Yaad karo kurbani - 3 books and stories free download online pdf in Gujarati

યાદ કરો કુરબાની - 3


અમે સહુ જેલનાં કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા. સેનાનીઓ જેવા આંદામાનની ભૂમિ પર ઉતરતાં રોમાંચિત થઈ ગયેલા તેવા જ અહીં એકદમ ગંભીર થઈ ગયા. જેલનું વાતાવરણ જ એકદમ ગમગીન, શોકમય અને ભારેખમ લાગ્યું.

"ઓહ, આ પેલાં ત્રાસદાયક કુકર્મોની યાદ આપતો પીપળો." દત્ત દાદા બોલી ઉઠ્યા. કમ્પાઉન્ડની વચ્ચોવચ્ચ એક જૂનો ઘેઘુર પીપળો હતો.

"આ જેલને ઓક્ટોપસના આઠ પગની જેમ સાત લાંબી પટ્ટીએ આવેલાં પરિસર હતાં. સ્ટારની જેમ એ ગોઝારા સાત પગા ઓક્ટોપસની જેમ. આ ત્રણ માળ પર દરેક પરસાળમાં લાઈનબંધ દેખાય છે તે અમારી કાળ કોટડીઓ. સેલ." દત્ત દાદાએ તેમની પત્ની, પુત્ર અને મને સમજાવ્યું. સાથે આવેલ કદાચ ગાઈડ જેવો અધિકારી મૌન થઈ ગયો. જેણે આ સજા વેઠી હોય એ જ તેની આંખો સામે તાદશ્ય થતું ચિત્ર વર્ણવી શકે ને!

"જુઓ, દરેક કોટડીઓ વાળી પરસાળની સામે સીધી ભીંત આવે છે. એટલે કોઈ કેદી સામે જુએ તો માત્ર ભીંત અને સુમસામ ચોગાન, કમ્પાઉન્ડ જ દેખાય. સેલ પણ એ રીતે બનાવ્યા છે કે એક સેલ વાળો કેદી બાજુના સેલ વાળા કેદીનો સંપર્ક જ ન કરી શકે. ઉપર આ સાવ નાનું હવાબારીયું.

કેદી સંપૂર્ણ એકાંત સેવી આખરે ભાંગી પડે. કામ કરાવતી વખતે પણ તેમની જગ્યાઓ એકબીજાથી સાવ અલગ રખાતી." દત્ત દાદા પોતાની કોટડી ઉપર ત્રીજે માળ ગોતી રહ્યા.

"અહીં 963 કેદીઓ એક સાથે હતા. એક ગામના કે રાજ્યના તો શું, બે સાવરકર સગા ભાઈઓ અલગ અલગ કોટડીઓમાં હતા તો પણ તેમને બે વર્ષ સુધી એકબીજાની ખબર નહોતી પડી." દાદાએ મને કહ્યું.

"આ વચ્ચે છે એ વૉચ ટાવર. એક ગુલામ તરીકે પકડી લાવેલો કે ઉઠાવી લવાયેલો ભારતીય, મદ્રાસી સંત્રી તેની ઉપરથી વૉચ રાખતો. લાગે એમ કે અમારી સામે જ સંત્રી જુએ છે પણ જોતો હોય કોઈ બીજી દિશામાં.અમે એનો જ એકવાર ફાયદો ઉઠાવેલો." દાદાએ કહ્યું અને વિઠ્ઠલરાવની આંખમાં ચમક આવી ગઈ.

"આ નીચેનો મોટો ઘંટ. બ્રિટિશરોને કોઈ ખતરો લાગે તો વગાડાતો. અમે ઘંટ વાગ્યો તે પહેલાં અમારું કામ પતાવી લીધેલું. હા. પછી આ પીપળાનાં ઝાડ સાથે બંધાઈને માર ખાધે રાખ્યો ને બીજી સજાઓ ભોગવી એ વાત અલગ." વિઠ્ઠલરાવ બોલ્યા. દત્ત મહાશયે શરૂઆત કરી એટલે દરેક પોતાનો અનુભવ કે જેલ વિશે કાંઈક ને કાંઈક કહેવા લાગ્યા.

નૌતમ દાદા ચૂપચાપ ચાલતા હતા એ હવે બોલ્યા "અમારી એકલતા એટલે? સાંજે છ વાગે એટલે ખોલીમાં પુરી દે. ખોલીમાંથીસામે જુઓ તો બીજી બેરેકની ભીંત જ દેખાય. ઉપર નાનું એવું જાળીયું. કહેવાય હવાબારી પણ અહીંની ભેજવાળી આબોહવામાં હવા ક્યાંથી આવે? પરસેવો સખત વળે અને પથારી જેવું કાંઈ આપ્યું ન હોય. આખા દિવસનો કામનો થાક હોય એટલે કેદી તરીકે પહેરાવેલાં કપડાં સાવ કાઢી નાખી એની ઉપર જ સુઈ જઈએ.

એમાં કોણ જાણે ક્યાંથી, એક દિવસ એકદમ વહેલી સવારે એક એકદમ મોટો મઝાનો ખૂબ કાળો કાગડો સવારના પહોરમાં આવી પહોંચ્યો અને મારી બેરેકનાં હવાબારીયાં પર બેસી આપણા ગુજરાતના કાગડા કરે એથી સાવ જુદા અવાજે કા.. કા.. કરવા લાગ્યો. મેં કોઈક રીતે આગલી રાતે અમને આપેલા અર્ધ બાફેલા ચણાના ખિસ્સામાં વધેલા બે ચાર દાણા આગળ બેરેકના દરવાજા તરફ એને જાળીમાંથી બતાવી ફેંક્યા. મૂળ તો હું એ ખાઈ શકું એમ ન હતો. અહીં યોગ્ય રીતે મોં સાફ થતું ન હતું તેથી દાંત દુઃખતા હતા. હું ભલે ભૂખ્યો રહ્યો, એ કાગડો આમથી તેમ ડોક ફેરવતો જાળીમાંથી મારી સામે જોતો બેઠો. આવું મેં બે ચાર દિવસ કર્યું. એક બે દિવસ જંગલી કોઠું પણ ચૂપચાપ એને માટે તોડતો આવ્યો.

એક દિવસ જેલનો કચરો કાઢતાં મને કાગળની કાપલી મળી. તેની ઉપર હિન્દીમાં લખ્યું કે જેને મળે એ બીજાને કોઈક રીતે આ સંદેશ પાસ કરે. લોકો બાજ પક્ષી કે કબૂતરનો ઉપયોગ સંદેશ મોકલવા કરતા સાંભળ્યા હશે. કાગડાનો મેં વાણિયાએ પહેલી વાર ઉપયોગ કર્યો.

એ રીતે અમે દસ બાર લોકો સંપર્કમાં આવ્યા. ખોરાક બિલકુલ ઓછો છે, યોગ્ય નથી અને કામ ન થઈ શકે એવાં છે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું."

દાદા મારી સામે જોઈ બોલ્યા "એમાં એક વાર ઉલ્લાસ્કર દત્તાએ વિરોધ કર્યો કે ઘાણી પર બળદ કાઢે એ થી વધુ તેલ તો નહીં નીકળી શકે. એને બ્રિટિશરોનો ભાડૂતી, કદાચ બર્મિઝ સિપાહી હુકમ કરતો ચામડાનો કોરડો મારવા આવ્યો. એ દત્તા તરત કોરડા સામે જોઈ વેગથી કૂદકો મારી બાજુએ ખસી ગયો. પોતાના જ વેગથી કોરડો ખાલી જતાં સિપાહી નીચે પડી ગયો. સિપાહીએ મદદ માટે બૂમ પાડી અને દત્તા તેના હાથ પાછળથી પકડી તેના ગોઠણો પાછળથી દબાવી તેની ઉપર બેસી ગયા અને તેમણે સીટી મારી. કામ કરતા સહુ એ તરફ દોડ્યા. હું એ વખતે શું કરતો હતો, કહું? આ સામે બે ચાર નારીયેળીઓ દેખાય તેનું ત્યારે આખું વન કે અમારી પાસે જ કરાવેલું પ્લાન્ટેશન હતું. તેમાં વાંદરાની જેમ એક નારીયેળી પર ચડી પીઠ પાછળ કપડું બાંધી ધારીયાંથી નારિયેળનું ઝુમખું તોડતો હતો. એને નીચે ઉતારી સૂકવીને વળી બીજા કેદીઓ પાસે કપાવરાવી તેલ કઢાવતા હતા.

હું પણ દોડ્યો."

"હેં દાદા, શું વાત કરો છો, તમે નારીયેળી પર ચડી શકતા?" મેં પૂછ્યું.

"કાળા પાણીની સજા શું નહોતી કરાવતી એ યાદ કરવું પડે. ઉભો રહે. તને ડેમો." એમ કહેતાં દાદાએ તો પોતે પહેરેલ ધોતિયાંનો માર્યો કછોટો. કમર આસપાસ ગોળ વીંટી ગયા ગેટની બહાર અને એસ્કોર્ટ 'હેલો હેલો સર!' કહેતો રહ્યો, "ડોન્ટ વરી. ઇટ વૉઝ ગેઇમ ફોર મી. વોન્ટ ટુ શો ટુ માય ગ્રાન્ડસન" કહેતા બે પગ ઘૂંટણેથી વાળી સટાસટ ઉપર ચડ્યા. નારીયેળી થોડી ઝૂકી. છેક ટોચ પર જઈ મારા 72 વર્ષના દાદાએ એક આઠ દસ નારિયેળનું ઝુમખું તોડ્યું અને "ઓલ પ્લીઝ મુવ ટુ ડિસ્ટન્સ" કહેતાં નીચે ફેંક્યું અને રમકડાંની સીડી વાંદરો ઉતરે એ ઝડપે ફટાફટ ઉતરી હાથ ખંખેરવા લાગ્યા. સહુએ 'વેલ ડન શ્રીપ્રસાદ' કહી તાળીઓ પાડી.મને કહે "બેટા સ્વતંત્ર, દાદા દિવસમાં ચાલીસેક વખત ચડ ઉતર કરતા. એ લોકો કરાવતા. આખાં પ્લાન્ટેશનમાં અમને ચાર પાંચ કેદીઓને."

નૌતમ દાદાએ વાત આગળ વધારી. "સિપાહીને પકડતાં તો પકડ્યો. અમારામાંના એક ચોખલીયા કેદી સાવરકરે કહ્યું કે તમે સહુ મોટી મુશ્કેલી નોતરશો. અત્યારે એને છોડી દો. આ ચારુ દત્ત તો એને ઝાડ સાથે બાંધી અમને કોરડા મારતા એમ જ કરવાના હતા. પછી શું? બીજા સિપાહીઓ દોડી આવ્યા. ઘંટ વાગ્યો. અમને સહુને એક સાંકળે બાંધી ભીંત તરફ રાખી ફૂલે ડામ દેવામાં આવ્યા. પાછળ અમે વળી શકીએ નહીં એમ લાકડું બાંધ્યું અને એમ જ આખી રાત એ જહાજને લંગર નાખવા વપરાતી વજનદાર સાંકળ બેરેકોની પાછલી ભીંતે બાંધી અમને ઉભા રાખ્યા. ઉપર ઘટનાનો અહેવાલ તાત્કાલિક મીઠું મરચું ભભરાવી મોકલવામાં આવ્યો કે અમે બળવો કર્યો. સારું થયું સાવરકર વચ્ચે પડ્યા. નહીંતો સિપાહી મરી ગયો હોત તો બધા પર ખૂન અને રાયોટિંગનો બીજો આરોપ લાગત. એમને તો શું, આ બધા વચ્ચેથી ફાંસીની ખોલીમાં લઈ ગયા અને આ લટકાવી, નીચેનું પાટિયું ખેંચી દરિયાને હવાલે શબ કરી દીધું. એ … ને તો એક વહેલી સવારે બધાને દેખાય એમ સાંકળેથી બાંધી કમ્પાઉન્ડ વચ્ચેથી મારતા મારતા લઈ ગયા અને થોડી જ વારમાં ઘંટ વાગ્યો, એને ફાંસી અપાઈ. દરિયાને હવાલે કરવાને બદલે અમારી વચ્ચે એને બાળ્યો. એ પણ અમે કાપેલાં જંગલી લાકડાંઓથી. એની અર્ધ બળેલી લાશ ક્યાંક ફેંકી દેવાઈ. એ અંગ્રેજોના કૂતરાઓએ જ ફાડી ખાધી હશે."

હું સ્તબ્ધ બની સાંભળી રહ્યો.

"આ ટાપુ પર પ્રાણીઓ રહી શકે એવું હતું જ નહીં. રોસ આઇલેન્ડ પર હવે પ્રવાસીઓનાં મનોરંજન માટે બે ત્રણ હરણનાં બચ્ચાં લાવીને મૂક્યાં છે. આટલા અંતરિયાળ ટાપુની સતત ભેજવાળી હવા ને ખારાં પાણીમાં ન તો જંગલી પ્રાણીઓ રહી શકે ન તો ગાય ભેંસ જેવાં પાલતુ. પક્ષીઓની જાતો ક્યાંય ન જોઈ હોય એવી અહીં દેખાય." વિઠ્ઠલરાવે કહ્યું.

"એ બળવાની સજા માટે અમને લગભગ એક અઠવાડિયાં સુધી દરિયાનું પાણી આપવામાં આવ્યું જે પી ન શકાય. અમે થોડા ઘણા આ પાણીથી પણ ટેવાઈ ગયેલા. સાવ નાનો ઘૂંટડો હોઠ ભીના થાય એટલો પી લેતા. ખોરાક સાવ એક પડીયામાં સમાય એટલો અને સાવ અખાદ્ય આપવો શરૂ થઈ ગયો. જેલર ડેવિડ બેરી તો જીવતો રાક્ષસ હતો. વધુ કડક થયો." વિઠ્ઠલરાવે કહ્યું. સહુ સેનાનીઓનાં કુટુંબીઓ અવાક થઈ જોઈ રહ્યાં.

નૌતમદાદાએ એ સ્તબ્ધતા ભરી શાંતિનો ભંગ કરતાં આગળ વિતક કથા કહી.

"એમાં મારો કાગડો ફરી કામ આવ્યો. એ મારા પાળીતા જેવો બની ગયેલો. મેં એક ગંદી કપડાંની ચીંદરી પર એ લોકોનો રોડ બનાવવા ઓગાળેલા ડામરને એક સળી પર લઈ સંદેશ લખ્યો. સામુહિક વિરોધ અને ભૂખ હડતાલ કરવાનો. આટલો ક્રૂર માર ખમી ગયા તો આટલો ભૂખમરો વધુ.

એક બે દિવસ અમને મેઇન લેન્ડ ભારતથી મગાવતા એ મીઠું પાણી સાવ થોડું અપાયું. પછી અમે કામ પત્યા બાદ જેલર ડેવિડ બેરીને મળ્યા અને ખોરાક યોગ્ય માત્રામાં આપવા અને કામ મનુષ્યથી થઈ શકે તેટલું કરાવવા વિનંતી કરી. એ શેના સમજે? માણસનું મગજ હોય તો ને? એમણે અમને સખત અપમાન કરી, આપણા દેશને અને અમને જાતિવાચક ગાળો દઈ કાઢી મુક્યા.

ફરી મારો કાગડો અને હવે એક કેદી ત્રિલોકનાથ બંદોપાધ્યાયે વિકસાવેલી જાણીતી ટ્રિક, કોટનની દોરી સાથે પાનના પડીયામાંથી બનાવેલ ભૂંગળાં દ્વારા અમે બાજુની, તેની બાજુની એમ ખોલીઓમાં સંદેશ પહોંચાડ્યા. બીજી બેરેકોમાં મારો કાગડો કામ આવ્યો."

ચારુ દત્ત મહાશય બોલ્યા "એકાએક અમે ભૂખ હડતાળ શરૂ કરી. બધાએ એક સાથે. કાં તો અમારો સંપર્ક બેરી ના ઉપરીઓ સાથે કરાવી અમારી વ્યાજબી રજુઆત સાંભળો કાં તો અમારાં કામ અને ખોરાક બાબતે કોઈ યોગ્ય નિર્ણય લો. ડેવિડ બેરીના બ્રિટિશ સિપાહીઓએ બળજબરી કરી અમારા ઉપવાસનો ભંગ કરવા પરાણે મોં માં પાણીને બદલે દૂધ ઠોસવાનું કર્યું. દૂધ પણ ગાય કે ભેંસનું નહીં. નજીક કદાચ ઇન્ડોનેશિયાથી મગાવેલ કોઈ ભૂંડ કે જંગલી પ્રાણીનું. બહાદુર પંજાબી કેદી મહાવીરસિંહ ટસ નો મસ ન થયો. એ કડક થઇ બેઠો રહ્યો. ક્રૂર સિપાહીઓએ એના હોઠ ખેંચી એના ગળામાં એ દૂધની જોરથી ધાર કરી. દૂધ ગળામાં અટવાઈ ગયું અને એક બે ડચકાં ખાઈને મહાવીરસિંહ મોતને શરણ થયો. પણ આ મોત પછી એની લાશ દટાય કે બળે નહીં એ માટે અમે અડગ રહ્યા. એ ક્રુરતાથી મોતના ખબર જણાવતો આખરે મેઇન લેન્ડ કેબલ થયો અને બેરીની જગ્યાએ બીજા જેલર આવ્યા.

ક્રમશ: