવી......ભાભી......."

ત્રણેય સાથે જમવા માટે બેઠા. પહેલાંની જેમ જ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ગયાં. જમતાં-જમતાં પ્રિયાનાં મનમાં વિચાર આવ્યો....'અહીં કેવું પોતાપણું લાગી રહ્યું છે, ખબર નહિ કેમ ત્યાં આવી રીતનું પોતાપણું નથી લાગી રહ્યું..અહીંયા દરેકે દરેક કોળિયામાં આનંદની અનુભૂતિ મળી રહી છે ને ત્યાં કોળિયો ખાતી વખતે અજીબ પ્રકારની મનમાં અશાંતિ અનુભવાતી હોય છે. ' પણ પછી તરત જ લલિતે કહેલી વાત યાદ આવતાં જ બેય ઘરો વચ્ચે અંતરો શોધવાનું મૂકી દે છે ને જમવા માંડે છે. જમીને એ કિચનમાં ગઈ. વાસણ ઘસવાનાં, પ્લેટફોર્મ સાફ કરવાનું, વાસણ ઠેકાણે કરવાનાં વગેરે અનેક કામો કરવાનાં દેખાયાં. માયાભાભી તો જમીને પાછાં પોતાનાં બેડ પર જતાં રહ્યાં. કમલેશ આવ્યો કિચનમાં ને બોલ્યો,

"લાવ હું તને મદદ કરાવું....."

"ના....ના....હમણાં કરી નાંખીશ ..."

"ઠીક છે તો હું માયા પાસે જાઉં છું. એને દવા આપવાની છે એટલે. કામ પતાવીને તું પણ ત્યાં આવી જજે..."

"હા......, મોટાભાઈ... "

પ્રિયાને બધું કામ કરવું થોડું અઘરૂં લાગી રહ્યું હતું કારણ કે કામ કરવાની એની આદત છૂટી ગઈ હતી. છતાં ધીરે - ધીરે એણે કામ પતાવ્યું. કામ પતાવી ભાઈ - ભાભી પાસે ગઈ. ત્રણેય વાતો કરવાં લાગી ગયાં. માયાભાભી તો થોડીવારમાં સૂઈ ગયાં પણ કમલેશ અને પ્રિયા મોડી રાત સુધી વાતો કરતાં બેઠાં હતાં. વાતો તો ખૂટે એમ હતી નહિ પણ આંખોં જબરજસ્ત ઊંઘથી ઘેરાવાં માંડી હતી એટલે બંનેવે વાતો અટકાવી સૂઈ જવું પડ્યું.

પ્રિયા ને સવારે તો રસોઈ, કપડાં, વાસણ, ઝાડૂ - પોતાં વગેરે બધું કામ કરવું આકરું લાગી રહ્યું હતું. આની સરખામણીમાં તો સાસરે એને કંઈ જ કામ નહોતું કરવું પડતું. પણ એક કામ એની માટે ત્યાં ખૂબ જ અઘરું લાગતું હતું ને એ કામ હતું સુશીલનાં મૂડને સાચવવાનું.

જો કે માયાભાભી પોતાનાંથી બને એટલાં કામ તો કરી લેતાં હતાં.

"તમારાં ભાઈએ તો મને કીધું છે કે વૉશિંગ મશીન લ‌ઈ લ‌ઈએ પણ... મેં વળી ના પાડી કે મશીનમાં કપડાં બરાબર ધોવાતાં નથી...." બપોરે જમતાં- જમતાં માયાભાભી બોલ્યાં.

"હમ્મ...." બસ એટલું જ કહી પ્રિયાએ એમની વાતમાં હામી ભરી.

સાંજે એક બેન માયાભાભીને મળવાં માટે આવ્યાં.

"બેન...., તમારી બાજુમાં રહેતાં દીના બહેને મને મોકલાવી છે. તમારે ઘરનું કોમ કરવા માટે કોઈ બાઈ રાખવાની સે....."

"હા.....,હા....., મેં તેમને વાત કરી રાખી હતી. ઝાડૂ - પોતાં અને બે ટાઈમનાં વાસણ કરવાનું કામ છે."

"ને.... કપડાં.... ધોવાનું....?"

"હમણાં તો આ બે કામ બંધાવવુ‌ં છે. કપડાં ધોવાના કામ માટે પછી જોશું. આ બે કામ કરવાં માટે કેટલો પગાર લેશો...?"

"બેન ઘરમાં માણસો કેટલાં...‌?"

"ત્રણ......"

"સમજી ને આલી દેજો. જે આલવું હોય.એ...."

"તમે તમારો ભાવ બોલો.....?"

"દીના બેન તો મને મહિને પાંચસો આલે સે..."

"એમને ત્યાં માણસો પણ એવાં વધારે છે ને... હું તમને મહિને ચારસો આપીશ."

"આમ તો હું પાંચસોથી ઓછામાં કોમ નહિ કરતી પણ... તમારી સુવાવડને ધ્યાનમાં રાખીને તમારું કોમ ચારહોમાં કરવાં માટે હા પાડું સું, પણ તમે આ વાત કોઈને કરશો નહીં."

"સારું....તો...કાલથી આવી જજો...."

"એ....હા....., ભલે....."

"તમારું...નામ... શું...છે..?"

"કાશી....."

માયાભાભીએ સસ્મિત એને વિદાય આપી. ને રાહતનો દમ લીધો. પછી પ્રિયા સામે જોઈને બોલ્યાં,

"હાશ....કામ કરવાં માટે બેન મળી ગયાં ખરાં..., બે દિવસથી આજુ-બાજુમાં બધાંને કહીને રાખ્યું હતું. તો આજે છેક એક બેન મળવાં આવ્યાં."

કામ માટે બેન રાખી લીધાં એટલે પ્રિયાને પણ મનમાં હાશકારો થયો. મનોમન એ ખુશ થઈ ગ‌ઈ. છતાં એ બોલી,

"આમ તો મને કામ કરવાં માટે કોઈ વાંધો નહોતો.....પણ.... સારું થયું બેન રાખી લીધાં...."

"તમારે એકલે હાથે કેટલું પહોંચવું.....ને....?!"

"એ પણ બરાબર છે...." કહી પ્રિયા અંદર કિચનમાં રસોઈની તૈયારી કરવા માટે જતી રહી.

(ક્રમશઃ)