Namak nu run books and stories free download online pdf in Gujarati

નમકનું ઋણ

નમકનું ઋણ

આ વાત 1999ની છે.


ડુંગરપુર (રાજસ્થાન)થી અમદાવાદ આવ્યાને બે વરસ થઇ ગયા હતાં. લાલજી જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તેના મિત્ર દેવજીએ તેને બે ઘરકામ બંધાવી આપ્યા હતાં. પરંતુ લાલજી સ્વભાવે ખૂબ ઉગ્ર હોવાના કારણે એને કોઇ ઘરકામ એ બરાબર કરતો હોય છતાંય ઘરના માલિક એને ટોકે એ એને જરાય સહન થતું નહિ અને સામો જવાબ તરત રોકડો આપી દેતો હતો.

'લાલજી, જો અમદાવાદમાં રહેવું હશે ને કામ કરવું હશે તો માલિકના બે શબ્દો સાંભળવા પડશે અને ભૂલી જવા પણ પડશે. બાકી અમદાવાદમાં ટકવું અઘરું છે. અહીંયા કંજૂસ લોકો વધારે રહે છે.' દેવજીએ લાલજીને સમજાવતા કહ્યું હતું.

'અરે, પણ હું બધાં કામ બરાબર કરું તોય મારા કામમાં વાંક કાઢી શેઠાણી મને ખખડાવતા રહે, ખાવા-પીવાનું આપવામાં પણ કરકસર કરે એટલે પેટનો ખાડો પણ ના પુરાય અને આખા દિવસમાં માત્ર બે કપ ચા જેમાં દૂધનો છાંટો પણ ના મળે એવી કડક આપે. હવે તું કહે આ રીતે ભૂખ્યા પેટે અને સારી ચા પીધા વગર ઘરનું કામ કઇ રીતે કરવું ભાઇ?' લાલજી દેવજીને એની પીડા જણાવી હતી.

'ભાઇ, તું અહીં નોકર બનવા આવ્યો છું કે શેઠ બનવા આવ્યો છું એ જ મને સમજાતું નથી. મને લાગે છે કે ઘરકામમાં તારો મેળ નહિ જ પડે. તું એક કામ કર, શાકભાજીની લારી ચલાવવાનું કામ શરૂ કરી દે. શાક માર્કેટથી શાક ખરીદી લેવાનું અને પછી લારી ભરી સોસાયટી સોસાયટીએ લારી લઇને ફરવાનું. જેટલું વધારે ફરીશ એટલો તારો ધંધો વધારે સારો ચાલશે. આમ તારે કોઇની ગુલામી પણ નહિ કરવી પડે. શાકમાર્કેટમાં મારા બે ઓળખીતા દલાલો સાથે તારી ઓળખાણ કરાવી દઇશ એટલે શાકભાજી ખરીદવામાં તને તકલીફ ના પડે.' દેવજીએ પોતાના નાનપણના મિત્ર માટે રસ્તો કાઢતા કહ્યું હતું.

લાલજીને એની વાત બરાબર લાગી. લાલજીના મનમાં થયું કે શાકભાજીનો ધંધો શરૂ થઇ જાય ને જામી જાય તો બધાં જ પ્રશ્નો જીવનના ઉકલી જાય. લાલજીએ આમ વિચારી શાકભાજીનો ધંધો કરવાની હા પાડી અને દેવજીએ એની ગોઠવણ પણ એને કરી આપી.

હવે રોજ સવારે લાલજી શાકમાર્કેટથી શાક લઇ ફ્લેટ અને સોસાયટીઓમાં ફરવા લાગ્યો. મહેનત ખૂબ પડતી. શાક ખરીદનાર બહેનો સાથે ભાવતાલ પણ ખૂબ થતો. પણ લાલજીને મન હોય તો ભાવ ઓછો કરે અને મન ના હોય તો ભાવ ઓછો ના પણ કરે. આમ સ્વતંત્ર રીતે લાલજીએ પોતાનો ધંધો છ મહિનામાં તો જમાવી દીધો હતો. સારા ગ્રાહકો પણ એણે બાંધી દીધા હતા, જે નિયમિત રીતે એની પાસેથી શાક ખરીદતા હતાં.

પાલડી વિસ્તારમાં આવેલા સતાવરી ફ્લેટમાં લાલજી નિયમિત રીતે જતો હતો. એ ફ્લેટ ખૂબ મોટા હોવાના કારણે એની અડધી લારી તો એ ફ્લેટમાં જ ખાલી થઇ જતી હતી. એ ફ્લેટમાં રહેતી ઘણી બહેનો હવે લાલજી પાસેથી જ શાક ખરીદતી થઇ ગઇ હતી.

'અરે લાલજીભાઇ, આજે ટામેટા નથી લાવ્યા?' મીનાએ પૂછ્યું.

'ના મીનાબેન, આજે ટામેટા બહુ મોંઘા છે એટલે ટામેટા નથી લાવ્યો. મોંઘા ટામેટા લઇને આવું અને કોઇ ખરીદે નહિ તો સાંજ પડે બગડી જાય અને માલ માથે પડે.' લાલજીએ હસીને કહ્યું હતું.

લાલજીએ જ્યારથી સતાવરી ફ્લેટમાં આવવાની શરૂઆત કરી ત્યારે મીનાબેન એના પહેલવહેલા ગ્રાહક બન્યા હતાં અને આડોશી પાડોશીને પણ લાલજી પાસાથી શાક લેવાનું કહેતા હતાં. આમ સતાવરી ફ્લેટમાં મીનાબેનના કારણે લાલજીના ઘણાં ગ્રાહકો બંધાયા હતાં. આ કારણે એ મીનાબેનને ખૂબ માનથી બોલાવતો અને મીનાબેન જોડે બહુ ભાવતાલ કરતો પણ નહિ.

'લાલજીભાઇ તમે બીજા જોડે ભાવતાલ માટે બહુ રકઝક કરો છો, પણ મારી સાથે નથી કરતા.' મીનાએ એકવાર હસીને પૂછ્યું હતું.

'નાની બહેન સાથે કોઇ ભાવતાલ કરતું હશે.' લાલજીએ પણ હસીને કહ્યું હતું.

લાલજી જ્યારે સાંજે ઘરે પાછો આવતો, ઘર એટલેકે સમજોને નાની ઝૂંપડી ત્યારે એ લોજમાં જમીને જ પાછો આવતો. ઘરે આવીને રસોઇ બનાવવા જેટલી એનામાં તાકાત રહેતી નહોતી એટલો એ થાકી જતો હતો અને રોજ સવારે પણ લોજમાંથી ટીફીન લઇને નીકળતો હતો.

રોજ સાંજે એ હિસાબની ડાયરી લઇને બેસતો અને કેટલા રૂપિયા ભેગા થયા છે તેની ગણતરી કરતો. પણ હજી કંઇ ખાસ મૂડી ભેગી થઇ ન હતી.

'આ રીતે તો ગામડેથી પત્નીને અહીં બોલાવવામાં આખો જન્મારો જતો રહેશે.' લાલજીએ દેવજીને નિરાશ થઇને કહ્યું હતું.

'અરે તારા ભાભીને બોલાવતા મારે પાંચ વરસ થયા હતાં. તારે તો હજુ બે વરસ પણ પૂરા થયા નથી. તું ઉતાવળ ના કર અને મહેનત કરવાનું ચાલુ રાખ.' દેવજીએ લાલજીને કહ્યું હતું.

બીજે દિવસે સવારે લાલજી પોતાના નિત્ય ક્રમ પ્રમાણે પોતાની લારી લઇને સતાવરી એપાર્ટમેન્ટમાં પહોંચી ગયો. સતાવરી એપાર્ટમેન્ટમાં આજે મીનાબેન શાક લેવા આવ્યા ન હતાં. લાલજી એમના ઘર પાસે જ લારી ઊભી રાખતો. મીનાબેનના ઘરમાંથી આજે જોરજોરથી ઝઘડાના અવાજ આવતા હતાં.

અચાનક મીનાબેનના ઘરનો દરવાજો ખુલ્યો અને ત્રણ લોકો મીનાબેનના વરને મારતા મારતા બહાર લાવ્યા. લાલજીએ મીનાબેનના વરને જોયા હતાં એટલે એ તરત ઓળખી ગયો. બે જણાએ મીનાબેનના વરના બે હાથ પકડેલા હતાં અને એક જણ એને મારી રહ્યો હતો અને કોઇ વસ્તુ વિશે પૂછપરછ કરી રહ્યો હતો.

પેલા લોકો એમને મારીને કોઇ માહિતી કઢાવવાની કોશિષ કરી રહ્યા હતાં. ફ્લેટમાં બધાં જ લોકો ઘરની બહાર આવી ગયા હતાં પણ કોઇ મીનાબેનના વરની મદદે આવતું ન હતું.

લાલજી અચાનક એ તરફ દોડ્યો અને મીનાબેનના વરને મારી રહેલા લોકોને એ મારવા લાગ્યો. મારામારી અને ઝપાઝપી ચાલી. લાલજી જ્યારે ગુંડાઓને મારી રહ્યો હતો ત્યારે મીનાબેનના વર ગુંડાઓના હાથમાંથી છટકી અને ઘરમાં ઘુસી ગયા અને પોલીસને ફોન કરી દીધો.

લાલજી આ ત્રણ ગુંડાઓને મારી રહ્યો હતો ત્યારે એ ગુંડાઓ લાલજીને પણ ખૂબ મારી રહ્યા હતાં. એવામાં અચાનક એ ગુંડાએ લાલજીના પેટમાં ચપ્પુ મારી દીધું. ચપ્પુ વાગવાથી એના પેટમાંથી લોહી નીકળવા લાગ્યું, લોહી લુહાણ થઇને લાલજી જમીન પર પટકાયો અને બેભાન થઇ ગયો.

લાલજીની આંખ ખુલી અને એણે જોયું કે એ હોસ્પિટલની પથારીમાં હતો. આંખ ખોલતા જ એને સામે દેવજી બેઠેલો દેખાયો. દેવજી દોડીને ડોક્ટરને બોલાવી આવ્યો. ડોક્ટરે બધી તપાસ કરીને કહ્યું કે હવે કોઇ ખતરો નથી પણ હજુ હોસ્પિટલમાં રોકાવું પડશે. ડોક્ટરે નર્સને પોલીસને જાણ કરવાની સૂચના આપી અને પછી તે ચાલ્યા ગયા.

'લાલજીડા તને કેટલું સમજાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોઇના ઝઘડામાં નહિ પડવાનું. ચાર કલાક તારું ઓપરેશન ચાલ્યું હતું અને સાત દિવસે તું ભાનમાં આવ્યો છે. આ સાત દિવસથી હું નોકરી ધંધો છોડીને તારા ખાટલા પાસે બેસી રહ્યો છું. પોલીસવાળા રોજ આવી તું ભાનમાં આવ્યો કે નહિ એની તપાસ કરે છે. ગામડે પણ મેં ખબર આપી નથી. તારા ઘરડા મા-બાપ અને તારી પત્ની અહીં કઇ રીતે આવત, એમ વિચારી આ બાબતની મેં તેમને જાણ કરી નથી. મને તો એ સમજાતું નથી કે આ પારકી પંચાતમાં તારે પડવાની શી જરૂર હતી?' હમણાં જ ભાનમાં આવેલા લાલજીને દેવજીએ બરાબર ખખડાવ્યો હતો.

'અરે, એ લોકો મીનાબેનના વરને મારતા હતા એટલે મારાથી રહેવાયું નહિ. સાલા ત્રણ જણ ભેગા થઇને એક જણને મારતા હતાં.' લાલજીએ કહ્યું.

'અરે, તું તારી જાતને લડવૈયો અથવા સમાજસેવક સમજે છે, તો પારકી લડાઇમાં મરવા માટે કૂદી પડ્યો? સાત દિવસથી હું બધું છોડીને તારી સામે બેઠો છું. મરી ગયો હોત તો તારા બૈરી, છોકરા ને મા-બાપ બધાં રખડી પડત. એવું તો શું કારણ હતું કે તું આ લડાઇમાં કૂદી પડ્યો?' દેવજી હવે તપી ગયો હતો.

'દેવજી તું શાંત થા ભાઇ. મેં મીનાબેનના ઘરનું મીઠુ ખાધું હતું. ઘણીવાર હું જ્યારે લોજ ઉપરથી ટીફીન લીધા વગર ગયો હોઉને ત્યારે મીનાબેન મને જમાડતા હતાં. કોકના ઘરનું મીઠુ ખાઇએ અને કામમાં ના આવીએ તો આપણે માણસ થોડા કહેવાઇએ?' લાલજી બોલ્યો.

'અરે, આજના જમાનામાં તું નમકની ક્યાં વાત કરે છે. મેં તો બસો ઘરના કામ કર્યા છે બસો ઘરના ઘેર જમ્યો છું. એનો મતલબ કે બસો ઘરમાંથી કોઇને પણ પ્રોબ્લેમ થાય ત્યારે મારે કૂદી પડવાનું?' દેવજી ભડક્યો.

'એ વાત આખી જુદી કહેવાય. તું નોકરી કરતો'તો ને તને ખાવાનું મળતું'તુ, એમાં નમકનું ઋણ તો લાગે પણ ઓછું લાગે. પણ જેણે આપણને ભાઇ ગણીને નિઃસ્વાર્થભાવે જમાડ્યું હોયને ત્યારે મીઠાનું ઋણ બહુ લાગે. મીનાબેન મને પોતાના ભાઇ સમજીને જમાડતા હતાં. એમના પતિને કોઇ મારતું હોય અને કાયરની જેમ ઊભો રહું એવો તો હું નથી' લાલજી બોલ્યો.

'તું પડ્યો છે મરણ પથારીએ પણ વાતો તો જ્ઞાની પંડિત જેવી કરે છે. હવે પંડિતજી તમે મને એ કહો કે કાલથી તમને બે ટાઇમ ટીફીન આપવા કોણ આવશે? કાલથી તો હું નોકરી પર જઇશ.' દેવજી બોલ્યો.

'ટીફીન હું આપી જઇશ.' પાછળથી અવાજ આવ્યો.

બંન્નેએ અવાજની દિશા તરફ જોયું.

'અરે મીનાબેન, તમે અહીંયા?' લાલજી બોલ્યો.

'હા, હું મીનાનો પતિ સુરેશ છું. તમે મને ઓળખી જ ગયા હશો. હું અને મીના તમારી ખબર કાઢવા આવ્યા છીએ. જે દિવસે તમે પેલા ગુંડાઓ પાસેથી મને બચાવ્યો એ ગુંડાઓ મારા શેઠના ભાગીદારે મોકલ્યા હતાં. હું શેઠનું એકાઉન્ટ બધું સંભાળું છું એટલે ભાગીદાર મારી પાસેથી બળજબરી કરીને એકાઉન્ટની પૂરી માહિતી લઇ જવા માંગતા હતાં જેથી હિસાબમાં ગડબડ કરી શકે. હું એકાઉન્ટની માહિતી આપતો ન હતો એટલે મને મારતા હતાં. ત્યાં જ તમે દેવદૂત બનીને આવ્યા અને મારી જાન બચાવી લીધી અને અત્યારે મારા કારણે તમે આવી હાલતમાં છો. તમે બેભાન હતા ત્યારે હું બે-ત્રણ વાર આવી ગયો હતો. આ દેવજીભાઇને મળ્યો હતો.' સુરેશ બોલ્યો.

'ભાઇ, તમે તો મારા સુહાગને બચાવ્યો છે. તમે ના હોત તો આ લોકો મારા પતિ સુરેશને છોડત જ નહિ. તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.' મીનાબેન રડતા રડતા બોલ્યા.

'બહેન, આ તો મારી ફરજ હતી. અણીના સમયે ભાઇ બહેનની મદદે ના આવે તો એનો શું મતલબ?' લાલજી બોલ્યો.

'લાલજીભાઇ તમે કોઇ ચિંતા કરતા નહિ. હું તમને રોજ ટીફીન આપી જઇશ. દવાના ખર્ચાની પણ તમે ચિંતા ના કરતા. મેં મારા શેઠને બનેલી આખી ઘટના જણાવી હતી. શેઠે તમારી દવાનો બધો જ ખર્ચો એમના માથે લઇ લીધો છે.' સુરેશ બોલ્યો.

આમ અઠવાડિયા સુધી સુરેશ અને મીના રોજ લાલજીની ખબર કાઢવા આવતા હતાં. પોલીસ અધિકારી પણ આવીને લાલજીનું સ્ટેટમેન્ટ નોંધી ગયા હતાં.

અઠવાડિયા પછી એક દિવસ સુરેશ પોતાની સાથે એક ભાઇને લઇને આવ્યા.

'લાલજીભાઇ, આ મારા શેઠ દિનેશભાઇ મહેતા છે. પેલા ગુંડાઓ મારી પાસેથી જે એકાઉન્ટની માહિતી કઢાવવા માંગતા હતા એ એકાઉન્ટ આમનું જ હતું. એ તમને મળી અને તમને કંઇક કહેવા માંગતા હતા એટલે મારી સાથે લાવ્યો છું.' સુરેશ બોલ્યો.

'જુઓ લાલજીભાઇ, તમારી હિંમત અને બહાદુરીથી મારી જીવનભરની મૂડી બચી ગઇ. તમારો મારા પર અજાણતામાં પણ ઘણો મોટો ઉપકાર થયો છે. હું તમને મારા ત્યાં સારા પગારની નોકરી આપવા માંગુ છું. તમે સાજા થાઓ એટલે મારી ફેક્ટરીમાં જોડાઇ જજો. તમારા જેવા સારા માણસો આ ધરતી પર બહુ ઓછા મળે છે.' આટલું કહી દિનેશભાઇ ચાલ્યા ગયા.

'જોયું લાલજી, મારા શેઠ બહુ ઉદાર છે. એ તને દર મહિને 30,000 રૂપિયાની સેલરી આપશે. તારે રોજ ફેક્ટરીએ આવવાનું અને સિક્યોરીટી હેડ તરીકે નોકરી કરવાની. તે જે રીતે બહાદુરીથી લડીને એમની જીવનભરની સંપત્તિની રક્ષા કરી છે એની સામે તો આ કશું જ નથી.' સુરેશ બોલ્યો.

'રૂપિયા ત્રીસ હજાર? આ તો બહુ મોટી રકમ કહેવાય.' લાલજી બોલ્યો.

'લાલજી તે શેઠની જે સંપત્તિ બચાવી છે તે કરોડોમાં હતી. તેની સામે આ રકમ કંઇ ના કહેવાય.' સુરેશ બોલી ત્યાંથી નીકળી ગયો.

લાલજી મનમાં વિચારતો હતો કે માણસ સાચા હૃદયથી જો ઋણ ચૂકવવા માંગતો હોય તો એ ઋણ ચૂકવવાના બદલામાં ઈશ્વર પણ એને મદદ કરે છે. 30,000ની રકમ જો દર મહિને મને મળે તો મારા જીવનમાં કોઇ સપના બાકી ના રહે. જે રકમ હું દર વર્ષે પણ ના કમાઇ શકું એ રકમ મને મહિને મળી રહી છે. આનાથી મોટો ઈશ્વરનો આભાર શું માનું?

હવે તો હું મારા આખા પરિવારને પણ અમદાવાદ બોલાવી શકીશ. આમ વિચારતા વિચારતા લાલજી પોતાના સુવર્ણ ભવિષ્યના સ્વપ્નમાં ખોવાઇ ગયો.


(એક સત્ય ઘટના ઉપર આધારિત)

- ૐ ગુરુ