maa nu dhavan books and stories free download online pdf in Gujarati

'મા' નું ધાવણ




'મા'નું ધાવણ


'દૂધ..... દૂધ....' ની બૂમો પાડતા પાડતા નારાયણ પાલડી વિસ્તારની આવેલી સોસાયટીમાં પોતાની ગાયોનું દૂધ ઘરે ઘરે સાઇકલ પર બેસી અને એ જ સાઇકલ પર દૂધના બે કેન લગાડી પહોંચાડતો હતો. સવાર અને સાંજ બંન્ને વખતનો આ એમનો નિત્ય ક્રમ હતો.

પાલડી વિસ્તારમાં નારાયણના સારા ગ્રાહકો વરસોથી બંધાઇ ગયા હતાં. કાઠિયાવાડથી જ્યારે એ અમદાવાદ આવ્યા ત્યારે પોતાને જ આવડતું દૂધ વેચવાનું કામ એમણે શરૂ કર્યું.

નારાયણ સોળ વરસનો હતો ત્યારે જ એના લગ્ન એમના સમાજમાં રમાગૌરી નામની યુવતી સાથે થયા હતાં. પતિ-પત્ની બંન્ને જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે બંન્નેને કોઇ સંતાન ન હતું. લગ્નના પાંચ વરસ વીતી ગયા હોવા છતાંય સંતાન ન હોવાના કારણે પતિ-પત્ની દુઃખી રહેતા હતાં.

'નારાયણ, તમે અને ભાભી માતાના મઢ ઉપર દર્શન કરી આવો. માતા સૌ સારા વાના કરશે. તમારા ખોળામાં દીકરો રમતો કરી દેશે.' અમદાવાદમાં દૂધની દુકાન ધરાવતા અને શરાફીનો ધંધો કરતા કાળુભાઇએ આ કહેલું હતું.

કાળુભાઇ નારાયણના ખાસ મિત્ર હતાં અને એ પણ વરસોથી કાઠિયાવાડ છોડી અમદાવાદ આવીને વસ્યા હતાં. નારાયણ જ્યારે પ્રથમ વખત અમદાવાદ આવ્યો ત્યારે કાળુભાઇના સહારે જ આવ્યો હતો. એટલે કાળુભાઇની વાત સાંભળી નારાયણ અને રમાગૌરી માતાના મઢ ઉપર પોતાનો ખાલી ખોળો ભરવાની મનોકામના લઇને ગયા હતાં. માતાજીના આશીર્વાદ એટલા ફળ્યા કે બાર મહિનામાં માતાએ રાજકુંવર જેવો દીકરો ખોળામાં રમતો કરી દીધો હતો.

પુત્રના જન્મથી પતિ-પત્ની બંન્ને ખૂબ ખુશ હતાં. નારાયણે પુત્રનું નામ દેવ પાડ્યું હતું. જીવનના સોનેરી દિવસો આ રીતે પસાર થઇ રહ્યા હતાં. નારાયણ પણ ધીરે ધીરે દૂધના ધંધામાં આગળ વધી રહ્યો હતો. પોતે ભણેલો ન હતો છતાં દીકરાને એણે ભણાવ્યો અને એન્જીનીયર બનાવ્યો હતો. દીકરો દેવ એન્જીનીયર થયો અને સારી નોકરીએ લાગી ગયો હતો.

નોકરીમાં સાથે કામ કરતી માલા જોડે દેવે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે નારાયણ અને રમાગૌરીએ દેવને સમજાવ્યો હતો કે આ છોકરી આપણા સમાજની નથી માટે તું આ છોકરી સાથે લગ્ન કરવાની જીદ ના કર. પરંતુ દેવ ટશ નો મશ થયો ન હતો. છેવટે બંન્ને જણે દેવની જીદની આગળ હથિયાર હેઠા મુકી દેવ અને માલાના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતાં.

'પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં' આ કહેવત નારાયણ અને રમાગૌરીના જીવનમાં યથાર્થ સાબિત થઇ હતી. લગ્નના ત્રણ મહિનામાં જ નારાયણ જે ઘરમાં રહેતો હતો, જે ઘર એણે ખૂબ મહેનતથી બનાવ્યું હતું એ ઘર હવે લોવર વિસ્તારમાં છે એવું કહીને માલાએ દેવને દબાણ કરી ઘર વેચાવડાવી દીધું હતું અને ઘર વેચીને જે પૈસા આવ્યા હતાં એ પૈસાથી હાઇરાઇઝ બીલ્ડીંગમાં એક ફ્લેટ બુક કરાવ્યો અને ખૂટતા પૈસાની લોન લીધી.

નારાયણે રમાને કહ્યું હતું કે ફ્લેટમાં તારું પણ નામ રાખ પણ રમાએ કહ્યું હતું કે ના, આપણા એકના એક દીકરાના નામે ભલે રહ્યું. આપણા એકના એક દીકરા પર વિશ્વાસ નહીં રાખીએ તો કોના પર રાખીશું એમ રમાએ નારાયણને કહી એના માટે કશું બોલવાપણું રાખ્યું ન હતું.

નવા ફ્લેટમાં રહેવા આવે ને ત્રણ મહિના જ થયા હતાં.

'બાપુ હવે તમે આ જે દૂધ ઘરે-ઘરે જઇને વેચો છો એ આ ઊંચી સોસાયટીમાં આપણે રહીએ છીએ ત્યાં સારું લાગતું નથી. નીચે બીલ્ડીંગના પાર્કીંગમાં કિંમતી ગાડીઓની વચ્ચે તમારા આ દૂધના કેન ભરાયેલી સાઇકલ જરાય શોભતી નથી. તમારી એ સાઇકલ જોઇને અમારી આબરૂ જાય છે માટે તમે આ દૂધનો ધંધો બંધ કરી દો અને ઘરે શાંતિથી આરામ કરો. ઘરમાં તમને કઇ વાતની કમી છે? મારી ઇજ્જતનો તો વિચાર કરો.' દેવે આક્રોશથી નારાયણભાઇને કહ્યું હતું.

'ભાઇ દેવ, આ સાઇકલ પર દૂધના કેન મુકીને ઘરે-ઘરે દૂધ વેચી ભણાવી ગણાવી અને તને એન્જીનીયર બનાવ્યો છે. તારી આ બધી હોંશિયારી અને આવડત આ સાઇકલ પર મેં પરસેવો પાડ્યો છે ને એટલે આવી છે. જો નાની ઉંમરે તને પણ આ દૂધ વેચવાના ધંધે લગાવી દીધો હોત અને ભણાવ્યો ના હોત તો તું પણ આજે આ જ સાઇકલ લઇ ઘરે ફરીફરીને દૂધ વેચતો હોત.' નારાયણે દીકરાને જવાબ આપ્યો હતો.

'તમે જે કર્યું છે એ દરેક મા-બાપ કરે છે. તમે કોઇ ઉપકાર કર્યો નથી અને દેવ ભણવામાં હોંશિયાર હતો એટલે એ એન્જીનીયર થયો. સાથે મારું નસીબ પણ જોડાયું એટલે આટલી સારી નોકરી પણ મળી ને તમે ઘરમાં બેસીને અને ફ્લેટમાં નીચે ઊભા રહીને બીડીઓ ફૂંકો છો ત્યારે અમારે શરમથી લાજી મરવું પડે છે. આના કરતા તો તમે લોવર વિસ્તારમાં રહેતા હતાં એ જ સારું હતું.' માલાએ ઊંચા અવાજે કહ્યું.

'વહુ બેટા, યાદ છે ને હું તમારો સસરો છું અને આ બઇ જે આંખમાં આંસુ સાથે ઊભી છે એ તમારી સાસુ છે. આખો દિવસ આ ઘરનું વૈતરું કરે છે. તમે બંન્ને સવારે નીકળી જાઓ છો અને રાત્રે મોડા પાછા આવો છો. વહુ થઇને ક્યારેય સસરાને એક કપ ચા પણ પીવડાવી છે? તમે આટલું ભણીગણીને પણ અમને વડીલ તરીકેનું માન ન આપી શકતા હોય તો તમારું ભણતર શું કામનું?' નારાયણની આંખમાંથી આંસુ સરતા હતાં અને નારાયણ બોલી રહ્યો હતો.

'તમે આવી વાહિયાત વાતો બંધ કરો. લો-ક્લાસની વાતો મારા ઘરમાં ન કરો. મારા ઘરમાં મારા પ્રમાણે ના રહેવું હોય તો આ દરવાજો ખુલ્લો છે. તમે બંન્ને આ ઘરમાંથી બહાર નીકળી જાઓ.' દેવે ગુસ્સાથી લાલચોળ થઇને નારાયણને ઘરનો દરવાજો બતાવતા કહ્યું હતું.

'આ ઘરમાં મારા પણ પૈસા લાગેલા છે. આ ઘર તારું એકલાનું નથી. મારું જૂનું ઘર વેચીને આ નવું ઘર આવ્યું છે.' નારાયણ બોલ્યો.

'એક દૂધવાળાના ત્યાં હું જન્મ્યો અને એન્જીનીયર થઇ તમને માન અપાવ્યું એ જ તમારા માટે તો મોટી વાત હોવી જોઇએ. હવે આ ઘર મારું છે ને મારું જ રહેશે.' કહી દેવ નારાયણને મારવા માટે ધસ્યો.

નારાયણ અને દેવની વચ્ચે રમાબેન આવી ગયા. એમણે દેવના હાથ પકડી લીધા.

'બેટા, અમે આ ઘરમાંથી કાલે સવારે નીકળી જઇશું. તું અને તારી વહુ શાંતિથી આ ઘરમાં રહેજો. એક દૂધવાળાના ત્યાં જન્મ લઇને તે અમારા પર જે ઉપકાર કર્યો છે એ ઉપકારની વાત જાણી આજે મારી મમતા રડી રહી છે. મેં જીવનભર તને તારી દરેક ઇચ્છાઓને પૂરી કરવામાં સાથ આપ્યો. તારા બાપુજીની ઉપરવટ જઇ તને તારી રીતની જિંદગી મળે એના માટે હું એમની જોડે લડતી રહી. તારા બાપુજી મને કહેતા કે તું આને આટલો લાડ ના લડાવ. આ બગડી જાશે ત્યારે હું કહેતી કે માના પ્રેમથી તો દીકરો થોડો બગડે. પણ મને આજે સમજાય છે કે મારી પરવરીશ અને મારી મમતામાં ક્યાંક કચાશ રહી હશે કે આજે તું તારા સગા બાપ ઉપર હાથ ઉપાડવા આવ્યો. સારું છે કે આ દૃશ્ય જોવા માટે ઈશ્વરે મને જીવતી રાખી. નહિ તો હું તો એમ જ સમજીને મરી હોત કે ભગવાને મને અવતાર જેવો દીકરો દીધો છે. સારું થયું મારી આ ભ્રમણા તો તૂટી.' આટલું બોલીને એ નારાયણને રૂમમા લઇ ગઇ.

લોખંડની જૂની પેટીમાં રમાબેને એમનો અને નારાયણનો સામાન ભરી દીધો. બંન્ને પતિ-પત્ની સવારે પાંચ વાગે ઘર છોડી અને કાળુભાની દુકાને પહોંચ્યા.

સવારે પાંચ વાગે દૂધની દુકાન ખોલતા કાળુભાને દુઃખી ચહેરાવાળા પોતાના ભાઇબંધને જોઇ સમજતા વાર ન લાગી કે કળિયુગનો સાપ એમને ડંખી ચૂક્યો હતો.

'કશું કહેવાની જરૂર નથી. તમારા બંન્નેની આંખો જ બધું કહી જાય છે. હું તને નારાયણ એટલે જ કહેતો હતો કે છોકરાને આટલું ના ભણાય કે કદી આપણે એની જોડે જીવી ના શકીએ. હશે, જે થયું તે. મારા એક રૂમનું મકાન ખાલી પડ્યું છે. અત્યારે તમે બંન્ને ત્યાં જાઓ. રહેવાની ત્યાં બધી જ વ્યવસ્થા છે. તમને તકલીફ નહીં પડે. રાત્રે હું ત્યાં આવું છું. ભગવાન સૌ સારા વાના કરશે.' કાળુભાઇએ ફરીવાર એક સાચા મિત્ર હોવાનો પુરાવો આપ્યો હતો.

નારાયણ અને રમાગૌરી કાળુભાના એક રૂમના મકાનમાં આવ્યા. લોખંડની પેટી ખૂણામાં મુકી બંન્ને જમીન પર લગભગ ફસડાઇ જ પડ્યા. આજે એમનો આખો સંસાર લુંટાઇ ગયો હતો. જાનથી પણ વધારે વ્હાલો દીકરો જેને શ્રવણ સમજતા હતાં એ કંશ નીકળ્યો હતો.

'કહુ છું, મને ફરી એકવાર માતાના મઠ પર લઇ જજોને. મારે માને કહેવું છે કે તારા દર્શન કરવા આવે અને સંતાનની ઇચ્છા રાખે એ બધાંને તું ખોળો ના ભરી આપ અને જો ખોળો ભરી આપે તો શ્રવણ જેવા દીકરા આપ. આવા કંશ અને રાવણ જેવા રાક્ષસ ના આપ.' રમા સ્થિર અવાજ સાથે બોલી રહી હતી.

રમાની ખુલ્લી આંખો મુખ પર ઉપસી આવેલું દુઃખ અને એના કાળજા ઉપર પડેલો ઘા નારાયણ અનુભવી રહ્યો હતો. રમાના આવા રૂપને નારાયણે પહેલીવાર જોયું હતું. દેવ માટે થઇને રોજ નારાયણ સાથે લડતી રમા આજે કંઇક અલગ લાગતી હતી.

'અરે ગાંડી, છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય. આપણા કરમમાં કઠનાઇ લખી હશે એટલે આપણે આ દિવસો જોવાના આવ્યા છે.' નારાયણે રમાને સમજાવતા કહ્યું.

'મારા પેટમાં નવ મહિના સુધી ઉછરેલા મારા દીકરાને મેં આખી જિંદગી રાજકુંવરની જેમ ઉછેરીને મોટો કર્યો છે. એના માટે રાતોની રાતો જાગી છું. પતિ પરમેશ્વર કહેવાય છતાં એના માટે થઇને તો હું તમારી સાથે હજારો વાર લડી છું. આપણે મુસીબતો વેઠી પણ એના જીવનમાં મુસીબતોનો પડછાયો પણ પડવા દીધો નથી. મારો એ છોકરો જ્યારે એના સગા બાપને મારવા દોડ્યોને ત્યારે એણે તો મારું ધાવણ લજવ્યું. હું તો બે હાથ જોડી માતાજીને કહુ છું કે આવા દીકરા આપે એના કરતા કોખમાંથી પત્થર આપ.' રમાના મોઢામાંથી આજે વેદનાની આગ નીકળી રહી હતી.

'મનને ધરપત આપ. આટલી બધી વેદના દિલમાં ઊભી ના કર.' આટલું બોલી નારાયણ ચૂપ થઇ ગયો.

રાત્રે કાળુભા ઘરવખરી અને મહિનાનું કરિયાણું લેતા આવ્યા હતાં. કાળુભાએ કહ્યું હતું કે આપ બંન્ને આ રૂમમાં શાંતિથી રહો. કોઇ વસ્તુની ચિંતા ફીકર કરશો નહિ. માતાજીના ચાર હાથ મારા પર છે. હું તમારી પડખે ઊભો છું.

'કાળુ, તે મિત્ર તરીકેની બધી ફરજો નિભાવી છે. તારા જેવા મિત્ર પર હું ગર્વ કરું એટલો ઓછો છે પણ મહેનત વગરનો અન્નનો દાણો મારા ગળે નહીં ઉતરે ભાઇ. હું પહેલાની જેમ જ ફરી દૂધ વેચવાનું શરૂ કરી દેવા માંગુ છું. હું રોજ એટલું તો કમાઇ લઇશ કે જેથી અમારા બંન્નેનો રોટલાખર્ચ નીકળી જાય.' નારાયણે કહ્યું.

'તને જેમ યોગ્ય લાગે તેમ. હું તને વરસોથી ઓળખું છું. તું નહિ માને. આ પચાસ વરસની ઉંમરે સાઇકલ ચલાઇશ ને પડીશને તો હેરાન થઇ જઇશ.' કાળુભાએ કહ્યું હતું.

'જેટલા દુઃખી અને હેરાન અમે અમારા દીકરાથી થયા છીએ એનાથી વધારે દુઃખી અને હેરાન તો નહીં જ થઉં ભાઇ. મને મારી રીતે કરવા દે. ભલે ને પછી જે થાય તે, મારા રખોપા રામ કરશે.' આટલું બોલતા નારાયણની આંખો ફરી ઉભરાઇ આવી.

'દૂધ.... દૂધ...' નારાયણે પોતાની સાઇકલ પર દૂધ વેચવાનું શરૂ કરી દીધું.

નારાયણના જૂના ગ્રાહકો ફરી બંધાઇ ગયા હતાં. નારાયણ અને રમાગૌરી ફરીથી શાંતિથી જીવન વ્યતિત કરવા લાગ્યા. આમ કરતા કરતા બે વરસ પસાર થઇ ગયા.

'નારાયણ.... નારાયણ.... દરવાજો ખોલ.' કાળુભાએ દરવાજો ખખડાવતા કહ્યું.

'તારા દીકરાની વહુ દારૂના નશામાં હતી અને પગથિયું ચૂકી જતા પછડાઇ છે અને બેભાન થઇ ગઇ છે. હોસ્પિટલમાં દાખલ કરી છે. હોસ્પિટલમાંથી દેવનો મારા ઉપર ફોન આવ્યો હતો તમે બંન્ને તૈયાર થઇ જાઓ. હું તમને ગાડીમાં હોસ્પિટલ મુકવા આવું છું.' કાળુભા હાંફતા હાંફતા બોલતા હતાં.

નારાયણ ઝડપથી ઝભ્ભો પહેરવા લાગ્યો હતો.

'કાળુભાઇ અમારે હવે કોઇ દીકરો અને વહુ નથી રહ્યા. અમે જે દિવસે ઘર છોડ્યુ હતું એ દિવસે જ અમે અમારા સંબંધોને ત્યાં જ ત્યજીને આવ્યા હતાં. અમારે હવે કોઇના સુખ અને દુઃખ સાથે કોઇ લેવાદેવા નથી. અમે અમારી જાત મહેનતથી બે ટાઇમના રોટલા ખાઇએ છીએ. એનાથઈ વધારે હવે કશું જોઇતું નથી.' રમાબેન શાંતિથી બોલી રહ્યા હતાં.

'આ તું શું બોલે છે? તને કંઇ ભાન પડે છે.? ગમે તેમ હોય પણ એ આપણો દીકરો અને વહુ છે. તું મા ઉઠીને આવું બોલે છે. પહેલી ભૂલ તો ઈશ્વર પણ માફ કરે છે. ' નારાયણ ગુસ્સાથી બોલ્યો.

'ઈશ્વર એક ભૂલ માફ કરે છે, સો નહિ. જ્યારે આપણા દીકરાએ તો એક હજાર ભૂલો કરી છે અને તમે યાદ રાખો આપણે ઈશ્વર નથી માનવ છીએ. ઈશ્વરે સો ભૂલ માફ કરી હતી. એનાથી વધારે તો એ પણ નહોતા સહી શક્યા અને આપણે આપણા સગા દીકરાના હાથે હજારો અપમાન સહન કર્યા છે. હવે જીવતા જીવત દીકરા અને વહુનું મોઢું આપણે જોઇએને તો મારું ધાવણ લાજે. જે દીકરો સગા બાપને હાથ ઊંચો કરી માના દેખતા મારવા ધસી આવે ને તો માના કાળજા પર શું વીતી હશેને એની કલ્પના તમને નહીં હોય. આવા કપાતર દીકરાનું હવે મોઢું પણ જોઇએને તો આપણી કાઠિયાવાડની ધરતી પણ લાજી ઉઠે. માટે આપણે હવે ક્યાંય જવાનું નથી. હવે તો ઉપરવાળાનો બોલાવો આવશેને ત્યારે જ જઇશું.' રમા શાંત ચિત્તે બોલી રહી હતી.

કાળુભાઇ તો કાયમ ચૂપ રહેતી અને હા માં હા પુરાવતી કાઠિયાવાડની આ સ્ત્રીના રૌદ્રરૂપને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

'ધન્ય છે કાઠિયાવાડની એ ધરાને જેણે આવી માટીની સ્ત્રી બનાવી.' આવું મનમાં બોલતા બોલતા કાળુભા ઘરમાંથી બહાર ચાલી નીકળ્યા હતાં.

- ૐ ગુરુ