sundari chapter 90 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૯૦

નેવું

“હાઈઈઈઈ... કોન્ગ્રેચ્યુલેશન્સ!! હું કહેતી હતીને કે તમને તક જરૂર મળશે અને તમે ઇન્ડિયાને સિરીઝ વિનમાં હેલ્પફુલ જરૂર થશો?” સુંદરીના અવાજમાં ભારોભાર આનંદ હતો.

બીજી ટ્વેન્ટી૨૦ મેચમાં તો વરુણને તક નહોતી મળી પરંતુ એ મેચ ભારત શ્રીલંકા સામે હારી ગયું અને ત્રીજી મેચ જીતવી જરૂરી હોવાથી ટીમમાં એક ઓલરાઉન્ડરની જરૂરિયાત લાગી. આથી, કેપ્ટન અને કોચે ત્રીજી ટ્વેન્ટી૨૦ માટે વરૂણનું સિલેક્શન કર્યું. વરુણને પણ એ સમયે ખૂબ જ નવાઈ લાગી હતી પરંતુ તેને સુંદરીએ જે મક્કમતાથી તેને તે રાત્રે કહ્યું હતું કે તેને આ જ સિરીઝમાં જરૂર તક મળશે એ યાદ આવી ગયું.

બસ, વરુણમાં ટેલેન્ટ અને રમવાનો ઉત્સાહ તો હતો જ પરંતુ સુંદરી સામે પોતાની જાતને પુરવાર કરી દેવાની આ સુંદર તક તેની પાસે હતી તેને એ જતી કરવા દેવા માંગતો ન હતો અને આથી તેણે ઓલરાઉન્ડરને છાજે એવો દેખાવ કર્યો. બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરતાં કેપ્ટને તેને ઓપનીંગમાં મોકલ્યો અને તેણે ફક્ત સત્તર બોલમાં બેતાળીસ રન કર્યા અને ટીમને અત્યંત જરૂરી એવી ઝડપી શરૂઆત આપી. પછી જ્યારે બોલિંગ કરવાનો વારો આવ્યો ત્યારે ચાર ઓવર્સમાં ફક્ત પંદર રન આપીને ત્રણ વિકેટ્સ લીધી અને શ્રીલંકાની ટીમને ક્યારેય મેચમાં પરત ન આવવા દીધી.

ટિમ ઇન્ડિયા તરફથી પહેલી જ ઇન્ટરનેશનલ મેચ રમતાં વરુણે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો. એ ખૂબ ખુશ હતો અને તેને સુંદરી સાથે બને તેટલી જલ્દીથી વાત કરવી હતી. પરંતુ પહેલાં મેચ પતી ત્યારે ઔપચારિકતાઓ પતાવવામાં, પછી પ્રેઝન્ટેશનમાં અને પછી બાકી હતું તો કેપ્ટને વરુણને જ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સાથે આવવાનું કહ્યું. એટલે સ્ટેડિયમમાં જ મોડી રાતના લગભગ પોણાબાર વાગી ગયા હતા. પણ પછી, જેવી એક તક મળી કે ડ્રેસિંગરૂમમાં એક ખૂણામાં જઈને તેણે સુંદરીને કોલ લગાવ્યો અને સુંદરી પણ જાણેકે એના જ કૉલની રાહ જોઈ રહી હતી એમ પોતાના ઓશિકાની બાજુમાં પડેલા મોબાઈલ ફોનને જ સતત જોઈ રહી હતી કે ક્યારે વરુણનો કોલ આવે અને તે તેને ઉપાડી લે અને થયું પણ એવું વરુણે હજી એક રીંગ સાંભળી કે સુંદરીએ તેનો કોલ ઉપાડી લીધો.

“હા... સાચું કહું તો આઈ કાન્ટ બિલીવ. તમે કહ્યું એ બધું જ સાચું પડ્યું. મેચ જીત્યાને કે બીજી જ સેકન્ડથી મને તમારી એ વાતો યાદ આવવા લાગી. તમે આપેલો આત્મવિશ્વાસ... એણે તો કમાલ કરી દેખાડી! આઈ એમ સો હેપ્પી!” વરુણની ખુશાલી પણ સમાઈ નહોતી રહી.

“મી ટુ. મેચ તો જીતાડી અને એમાંય પાછા મેન ઓફ ધ મેચ? વાઉ!” સુંદરીનો ઉત્સાહ ઓછો થવાનો નામ જ નહોતો લઇ રહ્યો.

“યસ. કેપ્ટન અને કોચસરનો વિશ્વાસ. મેચ પહેલાં કોચસરે કહ્યું, બિન્ધાસ્ત થઇને રમવાનું. જે તારામાં ટેલેન્ટ છે એનો જ ઉપયોગ કર. બસ! આ શબ્દોએ પણ મને આટલું સારું રમવામાં મદદ કરી.” વરુણે કહ્યું.

“એ તો છે જ! અમે બધાં તો તમને વિશ કરી શકીએ, તમારા માટે પ્રાર્થના કરી શકીએ, પણ છેવટે તો તમારે એ જ કરવાનું છે જેમ તમને તમારા કેપ્ટન અને કોચ ગાઈડ કરે. બાય ધ વે, ઘરે કૉલ કર્યો?” સુંદરીએ પૂછ્યું.

“ના, હવે, તમારી સાથે વાત થઇ જાય એટલે. બધાં એ મને બેસ્ટ વિશિઝ આપ્યા હતા પણ તમે જે વિશ્વાસ મારામાં ઇન્જેક્ટ કર્યો હતો એ સાવ અનોખો હતો અને એટલેજ તમને પહેલાં કૉલ કર્યો.” વરુણે જવાબ આપ્યો.

“અરે! ઇટ્સ ઓકે. કશું ખાધું?” સુંદરીએ ફરીથી સવાલ કર્યો.

“હજી ક્યાં? હજી તો બધા સેલિબ્રેટ કરી રહ્યા છે. હજી તો અહીંથી હોટલ પર જઈશું પછી કશું ખાઈશું. અત્યારે તો કોઈને પણ ભૂખ નથી.” વરુણે હસતાં હસતાં કહ્યું.

“હા, એ પણ છે. હવે અમદાવાદ આવશો કે વનડે માટે રોકાઈ જાવ છો, આજના પરફોર્મન્સ પછી?” સુંદરીએ પૂછ્યું અને તેના અવાજમાં સ્હેજ ચિંતા હતી કે ક્યાંક વરુણ આજના ઓલરાઉન્ડ દેખાવ બાદ વનડે માટે પણ સિલેક્ટ થઇ ગયો તો તેને હજી તેના એ ખાસ કામ માટે તેની રાહ જોવી પડશે.

“ના, ના. કાલે સવારે અગિયાર વાગ્યાની ફ્લાઈટ છે મુંબઈની. સાંજ સુધીમાં તો અમદાવાદ આવી જઈશ. અને હા પેલા પિક્સ અને મેસેજ માટે થેન્ક્સ, ઈટ રિયલી હેલ્પ્ડ!” છેવટે વરુણે કહી જ દીધું.

“મારી ફરજ હતી વરુણ. એ ભૂલી જાવ પણ મને આપેલું પ્રોમિસ યાદ છે ને? હું તમને જ્યાં કહીશ ત્યાં તમારે મારી સાથે આવવાનું છે?” સુંદરીએ વરુણને યાદ અપાવ્યું.

“ચોક્કસ. ઇન ફેક્ટ હું તો રાહ જોઈ રહ્યો છું કે તમે એ બધું મને ક્યારે કહેશો? મન્ડે મળીએ? તમે કહો ત્યાં? લંચ કે ડિનર?” વરુણે સુંદરી સામે પોતાની તૈયારી બતાવી.

“ના, મન્ડે તો મારે એક બહુ મોટું કામ પતાવવાનું છે. એ પતી જાય એટલે હું તમને પ્લાન કરીને કહીશ. જસ્ટ વિશ મી લક.” સુંદરીએ રીતસર આજીજી કરી.

“ઓલ ધ બેસ્ટ! તમારી જે કોઇપણ ઈચ્છા હશે એ પૂરી થશે.” વરુણે પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“થેન્ક્સ અ લોટ. ચલો હવે ઘરે વાત કરી લો, મમ્મી-પપ્પા પણ રાહ જોતા હશે તમારા કૉલની. આપણે કાલે વાત કરીએ પાછા.” સુંદરીએ વરુણ પાસે તે બંને આવતીકાલે પણ ફરીથી વાત કરશે એ પાક્કું કરી લીધું.

“શ્યોર. કાલે એરપોર્ટ પહોંચીને કૉલ કરું અને પછી મુંબઈ પહોંચું એટલે અને પછી અમદવાદ લેન્ડ થઈશ ત્યારે. ત્યાં સુધી ટેઈક કેર.” વરુણે હસીને જવાબ આપ્યો.

“યુ ટુ વરુણ. બાય એન્ડ ગુડ નાઈટ.” સુંદરીએ પણ આનંદ સાથે જવાબ આપ્યો અને કોલ કટ કર્યો.

==::==

“મેં તમને કીધું હતુંને અરુમા કે આજે આવવામાં મોડું ન કરતાં... તો પણ?” સુંદરીના અવાજમાં ભારોભાર રોષ હતો.

“બસ, રસ્તામાં જ છું બેટા. પાંચ મિનિટમાં પહોંચી. તું ચિંતા ન કર અને કૉલ કટ કર, નહીં તો હજી મોડી પડીશ.” અરુણાબેને સુંદરીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

“ઠીક છે. જલ્દી કરજો.” કહીને સુંદરીએ કૉલ કટ કર્યો.

સુંદરી કોલેજના કાર પાર્કિંગમાં અરુણાબેનની રાહ જોઈ રહી હતી. આજે તેણે જયરાજનો કાંટો દૂર કરવા અથવાતો તેની અસર ઓછી કરવાની જે યોજના અરુણાબેન સાથે મળીને વિચારી લીધી હતી તેનો અમલ કરવાનો હતો. આ માટે જયરાજ જે ગયા અઠવાડિયે તેને ઘરે આવીને તેના પર વધુ ખુન્નસ ચડાવીને ગયો હતો અને કૉલેજ ખુલવાની સાથેજ કદાચ સુંદરીની નોકરી પર તરાપ મારવાનો પ્રયાસ કરી શકે એમ હતો, તેને રોકવા સુંદરી અને અરુણાબેનનું કૉલેજના પ્રિન્સીપાલને જયરાજ પહેલા વહેલી સવારે જ મળવાનું અત્યંત જરૂરી હતું.

અરુણાબેન આમ તો સમયસર જ હતાં, પરંતુ સુંદરી જેને આ યોજના પાર પાડવાની હતી તેને જરાય ધરપત ન હતી અને એટલેજ તે અત્યારસુધી બે થી ત્રણ વખત એમને કૉલ કરી ચૂકી હતી. હવે અરુણાબેને જ્યારે સુંદરીને કહ્યું કે તેઓ કોલેજ પહોંચી જ રહ્યા છે, ત્યારે સુંદરી એન્ટ્રી ગેઇટ પર પોતાની આંખો સ્થિર રાખીને આમતેમ આંટા મારી રહી હતી.

અરુણાબેનના કહ્યા મુજબ જ બરોબર પાંચ મિનિટે એમની કાર કોલેજના કાર પાર્કિંગમાં પ્રવેશી અને સુંદરીને હાશ થઇ. અરુણાબેને પોતાને અલોટ થયેલી જગ્યા પર કાર પાર્ક કરી અને તેને લોક કરીને બહાર આવ્યા. તેમના એક હાથમાં બે ફાઈલ્સ અને એક રજીસ્ટર હતું અને બીજા હાથમાં બે થેલીઓ અને પર્સ.

“આજે પહેલા દિવસે આટલું બધું લાવવાની શું જરૂર હતી?” અરુણાબેનના એક હાથમાંથી ફાઈલ્સ અને રજીસ્ટર લેતાં સુંદરી બોલી.

“તો ઘરે મુકીને આવું? નવું સત્ર ચાલુ થાય છે એટલે ઘેરે રાખેલા જરૂરી પેપર્સ અને મારા લેક્ચર્સની ફાઈલ્સ વગેરે તો લાવવા જ પડે ને? હવે તો હું આવી ગઈને? તું શાંત થા જરા.” અરુણાબેને પણ સુંદરીને જરા વઢીને કહ્યું.

“પણ હજી આ બધું સ્ટાફરૂમમાં મુકવા જવાનું, પછી ત્યાં બધાં તમને મળશે આટલા વખતે એટલે રોકાઈ જશો, કેટલો ટાઈમ વેસ્ટ થશે? બેલ વાગવાને પચીસ મિનીટ જ બાકી છે એમાં જો પેલો જયરાજ આવી જશે તો પત્યું. મારે એને આજે આપણી પહેલાં પ્રિન્સીપાલની કેબિનમાં નથી જ જવા દેવો. ચાલો હવે....” સુંદરીનો રોષ હજી ઓછો નહોતો થઇ રહ્યો.

સુંદરી ગુસ્સામાં આગળ આગળ ચાલવા લાગી અને અરુણાબેન તેની પાછળ તેના ખોટા ગુસ્સાને સમજીને હસતાં હસતાં દોરવાયા.

“એક કામ કરો હું તમારી વસ્તુ તમારા ડીપાર્ટમેન્ટમાં મુકતી આવું છું, નહીં તો કોઈને કોઈ તમને રોકી લેશે. તમે અહીં જ ઉભા રહો ઓકે?” સુંદરીએ અરુણાબેનને સૂચના આપી.

જવાબમાં અરુણાબેને ફક્ત હસીને પોતાનું ડોકું હલાવ્યું. સુંદરીએ અરુણાબેનના બીજા હાથમાં રહેલી વસ્તુઓ પણ લઇ લીધી અને થોડું ચાલીને પ્રોફેસર્સ રૂમમાં ગઈ જ્યાં અરુણાબેનના ડીપાર્ટમેન્ટના ટેબલ પર આ બધી વસ્તુ મુકીને દોડતી દોડતી બહાર આવી.

“બરોબર મૂકી દીધુંને?” અરુણાબેને પૂછ્યું.

“હા, ચિંતા ન કરશો. ચાલો.” કહીને સુંદરીએ અરુણાબેનનો હાથ પકડ્યો અને બંને પ્રિન્સીપાલની કેબીન તરફ ચાલવા લાગ્યા.

“સર ને મળવું છે.” કેબિન બહાર ઉભેલા પ્યુનને સુંદરીએ કહ્યું.

પ્યુને પોતાનો હાથ હલાવીને ત્યાં જ રાહ જોવાનું કહ્યું. થોડીજ વારમાં એ બહાર આવ્યો અને બંનેને અંદર જવાનો ઈશારો કર્યો.

“આવો આવો પ્રોફેસર સુંદરી, આવો અરુણાબેન... આવો. સત્રના પહેલા જ દિવસે સવાર સવારમાં આવવું પડ્યું?” પ્રિન્સીપાલ પટેલે બંનેને આવકાર આપ્યો.

“સર, થોડું કામ હતું અને ઉતાવળ હતી એટલે પછી રાહ ન જોઈ. આજથી કોલેજ ચાલુ થઇ જાય અને પછી તમે પણ બીઝી થઇ જાવ તો જે કામ છે એ કદાચ તમે ભૂલી જાવ એટલે.” સુંદરીએ જવાબ આપ્યો.

“ચોક્કસ, કેમ નહીં. બેસો.” પ્રિન્સિપાલે હાથ લંબાવીને બંનેને બેસવાનો ઈશારો કર્યો.

સુંદરી અને અરુણાબેન પ્રિન્સીપાલની રિવોલ્વિંગ ચેર સામે પડેલા મોટા ટેબલની સામે મુકેલી ચાર ખુરશીમાંથી બે પર બાજુબાજુમાં બેઠાં. બેસવાની સાથેજ સુંદરીએ અરુણાબેન સામે જોયું, અરુણાબેને સુંદરીને પોતાનું ડોકું હલાવીને પ્રિન્સીપાલને તે જે કહેવા આવી છે તે કહેવાનો સંકેત આપ્યો.

==:: પ્રકરણ ૯૦ સમાપ્ત ::==