The Last Chocolate books and stories free download online pdf in Gujarati

છેલ્લી ચોકલેટ

આ વાર્તાનાં સર્વ હક્ક લેખકને આધીન છે. કોઇએ પણ કોઇપણ ઓડિયો વિડીયો કે અન્ય માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે.
SWA Membership No : 32928

રાત્રે દોઢ વાગે જ્યારે હર્ષની ગાડી ચાવંડ પાસે આવેલા નાનકડા ગામમાં પ્રવેશી ત્યારે કુતરા સિવાય કોઈ જાગતું ન હતું પણ જેવી કાર એના ડ્રાઇવર રૂપસિંહના ઘર પાસે પહોંચી કે હર્ષનું મન ગ્લાનીથી ભરાઇ ગયું. રૂપસિંહના ઘરના બધા સભ્યો જાગતા હતા. એના ૭૦ વર્ષના બાપા 60 વર્ષની મા એની પત્ની અને દીકરી ને સાથે સાથે આજુબાજુના બે ઘરના લોકો પણ. જે એના કાકા બાપાના છોકરા હતા. પ્રસંગ જ એવો હતો રૂપસિંહના સાહેબ આજે રૂપસિંહના ત્યાં જમવાના હતા. પઁદર દિવસની ઑફીશયલ ટુર પર નીકળેલા હર્ષ અને રૂપસિંહ જ્યારે કુંભલગઢથી નીકળ્યા ત્યારે રાતના નવ વાગવા આવ્યા હતા. નીકળતા રસ્તામાં કંઈક જમી લઇશું એવું વિચારી એ લોકો કુંભલગઢના રસ્તે નીકળી ગયા હતાં. રસ્તામાં વરસાદના કારણે કોઈ જગ્યાએ એમને કાંઈ ખાવા ન મળ્યું. પેટ્રોલ ભરાવા ઊભા રહ્યાં ને હર્ષ વોશરૂમ જઇ પાછો આવ્યો ત્યારે રૂપસિંહે એને કહ્યું સાહેબ ચિંતા ન કરશો.મારૂ ઘર નજદીકમા જ છે ને મે મોબાઇલ પર ઘેર મેસેજ આપ્યો છે કે મારી સાથે સાહેબ છે એમને લઈને આવું છું, જમવાનું બનાવી રાખજો. હર્ષે ઘરનાં સભ્યો રાત્રે હેરાન થશે એ વિચારી રૂપસિંહને એનાં ઘરે જવાની ઘણી ના પાડી પણ રૂપસિંહ માન્યો જ નહીં ને એણે એનાં ઘરનો રસ્તો પકડ્યો.

વરસાદ ને સિંગલ પટ્ટી રોડ ને કારણે જે રસ્તો કાપતા બે કલાક થાય એ રસ્તો કાપતા એમને ચાર કલાક થઈ ગયા. ને પાછો મેઈન રોડથી રૂપસિંહના ગામ જવાનો 15 થી 20 કિલોમીટર નો રસ્તો અલગ જે ઉબડખાબડ અને કાચો પાકો હતો એટલે સ્પીડ હતી એના કરતાં પણ ઘટી ગઇ અને જ્યારે ગામ પહોંચ્યા ત્યારે દોઢ વાગવા આવ્યો હતો .આખું ગામ જઁપી ગયુ હતું સિવાય કે રૂપસિંહના ઘરના લોકો.

ઘેર પહોંચતાં જ હર્ષને બધાને હેરાન થતાં જોઈને ખૂબ દુઃખ થયું. હર્ષે રસ્તામાં ઘણીવાર રૂપસિંહને કહ્યું હતું કે આપણે આજે ઉપવાસ કરી લઈશું થર્મોશમાં જે ચા ભરી છે એનાથી ચલાવી લઈશુ ત્યારે રૂપસિંહે કહ્યું સાહેબ ઘરે ફોન કરી દીધો છે. જમવાનું બની જશે તમે ચિંતા નાં કરો. ત્યારે પણ હર્ષે એને ઘણી ઘણી ના કહી હતી પણ રૂપસિંહ માન્યો નહીં ને આખરે એના ઘરે લઈ ગયો.

ઘરે પહોંચ્યાં ત્યારે રૂપસિંહની વહુ કદાચ મંજુ જ નામ હતું કારણકે રૂપસિંહ વારે ઘડીએ મંજુ મંજુ બોલતો. મંજુ પાણી લાવજે, મંજૂ રોટલો લાવજે, મંજુ બાટી લાવજે અને એની વહુ આવતી અને જતી. એણે દાલ બાટી બનાવી રાખી હતી. દાલબાટી લસણની ચટણી અને ગોળ થાળીમાં પીરસવામાં આવ્યા ને આગ્રહ કરી-કરીને સાહેબને જમાડવામાં આવ્યા. ત્યાં અંદરથી એક નાની છોકરી વારેઘડીએ ડોકયુ કરી જતી એને જોઇ રૂપસિંહ બોલ્યો આવ બેટા જો સાહેબ આવ્યા છે. હર્ષ ત્યાંજ બોલ્યો સાહેબ નહી કાકા.બેટા કાકા આવ્યા છે અને એને બેગમાં રહેલા ડબ્બાની છેલ્લી ચોકલેટ યાદ આવી ગઈ. આ એ જ ચોકલેટના ડબ્બાની છેલ્લી ચોકલેટ હતી જે પેટ્રોલપઁપથી નીકળતા હર્ષથી જ્યારે બોલી જવાયું હતુ કે ખૂબ ભુખ લાગી છે ત્યારે રૂપસિંહે એને આપ્યો હતો ને હર્ષ વાતો કરતા કરતા બધી ચોકલેટ ખાઈ ગ્યો અને આ છેલ્લી ચોકલેટ બચી હતી. હર્ષ એને બોલાવીને એ છેલ્લી ચોકલેટ આપી.છોકરી અજાણ્યા પાસેથી લેતા અચકાતી હતી. રૂપસિંહ બોલ્યો મંજુ લઇ લે. મંજુએ ચોકલેટ લઇ લીધી. ત્યાંજ રૂપસિંહે ઓર્ડર છોડ્યો મંજુ પાણી દેજે ને એની પત્ની પાણીનો લોટો આપી ગઈ. હર્ષના ચહેરા પરના સવાલને પારખી લઇ રૂપસિંહે કહ્યું, સાહેબ અમારા ગામડામાં કોઈ પત્નીને નામથી ના બોલાવે એટલે છોકરો કે છોકરી જે પહેલું સંતાન હોય એના નામથી પત્ની અને પતિ એકબીજાને બોલાવે મંજુ મારી દીકરીનું નામ છે.

ઘીથી લસલસતી અને લસણની ચટણીથી ભડભડતી એવી રાજસ્થાની દાલબાટી ખાઈને હર્ષને જલસો પડી ગયો.શહેરમાં મળતી દાલબાટી કરતાં આનો સ્વાદ એકદમ અલગ હતો ને કેમ ન હોય એમાં ગામડાનો દેશી હાથ ને અતિથિ દેવોનો ભાવ ભળેલા હતાં.

જમ્યા પછી રૂપસિંહે કહ્યું સાહેબ અડધો કલાકમાં નીકળીએ તમે તમારી કેડ સીધી કરો આ ખાટલા પર. ગાડીમાં બેસી બેસીને થાકી ગયેલી કમરને હર્ષે આરામ આપવાનું વિચારી ખાટલા પર લંબાવ્યું. રૂપસિંહ એની દીકરી અને પત્ની સાથે વાતોએ વળગ્યો.

થોડીવાર પછી રૂપસિંહ અને હર્ષે ઘરના બધાને રામ રામ કર્યું. હર્ષે રૂપસિંહની દીકરીના હાથમાં સો રૂપિયાની નોટ મુકતા કહ્યું ચોકલેટ ખાજે આમાંથી. ૨૫ દિવસ માટે રૂપસિંહે મા-બાપ ને પત્ની પુત્રીને રામરામ કર્યાં ને બેઉ જણાએ પાછો ગામથી શહેર તરફનો રસ્તો પકડી લીધો.

ઉબડ ખાબડ રસ્તા કરતાં પણ વધારે હર્ષના મનમાં વિચારોની ઉથલપાથલ ચાલતી હતી. શાંતિભંગ કરતા રૂપસિંહ બોલ્યો સાહેબ ભાવી દાલબાટી? હર્ષના વિચારોની ગાડીને બ્રેક વાગી. રૂપસિંહે ફરી પુછ્યું, સાહેબ ભાવી દાલબાટી? હર્ષે કહ્યું હા પણ મને ખૂબ દુઃખ થયું કે તે મારા કારણે આખા ઘર ને જગાડયુ. બિચારા ભાભી મંજુ તારા પપ્પા મમ્મી અને આજુબાજુના લોકો કેટલા હેરાન થયા મારે ખાતર. મને ખૂબ દુઃખ થયું માત્ર જમવા માટે આપણે તારા ઘરનાંને જગાડયા.આપણે ક્યાંક બહાર પણ ખાઈ શક્યા હોતને. રૂપસિંહે કહ્યું, સાહેબ દુઃખી નાં થાવ અમને કાંઈ તકલીફ નથી પડી. બાકી તમે ક્યારે મારા ઘેર આવતા અને જમતા. હર્ષે કહ્યું ના પણ મને ખૂબ જ દુઃખ થયું છે મારા કારણે કેટલા લોકો હેરાન થયાં. રૂપસિંહ કાંઈ બોલ્યો નહી.

થોડી વાર પાછી શાંતિ છવાઈ ગઈ. રૂપસિંહ રીઅર મિરરમાંથી પાછળ બેઠેલા હર્ષને જોતો હતો. હર્ષ ખૂબ જ દુઃખી લાગી રહ્યો હતો એટલે છેવટે એ બોલ્યો સાહેબ ગુસ્સે ના થાવ તો એક વાત કહું. તમને મારા ઘરે લઈ જવામાં મારો જ સ્વાર્થ હતો. તમે દુઃખી ના થાવ.

પછી રૂપસિંહે જે કહ્યું એ સાંભળી હર્ષની આંખોમાં પાણી આવી ગયું.

રૂપસિંહે કહ્યું, મારી મંજુને મળે મહિનો થઈ ગયો હતો અને હજી બીજો એક મહિનો મારે બહાર રહેવાનું હતું. આપણે પેટ્રોલપમ્પ પર હતા ત્યારે મંજુનો ફોન આવ્યો મંજુ ફોનમાં રડતી હતી કારણ કે આજે એનો જન્મદિવસ છે. હું જ્યારે પણ એને પૂછું કે બેટા તારા જન્મદિવસે તારે શું જોઈએ તો એની કાલીઘેલી ભાષામાં કે પપ્પા તમે. એ કેટલાય દિવસથી કહેતી હતી કે પપ્પા મને તમે જોઈએ છે. તમે એક દિવસ માટે પણ મને મળવા આવી જજો અને આપણે આજે યોગાનુયોગ આ તરફ હતા. મારામાં રહેલું બાપનું હૃદય જાગી ગયું. મને થયું કે મંજુને મળી લઉં.પેલો ચોકલેટ નો ડબ્બો એને આપવા માટે જ લીધો હતો પછી તમને ભૂખ લાગી હતી એટલે મેં એ ડબ્બો તમને ખાવા આપી દીધો. મને માફ કરી દેજો સાહેબ હું તમને અહી મારે ઘેર લઇ આવ્યો.

હર્ષને યાદ આવ્યું જ્યારે એ વોશરૂમ જઇ પાછો આવ્યો ત્યારે રૂપસિંહની આંખોમાં પાણી હતું. હર્ષે પુછ્યું તો રૂપસિંહે કંઇક ખૂંચે છે એમ કહ્યું હતુ. હવે એને ખબર પડી કે વાંક હૃદયનો હતો ને સજા આંખને મળી હતી.

થોડીવાર પાછી શાંતિ છવાઈ ગઈ ને ગાડી હાઇવે પર પહોંચી ગઇ. રૂપસિંહે પૂછ્યું સાહેબ ગાડી કઈ તરફ લઉં? હર્ષ બોલ્યો ઘર તરફ.રૂપસિંહે પૂછ્યું શું ? હર્ષ ફરી બોલ્યો ઘર તરફ.

બીજે દિવસે રૂપસિંહ ને એની દિકરી મંજુ બેઠા હતા ત્યાં રૂપસિંહના ઘરે કુરિયર વાળો આવ્યો અને ચોકલેટનો મોટો ડબ્બો આપી ગયો. રૂપસિંહ, મંજુ ને મંજુની માં અને ઘરનાં બધાએ ચોકલેટ ખાધી. ડબ્બાની સાથે થેન્ક યુ લખેલું એક કાર્ડ પણ હતું. જેમાં લખ્યું હતું રૂપસિંહ, મંજુ થેન્ક્યુ . તે મને રૂપિયા કમાવા તરફથી સંબંધ કમાવા તરફ વાળ્યો.

રૂપિયાના રેપરથી લપેટાયેલી જિંદગીની ચોકલેટને રેપર હટાવી મમળાવવાની મજા કેવી હોય છે એ તમે મને શીખવ્યું .

તમારા બન્નેનો ખુબ ખુબ આભાર. મારી દીકરીને મળે મારે પણ મહિનો થઈ ગયો હતો એનો પણ ફોન આવતો હતો પણ.......

રૂપિયાનાં આકર્ષક રેપરમાં જીદગીની ચોકલેટ મે ફ્રિજ કરી દીધી હતી.

રસ્તામાંથી બે ચોકલેટના ડબ્બા લીધાં ને ઘરે પહોંચ્યો તો મારી દીકરી પણ મને આમ અચાનક ઘરે આવેલો જોઈને ખુશ થઈ ગઈ. ચોકલેટ ખાતા ખાતા અમે ઘણી વાતો કરી.

દિકરી સાથે વાતો ખૂટે નહીં એટલાં માટે હર્ષે છેલ્લી ચોકલેટ બચાવીને રાખી.

ને રૂપસિંહ ને એની દિકરી મંજુએ અડધી અડધી કરીને છેલ્લી ચોકલેટ મમળાવી.......