Talk books and stories free download online pdf in Gujarati

વાત

વ્હાલા વાચક મિત્રો,

શું તમને વાત કરતા આવડે છે? એવો સવાલ કોઈ પૂછે તો આપણે એમ જ કહીએ કે શું નાખી દેવા જેવી વાત કરો છો? દરેકને એમ જ હોય છે કે મને બરાબર વાત કરતા આવડે છે!! જો બરાબર વાત કરતા આવડતી હોય તો એ બહુ સારી વાત છે.ઘણાં લોકોની વાત કરવાની સ્ટાઈલ એવી હોય છે કે આપણને સાંભળતા રહેવાનું જ મન થાય! જયારે કેટલાક લોકો બોલે તો એમ થાય કે આ બંધ કરે તો સારું! બાળકનો જન્મ થાય પછી એ દોઢેક વરસમાં બોલતા શીખી જાય છે, પણ વાત કરતાં ઘણાંને આખી જિંદગી આવડતું નથી!

બીજા લોકો પાસે વાત કરવામાં આપણે જેટલું ધ્યાન રાખીએ છીએ. તેના કરતા વધુ કાળજી પોતાની સાથે વાત કરવામાં રાખવી જોઈએ. દરેક માણસ પોતાની સાથે સતત વાત કરતો હોય છે. તમે તમારી સાથે કેવી રીતે વાત કરો છો એનો ક્યારેય વિચાર કર્યો છે? ન કર્યો હોય તો કરજો. વાત કરતી વખતે જો એવું લાગે કે હું મારી જાત સાથે નબળી, નકામી અને નકારાત્મક વાત કરું છું. તો એને ટાળજો. સાચી, સારી અને સકારાત્મક વાત કરજો, કારણ કે પોતાની જાત સાથે જેવો સંવાદ હોય, એવા જ આપણે હોય એ છીએ. તમારી જિંદગીની કઈ વાત એવી છે જે તમે ક્યારેય કોઈને કહી નથી? આ સવાલ કરતાં પણ વધુ મહત્વનો સવાલ એ છે કે તમે કોઈને આ વાત કેમ કહી નથી?? કયો ડર તમને સતાવે છે? વાત જાહેર થઈ જવાનો! કે પછી તમારી વાતને કોઈ નહિ સમજે એનો??

આપણા બધાના દિલમાં કંઈક એવું હોય છે જે બહાર આવવા ઉછાળા મારતું હોય છે. આપણે ટાપલી મારીને પાછું બેસાડી દઈએ છીએ. જવા દે, કોઈને નથી કહેવું. કોઈને શું ફેર પડે છે? કોઈને ક્યાં કંઈ પડી પણ હોય છે? કે પછી કોઈ શું ધારી લેશે? કોઈ મારા વિષે શું માની લેશે? એવો ડર, ભય કે શંકા રહ્યા કરે છે. આમ, છેલ્લે બધું દિલમાં ધરબાયેલું જ રહી જાય છે. જેના કારણે ક્યારેક તો દિલ એટલું ભારે થઇ જાય છે કે શ્વાસ ફૂલી જાય છે!! ન કહેવાયેલી વાતો ક્યારેક તો ભેજ બનીને તરવરે છે. જે વ્યક્તિ પોતાના દિલની વાત કોઈને કહી શકતો નથી અથવા તો દિલની બધી જ વાત કહી શકાય એવી વ્યક્તિ જેની પાસે નથી એ દુનિયાનો સૌથી દુ:ખી અને કમનસીબ માણસ છે. અંદરનો વલોપાત માણસને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જે વ્યક્ત નથી થઈ શકતા એ અંદર ને અંદર ઘૂંટાયા કરે છે.

વાત કહેવાની પણ રીત હોય છે. વાત કહેવાની આપણી રીત જ આપણી પ્રકૃતિની સાબિતી આપતી હોય છે. બોલતાં બધાને આવડતું હોય છે પણ, વાત કરતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે. આપણા સંસ્કાર, આપણી સંવેદના અને આપણી સમજદારી આપણે કેવી રીતે વાત કરીએ છીએ તેના પરથી છતી થતી હોય છે.

વાત કરવાની સાથે વાત સાંભળવાની પણ રીત હોય છે. સૌથી પહેલાં તો કંઈ બોલતાં પહેલાં સામેવાળાની વાત સાંભળવી જોઈએ. મોટે ભાગે આપણે કોઈની વાત સમજવા માટે સાંભળતા હોતા નથી!! ફક્ત જવાબ દેવા માટે જ આપણે સાંભળતા હોઈએ છીએ. વાત એવી રીતે સાંભળવી કે સામેવાળી વ્યક્તિને એવું લાગે કે તમને વાત સાંભળવામાં પૂરેપૂરો રસ છે. હવેની નવી એક બીમારી એ છે કે લોકો વાત કરતા હોય અને ધ્યાન મોબાઇલમાં હોય છે. ખરેખર તો કોઈ વાત કરતું હોય કે કોઈને કંઈ કહેતા હોય ત્યારે મોબાઈલને બાજુએ મુકી દેવો જોઈએ. તમારી સહજતા સામેવાળા માણસને સ્પર્શતી હોય છે.