Branded books and stories free download online pdf in Gujarati

બ્રાન્ડેડ


જીવનમાં ઘણીવાર થતું કે સાલું આપણે ક્યારે બ્રાન્ડેડ લાઈફ જીવીશું? હજુ થોડો સમય પછી, આ એક કામ પતી ગયા પછી. પછી તો જલ્સા જ છે ને યાર. થોડા સમય પછી બધુ બરાબર થઈ જશે. પછી કોઈ ચિંતા જ નહી. પછી મન ભરીને મસ્તીમાં જીવીશું. અને હા, બ્રાન્ડેડ જીવીશું. સાલી આ બ્રાન્ડેડ થવાની લ્હાયમાં જ આપણો સ્વભાવ બદલાય ગયો, નહી?

સ્કુલમાં હતા ત્યારે અમુક કલાસમેટને જોઈએ તો લાગે કે લોકો માત્ર સારા અક્ષરો, ગોખણીયું જ્ઞાન, ઓળખાણને જ મહત્વ આપે છે. ત્યાં પણ ખુણામાં બેસી રહીને બસ આ બધું જોયા કરવાનું? જે જેમ ચાલે છે તેમ જોતા રહેવાનું? જેમ કે, અમારી પ્રાથમિક શાળાના હિન્દીના શિક્ષક કહે કે જુઓ વિજયના નોટબુકમાં તમે હિન્દીના અક્ષરો જોયા? કેટલા સુંદર અક્ષરો છે? મોતીના દાણા જેવા. ત્યારે મનોમન વિચાર આવ્યો કે હું પણ હિન્દીમાં આવા અક્ષરો કરું અને સાહેબ મારા પણ વખાણ કરે. હવે હું હિન્દીમાં અક્ષરો મોતીના દાણા જેવા કરવા ગયો ત્યાં મારા અંગ્રેજીના અક્ષરો બગડી ગયા. આ તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી બીના થઈ ગઈ. માંડ માંડ મન વાળ્યું, ચાલ્યા કરે. વિજય ભલે હિન્દીમાં અક્ષરો સારા કાઢે પણ આપણી ગાડી હવે આનાથી વધારે માઈલેજ નહી આપે. મનમાં વિચારીને સંતોષ માની લેવાનો.

પછી વિચાર આવ્યો કે જેમ જેમ આગળ ભણવાનું થશે, તેમ તેમ આ બધી નોટબુકમાં અક્ષરોની દેખાદેખી જેવું કશું હશે નહી. જેવા હાઈસ્કુલમાં આવ્યા કે જોયું કે અહિયાં તો માહોલ કાંઈ જુદો જ છે. સ્કુલમાં તો વિજયના હિન્દીના અક્ષરોના વખાણ થતા હતા અને અહિયાં તો વિજયના હિન્દીની સાથે સાથે રવિ ક્રિકેટમાં હોશિયાર છે, અજય તો ગણિતનો માસ્ટર છે, રજત તો ફટાફટ અંગ્રેજી બોલી જાણે છે. અને હા, ક્લાસની છોકરીઓ કહેતી કે જય કેટલો હેન્ડસમ છે. તારી ભલી થાય. હવે આ દરેક વસ્તુઓમાં માસ્ટર કેમ થવું. માંડ માંડ કરીને મનને મનાવ્યું.

વળી અમુક વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં પણ બ્રાન્ડેડ નિકળે. અમુક વળી નોટબુક બ્રાન્ડેડ વાપરે, અમુક પેન બ્રાન્ડેડ વાપરે. વળી હાઈસ્કુલના વર્ગ શિક્ષક પેપર તપાસીને માર્ક્સ બોલતા બોલતા સંભળાવે કે રવિ, સંસ્કૃતમાં તારા અક્ષરો ઉત્તમ થાય છે, તેનું શું કારણ છે? તું ક્લાસને જણાવ. રવિ પાછો ઊભો થઈને, કોલર સરખું કરીને કહે કે સર હું તો ફલાણી બ્રાન્ડની જ પેન વાપરું છુ ને એટલે. તો વળી સાંજ પડયે અમે બે ત્રણ મિત્રો એ પેન લઈને ટ્રાય પણ કરી, પણ અમારી કિસ્મત!!!

આમ કરતા કરતા સાયન્સમાં એડમીશન લીઘુ. ત્યાં વળી સાહેબ કહે, જુઓ વિદ્યાર્થીઓ, તમારામાંથી નીખીલ જ એવો છે જે ફીઝીક્સમાં પ્રેક્ટીકલ સારી રીતે લોજીકલી સમજી રહ્યો છે. તમારે પણ નીખીલની જેમ શીખવું જોઈએ. નીખીલ જાણે મૂછોમાં હસતો હોય. પણ શું થાય? ચાલ્યા કરે.

આમ કરતા એન્જીનીયરીંગમાં એડમીશન લીધું. ત્યારે એવું લાગતું કે હવે સાલું આવું કાંઈ બ્રાન્ડેડનું ચલણ નહી રહે. ન સારા અક્ષરોની ચિંતા, ન કોઈ પ્રેકટીકલની લોજીકની ચિંતા. મજ્જાની લાઈફ. પણ કિસ્મત, ફરી એ જ કુંડાળામાં પગ પડયો. અહિયાં કો-એજ્યુકેશન,અમુક તો પહેલેથીજ જાણે પ્રેમ કરવાનો પરવાનો લીધો હોય તેવી રીતે કોલેજમાં આવે.અમુક વળી વિશાલને પૂછે, કેમ તે આજે પરફ્યુમ બદલાવ્યું? રોજ તો તું ફલાણું પરફ્યુમ લગાવે છે. આ તારી બ્રાંડ નથી. લો, આટલું બધું નોટીસ કરવાવાળા લોકોમાં ફરીથી ફસાયા. પછી લાગ્યું કે બસ, કોલેજ પૂરી થશે ને પછી આવી બ્રાન્ડેડ લાઈફ જીવીશું. આમ ને આમ કોલેજના દિવસો પસાર થતા ગયા. ન કોઈ એવા મિત્રો મળ્યા કે જે અક્ષરોના વખાણ કરે, ન કોઈ ગર્લફ્રેન્ડ, ન કોઈ માનીતા શિક્ષકો જે આપણા વખાણ કરતા થાકે નહી. આમ ને આમ કોલેજ લાઈફ નીકળી ગઈ.

હવે લાગ્યું કે નોકરી કરીને મજા આવશે. આપણે પોતા માટે થોડો ખર્ચ કરી લઈશું. હવે લાગ્યું કે બ્રાન્ડેડ થવાનો સમય આવ્યો. હવે મારે પણ બ્રાન્ડેડ ઘડિયાળ, શુઝ, પેન, કપડા, બેલ્ટ,...બધુ જ બ્રાન્ડેડ લેવું છે. હવે ખરી જીંદગી જીવવાનો સમય આવ્યો છે.

આવું વિચારીને જ નોકરી માટે જાહેરાતો જોતા, ઈન્ટરવ્યુંમાં જતા, ક્યારેક ઓપન ઈન્ટરવ્યું પણ આપતા. પણ સાલું જોયું કે દરેક જગ્યાએ ઈન્ટરવ્યું લેનાર કે ઈન્ટરવ્યું દેનાર વિજય, રવિ, અજય, રજત, નીખીલ, વિશાલ જેવા હોય. કોઈ હિન્દીમાં માસ્ટર, કોઈ ગણિતમાં, કોઈ ક્રિકેટમાં...અને આપણે? આપણે એ જ. એ જ આપણી સ્થિતી. હવે શું કરવું? જેમ તેમ કરીને નોકરી મળી, એ નોકરી પણ આપણી લેવલની જ હોય ને. આખરે મજબૂરી જ.

હવે પ્રશ્ન એ થાય કે આ મજબુરી ક્યાં સુધી? ક્યાં સુધી આવી જ રીતે ચલાવી લેવાનું? ક્યારેક તો અંત આવશે ને? ક્યારેક તો હું પણ બ્રાન્ડેડ બનીશ ને? પણ પછી અંદરથી અવાજ આવ્યો...અંતર આત્માનો અવાજ...જા જા હવે. બહુ આવા બ્રાન્ડેડના ચક્કરમાં નહી પડવાનું.

ચાલ્યા કરે.

©સા.બી.ઓઝા
૧૦૧૦૨૦૨૧૧૮૩૯૪૩

અાપ અાપના પ્રતિભાવો મને વોટસએપ કે ઇમેઇલ કરી શકો છો.

વોટસએપ: 9429562982
ઇમેઇલ: ozasagar@gmail.com