bhayank safar (afrikana jangaloni) - 13 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 13

મસાઇઓના જંગલમાં દાઢીવાળો પુરુષ માર્ટિન
*************************



સવારનો કૂણો તડકો ધરતી પણ પથરાઈ રહ્યો હતો. ઘાસમાં છુપાયેલા ચળકતા ઝાકળબિંદુઓ ધીમે ધીમે શોષાઈ રહ્યા હતા. રાતની ઝાકળથી ભીના બનેલા વૃક્ષોના પાંદડાઓ સૂર્યપ્રકાશમાં નવી તાજગી ધારણ કરી રહ્યા હતા. ચારેય બાજુનું વાતાવરણ એક નવી જ રોનક સાથે વિકસિ રહ્યું હોય એવું લાગતું હતું.

ગર્ગને કાટ ખાયેલી પિસ્તોલ મળ્યા બાદ વિલિયમ હાર્ડીની શોધ માટેનું એક નવું જ આશાનું કિરણ બધાને મળ્યું હતું. ત્યારબાદ મળેલા ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીના ઓળખપત્રથી બધાને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે વિલિયમ હાર્ડી એમના સાથીદારો સાથે આ રસ્તેથી જ પસાર થયા હતા.

મેરી, રોબર્ટ, જ્હોન અને ગર્ગ એમને મળેલા સગડના આધારે આગળ વધી રહ્યા હતા. રસ્તો થોડોક ભયકંર હતો કારણ કે ચારેય બાજુ ગાઢ વનરાજી છવાયેલી હતી. સાફ બનેલો રસ્તો એ પ્રતિત કરાવી રહ્યો હતો કે મહિના પહેલા કોઈક માણસો આ રસ્તેથી પસાર થયા હતા.

"રોબર્ટ કદાચ આગળની કોઈ માનવ વસાહતોમાંથી વિલિયમ હાર્ડીનો પત્તો મળી શકશે.! જ્હોન ચુપકીદી ભંગ કરતા બોલ્યો.

"હા કદાચ મળી પણ જાય.' મેરી સાથે હાથ પકડીને ચાલી રહેલા રોબર્ટે પાછળ જોયા વગર જ પ્રત્યુત્તર આપ્યો.

"પણ રોબર્ટ કદાચ વિલિયમ હાર્ડી અને એમના સાથીદારો જો આ જંગલીઓના હાથમાં પકડાઈ ગયા હશે તો શું એ અત્યાર સુધી જીવતા રહ્યા હશે કે નહીં ? ગર્ગ પોતાના ખભા ઉપરથી રાઇફલ હાથમાં લેતા બોલ્યો.

"ગર્ગ મને એટલો તો વિશ્વાસ છે વિલિયમ હાર્ડીની હિંમત અને કોઠાસૂઝ ઉપર કે તેઓ ભલે જંગલીઓના હાથમાં પકડાઈ જાય પણ એ જીવતા જ હશે.' રોબર્ટ થંભી જતાં બોલ્યો.

"હા રોબર્ટ ચિંતા ના કરો. વિલિયમ હાર્ડી જ્યાં હશે ત્યાં સલામત જ હશે એમના સાથીદારો સાથે.' મેરીએ ઉષ્મપૂર્વક રોબર્ટનો હાથ દબાવતા કહ્યું.

"હા તેઓ સુરક્ષિત જ હશે.' મેરીની આંખમાં આંખ પરોવીને રોબર્ટ સ્મિત વદને બોલ્યો.

સૂર્ય હવે માથા ઉપર આવી ગયો હતો. બધા સવારથી ચાલી રહ્યા હતા એટલે થાક પણ લાગ્યો હતો. ભૂખ અને તરસ પણ વર્તાઈ રહી હતી શરીરમાં વૃક્ષનો ઘટાદાર છાયામાં આ ચારેય જણાનો કાફલો રોકાયો.

"મેરી તને આગળ કેવી માનવવસાહતો આવશે એના વિશે જરાય માહિતી છે ? જ્હોને નીચે જમીન ઉપર પોતાનો થેલો મૂકતા મેરીને પૂછ્યું.

"હા મસાઈ લોકોની વસાહતો આવશે. બસ તેઓ માનવભક્ષી છે એટલો જ ખબર છે બીજી કોઈ માહિતી નથી મને એમના વિશે.! મેરીએ જ્હોન સામે જોઈને જવાબ આપ્યો.

"માનવભક્ષી જંગલીઓ હશે તો સાચવીને એક એક પગલું ભરવુ પડશે.' રોબર્ટ ગંભીર થતાં બોલ્યો.

"હા અને જો એકવાર એમના હાથમાં પડી ગયા તો પછી બચવાની આશા જ છોડી દેવા સામાન છે.' મેરી બધાના ચહેરા સામે જોતાં બોલી.

બધા થોડાંક ગંભીર બન્યા. થોડીવાર સન્નાટો છવાઈ ગયો કોઈ કંઈ બોલ્યું નહીં કારણ કે હવે તેઓ જે પ્રદેશમાં જવાના હતા એ જોખમોથી ભરેલો હતો. થોડીક ગફલતમાં રહ્યા તો જાન જવાની પુરી સંભાવના હતી.

"અરે યાર આગળ જઈશું ત્યારે બધું જોયું જશે હમણાં ભૂખ લાગી છે. કંઈક ખાવાની વ્યવસ્થા કરો જલ્દી.' ગર્ગ અકળાઈને બોલી ઉઠ્યો.

"હા તમે અહીંયા જ બેસો હું આજુબાજુથી કંઈક શોધી લાવું. ગર્ગ આ થેલામાં ચામડાની થેલી છે એમાં પાણી છે થોડુંક થોડુંક પી લો. ખબર નહીં પછી ક્યારે પાણી મળશે.' જ્હોન પોતાનો થેલો ગર્ગ તરફ સરકાવતા બોલ્યો.

ગર્ગ જ્હોનનો થેલો ફંફોસવા લાગ્યો અને જ્હોન ખોરાકની શોધમાં ઉપડ્યો. રોબર્ટ ઝાડના થડને ટેકો લઈને નીચે બેસી ગયો. મેરી રોબર્ટના શરીરને અઢેલીને બેઠી. ગર્ગે જ્હોનના થેલામાંથી પાણી ભરેલી ચામડાની થેલી કાઢી અને એમાંથી થોડુંક પાણી પીને એ થેલી મેરીને આપી. મેરીએ એમાંથી બે ચાર ઘૂંટડા ભર્યા અને પછી રોબર્ટને એ થેલી આપી. રોબર્ટ એમાંથી પાણી પીવા લાગ્યો.

"એય રોબર્ટ યાર હવે બસ કર. થોડુંક પાણી જ્હોન માટે પણ રહેવા દે.' રોબર્ટને અટકાવતા ગર્ગ બોલ્યો.

"હા લે આ બે ચાર ઘૂંટડા બચ્યું છે સાચવીને મૂકી દે.' રોબર્ટ ઓડકાર ખાતા બોલ્યો.

સારું થયું ગર્ગે વખતસર રોબર્ટને અટકાવી દીધો નહિતર રોબર્ટ બધું પાણી પી ગયો હોત. બિચારો જ્યોન તો તરસ્યો જ રહી જાત.

થોડીકવારમાં જ્હોન થોડાંક ફળો લઈને પાછો ફર્યો. બધાએ સાથે બેસીને ફળો આરોગ્યા. અને પછી થોડોક આરામ કર્યો. આરામ કર્યા બાદ આ ચારેય જણાનો કાફલો મસાઈઓના પ્રદેશમાં આગળ વધ્યો.

"જ્હોન તું અને ગર્ગ તમે બન્ને હથિયાર સાથે સાબદા રહેજો ગમે તે સમયે આફત ત્રાટકી શકે એમ છે.' રોબર્ટે જ્હોન અને ગર્ગને હથિયાર સાથે સાબદા રહેવા કહ્યું.

"હા રોબર્ટ મને આગળ ચાલવા દે તું અને મેરી વચ્ચે ચાલો ગર્ગ સૌની પાછળ ચાલશે.' જ્હોન રોબર્ટ અને મેરીની આગળ થતાં બોલ્યો.

સૂર્ય પશ્ચિમમાં નમી ચુક્યો હતો. હવે જે વિસ્તાર ચાલુ થયો હતો એમાં ઝાડ કાપેલા જોવા મળી રહ્યા હતા. ક્યાંય વધારે લાકડાઓ ભેગા કરીને સળગાવ્યા હોય એની રાખ પણ નજરે પડી રહી હતી. એ રાખતી થોડેક દૂર અર્ધસળગેલા પ્રાણીઓના માંસ વગરના હાડપિંજરો નજરે ચડી રહ્યા હતા.

"રોબર્ટ ત્યાં જો આ લોકો પ્રાણીઓને પણ આવી રીતે શેકીને ખાય છે તો માણસને કેવીરીતે ખાતા હશે.! જ્હોન થોડેક દૂર અર્ધ સળગેલી અવસ્થામાં પડેલા એક પ્રાણીના શરીર તરફ પોતાની આંગળી ચીંધતા બોલ્યો.

"બહુજ જ ભંયકર લોકો સાથે આપણો પનારો પડવાનો છે.' મેરી બોલી.

મેરીના અવાજમાં થોડોક ડર ભળ્યો. રોબર્ટ અને ગર્ગ સામે જ પડેલા અડધા સળગેલા પ્રાણીના હાડપિંજરને તાકી રહ્યા.

"હિંમત રાખો. કોઈએ ડરવાની જરૂર નથી.જો હિંમતથી સામનો કરીશું તો આપણે ગમે તેવી આફતો સામે લડી શકીશું.' રોબર્ટ બધાને હિંમત અપતા બોલ્યો.

રોબર્ટ બધાને હિંમત આપી રહ્યો હતો છતાં એના મનમાં પણ ઊંડે સુધી ભય પ્રસરી ચુક્યો હતો. મેરી રોબર્ટ તરફ જોઈને હિંમત મેળવતી હતી. જ્હોનને કોઈ જ વાતનો ડર નહોંતો એ ગમે તેવી મુશ્કેલીઓ સામે લડી લેવા માટે સક્ષમ હતો. ગર્ગની પણ હવે રાઇફલ ઉપરથી પક્કડ મજબૂત બની હતી.

બધા આવી રીતે આગળ વધી રહ્યા હતા ત્યાં મેરીએ બધાને અચાનક અટકાવ્યા.

"શું થયું મેરી ? રોબર્ટ મેરી સામે જોઈને ધીમેથી બોલ્યો.

"સામે જો પેલા વૃક્ષની પાછળ કોઈક લાંબી દાઢી વાળો પુરુષ ઉભો છે. મેં હમણાં જ એને ઝાડની પાછળ સરકી જતાં જોયો છે.' મેરી થોડાંક કંપન સાથે બોલી.

"હા ત્યાં કોઈક છે તો ખરા.! તમે બધા અહીંયા જ ઉભા રહો હું તપાસ કરી આવુ કોણ છે એ ? જ્હોન બધા સામે જોતાં બોલ્યો.

"પણ જ્હોન થોડુંક સંભાળીને અહીંયા ડગલે અને પગલે આફતો છે.' રોબર્ટ જ્હોન સામે જોઈને બોલ્યો.

"અરે દોસ્ત તું ચિંતા ના કર જે હશે એને હું જોઈ લઈશ.' જ્હોન આત્મવિશ્વાસભર્યા અવાજે બોલ્યો અને દબાતા પગલે એ ઝાડ તરફ આગળ વધ્યો.

બધા થંભી ગયેલા શ્વાસે જ્હોનને જતો જોઈ રહ્યા.જ્હોન ઝડપથી ઝાડ પાછળ ગયો અને એની પાછળ સંતાઈને ઉભેલા માણસને પાછળથી પકડી પાડ્યો.

જયારે એ માણસ ગભરાઈને જ્હોન તરફ ફર્યો ત્યારે જ્હોનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

"અરે માર્ટિન તું અહીંયા.!! ' એ દાઢીવાળા પુરુષને જોતાં જ જ્હોનના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા.

(ક્રમશ)