sundari chapter 89 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૮૯

નેવ્યાશી

વરુણને સુખદ આંચકો આપનારા આ પાંચ મેસેજીઝમાંથી ચાર સુંદરીની સેલ્ફી હતી જે તેણે અત્યારે જ ક્લિક કરી હોય એવું લાગી રહ્યું હતું અને એક મેસેજ હતો જેમાં તેણે લખ્યું હતું, “I am suare you will soon qanquer the world, with you always. Good night and sleep well.”

સુંદરીએ આ ચારેય ક્લિક્સ અત્યારે જ કરી હોવાનું વરુણ ચોક્કસપણે માની રહ્યો હતો કારણકે તે આ ફોટોગ્રાફ્સમાં આછાં ગુલાબી નાઈટડ્રેસમાં હતી, તે આમ પણ બહુ ઓછો મેકઅપ કરતી હતી પરંતુ આ ફોટોઝમાં તેનો ચહેરો જોઇને લાગતું હતું કે તેણે હાલમાં જ કદાચ પોતાનો સુંદર ચહેરો ધોયો હશે અને એટલે જ એના કપાળ પર પાણીના કેટલાક ટીપાં દેખાઈ રહ્યા હતા.. આ ઉપરાંત તેણે પોતાના લાંબા વાળ બસ આમ જ બાંધી દીધા હોય એવું દેખાઈ રહ્યું હતું.

આ બધું નિરીક્ષણ કર્યા બાદ વરુણને થયું કે આ ચારેય સેલ્ફી સુંદરીએ અત્યારે ખાસ તેના માટે જ પાડી હોય કે ન હોય, પણ તેને તો કદાચ લોટરી જ લાગી ગઈ છે! વરુણ મિનિટો સુધી સતત પોતાના અંગુઠાથી સુંદરીના ફોટાઓને આમતેમ ફેરવતો ફેરવતો જોતો રહ્યો. તો ક્યારેક તે પોતાની આંગળી અને અંગુઠાથી ઝૂમ કરીને સુંદરીની આંખો, તેના ગાલ, તેની ભ્રમરો, તેનું મોટું કપાળ, તેનું લાંબુ અને ઘાટીલું ગળું, તેનું નાક અને સુંદરીના ચહેરાનો USP એટલે કે તેના નકશીદાર હોઠ ધારીધારીને જોતો રહ્યો.

વરુણના હ્રદયમાં સુંદરીના આમ અચાનક જ તેને પોતાની સેલ્ફી મોકલવાથી અને તેનું નીતરતું રૂપ જોઇને સુંદરી પ્રત્યેના પ્રેમનો ઉમળકો જાણેકે સમુદ્રમાં ભરતી આવી હોય એમ ઉછાળા મારવા લાગ્યો. તે હજી પણ ફક્ત ટુવાલભેર જ હતો. છેવટે અસંખ્ય મિનિટો આ જ રીતે પસાર કર્યા બાદ સુંદરીના એક ફોટાને વરુણે ઝૂમ કર્યો સુંદરીના વળાંકદાર હોઠોને તે ટગરટગર જોતો રહ્યો અને પછી અચાનક શું થયું કે તેણે પોતાના મોબાઈલના સ્ક્રિન પર દેખાઈ રહેલા સુંદરીના હોઠના ફોટા પર પોતાના હોઠ મૂકી દીધા અને એ જ અવસ્થામાં બેડ પર તેણે પડતું મુક્યું અને બેડ પર ઉંધો સુઈ ગયો અને બસ થોડી જ વારમાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

==::==

“મારે તો નહોતું આવવું પણ મોનાલીને માથું દુઃખતું હતું એટલે એ મને ફોર્સ કરીને અહી લઇ આવી કે મને તારી ફેવરીટ દુકાને જ ચા પીવા લઇ જા, એટલે મારા પર ગુસ્સો ન કરતાં પ્લીઝ.” ઈશાનીએ કાયમની જેમ પોતાના ભોળપણમાં શ્યામલને કહ્યું.

શ્યામલ પણ ઈશાનીના આ ભોળપણને પારખી ગયો અને આપોઆપ હસી પડ્યો.

“એટલે તમે મને માફ કરી દીધીને? તમે મારાથી ગુસ્સે નથીને?” શ્યામલને હસતો જોઇને ઈશાનીનું ટેન્શન સાવ જતું રહ્યું હોય એવું લાગ્યું.

“તમે બેસો હું તમારા બંને માટે ફર્સ્ટક્લાસ ચ્હા બનાવી આપું.” શ્યામલે ઈશાનીના સવાલોનો જવાબ ન આપતાં તેને ઈશારો કરતાં કહ્યું.

“તમે મને કહ્યું નહીં કે તમે મને માફ કરી દીધી કે નહીં!” ઈશાનીએ શ્યામલને ફરીથી સવાલ કર્યો.

“તમે બેસો પ્લીઝ!” શ્યામલ પોતાના વલણમાંથી ફર્યો નહીં.

છેવટે ઈશાની નિરાશ થઈને અને મોઢું બગાડીને મોનાલીની બાજુમાં બેસી ગઈ. પછી કાયમની જેમ એ શ્યામલને સતત ચ્હા બનાવતો જોઈ રહી અને મંદમંદ સ્મિત કરતી રહી. થોડીવાર બાદ શ્યામલ એક ડીશમાં ચ્હાના ત્રણ કપ અને એક મસ્કાબન લઈને આવ્યો.

ઈશાની ફરીથી ખુશ થઇ ગઈ કારણકે શ્યામલે તેના માટે ખાસ બે ચ્હા અને એને મનપસંદ મસ્કાબન બનાવ્યા હતા. પરંતુ ગયા વખતના અનુભવ બાદ હવે તે શ્યામલને કશું જણાવવા માંગતી ન હતી કારણકે તેને ખ્યાલ હતો કે શ્યામલને એ બધી વાતો ગમતી નથી અને તે ગુસ્સે થઇ જાય છે. મોનાલીને માથું દુઃખતું હોવાથી તેણે મૂંગામૂંગા ચ્હા જ પીધી અને ઈશાની પાસે પણ એમ જ કર્યા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.

“તારે ફોર્થ લેક્ચર છે?” ચ્હાનો ખાલી કપ ડસ્ટબીનમાં ફેંક્યા પછી મોનાલીને ઇશાનીને પૂછ્યું.

“ના, મારે હવે કોઈજ લેક્ચર નથી આજે.” ઈશાનીએ પણ બધી નકામી વસ્તુઓ ડસ્ટબીનમાં નાખતાં કહ્યું.

“તો હું ભાગું મને ખબર જ ન પડી કે લેક્ચરનો ટાઈમ થઇ ગયો આટલો જલ્દી. એન્ડ થેન્ક્સ ફોર ધ ગ્રેટ ટી ઓકે?” આટલું કહીને મોનાલીએ ઈશાની સાથે હાથ મેળવ્યા અને ફૂડકોર્ટના દરવાજા તરફ ચાલવા લાગી.

મોનાલીએ ઇશાનીને કશું કહેવાની તક ન ન આપી એટલે ઈશાની તેનાથી થોડી ગુસ્સે થઇ અને એ ગુસ્સામાં જ તે પૈસા ચુકવવા માટે શ્યામલ તરફ આગળ ધસી ગઈ,

“કેટલા થયા? જલ્દી કહેજો એટલે હું જતી રહું અહીંથી એટલે તમને શાંતિ થાય.” ઈશાની શ્યામલ સામે જોયા વગર ગુસ્સામાં જ બોલી.

શ્યામલ ફરીથી ઈશાનીનો આ ગુસ્સો જોઇને હસ્યો.

“એક કામ કરો થોડીવાર બેસો.” શ્યામલે છેવટે ઇશાનીને કશું કહ્યું અને એ પણ હસતાં હસતાં.

“કેમ? મને હજી પણ ધમકાવવાની બાકી છે?” ઈશાનીએ મોઢું બગાડ્યું.

“ના, પણ શાંતિથી થોડી વાત કરવી છે. અત્યારે કસ્ટમર ઓછા છે તો મારે જે કહેવું છે એ હું તમને શાંતિથી કહી શકીશ... એટલે.” શ્યામલે શાંતિથી જવાબ આપ્યો.

“ઓકે.” ઈશાનીએ ફરીથી મોઢું તો બગાડ્યું પણ પછી તે ફરીથી પોતાની જગ્યાએ બેસી ગઈ.

શ્યામલે સ્ટવ બંધ કર્યો અને ઈશાની પાસે આવ્યો અને નજીકમાં પડેલો મુંઢો ખેંચીને તેના પર બેસી ગયો.

“પહેલાં તો તે દિવસે ગુસ્સો કરવા માટે સોરી! ભૂલ મારી હતી, મારે ગુસ્સો નહોતું થવા જેવું.” શ્યામલે સ્મિત સાથે કહ્યું.

“ઇટ્સ ઓકે! પણ તમારા ગુસ્સાને કારણે મને કેટલું ખરાબ લાગ્યું? મારો આખો દિવસ બગડ્યો, ના બે-ત્રણ દિવસ બગડ્યા, એની તમને ખબર છે?” ઈશાનીએ ફરિયાદ કરતાં કહ્યું.

“ના, ત્યારે નહોતી ખબર પડી પણ બીજા દિવસે જ મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. પણ શું કરું? દુકાન છોડીને તમારી કોલેજે તો આવી ન શકું? અને તમે પાછા અહીંયા આવશો એની તો આશા મેં લગભગ છોડી દીધી હતી.” શ્યામલે પોતાના તરફથી સ્પષ્ટતા કરી.

“એ તો મોનાલીને હેડેક હતું એટલે નહીં તો હું આવવાની જ ન હતી.” ઈશાનીનો ગુસ્સો હજી પણ ઉતર્યો ન હતો.

“મારા માટે તો સારું થયુંને?” શ્યામલે હસીને કહ્યું.

“વાત શું કરવી છે તમારે એ કહોને?” ઈશાનીએ ગુસ્સાના સૂરમાં કહ્યું.

“જુઓ, તે દિવસે જે હું ગુસ્સામાં બોલી ગયો, જે મારે નહોતું બોલવું જોઈતું હતું, એનો એક જ મતલબ હતો કે હું સમજી શકું છું કે તમને કોઈ બચાવે તો તમને એના પ્રત્યે કેવી લાગણી થાય.” શ્યામલ બોલ્યો.

“હમમ... જુઓ આઈ ડોન્ટ નો કે મને તમારા પ્રત્યે કોઈ પણ પ્રકારની ફિલિંગ્સ છે કે નહીં. તમે એ રઘુથી મને બચાવી લીધી એટલે મને તમારા પ્રત્યે રીસ્પેક્ટ ખૂબ છે અને ખબર નહીં કેમ પણ મને એમ થાય છે કે હું તમને મળતી રહું બસ બીજું કશું નહીં. તમે સારા માણસ છો એટલે, બાકી તમે કોણ છો, શું કરો છો આઈ ડોન્ટ કેર.” ઈશાનીનો ગુસ્સો જરા ઓછો થયો હોય એવું લાગ્યું.

“સરસ. જુઓ મારે અત્યારે ફક્ત એટલુંજ કહેવું છે કે તમે આવો અહીં ખુશીથી આવો. તમને ગમે તેટલી ચ્હા પીવો નાસ્તો કરો. મને તમારી સાથે વાતો કરવાનો પણ વાંધો નથી. પણ બસ એટલુંજ એનાથી વધુ કશું નહીં. હું કોણ છું એની તમને કેર નથી ગુડ અને મારે તમને કહેવું પણ નથી, પણ મેં તે દિવસે જેમ કહ્યું એમ આજે પણ કહીશ કે તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો પણ હું એને બચાવત જ.

તમારી ઉંમર ઘણી નાની છે એટલે કદાચ તમે મારા વિષે ઈમોશન્સમાં આવી જઈને ગમે તે વિચારી લો એ પહેલાં તમને મારે ચેતવી દેવા હતા. આજે હું જે રીતે તમને કહી રહ્યો છું એ જ વાત મારે તે દિવસે કહેવી હતી પણ ખોટી રીતે કહેવાઈ ગઈ.” શ્યામલે હાથ જોડીને કહ્યું.

“નો ઇટ્સ ઓકે! હું સમજી ગઈ, પણ આઈ પ્રોમિસ મને કોઈજ ઈમોશન્સ નથી. બસ તમારી સાથે વાતો કરવાનું મને ગમે છે એટલુંજ. ફ્રેન્ડ્સ?” ઈશાનીએ તેના ચિતપરિચિત તોફાની સ્મિત સાથે પોતાનો હાથ લંબાવ્યો.

“નામ આપવું જરૂરી છે? નામ વગર કોઈ સબંધ ન હોઈ શકે?” શ્યામલે પોતાના હાથ જોડેલા જ રાખ્યા.

“પેલો મને ફરીથી હેરાન કરશે તો? એ પણ કોલેજમાં? રસ્તામાં?” ઈશાનીએ પૂછ્યું.

“તો આ રાખો મારું કાર્ડ મારો નંબર સેવ કરી લો, એવું કશું થાય તો મને ગમે ત્યારે કૉલ કરજો, હું આવી જઈશ.” શ્યામલે ખિસ્સામાંથી પોતાનું કાર્ડ કાઢીને ઇશાનીને પકડાવ્યું.

“ગરમ ચા ની તપેલી લઈને કોલેજ આવશો?” અને ઈશાની હસી પડી.

“હા, અને પેલો ચમચો પણ.” શ્યામલ પણ હસી પડ્યો.

“ઓકે! ચાલો હવે તો કહો કે આજનું બીલ કેટલું થયું?” ઈશાનીએ હસતાં હસતાં પૂછ્યું.

“કશું નહીં. આજની નવી શરૂઆત માટે.” કહીને શ્યામલ સ્મિત કરતો પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો.

“નોટ ડન! કોઇપણ રિલેશનમાં એક પૈસાની પણ ઉધારી ન રહેવી જોઈએ, પછી ભલેને એ રિલેશનનું કોઈ નામ ન હોય?” આટલું કહીને ઈશાનીએ પોતાના પર્સમાંથી પાંચસોની નોટ કાઢી.

“ના, ના... આજે તો નહીં જ.” કહીને શ્યામલ ઝડપથી ચાલીને પોતે જ્યાં ચ્હા બનાવતો હતો એ જગ્યાએ પહોંચી ગયો.

“ઠીક છે, તો હું આ યાદ રાખીશ અને એનો બદલો પણ ચૂકવીશ.” ઈશાનીએ હસીને કહ્યું.

“જેવી તમારી મરજી. બસ અહીં આવવાનું બંધ ન કરતાં અને એમ માનીને તો જરાય નહીં કે મને તમે આવો છો એ નથી ગમતું.” શ્યામલે સ્ટવ ફરીથી ચાલુ કરતાં કહ્યું.

“ઓકે, હું એમ માનીને અહીં રોજ આવીશ કે તમને હું અહીં આવું છું એ બહુ જ ગમે છે.” આટલું કહીને ઈશાની ખડખડાટ હસી પડી.

શ્યામલ ઈશાનીના આ ખડખડાટ હાસ્યને મુગ્ધ થઈને જોતો રહ્યો.

==:: પ્રકરણ ૮૯ સમાપ્ત ::==